Sapnana Vavetar - 55 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 55

સપનાનાં વાવેતર પ્રકરણ 55
(આ પ્રકરણ ઘણું લાંબુ છે માટે સમય કાઢીને શાંતિથી વાંચવું. )

અનિકેતે ફંકશન વખતે મુખ્તારને બીજા દિવસે પોતાની ગાડી ચલાવવાની મનાઈ કરી હતી. કારણ કે એને એક્સિડન્ટ દેખાઈ રહ્યો હતો. મુખ્તારે તો સલાહ માનીને ગાડી ન ચલાવી. પરંતુ એ એના દીકરા અલ્તાફને કહેવાનું ભૂલી ગયો અને અલ્તાફ ગાડી લઈને કોલેજ ગયો. વળતી વખતે એને અકસ્માત થયો અને અત્યારે એ હોસ્પિટલમાં સિરિયસ હતો.

રસ્તામાં ગાડીમાં બેઠાં બેઠાં જ અનિકેતે અલ્તાફના આરોગ્ય અને આયુષ્ય માટે ગુરુજીને પ્રાર્થના કરી અને પોતાની સિદ્ધિને અંદરથી જાગૃત કરી. સિદ્ધિ તો સ્વયં સંચાલિત હતી એટલે એની અસર તરત જ ચાલુ થઈ ગઈ.

એ હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં ૨૦ વર્ષના અલ્તાફના શરીરમાં પોઝિટિવ પરિવર્તન ચાલુ થઈ ગયું હતું. એ ધીમે ધીમે ભાનમાં આવી રહ્યો હતો.

"તમારો દીકરો ભાનમાં આવી ગયો ને ? હવે તમે ચિંતા છોડો. એક મોટી ઘાત ટળી ગઈ છે. હવે એ ૨૪ કલાકમાં એકદમ નોર્મલ થઈ જશે." હોસ્પિટલમાં દાખલ થઈને તરત જ એણે મુખ્તારને કહ્યું.

" અરે પણ તમને કેવી રીતે ખબર પડી સર કે એ ભાનમાં આવી ગયો ?" મુખ્તાર ગેટ ઉપર જ ઉભો હતો એટલે એને અલ્તાફના આ સુધારાની ખબર ન હતી. અલ્તાફ તો અત્યારે આઈસીયુ વોર્ડમાં હતો.

" તમે જાતે આઈસીયુ વોર્ડમાં જઈને ચેક કરી લો મુખ્તારભાઈ " અનિકેત હસીને બોલ્યો. " હવે ૨૪ કલાકમાં તમે એને ઘરે લઈ જઈ શકશો.

મુખ્તાર માટે તો આ સમાચાર આશ્ચર્યકારક અને આનંદના પણ હતા. એ અનિકેતને લઈને ઝડપથી આઇસીયુ વોર્ડમાં ગયો.

ગેટ ઉપર જ એને નર્સે સમાચાર આપ્યા કે અલ્તાફ ભાનમાં આવી ગયો છે અને તબિયત સુધારા ઉપર છે. એ નર્સને રિકવેસ્ટ કરીને અનિકેત સાથે અંદર ગયો. અનિકેતે અલ્તાફના માથે એક મિનિટ સુધી હાથ ફેરવ્યો પછી છાતી ઉપર હાથ ફેરવ્યો.

" ટ્રકની પાછળ ધડાકા સાથે અથડાઈ જવાથી ગાડીનું સ્ટિયરિંગ એની છાતી માં દબાઈ ગયું હતું એટલે પાંસળીઓ પણ અંદર દબાઈ ગઈ હતી. ફેફસાં દબાઈ જતાં એને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડતી હતી. હવે ફેફસાં ફ્રી થઈ ગયાં છે અને પાંસળીઓ પણ નોર્મલ થઈ ગઈ છે. માથાનો ઘા પણ રૂઝાઈ જશે." અનિકેત બોલ્યો.

મુખ્તાર તો અનિકેત સામે બાઘાની જેમ જોઈ જ રહ્યો. ડોક્ટરે પણ એને અકસ્માતનું બરાબર આ જ વર્ણન કર્યું હતું. આ સરને આટલી બધી ખબર કેવી રીતે પડી ? અને હવે કહે છે અંદર બધું નોર્મલ થઈ ગયું છે. મુખ્તાર ઉંમરમાં અનિકેત કરતાં મોટો હતો. છતાં એક આદરથી એ એને સર તરીકે જ બોલાવતો હતો. આજે તો આ સરે ચમત્કાર જ કર્યો હતો !!

નર્સ ડોક્ટરને બોલાવવા ગઈ હતી એટલે થોડીવારમાં જ ડોક્ટર એની સાથે આઈસીયુમાં આવ્યા. એણે પણ અલ્તાફને તપાસી લીધો. છાતી ઉપર હાથ ફેરવ્યો. એને પણ આશ્ચર્ય થયું. જે પાંસળીઓ શરૂઆતમાં એને અંદર તરફ દબાઈ ગયેલી લાગતી હતી એ અત્યારે એકદમ નોર્મલ હતી. અલ્તાફ સંપૂર્ણ ભાનમાં હતો અને શ્વાસ પણ સરસ રીતે લઈ શકતો હતો.

"અરે યે કૈસે હો સકતા હૈ ? " ડોક્ટર બોલ્યો અને એણે તરત જ પેશન્ટને એક્સ રે માટે લઈ જવાની સૂચના આપી.

અનિકેત મનોમન હસી રહ્યો હતો. અલ્તાફને એક્સ રે રૂમમાં લઈ જવામાં આવ્યો અને ૧૫ મિનિટ પછી એકદમ નોર્મલ એક્સ રે સાથે એ બહાર આવ્યો. ડોક્ટર ખરેખર માથું ખંજવાળતો હતો. આ બધું એની સમજની બહાર હતું. એણે ૨૪ કલાક માટે પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં રાખવાનું કહ્યું અને જો નોર્મલ હોય તો કાલે રજા આપવાની પણ વાત કરી દીધી. જો કે એને હજુ પણ વિશ્વાસ આવતો ન હતો !

"મુખ્તારભાઈ ચિંતા છોડો. અલ્તાફ એકદમ નોર્મલ છે ભલે આઈસીયુમાં આરામ કરતો. થોડીવાર પછી આ બાટલા પણ કાઢી નાખશે. હું હવે રજા લઉં." અનિકેત બોલ્યો.

"અરે પણ સર આ બધું કેવી રીતે થયું ? ખરેખર અલ્તાફ એકદમ સીરીયસ હતો. " મુખ્તાર બોલ્યો.

"હા સિરિયસ હતો. હવે નથી. અલ્લા કી મેહરબાની. " અનિકેત બોલ્યો.

" જી સર. આ બધું મારી સમજની બહાર છે. આપ તો ખુદ મેરે લિયે અલ્લા બન કે આયે હો. મેરે લિયે કોઈ ભી કામ હો તો આપ બતાના. મેરા ખુદ કા ગાડિયોંકા સાંતાક્રુઝમેં બડા ગેરેજ હૈ. મૈં હંમેશા આપકા શુક્રગુજાર રહુંગા. " મુખ્તાર બોલ્યો અને એણે ગેરેજનું પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું.

અનિકેતે કાર્ડ ખિસ્સામાં મૂક્યું અને મુખ્તારની રજા લઈને નીકળી ગયો.
ધીમે ધીમે અનિકેતની સિદ્ધિઓ અને શક્તિઓ બહાર આવી રહી હતી. એની જાણ બહાર જ નવા નવા પ્રસંગો ઊભા થતા હતા અને ઈશ્વર જ એની પાસે સારાં કાર્યો કરાવતો હતો.

મુખ્તારના પ્રસંગને એકાદ અઠવાડિયું થયું ત્યાં સવારે દસ વાગે અનિકેતનો ડોરબેલ રણક્યો. નોકરે દરવાજો ખોલ્યો તો વિશાલ અભિચંદાની દરવાજા પાસે ઊભો હતો. અનિકેત એમને ઓળખી ગયો કે આ જ શેઠે તે દિવસે એના બાળકના જન્મદિવસની પાર્ટી રાખી હતી.

" આવો આવો વિશાલભાઈ. પધારો." અનિકેત ઉભો થઈને બોલ્યો અને વિશાલ અભિચંદાનીનું સ્વાગત કર્યું. વિશાલભાઈ અંદર આવીને સોફા ઉપર બેઠા.

" સોરી અનિકેતભાઈ અચાનક આવી ગયો છું. ગયા અઠવાડિયે મુખ્તારની ગાડીને જે એક્સિડન્ટ થયો એની મને ખબર પડી છે. અને તમે આટલી સચોટ આગાહી આગલા દિવસે કરી હતી એવું મને જાણવા મળ્યું એટલે તમને મળવાનું મન થયું." વિશાલભાઈ બોલ્યા. સિંધી હતા એટલે ગુજરાતીમાં પણ વાત કરી શકતા હતા.

" હા સાહેબ પણ હું જ્યોતિષી નથી." અનિકેત હસીને બોલ્યો. વિશાલભાઈ પણ હસી પડ્યા.

" મેં જ્યોતિષની ચર્ચા કરી જ નથી મારા સાહેબ. તમારી પાસે કોઈક એવી શક્તિ ચોક્કસ છે. કોઈ જ્યોતિષી પણ આટલું સચોટ ના કહી શકે કે કાલે તમારી ગાડીને એક્સિડન્ટ થવાનો છે. મારે તમારી એ શક્તિની મદદ લેવી છે જો એ મદદ થઈ શકતી હોય તો. એકસીડન્ટની પણ તમને જાણ થાય છે અને મુખ્તારના દીકરાને તમે દસ મિનિટમાં નોર્મલ પણ કરી દો છો ! શક્તિ વગર આવું કેવી રીતે થઈ શકે ?" વિશાલભાઈ બોલ્યા.

" મારા ગુરુજીની કૃપા છે સાહેબ. હું કોઈ સાધના કરતો નથી. આપોઆપ ચમત્કારો બનતા જાય છે." અનિકેત બોલ્યો.

" બસ આવો જ એક ચમત્કાર તમારે કરવાનો છે જો થઈ શકે તો. કોશિશ તો કરો સર જી" અભિચંદાની બોલ્યા.

" હું ખાત્રીપૂર્વક તો કંઈ કહી શકતો નથી. તમે પૂરી વાત કરો. હું કોશિશ ચોક્કસ કરીશ. " અનિકેત બોલ્યો.

" અમારું ઉલ્હાસનગરમાં એક પુસ્તૈની મકાન છે. વર્ષોથી બંધ છે. ઘણા બધા જાણકારોએ કહ્યું છે કે એ મકાનમાં નીચે ખૂબ જ ધન દાટેલું છે. પહેલાંના જમાનાની સોનામહોરો છે. ઝવેરાત પણ છે. તમે અમારી સાથે અમારા ઘરે આવીને જોઈ શકો ખરા ?" વિશાલભાઈ બોલ્યા.

અનિકેતે બે મિનિટ માટે આંખો બંધ કરી દીધી. એ પછી એણે આંખો ખોલી અને બોલ્યો.

"તમારા એ બંગલાની બરાબર સામે એક ગેરેજ છે અને બંગલાની બાજુમાં એક પિંપળાનું ઝાડ પણ ઊગેલું છે. એ પછી બે માળનો એક નવો બંગલો બનેલો છે. ત્રણ બંગલા છોડીને એક મુખ્ય રસ્તો જાય છે. " અનિકેતે વર્ણન કર્યું.

" જી બિલકુલ સો ટકા સાચું કહ્યું. " વિશાલભાઈ આશ્ચર્યથી બોલ્યા.

" મારે ત્યાં આવવાની કોઈ જરૂર નથી મેં બધું જોઈ લીધું છે. મકાન ખોદવાની કોઈ જ કોશિશ કરતા નહીં. તમારા મકાનની નીચે કંઈ જ કહેતાં કંઈ જ નથી. ખોટી મહેનત કરશો નહીં. " અનિકેતે પોતે જે જોઈ લીધું તે કહી દીધું.

" મને તમારી વાતોમાં પૂરેપૂરો વિશ્વાસ છે. હવે સોનામહોરોની એ બધી વાતોને હું ભૂલી જઈશ. હવે અમારી ચિંતાનો એક લાસ્ટ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી આપો. મારા સસરા છેલ્લા સાત આઠ વર્ષથી ભયંકર ડિપ્રેશનમાં આવી ગયા છે. ડિપ્રેશન કરતાં પણ વધારે તો થોડીક પાગલપણાની અવસ્થા છે." વિશાલભાઈ બોલી રહ્યા હતા.

" કરોડોનો એમનો બિઝનેસ હતો. હું અત્યારે જે પણ છું એ એમના જ કારણે છું. મારાં લગ્ન થયાં ત્યારે એમના ઘરે ચાંદીની થાળી વાટકીઓ અને ગ્લાસ હતા. લગ્ન પછી મારી પત્નીએ એમનું ઘર છોડી દીધું પછી એમને ધંધામાં બહુ મોટી ખોટ ગઈ અને કરોડો રૂપિયા રાતોરાત ગુમાવી દીધા. એ પછી એમની હાલત બગડતી ચાલી અને અત્યારે લગભગ ગાંડા જેવા થઈ ગયા છે. ઘરમાં કોઈને પણ ઓળખતા નથી. એમને એક રૂમમાં પૂરી રાખવા પડે છે. શું એમને તમે નોર્મલ કરી શકો ? એમનું નામ આસુમલ છે. " વિશાલભાઈ બોલ્યા.

" મને એમનો ફોટો હોય તો બતાવો." અનિકેત બોલ્યો.

" જી હમણાં જ બતાવું. " કહીને વિશાલભાઈએ પોતાના મોબાઈલમાં આસુમલ શેઠનો ફોટો બતાવ્યો.

અનિકેત ફોટા સામે બે મિનિટ સુધી સતત જોઈ રહ્યો અને પછી એણે આંખો બંધ કરી દીધી. એ ઊંડા ધ્યાનમાં સરકી ગયો. હવે અનિકેત આરામથી આલ્ફા લેવલથી આગળ જઈ શકતો હતો.

" માણસનાં પૂર્વ જન્મનાં પાપો ક્યારેક ક્યારેક બીજા જન્મમાં છાપરે ચઢીને પોકારે છે. તમારા સસરાએ ગયા જન્મમાં લોકોને હેરાન કરવામાં પાછું વાળીને જોયું નથી સાહેબ. " અનિકેત બોલી રહ્યો હતો.

" પૃથ્વી ઉપર લગભગ સો વર્ષ પછી એમનો જન્મ થયો છે. આ સમય ગાળો સૂક્ષ્મ જગતમાં જો કે ઓછો હોય છે. બંને લોકના સમયના માપદંડ અલગ અલગ હોય છે. એમણે સૂક્ષ્મ જગતમાં નરકની વેદના પણ ભોગવી છે એ પછી એમનો જન્મ થયો છે. અંગ્રેજોનો એ સમય હતો અને એ સુબેદાર હતા. એમણે ગરીબ લાચાર લોકોને ચાબુકથી માર્યા છે વિશાલભાઈ. જબરદસ્તી પોતાની કોઠીમાં બોલાવીને ઘણી સ્ત્રીઓની લાજ લૂંટી છે. વર્ણન કરી શકું એમ નથી. " અનિકેત બોલી રહ્યો હતો.

" આપણા તો અનેક જન્મો થઈ ચૂક્યા હોય છે એટલે અગાઉના જન્મોનાં કેટલાંક સંચિત પૂણ્ય કર્મોના કારણે એમનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયો અને ૫૩ વર્ષની ઉંમર સુધી એમણે જાહોજલાલી ભોગવી. દીકરીના જન્મ પછી એટલે કે તમારી પત્નીના જન્મ પછી એ માલામાલ થઈ ગયા. કારણ કે આ દીકરી પૂર્વ જન્મમાં એમની પત્ની હતી અને ખૂબ જ પુણ્યશાળી હતી. એણે ખૂબ જ દાન ધર્મ કર્યાં છે અને પોતાના પતિને દરેક વખતે એ રોકતી હતી. ઘરમાં પૂરેલી સ્ત્રીઓને ક્યારેક ચૂપચાપ છોડી દેતી હતી." અનિકેત બોલી રહ્યો હતો.

"જ્યાં સુધી દીકરી એમની પાસે હતી ત્યાં સુધી એમણે જલસા કર્યા. દીકરી એ લગ્ન કરીને જેવી વિદાય લીધી કે તમે સુખી થઈ ગયા અને એમનાં પાપ કર્મો ફરી જાગૃત થઈ ગયાં. કોઈનાં કર્મો કોઈ લઈ શકતું નથી અને માફ કરી શકતું પણ નથી વિશાલભાઈ. પૂણ્ય કર્મો હોય કે પાપ કર્મો હોય સૌએ ભોગવવાં જ પડે છે. એટલે અત્યારે એમને જે સજા મળી રહી છે એ માફ કરવાની મારી પાસે કોઈ સત્તા નથી. " અનિકેત બોલી રહ્યો હતો.

" હું માત્ર મારા ગુરુજીને પ્રાર્થના કરીને બાકી બચેલાં પાપ કર્મોને એમના નવા જન્મ માટે પાછાં ધકેલી શકું છું. જે એમણે એમના હવે પછીના જન્મમાં ભોગવવાં તો પડશે જ. અત્યારે હાલ પૂરતા એ થોડા નોર્મલ થઈ જાય એટલું કરી શકું બસ." અનિકેતે પોતાની વાત પૂરી કરી.

"નવા જન્મની વાત નવા જન્મમાં. એ તો આપણે ક્યાં જોવા જવાના છીએ ? અત્યારે તમે એમને સારું કરી દો તો પણ ઘણું છે. મારા કરતાં મારી પત્ની માનસિક રીતે ખૂબ જ હેરાન થઈ રહી છે. એના તો એ સગા પિતા છે અને એમને રૂમમાં પૂરી રાખવા પડે છે એ એનાથી સહન થતું નથી. મારાં સાસુ બિચારાં હેરાન પરેશાન થઈ ગયાં છે. " વિશાલભાઈ બોલ્યા.

અનિકેત સાસુની વાત સાંભળીને મનોમન હસ્યો. કારણ કે એ પણ સાસુના પૂર્વ જન્મ વિશે થોડુંક જાણી ગયો હતો પરંતુ કંઈ બોલ્યો નહીં.

" ઠીક છે વિશાલભાઈ તમારા સસરા જ્યાં રહે છે ત્યાં મારે આવવું પડશે." અનિકેત બોલ્યો.

" જી ચોક્કસ તમે જ્યારે કહો ત્યારે." વિશાલભાઈ બોલ્યા.

" તો પછી આવતા રવિવારે આપણે રાખીએ. સવારે નવ વાગે તમે મારા ઘરે આવી જજો. અને હવે તમે આવ્યા જ છો તો ચા પાણી પીને જ જાઓ." અનિકેત બોલ્યો.

અનિકેતે શંકર મહારાજને બોલાવીને ચા નાસ્તા માટે કહ્યું. એ પછી બંને જણાએ ધંધા વિશે થોડી ચર્ચાઓ કરી. વિશાલભાઈનો વિશાલ જ્વેલર્સ નામનો બહુ જ મોટો શોરૂમ બાંદ્રામાં હતો જે એમના સસરાએ જ કરી આપ્યો હતો.

થોડીવારમાં જ શંકર મહારાજ ગરમાગરમ બટેટાપૌંઆ અને ચા લઈને આવ્યા.

" ચાલો અનિકેતભાઈ ખૂબ ખૂબ આભાર. હું રજા લઉં. રવિવારે સવારે નવ વાગે આવી જઈશ. આપણે ચર્ચગેટ જવાનું છે." કહીને વિશાલભાઈએ વિદાય લીધી.

એ પછીના રવિવારે અનિકેતને લઈને વિશાલભાઈ ચર્ચગેટ પોતાના સસરા આસુમલના બંગલે ગયા. જતાં પહેલાં વિશાલભાઈએ એમની સાસુ સાથે વાત કરી લીધી હતી એટલે એ લોકો પહોંચ્યા ત્યારે ચા નાસ્તો તૈયાર જ હતો. એને ન્યાય આપીને અનિકેત ઊભો થયો અને વિશાલભાઈએ જે રૂમમાં સસરાને રાખતા હતા એ રૂમ ખોલી નાખ્યો. એ વખતે આસુમલ પલંગમાં સૂતા હતા અને ચકળવકળ આંખોથી છતને તાકી રહ્યા હતા.

અનિકેત એમની પાસે ગયો. બે મિનિટ માટે આંખો બંધ કરી દીધી અને વ્યોમાનંદ સ્વામીને માનસિક આમંત્રણ આપીને સતત પ્રાર્થના કરી અને આસુમલનાં પાપકર્મોને નવા જન્મ માટે પાછાં ઠેલવા માટે દિલથી વિનંતી કરી.

એ પછી અનિકેતે પોતાની આંખો ખોલી દીધી અને આસુમલ શેઠના માથા ઉપર હાથ ફેરવ્યો. એમની ખુલ્લી આંખોને પોતાની હથેળીથી બંધ કરી દીધી. છાતી ઉપર હાથ ફેરવ્યો અને બંને હથેળી એમના શરીરથી સહેજ ઊંચે રાખીને નવી ઉર્જા આપી.

જાણે કે ચમત્કાર થયો હોય એમ આસુમલ શેઠનો જાણે કે નવો અવતાર થયો. પહેલાંના આસુમલનો જ જાણે કે પુનર્જન્મ થયો. એ સટાક કરતા પલંગમાં બેઠા થઈ ગયા.

" અરે વિશાલકુમાર તમે ! તમે ક્યારે આવ્યા અને આ ભાઈ કોણ છે ? " આસુમલ વિવેકથી જમાઈને સંબોધન કરીને બોલ્યા.

" બસ હમણાં જ આવ્યો. તમારી તબિયત જરા ખરાબ થઈ ગઈ હતી એટલે મારા આ ડોક્ટર મિત્રને લઈને આવ્યો હતો. એમણે તમને સારા કરી દીધા છે. હવે તમે એકદમ નોર્મલ છો." વિશાલભાઈ બોલ્યા.

" હું તો એકદમ નોર્મલ જ છું. મને કંઈ થયું નથી. બસ રૂમમાં આવીને આરામ કરતો હતો. " આસુમલ બોલ્યા.

" જી પપ્પાજી. આવો આપણે ડ્રોઈંગ રૂમમાં બેસીએ. " વિશાલભાઈ બોલ્યા. અને બધા ડ્રોઈંગ રૂમમાં આવ્યા.

" પોતાનો છેલ્લાં આઠ વર્ષનો ભૂતકાળ તમારા સસરા ભૂલી ચૂક્યા છે. એટલે તમારે હવે વ્યવસ્થિત રીતે એમની સાથે બધી વાતચીત કરવી પડશે. બધું યાદ કરાવવું પડશે. તમારાં લગ્ન છ મહિના પહેલાં જ થયાં છે એવું જ એ માને છે. એ આઠ વર્ષ સુધી ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અથવા તો કોમામાં જતા રહ્યા હતા એવું જ કંઈક તમે કહેજો. પૂર્વજન્મની કોઈ ચર્ચા કરતા નહીં. " અનિકેતે ધીમેથી બાજુમાં બેઠેલા વિશાલભાઈને કહ્યું.

" જી જી. હું અને મારી વાઇફ થોડા દિવસ અહીં રોકાઈને અમારી રીતે વાત કરીશું. મારે ત્યાં પાંચ વર્ષના લગ્નજીવન પછી દીકરાનો જન્મ થયો છે એ પણ એમને ખબર નથી. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે અનિકેતભાઈ ! હું તમને કહી શકતો નથી કે હું આજે કેટલો ખુશ છું !! મારી પત્ની જ્યારે જાણશે ત્યારે તો એ પણ ખુશીથી પાગલ થઈ જશે. " વિશાલભાઈ બે હાથ જોડીને બોલ્યા.
*********************"*
અને આ રીતે અનિકેતની આ નવી જીવનયાત્રા શરૂ થઈ. લોકોને ખુશીઓ વહેંચવાનું કામ એણે ચાલુ કર્યું.

ત્રણ મહિનાનો બીજો સમયગાળો પસાર થઈ ગયો. ધારા આન્ટી કેનેડા થી પાછાં આવી ગયાં હતાં. મનીષ અંકલ હવે થાણા જતા રહ્યા હતા અને એમના બદલે અનિકેતનાં મમ્મી પપ્પા હંસાબેન અને પ્રશાંતભાઈ અનિકેતના ઓશન વ્યુ ફ્લેટમાં કાયમ માટે રહેવા આવી ગયાં હતાં.

સુજાતા બિલ્ડર્સની આખી કંપની હવે પ્રશાંતભાઈ પોતાના વર્ષોના અનુભવથી સુંદર રીતે ચલાવી રહ્યા હતા. અનિકેત હવે ખાસ ધ્યાન આપતો ન હતો. શ્રુતિનો શોરૂમ ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યો હતો અને દર મહિને લાખોના ડ્રેસ વેચાતા હતા. ઘરમાં પૈસાની તો કોઈ તકલીફ હતી જ નહીં એટલે આખો પરિવાર સુખી હતો.

અનિકેત રોજ સવારે ચાર વાગે ઊઠીને બે કલાક ધ્યાન કરતો હતો. એ પછી રોજ ગાયત્રીની ૧૧ માળા કરતો હતો. એને સિદ્ધિઓ બધી એક્ટિવ થઈ ગઈ હતી. એ ઘણું બધું અગાઉથી જાણી શકતો હતો.

એ પછીના એક વર્ષના ગાળામાં એણે ત્રણ વ્યક્તિઓને મૃત્યુના મુખમાંથી બચાવી હતી. એક યુવાનને એના મૃત્યુ પછી હોસ્પિટલ જઈને સજીવન પણ કર્યો હતો. વ્યાજે લીધેલા પૈસા પાછા આપી દીધા પછી પણ એક વેપારીને પોતાની પ્રોપર્ટીના પેપર્સ પાછા નહીં આપીને હેરાન કરતા બે ગુંડાઓને એણે બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને એ ગુંડાઓ વેપારીનું નામ લેવાનું પણ ભૂલી ગયા હતા ! એ સિવાય એણે છેલ્લા એક વર્ષમાં બે છોકરીઓની ઈજ્જત બચાવી હતી.

ત્રણ મહિના પહેલાં અનિકેત એકલો ચાર ધામની યાત્રાએ ગયો હતો અને એ જ્યારે વળતી વખતે છેલ્લે છેલ્લે રામેશ્વરમ્ હતો ત્યારે એને ખ્યાલ આવી ગયો હતો કે આજે રાત્રે એના દાદા ધીરુભાઈ શેઠનું અવસાન થઈ જવાનું છે. એ રાત્રે ઊંઘમાં જ માસિવ હાર્ટ એટેક આવતાં ધીરુભાઈ સદાને માટે આ દુનિયા છોડી ગયા હતા.

સવારના ફ્લાઈટમાં જ અનિકેત મુંબઈ આવી ગયો હતો અને પોતાના વહાલા દાદાને આખરી વિદાય આપી હતી. એ સાથે જ ધીરુભાઈ શેઠનો યુગ પૂરો થઈ ગયો હતો ! ૧૩ દિવસ પછી ધ્યાનમાં બેસીને અનિકેતે એ પણ જોઈ લીધું હતું કે દાદાનો આત્મા પણ ચોથા લોકમાં પ્રવેશી ગયો છે અને અત્યારે થોડા દિવસ મોટા દાદાની સાથે જ એ રહેશે. જેથી મોટા દાદા એમના એ પુત્રના આત્માને આત્મજ્ઞાન આપી શકે !

દાદાના મૃત્યુના ત્રણ મહિના પછી શ્રુતિ પ્રેગનન્ટ બની હતી ! અનિકેતે ધ્યાનમાં બેસી શ્રુતિના પેટ ઉપર હાથ મૂકીને એક રાત્રે જોઈ લીધું હતું કે પોતાની પ્રિય પત્ની કૃતિનો આત્મા જ મોહના કારણે અનિકેતની જ પુત્રી તરીકે જન્મ લેવા માટે નાની દીદીના ઉદરમાં પ્રવેશી ગયો છે !!

એક જ આત્મા અનેક જન્મોમાં ક્યારેક માતા તરીકે તો ક્યારેક પિતા તરીકે, ક્યારેક પુત્રી તરીકે તો ક્યારેક પુત્ર તરીકે, ક્યારેક બહેન તરીકે તો ક્યારેક ભાઈ તરીકે, ક્યારેક પતિ તરીકે, તો ક્યારેક પત્ની તરીકે જન્મનાં ચક્કરો કાપતો જ રહે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી અને જ્યાં સુધી પાંચમા લોકમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી એક જ કુટુંબના ઋણાનુબંધના કારણે જન્મ મરણનું આ ચક્કર અનેક જન્મો સુધી ચાલતું જ રહે છે !!

શંકરાચાર્યે એટલા માટે તો કહ્યું છે:
पुनरपि जननं पुनरपि मरणम
पुनरपि जननी जठरे शयनम ।
ईह संसारे बहु दुस्तारे
कृपया अपारे पाहि मुरारे।।
भज गोविंदम् भज गोविंदम्
गोविन्दम् भज मूढमते ।।

આપણે કરેલાં *સપનાનાં વાવેતર* જ નવા નવા જન્મો કરાવતાં રહે છે. જ્યાં સુધી સપનાં છે ત્યાં સુધી જનમો જનમની સાંકળ ચાલતી જ રહે છે !!
*સમાપ્ત*
અશ્વિન રાવલ (અમદાવાદ)

(વાચક મિત્રો આજે આ નવલકથા સમાપ્ત કરી દીધી છે. સિદ્ધિઓ અને ચમત્કારોના પ્રસંગો ઉમેરીને હજુ પણ આ નવલકથાને ૮ ૧૦ પ્રકરણ સુધી લંબાવી શકાત. પરંતુ અગાઉની નવલકથાઓમાં ઘણા બધા આવા પ્રસંગો લખ્યા હોવાથી હવે વધારે પુનરાવર્તન કરવાની મને જરૂર નથી લાગતી. એટલે યોગ્ય સમયે આ નવલકથાને પૂર્ણવિરામ આપી રહ્યો છું. હવે ટૂંક સમયમાં નવી નવલકથા શરૂ થશે એટલે આપ સૌને જાણ કરવામાં આવશે.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED