Rajashri Kumarpal - 5 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 5

શ્રીધરને શું કહ્યું?

કૃષ્ણદેવને મહારાજ કુમારપાલે હણી નાખ્યો ત્યારે ઉદયને મહારાજનું એ રૌદ્ર રૂપ નજરોનજર જોયું હતું. એ રૌદ્ર રૂપ હજી એ ભૂલ્યો ન હતો. એણે પંચોલીને કહ્યું તો ખરું કે રાજસભામાં આવજો, પણ એના મનમાં મોટામાં મોટી ગડમથલ ચાલી રહી હતી. જરાક જેટલો અગ્નિ પાટણની અત્યારની પરિસ્થિતિને સળગાવી દેવા માટે બસ હતો. પળેપળમાં અને વાક્યેવાક્યમાં ધ્યાન રાખવું પડે એવી નાજુક પરિસ્થિતિ અત્યારે પ્રવર્તતી હતી.

રાજસભામાં કાંઈ પણ અણધાર્યું ઘર્ષણ ઊભું થઇ જાય – કોઈનાથી – તો બધી જ બાજી પોતાના હાથથી ચાલી જાય અને છેલ્લા ચાવડા રાજા સામંતસિંહનો જમાનો પાટણ ફરીને દેખે. એટલે રાજસભામાં આમાંથી જ કોઈ કાંઈ નવાજૂની કરી ન જાય એની સંભાળભરી સાવચેતીનું પગલું લેવાની જવાબદારી એના માથા ઉપર હતી. એને ખબર હતી કે અજયપાલની પ્રેરણાથી એક છાની પ્રવૃત્તિ ઊભી થઇ રહી હતી. રાજ્ય માટે એ ભયરૂપ હતી. 

થોડી વાર પછી જ એણે તરત શ્રીધરને બોલાવ્યો. પંચોલી શ્રીધરે તો વગર ડિંડિમિકાઘોષે મહારાજની રાજસભામાં પોતે ન્યાય લેવા જવાનો છે એ ક્યારનું પ્રગટ કરી દીધું હતું. મહારાજે કરાવેલા ડિંડિમિકાઘોષ પછી તરત આ વાત આવી એટલે લોકમાં વધારે કુતૂહલ ઊભું થયું. મંત્રીઓ પટ્ટો આપે ને રાજા પટ્ટાનો ભંગ કરે, તો એ નવાઈની વાત ક્યાં જતી અટકે? એટલે જોતજોતામાં તો મંત્રીસભા અને મહારાજ વચ્ચે આ સંબંધે ખટરાગ ઊભો થયો છે એવી વાત પણ પાટણમાં ચર્ચાવા માંડી! બીજી બાજુ કુમારપાલ મહારાજ બોંતેર લક્ષ દ્રમ્મ જતા કરે એ માનવા માટે કોઈ તૈયાર ન હતું. મહારાજની એવી ઉદારતા હજી કોઈએ જોઈ ન હતી. સામંતોને તો ઉદયનની જ આ કરામત લાગી હતી. એમાંથી એમને જૈની વલણનો પડઘો ઊઠતો જણાતો હતો, તેથી આ વસ્તુ જ થાય એ માટે એ વર્ગ મહારાજના ભત્રીજા અજયપાલની આસપાસ ભેગો થઇ જાય એ સ્વાભાવિક હતું. આજે આ રુદતીવિત્ત નીકળી જશે ને કાલે મહારાજ અજયપાલ ગાદી ઉપર આવશે ત્યારે એ મૂકતાં એને ભોં ભારે પડશે. એમણે આ દ્રષ્ટિબિંદુ પકડી લીધું. મહારાજના આ પગલાનો વિરોધ કરવાનો એમણે નિર્ણય કરી લીધો!

ઉદયનને એ ખબર પડી ગઈ હતી. શ્રીધર આવ્યો ત્યારે એ વિચારમાં જ એ બેઠો હતો. શ્રીધર પાસે જ ઘર્ષણ ટળી જાય તેવી રીતે વાત મુકવાની એની નેમ હતી. 

‘આવો-આવો પંચોલીજી!’ પંચોલીને જોતાં જ એણે ભાવભર્યો આવકાર આપ્યો: ‘હું તમારી જ રાહ જોતો હતો.’

‘પ્રભુ! મને કેમ યાદ કર્યો?’

‘મારે તમને જરા નાણી જોવા છે, શ્રીધરજી! તમે પટ્ટણી કેવાક છો એ જોવાનું છે!’ ઉદયન બોલ્યો. 

‘પ્રભુ બોલે તે આંખ-માથા ઉપર!’ શ્રીધરે સાવચેતીભરી વાણી ઉચ્ચારી. ‘પણ મારે તો એક જ વાત કહેવાની છે: રુદતીવિત્ત કાઢી નાખો તો અમારા બોંતેર લક્ષ દ્રમ્મ પાછા આપો.’

‘તમારા દ્રમ્મ દૂધમાં ધોઈને મહારાજ પાછા આપે, કેમ ન આપે? હા, તમે મહારાજને વિજ્ઞપ્તિ કરો.’ ઉદયને ધીમેથી કહ્યું.

‘શું?’ શ્રીધરે ઉતાવળે પૂછ્યું: ‘મારે બીજી શી વિજ્ઞપ્તિ કરવાની હોય? મહારાજની ઈચ્છા એ અમારે મન આજ્ઞા!’

‘તમે વિજ્ઞપ્તિ મૂકો કે હમણાં મારી વતી ભલે રાજતંત્ર આ દ્રમ્મ રાખે...’ અને મને હું માંગુ ત્યારે... પાછા આપે.’

પંચોલી ચોંકી ગયો. આ તો પોતાને જ ખરચે ને  જોખમે વાણિયો મહારાજ વિરુદ્ધ જવું ન પડે એવું ગોઠવતો લાગ્યો. તે સાવધ થઇ ગયો. ઉદયને એ જોયું, એણે એને વધુ વિચાર કરવાની તક રહેવા ન દીધી.

‘જુઓ, પંચોલીજી! આવતી કાલે કોઈ યુદ્ધ ઊભું થયું – ઊભું થયું શું, ઊભું થવાનું જ, એ વખતે પટ્ટણીઓ વિના બીજા કોણ, મરુભૂમિવાસીઓ મદદ કરવાના હતા? એ તો તમે ને તમે આપવાના છો. નગરશ્રેષ્ઠી આભડ છે, કુબેરરાજ છે, છાગડ શ્રેષ્ઠી છે. તમારે આપવાના છે, અમારે લેવાના છે, એમાં તમે ક્યાં ના પાડવાના છો? જેણે મહારાજ મૂલરાજ પાસે હજાર દ્રમ્મનો ઢગલો કરી દીધો હતો એ પંચોલી કુટુંબ કહેવાની વાટ જુએ એ કોઈ દિવસ બનવાનું છે? આંબડે આજે જ સમાચાર મને મોકલ્યા છે કે કોંકણનો કોઈ આવી રહ્યો છે. અને હું ચોંકી ગયો. તમને તેડાવ્યા એટલા માટે... સ્થાનનું કોઈ આવે એટલે કાંઈક નવાજૂનું સમજવું.’

પંચોલીને ઉદયનની આ મીઠી વાણીનું કાતિલ ઝેર રગેરગમાં દોડવા માંડ્યું. બોંતેર લક્ષ દ્રમ્મ રાજભંડારમાંથી પાછા આપવા ન પડે એ માટે આ વાણી હતી. તેને પગથી માથા સુધી વ્યાપી ગઈ. પણ તે અનુભવી હતો. તે મોટેથી હસી પડ્યો: ‘અરે, પ્રભુ! ક્યાં આ અટપટી રજની વાત ને ક્યાં હું સીધોસાદો નગરજન! પ્રભુએ અમારા ઉપર તો અનુગ્રહ જ રાખવો.’

ઉદયન સામે વધારે મોટેથી હસી પડ્યો: ‘અરે, શ્રેષ્ઠીજી! તમે તો રાજના પાયા છો. આ તો આમ્રભટ્ટે કહેવરાવ્યું કે સ્થાનનગરીથી કોઈ કવિ કર્ણાટરાજ આવેલ છે. મલ્લિકાર્જુનનો એ રાજકવિ છે. “સર્વ-અવસર”માં પણ આવવાનો. વખત છે ને એ કોઈ એવી વાત મૂકે, જેમાંથી યુદ્ધઘોષણા ઊભી થવાનો સંભવ ઊભો થાય, તો પંચોલીજી! તમારે એ વખતે આ બોંતેર લક્ષ દ્રમ્મ ભંડારિક કપર્દી મંત્રીને સોંપી દેવા... ઘોષણા કરીને...’

‘પ્રભુ, હું સ્વપ્નું તો સાંભળતો નથી નાં?’

‘શ્રેષ્ઠીજી! બીજા માટે એ સ્વપ્નું હશે, આ નગરી માટે તો એ હકીકત છે. મહારાજ એની ઘોષણા હવે પછી ફેરવે એમાં નથી એમની શોભા, નથી પાટણની શોભા. તમે જુદ્ધ સમે દ્રમ્મ માંગો એ હું માનતો નથી. જુદ્ધ આવવાનું છે એ તમે જાણો છો. જુદ્ધમાં દ્રમ્મ પાણીની પેઠે વપરાય એ પણ તમે જાણો છો. હવે આમાં હું તમને શું કહેવાનો હતો? ઘર્ષણ ઊભું થાય એવું કાંઈ એ વખતે તમે ન બોલો તો સારું.’

ઉદયનના આ છેલ્લા વાક્યના ગર્ભિત પ્રહારે પંચોલી ધ્રૂજી ગયો; પરંતુ એ પણ જમાનાનો ખાધેલ આદમી હતો. 

‘જુઓ,મંત્રીશ્વર! હું તમને એક વાત કહી દઉં. રુદતીવિત્ત મહારાજ કાઢી નાખવા માગે છે; પંચોલી શ્રીધર નહિ...’

‘એ તો નહિ જ. બરાબર છે. પણ પાટણનો પંચોલી શ્રીધર એ કોઈ મરુભૂમિનો અડદ-મજીઠનો વેપારી નથી. બોંતેર લક્ષ શું, એ તો બોંતેર કોટિ પણ ભંડારમાં રખાવે, જો જુદ્ધ આવતું હોય તો. પંચોલી શ્રીધરમાં એટલો વિશ્વાસ ન હોય તો પાટણનો મંત્રી કોઈ એવો ઘેલો નથી કે પોતાને ત્યાં બોલાવીને બહુમાન કરે! અલ્યા ક્યાં ગયો કટુક!’ ઉદયન બોલતો-બોલતો ઊભો થઇ ગયો: ‘પંચોલીજી માટે પાન-સોપારી લાવો!’

આંગળી વાઢી હોય તો લોહી ન નીકળે એટલો શ્રીધર ફિક્કો પડી ગયો હતો; પણ એ સમજી ગયો. વાણિયો રુદતીવિત્તની પ્રથા કઢાવી નાખવા માંગે છે ને એમાં આ વખતે એને નવરાવી નાખવાની વાત છે! એણે અજયપાલને જ મળવાનો મનમાં સંકલ્પ કરી લીધો. તે હિંમતભેર ઊભો થઇ ગયો; પણ ઉદયન એની વાત કળી ગયો હતો. તેણે અંદર દ્રષ્ટિ કરી. કટુક આવી રહ્યો હતો. એની આગળ જ કાકભટ્ટનો કોઈ જોદ્ધો કામે આવતો જણાયો. ઉદયને એને જ કહ્યું: ‘આયુધ! આ પંચોલીજીને એમને ઘેર સુખાસનમાં પહોંચાડી આવ તો! તારું કામ મેં જાણી લીધું છે. તું તારે આની સાથે જા.’

‘પણ પ્રભુ! કાંઈ જરૂર નથી...’ પંચોલીએ હાથ જોડ્યા.

‘તમારે જરૂર ન હોય,’ ઉદયને હસીને કહ્યું: ‘પણ મારે જરૂર હોય નાં? પંચોલીજીના હજાર કામ પડે. આયુધ! તું ત્યાં જ રહેજે – પંચોલીજીને “સર્વ-અવસર” પ્રસંગે રાજસભામાં લઇ આવજે... ને પછી જાજે, સમજ્યો કે?’

આયુધને ઉદયનના આ વાક્યનો કાંઈ આજે પહેલો પરિચય ન હતો. તે પંચોલી પાસે આવીને તેની સમક્ષ ખડો થઇ ગયો: ‘પંચોલીજી! ચાલો, હું આપની સાથે છું!’

પંચોલી સમજી ગયો. ‘સર્વ-અવસર’માં જવા માટે એ મુક્ત હતો, પણ ત્યાં સુધી પોતાના ઉપર વગર બોલેલી નજરકેદ મુકાઈ ગઈ હતી. તે મનમાં ને મનમાં ઉદયનને એક હજાર વેણ સંભળાવતો એની સાથે ચાલી નીકળ્યો.   

બીજા રસપ્રદ વિકલ્પો