Tari Sangathe - 10 books and stories free download online pdf in Gujarati

તારી સંગાથે - ભાગ 10

ભાગ 10

 

01 ઓગસ્ટ 2018, બુધવાર સવારના 10.10

------------------------------------------------------

 

- સવારની મીઠી સલામ. ‘ન તો તેં ક્યારેય કૉલેજમાં સામેથી આવીને મારી સાથે વાત કરી, ન તો ક્લાસમાં પાછળ બેસીને કોઈ મસ્તી કરી, પણ હવે તને સાંભળવાનું અને તારી સાથે વાત કરવાનું મને ગમે છે. આટલા લાંબા ગાળા પછી મને પ્રેમ વ્યક્ત કરવાનો કોઈ અધિકાર નથી, પણ તું તેને પ્રેમ કહી શકે છે.’ ચા સાથે આટલું ઠીક રહેશે, મૈડમ?

- જી સર, તમારી ખુશનુમા સાંજ. ચા સાથે આટલું પૂરતું છે. પ્રેમ વિના કોઈ સંબંધ અનુભવાતો નથી. પ્રેમને હું વ્યાપક અર્થમાં લઉ છું. સમુદ્ર જેટલો ઊંડો અથવા આકાશ જેવો વિશાળ. તેં મને મારી ગઝલ, ગીતોની દુનિયા પાછી આપી.

- મને ગઝલ ખૂબ જ ગમે છે. મિર્ઝા ગાલિબ અને મીર તકી મીર તો બેમિસાલ છે. નિદા ફાજલી, ગુલઝાર, કતીલ શિફાઈ, સાહિર લુધિયાનવી, મજરુહ સુલતાનપુરી, પરવીન શાકિર, શહરયાર, બશીર બદ્ર, સુદર્શન ફાકિર, જૌન એલિયા, ફૈઝ અહેમદ ફૈઝ, મારા માનીતા શાયરો છે.

-  શું વાત છે અશ્વિન! વિદેશમાં રહીને પણ તું સંપૂર્ણ ભારતીય બની રહ્યો.

- મલ્લિકા, અમદાવાદમાં મારો સ્કૂલના દિવસોનો એક ઇન્ટિમેટ દોસ્ત છે, શાહિદ સૈયદ. પરીક્ષા દરમિયાન હું તેના ઘરે વાંચવા જતો અને જમતો પણ ખરો. મોટા થયા પછી પણ, ક્યારેક તેના ઘરે અમારા મિત્રોની એક મહેફિલ જામતી. તેનો ભાઈ હમીદ સૈયદ ગઝલોની કેસેટ લઈ આવતો. અમે સાથે મળીને ગઝલો સાંભળવાનો આનંદ લેતાં. હું તેની પાસેથી ઉર્દૂ શબ્દોના અર્થ શીખતો.

-  વાહ!

- જગજીત સિંહ, ગુલામ અલી, મેંહદી હસન મારા મનપસંદ ગાયકો છે. જગજીત સિંહે ગાયેલી ગઝલનો આ શેર તને ગમશે.

 ગમ બઢે આતે હૈં કાતિલ કી નિગાહોં કી તરહ,

   તુમ છુપા લો મુઝે અય દોસ્ત, ગુનાહોં કી તરહ. 

 

- આમ તો મેં તને મારા હૃદયમાં છુપાવીને જ રાખ્યો હતો, પરંતુ ગુનાઓની જેમ નહિ!

- તો પછી?

- સુંદર સપનાંની જેમ.

- ભલે યાદોમાં, પણ હું સચવાયો અને તારું સ્વપ્ન હકીકત બન્યું. મારી પણ ખુશનસીબી છે કે તું મને મળી. 

 

યાદોં કે સહારે વક્ત કટ જાયેગા 

જિંદગી યાદોં કી કિતાબ બન જાયેગી. 

 

મેં તો ક્યાંક વાંચ્યું પણ છે, ‘જીવન કરતાં મોટું કોઈ પુસ્તક નથી.’ કદાચ કોઈ વર્ડ ખોટો હોય પણ અર્થ સાચો છે. તેં એમ.એ. કર્યું છે, તું શોધી લેજે.

- તે તો શોધી લઈશ, પરંતુ મેં એમ.એ. કર્યું છે માટે શોધી લઉં, તેવું કેમ લખ્યું ?

- એ તો મેં મજાકમાં લખ્યું છે, મૈમ. હું મારી જાત પર ગુસ્સો કરી રહ્યો છું. મારાં માતા-પિતાની ખૂબ ઇચ્છા હતી કે હું ભણું, પરંતુ મેં ક્યાંક સાંભળ્યું હતું કે ‘ખેલોગે કૂદોગે તો બનોગે નવાબ, પઢોગે લિખોગે તો હોગે ખરાબ’, પણ હું ન તો નવાબ બની શક્યો કે ન ખરાબ. ન અહીંનો રહ્યો કે ન ત્યાંનો.

- તારી વિનોદવૃત્તિનો જવાબ નથી! તું જ્યાંનો પણ રહ્યો મારા માટે તો નવાબ જ રહ્યો. 

- ધન્ય ભાગ્ય મારાં.

- અસલી કહેવત આ છે, જનાબ, 'પઢોગે લિખોગે તો બનોગે નવાબ, ખેલોગે કૂદોગે તો હોગે ખરાબ.' તારી નવી કહેવત વર્તમાન સંજોગોમાં સાચી છે, પરંતુ એવી રમત માટે કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમાય છે. તું તો એન.સી.સી. માં પણ એક્ટિવ હતો. તારું શરીર સૌષ્ઠવ પણ એવું જ હતું.

- સાચી વાત, સેનાની જેમ પોશાક પહેરીને એન.સી.સી.ની તાલીમ લેવાની એક અદ્ભુત અનુભૂતિ હતી. નવમા ધોરણમાં હું મારી શાળામાં એન.સી.સી એયર વિંગ (જુનિયર) નો ટ્રૂપ લીડર હતો. આ વિંગની એક્ટિવિટીઝ માટે અમે જામનગર અને વડોદરા કેમ્પમાં પણ ગયા હતા. કેમ્પમાં અમને અનુશાસન સાથે ગન ચલાવવાનું, મોડેલ વિમાનોની મદદથી ઉડ્ડયનની સઘળી પધ્ધતિ સમજાવવામાં આવતી હતી.

- અહા, આગળ જતા તું ઇન્ડિયન એયર ફોર્સ જોઈન કરી શક્યો હોત .

- અબ પછતાએ હોત ક્યા, જબ ચિડિયા ચુગ ગઈ ખેત! એકવાર મને ‘રિપબ્લિક ડે કેમ્પ’ હેઠળ ગુજરાત રાજ્યમાંથી પરેડ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તે વર્ષે દિલ્હીમાં ખૂબ ઠંડી હતી, તેથી મારી મમ્મીએ જવાની ના પાડી.

- ઓહ! મમ્મી કદાચ તારી હેલ્થ વિશે વધારે વિચારતી હશે.

- પરિવારમાં સૌથી નાનો હોવાથી હું મારી માતાનો વહાલો દીકરો હતો. આપણી કૉલેજમાં તો એન.સી.સી અને એન.એસ.એસ બંને હતા. તું પણ કૉલેજના એન.સી.સી યુનિટમાં જોડાઈ શકી હોત!

- સાચું કહું અશ્વિન? એન.સી.સી. મને ખૂબ ગમતું હતું, હું કોમ્પિટન્ટ ઓથોરિટીને મળી પણ હતી, પણ હું ગામડેથી આવતી હતી એટલે સમયનો જ મેળ ના પડ્યો. મારે એ વિચાર માંડી વાળવો પડ્યો.

- જો તું એન.સી.સી.માં જોડાઈ હોત અથવા નાટકમાં આવી હોત, તો તને મારી સાથે વાત કરવાની તક મળી હોત. 

- મારી વાત જવા દે. જો તેં રમતોને તારું લક્ષ્ય બનાવ્યું હોત, તો તેં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું અને દેશનું નામ રોશન કર્યું હોત!

- રમતને જવા દે, ડિયર. જો તારી સાથે વાત કરી શક્યો હોત, તો મેં ગુજરાતી અથવા હિન્દી વિષય લીધો હોત. મેં પણ તારી જેમ એમ.એ. કર્યું હોત, પછી ડૉક્ટરેટ. લેખક પણ બન્યો હોત, ડ્રામા લખતો હોત, ફિલ્મો માટે પણ લખતો હોત. જો વિચારવામાં હું કેટલો આગળ છું! હા....હા.... હા....

- અશ્વિન, મેં તને લેખક તો બનાવી જ દીધો. તેં લખ્યું છે, ‘જીવન કરતાં મોટું કોઈ પુસ્તક નથી.’ આવી કોઈ ગઝલ તો નથી. હા, કૃષ્ણ બિહારી 'નૂર' દ્વારા લખેલી ગઝલનો આ શેર છે-

જિંદગી સે બડી સજા હી નહીં, ઔર ક્યા જુર્મ હૈ પતા હી નહીં.

ઇતને હિસ્સોં મેં બંટ ગયા હૂં મૈં, મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં. 

 

- ખૂબ સાચી વાત, ડિયર. આ મને લાગુ પડે છે.

- એવું ન વિચારીશ, ઐશ. તારા હિસ્સામાં ઘણું બધું છે. આ પુસ્તકમાં તારું શ્રેષ્ઠ લેખન હશે.

- આ પુસ્તકમાં તારી વાર્તા પણ છે, બાલી ઉમરનો નિર્દોષ પ્રેમ!

- એ વાત જુદી છે કે હું પણ વાર્તાનું પાત્ર બની ગઈ.

- વાર્તામાં હું રહું કે ન રહું, તું વાર્તાની નાયિકા છે. 

- અશ્વિન, શું તારા વિના આ વાર્તા લખી શકાઈ હોત? ક્યાંક ગુસ્સામાં તો નથી લખી રહ્યો ને? 

- ના જી, ગુસ્સો અને તારા ઉપર? જેનાં પ્રેમને હું ક્યારેય સમજી શક્યો નહિ, જેને ચાર વર્ષ સુધી માત્ર રડાવી, તેની પર ગુસ્સો? આટલા વર્ષો પછી જે વ્યક્તિને હું સમજી શક્યો છું, તેની પર હું ગુસ્સે થાઉં? હા, તે દિવસોમાં હું ખૂબ ગુસ્સે થતો હતો, પણ હવે મને ગુસ્સો નથી આવતો.

- ગુસ્સો સ્વાસ્થ્ય માટે સારો પણ નથી.

- સાચું કહું તો હું આખી રાત જાગીને એક્ઝામ માટે વાંચતો હતો, પણ જેવું પ્રશ્નપત્ર હાથમાં આવતું કે વાંચેલું કશું જ યાદ ન આવતું. આજ સુધી મને એ સમજાયું નથી કે હું નાટકના લાંબા લાંબા સંવાદો ક્યારેય ભૂલતો નહિ, પણ મને એક્ઝામ માટે વાંચેલું કશું કેમ યાદ નહોતું રહેતું?

- સિમ્પલ છે ઐશ, નાટક અને અભિનય એ તારું પસંદગીનું ફિલ્ડ હતું.

- એટલે પછી એક્ઝામમાં કોઈની પાસેથી કૉપી કરવા સિવાય બીજો કોઈ ઉપાય જ ન રહેતો. 

- કોઈની પાસેથી નહીં, મારી પાસેથી.

- હા બાબા હા, તારી પાસેથી.

- એક વાર તો તેં ઇકોનૉમિક્સના પેપરમાં બેંચની નીચે શેલ્ફ પર મૂકેલી મારી આન્સર શીટ લઈને લખવાનું શરૂ કર્યું હતું, જ્યારે હું એડિશનલ આન્સર શીટમાં લખી રહી હતી. ગભરાયેલી હું સુપરવાઇઝરને જોઈ રહી હતી અને તું કૉપી કરી રહ્યો હતો! ઉપરથી એક્ઝામ પૂરી થતાંની સાથે જ ચાલવા માંડ્યો, મારો આભાર પણ માન્યો નહીં!

- લો, આ વળી નવું જાણવા મળ્યું. કોઈ છોકરીને પૂછ્યા વિના તેની આન્સર શીટ લઈને લખવા બેસી જાઉં, એટલી મારી હિંમત? એવું બની શકે કે તે સમયે હું 'ડુ ઓર ડાય' ની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો.

- મને શી ખબર કે તું શેનો સામનો કરી રહ્યો હતો? મારા માટે તો ડર કે આગે ડર હી થા, જીત નહીં!

- હા...હા...મલ્લિકા, પાંચમા ધોરણમાં એકવાર, એક મિત્રની આન્સર શીટમાંથી કૉપી કરી હતી, પરંતુ તેની પરવાનગી સાથે. આમ તો મને કૉપી કરવાનો બહુ ડર લાગતો હતો. ક્યારેક પેન્સિલથી ડેસ્ક પર લખતો, ક્યારેક હાથ પર લખીને લાવતો, તો ક્યારેક નાની નાની કાપલીઓ બનાવીને લાવતો.

- જોયું? નાની નાની વાતો યાદ છે - ડેસ્ક પર લખવું, હાથ પર લખવું, કાપલીઓ બનાવીને લાવવી, તને એ બધું યાદ છે, પરંતુ એક છોકરીની આન્સર શીટમાંથી કૉપી કરવાનો આટલો મોટો કિસ્સો યાદ નથી! 

- મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે, મારે તને આલિંગન અથવા કિસ જેવું કંઈક આપવાનું હતું!

- ચુપ ચુપ, ફરીથી મસ્તી? દીવાલોને પણ કાન હોય છે, જનાબ!

- જ્યારે પણ તું મારી ભૂલો યાદ કરાવીશ, ત્યારે હું આમ જ કહીશ, ઓકે?

- માય ડિયર અશ્વિન, તું ઘણું બધું ભૂલી ગયો છે પણ હું કેવી રીતે ભૂલી શકું? વળી એ જ વ્યક્તિને યાદ અપાવું છું, જેની સાથે પનારો પડ્યો હતો અને જે ફરીથી જીવન-માર્ગના એક વળાંક ઉપર મળી પણ ગયો!

- મુઝે બખ્શ દો, ગોરી!

- બખ્શ દિયા. જો તારા સ્માર્ટ ફોનમાં વોટ્સએપ હોય તો ફોન નંબર મોકલજે.

- અમદાવાદના એક મિત્રએ પણ આવું જ કહ્યું છે. વોટ્સએપ હજી જોઇન કર્યું નથી. કોઈની મદદ લેવી પડશે. તું નજીક છે છતાં પણ બહુ દૂર છે. નહીં તો હું તારી પાસેથી ઘણું શીખ્યો હોત. વોટ્સએપ કેમ જોઈએ?

- સંપર્ક કરવા માટે એક બીજું સાધન જોઈએ ને? ખબર નહિ કેમ, ડર લાગે છે. મેં મારા જીવનમાં અનેક દુર્ઘટનાઓનો સામનો કર્યો છે. જો આપણામાંથી કોઈ અચાનક આ દુનિયા છોડી જાય, તો બીજાને જાણ કેવી રીતે થાય?

- અચાનક શું થયું, મલ્લિકા?

- તું મેસેંજરમાં લખતો રહે અને જો મારા તરફથી તને કોઈ જવાબ ન મળે તો? ફેસબુક કોણ જોશે? વોટ્સએપમાં આપણા ફોન નંબર સચવાઈ રહેશે. હું તને પાર્થોનો ફોન નંબર આપીશ. તું તેમને કૉન્ટેક્ટ કરી શકે છે. 

- આજે આવા નકારાત્મક વિચારો કેમ આવી રહ્યા છે?

- મારી એક સહેલી હતી સ્નેહલતા. વિદ્યાનગરમાં જયારે હું આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટરની વિદ્યાર્થીની હતી, ત્યારે તે હોમ સાયન્સમાં માસ્ટર્સ કરવા હરિયાણાથી આવી હતી. હોસ્ટેલમાં તેની સાથે દોસ્તી થઈ અને અમે ખૂબ ગાઢ મિત્રો બની ગયા. 

- તે તો બનવાનું જ હતું. 

- હું તેને પ્રેમથી સ્નેહા કહેતી. અભ્યાસ પૂરો થયા પછી, અમે બંને પોતપોતાના ઘરે પરત ફર્યા, પણ પત્ર દ્વારા સંપર્કમાં રહ્યાં. તેનાં લગ્ન થઈ ગયાં. પતિ-પત્ની બંને હિસારની કૉલેજમાં લેક્ચરર હતાં.

- પછી?

- મારાં લગ્ન પણ થયાં. તેણીએ અમને બંનેને આમંત્રણ આપ્યું. અમે હિસાર જવાનું નક્કી કર્યું. જ્યારે મારા ત્રણ પત્રોના જવાબ ન મળ્યા, ત્યારે છેલ્લા પત્રમાં મેં તેણીને ઠપકો આપતા લખ્યું, ‘આમ તો તું મને વારંવાર આમંત્રણ આપતી હતી, આજે જ્યારે અમે તમને મળવા માંગીએ છીએ, તો જવાબ જ આપતી નથી! જા, હું તને ફરી ક્યારેય પત્ર નહીં લખું.’

- પછી તેનો જવાબ આવ્યો?

- ના. તેના ભાઈએ છેલ્લા પત્રનો જવાબ આપ્યો કે તેની સ્નેહા દીદી હવે આ દુનિયામાં નથી. બળી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. ક્યાંય સુધી હું તે પત્ર મારા હાથમાં લઈને ગુમસૂમ બેસી રહી, ઐશ. પછી કેટલું રડી એ પણ યાદ નથી. મેં તેને ઘણું ભલું-બુરું લખ્યું હતું, પરંતુ તે તો આ દુનિયામાં હતી જ નહિ!

- ઓહ! તારા જીવનમાં આકસ્મિક ઘટનાઓ ઘણી બધી છે.

- મારી પાસે સ્નેહાની કાશ્મીરી પોશાકમાં એક જ તસ્વીર છે, જયારે પણ એ જોઉં છું, આંખમાં આંસુ આવી જાય છે.

- તું ખરેખર પ્રેમનો સાગર છે.

- એટલે જ તો મારે ભાગે માત્ર તસવીરો આવી! હવે કાંઈ ન લખતો. તારો સૂવાનો સમય થઈ ગયો છે. આવતી કાલે કેટલાક નવા સંવાદો સાથે મળીશું, ગુડ નાઇટ.

- ગુડ નાઇટ, ડિયર. તારો દિવસ ખુશીથી વીતે.

 

 

01 ઓગસ્ટ 2018, બુધવાર રાતના 09.30

----------------------------------------------------

- સવારની ચા પીતાં-પીતાં યાદ આવ્યું મલ્લિકા, ગઈ કાલે ઉદયન ઠક્કરની એક મજાની છંદ મુક્ત કવિતા કૉપી કરી છે. ‘એક પ્રશ્નપત્ર’ વાંચી લે અને જવાબ આપ.

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો-

2. અને આમ તો તમેય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને… ‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ!) કૌંસમાં લખ્યા પ્રમાણે કરો-

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. 

તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થયો છું : રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો-

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી. (સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)-

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે, કયારે, કોને, આવી પંક્તિ (નથી) કહી?-

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો- 

 નહીંતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

- --------------------

- વાંચી લીધી. હવે ઉદયનની ગુજરાતી કવિતા ‘એક પ્રશ્નપત્ર’ નો જવાબ ગુજરાતી કવિતામાં- 

હાથ પરોવો હાથમાં, 

આંગળીઓ શી વિસાતમાં? 

કેટલા શ્રાવણ વરસી ગયા, 

ભીંજાતી રહી હું વાટમાં. 

તરસ્યા રહી ગયા તમે, 

ખુદના નવાબી ઠાઠમાં!

ચાહું છું તમને, ચાહીશ હું, 

દરેક મુલાકાતમાં.

આપું ખુલાસો, ચૂમી લઉં, 

હાથ તો આપો હાથમાં!

- વાહ છોકરી! જવાબ લખવામાં તું નિષ્ણાત છે. કવિતામાં પૂછેલા પ્રશ્નોના જવાબો કવિતા રૂપે જ આપ્યા. શું સરસ લખી છે! તારી મલ્ટીપલ પર્સનાલિટીથી હું ખૂબજ પ્રભાવિત છું, પણ હું તારી જેમ ચૂપ નહિ રહું. હું બોલીશ અને મસ્તી પણ કરીશ. બરકત વિરાણી ‘બેફામ’ ની બે પંક્તિઓ લખું છું-

 

       નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે,

        તમે છો એનાં કરતાં પણ વધારે તમને જોયાં છે...

 

- આ પંક્તિઓ તો મારે તને કહેવી જોઈએ.

- તું પણ કહી દે. તારી સાથે સાહિત્ય વિશે વાત કરવી ગમે છે. મને એક નવી દુનિયાની અનુભૂતિ થાય છે.

- વાંચન અને લેખન બધી પીડા દૂર કરે છે. ઐશ. જો બીજું કંઈ ન લખવું હોય તો છેવટે ડાયરી લખવાની ટેવ પાડવી જોઈએ.

- સાચી વાત. જ્યારે પણ મને એકલતા સાલતી ત્યારે હું મારી ડાયરીમાં કંઈક ને કંઈક લખતો રહેતો. કવિતા પણ લખતો હતો.

- તું ફરીથી લખવાનું શરૂ કર. તને ખૂબ ગમશે. આજે મેં વિચાર્યું છે કે એક પ્રયોગ તરીકે હું તને એક પ્રેમ પત્ર લખીશ. જો મેં પિસ્તાળીસ વર્ષ પહેલાં કૉલેજમાં તને મારો પહેલો પ્રેમ પત્ર લખ્યો હોત તો કેવો લખ્યો હોત?

- લખ્યો?

- ના, કાલે લખીશ.

- લખી જ નાંખ, એ પત્ર વાંચવો ગમશે. 

- હું આ સપનું પણ પૂરું કરીશ. કૉલેજમાં મારી એક સખી હતી, નીલા શાહ. તેની સાથે જો તને એ પત્ર મોકલ્યો હોત તો ફરી-ફરી મારે સાંભળવું ન પડત કે હું કાંઈ બોલી ન શકી. ન બોલી શકવાના અન્ય કિસ્સાઓ પણ છે.

- જણાવો, બાળા.

- સમય આવે જણાવીશ. અમારું છોકરીઓનું ગ્રુપ કૉલેજનાં વર્ગો છોડીને, મૉર્નિંગ શોમાં ફિલ્મો જોવા જતું. તે દિવસોમાં મેં કેટલી રોમેન્ટિક ફિલ્મો જોઈ!

- ફિલ્મો તો મેં પણ ઘણી જોઈ છે, રાજ કપૂર-નરગીસની 'બરસાત', દેવ આનંદ-વહિદાની 'ગાઈડ', દિલીપકુમાર-મધુબાલાની 'મુગલ-એ-આઝમ', રાજેન્દ્રકુમાર-સાધનાની 'મેરે મહેબૂબ', ...

- તોપણ કંઈ ન શીખ્યો!

- તું સાથે હોત તો કંઈક શીખવા મળ્યુ હોત.

- મજાક બંધ કર. હવે ઊંઘ આવવા લાગી, ગુરુ.

- ઠીક છે મારી શિષ્યા, સારી ઊંઘ લેજો. શુભ રાત્રિ.

 

 

 

02 ઓગસ્ટ 2018, ગુરુવાર સવારના 8.00 

----------------------------------------------------

- સુનહરી શામ મુબારક હો, ઐશ. અહીંયા સવાર થઈ ગઈ. તારો ઇવનિંગ વૉક પર જવાનો આ સમય છે, તું ચાલીને પાછો આવે ત્યાં સુધી હું એક ફિલ્મની વાર્તા લખું છું. ફિલ્મનું નામ યાદ નથી. તે ફિલ્મના હીરો કદાચ વિકાસ રાય હતા, નાયિકાનું નામ યાદ નથી આવતું. કિશોર વયે આ વાર્તા મેં મારા પપ્પા પાસેથી સાંભળી હતી. પપ્પા મારા બેસ્ટ ફ્રેન્ડ હતા. જ્યારે પણ તેઓ ફ્રી હોય, ત્યારે મને કોઈ વાર્તા કે સંસ્મરણો કહેતા. એક યુવક, બહુ શિક્ષિત નહીં પણ શ્રીમંત પરિવારનો હતો. તેની પહેલી શરત એ હતી કે તે કોઈ શિક્ષિત યુવતી સાથે લગ્ન નહીં કરે. દીકરા માટે તેના માતાપિતા દ્વારા પસંદ કરેલી યુવતી મધ્યમ વર્ગની હતી, પણ ઉચ્ચ શિક્ષિત હતી. યુવતી તેના પતિને તેના શિક્ષણ વિશે કદી કહેશે નહીં તેવી શરત પર લગ્ન નક્કી થયાં. યુવતીના માતાપિતા સંમત થયાં. સામાન્ય ઘરની દીકરી હોવાથી યુવતી પણ કંઈ ન બોલી. લગ્ન થઈ ગયા. લગ્ન બાદ દંપતી ફરવા માટે નીકળ્યા. ટ્રેનની મુસાફરી હતી. પતિની આંખ મળી ગઈ, પત્ની ઊઠીને ટોઇલેટમાં ગઈ. પતિની આંખો ખૂલી, પત્ની દેખાઈ નહીં. ડરીને તેણે ટ્રેનની ચેન ખેંચી લીધી, ટ્રેન થોભી ગઈ. અંગ્રેજ ટીટીઈ તપાસ માટે તેમના કોચમાં આવી પહોંચ્યા. મુસાફરોને પૂછવામાં આવ્યું, ‘હુ પુલ્ડ ધ ચેન?’

પતિ ગભરાઈ ગયો. અંગ્રેજી ન આવડવાને કારણે, એટલું જ કહી શક્યો.

'આઈ...'

‘વ્હાય?'

એટલામાં પત્ની આવી ગઈ. ટીટીઈ ગુસ્સે થઈને જવાબ માંગી રહ્યા હતા. જ્યારે પત્નીએ તેનું કારણ પૂછ્યું તો પતિએ આખી હકીકત જણાવી. પત્નીએ ટીટીઈને અંગ્રેજીમાં આખી વાત સમજાવી અને માફી પણ માંગી. ટીટીઈ ચાલ્યો ગયો. આ ઘટનાથી પતિને ખબર પડી કે તેની પત્ની ઉચ્ચ શિક્ષિત છે. તેણે પત્નીને ખૂબ બૂરું-ભલું સંભળાવ્યું. એટલે સુધી તેના પર કે અમીરી જોઈને લગ્ન કરવાનો આરોપ પણ લગાવ્યો. 

પત્નીએ કશું કહ્યું નહીં. ઘરે પહોંચીને તેણી પોતાની બેગમાં છુપાવી રાખેલા પ્રમાણપત્રો લઈ ત્યાંથી નીકળી ગઈ. ઘરથી થોડા અંતરે વહેતી નદીની લહેરોમાં બધાં પ્રમાણપત્રો વહાવી દીધા! પરત ફરીને તેણીએ પતિને કહ્યું, ‘મેં આજે મારું બધુ જ જ્ઞાન નદીમાં ઉત્સર્ગ કરી દીધું છે. આજ પછી હું મારા શિક્ષણને, મારા લગ્નજીવનમાં ક્યારેય આવવા નહિ દઉં.'

વાર્તા પૂરી થઈ. તું વાંચીને તારા વિચારો જણાવજે. હું ઓનલાઇન જ છું.

- ----------------

- -----------------

- વાંચી લીધી તારી વાર્તા. પેલી છોકરી સાથે તો ભારોભાર અન્યાય થયો!

- અન્યાય ચોક્કસ થયો, પરંતુ સ્ત્રી પોતાના લગ્ન જીવનને બચાવવા માટે કેટલી હદે સમાધાન કરી શકે છે, ફિલ્મમાં એ બાબતને મહત્વ આપવામાં આવ્યું છે.

- તમે સ્ત્રીઓ જ આટલું મોટું સમર્પણ કરી શકો છો. અમે પુરુષો તદ્દન જુદી રીતે વિચારીએ છીએ. આ પાર કે પેલે પાર. ઇમોશનલી અમે આંધળા હોઈએ છીએ અથવા તદ્દન ધાર વિનાના, બુઠ્ઠા.

- પણ તું અપવાદ છે. તેં તારા પરિવારના સુખ માટે ચરમ સમર્પણ કર્યું. સ્વાભાવિક રીતે, પુરુષની અંદર સ્ત્રીત્વના અંશ અને સ્ત્રીની અંદર પુરુષત્વના અંશ રહેલા છે. જ્યારે પુરુષ તેની અંદરના સ્ત્રી તત્વને અને સ્ત્રી તેની અંદરના પુરુષ તત્વને દૂર કરે છે, ત્યારે સમસ્યાઓ ખૂબ વધી જાય છે.

- મારી અંદરનું સ્ત્રી તત્વ હજી પણ સલામત છે, કદાચ તેથી જ હું આટલો ભાવુક છું.

- સાચું કહ્યું તેં. ગુજરાતી ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર, કવિ રમણભાઈ નીલકંઠ દ્વારા લખાયેલ 'રાઇ નો પર્વત' નાટકમાં, ગુજરાતની રાજધાની, કનકપુરના રાજા પર્વતરાયના પ્રધાન, કલ્યાણકામ આ મુકતક કહે છે- 

 જે શૌર્યમાં કોમળતા સમાઈ,

 તેને જ સાચું પુરુષત્વ માન્યું.

  દ્રવન્ત લોખંડનું ખડગ થાય,

 પાષાણનું ખડગ નથી ઘડાતું!

પુરુષત્વની વ્યાખ્યા તો આજ થાય ને, અશ્વિન? 

- વાહ! લેખનની સાથે તારું વાંચન પણ એટલું જ વિશાળ છે. તું વાર્તા લખવામાં નિષ્ણાત તો છે જ, સાથે-સાથે વાતો પણ ખૂબ મીઠી કરે છે.

- વાર્તા લખવાની તો ખબર નથી પણ હું વાતો ખૂબ સારી કરી શકું છું તે વિશે મને મોડે મોડે ખબર પડી.

- કેવી રીતે?

- ઓફીસમાં ત્યારે હું નવી જ હતી. ઓડિટરની પોસ્ટ પર કામ કરતી હતી. મારા તત્કાલીન સેક્શન ઓફિસર શ્રીમતી લલિતા રાજગોપાલન ને મારું કામ બહુ ગમતું. તેઓ ઘણી વાર મને બોલાવીને તેમની બાજુમાં બેસાડતાં અને કોઈક વિષય પર વાત શરૂ કરતાં. હું તેમની સાથે વાતચીતમાં જોડાઈ જતી. 

- પછી?

- એક દિવસ વાત કરતાં મેં તેમને કહ્યું, 'મૈમ, મારે હવે જવું જોઈએ. હજી ઘણું કામ બાકી છે.’ ત્યારે તેમણે કહ્યું, ‘તારી વાતો સાંભળવી ગમે છે. વિષય ગમે તે હોય, તું તેની ચર્ચા એટલી રસપ્રદ રીતે કરે છે કે કામનો તણાવ દૂર થઈ જાય છે.’ અહા ... ત્યારે પહેલી વાર મેં જાણ્યું કે હું સારું બોલી શકું છું.

- હું પણ એજ કહું છું. તારા શબ્દોમાં એવી મીઠાશ છે, જાણે બંગાળી મીઠાઈ!

- તું પણ એટલું જ મીઠું બોલે છે, જાણે જલેબી!

- જલેબી?

- મીઠું-મીઠું અને ગોળ-ગોળ, ક્યારેક તો મૂંઝાઈ જાઉં છું.

- અચ્છા? શું બધી બંગાળી મીઠાઈઓ સીધી-સીધી હોય છે? 

- લગભગ. અરે મજાક કરું છું! આજે મારા ભાઈને ઘેર ગાંધીનગર જવું છે. તેનો દીકરો પ્રણય ટોરન્ટો જઈ રહ્યો છે. રાતના કદાચ મોડું થશે. હવે ઊંઘી જા, સવારે વાત કરીશું.

- ઓકે, તું મારું બહુ ધ્યાન રાખે છે. ક્યારેક સપનામાં આવીને મળી શકે ને!

- સપનામાં મળવા કરતાં હકીકતમાં મળવું વધારે સારું નહિ?

- જોયું? હવે તું પણ મજાક-મસ્તી કરતાં શીખી ગઈ. ઈશ્વર તારી ઇચ્છા પૂરી કરે.

- મારી નહીં, આપણા બંનેની. ચોક્કસ કરશે. હવે નિદ્રાને વહાલી કરો સખા, ગુડ નાઇટ.

- ઓકે, તારી ગુડ મૉર્નિંગ. બાય.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED