Savai Mata - 61 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 61

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા*
*લેખન તારીખ : 26-04-24, શુક્રવાર*

પિતાએ પ્રેમથી ખવડાવેલ કુલ્ફી હોય કે પછી રાજીનાં હાથનું ભોજન કે વળી ઓફિસની મિટીંગની સફળતા અને મનનનું સરળ, સકારાત્મક વર્તન, રમીલા એવી તો ઘસઘસાટ ઊંઘી કે આટલાં દિવસમાં સવારે પહેલી વખત સવલીએ તેને ઊઠાડવી પડી. તેણે મનથી નક્કી કરેલ જ હતું કે આજે તે ભાઈ મેવા માટે કોઈ કામકાજ શોધવા, તેની જીંદગી ગોઠવવા રજા પાડીને ઘરે જ રહેશે એટલે તે ઊઠવામાં આનાકાની કરી રહી.

સવલીએ તેને ફરી ઊઠાડી, "ઊઠને રમુ, પછી મોડું થહે. તું ઊઠ તો આ બેયને ઊભાં કરું. પસી નિહાળ જવામ મોડું થેઈ જાહે."

રમીલાને પહેલી વખત સવારે શાંતિથી ઊંઘતી જોઈ ઊઠાડવા આવેલી સવલીનેય અફસોસ થયો કે પોતે દીકરીને જીવનમાં ક્યારેય શાંતિ ન આપી શકી. તેણે રમીલાને ઉઠાડવાના બદલે હાથ પસવારી સૂવાડી રાખવાની કોશિશ કરી. રમીલાયે નાનકડી છ વર્ષની રમુ બની ગઈ અને માનો હાથ હળવેથી પકડી, આંખોં મીંચેલી રાખી, હોઠો ઉપર સ્મિતને સજાવી એમ જ પડી રહી.

પણ એમ તે શાંતિ શેની મળે? થોડી જ પળોમાં આછાં અજવાળાને પડદા પાછળથી વધુ હળવો કરવા મથી રહેલો એ ઓરડો ધમાધમીથી ઊભરાઈ ગયો. પહેલી તો બાળપણની સખી રાજી ધસી આવી.

રાજી પોતાનાં આગવા જ મિજાજમાં મશ્કરી કરતી બોલવા લાગી, "રમીલા ઓ રમુડી, ઊઠ. ચાલ. આજ તો ઉં જ ટિફન બનાઈશ. બોલ તારું જ બનાઉં કે પછી હોફિસનાં બીજાંનેય જમાડે છ? છે કોઈ બેનપણી કે ભઈબંદ? બોલને અલી?"

લગ્ન પછી તે થોડો સસરાનો વિવેક રાખતી પણ સાસુ તો તેની માસી સમાન જ રહી હતી. ન તો સવલીએ ક્યારેય સાસુપણું કર્યું હતું કે ન તો રાજી ને તેની વહુ થતાં આવડ્યું હતું. રાજી તો જાણે રમીલાની ખાલી જગ્યા પૂરતી રહેલી સવલીના મનમાં. ઉપરથી રાજીએ લગ્નનાં ત્રણ જ વર્ષમાં બે મઝાનાં બાળુડાં ઘરમાં રમતાં કરેલાં. તે સવલીની ખુશી તો માય શાનીં? આમ પણ તેને તે બેય બાળકૈની ઝાઝેરી યાદ આવતી. પણ અહીં સમુ મનુનું થાળે પડેલું ભણતર, પોતાનું અને પતિનું કામ, રમીલાનું પોતાનું ભણતર અને થકવી દેતી નોકરી અને ઉપરથી મેવાનો પૂરી કામચોરીનો સ્વભાવ તેને રોકી રાખતાં. તેની સાથે રહી રહીને રાજીનો સ્વભાવ પણ થોડો કજીયાળો થઈ ગયેલો. એટલે જ તે મેવાને કે રાજીને અહીં બોલાવી શકતી ન હતી.

રાજીનો અવાજ સાંભળતાં જ રમીલાએ આંખોં ખોલી અને તે બોલી, "આવી ગઈ મારી દુશ્મન, મને પરેશાન કરવા?"

ત્યાં જ ઓરડા બહારથી રુદન સંભળાયું. રાજીને પથારીમાં ન ભાળી, ઊઠીને રડવા માંડેલ તેનો દીકરો હતો - તુષાર.

આમ તો રાજી તેનું સાચું નામ ક્યારેય ન લેતી. હંમેશા 'તુસો' કહીને બોલાવતી પણ, બાળસખી રમીલા જેણે તેને આ નામ આપ્યું હતું તેની હાજરીમાં તો તેણે કહેવું જ પડ્યું, "આઈ જા માર દીકા, આઈ જા તુસાર. લે તારી ફઈને ઊઠાડ અવ."

આજે હજી રમીલાને બેઠકરૂમમાં કે રસોડામાં ન જોતાં સમુ અને મનુ પણ તેનાં ઓરડામાં આવી ગયાં. બહેનને સૂતેલી જોઈ મનુને થોડો ધ્રાસ્કો પડ્યો. તેણે નજીક જઈ તેના કપાળે હાથ મૂકી જોયો. રમીલાએ હસતાં હસતાં તેનો હાથ પકડીને હળવેથી દબાવ્યો અને બોલી," ઓ મારાં નાનકડા ભાઈ, મને કાંઈ નથી થયું. પણ આ રાજી તમને હેરાન ન કરે ને એટલે આજે હું ઘરે જ રહેવાની છું. તમે બેય ફટાફટ તૈયાર થઈને સ્કૂલ જાઓ."

આ સાંભળીને પાછળ આવેલી સમુ પોતાનાં શબ્દો ગળી ગઈ. તે અંદર આવવાના બદલે પાછી વળી ત્યાં તો સવલીની નજરે તેને જોઈ અને બોલાવી," ઓય સમુ, હું થ્યું? અંનર તો આય."

સમુને પાછા આવવું પડ્યું. તે બોલી, "થયું તો કાંઈ નહીં પણ આ તુષાર અને દીપ્તિ જોડે રમવું'તું. પણ સ્કૂલ તો જવું પડશે ને?"

સવલીએ તેનો હાથ આંબતાં કહ્યું, "હા, એ તો જવું જ પડહે ને? પણ ચિંતા ની કર. એ લોકો અમણાં તો અંઈયા જ છે, બરાબરને રાજી?"

રાજી મલકતી બોલી, "સમુ, સકૂલ તો જવું જ પડહે ને? તું જઈશ તો વળી આ લોકોય જતાં હીખહે."

રમીલા તેને ચીઢવતાં બોલી, "લો વળી, આ બેન તો સ્કૂલથી ભાગીને ઘરે આવી જતાં. હવે તેમને જ્ઞાન આવ્યું છે."

રાજી મશ્કરી તો સમજી પણ પોતાની દશાનું ભાન થતાં બોલી," રમુ, તનં જોઈનં તો આખાય વાસની નં ગામની છોડીઓ અને છોકરાંનં ભણવાનું હૂજ્યું છ. તું મેનત કરીન મોટી મેમસાબ બની છ તેના ફોટા અમન રામજી નં ગંગાબુને બતાવેલાં. અમનં તો કંઈ હમજણ ના પડી, પણ અવ આ છોકરાં તો ભણે નં."

પછી ઓરડાનું વાતાવરણ થોડું ભારે થઈ ગયું. મનુ અને રમીલા તુષારને કાલીઘેલી ભાષામાં રમાડતાં એ ભારને હળવો કરતાં ગયાં. સવલી રસોડામાં ગઈ. રમુ ઊભી થઈ ફ્રેશ થવા ગઈ અને રાજી તુષારને લઈ બેઠકખંડમાં ગઈ. સસરાજી ઊઠી ગયાં હતાં. નાની દીપ્તિ તેમનાં હાથમાં રમી રહી હતી. તુષાર પણ પોતાનાં હાથ આગળ કરી ત્યાં જવા માટે તૈયાર થઈ ગયો. મનુ પણ સ્કૂલ જવા તૈયાર થવા ગયો. પોણા કલાકમાં તેઓ તૈયાર થયાં અને નાસ્તાનો ડબ્બો લઈ, દફ્તરમાં મૂકી દૂધ પીવા ડાઈનિંગ ટેબલ ઉપર આવ્યાં. રાજી પણ મનોમન ખુશ થઈ કે બાળકોને કદાચ પહેલી વખત સાચેસાચ દૂધ પીવા મળશે.

સવલીએ બે સ્ટીલની થાળીઓમાં દૂધ ઠંડું કરી રાખ્યું હતું. તે ગાળીને નાનાં નાનાં ગ્લાસ ભરી બેઠકખંડમાં પહોંચી. એક ગ્લાસ પતિને પકડાવ્યો અને બીજો ટિપોય ઉપર મૂક્યો. દાદાએ દૂધ ભરેલો ગ્લાસ દીપ્તિના મોઢે વળગાડ્યો. આ જોઈ નાનકડો તુષાર દાદાના હાથને પકડવા ગયો. ત્યાં જ સવલી જમીન ઊપર બેઠી અને તેને પોતાના ખોળામાં બેસાડ્યો. તેણે ટિપોય ઉપરથી ગ્લાસ ઊંચકી તેની સાથે વાતો કરતાં કરતાં તે ગ્લાસ તેનાં મોંએ અડકાડ્યો. કદાચ તેણે આ પહેલાં દૂધ પીધું નહીં હોય. દાદીનાં હાથ ઉપર પોતાનાં નાનકડાં હાથ દબાવીને તે ઝડપભેર ગ્લાસનું વજન ઓછું કરવા લાગ્યો.

રમીલા તૈયાર થઈ બહાર આવી ગઈ હતી. તેની નજર તુષાર ઉપર પડી. રાજી પણ વારાફરતી પોતાનાં બેય બાળકોને જોઈ રહી હતી. તેની આંખો ભીની થઈ રહી હતી. રમીલાએ તેનાં ખભે હાથ મૂકી રસોડા તરફ ખેંચી. બેય જણે ત્યાં ધરાઈને ચા-નાસ્તો કર્યો અને મજાની ગોઠડી માંડી. બાળકો દૂધ પી રહ્યાં એટલે સમુ તેમને રમવા માટે થોડાં સ્ટીલ અને પ્લાસ્ટિકના ડબ્બા લઈ આવી. એ જોઈ સવલીને ખ્યાલ આવ્યો કે આમનાં માટે તો હવે રમકડાં લાવવા પડશે. તેણે વિચાર્યું કે વીણાબહેનને ત્યાં બાળકો માટે જેવાં રમકડાં રાખ્યાં છે તેવાં લાવી દેવા તે તેમને આજે કહેશે. અને પૈસા તો રમુ આપી દેશે. તેની આંખે ખારાં પાણી ફરી વળ્યાં પણ આ ખુશીએ છલકાવ્યાં હતાં. પોતાનાં તો છ બાળકોમાંથી કોઈનાય નસીબમાં રમકડાં ન હતાં. હા, મેઘનાબહેનને ત્યાં ગયા પછી રમુને મળેલાં પણ પોતે તો પોતાનાં ઘરમાં પહેલી વખત રમકડાં લાવશે.

રમીલા અને રાજી ચા નાસ્તો કરી બહાર આવ્યાં અને બંને બાળકોને તેડી લીધાં. હવે સવલી અને તેનો પતિ રસોડામાં ગયાં. મનુએ મેવાને ઊઠાડી દીધો હતો. તે પણ નિત્યકર્મથી પરવારી માતા-પિતા જોડે રસોડામાં નાસ્તો કરવા બેઠો. હંમેશા હડધૂત થતા મેવાને આજે પાકાં મકાનમાં, ફરસબંધીવાળી જમીન ઉપર ટેબલ-ખુરશી ઉપર જમવાનું મળી રહ્યું હતું. તેણે કાંઈક અચકાતાં, કાંઈક ખુશી પામતાં નાસ્તો કરવો શરૂ કર્યો.

સમુ અને મનુ શાળાએ ગયાં. પિતા પણ સમય થતાં દુકાને જવા ઉપડ્યાં. રમીલાએ આજે ઓફિસમાં રજા મૂકવા હેતુ ફોન કરી લીધો હતો પણ તે પિતાને દુકાને મૂકી આવી. રાજી સવલીને ઘરકામ અને રસોઈમાં મદદ કરી રહી હતી. દૂધ પીને ધરાયેલાં બંને બાળકો ડબ્બા વડે રમી રહ્યા હતાં.

રમીલાને સવાર સવારમાં જ સારો અવસર સાંપડ્યો. તેણે આમ જ કામકાજ, ઘર વિશેની વાત મેવા સાથે છેડી. કાયમ રમીલાની વાત ઊડાવી દેતા મેવાને આજે તેની સાથે પેટછૂટી વાત કરવાની ઈચ્છા થઈ. તેણે પોતાની કથની કહી અને પોતાને કોઈપણ કામ અપાવવા કહ્યું. રમીલાએ તેનું બદલાયેલ સ્વરૂપ જોયું અને મોટોભાઈ જ્યાં સામેથી મદદ માંગી રહ્યો હતો તો વળી સલસ એવી રમીલાને બીજું જોઈતું જ શું હતું. તેણે ભાઈને સાંત્વના આપી અને પોતે જલ્દી જ કાંઈ કરશે તેમ કહ્યું. પછી બેય જણ બાળકોને રમાડવામાં પડ્યાં.

રસોડામાંથી જમવા બોલાવવા આવેલ રાજીને મેવો બાળકો સાથે રમી રહ્યો હતો તે જોઈ નવાઈ લાગી અને રમીલા બધું સંભાળી લેશે તેવી ખાતરી તેને થઈ ગઈ.

ક્રમશઃ

અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
#9904948414

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED