ભાગ 27
28 ઓગસ્ટ 2018, મંગળવાર સવારના 10.25
--------------------------------------------------------
- ઊંઘી ગયો કે શું?
- તારો ચહેરો જોયા વિના કેવી રીતે ઊંઘી જાઉં?
- ઉફ્ફ, ફરી મજાક?
- છોકરી, તને ચીડવવાની ખૂબ મજા આવે છે. જ્યારે હું તારી સાથે વાત કરું છું, ત્યારે ફરીથી એજ કૉલેજીયન બની જાઉં છું. ઘરનું કામકાજ પતી ગયું?
- નાસ્તો લીધો. હજી થોડી રસોઈ બાકી છે. થોડો સમય જાગતા રહો.
- અગિયાર વાગ્યા સુધી જ જાગીશ. મોબાઇલના પ્રોફાઇલ પિક્ચરમાં તને જોઈ જોઈને આંખો થાકી ગઈ!
- ચાલ ત્યારે, થોડી વાર વાત કરીએ. તારી ઊંઘ ડીસ્ટર્બ ન થવી જોઈએ. બોલ, પ્રોફાઇલ પિક્ચરમાં મને જોયા સિવાય, આજે તેં આખો દિવસ બીજું શું કર્યું?
- માળા જપી, રાહ જોઈ. તું તારા કામમાં ધ્યાન આપ, આપણે કાલે વાત કરીશું.
- આટલો બધો ગુસ્સો કે આટલો બધો પ્રેમ?
- ખબર નથી આને શું કહેવાય, રાધા તું છો. જોજે રસોઈ બળી ન જાય.
- તારે ખાતર મેં ગેસ બંધ કર્યો, બકા. અત્યારે પાર્થો બીજી ઇનિંગની ચા બનાવી રહ્યા છે.
- મતલબ હવે પાર્થોને કામે લગાડ્યા?
- તેઓ વર્ષોથી ચા બનાવે છે. તેમને ખબર છે કે હું તારી સાથે વાત કરી રહી છું.
- વાહ, તું તો ખૂબ નસીબદાર છો!
- નસીબદાર તો તું પણ ખરોને! તું મને જેટલો વહાલો છે, તેટલો જ પાર્થોને પણ વહાલો છે. વળી તેમની ચા બનાવવાની પણ એક વાર્તા છે.
- તું તો વાર્તાનો ખજાનો છે. કહે.
- વર્ષો પહેલાં, હું સવારે સાડા પાંચ વાગ્યે ઊઠતી, ઘરનું તમામ કામ પતાવીને ઓફિસ જવું પડતું. પાર્થો બીજા બધા કામમાં મદદ કરતા, પણ કિચનનું કોઈ કામ નહોતા કરતા. એક દિવસ મેં કહ્યું, ‘જો કોઈ મને સવારે એક કપ ચા બનાવી આપે તો હું આખો દિવસ કામ કરી શકું.’ બસ તે દિવસથી તેઓ જ ચા બનાવે છે.
- પછી તું બમણા ઉત્સાહથી કામે લાગી જાય છે.
- જી હુજૂર.
- આજે જમવામાં શું છે, કોઈ મિષ્ટાન્ન?
- સાવ સાદું બનાવ્યું છે. આજે મૂડ ઠીક નથી.
- ક્યોં જી, મૂડને શું થયું? તબિયત તો ઠીક છે ને? તબિયતનું ધ્યાન રાખો, મેડમ.
- આજે મગજ ચકરાવે ચઢ્યું છે.
- મારી સાથે વાત કરીને તો ચકરાવે નથી ચઢ્યું ને? સૉરી, હું તને ખૂબ પરેશાન કરું છું.
- એવું નથી ઐશ, તારી સાથે વાત કરવી તો મને ગમે છે.
- શું કરું, કહે? પાણીમાં ડૂબતી વ્યક્તિને એક તણખલાનો, ના ના એક લાકડીનો સહારો મળ્યો છે. હું તને કોઈ કારણ વિના હેરાન કરું છું. તારી પોતાની એક દુનિયા છે. તું ખૂબ બિઝી રહે છે. હવેથી ધ્યાન રાખીશ. મારા સ્વાર્થ ખાતર તને ડિસ્ટર્બ નહીં કરું. મારું જીવન તો અત્યાર સુધી જેમ વીત્યું, હવે પછી પણ વીતી જશે. તું હંમેશા ખુશ રહે, બસ, મારે એટલું જ જોઈએ છે.
- અરે! અરે! શું મેં એવું કંઈ કહ્યું? પહેલાં તો એ નક્કી કર કે તણખલાનો સહારો મળ્યો કે લાકડીનો?
- તણખલું નહીં કે લાકડી પણ નહીં, તું મારી જીવનનૈયા ને પાર લગાવનાર એક અદ્રશ્ય શક્તિ તરીકે આવી છો. તું જેટલી આત્મીયતાથી મારી સાથે વાત કરે છે તે મને બહુ ગમે છે, પણ તારી તબિયત મારા માટે વધુ મહત્વની છે. હવેથી જરૂર ધ્યાન રાખીશ કે હું બોરિંગ ન બનું.
- આવું બધું લખીને તું મને દુઃખી કરી રહ્યો છે, અશ્વિન.
- મને ખબર નથી પડતી મલ્લિકા, હું શા માટે તારી સામે આટલી બક બક કરું છું. આટલા વર્ષો સુધી હું મૌનની અંધારી શેરીઓમાં ભટકતો રહ્યો. કામનો સમય જ એવો હતો કે પરિવારથી દૂર થતો ગયો!
- પરિસ્થિતિ તારા વશમાં નહોતી, અશ્વિન.
- તારી વાત સાથે સહમત છું. કામના સ્થળે, બાર કલાકની ડ્યુટીમાં પેશન્ટ્સની સંભાળ રાખવી પડતી. મારા દિવસ-રાત તેમના ચહેરા જોતાં પસાર થતાં. ડ્યુટી પર પણ વાત કરવા માટે કોઈ જ નહોતું. મારી ઇસરોની જોબ યાદ આવતી અને આંખોમાંથી આંસુ વહેવા લાગતાં. ત્યાં કલાકાર, નિર્માતા, દિગ્દર્શક, કેમેરામેન... આ બધાની હાજરીથી વાતાવરણ કેવું જીવંત બની રહેતું! એક એક્ટર તરીકે હું પણ ગુજરાતી ફિલ્મ, ટેલિવિઝનનાં કાર્યક્રમો માટે શૂટિંગ કરતો રહેતો. નાટકોના રિહર્સલમાં બિઝી રહેતો. આખો દિવસ હંસી મજાકમાં વીતી જતો. આખો દિવસ હસી-મજાકમાં પસાર થતો.
- કામ જો આપણું મનગમતું હોય તો થાક પણ ન લાગે!
- એક શેર યાદ આવી ગયો-
વક્ત મેરી તબાહી પે હંસતા રહા,
રંગ તકદીર ક્યા ક્યા બદલતી રહી!
- હું તારી એ લાચારીની એ ઘડીઓ અનુભવી શકું છું, ઐશ.
- તેં મારી ઘોર એકલતાને દૂર કરી છે, મલ્લિકા.
- હું તારા દરેક સંવાદને અનુભવું છું અને મારા અભિપ્રાય આપું છું. હું જાણું છું કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષય પર કંઈક કહે છે, ત્યારે તે સામેથી પ્રતિસાદની અપેક્ષા પણ રાખે છે.
- સાચી વાત. જેમ કોઈ બાળકને ઈજા થાય તો તે તેની માતા પાસે દોડી જાય છે. તે જાણે છે કે માતાને કહેવાથી તેનું દુઃખ દૂર થશે. તું મને ક્યારેક મારી માતા જેવી લાગે છે.
- એ તો હું છું જ. મારી સહેલી વિનીતાએ માતા-પુત્ર વિશે એક રસપ્રદ વાત કરી હતી.
- જાણવી ગમશે. તારી બધી વાતો મને રસપ્રદ લાગે છે.
- કોઈપણ દંપત્તિ તેમના લગ્ન જીવનના પ્રથમ દસ વર્ષ પ્રેમીઓ તરીકે વિતાવે છે, પછીના દસ વર્ષ પતિ-પત્ની તરીકે, પછીના દસ વર્ષ મિત્રો તરીકે અને પછીના દસ વર્ષ ભાઈ-બહેન તરીકે વિતાવે છે.
- વાહ! પછી?
- અને પછી પણ જો સહીસલામત હોય તો માતા-પુત્રની જેમ. હા.... હા.... જો આપણે પરિણય સૂત્રમાં બંધાયાં હોત તો પણ આજે આપણે માતા-પુત્રની જેમ વર્તવું પડ્યું હોત! એટલે કે તું મને મા કહી શકે છે, બેટા!
- હમ્મ.... હવે ખબર પડી કે શા માટે તારી વાતોમાં કેટલીકવાર માનું વાત્સલ્ય ઝળકે છે! તેથી જ મને તારી સાથે વાત કરવી ગમે છે. તેં ફક્ત વાતો દ્વારા જ મારી બધી ખોવાયેલી ખુશીઓ શોધી આપી. સમજાતું નથી કે શું કહેવું? જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો માફ કરજે, મારી મા.
- ઓહ! આટલો ભાવુક ન બન, ઐશ. એક અન્તરંગ મિત્ર તરીકે તને સમર્થન આપવા માટે હું આખી દુનિયા સાથે લડી શકું છું. મેં પ્રેમની તાકાતથી તકદીરનું લખાણ ફેરવ્યું છે! ક્યારેક મેં આવું લખ્યું હતું-
તકદીર લિખી તૂને સબ કી,
બેજુબાન હૈ આજ તૂ હી તો.
સોચ રહા હૈ લિખતે-લિખતે
ફિસલી હોગી કલમ કહીં તો!
કહીં પ્રેમ કો દેખા મૈંને,
કંધા દેતે હુયે વિરહ કો.
હાય વિધાતા, નિજ હાથોં સે
લિખ હી લેતા લેખ સહી તો!
- તું જે પણ લખે છે દિલથી લખે છે. સરસ્વતી માતાની અસીમ કૃપા તારી ઉપર છે. હું તારા જેવું લખી શકતો નથી. આ નાચીજને ક્યાંક ભૂલી તો નહીં જાયને?
- ફરી પાછી એજ વાત? જો હું પિસ્તાળીસ વર્ષમાં ભૂલી ન હોઉં, તો હવે કેવી રીતે ભૂલી શકું?
- આટલો પ્રેમ ન આપીશ. સાચવી નહીં શકું.
- ઐશ, હકીકતમાં પ્રત્યેક માનવીને પ્રેમની ઉત્કટ ચાહત હોય છે. વિડમ્બના એ છે કે આપણે પહેલાં નફરતની જાળ બિછાવીએ છીએ અને પછી પ્રેમના પંખીને તે જાળથી પકડવાની ઇચ્છા રાખીએ છીએ. આપણે જીવન-સાગરમાં વહેતી સુંદર તરંગોને સુનામીમાં ફેરવીએ છીએ અને પછી આપણે ઇચ્છીએ છીએ કે આપણી જીવન નૈયા વહેતા પવન સાથે આગળ વધે અને આપણને પાર લગાવી દે. એકંદરે આપણને જોઈએ છે કંઈક અને આપણે કરીએ છીએ કંઈક..
- ખુબ સરસ વાત. બાય દ વે, તેં કઈ જાળ બિછાવેલી?
- ચાલ, તારો મૂડ તો બદલાયો. જાળ બિછાવતા જ તો ન આવડ્યું, જનાબ! મનમાં જ પ્રેમની જાળ ગૂંથતી રહી ગઈ!
- હું તો તારી સાથે મજાક કરીને મારું દુઃખ હળવું કરવાનો પ્રયત્ન કરું છું. પ્રેમની જાળમાં દર્દના છાંટા જ વધુ હોય છે. તેં આ ગુજરાતી ગીત તો સાંભળ્યું જ હશે-
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં!
- કેમ નહીં? જગદીશ જોશીની કેટલી સંવેદનશીલ પંક્તિઓ! આપણી વચ્ચે એક સામ્યતા ગજબની છે, અશ્વિન. ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો આપણો લગાવ એક સરખો છે. હવે પછીની ચાર પંક્તિઓ મારા માટે-
ખટમીઠાં સપનાઓ ભૂરાં-ભૂરાં
કુંવારા સોળ વરસ તુરાં-તુરાં.
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં!
- હવે શું કહું, મલ્લિકા!
- કંઈ જ ના કહીશ. તારે ત્યાં રાત ઘણી વીતી, હવે શાંતિથી સૂઈ જા. મારે પણ હવે કિચનમાં જવું પડશે.
- ઓકે ગૃહિણી, સી યુ ટુમોરો. તારો દિવસ સારો વીતે. હાલ તો તું જાગીને મારી રક્ષા કરજે.
- જરૂર કરીશ, શુભ રાત્રિ.
29 ઓગસ્ટ 2018, બુધવાર સવારના 9.20
----------------------------------------------------
- હૈલો સખી, ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. ‘ફિર મોહબ્બત કરની હૈ’, મહક મિર્ઝાની સ્ટોરી-ટેલિંગ.
- ચા પીતાં પીતાં મહક મિર્ઝા પ્રભુનો સ્ટોરી-ટેલિંગ વીડિયો બે વાર જોયો અને સાંભળ્યો. અલબત્ત, મહકની વાર્તા કહેવાની શૈલી શ્રેષ્ઠ છે.
- મને ખબર જ હતી કે તને મહક મિર્ઝાની સ્ટોરી-ટેલિંગ ગમશે.
- આ વાર્તામાં માનવ મનની સૂક્ષ્મ સંવેદનાઓનું વિશ્લેષણ છે. શીર્ષક ખૂબ જ રસપ્રદ છે - 'ફિર મોહબ્બત કરની હૈ’, હક હો તો જાયઝ. નાજાયઝ, અગર મજબૂરી હો.
- કંઈક અંશે આપણી વાર્તાને મળતી આવે છે.
- અશ્વિન, આપણી વાર્તા જેવી તો કોઈ વાર્તા નથી અને કદાચ આવી વાર્તા ક્યારેય લખાશે પણ નહીં. વાસ્તવિકતાની ભૂમિ પર ઊભા રહીને, આપણે અતીતમાં ડોકિયું કર્યું અને તે સમયને અમુક હદે જીવ્યાં.
- તારી હિંમતને સલામ, મલ્લિકા. દરેક મનુષ્યને પ્રેમની ઇચ્છા હોય છે. જેમ પુરુષને પ્રેમ જોઈએ છે, તેમ સ્ત્રીને પણ પ્રેમ જોઈએ છે.
- આમાં કંઈ ખોટું નથી, પણ આ વાર્તાની પૃષ્ઠભૂમિ સામે મને વાંધો છે.
- કેમ?
- વાર્તાની શરૂઆતમાં, મહક કહે છે કે આ રૂમમાંથી બહાર જતાની સાથે જ આ રહસ્યને દફનાવી દેવું, કેમ?
- આપણે ભારતીય પરંપરાઓથી ઘેરાયેલા લોકો છીએ, મલ્લિકા. આજે પણ આપણો સમાજ કોઈ પરિણીત સ્ત્રીને કોઈ પુરુષ સાથે પ્રેમ વિશે વાત કરવાની મંજૂરી આપતો નથી, ભલેને તે મિત્ર કેમ ન હોય.
- પણ પરિણીત પુરુષ તો કોઈ પણ સ્ત્રી સાથે પ્રેમ વિશે વાત કરી શકે છે.
- પુરુષપ્રધાન સમાજનો આજ તો વિરોધાભાસ છે.
- શું તું પણ આ વાતને સમર્થન આપે છે?
- હું સમર્થન આપું કે ન આપું એનાથી શું ફેર પડે છે?
- ફેર પડે છે, અશ્વિન. ક્યાંકથી તો શરૂઆત થવી જ જોઈએ. જો બંને પક્ષોને સમાન સ્વતંત્રતા હોય, તો મોટે ભાગે વાત બગડતાં બચી જાય છે. સ્ત્રી પોતાની મરજી પ્રમાણે જીવવા માંગે છે. તે સ્વતંત્રતા ઇચ્છે છે છતાં તેની મર્યાદાઓથી વાકેફ હોય છે, કારણ કે સ્ત્રી હંમેશાં તેની ફરજો પ્રત્યે વધુ સભાન રહે છે.
- તારી વાત સાથે સહમત છું.
- આ વાર્તામાં એક ગૃહિણી તેના પરિવાર પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. પતિ અને બાળકોની ખુશીઓમાં જ પોતાની ખુશી માને છે, બાકીના સમયમાં તે થોડાં ટ્યુશન કરે છે. પતિ હવે તેની તરફ ધ્યાન આપતો નથી. વય વધી રહી છે તેથી શું, તેને હજી પણ પ્રેમની ચાહત છે. દેહથી અલગ એવો પ્રેમ જે તેના મન અને આત્માને સંતોષ આપે. આવી ઇચ્છાને દબાવીને તે તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
- આવું બંને તરફ હોઈ શકે છે.
- ચોક્કસ હોઈ શકે છે. ઐશ, જ્યારે તેની એક વિદ્યાર્થીની તેને ઓનલાઈન પ્રેમ વિશેની માહિતી આપતા કહે છે, 'તમે જાણો છો, અંકલ પણ ઓનલાઈન ડેટિંગ એપ પર એક્ટિવ છે?' પોતાના પતિ વિશે આવું જાણ્યા પછી પણ તેણી આનો વિરોધ નથી કરતી. આશ્ચર્ય!
- અને હવે તે પણ પ્રેમ કરવા માંગે છે.
- કેમ ન માંગે? તેણી બંગડીઓથી ભરેલી ડીપી બનાવીને પોતાનું એકાઉન્ટ ખોલે છે. કોઈની સાથે જોડાય છે, પ્રેમથી વાતો કરે છે. વાર્તાના અંતે, આપણને ખબર પડે છે કે તેણી તેના પતિને જ ઓનલાઇન પ્રેમ કરે છે. મને અહીં સખત વાંધો છે.
- કઈ વાત પર?
- પત્ની શા માટે પોતાનું નામ બદલીને ઓનલાઈન તેના જ પતિ સાથે પ્રેમ કરે? જો મર્યાદા હોય, તો તે બંને માટે સમાન હોવી જોઈએ. વાર્તા એવી હોવી જોઈએ કે પત્ની પણ કોઈ બીજા સાથે ઓનલાઈન પ્રેમમાં પડે છે. આખરે રહસ્ય જાહેર થાય ત્યારે બંને એકબીજાની માફી માંગે છે.
- તારી વાત તો સાચી છે. અહીં વાસ્તવમાં તેઓ ફક્ત ખોવાયેલો પ્રેમ મેળવવા માંગે છે.
- સત્ય એ જ છે. બંનેને પ્રેમની જ તલાશ છે. હવે આપણી વાત પર આવીએ. સહાધ્યાયી હોવા છતાં આપણે એક બીજા સાથે ક્યારેય એવી કોઈ વાતચીત કરી શક્યા નહીં, જેવી આપણે ઇચ્છતાં હતાં.
- સામાજિક અડચણો અવરોધ બની.
- સાચું કહ્યું તેં. તું તારી દુનિયા વસાવી ઘણે દૂર ચાલી ગયો. કોઈક વળાંક પર નિલય સાથે મારી મુલાકાત થઈ, પણ વાત કોઈ અંજામ સુધી ન પહોંચી.
- જો તેણે તારો પ્રેમ સ્વીકાર્યો હોત તો?
- તો પાર્થો મારા જીવનમાં ન આવ્યા હોત. કદાચ હું તને પણ ભૂલી ગઈ હોત. નિલય તને ભૂલવા માટે નિમિત્ત બની શક્યો હોત, પરંતુ એવું બન્યું નહીં. તું મારા માટે એક સપનું હતો અને નિલય હકીકત. પાર્થો અણધારી રીતે મારા જીવનમાં આવ્યા. બધું જાણ્યા પછી પણ તેમણે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
- પાર્થોએ તને પ્રેમ પણ ખૂબ આપ્યો.
- સાચે જ આપ્યો, અશ્વિન. મને તેમના પ્રત્યે એટલી જ સન્માન ની લાગણી છે, પણ મારું મન અને આત્મા તારી પાસે હતાં. તારા સ્પર્શને દેહથી અલગ હું અનુભવતી રહી. આ લાગણી આંતરિક હતી. આજે પણ મને આશ્ચર્ય છે કે આ પિસ્તાળીસ વર્ષોમાં મેં તારા વિશે કોઈને કહ્યું નથી, કારણ કે મારા માટે તું આસમાનનો એ સિતારો હતો જેને હું ક્યારેય પામી શકવાની નહોતી.
- જેની સામે ક્યારેય પ્રેમ વ્યક્ત ન કર્યો હોય, એવી વ્યક્તિની સ્મૃતિને પિસ્તાળીસ વર્ષ સુધી પોતાના દિલમાં સુગંધિત ફૂલની જેમ સાચવી રાખવી, ફક્ત તું જ કરી શકે. મલ્લિકા.
- અશ્વિન, માત્ર એક જ વાર હું તને કહેવા માંગતી હતી કે તું મને બહુ જ ગમે છે.
- તેથી જ મારે તારા જીવનમાં પાછા આવવું પડ્યું!
- હું નસીબદાર છું કે પિસ્તાળીસ વર્ષના લાંબા ગાળા પછી પણ તેં ભવન્સ કૉલેજના પરિસરમાં જઈને મારો પ્રેમ સ્વીકાર્યો.
- મારા પ્રત્યેની તારી તીવ્ર લાગણીનો અનુભવ કર્યા પછી, તારા પ્રેમને સ્વીકારવો જ રહ્યો.
- આ એક ચમત્કાર જ કહી શકાય કે તું મને ફેસબુક પર મળ્યો. અતીતમાં લઈ જઈને, તેં મને તે કીમતી પળોની અનુભૂતિ કરાવી જેમાં મનથી મનની યાત્રા થાય છે.
- તારા નિર્દોષ પ્રેમ આગળ મારું દિલ ઝુકી ગયું. હું જાણતો નથી કે તારી સાથે મારો શું સંબંધ છે, પણ હું તને મારા હૃદયની ખૂબ નજીક અનુભવું છું.
- ઐશ, આપણે બધા સંબંધો જીવી લીધા. મહકની વાર્તા કંઈક અંશે આપણી વાર્તાને મળતી આવે છે. ભલે દુનિયા તારા પ્રત્યેના મારા પ્રેમને નાજાયજ ગણાવે, પણ સત્ય તો એ છે કે તારા પ્રત્યેનો મારો પ્રેમ જ જાયજ છે.
- તેં તારી કલમ દ્વારા આ વાત ખૂબ જ સારી રીતે કહી દીધી છે.
- કોશિશ તો કરી જ છે. આજે મારા પૌત્ર વિવાનનો જન્મદિવસ છે.
- ઓકે, હવે ડાર્લિંગ દાદીને ખલેલ પહોંચાડવી નથી. આવતી કાલે કહેજે, કેવું રહ્યું બર્થ ડે સેલિબ્રેશન.
- તું મને હજી પણ એજ નાદાન અને બુદ્ધુ છોકરી સમજીને મારી સાથે વાત કરે છે, તે હું જાણું છું; પરંતુ મને તે ગમે છે.
- બુદ્ધુ તો તું હજીય છે, દાદી.
- તું પણ છે, શુભ રાત્રિ.
- તારો દિવસ શુભ રહે.