રાજર્ષિ કુમારપાલ - 2 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 2

મહાપંડિત દેવબોધ

દેવબોધ વિશે આનકે કહેલી વાત એક રીતે સાચી હતી. રાજા કુમારપાલનું વલણ જૈનધર્મી થતું જાય છે, એ જોઇને સામંતો, શૂરવીરો, ક્ષત્રિયો અને બ્રાહ્મણોમાં એક પ્રકારનો ગુપ્ત તેમજ પ્રગટ વિરોધ ઊભો થયો હતો. ભૃગુકચ્છમાં રહેલા દેવબોધને એ ખબર પડી. તે પાટણમાં આવી પહોંચ્યો. 

એણે આવતાંવેંત પહેલું કંટેશ્વરીદ્વાર ઉપર આહ્વાનપત્ર જ મૂક્યું. એની ભાષામાં શાર્દૂલનો ગર્વ હતો. મદોન્મત ગજરાજનું ગૌરવ હતું. દેવબોધને પાટણ નવું ન હતું કે પાટણને દેવબોધ નવો ન હતો. એક વખત મહારાજ સિદ્ધરાજ જેવાને જેણે ભોંય ઉપર બેસાડીને પછી જ વાત કરી હતી એ આ દેવબોધ! એ વાત પાટણમાં નાનું શિશુ પણ જાણતું હતું. એના મસ્તકમાં વિદ્યાની અજબની ખુમારી રહેતી. એના જેવો પંડિત એ જમાનામાં કોઈ ન હતો. અને વળી એ તો મહાન તાંત્રિક પણ હતો. દેવી સરસ્વતી એને વશવર્તી કહેવાતી. એ વશવર્તી હોય કે ન હોય, પણ એની વાણીમાં વીજળીનું આકર્ષણ હતું એ ચોક્કસ. એના શબ્દોમાં અમોઘ બાણનો ટંકારવ હતો. દેવબોધ બોલે એટલે સાંભળનાર અવશ થઇ જાય એવી એની શક્તિ હતી. અત્યારે અહીં પાટણમાં જ્યારે એક પ્રબળ વર્ગ એવો હતો, જેને કુમારપાલનો દયાધર્મ અવિવેકી રીતે ભયંકર લાગવા માંડ્યો હતો, ત્યારે દેવબોધ જેવાની હાજરી જબરદસ્ત આંતરિક કલહને – સિંહાસન ડોલી ઊઠે એવા આંતરિક કલહને – નોતરે જ એમાં કાંઈ શંકા ન હતી. એટલે જ અર્ણોરાજે પોતાના સ્વભાવ પ્રમાણે, રાજનીતિનો પ્રથમ સિદ્ધાંત – ઊગતા દુશ્મનને મૂળમાંથી જ ઉચ્છેદવો એ ઉચ્છાર્યો હતો. પણ રાજા કુમારપાલ જુદું જ વાતાવરણ જીવનમાં અનુભવી રહ્યો હતો. અર્ણોરાજને એણે વધુ કહ્યું ન હતું, પણ ક્ષત્રિયધર્મની રક્ષકબાજુને તાત્કાલિક જ કઠોરતા તરફ વળી જતાં વાર લગતી નથી, એનો એ મનમાં વિવેક કરી રહ્યો હતો. એને તમામ ગુર્જરેશ્વરનું લોકવિખ્યાત ‘વિવેકનારાયણ’ બિરુદ અત્યારે મનમાં રમી રહ્યું હતું. વળી એ પોતે તો છેલ્લી ઘડીએ એક જ સચોટ ઘા’ની નીતિમાં માનનારો હતો.

‘અર્ણોરાજ!’ તેણે આગળ જતા અર્ણોરાજને મૂંગોમૂંગો ચાલતો જોઇને કહ્યું, ‘તને ખોટું લાગ્યું છે, કાં? તને પણ ઘણાની પેઠે પાટણમાંથી રજપૂતી લોપાતી લાગે છે કે શું?’

‘લોપાતી નહિ, મહારાજ! રંડાતી રાજપૂતી તો રહેશે, પણ આ કુટુંબકલહ રજપૂતીને સામસામી અથડાવી મારશે. મહારાજ વિચાર કરી રહ્યા છે “રુદતીવિત્ત” નો એ હું જાણું છું. પાટણમાં નાનું છોકરું પણ એ જાણે છે. ફક્ત ડિંડિમિકઘોષ થવો બાકી રહ્યો છે, પણ એના પ્રત્યાઘાત મહારાજ જાણે છે?’

(રુદતીવિત્ત એટલે વંશહિન પુરુષના મૃત્યુ પછી તેની તમામ સંપત્તિ તેની વિધવા જીવતી હોવા છતાં રાજા લઇ લે. કુમારપાલે આ રિવાજનો અંત આણ્યો હતો.)

‘શું?’

‘સૈનિક કોઈ એ ઈચ્છતો નથી, સામંતો એમાં રાજી નથી. મંત્રીઓ એમાં તળિયાસાફ ભંડારનો ભય જુએ છે. બોલનારા તો ત્યાં સુધી બોલે છે કે સાધુડાને રવાડે ચડીને રાજા સાધુ થવા બેઠો છે, પણ તુરુષ્કો આવશે ત્યારે હાથીસેનાને શું મજીઠના રોટલા ખવરાવીને સામે દોરશે? “રુદતીવિત્ત” આવે છે તો પાટણના રાજભંડાર ભર્યા છે! પછી ખાલી ભંડારે સૈન્ય દોરવું ભારે પડી જાશે! પાટણની આ હવા છે, મહારાજ! લોકો તો મશ્કરીમાં કહે છે કે રાજા તુરુષ્કો સામે સૈન્ય નહિ દોરે, વખતે એમને અસુખ થાય તો!’

કુમારપાલ આ ભયંકર કટાક્ષ ગળી ગયો. તે કાંઈ બોલ્યો નહિ, પણ એને ખબર હતી કે અર્ણોરાજ સાચું કહી રહ્યો હતો. એના પોતાના મંત્રીઓ જ ‘રુદતીવિત્ત’ પ્રણાલિકા કાઢી નાખવાની વિરુદ્ધ હતા. લાખો દ્રમ્મ જતા કરીને ગુજરાતનાં સિંહાસનને અદ્ભુત બનાવી દેવાના પોતાના આદર્શનો મક્કમ સામનો પણ થઇ રહ્યો હતો. ગુર્જરેશ્વર આ  જાણતો હતો.

‘અર્ણોરાજ!’ કુમારપાલ થોડી વાર રહીને બોલ્યો: ‘તું કહે છે તે સાચું છે. હું એ નથી જાણતો એમ નથી, પણ યુદ્ધને કોઈ સોનાથી જીત્યું છે ખરું? યુદ્ધ આવશે ત્યારે તો વજ્જર છાતીમાં હશે તેટલું ખપમાં આવશે!’

થોડી વાર કોઈ કાંઈ બોલ્યું નથી. નદી પાર કરીને બંને જણા મૂંગામૂંગા આગળ વધતા રહ્યા. પેલો તીણો, દુઃખભર્યો સ્વર હજી સંભળાઈ રહ્યો હતો. એની બહુ નજીકમાં આવી પહોંચ્યા હોય તેમ જણાતું હતું. અચાનક અર્ણોરાજના મગજમાં એક નવો વિચાર આવી ગયો: ‘આ વિલાપ જ ક્યાંક આવી કોઈક નધણિયાતી વંશહીન નારીનો હોય નહિ? તો-તો હાથે કરીને રાજાને એક મહાન અંતર ઘર્ષણ તરફ પોતે જ દોરી રહ્યો હતો! રાજાની પરંપરા તોડનારા દરેક પગલાને વક્ર દ્રષ્ટિથી જોવાની જવા જ અત્યારે ચાલતી હતી! અર્ણોરાજ આગળ ચાલતો અટકી ગયો.

‘કેમ અટક્યો, આનક? છે કાંઈ?

‘છે નહિ કાંઈ, પ્રભુ! ન વ્યાઘ્રપલ્લીમાં પંડિતનો એક છોકરો વાંરવાર બોલે છે એ મને સાંભરી આવ્યું!’

‘શું બોલે છે? તારા વ્યાઘ્રપલ્લીમાં પંડિતો પણ વસતા લાગે છે!’ કુમારપાલે કહ્યું.

‘છોકરો મને વારંવાર કહે છે: ‘યદ્યપિ સિદ્ધં લોક વિરુદ્ધ ના કરણીયમ્ નાચરણીયમ્’ રામચંદ્ર જેવાને પણ સીતાજીનો ત્યાગ કરવો પડ્યો હતો – એવું લોકવાણીનું બળ છે. એટલે હું કહું છું કે મહારાજ જે કરે તે સો ગળણે ગાળીને કરે!’

કુમારપાલને રાજના એક સ્તંભની અચલ રાજભક્તિનો પૂરેપૂરો પરિચય હતો. એ હતો ચંદ્રાવતીનો ધારાવર્ષદેવ પરમાર. બીજો આ અંક એને એવો જ લાગ્યો. તેણે પ્રેમથી આનકના ખભા ઉપર હાથ મૂક્યો:

‘આનક! આપણે પાટણમાં ઘર્ષણ વધે એવું કોઈ ઉતાવળું પગલું ભરવાનાં નથી; તું તારે નચિંત આગળ વધ. આપણે તો તમામ દુઃખીનું દુઃખ ટાળવું છે. ગુજરાતભરમાં થોડાં વર્ષમાં તું જોશે કે કોઈની ઉપર કોઈ જાતનું ઋણ જ નહિ હોય! આપણે એ કરવું છે. આપણે ઘર્ષણ વધારીને ક્યાં જઈએ?’

‘તો ઠીક, પ્રભુ! કારણ કે મહારાજને જો એક જ યુદ્ધમાં ક્યાંય બહાર જવું પડ્યું, તો આપનો આંતરકલહ એ વખતે ભારે પડી જાય તેવો છે! આપણે મહારાજ સિદ્ધરાજ જેવું રાખવું! માન સૌનું, પણ પરંપરાનો લોપ નહિ! આ પંડિત દેવબોધ જેવા એવા પગલાંમાંથી બુદ્ધિભેદ જન્માવીને સિંહાસનને ખળભળાવી મૂકે! અંદરના એનાથી વધુ છે! મહારાજથી એ ક્યાં અજાણ્યું છે? પહેલવહેલાં તો મહારાજના ભત્રીજા અજયપાલ જ નથી બેઠા? મહારાજનું એક પગલું એમને રુચે છે? ભાવ બૃહસ્પતિ, આ દેવબોધ, નડૂલનો કેલ્હણ-વિગ્રહરાજ સાંભરનો પણ એમનામાં ભળે. પાર વિનાના છે. કુટુંબઘર્ષણ વખતે આ બધા મોટી આફત ઊભી કરી નાખે ને ફાવી જાય મલ્લિકાર્જુન જેવા! મહારાજે તો સાંભળ્યું હશે નાં, એ પોતાને રાજપિતામહ કહેવરાવે છે તે?’

‘આનક! આપણે બહુ જ નજીક આવી ગયા હોઈએ એમ લાગે છે. હવે કાંઈ બોલતો નહિ! જો તો, ત્યાં જ કોઈક રડી રહ્યું છે, ને બહુ પાસે જ લાગે છે.’ રાજાએ ધીમે અવાજે ઉમેર્યું: ‘તું આંહીં ઊભો રહે, હમણાં હું આવ્યો.’

‘પ્રભુ! હું જઈ આવું?’ આનક બોલ્યો.

રાજાએ ઉતાવળે એના ખભા ઉપર શાંતિ રાખવાની સૂચના કરતો હાથ મૂક્યો.

આનક ત્યાં ઊભો રહી ગયો. અંધારામાં રાજા એકલો આગળ વધ્યો.