Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 41 - (છેલ્લો ભાગ)

૪૧

વિદાયવેળાએ

પણ કાલમહોદધિ કોઈને માટે થોભતો નથી. વિદાયની વેળા પાસે ને પાસે આવી રહી હતી. પહેલાં ગુરુ અસ્વસ્થ થયા.

કેટલાકના જન્મ ભવ્ય હોય છે. કેટલાકના જીવન ભવ્ય હોય છે. કેટલાકનાં મૃત્યુ ભવ્ય હોય છે. જન્મ, જીવન, અને મૃત્યુ ત્રણે ભવ્ય કોઈ વિરલનાં જ હોય છે. 

હેમચંદ્રાચાર્યની જન્મરેખાએ ગુરુ દેવચન્દ્રાચાર્ય જેવા ત્રિકાલજ્ઞને પણ ડોલાવી દીધા હતા. એ નાનકડો ચાંગદેવ જુવાન સોમચંદ્ર બન્યો અને વિદ્વાનો ડોલી ગયા! તેઓ હેમચંદ્ર થયા, અને પાટણના બબ્બે મહાન નૃપતિઓ એમનાં ચરણે બેઠા! અને છતાં એમણે પોતે તો પોતાની પળેપળ સરસ્વતીનાં ચરણે મૂકી.

આજ હવે એ ગુરુની વિદાયવેળા આવી ગઈ હતી. કોઈને ખબર ન હતી, પણ એ પણ એમના તમામ જીવન કરતાં વધુ ભવ્ય નીવડવાની હતી!

સોમનાથથી પાછા ફર્યા પછી તો અનેક યાત્રાઓ ગુરુએ અને રાજાએ બંનેએ સાથે કરી હતી. અનેક વિહારો બંધાવ્યા, મંદિરો બંધાવ્યા, શકુનિકાવિહારના મહોત્સવમાં પોતે જઈને આમ્રભટ્ટને મહારાજે માન આપ્યું!

પણ હવે ગુરુનું શરીર વૃદ્ધ થયું હતું. રાતદિવસની અથાક મહેનતે એ લથડ્યું હતું. એમાં રહેલા આત્માએ વધારે સુંદર દેહની માંગણી કરી હતી. 

ગુરુ હસ્યા: ‘રામચંદ્ર! દેહ વિના બળવાન આત્મા પણ પાંગળો બનતો લાગે છે!’

ગુરુની વાણી સાંભળીને રામચંદ્ર ચમકી ગયો. તે સજળ નયને ગુરુની સામે જોઈ રહ્યો, બોલી કાંઈ શક્યો નહિ. 

બીજે દિવસે પ્રભાતે યોગશાસ્ત્રના ધ્યાનથી મુક્ત થઇ, લહિયાઓએ પાસે મૂકેલી યોગપોથી ઉપર એક દ્રષ્ટિ ફેરવી, ગુરુ બેઠા હતા ત્યાં જ, આસન ઉપર લાંબા થઈને સૂઈ ગયા. રામચંદ્રને બોલાવ્યો: ‘રામચંદ્ર! મને હવે ઠીક નથી આસન કરાવો!’

વીજળીવેગે પાટણમાં એ સમાચાર ફેલાયા. લોકોનાં ટોળેટોળાં આવવા માંડ્યા. મહારાજ કુમારપાલ પોતે મહાલયમાંથી તરત દોડ્યા. વૈદોના ઉપચાર શરુ થયા. મહારાજે ઘોષણા કરવી: ‘જે કોઈ ગુરુને નિરામય કરી દે, એક કોટિ દ્રમ્મ ઉપાડી લે!’

ગુરુ હેમચંદ્રે પોતાનું જગત જીતનારું સ્મિત કર્યું. મહારાજ તરફ દ્રષ્ટિ ફેરવી: ‘રાજન્! મુકામ કરતી વખતે એટલો આનંદ હતો, હવે ઊપડતી વખતે આવો શોક? અને આ ધાંધલ? આ સ્થાનમાં વસેલાને પણ વધારે સારા સ્થાનની અપેક્ષા નહિ હોય?’

એટલામાં અર્ણોરાજ આવ્યો. તેણે મહારાજને એક તરફ બોલાવ્યા. કાંઈક એમના કાનમાં કહ્યું. મહારાજ ગંભીર થઇ ગયા: ‘હેં! શું કહો છો?’

‘પ્રભુ! કપર્દિકજીએ પોતે કહ્યું ને!’

‘ક્યાં છે ભાંડારિકજી? બોલાવો એમને...’

ગુરુની દ્રષ્ટિ રાજા અને આનકરાજ તરફ જ હતી. તેમણે હાથની જરા નિશાની કરી. મહારાજ એ તરફ ગયા. ‘મહારાજ! હવે શું કરવા ધમાલ કરો છો? આનકજીને વિષહર સિપ્રા (છીપ) લેવા મોકલ્યા. તમે પ્રેમને વશ થઇ એને પણ અજમાવી લેવા માગતા હતા – વાગ્યું તો બાણ કરીને એ મારાથી અજાણ્યું નથી રહ્યું. પણ એ ખોવાણી હોય તો ખોવાવા દો.

ગુરુએ એક સ્થિર દ્રષ્ટિ રાજા તરફ કરી. કુમારપાલ મહારાજને નેત્રમાં અશ્રુબિંદુ આવી ગયું. તેમણે બે હાથ જોડ્યા: ‘પણ પ્રભુ! એ સિપ્રા હશે ક્યાં?’

ગુરુ પડખું ફરી ગયા: ‘ક્યાંય નહિ, રાજા!’ તેમણે કહ્યું: ‘આજે મારે જવાનું છે રાજન્!’

મહારાજ કુમારપાલ ગુરુના ચરણ પકડીને ત્યાં માથું ઢાળીને બેસી ગયા. ગુરુએ પ્રેમથી તેમના માથા ઉપર હાથ મૂક્યો: ‘કુમારપાલજી! તમને કોઈકે પરમ માહેશ્વર કહ્યા, મેં પરમાર્હત કહીને બિરદાવ્યા, પણ તમે તો જીવનભર પરમ માનવ રહ્યા છો! હેં રાજર્ષિ! પરમ માનવ જ રહેજો! તમે હવે શોક ન કરતાં. તમારો મુકામ પણ, હે રાજા! હવે આંહીં બહુ સમય નહિ હોય! મહોત્સવના આ પ્રસંગે હવે એકે આંસુ ન પાડતા. હવે કોઈ ઘોષ ન કરાવતા. આ તો એક પ્રકારનો મહોત્સવ ગણાય, જ્યારે માણસના જીવનનું મહારસાયન એક જ છે, રાજર્ષિ મૃત્યુ. 

ગુરુ શાંત, સ્વસ્થ રીતે આંખ મીચી ગયા. તેમની મુખમુદ્રા ઉપર એક પરમ જ્યોતિ રમી રહી. તેમના મોમાંથી સુંદર, શુદ્ધ વાણી આવી રહી હતી. 

‘હે આત્મા! તું જ દેવ છે. તું જ ત્રણ ભુવનને અજવાળનાર દીપક છે. તું જ બ્રહ્મજ્યોતિ છે. તું જ સમસ્ત વિષયોના શ્વાસ ને પ્રાણરૂપ છે. તું જ કર્તા ને ભોક્તા છે. તું જ જગતમાં ગતિમાન છે અને સ્થિર પણ તું જ છે. અરે આવું પોતાનું સ્વરૂપ જાણ્યા પછી બહિરપણું ક્યાં રહ્યું?’

રાજર્ષિ કુમારપાલનાં નેત્રોમાંથી અશ્રુધારા છૂટી. એમણે સ્વસ્થ, ગંભીર સ્વરે કહ્યું: ‘ધન્ય જીવન! ધન્ય મૃત્યુ! મૃત્યુનો મહોત્સવ રચાવો, રામચંદ્રજી!’ 

 

વાર્તા આગળ વધશે ‘નાયિકાદેવી’માં