તારી સંગાથે - ભાગ 6 Mallika Mukherjee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી સંગાથે - ભાગ 6

ભાગ 6

 

25 જુલાઈ 2018, બુધવાર રાતના 10.30 

---------------------------------------------------

 

- અશ્વિન, એવું કહેવાય છે કે મનની કિતાબનાં એ પૃષ્ઠો ફાડી નાંખવાં જોઈએ જે આપણને તકલીફ આપતા હોય. વાસ્તવમાં એવું બનતું નથી. આપણે તે જ પૃષ્ઠોને પ્રાધાન્ય આપીએ છીએ જે આપણને પરેશાન કરે છે. આ એવા પૃષ્ઠો છે જે આપણે વારંવાર વાંચીએ છીએ જાણે કે કોઈ ચમત્કાર થશે અને આ ઉજ્જડ પૃષ્ઠોની ભૂમિ પર ફરીથી ફૂલો ખીલી ઉઠશે.

- હું તો બિલકુલ એમ જ માનું છું કે મનની કિતાબમાંથી એ પૃષ્ઠો ફાડી જ નાંખવા જોઇએ જે આપણને તકલીફ આપતાં હોય.

- મારા જીવનમાંથી તું ગયા પછી અને તારા ફરી પાછા આવવા સુધી, આપણી વચ્ચે ઓછામાં ઓછો એકતાળીસ વર્ષના સમયનો હિમાલય ઊભો છે. તારા અને મારા જીવનમાં કેટલી ઘટનાઓ ઘટી! 

- અને તે પણ અણધારી ઘટનાઓ!

- એક વાર મેં આત્મકથા લખવાની કોશિશ પણ કરી હતી, કંઈ મેળ પડ્યો નહીં.

- અને હવે જો, આપણે એકબીજાને આપણી આત્મકથા કહી રહ્યા છીએ.

- અશ્વિન, કોઈ પણ વાર્તાના કેન્દ્રમાં જો પ્રેમ હોય, તો તેને રસપ્રદ રીતે રજૂ કરી શકાય છે. મારા જીવનમાં તો પ્રેમ જ સંતાકુકડી રમતો રહ્યો! મારી વાર્તા તે વ્યક્તિનો ઉલ્લેખ કર્યા વિના આગળ વધી શકે નહીં.

- તને તારી રીતે વાત કહેવાની છૂટ છે.

- મેં સ્કૂલ જીવનથી જ ગુજરાતીમાં ડાયરી લખવાનું શરૂ કર્યું. તે વખતે હું બીજી કોઈ ભાષામાં લખી શકતી નહોતી. બારેજડીમાં ડી’સિલ્વા અંકલ અમારા પડોશમાં રહેતા હતા. તેમની યુવાન દીકરી ફિલોમીના થોડા દિવસ માટે મુંબઈથી આવી હતી. તેની સાથે દોસ્તી થઈ અને મેં હિન્દી શીખી. 

- આ તો સારી વાત છે.

- તે ગુલશન નંદાની પોકેટ બુક્સ વાંચતી, મને પણ આપતી. મેં પંદર વર્ષની ઉંમરે જ ગુલશન નંદાની મોટાભાગની પોકેટ બુક્સ વાંચી લીધેલી. ‘અજનબી’, ’કટી પતંગ’, ‘ગુનાહ કે ફૂલ’, ‘ચિનગારી’, ‘જલતી ચટ્ટાન’, ‘ઝીલ કે ઉસ પાર’, ‘પ્યાસા સાવન’, ‘માધવી’ વગેરે.

- વાહ! જાણીને હેરાન છું કે તેં પ્રેમ ખૂબ વાંચ્યો, પરંતુ તેનો અર્થ ના સમજી શકી. એવું કેમ?

- અર્થ પણ સમજી શકી હતી, હીરો. વાંચતાં-વાંચતાં હું એક એવી દુનિયામાં ખોવાઈ જતી કે જ્યાં હું વાર્તાની નાયિકા બની જતી અને મારી સાથે કોઈ સોહામણા નાયકની કલ્પના કરતી. એ ઉંમર જ એવી હતી ને? પછી સોળમા વરસે એક દિવસ જયારે મેં તને કૉલેજ કેમ્પસમાં જોયો, લાગ્યું કે જાણે આંખો ઝબકવાનું ચૂકી ગઈ! હૃદયમાંથી અવાજ આવ્યો, ‘આ જ તો છે મારા સપનાનો રાજકુમાર!’

- છતાં મને કહેવાની હિંમત ક્યારેય ન કરી!

- મારી ચુપકીદી જ મારી સજા બની, અશ્વિન. તને નિહાળતા જતાં મારું ગ્રેજ્યુએશન થઈ ગયું. મને ખબર નથી, ત્યાં સુધીમાં તું કદાચ સ્મૃતિના પ્રેમમાં પણ પડી ગયો હોઈશ. તને ખબર જ હશે કે કૉલેજ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરે છે, જેમાં લાઇટ રિફ્રેશમેન્ટની સાથે પ્રિન્સિપાલનું ભાષણ હોય અને અંતમાં એક ગ્રુપ ફોટો લેવાતો હોય છે.

- હા, પણ તે દિવસે હું નહોતો આવી શક્યો.

- જાણું છું, કારણ કે તને છેલ્લી વખત જોવા તે દિવસે હું કૉલેજ ગઈ હતી. ઘરે પહોંચીને તારા માટે હું ચોધાર આંસુએ રડી હતી. તે ગ્રુપ ફોટોની કૉપી પણ મેં નહોતી લીધી. 

- પાગલ છોકરી, હવે મને રડાવીશ?

- મારું નાજુક હૃદય, પ્રેમ અને મંઝિલ બંને ગુમાવવાની પીડા સહન નહોતું કરી શકતું!

- મહેસૂસ કરી શકુ છું. શું કહું? 

- હવે એક વાત મારા મનમાં બહુ જ સ્પષ્ટ રીતે ઊભરી આવી. ભણી ગણીને આત્મનિર્ભર બનવું. પપ્પાને આર્થિક સંકટમાં ઝઝૂમતા જોયા હતા. મેં ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ. (અર્થશાસ્ત્ર)માં એડમિશન લીધું. આ બે વર્ષમાં મેં કોઈ છોકરા સામે જોયું પણ હોય, મને યાદ નથી. એમ.એ. થઈ ગયું. પરિવારમાં લગ્નની વાત શરૂ થઈ. મને લગ્નમાં કોઈ રસ નહોતો. હું આગળ કંઈ ભણવાનું વિચારી રહી હતી.

- પછી?

- એક દિવસ મેં ‘ગુજરાત સમાચાર’ માં એક જાહેરાત જોઈ. આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સમાં આઈ.એ.એસ. પરીક્ષાની તૈયારી માટે કોચિંગના વર્ગો શરૂ થયા હતા. એડમિશન માટે રીટન ટેસ્ટ અને ઇન્ટરવ્યુ બંને હતાં. સ્ટાઇપેંડ પણ હતું અને હોસ્ટેલમાં રહેવું ફરજિયાત હતું. મને લાગ્યું કે જો મારી પસંદગી થાય તો મારા પિતા પર કોઈ આર્થિક બોજો નહીં આવે અને આગળ કંઈક કેરિયર પણ બની શકશે. મેં રીટર્ન ટેસ્ટ પાસ કરી. ઇન્ટરવ્યુમાં પસંદગી થઈ ગઈ અને મને ત્યાં એડમિશન મળી ગયું.

- વાહ! આ તો સાચે જ ખુશીની વાત હતી.

- આ ખુશી જ મારા માટે કાળ બની ગઈ, અશ્વિન! મારા જીવનનો આ સૌથી ખતરનાક મોડ હતો જ્યાં ગહન અંધકાર સિવાય બીજું કશું નહોતું.

- કેવી રીતે? જરા વિસ્તારથી બતાવ.

- કોચિંગ ક્લાસમાં મારો ક્લાસમેટ નિલય હતો, એક સારા કુટુંબનો ગુજરાતી યુવક. મુંબઇનો રહેવાસી હતો, સ્માર્ટ અને ઇંટેલીજન્ટ. ક્લાસમાં ગ્રુપ ડિસ્કશન થતું, તેમાં તેનું એક્ટીવ પાર્ટીસિપેશન રહેતું. તેની સાફગોઇ મને ગમવા લાગી. થોડી ઘણી વાતો થતી, પણ અભ્યાસને લગતી. મને તે ગમવા લાગ્યો. તને તો ખબર છે કે બોલવું મારા સ્વભાવમાં નહોતું, પણ તેણે મારી ખામોશી વાંચી લીધી.

- તેણે કશું કહ્યું?

- તને કેવી રીતે ખબર પડી?

- હવે હું તને વાંચી શકું છું.

- સાચું વાંચ્યું તેં. સ્ટાઇપેંડ મળ્યા પછી ગ્રુપમાં એક વાર ફિલ્મ જોવા વિશે વાત થઈ. એક દિવસ અચાનક તેણે મને કહ્યું, ‘આણંદના લક્ષ્મી સિનેમા હૉલમાં ફિલ્મ જોવા જવું છે, તું આવીશ?’ મારું દિલ એક ધડકન ચૂકી ગયું, લાગ્યું સપનું હકીકત બનીને સામે ઊભું છે! મેં ધીરેથી ‘હા’માં માથું હલાવ્યું. ફિલ્મનું નામ હતું ‘સરકારી મહેમાન’, હીરો વિનોદ ખન્ના હતા. તેણે ધીરેથી સમય અને સ્થળ કહ્યું. હું હોસ્ટેલમાં રહેતી હતી તેથી ઘરવાળાઓનો ડર નહોતો.

- અને તું તેની સાથે ફિલ્મ જોવા ગઈ.

- સાચું માન ઐશ, તું ત્યારે પણ મારી સાથે ચાલી રહ્યો હતો! હું તને ભૂલવા માંગતી હતી. મને એવું લાગતું હતું કે આ વ્યક્તિ મારો પરિચિત છે, મને ગમે પણ છે. તારી યાદને મારા મનમાંથી ભૂંસી શકે છે. અમે સિનેમા હોલમાં ફિલ્મ જોઈ. આશ્ચર્ય! ફિલ્મ જોતી વખતે અમારી વચ્ચે કોઈ વાતચીત ન થઈ. અમે જાણે એકલા એકલા ફિલ્મ જોઈ અને બહાર આવ્યા. ચુપચાપ ચાલતા અમે બસ-સ્ટેન્ડ પર પહોંચ્યા. બસની રાહ જોવા લાગ્યા. હું તેના આવા વ્યવહારથી દંગ રહી ગઈ હતી!

- હું પણ આશ્ચર્યચકિત છું.

- તેણે ધીરેથી કહ્યું, ‘હું તને કંઈક કહેવા માંગુ છું.’ મેં પ્રશ્નાર્થ દ્રષ્ટિથી તેની સામે જોયું. તેણે કહ્યું, ’હું પ્રેમમાં માનતો નથી.’ મેં તો પ્રેમ વિશે તેને કશું કહ્યું જ નહોતું! થોડું રોકાઇને એણે કહ્યું, ‘હું તને પ્રેમ કરું છું કે તું મને પ્રેમ કરે છે એવું વિચારીશ નહીં.’ હું ફક્ત તેનો ચહેરો વાંચી રહી હતી. તેણે આગળ કહ્યું, ‘હું એક છોકરીને પ્રેમ કરતો હતો, પણ તે મને પ્રેમ કરતી નહોતી.’

- ઓહ, તો વાત એમ હતી! મલ્લિકા, મારી સામે આદમકદનો એક પ્રશ્ન છે. પ્રેમનો ઇનકાર, પ્રેમના અસ્તિત્વનો ઇનકાર કેવી રીતે હોઈ શકે ?

- આ પ્રશ્ન મારી સામે પણ હતો, ઐશ. મેં તેની વેરાન આંખોમાં પળભર જોયું, કહેવા માટે કંઈ જ નહોતું. થોડું રોકાઇને તેણે ફરી કહ્યું, ‘હું એવું જરૂર ઇચ્છીશ કે આપણે સારા મિત્રો બનીને રહીએ.’ 

- પ્રેમ વિનાની મિત્રતા? પ્રેમ તો દરેક સંબંધમાં હોય છે!

- હું જાણું છું, પ્રેમ વિના કોઈ સંબંધ સંભવી જ ન શકે પણ મેં કોઈ જવાબ ન આપ્યો. અમે બંને બસમાં વિદ્યાનગર આવ્યાં. બસમાંથી ઊતરીને મારી હોસ્ટેલ પહોંચું તે પહેલાં, વચ્ચે તેની હોસ્ટેલ આવી. તેણે મારી આંખોમાંથી છલકતાં આંસુઓને જોઈ લીધાં હતાં, જેને રોકવાની હું વ્યર્થ કોશિશ કરી રહી હતી. તેની હોસ્ટેલની ગલીમાં પહોંચીને તેણે મને કહ્યું, ‘હું તને તારી હોસ્ટેલ સુધી મૂકી આવું છું.’

- તેં શું કહ્યું?

- મેં ના પાડી અને ચાલવા લાગી. બિલકુલ એવી જ રીતે જે રીતે આપણી કૉલેજની ટેલેન્ટ ઇવનિંગ કાર્યક્રમ પૂરો થયા પછી અમદાવાદના દિનેશ હૉલમાંથી ચાલી નીકળી હતી, નિરૂદેશ્ય!

- મને આ કૉલેજની ટેલેન્ટ ઇવનિંગ વાળી વાત વિશે કંઈ સમજાયું નહીં. 

- કહીશ ક્યારેક. મારા રૂમમાં પહોંચતાં પહેલાં હોસ્ટેલના પહેલા માળે પહોંચી, જ્યાં બધાં વોશરૂમ હતાં. પહેલા મારો ચહેરો સરખી રીતે ધોઈ નાખ્યો, જેથી મારી રૂમમેટ સતીને ખબર ન પડે કે મારી આંખોમાંથી આંસુ વહ્યા હતા.

- તેં આ વ્યક્તિ વિષે શું નિર્ણય લીધો?

- તે દિવસે મેં માની લીધું કે મારા આંસુ કોઈને બતાવવા માટે નથી કે ન તો હું કોઈને પ્રેમ નિવેદન કરવાને લાયક છું.

- બદકિસ્મતી તો તેની થઈ કે તું એને ન મળી. 

- તું તો પ્રેમનો સાગર હતો અશ્વિન, હું ત્યાં સુધી પહોંચી જ ન શકી! આ વખતે હું એવા પહાડ સાથે ટકરાઈ ગઈ કે જેના પર એક પણ લીલી કૂંપળ નહોતી! પ્રેમમાં ન માનતો હોય એવા શુષ્ક યુવક સાથે મિત્રતા કરવી પણ તે સમયે અશક્ય લાગતી હતી.

- મને લાગે છે કે તેં અશક્યને પણ શક્ય કરી બતાવ્યું હશે.

- શું કરતી, ઐશ? તું તો મારા જીવનમાં ‘બિરબલની ખીચડી’ વાર્તામાં મહેલની છત પર બળી રહેલ દીવા જેવો બની રહ્યો, જેને જોઇને ધોબીએ આખી રાત નદીના ઠંડા પાણીમાં વીતાવી દીધી. હું તને વિચારતાં વિચારતાં મારી જિંદગી વિતાવી રહી હતી, પણ તે તો મારી સામે હતો! વાતો પણ થતી હતી! સંબંધોને સાચવવા એ મારા સંસ્કારમાં છે. એ સંબંધ આખરે મિત્રતામાં ફેરવાઈ ગયો.

- મને પાક્કી ખાતરી હતી, તેં આવું જ કર્યું હશે.

- મને તેની વેરાન આંખો પરેશાન કરી રહી હતી. મેં વિચાર્યું, ભલે તે પ્રેમમાં નથી માનતો, પણ હું તો માનું છું. કોશિશ કરવામાં શું વાંધો? મેં તેની સાથે મિત્રતા ચાલુ રાખી, મિત્રતાના સંબંધે તેની હોસ્ટેલના સરનામે એક પત્ર લખ્યો. તેણે કોઈ જવાબ આપ્યો નહીં. બીજો પત્ર લખ્યો, કોઈ જવાબ ન મળ્યો. પૂછ્યું તો એણે કહ્યું કે મળી ગયા છે અને વાંચી લીધા છે. મને ખુશી થઈ કે જો તે મારા પત્રો વાંચશે તો ધીરે ધીરે તેને પ્રેમની પરિભાષા સમજાઈ જશે. 

- તારી નાદાની પર મને ગુસ્સો આવી રહ્યો છે.

- સ્વાભાવિક છે. તેનું વિચિત્ર વ્યક્તિત્વ મારી સમજણથી પર હતું, પરંતુ હું તેના પ્રત્યે ગજબની સહાનુભૂતિ અનુભવી રહી હતી કારણ તે હારેલો પ્રેમી હતો. ઐશ, તને જાણીને નવાઈ લાગશે કે મેં જાણે ઠેકો લીધો હતો કે તેની વેરાન જિંદગીમાં કોઈ પ્રેમનું પુષ્પ ખીલવી શકું, તેને એક નવું જીવન આપી શકું!

- એક પથ્થર દિલ માણસ સાથે તું તારું માથું ફોડી રહી હતી.

- તેના જીવનમાં કોઈ જુસ્સો નહોતો, ઉત્સાહ નહોતો! આમ તો કૉલેજની બહાર અમે બહુ ઓછું મળતા. ક્યારેક ડિપાર્ટમેન્ટ પાસેના ગાર્ડનમાં, ક્યારેક લાઇબ્રેરીમાં. અમે ત્રીસ મિનિટથી વધારે ક્યારેય ન બેસતા. દરેક વાતનો તે બે શબ્દોમાં જવાબ આપતો. સંવાદ વિના હું ગૂંગળામણ અનુભવતી. 

- કાશ, તું મને મળી હોત મલ્લિકા! મારી વાતો સાંભળીને તું પરેશાન થઈ ગઈ હોત! કદાચ એવુંય બનત કે ‘કાલે મળીશું’ કહીને તું ઊઠીને ચાલવા લાગત.

- બની શકત, તું તો એટલો વાતોડિયો છે કે મારે જ રોકવો પડે છે.

- તું તારા વિષય પર પાછી આવ.

- એક દિવસ તેણે કહ્યું, ‘જો હું તારી સાથે લગ્ન કરૂં તો મારા પિતાજી મને ઘર અને પરિવારમાંથી કાઢી મૂકશે.’ હું તેનો સફેદ ચહેરો જોતી રહી.

- શું તે કોઈ જ્યોતિષી હતો, જેણે તારો ચહેરો વાંચી લીધો હતો?

- મને ખબર નથી, ઐશ. પહેલાં તેણે વિચાર્યું હશે કે હું થોડા દિવસો મિત્રતા નિભાવીશ, પછી મારા રસ્તે ચાલી જઇશ. જ્યારે તેને સમજાયું કે આટલી ઉપેક્ષા પછી પણ હું તેની મિત્રતા પ્રત્યે સીરીયસ છું, ત્યારે તેણે લગ્નના વિકલ્પ વિશે વિચાર્યું હશે જે સંભવ નહોતું. પરિવારમાં કોઈ જાતિવાદી માહોલ પણ રહ્યો હોય.

- એક વાત કહું મલ્લિકા? આપણી સામાજિક વ્યવસ્થા જ કાસ્ટીઝમ કે રીલીજીયનના ભેદભાવને મજબૂત કરે છે. આ કામ કરવામાં ફેમિલી જ મેઇન રોલ ભજવે છે. પ્રેમ હંમેશા છેલ્લે જ વિચારાતો હોય છે.

- સાચી વાત, આપણને શીખવવામાં આવે છે કે ઈશ્વરને પ્રેમ કરો, માતાપિતાને પ્રેમ કરો, પરિવારને પ્રેમ કરો, સમાજના બધા નીતિનિયમો, પરંપરાઓ પ્રત્યે પ્રેમ રાખો પણ કોઈ એવી વ્યક્તિને પ્રેમ ન કરો જે તમને ખુશીઓના આકાશમાં લઈ ઊડે. જે તમારો જીવનનો આધાર બની જાય, જે વર્તમાન નીતિનિયમોની નવી વ્યાખ્યા બનાવી શકે.

- આવો પ્રેમ ન સમાજને સ્વીકાર્ય હોય છે, ન પરિવારને!

- એ જ તો. અમારો કોર્સ તો એક વર્ષનો જ હતો. પૂરો થઈ ગયો. તે દરમિયાન હું જોબ પણ શોધી રહી હતી. મારું આઈ.એ.એસ. બનવાનું સપનું તો આમ પણ રોળાઈ ગયું હતું.

- તું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકી નહીં..

- સહમત છું તારી વાત સાથે. તે સમયે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એસ.એસ.સી.ને બદલે સેકન્ડરી અને હાયર સેકન્ડરી (૧૦+૨) શરૂ કર્યુ હતું અને હાયર સેકન્ડરીમાં શિક્ષણ માટે પોસ્ટ ગ્રેજ્યુએટસની જરૂર હતી. મને મહેસાણા જિલ્લાના ખેરવા ગામની હાયર સેકન્ડરી સ્કૂલ ‘જયકોરબાઈ વિદ્યામંદિર’માં અર્થશાસ્ત્રના અધ્યાપકની જૉબ મળી ગઈ. 

- જિંદગી કોઈના માટે રોકાતી નથી ડિયર, બસ જીવવાનું કારણ બદલાઈ જાય છે.

- તે હજી પણ વિદ્યાનગરમાં બીજા વિષય પર માસ્ટર્સ કરી રહ્યો હતો. મહેસાણાથી તેને વારંવાર મળવા જવાનું શક્ય નહોતું. મહેસાણાથી વિદ્યાનગર સુધી બસમાં ૧૫૦ કિ.મી.ની મુસાફરી કરીને હું કોઈક વાર તેને મળવા જતી. એક દિવસમાં ૩૦૦ કિ.મી.નો પ્રવાસ કરતી. અમે માંડ એકાદ કલાક ક્યાંક બેસતા. બગીચામાં લોનનું ઘાસ જોતાં કે કોઈ વૃક્ષને છાંયડે. 

- તું સાચે જ પાગલ હતી. એક સાવ જ ખુદગર્જ માણસને પ્રેમના પાઠ ભણાવવા નીકળી હતી!

- સાચે જ પાગલ હતી! આટલે દૂરથી વારંવાર તેને મળવું શક્ય નહોતું. મેં હવે તેને પત્ર લખવાનું શરૂ કર્યું. ક્યારેક અઠવાડિયામાં એક ક્યારેક બે. દરેક પત્રમાં હું પ્રેમ વિષે લખતી, તેને પ્રેમપત્ર તો ન જ કહી શકાય. મેં આ ચાર વર્ષમાં આશરે તેને અઢીસો પત્ર લખ્યા.

- શું વાત કરે છે?

- અશ્વિન, એક જાનવર પણ જો આંગણામાં ખીલે બંધાયેલું રહે તો તેના માટે પણ સહાનુભૂતિ થાય, હું તો તેની સાથે કનેક્ટ જ ના થઈ શકી.

- તેણે તારા પત્રના જવાબો આપ્યા?

- પાંચ કે છ પત્રના જવાબ આપ્યા, તે પણ પોતાના કામથી. ફક્ત એક જ પત્રમાં તેણે લખ્યું હતું કે મારી જેમ સુંદર રીતે પત્ર નથી લખી શકતો, પણ તે સમયસર જવાબ આપવાનો પ્રયત્ન કરશે. તે સમય કદી આવ્યો જ નહીં.

- યાર, પ્રેમમાં હારથી માણસનું દિલ તૂટી શકે છે, પરંતુ હું નથી માનતો કે કોઈનું દિલ આમ અક્કડ બની જાય. કોણ હતી એ છોકરી જે તેનું દિલ ઉખાડીને લઈ ગઈ હતી?

- તે છોકરી વિષે મેં તેને ક્યારેય પૂછ્યું નહીં, હિંમત જ ના થઈ.

- ક્યાંક એવું તો નહોતું કે તેના મનમાં રિજેક્શનનો આક્રોશ હતો?

- હોઈ શકે છે. કાશ! તેણે મારી સાથે મિત્રતાનું પ્રોમિસ ન કર્યું હોત! જેમ તને જોયા કરતી, તેમ તેને પણ જોતી રહેત! પછી એક દિવસ આ વાર્તા પણ પૂરી થઈ જાત. આજે હું એ વિચારીને હેરાન થઈ જાઉં છું, કેમ મને તેના સાન્નિધ્યને પામવાની આટલી ઘેલછા હતી? તેના પ્રત્યે મારો નાહકનો મોહ હતો કે તને ભૂલવાની કોશિશ?

- બંને બાબતો સાચી હોઈ શકે છે.

- વિરહના ધોમધખતા તાપમાં હું તારી યાદોની છત્રી ઓઢી તેની સાથે ચાલી રહી હતી, પ્રેમની શીતળ છાયા ની ઉમ્મીદ સાથે.

- હદ છે પગલી, ચાર વર્ષ સુધી તું ચાલતી રહી તેની સાથે!

- જે કહેવું હોય તે કહે, ડિયર. મેં વાંચ્યું છે કે મનુષ્ય જેટલા પણ નિર્ણય લે છે, તેનું અર્ધજાગૃત મન જ તે નિર્ણય પહેલાં લે છે. મારા અર્ધજાગૃત મને જ આ નિર્ણય લીધો હશે કે મારે તેની સાથે ચાલવું છે, તેના માટે હું કોઈને દોષ નથી દેતી. 

- આ તારા સ્વભાવની ખાસિયત છે કે તું કોઈને દોષ નથી દેતી. પછી શું થયું?

- મેં સ્ટાફ સિલેકશન કમીશનની, ઓડિટરની પોસ્ટ માટે એક્ઝામ આપી હતી. મારું સિલેકશન થઈ ગયું. મેં મહેસાણાની ટીચરની જોબ છોડી દીધી અને સપ્ટેમ્બર 1980 માં હું અમદાવાદની અકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં જોડાઈ. તે પછી પણ અમારું મળવાનું ચાલુ રહ્યું. અચાનક એક દિવસ એવું બન્યું કે મારા હૃદયે એક ક્ષણમાં નિર્ણય લીધો કે હું ફરીથી તેને ક્યારેય મળીશ નહીં.

- એવું તે શું થયું?

- મેં તેને એક જ પળમાં મુક્ત કરી દીધો ખુલ્લા આકાશની નીચે, હમેશને માટે.

- આડીઅવળી વાત ન કર, કંઈ કહીશ કે નહીં?

- કહીશ ઐશ, જરૂર કહીશ. તારા જેવા નરમ દિલના માણસને એ વાંચીને બહુ જ દુઃખ થશે, હું જાણું છું.

- તો પણ મારે જાણવું છે. 

- મને થોડો સમય જોઈએ છે. આટલું લખતાં જ થાક અનુભવાય છે. અહીં રાતના બાર વાગી ચૂક્યા છે, આજે અહીં જ રોકાઉ છું, ડિયર.

- ઓકે. તું થોડો આરામ કરી લે. ગુડ નાઈટ.

- તારો દિવસ શુભ રહે.