Rajashri Kumarpal - 40 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 40

૪૦

સોમનાથપ્રશસ્તિ

બીજે દિવસે પ્રભાત થતાંમાં તો સોમનાથ મંદિર તરફથી આવતા મંગલ વાજિંત્રોના સૂરોએ રાજાની છાવણીને વહેલી જ જગાડી દીધી હતી. ભાવ બૃહસ્પતિ, કવિ વિશ્વેશ્વર, મહાશિલ્પી વિંધ્યદેવ, સોરઠના રા’ મહીપાલદેવ, આભીર ગમદેવ, રાણા સામંતો, મંડલેશ્વરો, મંડલિકો, ઉપરાજાઓ, સેંકડો પ્રજાજનો – મોટો સમૂહ રાજાનો સત્કાર કરવા સામે આવતો હતો. 

મહારાજ કુમારપાલ પણ પગપાળા જ ચાલી રહ્યા હતા. માનવસમૂહના ઉલ્લાસની કોઈ સીમા ન હતી. સૌને પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતર્યું જણાતું હતું. 

ભાવ બૃહસ્પતિ આવ્યા અને મહારાજ કુમારપાલને પ્રેમથી આશિર્વાદ આપતા ભેટ્યા. કવિ વિશ્વેશ્વરે પ્રશસ્તિ કરી. વિંધ્યદેવે નમન કર્યું. રાજા-રાણાએ પ્રણામ કર્યા. મહારાજે સૌને પ્રેમથી સમાચાર પૂછ્યા. એટલામાં તો જનસમૂહમાં જાણે એક લાંબી કેડી પડી ગયેલી દેખાણી. રાજાએ ત્યાં દ્રષ્ટિ કરી: ત્યાં ગુરુ હેમચંદ્રાચાર્ય પોતે આવી રહ્યા હતા!

ભાવ બૃહસ્પતિ, મહારાજ કુમારપાલ અને ગુરુ હેમચંદ્ર – એ ત્રણેને એકસાથે ત્યાં જોતાં લોકમેદનીએ ભગવાન સોમનાથનો જયઘોષ ઉપાડ્યો. ને બંને હાથ જોડીને ત્રણે મહાનુભાવોએ એ પ્રેમથી ઝીલી લીધો!

ગુરુ હેમચંદ્રાચાર્યને પોતાનું સ્વપ્ન સિદ્ધ થતું લાગ્યું – સમન્વય સ્થાપવાનું. ધીમેધીમે તેઓ બધા આગળ વધ્યા. મંદિરના સાંનિધ્યમાં આવ્યા ત્યારે ઘડીભર ઇન્દ્રભવન જેવી ત્યાંની શોભા નિહાળીને છક થઇ ગયા. શિલ્પી વિંધ્યદેવે માત્ર સ્વર્ગને નહિ, એની તમામ હવાને પણ જાણેકે પૃથ્વી ઉપર ઉતારી હતી.

સેંકડો સ્તંભોની હારાવલિએ મંદિરની વિશાળતાને એવી શોભા આપી હતી કે ઘડીભર એમ જ લાગે કે જાણે કોઈએ આંહીં દેવભવન રચી દીધું છે. પથ્થરે પથ્થરમાં રહેલી કવિતાને વિંધ્યદેવે ઊભી કરી હતી. દરેક પથ્થર પોતાની અનોખી કવિતા બોલે છે એ વાતની જાણે કે પ્રતીતિ કરાવવા માગતો હોય તેમ ત્યાં કોઈ ખૂણો એવો રહ્યો ન હતો, જ્યાં કાવ્ય બેઠું ન હોય. કોઈ દિશા એવી ન હતી, જ્યાં સૌંદર્ય ન હોય. કોઈ વસ્તુ એવી ન હતી, જે રમણીય ન હોય. અસંખ્ય પ્રતિમાઓથી વિંધ્યદેવે આખું મંદિર શણગારી કાઢ્યું હતું. નીચેની ગજપંક્તિ, અશ્વપંક્તિ, માનવપંક્તિથી માંડીને કળશની ટોચ સુધી માણસ નજર કરી જાય – ક્યાં રમણીયતા વધુ છે એનો નિર્ણય જ એ ન આપી શકે. આખું મંદિર – સાંગોપાંગ – આંખમાંથી અંતરમાં ઊતરી જાય એવી પરમ શોભા ધારી રહ્યું હતું! 

પગથિયાં ચડીને સૌ ઉપર આવ્યા ને વિંધ્યદેવની સૃષ્ટિએ પલટો લીધો. અત્યાર સુધી પથ્થરની પ્રતિમાઓમાંથી કાવ્ય આવી રહ્યું હતું – હવે તો એણે ઠેકાણે-ઠેકાણે મૂકેલ કાવ્યમાંથી જાણે મૂંગી વાણી આવી રહી! મહાદ્વારપાલ નીલકંઠની, સમુદ્રના હજારો તરંગોને નિહાળી રહેલી દ્રષ્ટિ પડી – દ્રષ્ટિએ પડી, અને સૌ આશ્ચર્યચકિત થઈને થંભી જ ગયા!

કેવળ વિંધ્યદેવના આત્મામાંથી જ આ આત્મા ઊભો થઇ શકે!

નીલકંઠ ત્યાં ઊભો હતો. એના કાન જાણે રાતદિવસનો સમુદ્રઘોષ સાંભળી રહ્યા હતા. આંખ હજારો તરંગોને નીરખી રહી હતી. મુખમુદ્રા સેંકડો વેદનાઓને પી રહી હતી. એની મૂંગી વાણી હજારો સંદેશાઓ આપી રહી હતી! આ પ્રતિમાને જોતાં જ સૌના મસ્તક વગર કહ્યે જાણે કે એને શાંત રીતે નમી પડ્યાં! સૌનાં દિલમાં એની મૂંગી સમર્પણકથા ઊભી થઇ ગઈ!

આગળ ચાલ્યા, વિંધ્યદેવે એકએક સ્તંભમાં એકએક અદ્ભુત કથા મૂકી હતી. ક્યાંક સમુદ્રપાન હતું. ક્યાંક વિષપાન હતું. કોઈ ઠેકાણે સમુદ્રમંથન હતું. ક્યાંક અગ્નિપરીક્ષા હતી. જીવી ગયેલી પ્રજાનો જાણે એણે આખો ઈતિહાસ દીધો હતો. ચાર પાસાવાળા રૂચક, છ પાસાવાળા ષડાશ્રક, આઠ પાસાવાળા સ્વસ્તિક અને તદ્દન ગોળાકાર એવા વૃત્તસ્તંભોનો વિંધ્યદેવે એવી તો કુશળતાથી ત્યાં મૂક્યા હતા કે એની રચનામાંથી જોનારની દ્રષ્ટિને અસંખ્ય સ્તંભાવલિઓ ત્યાં ઊભી રહી ગઈ હોય એમ દેખાયા કરે! સોમનાથના મંદિર તરફ સૌ ગયાં. હવે તો જનસમૂહનો ધસારો એટલો વધ્યો હતો કે જાણે મંદિર-આખું માથાથી કળશ સુધી માણસોનું જ બની ગયું હતું! પથ્થરને સ્થાને માણસો જ માણસો જણાતાં હતાં. મંગલ વાજિંત્રના ઘોષ થવા માંડ્યા. વૈદિક ઋચાઓના ધ્વનિથી આકાશ વ્યાપ્ત થઇ ગયું. દીપાવલિના પ્રકાશથી આખું મંદિર સોનાના રંગનું હોય તેવું શોભી ઊઠયું. ભાવ બૃહસ્પતિના ખભા ઉપર પ્રેમથી હાથ મૂકીને આચાર્ય હેમચંદ્ર આગળ વધ્યા. પ્રવેશદ્વાર પાસે ઊભા રહ્યા. ભગવાન સોમનાથની મૂર્તિને ત્યાં પ્રત્યક્ષ નિહાળતાં રાજા ગદગદ કાંઠે થઇ ગયો. તેણે લાંબા થઈને સોમનાથનાં ચરણમાં પ્રણામ કર્યા. 

‘પણ ગુરુ આ દેવને પ્રણામ કરશે?’ એવો એક સહેજ ધ્વનિ – સુરુચિનો ભંગ દર્શાવતો હતો – કોઈક દિશામાંથી આવતો રાજાને કાને પડ્યો-ન-પડ્યો અને રાજાના ભંડારમાંથી અર્ણોરાજ પોતે જ ત્યાં એક પવિત્ર વસ્ત્ર લઈને ઊભેલો દેખાયો! રાજાએ એને કહી રાખ્યું હતું. રાજાએ હેમચંદ્રાચાર્ય સામે દ્રષ્ટિ કરી. આચાર્યની મુખમુદ્રા ઉપર અજબ શાંતિ બેઠી હતી. સૌ મંદિરના અંદરના ભાગમાં ગયા. અને વિંધ્યદેવની આખી મન:સૃષ્ટિ જ જાણે ત્યાં ફરી ગઈ હોય તેમ દેખાયું. હેમચંદ્રાચાર્ય શિલ્પીની આ સૃષ્ટિ વિશે વિચાર કરતાં પ્રસન્ન-પ્રસન્ન થઇ ગયા! ત્યાં અંદર કોઈ જ પ્રતિમા ન હતી. ક્યાંય યત્નભરી શોભા ન હતી. પ્રયત્નથી કંડારેલી કોઈ મૂર્તિ પણ ન હતી. કેવળ જાણે કે સાદી, સુંદર, અત્યંત પવિત્ર હવાને ત્યાં કોઈએ ઊભી કરી દીધી હોય એવું કાંઈક લાગે – માણસના દિલમાં એવી કલ્પના જાગી ઊઠે – એવી મનોરમ, સાદી, અણિશુદ્ધ રમણીયતા ત્યાં બેઠી હતી!

એ જગ્યાએ ઊભા રહેતાં જ હેમચંદ્રને લાગ્યું કે કૈલાસનું શિખર આવું જ હોય – એટલું સાદું, સ્વચ્છ, રમણીય, પ્રશાંત, આનંદમય, પવિત્ર, હવામય!

હેમચંદ્રાચાર્ય તરફ રાજાએ જોયું તો આનકે આપેલું પેલું વસ્ત્ર ઓઢી લઈને ગુરુ નીમિલિત નયને – બે હાથ જોડીને અત્યંત મધુર વાણીમાં ધીમા સ્વરે બોલી રહ્યા હતા; એ વાણીમાં એટલી મોહક મધુરતા છલકાતી હતી કે તમામનાં માથાં, જોડાયેલા બે હાથ ઉપર, નીચાં ઢળી પડ્યાં. આંખો બંધ થઇ ગઈ; ભગવાન શંકરનું દર્શન ત્યાં પ્રગટ્યું. 

આજે પહેલી જ વખત જાણે સૌ સમજતા હતા કે કલ્પના વિનાની દેવપૂજા એ તો અધમમાં અધમ અને નિર્જીવમાં નિર્જીવ વસ્તુ હતી. 

માણસની કલ્પના વડે જ દેવમાં દેવત્વ આવે છે; અને દેવત્વ વડે જ માણસ દેવ બને છે!

પહેલી જ વખત આ જ્ઞાનદીપની જ્યોતિ એમને જોઈ. ગુરુ હેમચંદ્રાચાર્યે ભગવાન શંકરની આરાધના શરુ કરી. 

હેમચંદ્રાચાર્યની પ્રાર્થના પૂરી થઇ-ન-થઇ ને રાજા આગળ આવ્યો. તેણે ગુરુના કાનમાં કાંઈક કહ્યું: ગુરુ રાજાની સામે જોઈ રહ્યા. તેમણે પ્રેમભર્યો હાથ રાજાના મસ્તક ઉપર મૂક્યો: ‘રાજન્! આ ભાવ બૃહસ્પતિજી પોતે તમને કહેશે – અભય આપનારને દેવતાઓ અભય આપે છે. વિશ્વેશ્વરજી! ક્યાં ગયા?

વિશ્વેશ્વર આગળ આવ્યો: ‘મહારાજની ઈચ્છા થાય છે, પેલાં સંસ્કારી વ્રતોનું હવે સમાપન કરવાની. પણ હું કહું છું, વિશ્વેશ્વરજી! એ વ્રતો તો પરમ મંગલકારી છે!

માનવને અભય આપે તે માનવ, પણ પ્રાણીમાત્રને અભય આપે તે દેવતા. ગુર્જરધરાને જે સંસ્કાર તમે આપ્યો છે એ શું હવે લોપી નાંખવો છે, રાજન્? આટલા દિવસ આ વ્રતના સેવનથી તમને જો આનંદ મળ્યો હોય તો એ આનંદ હવે સમસ્ત પ્રજાનો થવા દો!’

રાજા કુમારપાલ વિચારમાં પડી ગયો. વાત આચાર્યની સાચી હતી. પ્રજામાં ફેલાયેલો સંસ્કાર નિત્યનો કરવો હોય તો પોતે જ પહેલાં નિત્યવ્રતધારી થવું ઘટે. એ વખતે તો એ બે હાથ જોડીને જરા આઘે ખસી ગયો. 

તે દિવસે સાંજે એક મહાન ઘોષ લાખો જાત્રાળુઓને સંભળાઈ રહ્યો: ‘ગુર્જરધરા આજથી હંમેશને માટે મદ્ય છોડે છે. માંસ છોડે છે. પ્રાણીહિંસા તજે છે! મહારાજ કુમારપાલે એ જીવનવ્રત ધાર્યું છે!’

જૈનોએ આ ઘોષણામાં જૈનત્વનો વિજય જોયો. રાજાને પોતાનો જીવનવિકાસકર્મ એમાં જણાયો. હેમચંદ્રાચાર્યને મન એ ગુજરાતનાં સંસ્કારવારસાનો ઘોષ હતો. પ્રતિસ્પર્ધીઓને એમાં ધર્મ-ઉચ્છેદ લાગ્યો. માત્ર એક કાલભગવાનને એમાં પણ પોતાની જ રમતનો એક પટ દેખાતો હતો!

ત્યાર પછી રાજા કુમારપાલ જ્યારે સૌરાષ્ટ્રમાંથી પાછો ફર્યો ત્યારે એણે હવે જાતને અને ગુજરાતને ઘડવા માંડ્યા. ધર્મવૃત્તિમાં જ એ વધુ ને વધુ લીન થતો ગયો. એને ‘योगेनान्ते तनु त्यजाम्’ એ સિદ્ધિની પણ સિદ્ધિ આકર્ષી રહી હતી.  

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED