સવાઈ માતા - ભાગ 59 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 59

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા*
*લેખન તારીખ : ૦૮-૦૪-૨૦૨૪*

રમીલા અને સૂરજ સર પોતપોતાનાં કામમાં પરોવાયેલાં હતાં. લગભગ સાડા છ થતાં, બપોરથી સાંજ સુધી પોતે શું બોલવું તેનું મંથન કરતો કંટાળેલ મનન ફાઈલ લઈને રમીલાની કેબિનમાં પ્રવેશવાની પરવાનગી માંગી રહ્યો. રમીલા ફોન ઉપર કોઈક સાથે વાત કરતી હતી એટલે તેણે બીજા હાથથી ઈશારો કરી મનનને અંદર આવવા જણાવ્યું. મનન અંદર આવીને રમીલાની સામેની તરફ મૂકેલ ખુરશીઓ પાસે ઊભો રહ્યો. રમીલાનો ફોનકોલ થોડો લાંબો સમય ચાલ્યો.

મૈથિલીએ ઊભાં રહેલાં મનનને જોયો અને તેની પાસે આવી બોલી, "સર, બેસોને. ચા મંગાવું છું."

મનન આમ પણ ખાસ્સો મૂઝાયેલ હતો એટલે ચા ની તો તેને ખાસ જરૂર હતી. આજે પહેલી જ વખત તેણે બેઠાંબેઠા ચાનાં કપ ખાલી કર્યાં ન હતાં. ન તો તે કોઈનીય ડેસ્ક ઉપર ફરતો જણાયો હતો. એક સસ્પેન્શન અને પછી બઢતી સાથે અપેક્ષાથીય વધારે પગાર, તે તો જાણે જાગતાં જાગતાં જ સ્વપ્નસૃષ્ટિમાં વિહરી રહ્યો હોય એમ તેને લાગી રહ્યું હતું. તે બેઠો. મૈથિલીએ ઈન્ટરકોમ ઉપર ફોન જોડી ત્રણ ચા મંગાવી.

પછીની ત્રણેક મિનિટ રમીલાનો ફોન ચાલ્યો. મનન તેની ફોન ઉપર વાત કરવાની છટાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. તે મક્કમ છતાંય માયાળુ અવાજે કોઈ સહાયકને કાર્યસોંપણી કરી રહી હતી. તે વિચારી રહ્યો કે આવી સુબુદ્ધિથી ભરેલ યુવતીને પોતાની આવડતનું જરાય અભિમાન નથી. વળી, કોઈનેય દુઃખ પહોંચાડવાનો તેનો કોઈ ઈરાદો હોતો નથી. રમીલાએ ફોન મૂક્યો અને ચાનાં કપ પણ પ્યૂન મૂકી ગયો.

રમીલાએ મનનને સંબોધીને, "સોરી, મિ. મનન. મારાં આ ફોનકોલના કારણે આપને બેસી રહેવું પડ્યું."

મનન "મેડમ, આપે મને સોરી તો કહેવાનું જ ન હોય. એક તો આપ મારાં સિનિયરના પદે છો અને ફોનકોલ તો ઓફિસનો જ હશે. અને પર્સનલ હોય તો પણ આપ ફારેગ થાઓ ત્યાં સુધી બેસવાની મારી ફરજ બને છે."

રમીલાને આ વ્યક્તિ સાચે જ સમયની થપાટોથી ઘવાયેલ લાગ્યો. બાકી, અદબ અને વાણીની દૃષ્ટિએ તે ઉત્તમ વ્યક્તિ લાગ્યો. મૈથિલી મનમાં મલકાઈ રહી હતી. તેને થયું, "કેવો સીધો થઈ ગયો એક સસ્પેન્શનથી!"

રમીલાએ તે બંનેને ચાનો કપ લેવા કહ્યું. પોતે પણ કપ ઉઠાવી ચા પીવા માંડી. છેલ્લાં ત્રણેક કલાકથી તે પાણી પણ પી શકી ન હતી. તેથી ચા પીતાં તો તેને અમૃત મળ્યું હોય એવી રાહત અનુભવાઈ.

ત્રણેય લગભગ સાથે ચા પી ચૂક્યાં. હવે રમીલાએ મનનને તેનો વિચાર પૂછ્યો.

મનન ખૂબ જ સલૂકાઈથી બોલ્યો, "મેડમ, મારી આટલી મોટી ભૂલ, ખરેખર તો ગુનો, હોવાં છતાં આપે અને મેનેજમેન્ટે મને આટલી મોટી જવાબદારી સોંપી છે તેથી હું આપ સૌનાં ઉપકાર તળે દબાઈ ગયો છું. અને હવે આ કંપની માટે સંપૂર્ણ વફાદારીથી કામ કરવું એ જ મારી આજીવન ફરજ રહેશે. આપને કે કોઈને પણ કોઈ જ તકલીફ મારા વર્તનથી ક્યારેય નહીં થાય એની ખાતરી હું લિખિતમાઃ આપવા પણ તૈયાર છું."

રમીલાએ મંદ હાસ્ય વેરતાં પોતાનાં ટેબલનાં ખાનામાં અગાઉથી મંગાવી રાખેલ મિઠાઈનું પેકેટ કાઢી મનનને આપતાં કહ્યું, "મિ. મનન, આ આપનાં નવાં પદ અને ક્ર્યભારની ખુશીમાં ઓફિસ તરફથી સ્વીકારશો. આપનાં ઘરે પણ બધાંને ખુશખબર આપી મોં મીઠું કરાવશો. આપ કંપનીને વફાદાર રહેશો જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને હા, આપને જોઈતાં ટીમનાં સભ્યોનાં નામ..."

મનન અધવચ્ચે જ બોલી ઊઠ્યો, "મેડમ, આમ તો આપ જેની પણ સાથે કામ કરવા કહેશો હું તૈયાર જ છું. પણ જો ફારેગ પડેલ ચાર વ્યક્તિઓ આપશો તો નવાં ને ઘડવાની જહેમત ઓછી રહે, કામ ઝડપથી શરૂ થાય અને ફારેગ પડેલાં સભ્યોની નોકરી તો જળવાય જ."

રમીલાએ હકારમાં માથું હલાવ્યું. મેથિલીએ આટલાં સમયમાં પ્રથમવખત જ મનનને આટલી સારી રીતે વાત કરતાં સાંભળ્યો હતો. તેને તો ઘણી જ નવાઈ લાગી રહી હતી. તે પોતાનાં ભાવ છુપાવતી પોતાની ડેસ્ક ઉપરનું કામકાજ આટોપી રહી.

રમીલાની રજા લઈ મનન ખૂબ જ ઉત્સાહભેર કેબિનમાંથી બહાર નીકળ્યો. તેનાં હાથમાં મિઠાઈનું પેકેટ તેનાં આનંદમાં અનેરો વધારો કરી રહ્યું હતું. થોડી જ વારમાં મૈથિલી અને રમીલા પણ કેબિનમાંથી નીકળ્યાં. મૈથિલીને આજે પોતાની મોટીબહેનનાં ઘરે જવાનું હતું અને રમીલાને રાબેતા મુજબ એમ. બી. એ. કોલેજ. બંનેનો રસ્તો એક જ તરફ હતો એટલે રોજ રિક્ષામાં ઓફિસ આવતી મૈથિલીને રમીલાએ પોતાની સાથે જ આવવા જણાવ્યું.

મૈથિલીને આ નાનકડી, પરીની જેમ બધાંયનું ભલું કરતી પણ પોતાની પાંખો અને જાદુઈ છડી છુપાવી રાખતી બોસ ઉપર ખૂબ જ ગર્વ અને વહાલ એકસામટાં ઉપજ્યાં.

તેણે રમીલાને પૂછી જ લીધું, "મેડમ, શું હું આપને ભેટી શકું?"

રમીલા અચાનક પૂછાયેલ આવા પ્રશ્નથી અવાચક થઈ ગઈ અને તેની આંખોની કીકીઓ ગોળમટોળ થઈ મૈથિલીને પ્રશ્ન કરી રહી.

મૈથિલી તેનું મૌન સમજી ગઈ અને બોલી, "મેડમ, સાચે કહું,મેં આજ સુધી દેવદૂત, ફરિશ્તા કે પરીને વાર્તાઓમાં જ વાંચ્યાં છે. આજે તમને જોઈને લાગે છે કે તે મૂર્તિમંત થાય તો તેમાં આપનું જ સ્વરૂપ દેખાય."

રમીલાની સુંદર રીતે ગોઠવાયેલ દંતપંક્તિ ચમકી ઊઠી. તે બોલી, "મિસ મૈથિલી, હવે વખાણવું બંધ કરી કારમાં બેસો. મને અને તમને, બેયને મોડું થશે."

મૈથિલી કારમાં બેઠી. રમીલાએ સીટબેલ્ટ બાંધી ઈગ્નીશન આપ્યું અને પાર્કિંગમાંથી કાર હળવેકથી પોતાની ગતિ પકડતી મુખ્યમાર્ગ ઉપર દોડવા લાગી. રસ્તામાં બેય વચ્ચે હળવી વાતો થતી રહી. મૈથિલીને ઉતરવાનું સ્થળ આવતાં તે રમીલાનો ધન્યવાદ કરી રહી. આજે રમીલાને કોલેજમાં એક ટેસ્ટ હતો જે માટે તે વાંચી શકી ન હતી. હજી તેની કોલેજ બાર મિનિટ જેટલી દૂર હતી. તેણે છેલ્લાં એક મહિનાનાં લેક્ચરનું રિવિઝન રિકોર્ડિંગ પેનડ્રાઈવમાં રાખેલ હતું જે કુલ મળીને માંડ પંદર મિનિટનું હતું. તે સાંભળવું શરૂ કર્યું. કૉલેજનાં પ્રાંગણમાં પહોંચીને કાર પાર્ક કરતાં સુધીમાં તેનું રિવિઝન થઈ ગયું અને જરૂરી પુસ્તકો અને નોટબુક લઈ તે કારમાંથી ઊતરી, કાર લોક કરી વર્ગખંડ તરફ આગળ વધી.

અંદર પહોંચી જોયું તો ઉત્તરવહીઓ વહેંચાઈ રહી હતી. અઠવાડિક ક્લાસ ટેસ્ટ હોવાથી તેણે પોતાનાં વર્ગખંડમાં જ બેસવાનું હતું. પ્રોફેસરની પરવાનગી લઈ તે અંદર પ્રવેશી અને પોતાની બેઠક લીધી. પ્રશ્ર્નપત્ર આવતાં જ એકવખત ઝડપથી તે જોઈ લીધું. આમ પણ આજનું પ્રશ્નપત્ર માર્કેટ વ્યુ પોઈન્ટ અને સ્ટ્રેટેજી ટૂ એક્સપાન્ડ વિષયક હતું. ધાર્યાં કરતાંય આપેલ કેસસ્ટડી ઉપર રમીલા ઘણું સારું લખી શકી. નિયત સમયે પેપર સબમિટ કરી તે ઊઠી. હજી કૉલેજમાં ખાસ મિત્રો બન્યાં ન હતાં છતાંય હસમુખ મોંકળાએ ઘણાં સહાધ્યાયીઓ સાથે આંખોનો પરિચય કેળવાયેલ હતો.

પેપર પુરું થયે આજે કૉલેજનો સમય પણ પૂર્ણ થયો અને બધાં ઘરે જવાં નીકળ્યાં. રમીલા પાર્કિંગમાં આવી અને કાર સ્ટાર્ટ કરી નિયત ઝડપે કાર ઘર તરફ હાંકી રહી. તેને સખત ભૂખ લાગી હતી પણ રસ્તામાં કાંઈપણ ન ખાવાનો એક વણલખ્યો નિયમ હતો. ઘર નજીક આવતું ગયું તેમ ભૂખ વધુ જોર પકડતી ગઈ. આખરે તેનાં પિતા જે સ્ટોરમાં નોકરી કરતાં ત્યાં આવી તેણે કારને બ્રેક મારી. તેનાં આશ્ચર્ય વચ્ચે આજે દુકાનમાં તેનાં પિતા હજીયે કામ કરી રહ્યાં હતાં.


ક્રમશઃ