ધીમંત શેઠ અપેક્ષાની બાજુમાં જઈને બેઠા.. તેનો હાથ પોતાના હાથમાં લીધો અને ખૂબજ પ્રેમથી ચૂમી લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને તેને કહેવા લાગ્યા કે, "થેન્ક યુ વેરી મચ માય ડિયર તે મને આજે મારા જીવનની સૌથી શ્રેષ્ઠ એક ભેટ આપી છે... મને એક સુંદર દિકરો આપ્યો છે...
મને તો આ બધું એક સ્વપ્ન જેવું લાગે છે..."
બંનેના ચહેરા ઉપર અનહદ ખુશી અને સંતોષ છલકાઈ રહ્યા હતા...
અપેક્ષા પણ દબાયેલા અવાજે બોલી કે, "મને પણ આ બધું એક સ્વપ્ન જેવું જ લાગે છે..."
બંને એકબીજાની સામે જોઈને મલકાઈ રહ્યા હતા....
અને પછીથી બંનેની નજર એકસાથે પોતાના સંતાન ઉપર સ્થિર થઈ...
હવે આગળ....
ધીમંત શેઠ અને અપેક્ષા બંનેની નજર એકસાથે પોતાના સંતાન ઉપર સ્થિર થતાં જ ધીમંત શેઠ બોલ્યા કે, "અપુ, શું નામ રાખીશું આપણાં આ લાડલાનું.."વંશમ" રાખીશું...? જેણે આપણો વંશ આગળ વધાર્યો છે તે વંશમ..."
"તમને જે ગમે તે રાખીએ.. તમને ગમે તે મને તો ગમશે જ.."
"ઓકે તો, આજથી આપણાં આ દિકરાનું નામ વંશમ..."
અને વંશમના મોમ અને ડેડ એકબીજાની સામે જોઈને અને પોતાના વંશમની સામે જોઈને હરખાઈ રહ્યા હતા...
ગોળ મટોળ રૂપાળો ચહેરો ધરાવતું આ માસુમ બાળક અધૂરા મહિને આવવાને કારણે થોડું વધારે પડતું જ નબળું હતું...
બાળકોના ડોક્ટર પરેશભાઈ શાહ તેને ચેકઅપ કરવા માટે સુધાબેનના દવાખાને આવી પહોંચ્યા હતા...
તેમના કહેવા પ્રમાણે બાળકના અપૂરતા પોષણને કારણે તેનામાં લોહીની કમી છે જેથી તેને હોસ્પિટલમાં એડમીટ કરવો પડશે અને લોહી ચડાવવું પડશે.
વંશમને ડૉક્ટર પરેશભાઈ શાહની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો...
તેને લોહી ચડાવવા માટે સૌથી પહેલા તેના પિતાનું લોહી લેવામાં આવ્યું..
ધીમંત શેઠનું બ્લડગૃપ ચેક કરવામાં આવ્યું તો ખબર પડી કે તેમનું બ્લડગૃપ અને વંશમનું બ્લડગૃપ બિલકુલ અલગ અલગ છે...
ધીમંત શેઠ અને ડૉક્ટર પરેશભાઈ બંને શૉક થઈ ગયા કે આમ કઈરીતે બની શકે..?
ડૉક્ટર પરેશભાઈએ તો ધીમંત શેઠને પૂછી પણ લીધું કે, "આ તમારું જ બાળક છે ને..?"
ધીમંત શેઠે નિઃસંકોચ જવાબ આપ્યો કે, "હા હા આ મારું જ બાળક છે..." પરંતુ ડૉક્ટર પરેશભાઈના આ પ્રશ્નએ તેમને વિચાર કરતાં કરી દીધા અને તે પોતાની જાતને જ પૂછવા લાગ્યા કે,
"આવું કઈરીતે બની શકે..?
શું આ મારું બાળક નથી..?"
તેમણે ડૉક્ટરને તો કહી દીધું પરંતુ પોતાની જાતને શું જવાબ આપે..
ડૉક્ટર સાહેબે પોતાની રીતે બાળકની સારવાર શરૂ કરી દીધી...
ધીમંત શેઠના મગજમાંથી આ વાત ખસતી નહોતી કે, મારા બાળકના બ્લડગૃપ સાથે મારું બ્લડગૃપ મેચ કેમ નથી થતું? અને જો તે હકીકત છે તો પછી આ બાળક કોનું છે..?
તે વિચલિત થઈ ગયા હતા...
વારંવાર તેમના મનમાં એક જ પ્રશ્ન ઉદભવી રહ્યો હતો કે "શું આ બાળક મારું નથી... તો કોનું છે..?
તો શું અપેક્ષાને કોઈ બીજા સાથે શારીરિક સંબંધ છે?
એવું કઈરીતે બની શકે..?"
ધીમંત શેઠનું મગજ ચકરાવે ચડી ગયું હતું..
તેમણે લક્ષ્મી બાને ડૉક્ટર પરેશભાઈની હોસ્પિટલમાં રોકાવા કહ્યું અને પોતે અપેક્ષા પાસે જવા માટે નીકળી ગયા...
આ બાજુ અપેક્ષા પોતાના દિકરાની તબિયતનો વિચાર કરી રહી હતી... અને દુઃખી થઈ રહી હતી....
અપેક્ષાએ ધીમંત શેઠ પાસે યુ એસ એ ના બિઝનેસના સમાચાર જાણવા માટે ત્યાંના ન્યૂઝ પેપર મંગાવ્યા હતા....
અને તે તેમને પોતાની સાથે હોસ્પિટલમાં લઈ આવવા પણ જણાવ્યું હતું કેમકે હોસ્પિટલમાં પોતાને જે ફ્રી ટાઈમ મળે તેમાં તે યુ એસ એ ના બિઝનેસનો તાગ મેળવી શકે...
એ દિવસે અચાનક તેની નજર ટેબલ ઉપર પડેલા એ સમાચાર પત્ર ઉપર સ્થિર થઈ ગઈ...
તે સ્તબ્ધ થઈ ગઈ....
તેમાં દાઢી વધારેલા માણસનો ફોટો હતો...
જે લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર ફસડાયેલો પડેલો હતો...
તેના હાથમાંથી છાપાનું એ પાનું જમીન ઉપર સરકી પડ્યું....
અપેક્ષાને ચક્કર આવી ગયા...
જાણે તેના શરીરમાંથી પણ પ્રાણ પંખેરુ ઉડી ગયા...
થોડી વારમાં ધીમંત શેઠ અપેક્ષા પાસે આવી પહોંચ્યા...
તેમને આમ અચાનક પાછા ફરેલા જોઈને અપેક્ષા થોડી વધારે ચિંતિત થઈ ગઈ...
તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો અને અવાજ રડમસ બની ગયો હતો...
તેના આંસુ આંખોની કિનારી ઉપર આવીને અટકી ગયા હતા...
તેણે ધીમંત શેઠને પૂછ્યું કે, "કેવું છે આપણાં વંશમને તેને જલ્દીથી સારું તો થઈ જશે ને..?"
ધીમંત શેઠે હકારમાં માથું ધુણાવ્યું...
વધુ આગળના ભાગમાં....
કોણ હશે એ વ્યક્તિ જેને લોહી લુહાણ હાલતમાં જોઈને અપેક્ષા સ્તબ્ધ બની ગઈ...
શું ધીમંત શેઠ અપેક્ષાને પોતાના બાળક વિશે પ્રશ્ન પૂછશે..??
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
20/4/24