કાંતા ધ ક્લીનર - 1 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 1

1.

સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી રહ્યાં હતાં.

કાચના ચકચકિત ડોર પર સફાઈદાર, કડક ઈસ્ત્રી કરેલા યુનિફોર્મ વાળો ગાર્ડ આવતા મહેમાનોને ડોર ખોલી, ઝૂકીને સલામ કરી સસ્મિત આવકારવા આપવા સજ્જ હતો. અંદર રિસેપ્શન કાઉન્ટર પર રાત્રી ડ્યુટી પૂરી કરવા આવેલો રિસેપ્શનીસ્ટ અરોરા ક્યારે મોર્નિંગ ડ્યુટી વાળો આવે અને ક્યારે પોતાની ડ્યુટી પૂરી થાય તેની રાહ જોતો વોલ પર દેશ વિદેશના ટાઇમો બતાવતી ઘડિયાળો સામે જોતો હતો. સામે લોબીમાં આરામદાયક સોફાઓ અત્યારે ખાલી પડેલા.

લોબીમાં કોઈ ન હતું. આજે ચેક આઉટ કરનારા દસ વાગ્યા આસપાસ ઉમટી પડશે અને બહાર ફરવા જનારા સહેલાણીઓ સૂરજનાં કિરણો ડોર પરથી ઉપર જઈ હોટેલનાં ગ્લોસી નેઇમ બોર્ડ પરથી પરાવર્તિત થાય ત્યારે એટલે કે લગભગ એક કલાક પછી શરૂ થવાના હતા.

બહાર રસ્તાઓ શાંત હતા. કદાચ અંદર તરફ ફર્સ્ટ ફ્લોર પર આવેલી રેસ્ટોરાંમાં early birds બ્રંચ જેવા બ્રેકફાસ્ટ માટે ગેસ્ટ લિફ્ટ માંથી ઉતરી હજી નાઈટ ડ્રેસમાં જ જતાં હશે.

રિસેપ્શનિસ્ટ અરોરાએ તેની સામેના રજીસ્ટરમાં દૃષ્ટિ નાખતાં પાનાં ફેરવ્યાં. આજે લગભગ આખી હોટેલ બુક હતી.

તેણે સર્વિસ લીફ્ટમાં થઈ ઉપર જતી હેડ ક્લીનર મોના મેથ્યુ સામે જોઈ ડોકું હલાવ્યું. મોનાએ સામે મારકણું સ્મિત કર્યું.

તેની આંખો શું ધારદાર હતી? સામે જુઓ તો છરાની જેમ ઘાયલ કરી દે એવી. કોઈ ધારદાર છરા જેવી જ અણિયાળી.

તે એ આંખોના જ વિચારમાં હતો. મ્યુઝિક સિસ્ટમ પર સવારનું કોઈ સ્ટેશન ગીત વગાડી રહ્યું હતું - 'તેરી આંખો કે સિવા દુનિયા મેં રક્ખા કયા હે..'

અરોરાએ પોતાની ટાઈ આમેય રાત વીતવા આવી હોઈ ઢીલી કરેલી. તે કોટનાં બટન ખોલી ઉતારવા જતો હતો ત્યાં તેનાં લાંબાં પહોળાં પોશ કાઉન્ટર પરનો ફોન રણક્યો.

કોઈ ગેસ્ટને જરૂર હશે એમ માની તેણે ફોન ઉપાડી 'હેલો, વેરી ગુડ મોર્નિંગ ' કહ્યું.

ફોન પર સામી બાજુ મોના મેથ્યુ હતી.

તેનથી એકદમ ચમકીને 'હેં..' એટલું જ બોલી શકાયું. તેનું મોં ખુલ્લું રહી ગયું.

"હોય નહીં. હોટેલ ટ્રાવેલર્સ હેવન માં? સ્યુટ નંબર 712 માં! ઓ બાપ રે..!" કહેતાં તેણે ફોન મૂક્યો.

હોટેલના પ્રોટોકોલ મુજબ કોઈ પણ વાત માટે ઝાઝી તો શું, નાની પણ હો હા કરી શકાય નહીં. બધું અહીં તો ફટાફટ થવું જોઈએ અને બને એટલું ચૂપચાપ.

અરોરાના હ્રદયના ધબકારા વધીને વગર કસરતે 100 ઉપર પહોંચી ગયા.

તેણે હોટેલના જનરલ મેનેજર મિ. રાધાક્રિશ્નનને ફોન લગાવ્યો.

સામેથી એકદમ ફ્રેશ અવાજ આવ્યો. "ગુડ મોર્નિંગ. કોણ, અરોરા? રાત્રે તમે હતા ડ્યુટી પર? ગુડ મોર્નિંગ. બોલો, બોલો."

સાહેબ વહેલા ઊઠી જાય છે. અત્યારે તો એમનો વર્કઆઉટ પણ પૂરો થઈ ગયો હશે.

"સર, હમણાં જ કલીનિંગ સુપરવાઈઝર મોના મેથ્યુએ ઇન્ટરકોમ પર કહ્યું. સ્યૂટ નં. 712 માં બેડ પર લાશ પડી છે. એ પણ આપણા frequent visitor અને વીઆઇપી ગેસ્ટ મિ. અર્ચન અગ્રવાલ ની."

થોડી ક્ષણ સામેનો ફોન જાણે ડેડ થઈ ગયો હોય તેમ મૌન રહ્યો. પછી ઊંડા શ્વાસનો અવાજ આવ્યો. રાધાક્રિશ્નન સાહેબ પણ અવાક્ થઈ ગયા હોય એમ લાગ્યું.

"લૂક અરોરા, નાવ ડુ નોટ ગો હોમ. એન્ડ લેટ નો વન બી નીયર ધેટ સ્યુટ. બાજુના સ્યુટમાં દુબઈથી આવેલા ગેસ્ટ છે, ખરું? જે સ્ટાફ ફ્લોર પર હોય તે તેઓને સીધા લિફ્ટ તરફ જવા કહે. આજે તો બુકિંગ ફૂલ છે તે મને ખ્યાલ છે.

એમ કરો, તમે જ પોલીસને ફોન કરી દો અને હું બસ, નીકળું જ છું. આ આવ્યો." કહેતાં રાધાક્રિશ્નને ફોન મૂક્યો.

'ક્યાં આ બલા આજે જ આવી પડી? આજે ઘેર સાસુ, સસરા અને સાળી આવવાનાં છે. સાલી, સાળી સાથે બે ઘડી રંગત માણવા નહીં મળે. ઘરવાળી પણ રાહ જોતી હશે. રાતના તો એસિડિટી હતી ને પેટ ભારે હતું એટલે ખીચડી ખાઈને આવેલો. ઘેર જઈને ..' વિચારતાં જ અરોરાને એસિડિટી વધી ગઈ. પેટમાં તો બટરફ્લાય ઉડયાં, જોરદાર બળતરા ઉપડી. એ સાથે ટોઇલેટ જવાની જોરદાર ઈચ્છા થઈ.

'ફોન બે મિનિટ પછી કરીશ તો લાશ ઊભી થઈને ભાગી નહીં જાય. મારું અર્જન્ટ કામ પતાવું. ' કહેતા અરોરા ગ્રાઉન્ડ ફ્લોર પર એક ખૂણે સ્ટાફ માટે આવેલ વોશરૂમ તરફ દોડ્યા.

પાછળથી ખાલી કાઉન્ટર પર ફોન ચીસો પાડતો રણકતો રહ્યો.

ક્રમશ: