સવાઈ માતા - ભાગ 65 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 65

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૬૫)
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત (વડોદરા)
લેખન તારીખ :૦૪-૦૫-૨૦૨૪

રમીલાને પાપાને ન મળી શકવાનો વસવસો રહ્યો પણ મેઘનાબહેને તેને આશ્વસ્ત કરી કે તેઓ આવતાં અઠવાડિયે રમીલાને મળવા તેનાં ઘરે જરૂરથી આવશે.

મેવાએ ફરી ડ્રાઈવિંગ સીટ સંભાળી અને તેઓ વીણાબહેનનાં કેન્દ્ર ઉપર પહોંચ્યાં. સુશીલાની હાલત ઘણી સુધારા ઉપર હતી. આજે વીણાબહેને તેના પતિ વિશળનું સરનામું લઈ બે ભાઈઓને તેની ખબર આપવા ઘરે મોકલ્યાં હતાં. આ તરફ મા કાલથી ઘરે આવી નથી તે જાણતાં શામળ પોતાની નોકરીમાં રજાઓ મૂકી તુરત જ મુંબઈથી આવી ગયો હતો. સવલી પાસે સ્નેહાનાં ઘરનું સરનામું અને ફોનનંબર હતાં. વીણાબહેને ત્યાં ફોન કરી સ્નેહાને હકીકત જણાવી. તે પોતાનો દીકરો લઈને મામા-મામી સાથે કેન્દ્ર ઉપર પહોંચી ગઈ.

અચાનક જ વિશળ-સુશીલા, સ્નેહા અને શામળ એકબીજાની સામે આવી ગયાં. શામળે ધરાઈને માને વહાલ કરી લીધું પછી તે પોતાનાં દીકરાને ટીકી-ટીકીને જોઈ રહ્યો. મામા-મામીથી જમાઈની આ તડપ ન જોવાતાં તેમણે સ્નેહાને ઈશારો કરી સુશીલને શામળના હાથમાં મૂકવા કહ્યું. સ્નેહાએ તેમ કરતાં જ શામળની આંખોમાંથી આંસુંનાં બંધ તૂટી પડયાં. તે સુશીલને છાતી સરસો ચાંપી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો. વિસળે તેને થોડું રડવા દીધો. પછી સુશીલને તેનાં હાથમાંથી લઈ તેની પીઠ ઉપર હાથ પસવારતાં તેને શાંત પાડ્યો. શામળ પોતાનાં આંસું લૂછવા રૂમાલ શોધતો પોતાનાં ગજવા ફંફોસતો હતો. ત્યાં જ સ્નેહાને તેના મામીએ હળવો ધક્કો મારી તેનો હાથરૂમાલ શામળને આપવા ઈશારો કર્યો. થોડું અચકાતાં સ્નેહાએ તેને રૂમાલ ધર્યો.

શામળે રૂમાલ લેતાં તેનો હાથ પોતાનાં બે હાથ વચ્ચે પકડી માફી માંગી, "મને માફ કર સ્નેહા. મેં તારું સુખ, તારું ઘર બધું છીનવી લીધું. જો, મને મારાં કર્મનું ફળ તરત જ મળી ગયું. મા ખોવાઈ ગયાં. પણ ક્યાંક ઈશ્વરને દયા આવી તે સવલી માસીના સહારે અહીં પહોંચી યોગ્ય સારવાર મેળવી ઝડપથી સાજાં થયાં."

સ્નેહા એમ ઝટ તેને માફ કરી શકે તેમ તો ન હતી. તેનો કોઈ વાંક જ ન હતો. કોઈકની ઈર્ષ્યાનો ભોગ તેનો ઘરસંસાર બન્યો હતો. તેણે લગ્ન પહેલાં પણ ક્યારેય કોઈ વિશે વિચાર્યું ન હતું. અને પોતાની પાછળ પાછળ ફરતાં આ ગામનાં નવરાધૂપ છોકરાઓ વિશે પોતાનાં માતા-પિતાને પણ વાત કરેલ જ હતી. આજે જો માફી જ માંગવાની થતી હોય તો તો શામળને જ ભાગે પડતી હતી. વિસળે આ બાબત ઊતાવળ ન કરતાં વહુને કહ્યું, "વોવ, શું તમે એક-બે દિવસ આંય રેઈ હકહો? આ શામળ તંઈથી નોકરી છોડીન આંય આવી જાય પસી એ સુશીલાનં આંયથી લેઈ જાહે. અટાણ મારેય માર માબાપ હાટુ ઘેર જવું જ પડહે."

મામા-મામીને વાત સુધરતી લાગી પણ હજી સ્નેહાએ કોઈ તૈયારી ન બતાવી. તેનું મન ઘણું ઘવાયું હતું. સુશીલાનો કે વિસળનો તેમાં કોઈ વાંક જ ન હતો પણ આખરે તેઓ શામળનાં માતાપિતા જ હતાં ને? સ્નેહાને તેમની સાથે રહેવાનો હાલ પૂરતો કોઈ ઊમળકો થયો નહીં.

વીણાબહેન વચ્ચે બોલ્યાં, "સ્નેહા, સમજી શકું છું કે આટલું નાનું બાળક લઈ તમને અહીં રહેવાની ઈચ્છા એકદમ ન થાય પણ, તમે સવારે થોડી વાર આવી જજો. બાકી આ મેઘા અને બીજી દીકરીઓ સાથે સુશીલાબેનને સારું લાગે છે.

મામા-મામીએ સુશીલાને સાંત્વના આપી કે સૌ સારાં વાનાં થઈ રહેશે અને તેઓ જવાની તૈયારી કરવા માંડ્યાં. સુશીલા તેમને હાથ જોડી રહી. વિસળ તેમને મૂકવા બહાર સુધી ગયો અને સ્નેહાએ તેડેલ સુશીલને માથે હાથ ફેરવી રહ્યો. સ્નેહાને ઘણુંય થયું કે તે રોકાઈ જાય અને ફરી સાસુ-સસરા જોડે રહેવા લાગે પણ શામળે કરેલ અવિશ્વાસ અને તેને માથે ચડાવેલ ખોટા આળથી તેનું ભાંગેલું મન કોઈ જ સમાધાન ઈચ્છતું ન હતું.

મામા-મામી તેની ભાવના સમજતાં એટલે જ તેને કોઈ દબાણ કરી રહ્યા ન હતાં. જો કોઈ આરો ન જ નીકળે તો સ્નેહા ભણેલી હતી અને સુંદર કંઠની માલિક પણ હતી. તેણે શાસ્ત્રીય ગાયનની પૂરાં સાત વર્ષની તાલીમ લીધેલ હતી. તેનાં ગુરુ પં. મેઘના શાસ્ત્રીનાં આખાય દેશમાં અનેક કાર્યક્રમો થતાં જેમાં તે પહેલાં પણ મદદનીશ ગાયિકા તરીકે જતી હતી. મામા-મામી સુશીલને શાળાએ બેસાડી સ્નેહાને તેની કારકિર્દી ઘડવાની તક આપવા માંગતાં હતાં. સ્નેહાનો વિચાર પણ એવો જ હતો. આ દરમિયાન તે દરરોજ સાંજે ગુરુ આશ્રમે જઈ બે-બે કલાક રિયાઝ કરતી હતી. જીવનન આગળ ધપાવવું તો જરૂરી જ છે ને? કોઈ ખોટી ઘટના બની જાય ત્યાં અટકી જઈ તેને વાગોળી રહી જીવી તો ન જ શકાય ને?

આમ, શામળ સતત તેનો ભૂતકાળ બની રહ્યો હતો. સુશીલના માથે મામા-મામી અને માતા-પિતા એમ ચારનાં હાથ હતાં. તેઓને સ્નેહાનું ઘર તૂટ્યાનો ભારોભાર રંજ હતો પણ વિના વાંકે દીકરી કુશંકાનો ભોગ બની, તે બાબતે શામળ ઉપર ખૂબ જ ગુસ્સો પણ હતો. હજી ઘરની બીજી કોઈ વ્યક્તિ તરફથી કોઈ તકલીફ હોય એ ચલાવી પણ લેવાય, જરૂર મુજબ તેમનાથી થોડાં અળગાં પણ રહી જ શકાય પણ પતિ કે પત્ની બેમાંથી એક તરફથી બીજાને કનડગત થાય એટલે તો સંસારરથ ખોડંગાતો જ થઈ જાય. બેયને એકબીજા માટે સન્માન તો હોવું જ ઘટે અને તેથી ય ઉપર વિશ્વાસ, હા વિશ્વાસ એ આશા જેવો છે. જો માનવીનાં મનમાંથી આશા કે વિશ્વાસની બાદબાકી થઈ જાય તો જીવન ઘણુંય દોહ્યલું બની જાય. હવે, જે થાય તે આગળ વિચારાશે એમ સમાધાન કરી તેઓ ઘર તરફ વળ્યાં.

રમીલા આવી ત્યાં સુધીમાં તેઓ જઈ ચૂક્યાં હતાં. શામળ મા નો હાથ પકડીને ઉદાસ બેઠો હતો. વિસળ મેઘા પાસેથી સુશીલાને કેવો ખોરાક આપવો તે સમજી રહ્યો હતો. મેવો, રાજી અને રમીલા બાળકો સાથે આવતાં સવલી રાજીરાજી થઈ ગઈ. વીણાબહેન સાથે દીકરા-વહુની તેણે ઓળખાણ કરાવી.

ક્રમશઃ

અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા