તારી સંગાથે - ભાગ 25 Mallika Mukherjee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

તારી સંગાથે - ભાગ 25

ભાગ 25

 

24 ઓગસ્ટ 2018, શુક્રવાર સાંજના 7.50

--------------------------------------------------

- પશ્ચિમમાં સૂર્ય ઊગ્યો કે નહીં, ઐશવિન? 

- કેમ આજે અંગ્રેજ બની ગઈ?

- તેં જ કહ્યું હતું ને કે શરૂઆતમાં ત્યાંના બધા લોકો તને ‘ઐશવિન’ કહેતા, પછી તું ‘ઐશ’ બની ગયો. તે યાદ આવ્યું. જો અહીં સંધ્યા, નિશા તરફ આગળ વધી રહી છે. ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. ઝાડ નીચે જોયું, તું ક્યાંક ઊભેલો મળી જાય!

- તું ગજબ છે યાર! વરસાદમાં મને યાદ કરી જ લે છે. મારો સૂર્ય સવારે છ વાગે ઊગે છે. ચા-નાસ્તો, દવા લીધી. ફોન હાથમાં લીધો તો દેવીનો ફોટો દેખાયો. કાલથી એક ગીત મનમાં વાગી રહ્યું છે

      ગુજરા હુઆ જમાના, આતા નહીં દુબારા...

- ગીત ખોટું સાબિત થયું. ફિલહાલ, ભલે ને ચેટ દ્વારા, આપણે ગુજરા હુઆ જમાનામાં જીવી રહ્યાં છીએ. 

- સાચું કહ્યું. તેં કેટલી ધુંધળી યાદોને તાજી કરી દીધી! હા, એક બીજી વાત, તારી તબિયત સાચવજે. હું જ્યારે ઇન્ડિયા આવીશ ત્યારે બહુ ફરવુ પડશે મારી સાથે.

- આવ તો ખરો, મારા પરિવાર તરફથી તારું હાર્દિક સ્વાગત છે. તબિયત સાચવવાની વાત પરથી એક વાત યાદ આવી ગઈ.

- સંભળાવ.

- એકવાર મેં એક આયુર્વેદિક ડૉક્ટરની મુલાકાત લીધી હતી. વેઇટ લૉસ કરવા માટે.

- પેલા હસ્તરેખા જોવા વાળા ડૉક્ટર?

- ના, આમનો કન્સલ્ટીંગ રૂમ આશ્રમરોડ પર હતો, નામ ભૂલી ગઈ છું. ઓફિસની જ એક સખીએ રેફરન્સ આપ્યો હતો.

- અહીં પાછું શું થયું?

- પહેલા તો ડોક્ટરે મને ધ્યાનથી જોઈ પછી બેસવા માટે કહ્યું. મેં આવવાનું કારણ બતાવ્યું. તેઓ હાથમાં એક લેટરપૈડ અને પેન લઈને બોલ્યા, ‘તમને બ્લડપ્રેશરની તકલીફ છે?’

- મેં કહ્યું, ‘છે, બે વર્ષથી.’ તેમણે પૂછ્યું, ‘દવા લો છો?’ મેં કહ્યું, ‘હા.’

‘સુગર છે?’ ‘ના’ તેઓએ આગળ પૂછ્યું, ‘બીજા શું પ્રોબ્લેમ છે હેલ્થને લગતા? અમારો એ નિયમ છે કે પહેલા હેલ્થને લગતી બીજી બધી સમસ્યાઓ સૉલ્વ થઈ જાય, પછી જ વેઇટ લૉસની દવા આપીએ છીએ.’ 

મેં કહ્યું, ‘મને આર્થરાઇટીસનો પ્રોબ્લેમ છે, વર્ટીગો છે, બ્રેથલેસનેસની સમસ્યા છે, હાઇપરટેન્શન છે, મને સાઉન્ડસ્લીપ નથી આવતી, એસિડીટીની સમસ્યા પણ છે...’ જેમ જેમ હું બોલતી ગઈ તેમ તેમ તેઓ દરેક રોગ માટે દવા લખતા ગયા. આખું પેજ ભરાઈ ગયું. 

- તુ્ પણ કમાલ છે, સ્વીટી!

- આ સત્ય ઘટના છે, સૉલ્ટી!

- મારું આ શું નામ રાખી દીધું?

- મીઠાની સાથે નમકીન જ મેચ થાય છે.

- સમજી ગયો....હવે તને પણ મસ્તી સુઝે છે. 

- ગુરુ તું છે.

- આગળ બતાવ.

- તેમણે ફરી એક વાર મારી સામે ધ્યાનથી જોયું. તેમની આંખોમાં, મને તે જ પ્રશ્ન દેખાયો જે મારા બોસની નજરમાં દેખાતો, ‘તમને જોઈને તો લાગતું નથી કે તમને આટલી બધી હેલ્થની સમસ્યાઓ છે?’ 

- તારી વાતો પરથી મનેય નથી લાગતું. 

- જો તું મારી સામે બેઠો હોત તો તારી આંખોમાં આ પ્રશ્નને જોવાની કોશિશ કરી શકી હોત! 

- મજાક છે ડિયર. પછી શું થયું?

- પેન બંધ કરતાં તેઓ બોલ્યા, ‘આજે આટલું જ પુરતું છે. પહેલા આટલાં રોગ સારા થઈ જાય, પછી જોઈશું.’ 

- પછી? 

- મેં આશરે દોઢ વર્ષ સુધી મેં કેટલીયે ગોળીઓ લીધી અને જ્યારે વેઇટ લૉસ કરવાની ગોળીઓ લેવાનો સમય આવ્યો ત્યારે હું ના ગઈ અને મારું મિશન ફેઇલ થઈ ગયું!

- તારી વાતો મને ક્યારેક રહસ્યમયી લાગે છે.

- ડરીશ નહીં, હું કોઈ ભૂત નથી.

- એટલે જ તો!

- એટલે જ તો, એટલે શું?

- મજાક, ડાર્લિંગ!

- ભૂતને ડાર્લિંગ ના કહેવાય, શૈતાન!

- ખમ્મા...ખમ્મા....તું નેચરોપથી ટ્રીટમેન્ટ કરી શકે છે.

- એમાં શું કરવાનું હોય છે?

- એમાં શરૂઆતમાં તને થોડી તકલીફ થશે. ફક્ત ફ્રુટ્સ અને સલાડ લેવાનું હોય છે, ચાહે ગમે તેટલું ખાઓ. દૂધ, મીઠું, તેલ, ઘી, દાળ, ભાત કે રોટલી નથી ખાવાની. કોઈ પણ કુક્ડ ફૂડ નહીં ખાવાનું. બોઇલ્ડ શાક લઈ શકે છે. થોડા જ મહિનામાં વજન ઓછું થવા લાગશે. સાથે થોડું વૉક પણ કર.

- અઘરું લાગે છે, પણ જોઉં છું.

- જરાય અઘરું નથી. તને કાર ડ્રાઇવ કરતાં આવડે છે ને?

- ના, મેં બે વાર લર્નિંગ લાઇસન્સ લીધું, પછી ના ગઈ.

- કેમ? 

- મને એવું લાગ્યું કે એક્સિલરેટર, બ્રેક, ગિયર, ક્લચ અને સ્ટીઅરીંગને એક સાથે હેન્ડલ કરવું મારું કામ નથી.

- એ તો નહીં ચાલે મેડમ, હું જ્યારે ઇન્ડિયા આવીશ, આઇ વૉન્ટ યુ ટુ ડ્રાઇવ.

- કેમ?

- ઇન્ડિયન કાર હું નહીં ચલાવી શકું ને? તું તો જાણે છે કે અહીં ડ્રાઇવિંગ સીટ લેફ્ટ સાઈડ હોય છે, જ્યારે ઇન્ડિયન કારમાં ડ્રાઇવિંગ સીટ રાઈટ સાઈડ હોય છે. ટ્રાફિક રૂલ્સ પણ જુદા છે. અહીં વ્હીકલ્સ રાઈટ સાઈડ ચાલે છે, ઇન્ડિયામાં લેફ્ટ સાઈડ.

- સાચું ઐશ, પરંતુ મેં કહ્યું તેમ, મેં લર્નિંગ લાઇસન્સ લીધું ત્યાં સુધી જ ડ્રાઈવિંગ શીખ્યું છે. જો હું ડ્રાઈવિંગ સીટ પર હોઉં, તો તારે મારી તો ખરી જ, સાથે સાથે તારી પોતાની અને રસ્તા પરના રાહદારીઓની પણ ફિકર કરવી પડશે. તું મારી સાથે વાત સુદ્ધાં નહીં કરી શકે. હા...હા..હા...

- ના બાબા ના, હું કોઈની ફિકર કરવા માંગતો નથી. 

- બહુ ફરવું પડશે, વાંચીને જ ઊંઘ આવવા લાગી. 

- ચાલો, તો આજે અહીં જ રોકાઉ છું, પણ ફરવું તો પડશે જ. આટલાં વર્ષોમાં અમદાવાદ અને ગુજરાત કેટલું બધું બદલાઈ ગયું હશે? 

- ઘણું બદલાઈ ગયું છે, ઐશ. બસ આપણે નથી બદલાયા.

- બદલાવું પણ નથી. પાર્થો સાથે ડિનર લે અને મીઠી ઊંઘ ખેંચ. ગુડ નાઇટ. 

- ઓકે બાબા, કાલે મળીશું. આપનો દિન શુભ રહે.

 

 

25 ઓગસ્ટ 2018, શનિવાર સવારના 8.00

-----------------------------------------------------

 

- મારી સાંજ અને તારી સવાર બંને તને મુબારક, મમ્મીજી.

- તને પણ બેટા-  ખુશ્બૂ જૈસે લોગ મિલે અફસાને મેં,

      એક પુરાના ખત ખોલા અનજાને મેં.

 ગુલઝારનો આ શેર મને બહુ ગમે છે.

- મને પણ.

- ‘મમ્મીજી’ સંબોધનથી યાદ આવ્યું બેટા, આજે મારી ફરીથી મા બનવાની અધૂરી વાર્તાને અંજામ આપવાનો છે. અત્યારે લખી શકું?

- નેકી ઔર પૂછ પૂછ?

- જ્યાંથી વાતને વિરામ આપ્યો હતો ત્યાંથી જ વાતને આગળ વધારું છું. મારી ઓફિસર્સ એક્ઝામની તૈયારી કરી રહી હતી, મેં ફરીથી ગર્ભ ધારણ કર્યો. પહેલી વખતની જેમ જ ગર્ભાવસ્થાની હાઇપરેમેસિસ ગ્રેવિડેરમની સમસ્યાએ મારા રોજિંદા જીવનને એટલી હદે અસર કરી કે ઊંઘ ગાયબ થઈ ગઈ.

- મતલબ આ વખતે પણ તારે એ જ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું.

- તે કરતાં પણ વધુ. પાર્થો હંમેશાં મારું ધ્યાન રાખતા કે મને કોઈ પણ પ્રકારની માનસિક તાણ ન અનુભવાય, પણ મારું શરીર જ મને સાથ નહોતું આપી રહ્યું.

- ડોક્ટરે શું કહ્યું?

- બે મહિના પછી ત્યાં રૂટિન ચેકઅપ માટે ગઈ. ચેકઅપ પછી પોતાની કેબિનમાં બેસાડતાં ડૉક્ટર લાડોલાએ મને કહ્યું, ‘તમારી બધી સમસ્યાઓ હોર્મોનલ અસંતુલનને કારણે છે. તમારી સ્થિતિ જોતાં, મને નથી લાગતું કે તમે આ પ્રેગનન્સીને કોઈ પરિણામ આપી શકો. તમે એબોર્શન કરાવી લો.’

- ઓહ! મતલબ કે તેઓ કોઈ રિસ્ક લેવા માંગતા ન હતા.

- ઐશ, એમને મારા કેસની વિગતો યાદ હતી. તેમની વાત સાંભળીને મારા મનમાં શું ભાવ ઉપજ્યા, હું બતાવી નહીં શકું! મારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. થોડા સમય માટે કેબિનમાં મૌન છવાઈ ગયું. ડૉક્ટર નવાઈ પામતા બોલ્યા, ‘મલ્લિકા બહેન, તમને બીજા બાળકની એટલી બધી ડિઝાયર છે કે તમે તમારા જીવના જોખમે આ બાળકને જન્મ આપવા માંગો છો?’

- હું તારી પીડા સમજી શકું છું, મલ્લિકા.

- તેઓ મારી ડિઝાયરનું કારણ જાણતા ન હતા. મારા આંસુ રોકાઈ નહોતા રહ્યા, પાર્થો મારી બાજુમાં જ બેઠા હતા. મેં કહયું, ‘હું બે કે ત્રણ દિવસ પછી આવીશ. મારો નિર્ણય જણાવીશ.’ તેઓ માની ગયા.

- પછી?

- ઘરે આવ્યા પછી હું શૂન્યમનસ્ક થઈ ગઈ. વારે વારે પેલા આયુર્વેદિક ડોક્ટરના શબ્દો મારા કાનમાં ગુંજવા

લાગ્યા, ‘આવું કેવી રીતે બની શકે? તમારા ભાગ્યમાં ત્રણ સંતાનો તો છે જ....’ તેમના શબ્દોથી મને હતાશાની ઘડીઓમાં નવી ઊર્જા મળી. 

- યે હુઈ ન બાત! લહેરોં કે ડર સે નૌકા પાર નહીં હોતી, કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી.

- સાચી વાત. આખી રાત હું વિચારતી રહી. સવારે થોડું સારુ લાગ્યું, બીજો દિવસ વધુ સારો રહ્યો. ત્રીજા દિવસે હું ડૉક્ટર પાસે ગઈ. તેમણે તબિયત વિશે પૂછતાં જ મેં કહ્યું, ‘સર, હવે પહેલાં કરતાં મને ઘણું સારું ફીલ થાય છે. મેં વિચારી લીધું છે કે હું આ બાળકને જન્મ આપીશ.’ તેઓએ કહ્યું, ‘ચાલો, સારું થયું. જો તમે મક્કમ છો તો તમારા નિર્ણયનું સ્વાગત છે.’

- આખરે તારો સંકલ્પ જીતી ગયો.

- મને આરામની સખત જરૂર હતી, મેં ઓફિસ જવાનું બંધ કરી દીધું. આખો દિવસ સૂઈ રહેતી અને તરસ લાગે તો આઇસક્યૂબ ચૂસતી રહેતી, કારણકે હું પાણી પી શકતી નહોતી.

- ઘરે રહેવાથી આરામ મળ્યો, પછી તો થોડી રાહત લાગી હશે.

- ક્યાંથી? ચોથો મહિનો શરૂ થતાંની સાથે જ હું ખૂબ જ નબળાઇ અનુભવવા લાગી.

- પછી તો ડૉક્ટરની સલાહ લેવી જ ઉચિત હતી.

- એ જ કર્યું. મારું બ્લડપ્રેશર લો બતાવી રહ્યું હતું. ડોક્ટરે બ્લડ ટેસ્ટ્સ લખી દીધા. ટેસ્ટ્સમાં હિમોગ્લોબિન તો ઓછું હતું જ, સાથે ફાલ્સીપેરમ મેલેરિયા હોવાનું નિદાન થયું. આશ્ચર્યની વાત એ હતી મને તાવ પણ નહોતો!

- મલ્લિકા, કેટલીકવાર એનાં કોઈ સ્પષ્ટ લક્ષણો જોવા નથી મળતાં. પ્રેગનન્ટ મહિલાઓ માટે આ મેલેરિયા ચિંતાનો વિષય કહેવાય. 

- ડૉક્ટરે કહ્યું કે તમારે તરત જ એડમિટ થવું પડશે.

- સાચું જ કહ્યું.

- હું એડમિટ થઈ. ડ્રીપ દ્વારા મને દવા આપવી તે યોગ્ય નહોતું. ગર્ભપાત થવાની સંભાવના હતી.

- ઓહ ગૉડ! પછી?

- ટેબ્લેટ્સ શરૂ થઈ. ડૉક્ટરે સૂચના આપી કે જો થોડું પણ બ્લીડિંગ શરૂ થાય તો તરત તેમને જાણ કરવી. 

- મલ્લિકા, હું તારી માનસિક સ્થિતિનો અંદાજ લગાવી શકું છું. માતા અને બાળક બંને માટે આ એક જોખમી પરિસ્થિતિ હતી.

- દસ દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલી. ઈશ્વર કૃપાથી હું સાજી થઈ ગઈ. ગર્ભની સ્થિતિ જાણવા માટે સોનોગ્રાફી કરાવી, બધું બરાબર હતું.

- પછી તો રજા મળી ગઈ હશે!

- રજા મળી, પણ વીકનેસ ઘણી હતી. મમ્મીએ મારી નાનીમાને મારી સંભાળ રાખવા બોલાવી લીધાં. નાનીમાનું ઋણ હું ક્યારેય ચૂકવી નહીં શકું. તેઓ મારા માટે દરરોજ તાજું પનીર બનાવતાં, પાલકની ભાજી બોઇલ કરી મને ખવડાવતા. સ્મેલ એલર્જીથી પરેશાન હું આ ફક્ત બે વસ્તુઓ અને થોડાં ફ્રુટ્સ ખાઈ શકતી. 

- નાનીમાએ તારી પીડા અનુભવી. 

- સાચે જ ઐશ, નાનીમા બેડ પર સૂતેલી અવસ્થામાં જ મારા વાળમાં તેલ લગાવી, મસાજ કરી આપતા.

- માથા નીચે પ્લાસ્ટિક પાથરી શેમ્પૂ કરી આપતાં. સતત મારું ધ્યાન રાખતાં. મારા ઓશિકા પાસે બેસી, મારા માથા પર હાથ ફેરવતા, પોતાના વીતેલા જીવનની વાતો સંભળાવતાં. થોડી વારમાં મારી આંખ મળી જતી.

- નાનીમા પાસે એક સ્ત્રીનું દિલ હતું.

- ખરેખર, એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે મેં મારા જીવનમાં આ એકમાત્ર મહિલા જોઈ છે જે સ્ત્રીનું હૃદય સંપૂર્ણપણે વાંચી શકે. પંચોતેર વર્ષની ઉંમરે પણ તેઓ ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર હતાં.

- મલ્લિકા, એક સ્ત્રી જો બીજી સ્ત્રીને સમજી શકે તો મોટાભાગની પારિવારિક સમસ્યાઓ હલ થઈ જાય.

- સાચું. ભયાનક અસ્વસ્થતા અને આઘાતથી ઘેરાયેલી હું, મારા ગર્ભસ્થ શિશુ માટે પ્રાર્થના કરતી રહેતી. દીવાલ પર લટકતા કેલેન્ડર પરની તારીખો જોતી રહેતી અને રોજ રાત્રે વીતી ગયેલી તારીખ પર પેનથી એક સર્કલ બનાવતી!

- શું વાત કરે છે? એટલું દર્દ સહી રહી હતી તું કે આ રીતે એક એક દિવસ કાપી રહી હતી!

- આજે તો મને પણ વિશ્વાસ નથી આવતો, ઐશ. ડ્યુ ડેટના વીસ દિવસ પહેલાં, મારી હાલત એટલી ગંભીર બની ગઈ કે મને ફરીથી એડમિટ કરવી પડી. મારું બ્લડપ્રેશર હાઈ હતું. બ્લડટેસ્ટમાં હિમોગ્લોબિનનું લેવલ આઠ હતું. તરત જ સોનોગ્રાફી કરવામાં આવી.

- પછી? 

- ડૉક્ટરે કહ્યું, ‘બેબી મેચ્યોર છે, હવે વધુ રાહ ના જોવી જોઈએ. ડિલીવરી ’સી’ સેક્શનથી જ કરવી પડશે, પરંતુ સર્જરી માટે હિમોગ્લોબિનનું લેવલ ઓછામાં ઓછું દસ હોવું જોઇએ. તમને એક્સ્ટ્રા બ્લડ ચડાવવું પડશે. હમણાં તો બે બોટલ બ્લડ માટે બે ડોનર્સની જરૂર છે, જેથી બ્લડને બદલે બ્લડ લઈ શકાય.’

- તેથી જ કહેવાય છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે માતા પણ જન્મે છે.

- હમ્મ.... મેં પાર્થોને કશ્યપ વ્યાસને ફોન કરવા કહ્યું. તે મારો સહકર્મચારી, માનેલો ભાઈ પણ અને એક સારો મિત્ર પણ છે. તેણે પોતાના બે મિત્રોને બ્લડ ડોનેટ કરવા તૈયાર કર્યા. બ્લડની વ્યવસ્થા થઈ ગઈ.

- -----------------

- ઐશ, ઓપરેશનની આગલી રાત્રે મને અસહ્ય માથાનો દુખાવો શરૂ થયો. લગભગ મધ્યરાત્રિ હતી. મેટરનિટી હોમની પાછળ જ ડૉ. લાડોલાનું નિવાસસ્થાન હતું. પાર્થોએ તેમને બોલાવ્યા. તેઓ તરત જ આવ્યા, પ્રેશર માપ્યું. બહુ જ હાઈ હતું. કેટલું હતું તેમણે એ ના કહ્યું. તેમણે મારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે મને થોડાં ઇન્જેક્શન્સ આપ્યાં અને કહ્યું, 'બ્લડ પ્રેશર સવાર સુધીમાં સામાન્ય થઈ જવું જોઈએ, નહીં તો ઓપરેશન નહીં કરી શકાય.’

- પ્રેશર નોર્મલ થયું?

- હું બસ પ્રાર્થના કરતી રહી, સવારે ચાર વાગ્યે થોડું સારું લાગ્યું, પાંચ વાગે હું ઓ.ટી. માં હતી. ઓપરેશનમાં ડૉક્ટરને આસિસ્ટ કરી રહેલી બંગાળી નર્સ શોભાએ પોતાના કામની સાથે મને હિંમત આપવાનું ચાલુ રાખ્યું. સોહમના જન્મના સાડા નવ વર્ષ પછી, મેં મારા બીજા બાળકને જન્મ આપ્યો. હું જનની બની ઐશ, પણ સૌરભની માતા તો મારી બહેન માલા જ બની.

- તું દેવકી બની અને તારી બહેન માલા યશોદા. તુ સૌથી અલગ છે મલ્લિકા, પ્રેમ હોય તો આવો!

- મેં જીવનભર પ્રેમને જ જીવ્યો. વાતોને આજે અહીં જ વિેરામ આપું છું, કિચન બોલાવી રહ્યું છે. ગુડ નાઇટ

- ઓકે, ડાર્લિંગ મા, તારો દિવસ ખુશીઓથી ભરેલો રહે.