સવાઈ માતા - ભાગ 64 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 64

આજે પહેલી જ વખત એમ બન્યું કે મેઘનાબહેન અને રમીલાને સાથે જોઈ મેવાને ઈર્ષ્યા ન આવી કે ન તો પોતાનું નસીબ નબળું લાગ્યું. મેઘનાબહેને બધાંયને હૂંફાળો આવકાર આપ્યો. રમીલાએ તુષારને હાથમાંથી નીચે ઊતાર્યો. તે જોઈ રાજીએ પણ દિપ્તીને નીચે મૂકી દીધી. બેય બેઠકખંડમાં આમતેમ દોડવા લાગ્યાં.

મેઘનાબહેન અને નિખિલ રાજી અને મેવાને સોફા સુધી દોરી ગયાં. ચારેય બેઠાં. રમીલા રસોડામાં ગઈ. અહીંથી જ કેળવાયેલી રોજિંદી આદત મુજબ હાથ ધોઈને બધાં માટે પાણી લઈ આવી. રાજી સાદું પણ સુઘડ ઘર જોઈ ખૂબ ખુશ થઈ. આ પહેલાં મેવો જ્યારે પણ આવતો, તે રમીલા પાસે રૂપિયા માંગવા જ આવતો અને બારણેથી પાછો સિધાવતો. આ બાબતે થોડી બોલાચાલી પણ સમીરભાઈ અને મેઘનાબહેન સાથે કરી ચૂકેલો. પણ આજે તે એક સરળ માનવ બનીને આવ્યો હતો. તેને ખરેખર સારા રસ્તે ચાલી પોતાનું જીવન જીવવાની હોંશ જાગી હતી.

હમણાં જ હળવું ભોજન કર્યું હોઈ કોઈનેય ખાસ ભૂખ ન હતી. પણ નિખિલ આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો જે તે બધાં માટે બાઉલમાં કાઢી લાવ્યો હતો જેની બધાંએ લિજ્જત માણી. દીપ્તિ અને તુષારને મેવાએ જાતે જ આઈસ્ક્રીમ ખવડાવ્યો. બેય પોતાનો વારો આવવાની રાહ જોઈ મોં ખોલીને મેવા સામે જોઈ રહેતાં. તે જોઈ બધાંને હસવું આવી રહ્યું હતું. એકાદ કલાક આડીઅવળી વાતો કર્યા પછી મેઘનાબહેન મૂળ વાત ઉપર આવ્યા.

મેઘનાબહેન, "ભાઈ મેવા, મને તારાં પિતાજીએ કહ્યું હતું કે તેં હેવી વ્હીકલનું લાયસન્સ લીધેલ છે?"

મેવો, "હા બુન. પંન મેં જા'ર લીધેલું ન તિયાર ડરાઈવર બોવ ભણેલ ન ઓય તો ચાલતું. મનં તો થોડા બોરડ વોંચતા આવડે બાકી તો હંધુય ચિતરથી ઓળખું."

મેઘનાબહેન, "તે એમાં કોઈ જ વાંધો નથી. તને ચલાવવાની પ્રેક્ટિસ ખરી?"

મેવો, "ગયા વરહે જંઈ કોમ કરતો, ઈમનં તંય ટરક ઉતી, તે ચલાવતો. દસ કલાક તો ખેંચી નાખતો. પણ પછી કાંઈ ચલાઈવું નથ. પણ આ, કોમ મલહે તો બોવ મે'નત ને ઈમાનદારીથી કરા. અવ નોકરી ની છોડા."

મેઘનાબહેન, "ના, ના, બહુ મહેનતનું નહીં પણ મોટી જવાબદારીનું કામ છે, જવાબદારી ગંભીરતાથી નિભાવીશને તો કામ કરવામાં મજા આવે એવું છે."

વચ્ચે રાજી ટહુકી, "તે બુન, અવ તો મે' નત ને ઈમાનદારીથી જ રોટલા રળવા એવું ઈમણે નીમ લીધું સ. આ રમુડી...," પછી તેણે પોતાની જીભ દાંત વચ્ચે દબાવી દીધી. થોડી ઓઝપાઈ ગઈ.

મેઘનાબહેન હસીને બોલ્યા," તો શું થ ઈ ગયું કે રમીલા ભણીગણીને મોટી ઓફિસમાં ઉચ્ચ પદે બિરાજે છે? તારા માટે તો એ જ બાળપણની રમુડી રહેશેને? કેમ, બરાબર ને દીકરા?"

રમીલાએ રાજીના બેય ખભે પોતાનાં હાથ મૂકતા કહ્યું, "સાચી વાત મોટી મા. મારા માટે જેમ તે રાજીભાભી ન બનતાં બાળસખી રાજી જ રહી, તેમ તેનાં માટે પણ હું રમુડી જ રહીશને!"

રાજી પોરસાતાં બોલી, "તે રમુડીન જેમ જ આ દીપ્તિ નં તુસારને ભણાવવા સ. અમ તો નિહારથી ભાગીનં ઘેર આઈ જતાં. માસ્તર ખિજાય પણ મા નં બાપુનં ઘરકામ કરી દૈયે એટલે રિઝેલાં રયે તે અમ તો અભણ જ રેઈ ગ્યાં." તેનાં વાક્યો પૂરાં થતાં સુધીમાં તો તેની આંખે આંસુનાં પડદા છવાયાં.

રમીલા તેનો ખભો પસવારી રહી.

મેઘનાબહેને વાત આગળ માંડી, "વીણાબહેનનાં એક બહેન છે. તેમની પોતાની શાળા છે. નાનાં મોટાં બાળકો શહેરની ચારેય દિશાઓમાંથી ત્યાં ભણવા આવે. કોઈનેય રિક્ષામાં કે માતાપિતાનાં વાહનમાં આવવું તેઓ માન્ય નથી રાખતાં. કોઈપણ વધારાની ફી લીધાં વિના આખાંયે શહેરમાંથી સવારે લગભગ સાત વાગ્યા સુધીમાં બાળકોને એકઠાં કરી બસોમાં બેસાડી સ્કૂલ લઈ જવાય અને બપોરે લગભગ દોઢ વાગ્યે શાળા છૂટયા પછી તેઓને પોતપોતાના ઘર નજીકના સ્ટોપ ઉપર પાછાં ઊતારાય. આ પાછળ તેઓનો હેતુ એટલો જ કે શાળામાં ભણતાં લગભગ આઠસો બાળકો પાછળ એટલું જ પેટ્રોલ ડિઝલ બાળતાં વાહનો સવારે સ્કૂલ જાય અને પાછાં આવે તે જ રીતે બપોરે ફરીથી એટલો જ ધુમાડો થાય. કેટલાંય માનવકલાકો અને ઈંધણનો બગાડ ઉપરાંત ટ્રાફિક વધે. તેઓએ અઢાર બસો રાખી છે - દરેકમાં લગભગ પચાસ બાળકો બેસે. દૂરથી આવતાં શિક્ષકો તેમજ ઓફિસ સ્ટાફને પણ તેમાં જ છોડાય. આમ એક પબ્લિક વ્હીકલ વાપરવાની ટેવ પહેલેથી જ કેળવાય. આવી જ એક બસ તારે ચલાવવાની."

આ સાંભળી મેવાના ચહેરા ઉપર ખુશી આવી ગઈ. તે બોલ્યો, "આ તો મજેનું કામ. મન તો બોવ જ ગમહે."

મેઘનાબહેન આગળ બોલ્યાં, "વળી તને રહેવાની જગ્યા પણ ત્યાં જ મળી જશે. બાળકો નાનાં છે એટલે એ વધુ સારું રહેશે કે તારું કામ પૂરું થાય પછી બસને શાળાનાં પાર્કિંગમાં મૂકી તું ત્યાં ક્વાર્ટરમાં જ જતો રહે. એક બેઠકખંડ, એક શયનખંડ અને રસોડું, એમ લગભગ ચારસો ચોરસફૂટનાં ક્વાર્ટર્સ ત્યાં બનેલ છે. બધાં જ ડ્રાઈવર્સ, રસોઈયા, પટાવાળા, ઈલેક્ટ્રીશિયન, પ્લમ્બર બધાંને શાળાએ આ જ રીતે રાખેલ છે. કોઈનો પરિવાર મોટો હોય તો બે શયનખંડ વાળાં ક્વાર્ટર્સ પણ બનાવેલ છે. તારે શાળાનાં કામ સિવાય કોઈ જ કામ નહીં કરવાનું. અને હા, આગળ ભણવું હોય તો ત્યાં જ રહેતાં શિક્ષકો તમને રાત્રે ૦૯ થી ૧૧ વાગ્યા દરમિયાન ભણાવે પણ ખરાં. દસમા બારમા ધોરણની પરીક્ષા પણ આપી શકો."

રાજીની આંખોમાં કાજળની નીચે નવાં સપનાં અંજાઈ ગયાં. મેવો મલકતો રહ્યો. મેઘનાબહેને બેયની સંમતિ છે એમ સમજી લીધું. પછી તો રાજીએ ઘણાં પ્રશ્નો પૂછ્યાં અને મેઘનાબહેને જવાબો પણ આપ્યાં. વાતો વાતોમાં સાત વાગી ગયાં. રમીલાએ ઊઠવાની વાત કરી. મેઘનાબહેને બધાંને જમીને જવા કહ્યું પણ હજી વીણાબહેનનાં કેન્દ્ર ઉપર જઈ, સુશીલામાસીને મળી, માતાને લઈને ઘરે જવાનું હોઈ તેમને નીકળવું પડે તેમ હતું.

રમીલાએ ઊમેર્યું, "મોટી મા, હવે તો બાપુને પણ મજા આવે છે રાંધવામાં. તેમણે કદાચ રસોઈ બનાવી પણ દીધી હશે."

મેઘનાબહેને તેને સુખડીનો ડબ્બો ભરી આપ્યો અને એક એક નાનકડો કટકો બેય બાળકોનાં મોંમાં મૂક્યો. રમીલાની ભાભી, રાજીને વહુ ગણી એક મજાની ગુલાબી સાડી તેને આપી. રાજી તો આટલું સુંવાળું કપડું જોઈ ખુશ ખુશ થઈ ગઈ.

બધાંય ત્યાંથી વીણાબહેનનાં કેન્દ્ર તરફ જવા નીકળ્યાં.

ક્રમશઃ