તારી સંગાથે - ભાગ 1 Mallika Mukherjee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી સંગાથે - ભાગ 1

તારી સંગાથે

ટહુક્યું મૌન ને ખીલ્યું પ્રભાત

મલ્લિકા મુખર્જી ** અશ્વિન મેકવાન

 

 

ગુજરાતી અનુવાદ

સ્મિતા ધ્રુવ ** નૃતિ શાહ

 

 

ગુજરાતીમાં પહેલી ચેટ નવલકથા

 

*******

સાદર સમર્પિત 

મારા જીવનસાથી પ્રિય પાર્થોને-

 

આપના ભાવનાત્મક સહયોગે 

હંમેશા મને પ્રોત્સાહન આપ્યું છે.

'સત્ય' પરનો મારો વિશ્વાસ હજી અકબંધ છે. 

 

પ્રિય સૌરભને-

 

ભલે હું તારી જનની બની અને

બહેન માલા તારી માતા, 

અમને બંનેને તારા માટે સમાન પ્રેમ છે.

 

પ્રિય પુત્ર-પુત્રવધુ સોહમ-આકાંક્ષાને- 

 

તમે બંને સદા મારા મિત્રો રહ્યા છો.

મારી ઉમ્મીદોનો પક્ષ લીધો છે,

હંમેશાં મારી પ્રગતિને પ્રોત્સાહન આપ્યું છે.

 

વ્હાલા પૌત્ર વિવાનને- 

 

તારી સંગત મને

મારા સોનેરી શૈશવકાળમાં લઈ જાય છે.

 

મલ્લિકા મુખર્જી   

 

**********

 

સાદર સમર્પિત 

 

સર્વશક્તિમાન પરમેશ્વરને- 

 

ઈસુ, પ્રેમ અને ક્ષમા આપનાર ઈશ્વર છે. 

મારા પ્રભુ છે જે મને જીવન-માર્ગ ચીંધે છે.

 

મારા આદરણીય માતાપિતાને-

 

સ્વ શ્રીમતી કમલા બહેન મેકવાન

સ્વ શ્રી શિવલાલ ભાઈ મેકવાન

આપના આશીર્વાદ સદા અમારી સાથે છે.

 

મારી જીવનસંગિની પ્રિય સ્મૃતિને -

હંમેશાં પરિવારની ખુશીઓ માટે સમર્પિત, તમે

દરેક પરિસ્થિતિમાં નિસ્વાર્થપણે મારી સાથે છો.

 

પ્રેમાળ પુત્રીઓ હીરવા અને પ્રિયાને-

તમારો સતત સહયોગ અને પ્રેમ એ મારી મૂડી છે.

તમે મારી માનસિક તાકાત છો.

 

અશ્વિન મેકવાન

પ્રેમ, આભમાં ઊઘડતી એક બારી

આમ તો પ્રેમ એ દરેકનો મનગમતો વિષય છે, પરંતુ જયારે પ્રેમના અનંત વિસ્તારની અનુભૂતિ થાય છે ત્યારે આધુનિક સમયના પ્રતિનિધિ રૂપે, બે વ્યક્તિ વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલ ચેટનું પુસ્તકીય રૂપાંતર શક્ય બને છે! લેખક-બેલડી આદરણીય શ્રીમતી મલ્લિકા મુખર્જી તથા આદરણીય શ્રી અશ્વિન મેકવાન દ્વારા લિખિત હિન્દી ચેટ નવલકથા "યૂ એન્ડ મી...દ અલ્ટિમેટ ડ્રીમ ઓફ લવ" વાંચતી વખતે કંઈક આવો જ અનુભવ થયો. જીવનની અગમ્ય ઘટનાઓમાં ક્યાંકને ક્યાંક પ્રભુનો હાથ રહેલો છે. કોઈ અલૌકિક પ્રેમની વણકહી અનુભૂતિ શબ્દોમાં વ્યક્ત કરી શકાય અને અનાયાસે તે પુસ્તક રૂપે આકાર પામે, એ નાનોસૂનો ચમત્કાર નથી!

સાહિત્યના ક્ષેત્રમાં હોવાથી, મલ્લિકાજી સાથે મિત્રતા તો પહેલાથી જ છે. તેમના તરફથી મને આ નવલકથા ગુજરાતીમાં અનુવાદ કરવાનો પ્રસ્તાવ મળ્યો ત્યારે મને ખૂબ આનંદ થયો. તેમણે જયારે જણાવ્યું કે આ અનુવાદની યાત્રામાં બહેન નૃતિ શાહ સામેલ થવાના છે, ત્યારે મને આ પવિત્ર કાર્યમાં સાથીદાર મળ્યાનો બમણો આનંદ થયો.

અનુવાદ કરતી વખતે કથાનાયક અશ્વિન અને કથાનાયિકા મલ્લિકાની ભાવનાઓને ફરીથી ખૂબ નજીકથી અનુભવવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું. બંને એક જ કૉલેજમાં સહપાઠીઓ, ફક્ત ચાર વર્ષ જ સાથે ગાળ્યા અને તે પણ કોઈ ખાસ સંવાદ વિના! મલ્લિકાનો તે સમયનો અશ્વિન પ્રત્યેનો ગળાબૂડ પ્રેમ વણકહ્યો જ રહ્યો અને યુવાન કલાકાર અશ્વિન, તેની જિંદગીની મસ્તીમાં મગ્ન, આ વિશે તદ્દન અજાણ રહ્યો! કૉલેજકાળ વીત્યો અને બંનેએ પોતપોતાનાં જીવનની રાહ પકડી. 

લગભગ એકતાળીસ વર્ષ પછી સોશિયલ મીડિયા ‘ફેસબુક’ પર તેમનું મિલન, મલ્લિકાનો અશ્વિન

પ્રત્યેનો અવર્ણનીય પ્રેમ, વર્ષોથી તેના મનમાં સલામત રહેલો અશ્વિન પ્રત્યેનો પોતાનો પ્રેમ કબૂલ કરવાની તેની ઇચ્છા, અને કબૂલાત પછી અશ્વિનનું અપાર આશ્ચર્ય, વાચકના મનમાં પણ એટલુજ આશ્ચર્ય પેદા કરે છે! 

કૉલેજના દિવસોની ખાટી-મીઠી યાદોથી માંડીને તેમના દામ્પત્ય જીવનની તેઓએ નિખાલસતાથી કરેલી વાતો, તેમની દિલધડક અને બહાદુરીપૂર્ણ કબૂલાતો અને તેમના સંબંધોની નિર્દોષતા વિષે જાણીને હું મંત્રમુગ્ધ થઈ ગઈ! તેઓની જીવનયાત્રાને મેં ખૂબ નજીકથી અનુભવી. અમેરિકામાં અશ્વિનના પ્રારંભિક જીવનની અતિ સંઘર્ષપૂર્ણ વાતો વાંચતાં હૃદય વલોવાઈ ગયું. જીવનને લગતા વિવિધ વિષયો પર ચર્ચા અને  ‘ડાઉન ધ મેમરી લેન’ ની વાતોએ મને ઘણું વિચારતા કરી મૂકી.

તેમની વચ્ચેનો લગભગ ચાર દાયકા પહેલાંનો ઔપચારિક સંબંધ, 13500 કિ.મી.ની દૂરી મિટાવીને, હવે કેવો સરળ અને રમતિયાળ બની જાય છે! દુન્યવી બંધનોના વૃત્તની બહાર આવીને માત્ર સંવાદ દ્વારા એકબીજા માટે તેમની લેવાતી સંભાળની મૃદુતા, દિલને એક વિશાળ એકત્વની અનુભૂતિ કરાવે છે અને સાથે સાથે પ્રેમનું મનોવૈજ્ઞાનિક મહત્વ સમજાવે છે. 

આ પુસ્તક વાંચતા મેં અનુભવ્યું કે વિશ્વની સર્વે લાગણીઓ અને અનુભવોને ફક્ત અઢી અક્ષરના શબ્દ ‘પ્રેમ’ માં સમાવી શકાય. રસિકતા, વ્યવહારિકતા, દુઃખ અને ફિલસૂફી, આવી લાગણીઓની અનુભૂતિ ક્ષણે-ક્ષણે થઈ.

મલ્લિકાજી પોતાની ભૂમિકા ‘હૃદયોક્તિ’માં લખે છે કે મનના અવાજમાં હંમેશાં વિરોધાભાસ રહેતો, પરંતુ આત્માના અવાજમાં એક જ સ્વર સંભળાયો, પરમાત્માનો સ્વર! તેવી જ રીતે અશ્વિનજી તેમની ભૂમિકા ‘અનુભૂતિ’માં લખે છે કે અમારા સંબંધોને હવે કોઈ નામની જરૂર નથી. જે સંબંધનું કોઈ નામ જ નથી હોતું તે ક્ષિતિજ ની પાર જઈને પોતાની ઓળખ બનાવે છે. પ્રેમ અને મિત્રતાનો આ અનોખો સંબંધ, જીવનની ઘણી તડકી-છાંયડી જોયા પછી, હવે ‘નથિંગ મૈટર્સ’ ની કક્ષાએ પહોંચેલા તેઓના સંવાદો, સાચે જ આપણને આવી જ કંઈક અનુભૂતિ કરાવે છે. 

યથાર્થની ભૂમિ પર, નવીન પ્રકારે લખાયેલ આ નવલકથા ગુજરાતી સાહિત્ય જગતમાં શિરમોર સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવું છું. 

20 સપ્ટેમ્બર, 2020      

સ્મિતા ધ્રુવ

વાત્સલ્ય 3, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી,

મંગળદાસ રોડ, દ-380006 

+91 98240 26179 

smita.dhruv@gmail.com 

****************

 

પ્રીત આવી નહોતી જાણી!

આપણા સૌના જીવનમાં કેટલાક અનુભવો હંમેશા યાદગાર હોય છે. મારા માટે, લેખક દ્વય આદરણીય શ્રીમતી મલ્લિકા મુખર્જી અને આદરણીય શ્રી અશ્વિન મેકવાન દ્વારા લખાયેલ હિન્દી ચેટ નવલકથા ‘યૂ એન્ડ મી...દ અલ્ટિમેટ ડ્રીમ ઓફ લવ’ વાંચવાનો અનુભવ ખૂબ જ રોમાંચક રહ્યો! મેં આ પુસ્તકને સાચા અર્થમાં માણ્યું, જાણ્યું અને વખાણ્યું છે. માનવ જીવનના વાસ્તવિક અનુભવોનું સચોટ વર્ણન કરતું આ પુસ્તક મને એટલું બધું સ્પર્શી ગયું કે મનમાં એક વિચાર આવી ગયો કે જો આ પુસ્તક ગુજરાતીમાં હોય તો? સાથે-સાથે એક બીજો વિચાર પણ સ્ફૂર્યો કે અનુવાદ જો મને કરવા મળે તો?

તેઓએ તરત જ મારા આ વિચારને વધાવી લીધો અને આદરણીય શ્રીમતી સ્મિતા ધ્રુવની સાથે મને પણ આ રસપ્રદ પુસ્તકનો અડધો ભાગ અનુવાદ કરવાની તક મળી. હું પણ હૃદયસ્પર્શી સંવાદો ધરાવતાં, લેખક દ્વય ની જીવનકથા રજૂ કરતાં, સાહિત્ય જગતમાં નવીન ચીલો પાડનાર આ અનોખા પુસ્તકનો એક સુંદર ભાગ બની ગઈ! ઈશ્વર ઇચ્છાથી જ તે શક્ય બન્યું. 

ઘણા પુસ્તકો મારા હૃદયની નજીક રહ્યા છે, પણ જેટલી ઊંડી છાપ આ સંવાદકથાએ માનસપટ પર અંકિત કરી એટલી કોઈ પુસ્તકે નથી કરી. મને સૌથી વધુ સ્પર્શેલ તત્વ છે કે એક સમયના કૉલેજના સહપાઠીઓ, દીર્ઘ અંતરાલ પછી, સોશિયલ મીડિયા પર મળે છે અને ફક્ત લેખિત વાર્તાલાપ દ્વારા એકબીજાના વિચારોને આટલી સરળતાથી આત્મસાત કરી લે છે. વીતી ગયેલા એ સમયમાં પાછા જઈને નિર્દોષ ભાવે એ સમયને જીવી પણ લે છે. 

આ એક અદભુત વાત છે! બંને વયના એક એવા પડાવે પહોંચ્યા છે, જ્યાં જીવન તેમને વિસામો લેવા માટે કહે છે, ત્યારે તેઓ તેમના જીવનને નવેસરથી જીવી લેવાનો ઉત્સાહ એકબીજામાં સીંચી રહ્યા છે. તેઓ વીતેલા જીવનની વણકહી ઘટનાઓ વિશે લખીને તેમ જ પ્રેમના શાશ્વત સ્વરૂપને વ્યાખ્યાયિત કરીને એક બીજાને દિલાસો આપી રહ્યા છે. એક બીજાને ખુશ રાખવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. પ્રેમ એ કહેવાની કે સાંભળવાની લાગણી નથી, હકીકતમાં, સમજવાની અને અનુભવવાની લાગણી છે, એ અહીં તીવ્રપણે અનુભવાય છે.

હું કથાનાયક અશ્વિન અને કથાનાયિકા મલ્લિકા સાથે તેમની વાતોમાં વહેતી રહી. મેં તેમના સંવાદના દરેક જુદા જુદા પાસાંને આત્મસાત કર્યા. તેમની સાથે, હું પણ સોશિયલ મીડિયા પર તેમની મુલાકાતને અનુભવી શકી. હું નિશ્ચિતપણે કહી શકું છું કે દરેક વાચક સાથે પણ આવું જ થશે. 

આમ તો સોશિયલ મીડિયા પર ચેટનું દરેક માધ્યમ નવા જનરેશન માટે ખૂબ સામાન્ય છે, પણ સમય ની રીતે વહેંચાયેલ અલગ અલગ જનરેશન ની વાત કરીએ તો સુખદ વાત એ છે કે ‘બેબી બૂમર’ જનરેશનમાં જન્મેલા બે લેખકોએ ‘જનરેશન વાય’ અને ‘જનરેશન ઝેડ’ ના પસંદીદા ફોર્મેટમાં આ નવલકથા લખી. 

અશ્વિનજી અમેરિકામાં રહેતા હોઈ ચેટ દ્વારા વાતચીત કરવાનો વિકલ્પ સહજ બની રહ્યો અને આટલા ખુલ્લા દિલથી વાતો પણ શક્ય બની. ચેટ દરમ્યાન તેઓએ ટેલિફોનિક વાતચીત ટાળી તેથી જ જીવનના ઘણા વિષયોને આવરી લેતા આટલા રસપ્રદ સંવાદો લખી શકાયા! 

અનુવાદક તરીકેનો આ મારો પ્રથમ પ્રયાસ છે અને જો તેમાં કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા ઇચ્છીશ. વિષયવસ્તુને જાળવવાના હેતુથી ક્યાંક અલગ શબ્દો અથવા નવા વાક્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ અનુવાદિત પુસ્તક તરીકે ન જોતાં, આ પુસ્તકને જો એક સંવાદકથા સ્વરૂપે વાંચવામાં આવશે તો અલગ જ અનુભવ થશે. હું એક વાત એ પણ કહેવા માંગુ છું કે આ પુસ્તક હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક બન્યું છે જે આત્મકથાત્મક અને બે પાત્રો વચ્ચેના સંવાદ રૂપે પ્રકાશિત થયું છે. ગુજરાતી સાહિત્ય જગત માટે આ ગૌરવની વાત છે.

હું આ પુસ્તકના લેખક દ્વય આદરણીય શ્રીમતી મલ્લિકા મુખર્જી અને આદરણીય શ્રી અશ્વિન મેકવાનનો આભાર માનું છું, જેમણે મને પણ આ હિન્દી ચેટ નવલકથાને ગુજરાતીમાં અનુવાદિત કરવાની અનુમતિ આપી. મેં આ નવલકથાને મારા જીવનના સૌથી સુંદર, યાદગાર પુસ્તકોમાં સ્થાન આપ્યું છે. દરેક વાચકના હૃદયમાં પણ આ નવલકથા આગવું સ્થાન પામે તે માટે શુભકામના પાઠવું છું.

05 સપ્ટેમ્બર, 2020         

 

નૃતિ શાહ

27, ક્રિષ્ના બંગ્લોઝ,કોર્પોરેટ રોડ,

પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા પાસે,

પ્રહલાદનગર, સેટેલાઇટ,

અમદાવાદ-380015 

મોબાઈલ- +91 98246 60648

ઈમેલ: nruti_80@yahoo.com 

 

*********************

 

પ્રેમને જીવી જાણવો એ આને કહેવાય!

 

પ્રેમની કાયમી વ્યાખ્યા ક્યારેય હોતી નથી. તે કદાચ થોડા મખમલી શબ્દોમાં વીંટળાયેલી નરમ, કોમળ ગલીપચી સમ લાગણી છે. આંખોના સમુદ્રમાં તરતી હોડીની ગણગણતી પતવાર છે. એકાકી ઉદાસ રાતોમાં અસંખ્ય તારાઓ ગણતી સ્મૃતિઓના ઊંચા પર્વતો પાછળ ડૂબતી એક સાંજ છે. ખુશીના ચમકતા મોતી છે કે પછી ફૂલોની સુગંધ છે. એકાએક પ્રગટ થઇને ચહેરા પર લાલિમાની ચાદર ઓઢાડતું મધુર સ્મિત છે.

શું કેટલીક મુલાકાતો, થોડીક વાતો અને એક મીઠું સ્મિત પણ પ્રેમની વ્યાખ્યા હોઈ શકે? હોઈ જ શકે, નહીં તો કોઈ આટલા બધા વર્ષો એક વ્યક્તિનાં નામે કેવી રીતે કરી શકે? તમે તેને ઇશ્ક/મહોબ્બત/પ્યાર/પ્રેમ કે કોઈ પણ નામ કેમ ન આપો, તેની અનુભૂતિ તો શિયાળાની ધુમ્મસિયા પરોઢની જેમ ગુલાબી જ રહેશે. તેની મહેક જીવનના તમામ ઝંઝાવાતો, તકલીફો અને દુખોની વચ્ચે પણ જીવવાનું મનોબળ પૂરું પાડશે. 

દરેક પ્રેમ-કહાનીની શરૂઆત લગભગ સરખી હોય ​​છે. ભીડમાં બે વ્યક્તિઓ મળે, ક્યારેક કોઈ વાર્તા બને તો ક્યારેક બનતા બનતા રહી જાય. આ બધું તમે તમારા મનની વાત કરો છો કે નહીં તેના પર નિર્ભર છે. જીવનની દોડ અને સમયના પ્રવાહમાં, એક વ્યક્તિ એટલી આગળ વધી જાય છે કે તે પાછી નથી આવતી અને એક મૌન વાર્તા ઠુંઠવાઈને, સંકોડાઇને ત્યાં જ થોભી જાય છે. તે પછીની ગાથા સમાજ દ્વારા નક્કી કરવામાં આવે છે, 'દુખાંત', 'સુખાંત' કે 'એકાંત'!

હાલમાં, સોશિયલ મીડિયા પર આભાસી પ્રેમની સેંકડો કથાઓ વાંચવા મળે છે. પાણીના પરપોટાની જેમ જીવાતી, આ કહેવાતી પ્રેમકથાઓ લાઇક, કમેન્ટ, ઇનબૉક્સથી શરૂ થાય છે અને શરીર સુધી પહોંચે છે અને પછી આક્ષેપ-પ્રતિઆક્ષેપ, સ્ક્રીન શોટ અને બ્લૉકની ગલીઓમાં જઈને ટૂંક સમયમાં સમાપ્ત થઈ જાય છે. આવા જ વિચારોમાંથી પસાર થતાં થતાં જ્યારે મેં હિન્દી ચેટ નવલકથા 'યૂ એન્ડ મી...દ અલ્ટિમેટ ડ્રીમ ઑફ લવ' વાંચી, ત્યારે આ જ સોશિયલ મીડિયા મને ઈશ્વરે આપેલ કોઈ વરદાન સમું લાગ્યું!  

પિસ્તાળીસ વર્ષના લાંબા ગાળા પછી નવલકથાકાર જોડી મલ્લિકા અને અશ્વિનની સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં મુલાકાત, ખુલ્લી આંખોમાં કોઈ ખોવાયેલ સ્વપ્નને ભરી લેવા જેવી છે. તે વણકહી પ્રેમકથા, 

જે તેના પોતાના સમયમાં જિવાઈ જ નહિ; જ્યારે જૂની યાદોનાં પૃષ્ઠો પલટે છે ત્યારે વિશ્વના સૌથી સુંદર અને સુગંધિત ફૂલો આપની ઝોળીમાં આવી પડે છે. તેની સુગંધ અને ભાવનાઓથી ભરેલું હૃદય દુઆઓથી ઉભરાઈ જાય છે અને પ્રેમના શ્રેષ્ઠ સ્વરૂપ સાથે આપનો મધુર સાક્ષાત્કાર થાય છે.

આ પ્રેમકથા પણ બનતાં-બનતાં, એક અંતહીન પ્રતીક્ષાના ઉંબરા ઉપર વાટ જોતી અધૂરી જ રહી જાય છે. જીવન એ જ અવિરત ગતિએ આગળ વધે છે. જ્યારે કોઈ ખાલી જગ્યા છૂટી જાય છે કે છોડી દેવામાં આવે છે, ત્યારે આશાની સ્વર્ણિમ કિરણ ખરેખર ત્યાંથી જ ઉદ્ભવે છે! એક દિવસ, અચાનક તે છૂટી ગયેલો ભાગ, ખુશહાલ ચહેરાના રૂપમાં, નાયિકાના મનના દ્વારને એવી રીતે ખખડાવે છે કે તેની ખુશીનો પાર નથી રહેતો! 

આ પ્રેમની એવી ઉત્કૃષ્ટ અવસ્થા છે, જ્યાં પ્રિયજનને પોતાના હૃદયની વાત જણાવવાની તથા તેની સ્વીકારોક્તિ જ સૌથી મહત્વપૂર્ણ બની રહે છે. અહીં મિલનની કોઈ અપેક્ષા નથી કે નથી સમાજનો ડર. આંસુઓથી ભીંજાયેલું મન છે અને ખોવાયેલી ચેતના છે! વર્ષોથી નાયિકાના મનમાં દર્દ બનીને ઘૂમી રહેલો અવ્યક્ત પ્રેમ, તેના પ્રિયની સામે વ્યક્ત થાય છે અને બધી પીડા એક પળમાં અદૃશ્ય થઈ જાય છે! તે પછી રહેલો સુમધુર એહસાસ એ પ્રેમનું પરમ સુખ છે. 

પ્રેમનું મહત્વ, પામવા કરતાં ગુમાવવામાં ઘણું વિશેષ છે. અશ્વિન અને મલ્લિકાના સંવાદોમાંથી પસાર થતાં આવી જ ગહન સુખદ સંવેદનાઓ સાથે વાચકનો સાક્ષાત્કાર થાય છે કે સાચો પ્રેમ કદી હારતો નથી, પરંતુ શાશ્વતતા તરફ આગળ વધતો જાય છે. આ નવલકથા પ્રેમ પ્રત્યેની દરેક માન્યતાને મજબુત કરે છે, સાથે સાથે સમાજના કદરૂપા ચહેરાને પણ બેનકાબ કરે છે, જ્યાં સંબંધો ત્યારે જ સ્વીકારાય છે જ્યારે તે ખોખલી પરંપરા અને માન્યતાના નામે બનાવવામાં આવેલા માળખામાં બંધ બેસે છે.

સામાન્ય દેખાતી નાયિકા નાયકને ખૂબ પ્રેમ કરે છે, છતાં એ ડરથી તેને પોતાના હૃદયની વાત કહી નથી શકતી કે આટલો સુંદર યુવક તેના પ્રેમને ન સ્વીકારે તો? વળી, સમાજે ફક્ત ધર્મના ચશ્મા દ્વારા હૃદયને પારખ્યું છે, તે આજ સુધી તેના ધબકારાને સમજી શક્યું નથી! કિશોરવયની નાયિકાનો ડર સ્વાભાવિક જ હતો કે આ રૂઢિચુસ્ત સમાજ ક્યારેય હિન્દુ યુવતી અને ખ્રિસ્તી યુવાન વચ્ચેના સંબંધોને સ્વીકારશે નહિ.

કુટુંબ પ્રત્યેની પોતાની ફરજોને સંપૂર્ણ તથા ઉત્તમ રીતે નિભાવીને પણ, કથાની નાયિકા ચાર દાયકાથી વધુ સમય સુધી તેના કૉલેજકાળના પ્રિય સાથીની યાદોને તો જીવંત રાખે જ છે, પરંતુ તેની તસવીરો વાળી કૉલેજની એ પત્રિકા ને પણ પોતાની પાસે સુરક્ષિત રાખી શકે છે. એક દિવસ તેને સોશિયલ મીડિયા પર શોધી પણ લે છે. જયારે તે પોતાના સંક્ષિપ્ત પરિચય સાથે તેની દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે હજારો માઇલ દૂર વસેલો નાયક, સંવાદ દ્વારા તેના સઘળાં દુઃખ તેમ જ અસ્વસ્થતાને ભૂલીને, ખુલ્લા દિલથી વાતો કરે છે. પોતાના ખોવાયેલા શોખને જીવંત બનાવતા, સંગીત, શેરો-શાયરીની સાથે પોતાની આપવીતી કહે છે. લોકો સાચું જ કહે છે કે જો તમારી પાસે એક પણ વ્યક્તિ એવી હોય કે જેની સાથે તમે તમારા બધા સુખ-દુ:ખ વહેંચી શકો, તો તમારું જીવન સાર્થક છે. હૃદયથી જોડાયેલા લોકો પરસ્પરના દુઃખને શોષી લે છે 

 પ્રેમના બીજમાંથી અંકુરિત આ નવલકથાને ફક્ત એક પ્રેમકથા કહેવી ઉચિત નથી, કારણ કે તે ઘણી સામાજિક વિસંગતતાઓ તરફ ધ્યાન દોરે છે. તે ધર્મના નામે ઉભી કરવામાં આવેલી દીવાલો તોડવાની વાત કરે છે. નવી પેઢીના યુવાનોને મહિલાઓ પ્રત્યે આદરની ભાવના જાળવવાની વાત કરે છે. આપણી શિક્ષણ પ્રણાલી પર ઘણાં ગહન સંવાદો પણ કરે છે. આ નવલકથા વિદેશોમાં વસતા ભારતીયો વિશેના આપણા સમાજમાં ઉભી થયેલી ગેરસમજો ઉપર પણ આકરા પ્રહારો કરે છે. વિદેશમાં જતા મોટાભાગના ભારતીયોને જે પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, તેનું સચોટ વર્ણન કરે છે. પોતાના દેશથી વિખૂટા પડવાની પીડા પણ વ્યક્ત કરે છે. 

મલ્લિકાજી અને અશ્વિનજીએ તેમના જીવનસાથી સાથે મજબૂત સંબંધ જાળવીને, તેમના પરિવાર પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થઈને, તેમના જીવનની સાચી હકીકતો જાહેર કરવામાં બતાવેલી હિંમતની કદર કર્યા વિના વિના રહી શકાય તેમ નથી. કથા-નાયક અશ્વિન અને તેની પત્ની વચ્ચેના સંબંધોનું સુંદર વર્ણન પણ કરવામાં આવ્યું છે કે લગભગ ચાર વર્ષ સુધી વિવશતાપૂર્વક જુદા રહ્યા પછી અને બધી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી, અશ્વિન આખરે તેની પત્ની અને પુત્રી પાસે અમેરિકા પહોંચી જ જાય છે. તેવી જ રીતે, વાર્તાની નાયિકા મલ્લિકા પણ એક સહપાઠી સાથેની મિત્રતા અને પ્રેમની ભુલભુલામણીમાં અટવાઈને ખૂબ જ માનસિક સંઘર્ષમાંથી પસાર થાય છે, ત્યારે જ તેણીને જીવનસાથી તરીકે એક વ્યવસ્થિત, સંવેદનશીલ અને સમજદાર વ્યક્તિ મળે છે, જેને ખચકાટ વિના તેણી તેના હૃદયની દરેક વાત કહી શકે છે.

મને ખાતરી છે કે સંવાદ પર આધારિત આ નવલકથા પ્રેમના શાશ્વત સ્વરૂપને વધુ ઊંડાણપૂર્વક સ્થાપિત કરશે અને તે વાચકોને સંદેશ પણ આપશે કે જો યુવાનીના ઉંબરે તમે કોઈના માટે પ્રેમની લાગણી અનુભવતા હો, તો તમારે તે વ્યક્તિને પોતાની વાત નિઃસંકોચ કહી જ દેવી જોઈએ. વધુમાં વધુ શું થશે? ‘ના’ થશે એટલું જ ને? જીવનભર પ્રણય નિવેદન ન કરી શકવાના દુઃખને સહન કરવાને બદલે, તે જ સમયે કહી દેવાનો આનંદ અનેક ગણો શ્રેષ્ઠ છે!

અઢી અક્ષરની આ પ્રેમ-ગાથા ખોખલી ઇજ્જતના નામે ઘૃણા અને હિંસામાં ડૂબી રહેલા સમાજમાં શીતળ પવન જેવી છે. આવી વાર્તાઓનું અસ્તિત્વ ટકી રહે અને વારંવાર કહેવાતી રહે તે અત્યંત જરૂરી છે, જેથી માનવીય સંવેદનાઓ પ્રત્યે આદર જળવાઈ રહે અને પ્રેમ તેની શાશ્વતતાને લીધે અનંતકાળ સુધી સલામત રહે. સ્થળ અને કાળથી પર, પ્રેમને વ્યાખ્યાયિત કરતી આ નવલકથાની વાર્તા આજની પેઢી માટે પણ એટલી જ સુસંગત છે, જેટલી આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં હતી. યુવક-યુવતીઓને એ પણ શીખવા મળશે કે આત્મિક પ્રેમ કેટલો સુંદર અને પરિપક્વ હોઈ શકે છે. સમાજ દ્વારા નિર્મિત નિરર્થક નિયમોને લીધે અપાર દુઃખમાંથી પસાર થઈને, નિયમોની મર્યાદાને ઓળંગીને, પ્રાપ્તિની ઇચ્છાથી દૂર, આધ્યાત્મિક શ્રેષ્ઠતાની અનુભૂતિ એ ખરેખર પ્રેમની પરાકાષ્ઠા છે.

હું નથી ઇચ્છતી કે આ સુંદર નવલકથા વાંચવામાં આપની ખુશીમાં સહેજ પણ ખલેલ પડે, તેથી હું અહીં સંવાદો લખવાનું ટાળી રહી છું. અંતે વાચકોને એટલું જ કહીશ, કે પોત-પોતાની વાર્તાનું છેલ્લું પૃષ્ઠ જાતે જ ભરવાનું હોય છે, તો આપ પણ તેને ઇન્દ્રધનુષી રંગોથી ભરી દો!

28 જૂન 2019            

પ્રીતિ ' અજ્ઞાત '

સ્થાપક અને સંપાદક: 'હસ્તાક્ષર' માસિક વેબ પત્રિકા 

મોબાઈલ: +91 97270 69342

ઇમેઇલ - preetiagyaat@gmail.com

 

 

*******************************

 

હૃદયોક્તિ

 

અમદાવાદ જિલ્લાના બારેજડી ગામની સાર્વજનિક સ્કૂલમાંથી, એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યા પછી, અમદાવાદ શહેરની, ભારતીય વિદ્યા ભવન સંચાલિત ભવન્સ કૉલેજમાં, મેં પ્રિ.આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. આંખોમાં ઉચ્ચ શિક્ષણના સપના, મનમાં શહેરી વાતાવરણનો ડર, છાતીમાં ધબકતું હૃદય અને સોળ વર્ષની વય! મૉર્નિંગ કૉલેજ હોવાથી હું પરોઢિયે પાંચ વાગ્યે બારેજડી રેલવે સ્ટેશનથી લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચતી. થોડું અજવાળું થાય તેની રાહ જોતાં હું વેઈટીંગ રૂમમાં બેસી રહેતી. ત્યારબાદ રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ મુખ્ય બસ સ્ટેન્ડથી બસમાં બેસી શંકરભુવન બસ સ્ટેન્ડ પર ઉતરી, કૉલેજ સુધી પહોંચવા માટે પંદર મિનિટ ચાલતી. મોટે ભાગે, હું જ કૉલેજમાં સૌથી પહેલી પહોંચનાર વિદ્યાર્થીની રહેતી. સમય પસાર કરવા માટે, ત્રીજા માળના કોરિડોરમાં ઉભી રહીને કૉલેજ પરિસરના મુખ્ય પ્રવેશદ્વારથી આવતા વિદ્યાર્થીઓને જોયા કરતી. 

એક સવારે હું એ જ રીતે ઉભી હતી કે એક સુદર્શન યુવક પરિસરના મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થતો દેખાયો. આકર્ષક શરીર સૌષ્ઠવ, ગૌરવર્ણ, ચમકતો ચહેરો, અસાધારણ વ્યક્તિત્વ અને સંતુલિત ચાલ. જેમ જેમ તે નજીક આવતો ગયો, મારી આંખો ઝબકારા ભૂલી ગઈ! હૃદયમાંથી એક અવાજ આવ્યો, 'અરે! આ જ તો છે તારા સપનાનો રાજકુમાર!’ સોળમા વર્ષે કંઈક આવી જ અનુભૂતિ થતી હશે, નહીં? જિંદગી સુંદર લાગવા માંડે છે. આંખોમાં સુંદર સ્વપ્નો રચાય છે. મન પ્રેમના આસમાનમાં પંખીની જેમ ઉડવાનું શરૂ કરે છે. હૃદય કોઈને તેનો પ્રેમ આપવા માંગે છે અને કોઈના પ્રેમમાં ખોવાઈ જવા માંગે છે! 

ધીમે ધીમે તે ભવનના મુખ્યદ્વાર સુધી આવી પહોંચ્યો, ખબર નહોતી કે તે કયા વર્ષનો વિદ્યાર્થી હતો. યોગાનુયોગ, તે મારો ક્લાસમેટ હતો! નામ- અશ્વિન મેકવાન, ધર્મ- ઈસાઈ. નામમાં જ અટવાઈને રહી ગઈ બધી લાગણીઓ! સંકુચિત સમાજના તાણાવાણા તોડીને તેના સુધી પહોંચવાની હિંમત મારામાં ક્યાં હતી? મન ઉડતું રહ્યું, હૃદય ધબકતું રહ્યું, આંખો તરસતી જ રહી ગઈ!

અમારી વચ્ચે ક્યારેય એવી વાતચીત નહોતી થઈ કે હું તેના પ્રત્યેનો મારો પ્રેમ વ્યક્ત કરી શકું. કૉલેજનું જીવન જોતજોતામાં પસાર થઈ ગયું. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જીવન કદી અટકતું નથી. જીવનના તમામ ઉતાર-ચડાવને પાર કરીને, પ્રામાણિકપણે બધી જવાબદારીઓ નિભાવતા, મેં મારી જાતને એક નીડર સ્ત્રી તરીકે સ્થાપિત કરી હતી. લેખનમાં વ્યસ્ત થયા પછી આત્મવિશ્વાસ પણ મજબૂત બન્યો હતો. જીવનનો લાંબો સમય વીતી ગયો હતો, પણ મારી જીવન-કિતાબનું તે પૃષ્ઠ હજી અકબંધ હતું. મારો પહેલો પ્રેમ વણકહ્યો રહી ગયો હતો. કહી ન શકવાનો પસ્તાવો આજ સુધી મનમાં હતો. મારી આત્યંતિક સંવેદનશીલતાને કારણે જ હું તેની યાદો સાથે જોડાયેલી રહી શકી હતી, જે આજ સુધી કોઈ જાણી શક્યું નહોતું. 

દુનિયા ઝડપથી બદલાઈ રહી હતી. ઓનલાઇન સોશિયલ મીડિયા 'ફેસબુક' ભારતમાં આવ્યું. મેં મારું અકાઉન્ટ બનાવ્યું. વર્ષ 2009, તારીખ બરાબર યાદ નથી, પરંતુ મેં અશ્વિનને જ સર્વપ્રથમ શોધવાનો પ્રયત્ન કર્યો. અફસોસ! ઘણી વાર પ્રયત્ન કર્યો પણ તેનું નામ દેખાયું નહિ. નૉર્મન વિન્સેન્ટ પીલના પુસ્તક 'દ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ' માં એક વાક્ય છે, "આસ્થાની શક્તિ ચમત્કાર કરી શકે છે." મેં આશા ન છોડી. મારા જીવનના સોળમા વર્ષથી પિસ્તાળીસ વર્ષના લાંબા ગાળાને પાર કરીને, તે હજી પણ મારી સાથે ચાલી રહ્યો હતો!

2 જુલાઈ, 2018 ના રોજ, મેં તેને ફરીથી ફેસબુક પર શોધવાનો પ્રયાસ કર્યો અને ચમત્કાર થયો! તેનું નામ દેખાયું- ‘અશ્વિન મેકવાન’, એક જ ક્ષણમાં જ મારું મન અતીતના મહાસાગરને પાર કરીને અમદાવાદની ભવન્સ કૉલેજના પરિસરમાં જઈ પહોંચ્યું, જ્યાં હું ફરીથી સોળ વર્ષની કિશોરી બનીને ઉભી હતી! પિસ્તાળીસ વર્ષ પછી પણ મારા મનની વાત તેને કહેવાની મારી મહેચ્છા અકબંધ હતી. મારી તેના પ્રત્યેની ઘેલછા હજી પણ એવી જ હતી, પરંતુ હવે કંઈ પામવા-ખોવાની સીમાથી પર હતી.

મેં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને સાથે મેસેંજરમાં મારો પરિચય આપતી બે પંક્તિઓ પણ લખી. બીજા દિવસે તેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો. સોળ વર્ષની નાદાન ઉંમરે જોયેલું એક સર્વાંગ સુંદર સ્વપ્ન, ભલે ઘાયલ અવસ્થામાં, ફેસબુકના પટલ પર સાકાર થતું જણાયું! તેના પ્રથમ સંદેશને વાંચીને, મારા હૃદયની ખંડિત દિવાલોમાંથી, તેની યાદમાં દૂઝતા ઘા એ અનુભવેલી શીતળતાને શબ્દોમાં મૂકવું અશક્ય છે. પિસ્તાળીસ વર્ષના લાંબા ગાળા પછી, મારા જીવનનું એક અવ્યક્ત પ્રેમ પ્રકરણ અચાનક મારી સામે તાદૃશ થઈ ઉઠ્યું! જીવનની જે ઘટનાને મેં દુનિયાની નજરથી બચાવીને હૃદયના ભોંયરામાં સુરક્ષિત રાખી હતી, સમયનું ચક્ર એક વર્તુળ પૂર્ણ કરી મને તે જ વળાંક પર પાછું લઈ આવ્યું!

પરિચય સાથે મેસેંજર પર વાતચીત શરૂ થઈ. વાતચીત દ્વારા જ અમે એકબીજાને વધુ સારી રીતે ઓળખતા થયા. જાણવા મળ્યું કે તે ઘણા વર્ષો પહેલાં તેના પરિવાર સાથે, સાત સમુદ્ર પાર, કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં જઈને વસ્યો છે. તેના ભારત આવવાની સંભાવના પણ નહિવત હતી. 

સંવાદ થતા રહ્યા કે સમયની સાથે સંજોગો કેવી રીતે બદલાયા. અમે પોતપોતાની દુનિયામાં મગ્ન થઈ ગયા. હું લેખક છું તે જાણ્યા પછી અશ્વિને કહ્યું, 'મારા જીવનમાં એટલા બધા ઉતાર-ચડાવ આવ્યા છે કે તમે એક નવલકથા લખી શકો.' મેં તરત જ સંમતિ દર્શાવી. તે મારા પ્રેમની પરમ કસોટી હતી.

ચેટિંગ કરતી વખતે, અમે અમારા અંગત જીવનની એવી ઘટનાઓ શેયર કરી, જે આજ દિન સુધી અવ્યક્ત રહી હતી. અમારી વિચારસરણી, અમારી પસંદગીમાં ગજબનું સામ્ય હતું! અમને પોતાની ઉપર ઓઢેલી તમામ પરતોને હટાવીને, પોતે જેવા છીએ તેવા રજૂ થવામાં કોઈ ડર લાગતો ન હતો. જીવનની સારી-ખરાબ સ્મૃતિઓને યાદ કરતી વખતે અમે કુટુંબ, સમાજ કે સંસ્કૃતિનું દબાણ પણ અનુભવતા નહોતા! પોતાના ભ્રામક વ્યક્તિત્વના તમામ આવરણોને દૂર કરીને, સ્ફટિકની જેમ પારદર્શક બનીને એકબીજાની સમક્ષ રજૂ થવામાં એક અદ્ભુત શાતાની અનુભૂતિ થતી હતી! મનના અવાજમાં હંમેશાં દ્વન્દ્વ રહેતો, પરંતુ આત્માના અવાજમાં એક જ સ્વર સંભળાયો, પરમાત્માનો સ્વર!

અશ્વિનનું જીવન મારી કલમથી પૃષ્ઠ દર પૃષ્ઠ એવી રીતે ઉતરતું ગયું કે મને ખબર જ ન પડી, મારું જીવન ક્યારે તેમાં સામેલ થઈ ગયું! અમારા જીવનની વાસ્તવિકતાનું ચિત્રણ કરતી વખતે, અમારા સંવાદોએ ધીરે ધીરે આત્મકથાત્મક સ્વરૂપ ધારણ કરી લીધું. અમે અમારા મનમાં દબાયેલી લાગણીઓને સંપૂર્ણ રીતે પ્રગટ કરી, અમારી વેદનાઓને ઘોળી. જીવન માર્ગમાં આવેલ તમામ મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો. અશ્વિન સાથે ઘણા વિષયો પર વાત કરતી વખતે મને લાગ્યું કે જીવનના બાકીના દિવસો, હું કોઈના નકામાં આદેશોનું પાલન નહીં કરું કે કોઈના નિરર્થક ઉપદેશો નહીં સાંભળું. મને દુખ પહોંચાડે તેવા માર્ગ પર નહીં ચાલું. મને પરેશાન કરે તેવા સંબંધોને નહીં સાચવું. જેની સાથે મારે કંઈ સંબંધ નથી એવી બાબતોનો વિચાર નહીં કરું. હું જાણે એક પડકાર તરીકે દુનિયા સામે ઉભી છું! આજે, આ નવલકથા દ્વારા, હું સંકુચિત સમાજની નિરર્થક બેડીઓને તોડીને, યથાર્થ દર્શન તરફ જો થોડું પણ આગળ વધી શકું તો આવનાર પેઢીને એક નવી દ્રષ્ટિ જરૂર આપી શકીશ.

 અમારી વાતચીતને, ચેટ નવલકથા નું સ્વરૂપ આપવાની ઇચ્છાને અમે એટલે પણ રોકી શક્યા નહીં કે તેને નવલકથાનું પારંપરિક રૂપ આપવા જતાં, પ્રસંગોનું હાર્દ નષ્ટ થવાની સંભાવના હતી. અમે વરિષ્ઠ લેખક આદરણીય સૂરજ પ્રકાશજીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમણે પોતાની બહુ ચર્ચિત ચેટ નવલકથા ‘નૉટ ઇક્વલ ટુ લવ’ વિશેની અમારી ચર્ચાને આ નવલકથામાં સામેલ કરવાની મંજૂરી આપી. અમે વરિષ્ઠ કથાકાર નિશા ચંદ્રા, પ્રખ્યાત કવયિત્રી, જાણીતા બ્લૉગર અને 'હસ્તાક્ષર' હિન્દી વેબ પત્રિકાના સંસ્થાપક અને સંપાદક પ્રીતિ 'અજ્ઞાત' તથા કવયિત્રી વિનીતા એ. કુમારના ખૂબ આભારી છીએ, આપ સૌએ અમારી નવલકથાની હસ્તપ્રત વાંચી. આપના મૂલ્યવાન અભિપ્રાય અમને મળ્યા. સુશ્રી પ્રીતિ 'અજ્ઞાત' નો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપે આ નવલકથાની ભૂમિકા પણ લખી. 

 અમે ફેસબુકના આભારી છીએ, જે સાચા અર્થમાં અમારું મિત્ર બન્યું. અત્યંત મનમોહક આવરણ પૃષ્ઠ સાથે આ પુસ્તકને પ્રકાશિત કરવા બદલ અમે ગુર્જર પ્રકાશન, અમદાવાદની સમસ્ત ટીમનો હાર્દિક આભાર માનીએ છીએ. અશ્વિન વિશે શું કહું? તેમણે આ નવલકથા લખવામાં મારા સહ-લેખક બનીને પ્રેમના વિશાળ અર્થને પરિભાષિત કર્યો. અમારા જીવનની સત્ય કથા, જો સમાજને તેની ત્રુટિઓ સુધારવાની દિશામાં એક ડગલું પણ આગળ વધારશે તો અમારું આ સાહસ સાર્થક ગણાશે. અમને વિશ્વાસ છે કે પ્રેમનું આ શાશ્વત અને નિર્બંધ સ્વરૂપ ચોક્કસપણે વાચકના અંતરમનને સ્પર્શશે.

 

18 ફેબ્રુઆરી, 2019              

મલ્લિકા મુખર્જી,

અમદાવાદ, ગુજરાત.

 

*******************************

 

અનુભૂતિ

શું જીવનમાં ક્યારેય આવું બની શકે? મારી કૉલેજની ક્લાસમેટ, સોળ વર્ષની એક માસૂમ કિશોરી, જેણે ક્યારેય મારી સાથે સામેથી વાત નહોતી કરી કે ક્યારેય મને સ્મિત નથી આપ્યું. મેં જયારે પણ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે એક-બે શબ્દોમાં જ જવાબ આપ્યો. પિસ્તાળીસ વર્ષ પછી, આવી પાગલ છોકરીએ અચાનક મને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી! શું કહું? જે કૉલેજને હું ભૂલી ગયો હતો, તે મારી નજર સામે તાદૃશ થઈ આવી. ચેટ કરતી વખતે તેણે મને પોતાનો પહેલો પ્રેમ કહ્યો અને તેનો પ્રેમ વ્યક્ત પણ કર્યો. હું દંગ રહી ગયો! મને ખબર નથી કે તે કઈ માટીની બનેલી છે, પરંતુ મને ખૂબ જ અલગ લાગી! જીવનના ઘણા ઉતાર-ચડાવમાંથી પસાર થતા, પોતાના પરિવાર સાથે બેલેન્સડ લાઈફ વિતાવતા, કોઈ વ્યક્તિ કૉલેજની પત્રિકામાં છપાયેલી માત્ર એક તસવીરને સહારે પિસ્તાળીસ વર્ષ સુધી તેના પ્રેમને કેવી રીતે સુરક્ષિત રાખી શકે? આવું ફક્ત કોઈ વાર્તા અથવા મૂવીમાં જ શક્ય છે! 

હું એક કલાકાર હતો. ગીત, સંગીત, અભિનય એ જ મારું જીવન હતું. નાટકોના રિહર્સલમાં, ટેલિફિલ્મ્સ અને ગુજરાતી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહેતો હોવાથી ભણવામાં મન લાગતું નહીં. કૉલેજ નિયમિત જઈ શકતો નહીં. મલ્લિકા આ વાત ​​સારી રીતે જાણતી હતી, છતાં પણ મને એક નજર જોવા માટે તેણી દરરોજ મારી રાહ જોતી. તેણી મારી એક્ટિંગ પર ફિદા હતી! વિધિની વિચિત્રતા જ કહી શકાય કે અમારી પસંદગી, અમારી મંઝિલ એક હોવા છતાં, અમે એકબીજાની નજીક ન આવી શક્યા અને અમારા રસ્તા અલગ થઈ ગયા.

મારા જીવનમાં એવા સંજોગો આવ્યા કે મારે અમદાવાદનું ખુશખુશાલ જીવન છોડીને કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં આવવું પડ્યું. છેલ્લા તેત્રીસ વર્ષથી હું મારા પરિવાર સાથે અહીં રહું છું. આ સમય દરમ્યાન, હું ફક્ત બે વાર ઇન્ડિયા, મારા શહેર અમદાવાદની મુલાકાત લઈ શક્યો છું. મારી જીવનસંગિની પ્રિય સ્મૃતિએ, ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મને સાથ આપ્યો, મારો પક્ષ લીધો, પણ અમારો આ સંઘર્ષ અનંત રહ્યો. મારા પરિવારને ખુશીઓ આપવાની ચાહત સાથે, હું આજીવન મુશ્કેલીઓ સામે ઝઝૂમતો રહ્યો અને ધીરે ધીરે મૌનની અંધારી ગલીઓમાં ખોવાઈ ગયો. નોકરી જ એવી હતી કે વર્ક પ્લેસ પર વાત કરવાની કોઈ સંભાવના નહોતી. દિવસો પસાર થતા ગયા, મહિનાઓ અને વર્ષો વીતતાં ગયાં. મારું જીવન એક મશીનની જેમ ચાલી રહ્યું હતું.

ક્યારેક પાગલની જેમ વિચારતો, શું મારા જીવનના તે સુવર્ણ દિવસો પાછા લાવી શકાય? જાણે કોઈ ચમત્કાર થયો હોય, મારી પ્રાર્થનાનો જવાબ મળ્યો! વય અને સ્થાનની સીમાને પાર મલ્લિકાએ મારા અંતરાત્માનો અવાજ સાંભળ્યો. ઈશ્વરે જ તેને મારી પાસે મોકલી. તે મારા જીવનમાં એવા સમયે આવી, જ્યારે હું કોઈ એવી વ્યક્તિને તરસી રહ્યો હતો જેની સાથે હું મારા હૃદયની બધી જ વાતો શેયર કરી શકું; મારા હૃદયના બોજને હળવો કરી શકું. મલ્લિકા કરતા વધારે યોગ્ય બીજું કોણ હોઈ શકે, જે મારા દરેક શબ્દને સાંભળે, એને અનુભવે? વાત કરતાં કરતાં તેણે સમયનું ચક્ર ફેરવ્યું અને મને મારા અતીતમાં લઈ જઈને, મને તે સુવર્ણ દિવસોની શેરીઓમાં પહોંચાડી દીધો, જેને હું વર્ષોથી તરસતો હતો!

જીવનના પડકારો ઝીલતા ઝીલતા હું તો પ્રેમનો અર્થ જ ભૂલી ગયો હતો. મહર્ષિ અરવિંદ કહે છે, ‘પ્રેમમાં સાચી પ્રમાણિકતા ત્યારે જ આવી શકે છે જયારે તેમાં અંતરાત્માનું તત્વ હોય.’ અમે અમારા હૃદયમાં સંગ્રહિત લાગણીઓને વ્યક્ત કરતી વખતે સત્યને અનુસર્યાં. અમારી વાતચીતમાં અમે લાગણીઓની યાત્રા કરી! અમારા સંવાદોમાં અમારી બધી લાગણીઓ એક પછી એક આવરણ ઉતારતી ગઈ અને અમારું નવું અને સાચું સ્વરૂપ પ્રગટ થયું. સમાજમાં અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે, પરંતુ અમારા આત્માનું શ્રેષ્ઠ હિત એમાં જ હતું.

તેણી મને અમદાવાદના તે બધા સ્થળો અને શેરીઓમાં લઈ ગઈ, જેની સુંદર યાદો આજે પણ મારા હૃદયમાં સુરક્ષિત છે. ભવન્સ કૉલેજ, લાલ દરવાજા, સાબરમતી નદીનો એ કિનારો, આશ્રમ રોડ, ટાઉન હૉલ, ગુજરાત કૉલેજનો ડ્રામા વિભાગ, ગાંધર્વ મહાવિદ્યાલય, ઇસરોનો સ્ટુડિયો, મહેતા રેસ્ટોરન્ટ, માણેક ચૉક અને જાણે ક્યાં ક્યાં! માત્ર મીઠા શબ્દો દ્વારા તેણે મારું ખાલીપણું દૂર કર્યું, મને નવું જીવન આપ્યું. હું તેના પ્રેમની ઉંચાઈને ક્યારેય સ્પર્શી નહીં શકું, એવો પ્રેમ જે કોઈ બંધનનો મોહતાજ નથી.

મેં મારા જીવનના અંતિમ પડાવે, અતીતમાં પાછા જઈને મલ્લિકાની મુગ્ધાવસ્થાના પ્રેમને સ્વીકાર્યો, એ જાણવા છતાં કે આજે તેણી પરિણીતા છે. જો હું તેમ ના કરત, તો ક્યારેય મારી જાતને માફ ન કરી શકત. હવે હું તેને થોડા મીઠા શબ્દો સિવાય બીજું શું આપી શકું? એ જ તો તેણીએ મારી પાસેથી માંગ્યું છે! અમારા સંબંધોને હવે નામની જરૂર નથી. જે સંબંધનું કોઈ નામ નથી હોતું તે ક્ષિતિજને પાર જઈને પોતાની ઓળખ બનાવે છે. અમારી સાથે કંઈક એવું જ થયું. ‘હું તને ચાહું છું’ એ વાત કાળને પાર પહોંચી ગઈ! આ સંબંધમાં હવે કોઈ મૂંઝવણ કે દંભ નથી. મિત્રતાનો આ સંબંધ અમને આધ્યાત્મિકતાની ઉંચાઈએ લઈ જશે.

અમારી વચ્ચે પિસ્તાળીસ વર્ષનો લાંબો સમય અને 9300 માઇલનું અંતર હોવા છતાં, તેણી તમામ દુન્યવી સંબંધોને પાર જઈને મારી મિત્ર બની. જેમ મેં મારા સુખ-દુઃખ કોઈ સંકોચ વિના શેયર કર્યાં, તે જ રીતે તેણીએ પણ આત્મીયતાપૂર્વક પોતાની વણકહી વાતો મારી સાથે શેયર કરી. અમને માનવ વર્તન અને તેની પ્રતિક્રિયાઓની ડિટેઇલમાં સ્ટડી કરવાની તક પણ મળી. બહારથી સ્વસ્થ દેખાતા હોવા છતાં, આપણે અંદરથી કેટલા માનસિક તાણથી ભરેલા હોઈએ છીએ! વિવિધ સામાજિક પેરાડોક્સથી છૂટકારો મેળવવા માટે આપણે આપણી સામે અને સમાજની સામે લડી રહ્યા હોઈએ છીએ. સતત આ મનોદશા રહેવાથી આપણને એનો અહેસાસ પણ થતો નથી અને ધીરે ધીરે આપણે ડિપ્રેશનના શિકાર બનીએ છીએ. મલ્લિકા સાથે ચેટ કરતી વખતે, મને સમજાયું કે લેખન એ માનસિક તણાવથી છૂટકારો મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેના સરળ સાથ વિના પણ જીવન તો પસાર થઈ જ જાત, પરંતુ એ શાંતિ અને આનંદથી હું વંચિત રહી જાત, જેનો હું ક્યારેક હકદાર હતો!

હું મારા માતાપિતાને હું કેવી રીતે ભૂલી શકું! ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં પણ તેઓએ પરિવારના સભ્યો સાથે સંવાદિતા જાળવી રાખી હતી. બાળકોની ભૂલો સુધારવાનો પ્રયત્ન કર્યો અને પોતાની ભૂલો સુધારવા પણ પહેલ કરી. મારા ભાઈ-બહેન અને તેમનો પરિવાર બધા મારા પોતાના છે. 

રામચંદ્ર દેસાઈ-રાજશ્રી દેસાઈ, શાહિદ સૈયદ, મિહિર શાહ, તેમનો સુંદર સાથ મારા જીવનનો ગોલ્ડન પીરિયડ હતો. તેમણે મને હું જેવો છું તેવો જ સ્વીકાર્યો અને એટલોજ પ્રેમ આપ્યો. જ્યારે પણ તેમને મળતો, તેઓ દિલથી મારું સ્વાગત કરતા. કૉલેજ સમયના મારા પ્રિય મિત્ર, સંજીવ મુનશી-ગીતા મુનશી, ધ્યાનેશ મહેતા તો આજે પણ અમારા પારિવારિક મિત્ર છે. અમારી મિત્રતામાં ધર્મ કદી અવરોધરૂપ બન્યો નથી. એલ.એ. માં મારા ઘરની નજીક ગુરુદ્વારામાં કામ કરતા ઇન્ડિયન શીખ સજ્જન મોહન સિંહજી પણ મારા ખૂબ સારા મિત્ર છે.

મારા નાટ્યગુરુ આદરણીય જશવંત ઠાકર સર, તેમની નાટ્ય સંસ્થા 'ભારત નાટ્ય પીઠ', આદરણીય ભરત દવેની નાટ્ય સંસ્થા 'સપ્ત સિંધુ' અને આદરણીય અરૂણ ઠાકોરની નાટ્ય સંસ્થા 'રંગમંડળ' ને હું કેવી રીતે ભૂલી શકું! ગુજરાત કૉલેજના ડ્રામા વિભાગના આદરણીય પ્રો. જનક દવે સર, પ્રો. સોમેશ્વર ગોહિલ સર, ભવન્સ કૉલેજના આદરણીય પ્રો. કમલ ત્રિવેદી સર, કૉલેજની અમારી નાટ્ય ટીમના બધા સાથી મિત્રો, ટેલિફિલ્મોનાં ડાયરેક્ટર આદરણીય દીપક બાવસ્કર, આદરણીય નિમેષ દેસાઈ, આપ સૌ આજે પણ મારી યાદોમાં સુરક્ષિત છો. ઇસરો, અમદાવાદના આદરણીય અવતાર કૌલ, તુષાર તપોધન, મેરૂ ભાઈ ગોહિલ, રવિન્દ્ર નિકમ, નીતિન ભાવસાર, મુકેશ મિસ્ત્રી, હર્ષજીત ઠક્કર, મીરા લાખિયા મૈમ, ઇસરો સ્ટુડિયો અને પ્રોડક્શન વિભાગનો તમામ સ્ટાફ, ફરી એકવાર મલ્લિકાએ કેટલી સુંદર યાદોને જીવંત કરી દીધી!

 એલ. એ.માં જ રહેતા મારા પ્રિય મિત્ર સંજીવ મુનશી અને મારા પ્રિય ભાણેજ હેતલ ડાભીનો હૃદયપૂર્વક આભારી છું. હેતલે મને લેપટોપ ગીફ્ટમાં આપીને, મને ઇન્ટરનેટ વિશેની બેઝિક માહિતી આપી. સંજીવે મને કમ્પ્યુટર શીખવાનું પ્રોત્સાહન આપ્યું. એમના લીધેજ આજે હું ચેટિંગ, મેસેજિંગ, વોટ્સએપ, ઇમેઇલ, યુટ્યુબ, ફેસબુક જેવાં માધ્યમો દ્વારા વિશ્વની તમામ ગતિવિધિઓ સાથે જોડાઈ ‍શક્યો છું. મારી પ્રિય દીકરીઓએ પણ સ્માર્ટ ફોનની ગીફ્ટ આપીને મને આધુનિક વિશ્વ સાથે જોડ્યો અને મારી નીરસ રિટાયર્ડ લાઇફને જીવંત બનાવી. મલ્લિકાએ તો મને મારી માતૃભાષા સાથે જોડ્યો, એટલું જ નહીં, મને લેખક પણ બનાવી દીધો!

 ચેટ કરતી વખતે જયારે મેં જાણ્યું કે મલ્લિકા એક લેખક છે, ત્યારે મેં અનાયાસ જ કહ્યું કે મારી લોસ એન્જલસની સફર એક રસપ્રદ વાર્તા છે. તેના પર નવલકથા લખી શકે છે. તેણીએ તરત જ મારી વાત સ્વીકારી લીધી, પણ બન્યું એવું કે ચેટ કરતા કરતા વાર્તાનાં પાત્રો અમે ખુદ જ બની ગયા; તેથી જ પોતાના અંગત જીવનની ઘટનાઓનું સચોટ વર્ણન કરી શક્યા. અમે બંનેએ, પોતાનામાં જે સારું છે અને પોતાના મિત્રમાં જે સારું છે, તેને પ્રેમ કર્યો. અમારી પાસે જે સમગ્ર માનવ જીવનની એક દ્રષ્ટિ હતી, તે શેયર કરી. તે કહેવું પણ ઉચિત છે કે ચેટિંગના સમગ્ર સમયગાળા દરમ્યાન, તે દિવસોની યાદોને ફરીથી હૂબહૂ અનુભવી શકીએ તે વિચારથી, અમે એક વાર પણ એકબીજાને ફોન કૉલ કે વિડીયો કૉલ નથી કર્યો! 

 અમારી વાર્તા જો નેચરલ વેલ્યૂજ ઓફ હ્યુમિનિટી ને ફરીથી સ્થાપિત કરવામાં થોડી પણ પ્રેરણાદાયી બને તો અમારું લેખન સાર્થક ગણાશે. આશા છે કે વાચકોને અમારો વાર્તાલાપ વાચકોને જરૂર ગમશે.

 

26 માર્ચ, 2019

અશ્વિન મેકવાન 

લોસ એન્જલસ, કેલિફોર્નિયા 

 

***************************

 

 

ભાગ 1

2 જુલાઈ 2018, સોમવાર સવારના 10.00 

----------------------------------------------------

 

- હેલો, અશ્વિન. 

હું મલ્લિકા છું. આજે મેં તમને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે. તમે કેમ છો? જો તમને યાદ હોય તો હું 1972 થી 1976 ના સમયગાળા દરમિયાન અમદાવાદની ભવન્સ કૉલેજમાં તમારી કલાસમેટ હતી.

 

 

03 જુલાઈ 2018, મંગળવાર રાતના 11.30

-----------------------------------------------------

 

- હાય, મલ્લિકા. તમે કેમ છો? કૉલેજ છોડ્યાને ઘણા વર્ષો વીતી ગયાં. માફ કરશો, તમારી ઓળખાણ ન પડી. તમારો મેસેજ વાંચીને સારું લાગ્યું. હું યુ.એસ.એ.માં રહું છું, સંપર્કમાં રહીશ. આભાર.

શું તમારી પાસે કૉલેજ ટાઇમનો કોઈ ફોટો છે?

- ------------------

- ઓહ! એકતાળીસ વર્ષ પછી સોશિયલ મીડિયા પર કોઈને મળવું એ અદ્ભુત અનુભવ છે! આ પહેલા પણ મેં તમને શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તમારું નામ નહોતું દેખાયું. શક્ય છે કે હું તમને યાદ ન આવું, કેમ કે કૉલેજમાં હું એક અંતર્મુખી વિદ્યાર્થીની હતી. આપણી ટેલેન્ટ ઇવનિંગ અને યુથ ફેસ્ટીવલના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમને એક્ટર તરીકે પરફોર્મ કરતા જોવાનું મને ખૂબ ગમતું. હું તમારા વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત હતી. જો કે, તે સમયે મેં તમને ક્યારેય કહ્યું નહોતું. અન્નપૂર્ણા જાની તમારી સાથે નાટકોમાં અભિનય કરતાં. 

મારી પાસે હજી વર્ષ 1973-74 ની કૉલેજની પત્રિકા ‘આકાર’ ની એક નકલ છે. તમને ફોટો મોકલીશ.

તમારા પરિવાર વિશે મને કંઈક કહો. હાલમાં હું અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહું છું.

 

 

04 જુલાઈ 2018, બુધવાર રાતના 11.40

--------------------------------------------------

- ફેસબુક પર મારી સાથે જોડાવા બદલ આભાર. અન્નપૂર્ણા જાની હવે અન્નપૂર્ણા શુક્લ છે. મેં નવ વર્ષ ઇસરો, અમદાવાદમાં કામ કર્યું. તેત્રીસ વર્ષ પહેલાં, હું કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં આવ્યો. મારો એક મિત્ર સંજીવ મુનશી, જે ખૂબ જ સારો ગાયક છે, ભવન્સ સાયન્સ કૉલેજનો વિદ્યાર્થી હતો. હાલમાં, તે પણ એલ.એ.માં પોતાના પરિવાર સાથે રહે છે. અમે હજી પણ સારા મિત્રો છીએ.

મારી પત્ની સ્મૃતિ, બે દીકરીઓ હીરવા અને પ્રિયા, મારો પરિવાર છે. દીકરીઓએ માસ્ટર્સ કર્યા છે. મોટી હીરવાએ બીઝનેસ મેનેજમેન્ટમાં અને નાની પ્રિયાએ એન્વાયર્નમેન્ટ સાયન્સમાં. બંને જોબ કરે છે. કોઈના લગ્ન નથી થયા. 

હું લગભગ નિવૃત્તજીવન વિતાવી રહ્યો છું. ઇન્ડિયાને, ત્યાંના બધા મિત્રોને અને ત્યાંની મારી નાટ્ય પ્રવૃત્તિઓને ખૂબ જ મિસ કરું છું. મને તમારા વિશે કંઈક કહો. તમારી સાથે સંવાદ કરીને આનંદ થયો.

 

 

10 જુલાઈ 2018, મંગળવાર બપોરના 2.00 

------------------------------------------------------

- હેલો, અશ્વિન,

હું મારા લેખન કાર્યમાં વ્યસ્ત હતી. હું અમદાવાદની પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં, સિનિયર ઓડિટ ઓફિસર તરીકે કાર્ય કરતી હતી, જે ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ હેઠળ કાર્ય કરતા ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ કાર્યાલય ની ગુજરાતની શાખા છે. ઓક્ટોબર 2016 માં સેવા નિવૃત્ત થઈ છું. 

 લેખન મારો શોખ છે તેમ જ જુનૂન પણ!

પાર્થો મુખર્જી સાથે મારા લગ્ન થયાં છે. લગ્ન પહેલાંની અટક ‘ભૌમિક’ હતી. અમારે બે દીકરા છે. મોટો સોહમ વાઇલ્ડલાઇફ બાયોલોજિસ્ટ છે, મેરીડ છે. પુત્રવધુ અકાંક્ષા પક્ષીવિદ છે. મારો પૌત્ર વિવાન સિનિયર કે.જી.માં છે. નાના પુત્ર સૌરભને મારી બહેનના પરિવારે દત્તક લીધેલ છે. તેણે બી.સી.એ. તેમજ એથિકલ હેકિંગનો કોર્સ કર્યો છે. હાલમાં વડોદરામાં ‘એપીડેલ ટેક્નોલોજીસ’ માં કાર્યરત છે.

તમે એલ.એ. કેમ ગયા? કામ માટે અથવા અન્ય કોઈ કારણોસર? શું તમે ઇન્ડિયા ની મુલાકાત લો છો?

 

 

11 જુલાઈ 2018, બુધવાર રાતના 11.45

--------------------------------------------------

- તમને વાંચીને આનંદ થયો. તમે શું લખો છો, નવલકથા કે બીજું કંઈ? આ એક સારો શોખ છે. મારી લોસ એન્જલસની સફર એક રસપ્રદ વાર્તા છે. કોઈ દિવસ તમે તેના પર એક નવલકથા લખી શકો છો. હું તમને કહીશ. હું લાંબા સમયથી ઇન્ડિયા નથી ગયો. મને તેનું દુઃખ પણ છે. ઈશ્વરને ખબર, હું ક્યારે જઈ શકીશ! મને તમારા વિશે કંઈક વધુ કહો.

‘ભૌમિક’ અટક પરથી મને કંઈક યાદ આવી રહ્યું છે, પણ તમારો ચહેરો યાદ નથી આવતો.

કદાચ, હું વૃદ્ધ થઈ રહ્યો છું!

 

 

12 જુલાઈ 2018, ગુરુવાર રાતના 8.00

------------------------------------------------

- મારા વિશે કંઈક તો યાદ આવી રહ્યું છે, એ જાણીને ખૂબ સારું લાગ્યું. હું લોસ એન્જલસની તમારી યાત્રા પર એક લાંબી વાર્તા અથવા નવલકથા જરૂર લખીશ. હું હિન્દી, ગુજરાતી અને બાંગ્લા ભાષામાં કવિતા, વાર્તા, સંસ્મરણ, લેખ, નિબંધ, સમીક્ષા વગેરે લખું છું. 

- હું તમારી કવિતા, વાર્તા અથવા લેખ વાંચવા માંગું છું.

- ક્યારેક મોકલીશ. જો તમને યાદ હોય તો, દરેક પરીક્ષા દરમિયાન આપણી બેઠક સંખ્યા એક જ બેંચ પર આવતી. ક્યારેક આગળ-પાછળની બેંચ પર. આપણી વચ્ચે ક્યારેક ઔપચારિક વાત થતી. તમને ભલે યાદ ન હોય, પણ મને બરાબર યાદ છે કે તમે કૉલેજના નિયમિત વિદ્યાર્થી ન હતા. હું બારેજડી ગામથી ટ્રેનમાં આવતી. મારા પિતા ત્યાં સ્ટેશન માસ્ટર હતા.

- ઓહ! હવે યાદ આવ્યું. તમે સાચું કહ્યું, હું અભ્યાસમાં નબળો હતો અને બેદરકાર પણ. અન્ય પ્રવૃત્તિઓમાં વધુ રસ ધરાવતો હતો તેથી કૉલેજમાં નિયમિત આવી શકતો નહીં. વળી મારે જે ભણવું હતું તે શક્ય ન બન્યું. સ્ટડીઝની બેદરકારીને લીધે, જીવન જેવું વીતવું જોઈએ તેવું વીત્યું નહીં. જેવી ઈશ્વરની ઇચ્છા. ભાગ્યમાં નથી માનતો. પુરુષાર્થથી જ જીવનમાં પ્રગતિ થઈ શકે છે. પોતાની લાયકાતથી જ અમદાવાદની ઇસરોમાં નોકરી મેળવી. નાટકોમાં અભિનયનો અનુભવ કામમાં આવ્યો, સમજો કે નટરાજે મદદ કરી. પછી સંજોગો એવા બન્યા કે અમેરિકા આવવું પડ્યું, તે વાત ફરી ક્યારેક. 

 અસ્તુ.

 

 

 

14 જુલાઈ 2018, શનિવાર રાતના 9.30 

------------------------------------------------- 

 

- નમસ્તે મિત્ર,

આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહ્યો. તમારી સરળતા હૃદયને સ્પર્શી ગઈ. કૉલેજમાં તમે તમારી પસંદગીની પ્રવૃત્તિઓમાં સમય વિતાવ્યો, પછી અફસોસ શા માટે? દરેકને પોતાનું મનપસંદ જીવન નથી મળતું. તમને અભિનયની સાથે સાહિત્યમાં પણ રસ છે, એ જાણીને આનંદ થયો. હું મારા પહેલા હિન્દી કાવ્ય-સંગ્રહ 'મૌન મિલન કે છન્દ' માં થી એક ટૂંકી કવિતા રજૂ કરું છું.

હરિયાલી છા ગઈ 

વર્ષા જો આ ગઈ,

ધરતી લહરા ગઈ.

કણ કણ મેં હૈ નશા, 

હરિયાલી છા ગઈ.

આહટ સે ભોર કી, 

શબનમ શરમા ગઈ.

કલિયોં કે અંગ પર 

અમૃત બરસા ગઈ. 

ભૂધર કો છોડકર 

નદિયાં ભી આ ગઈ.

અભિલાષા આખિરી, 

સાગર કો પા ગઈ. 

મિટ્ટી કી ગંધ ભી 

દિલ કો તો ભા ગઈ. 

યાદ મુઝે આપકી 

ફિર સે તડપા ગઈ!

 

- વાહ, મલ્લિકા! તમે ખૂબ સરસ લખો છો. તમારો કાવ્ય-સંગ્રહ પણ પ્રકાશિત થયો છે, જાણીને ખૂબ આનંદ થયો. જ્યારે પણ મને એકલતા સાલતી ત્યારે હું કવિતા લખતો. મિત્રને બતાવી તો તેણે કહ્યું, ‘વિચારો સારા છે, પણ કાવ્ય ધારા ઓછી છે.’ બીજું શું લખ્યું છે? સમય આવે તેમ કહેતા રહેજો.

- ઓકે. 

 

 

 

 

16 જુલાઈ 2018, સોમવાર રાતના 11.30 

---------------------------------------------------

- નમસ્તે મિત્ર,

   વિદ્યાર્થી જીવનમાં જે મિત્રતા થઈ શકી હોત તે કદાચ હવે શક્ય બને! ફક્ત 'મલ્લિકા' અને 'તું' સંબોધન સારું રહેશે.

આજે, આપણી કૉલેજ ની પત્રિકાનું કવર પેજ અને તેમાં છપાયેલ તમારો ફોટો મોકલું છું. અતીતના સુવર્ણ દિવસોને યાદ કરવાનું ગમશે. 

 

- કૉલેજકાળ ની સુંદર તસવીરો શેયર કરવા બદલ આભાર, મલ્લિકા. તેં સાચું લખ્યું છે, ખરેખર તે દિવસો મારા જીવનના સુવર્ણ દિવસો હતા. ફરીવાર આભાર.

 જો તેં શરૂઆત કરી હોત તો હું એક સારો મિત્ર બની શકયો હોત. સાચું કહું તો મારો ઉછેર જ એવી રીતે થયો કે મને છોકરીઓ સાથે વાત કરવામાં ખૂબ જ સંકોચ થતો. શું કરું? ચાલો ‘દેર આયે દુરસ્ત આયે.’ જે થાય તે કદાચ સારા માટે જ થાય છે.

 અહીં ખૂબ ઓછા મિત્રો છે અને તેઓ ખૂબ દૂર રહે છે. તારી સાથે વાત કરીને સારૂ લાગ્યું. સંગીતનો શોખ હજી પણ છે. ફિલ્મો જોવાનું છૂટી ગયું છે. યુટ્યુબ, ફેસબુક ગમે છે.

 હું આ દુનિયામાં સમય પસાર કરી રહ્યો છું. અડસઠ વર્ષનો થઈ ગયો છું. જીવનનો વોરંટી પીરિયડ સમાપ્ત થઈ ગયો છે. કોણ જાણે ક્યારે એક્ઝીટ થઈ જાય! ત્રણ મહિના પહેલા મારી કોલોન કેન્સરની સર્જરી થઈ છે. હવે સારું છે. જિંદગીનો કોઈ ભરોસો નથી. મને તારા વિશે વધુ કહે. મેં કેટલીક કવિતાઓ પણ લખી છે, મૂડ હશે તો ક્યારેક મોકલીશ. બાય.