" ચોર ચોર ચોર!!!!" મોડી રાતે પચાસેક વર્ષનો વ્યક્તિ દિલ્હીની પતલી ગલીઓમાંથી અવાજ દઈ રહ્યો હતો. એની સાથે જ એક યુવાન વયનો વ્યક્તિ પણ દોડીને આગળ ભાગતી એક ચોરને પકડવા એની પાછળ પુર ઝડપે દોડવા લાગ્યો.
મોઢા પર માસ્ક પહેરેલી, ઝીણી આંખો વડે વારંવાર પાછળ ફરીને જોતી એક યુવાન વયની છોકરી હાંફતી હાંફતી દોડી રહી હતી. એક હાથમાં બેગ પકડીને પોતાનો બચાવ કરતી એક પછી એક ગલીઓ પાર કરી રહી હતી. ત્યાં જ એક ગલીનો અંત આવ્યો અને એ છોકરીને ઉભુ રહેવું પડ્યું. આગળ અને આસપાસ બન્ને તરફ દીવાલ હતી. જ્યારે પાછળથી પોતાના પૈસાથી ભરેલું બેગને લેવા માટે આવેલો વ્યક્તિ પહોંચી ગયો.
" હવે ભાગીને ક્યાં જઈશ?" બેગનો માલિક બોલ્યો. ત્યાં જ બીજો એક યુવાન સાઈડમાં પડેલી લાકડી ઉપાડી અને એ બોલ્યો. " એ છોકરી...ચૂપચાપ એ બેગ પરત કર નહિતર આ જ લાકડી વડે એવો માર મારીશ કે જીવન ભર ચોરી કરવાનુ ભૂલી જઈશ સમજી..."
છોકરીએ સામે કોઈ ઉત્તર ન આપ્યો અને પોતાની જ જગ્યાએ ઉભી રહી.
" લાગે છે તું એમ નહિ માને..." એટલું કહેતાં જ એ યુવાન લાકડીને આગળ કરતો ધીરે ધીરે પોતાના કદમ આગળ વધારવા લાગ્યો. છોકરી એ બેગમાં જોયું તો સો સો રૂપિયાની પચાસેક નોટ પડી હતી. અંતમાં, બચાવનો કોઈ ઉપાય ન બચતા તેણે થોડીક નોટો કાઢીને હવામાં ઉછાળી. ઉડતી નોટોને કેચ કરવા માટે બેગનો માલિક થોડોક આગળ વધ્યો અને સીધો એ યુવાન સાથે ટકરાઈ ગયો અને બન્ને ત્યાં જ જમીન પર પડી ગયા. મોકાનો ફાયદો ઉઠાવતા એ છોકરી ત્યાંથી ભાગી ગઈ.
" એ છોકરી રૂક...." યુવાન ઉઠતા ઉઠતા બોલ્યો અને એ છોકરીને પકડવા જતો જ હતો કે બેગનો માલિક બોલ્યો. " દીકરા...જવા દે એને..."
" પણ અંકલ... એ તમારા પૈસા લઈને ભાગી છે..."
" એ પૈસા મને મળી ગયા છે..."
" બધા પૈસા મળી ગયા??"
" પાંચ હજાર રૂપિયા હતા એમાંથી એ માત્ર પાંચસો રૂપિયા જ લઈ ગઈ છે...."
" શું વાત કરો છો અંકલ? પોતાની પાસે પાંચસો રૂપિયા રાખીને બાકી બચ્યા બધા પૈસા એણે ઉડાવી દીધા!"
" હા દીકરા...લાગે છે બિચારીની કોઈ મજબૂરી હશે...ભગવાન કરે એ છોકરીની મજબૂરી જલ્દીથી દૂર થાય..." અંકલે ભગવાનને પ્રાથના કરી અને ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી ગયા પરંતુ એ યુવાન હજુ ત્યાં જ ઊભો વિચાર કરવા લાગ્યો. મજબૂરીનું નામ સાંભળી એના મનમાં લાલચ જાગી અને એ ચોર યુવાન છોકરી હોવાથી વાસના એના મનમાં પ્રસરી ગઈ. મોઢામાંથી લાળ ટપકાવતો એ પેલી છોકરીને શોધવા નીકળી ગયો.
એક પછી એક દિલ્હીની ગલીઓમાં જોવા લાગ્યો. મોડી રાતનો સમય હોવાથી રસ્તે ખાસ ભીડ ન હતી. પંદરેક મિનિટની મહેનત બાદ એમને એ છોકરી મળી જ ગઇ. એ છોકરી એક નાની અમથી ગલીમાં થોડીક બિલાડીઓને દૂધ પીવડાવી રહી હતી. નાના બિલાડીના બચ્ચાઓને હાથમાં લઈને રમાડવા લાગી. છોકરી એ પોતાના વાળ ખુલ્લા કરી નાખ્યા હતા. સાવ સામાન્ય એવો લુક ધરાવતી છોકરીનો ગોરો વાન જોઈને યુવાન વધુ આકર્ષિત થયો. પોતાની વાસનાને પૂર્ણ કરવા એ છોકરો ધીમા પગે આગળ વધ્યો. ત્યાં જ એ છોકરીની નજર એ યુવાન પર પડી અને તુરંત એ છોકરી ગભરાતી ઊભી થઈ ગઈ.
" રિલેક્સ....હું તારા પૈસા પરત લેવા નથી આવ્યો...પરંતુ હું તો તારી મદદ કરવા આવ્યો છું..."
એ છોકરી પેલા યુવાનની આંખોમાં સમાયેલી વાસના જાણી ગઈ. અને પોતાના કદમ થોડાક પાછળ કરી લીધા.
" જો મારી પાસે અત્યારે તો બે હજાર રૂપિયા છે...આ પૈસાથી તું આરામથી વીસેક દિવસ પોતાનું ભરણ પોષણ કરી શકીશ...બસ એના બદલામાં તારે પોતાની કિંમતી ચીજ દેવી પડશે..."
" મારે તારી કોઈ મદદ નથી જોઇતી..." ગુસ્સામાં એ છોકરી બોલી ઉઠી.
યુવાન થોડોક હસ્યો અને બોલ્યો. " ખુશી ખુશી હા પાડીશ તો બદલામાં પૈસા પણ મળશે નહિતર વિના પૈસા હું તો જબરદસ્તી કરીને છીનવી જ લઈશ...."
યુવાન વધુ ન ખમ્યો અને છોકરીને પકડવા આગળ દોડ્યો. જેમ એ પેલી છોકરીની નજદીક પહોચ્યો ત્યાં જ વચ્ચમાં કેશવ આવીને કુદી પડ્યો.
શું કેશવ એ છોકરીની મદદ કરી શકશે?
ક્રમશઃ