ભાગ 24
22 ઓગસ્ટ 2018, બુધવાર રાતના 9.15
--------------------------------------------------
- ઇસ સફરમેં નીંદ ઐસી ખો ગઈ,
હમ ન સોએ, રાત થક કર સો ગઈ!
- ક્યા બાત હૈ ગાંવ કી ગોરી, આજ બડી ઉદાસી છાઈ હૈ તુમ્હારે યાદોં કે આસમાન મેં?
- અશ્વિન, મારા જીવનમાં ઘણા ત્રિભેટાવાળા વળાંક આવ્યા.
- એટલે?
- સામાન્ય રીતે દ્વિમાર્ગી વળાંક પર એક સાચો અને એક ખોટો વળાંક હોય છે, તમારે બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે એટલે કોઈ દ્વિધા નથી થતી, આ પાર કે પેલે પાર. જો જીવન માર્ગના કોઈ વળાંકે ત્રિભેટો આવી જાય તો ત્યાં એક સાચો, એક ખોટો અને ત્રીજો વળાંક ફક્ત ગૂંચવણ વાળો હોય છે.
- એટલે કે ત્યાં સાચા ખોટાની ખબર પડતી નથી.
- સાચી વાત. ઐશ, મારા જીવનમાં ત્રિભેટાવાળા વળાંકો જ વધુ આવ્યા.
- તેં કયા નિર્ણયો લીધા ?
- દરેક વખતે મેં મારા આત્માનો અવાજ સાંભળ્યો.
- મને લાગે છે કે આજે તું કોઈ આવી જ ઘટનાનો ઉલ્લેખ કરવા માંગે છે.
- મારા જીવનમાં કેટલીય ઘટનાઓ એવી ઘટી છે જેના વિશે મેં ક્યારેય કલ્પના નહોતી કરી.
- તું મને કોઈ ખચકાટ વિના તારી વાત કહી શકે છે, મલ્લિકા. આપણી દોસ્તીમાં મ્યુચ્યુઅલ હાર્મની છે, વિશ્વાસ છે. મેં તારી ગુડનેસને ચાહી અને તેં મારી ગુડનેસને ચાહી.
- હું જાણું છું, આપણી મિત્રતા એક સાચી મિત્રતા તરીકે ઊભરી આવી છે. તને દિલની વાત કહેવામાં હવે મને કોઈ સંકોચ નથી થતો.
- એટલે જ તો કહું છું કે વિના સંકોચે તારી વાત કહે.
- વાત છે મારી માતા બનવાની સફરની.
- મને ખાતરી છે કે આમાં પણ કંઈક અનોખું હશે.
- સ્ત્રી માટે માતા બનવું એ તેના જીવનનો શ્રેષ્ઠ અનુભવ છે, તેમ છતાં આપણા સંકુચિત સમાજની બલિહારી કહેવાય કે સ્ત્રીની માતા બનવાની યાત્રાને ક્યારેય યોગ્ય દ્રષ્ટિ મળી નથી.
- તે સાચું છે. આપણી સંસ્કૃતિમાં, સ્ત્રી હંમેશાં બીજા ક્રમે રહી છે.
- ગાયનેકોલોજિસ્ટે જ્યારે મારી પહેલી પ્રેગ્નન્સી કન્ફર્મ કરી, ત્યારે પાર્થો ખૂબ ખુશ હતા. મને પણ ખુશી થઈ, પરંતુ બીજી જ ક્ષણે એક અજાણ્યો ડર લાગવા માંડ્યો.
- કેવો ડર ?
- તે જ, સ્ત્રીનો માતા બનવાની સફરનો ડર. યુવતીના રજસ્વલા થવાથી માંડીને, લગ્ન, દામ્પત્ય જીવન, સેક્સ લાઈફ, પ્રેગ્નન્સી વિશે પહેલેથી જ ઘણી મૂંઝવણ હતી.
- મલ્લિકા, આ વિષયો પર ખુલ્લેઆમ બોલવાની આપણા સમાજમાં મનાઈ છે.
- જાણું છું. મારી માતા સાથે મારો સંબંધ ક્યારેય એટલો પારદર્શક નહોતો કે આવા વિષયો પર કોઈ ચર્ચા થઈ શકે. જે થોડું ઘણું જાણ્યું હતું, તે સખીઓ પાસેથી હતું.
- મલ્લિકા, તે જમાનો જ એવો હતો. વળી ટેક્નોલોજી પણ એટલી વિકસી નહોતી. હવે તો દરેક માહિતી ફિંગર ટીપ્સ પર અવેલેબલ છે.
- સાચી વાત છે. પ્રેગ્નન્સીના પહેલા મહિનાથી જ ગંધ પ્રત્યે ખૂબ એલર્જીને કારણે, ખાવાનું તો ઠીક, પાણી પીવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. મને હાઈપરેમેસિસ ગ્રેવીડેરમની તકલીફ હતી.
- તેને પ્રેગ્નન્સીની સામાન્ય સ્થિતિ ન કહી શકાય.
- મારી તકલીફ પૂરા નવ મહિના સુધી રહી. સદભાગ્યે મને ગાયનેકોલોજિસ્ટ ડો. હર્ષદ લાડોલા જેવી ઉત્તમ વ્યક્તિ મળી. દવાઓ સાથે, બધી ઉપયોગી ટીપ્સ આપીને તેમણે મને આશ્વાસન આપ્યું કે માતા બનવું એ એક કુદરતી ઘટના છે અને હજારો સ્ત્રીઓ બાળકને જન્મ આપે છે, અને સ્વસ્થ રહે છે.
- એ તો સારું થયું કે તું યોગ્ય ડોક્ટરની દેખરેખ હેઠળ હતી.
- સાથે-સાથે પાર્થોનો પણ સકારાત્મક સહયોગ રહ્યો. ડો. લાડોલાએ તો મને એમ પણ કહ્યું કે, 'મારા મેટરનિટી હોમમાં આજ સુધીમાં કેટલી બધી પ્રસૂતિ થઈ છે, આ પહેલો કેસ છે જેમાં સ્ત્રી નિયમિતપણે તેના પતિની સાથે આવે છે. તમે નસીબદાર છો.'
- મલ્લિકા, એકમાત્ર પતિ જ આવી પીડામાંથી પસાર થતી પત્નીનો સ્ટ્રોંગ સપોર્ટ બની તેની પાસે ઊભો રહી શકે છે, અહીં તો ડિલિવરી સમયે પતિને તેની પત્ની પાસે રહેવું ફરજિયાત છે. મારી નાની દીકરી પ્રિયાનો જન્મ અહીં થયો હતો. તેના જન્મ સમયે હું સ્મૃતિની પાસે હાજર હતો.
- કેટલી સારી વાત છે ઐશ, પરંતુ આપણે વિકસિત દેશોની સારી બાબતોનું અનુકરણ કરતા નથી. ખબર નહીં કેમ, પણ આજે હું મારી આંતરિક લાગણીઓને તારી સાથે શેયર કરવા માંગુ છું.
- તારા દિલને રાહત આપે એવી કોઈ પણ વાત તું મને કહી શકે છે.
- મેં માની લીધું હતું કે પ્રસવ એક પીડાદાયક પ્રક્રિયા છે અને હું કુદરતી રીતે બાળકને જન્મ આપી શકીશ નહિ. આ વિચારોને લીધે હું ગંભીર રીતે માનસિક તાણનો શિકાર બની ગઈ. મેં ક્યારેય કોઈને કંઈ પૂછવાની હિંમત કરી નહીં અને મારા પિતાની સામે તો ઊભા રહેવામાં પણ મને શરમ આવતી હતી, જાણે મેં કોઈ ગુનો ન કર્યો હોય!
- આપણા સોશિયલ નોર્મ્સ દરેક વળાંક પર સંકટ પેદા કરે છે.
- આ આખો સમય શારીરિક રીતે મારા માટે ખૂબ પીડાદાયક રહ્યો. પાર્થો એક મજબૂત ટેકો બની મારી પાસે રહ્યા. છેલ્લે 'સી' સેક્શનથી ડિલિવરી થઈ.
- ચલો ' અંત ભલા તો સબ ભલા.'
- ક્યાંથી, ઐશ? મુશ્કેલીઓ તો રાહ જોઈ રહી હતી. સોહમના જન્મના માત્ર ચાર દિવસ પછી, મારા પપ્પાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે હું હજી મેટરનિટી હોમમાં જ હતી. તેઓ ઘણા દિવસોથી પેટના દુઃખાવાથી પરેશાન હતા. સોનોગ્રાફી રિપોર્ટમાં તેમના પિત્તાશયમાં પથરીની માહિતી મળી.
- એટલે કે ઓપરેશન જરૂરી હતું.
- ઓપરેશન તો થયું, પણ વધુ તપાસમાં ખબર પડી કે તેમને પિત્તાશયનું કેન્સર હતું, તે પણ અંતિમ સ્ટેજમાં! આ સમાચારે મારા અસ્તિત્વને જાણે વેરવિખેર કરી નાખ્યું. પરિવારમાં હું જ મોટી હતી. બંને ભાઈઓ કૉલેજમાં ભણતા હતા, બહેન માલા ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. પપ્પાને તેના લગ્નની ચિંતા હતી, વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું.
- તેં કેવી રીતે મેનેજ કર્યું, મલ્લિકા ?
- તે સમયે જ્યારે અમને પપ્પાની સારવાર માટે વધુ પૈસાની જરૂર હતી, ત્યારે મારી અને પાર્થોની કુલ આવક એટલી ઓછી હતી કે પિતાની સારવારના ખર્ચા ઉપરાંત ત્રણ ભાઈ-બહેન અને માતા, ચાર જણાનો ખર્ચ ઉઠાવવો એ લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ હતું.
- પપ્પા જ કુટુંબના એકમાત્ર અર્નિંગ મેમ્બર હતા?
- હા, આવા સંજોગોમાં પપ્પા સાથે સારવારના ખર્ચ વિશે વાત કરવાનું લગભગ અશક્ય હતું. હું ચારે તરફથી મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ હતી અને મારી ઉમર માત્ર અઠ્ઠાવીસ વર્ષની હતી. મારું લગ્નજીવન સમયની ખીંટી પર ટિંગાઈ ગયું, અશ્વિન! હું એક વર્કિંગ વુમન હતી તેથી અમારી આર્થિક સમસ્યાને કોઈ સમજી શક્યું નહિ.
- આ જ તો મૂળ સમસ્યા છે, લોકોને જજમેન્ટલ થતાં વાર નથી લાગતી.
- મારી તબિયત સારી નહોતી, છતાં મેં સોહમને માત્ર બે મહિનાનો મૂકીને ડ્યુટી પર હાજર થઈ. આખો પરિવાર અમારી સાથે રહેતો હતો. માલાએ ચૂપચાપ નિ:સ્વાર્થપણે સોહમની સંભાળ લેવાની તમામ જવાબદારી લઈ લીધી. પાર્થો અને હું પપ્પાની સંભાળમાં વ્યસ્ત હતા.
- પછી ?
- લાખ પ્રયત્નો છતાં અમે પપ્પાને બચાવી શક્યા નહિ. એક વર્ષમાં જ તેમનું અવસાન થયું.
- ઓહ! હવે પપ્પાની બધી જવાબદારીઓ તારા માથે આવી.
- બિલકુલ, બીજે વર્ષે જ માલાનાં લગ્ન એક પરિચિત પરિવારમાં થયા.
- તેં તારી ફરજ બજાવી.
- ઐશ, મારી અંગત ખુશીઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ, પણ મેં મારી તમામ ફરજો પૂરા દિલથી નિભાવી. પપ્પા મારી જાન હતા. અંતિમ સમયે મેં પપ્પાને વચન આપ્યું કે હું મારા ભાઈઓ, બહેન અને માતાની સંભાળ રાખીશ. થોડી ક્ષણોમાં તેમણે આંખ મીંચી દીધી.
- તેં પપ્પાને આપેલું વચન પાળ્યું પણ ખરું.
- મેં મારા અંગત સુખના ભોગે પણ પપ્પાને આપેલ વચન છેક સુધી પાળ્યું, નિયતિએ મારી હથેળીની રેખાઓમાં શું લખ્યું હતું, ખબર નથી. સમય વીતવા લાગ્યો. કુદરતે મારી બહેનને માતૃત્વના સુખથી વંચિત રાખી
- ઓહ!
- થોડા વર્ષો મેડિકલ ચિકિત્સા ચાલી. તેને શારીરિક અને માનસિક ત્રાસમાંથી પસાર થવું પડ્યું. બાળક દત્તક લેવાની વાત પણ થઈ. રૂઢિવાદી સંયુક્ત કુટુંબ હતું, સાસુમાએ એમ કહીને સ્પષ્ટ વિરોધ દર્શાવ્યો કે કોણ જાણે અનાથાશ્રમમાં કોનું બાળક હોય!
- હું સમજી શકું છું મલ્લિકા, ઘણી વાર આવા કિસ્સાઓમાં ફેમિલીનો પોઝિટિવ સપોર્ટ નથી મળતો.
- બહેનને માતૃત્વનો અધિકાર અપાવવા માટે મારા મનમાં વધુ એક બાળકને જન્મ આપવાની પ્રબળ ઇચ્છા જાગૃત થઈ.
- પછી?
- મારે માટે આ ખૂબ જ મુશ્કેલ મિશન હતું. મારે માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ રહેવાનું હતું અને પાર્થોની અનુમતિ પણ લેવાની હતી.
- તું માનસિક રીતે ખૂબ સ્ટ્રોંગ છે, મલ્લિકા. હા, શારીરિક રીતે પણ સ્વસ્થ હોવું જરૂરી હતું. પાર્થોએ અનુમતિ આપી હશે, એમાં મને કોઈ શંકા નથી.
- સાચે જ, તેમણે કહ્યું, ‘મને ગર્વ છે કે તું તારી બહેનની ખુશી માટે આ નિર્ણય લઈ રહી છે.’
- છેવટે તેં તારા મિશનને મંઝિલ સુધી પહોચાડ્યું.
- એટલું સહેલું ન હતું અશ્વિન, અસલી યાત્રા હવે શરૂ થવાની હતી. બાકી વાતો કાલે થશે.
- ઓકે ડિયર, તું હવે સૂવાની તૈયારી કર. ગુડ નાઈટ.
- બાય. તારો દિવસ શુભ રહે.
23 ઓગસ્ટ 2018, ગુરુવાર સવારના 8.45
----------------------------------------------------
- ના રસ્મેં હૈં ના કસમેં હૈં, ના શિકવે હૈં ના વાદે હૈં.
એક સૂરત ભોલી ભાલી હૈ, દો નૈના સીધે સાદે હૈં.
ઐસા રૂપ ખયાલોં મેં થા, જૈસા મૈંને સોચા થા;
હાં તુમ બિલકુલ વૈસી હો મા, જૈસા મૈંને સોચા થા...
ડાર્લિંગ મારી મા... સુબહ કા સલામ.
- અહા! તારો જવાબ નથી, આશુ બેટા. આ ગીતના લેખક પણ વિચારશે કે ચાંદ-સી મહેબૂબા કેવી રીતે માતામાં ફેરવાઈ ગઈ! જ્યારે તું મને મા કહે છે, ત્યારે તારી પર ઘણો પ્રેમ આવે છે.
- તું ખૂબ જ સરસ વ્યક્તિ છે, મલ્લિકા. ગઈ કાલે તારી મા બનવાની યાત્રા વિશે વાંચ્યા પછી હું વિચારોમાં એવો ડૂબી ગયો કે આ ગીત સાંભળતાં-સાંભળતાં મને તારો ચહેરો દેખાયો, તો આ ગીતના અંતરા સાથે મા જોડાઈ ગઈ.
- મને ગમે છે કે ગીત-સંગીત સાથેનો તારો પ્રેમ તને દરેક પરિસ્થિતિમાં ખુશ રાખે છે.
- સાચે જ ગીત સંગીત મને રાહત આપે છે. આજે શું લખીશ?
- એ જ, મારી માતા બનવાની યાત્રાનો બીજો ભાગ.
- તારી દરેક વાતમાં કંઈક નવું હોય છે, કહો માતે.
- વાતની શરૂઆત બાળપણથી જ કરવી પડશે.
- આમેય તારી દરેક વાત બાળપણ સાથે જોડાયેલી હોય છે. આમાં ખાસ મેસેજ એ છે કે વ્યક્તિના જીવનના ઘડતરમાં તેનું બાળપણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- આપણા બાળપણના અનુભવની અસર આપણા જીવનમાં પણ સ્પષ્ટ દેખાય છે ને?
- યાહ ...
- બાળપણમાં એક સખીનાં સબંધીને ત્યાં બાળકને દત્તક લેવાના પ્રસંગમાં હાજરી આપી હતી. તે સમયે મને આ પ્રસંગનો અર્થ સમજાયો ન હતો.
- કોઈના જીવનમાં ખુશી લાવવાનું આ શ્રેષ્ઠ કાર્ય છે. જો તને યાદ હોય તો, કૉલેજમાં મારો એક મિત્ર હતો, મિહિર શાહ, તે પણ દત્તક પુત્ર હતો. તેની માસીએ તેને દત્તક લીધો હતો.
- મિહિર મને યાદ છે, પણ મને ખબર નહોતી કે તે દત્તક પુત્ર છે. ઈશ્વરે જ મને આ ઉમદા કાર્ય માટે પસંદ કરી હશે. એ સમયે હું ઓડિટર હતી અને સેક્શન ઓફિસરની પોસ્ટ માટે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપી રહી હતી, જે બે ભાગમાં આપવાની હોય છે. પ્રથમ ભાગ ક્લિયર થઈ ગયો હતો. બીજા ભાગની તૈયારી ચાલી રહી હતી, ત્યારે મેં આ નિર્ણય લીધો.
- મલ્લિકા, તેં કેટલી પરીક્ષાઓ આપી છે?
- હજી સુધી આપી રહી છું, ઐશ! આ પરીક્ષા ખૂબ અઘરી હોય છે, પણ આગળના પ્રમોશન્સ માટે આ હર્ડલ પાર કરવું જરૂરી હતું. મારા મનમાં એક દ્વંદ્વ શરૂ થયું. ક્યાં તો હું પરીક્ષાની તૈયારી કરું અથવા બાળક વિશે કોઈ નિર્ણય લઉં. મારી ઉંમર પણ પાંત્રીસ ઉપર થઈ ગઈ હતી, મારો સ્ટ્રેસ એટલો વધી ગયો કે મને ફરીથી બ્રેથલેસનેસના હુમલા થવા માંડ્યા.
- ડૉક્ટરને બતાવ્યું ?
- મારી ઓફિસની મિત્ર બેબી જ્હોન્સન એક આયુર્વેદિક ડોકટર પાસે આર્થરાઇટીસની સારવાર લઈ રહી હતી. તેણીએ સૂચન કર્યું કે હું એક વાર તે ડૉક્ટરની સલાહ લઉં. બેબી સાથે, એક દિવસ હું જૂના અમદાવાદની એક સાંકડી શેરીમાં પહોંચી. તે વિસ્તાર યાદ નથી. નાની દુકાન જેવા રૂમમાં ખૂબ સીધા સાદા દેખાતા એક સજ્જન ફ્લોર પર ગાદલું પાથરી બેઠા હતાં. તેઓ જ આયુર્વેદિક ડોક્ટર હતા. તેમને જોઈને હું થોડી હતાશ પણ થઈ.
- શું વાત થઈ તેમની સાથે?
- મેં તેમને મારી સમસ્યા જણાવી. તેમણે કેટલીક દવાઓની પડીકી બનાવી, પછી અચાનક કહ્યું, ‘મને તમારી હથેળી બતાવો.’ મને લાગ્યું કે મારી હથેળી જોઈને તેઓ કોઈ નિદાન કરશે. મેં મારો જમણો હાથ આગળ ધર્યો તો તેમણે મને મારો ડાબો હાથ બતાવવા કહ્યું. થોડી ક્ષણો કાળજીપૂર્વક મારી હથેળી જોઈ અને પૂછ્યું, 'શું તમને ત્રણ બાળકો છે?'
- તેઓ કોઈ જ્યોતિષી હતા?
- કદાચ. હું તેમનો સવાલ સાંભળીને ચોંકી ગઈ. મને ક્યારેય કોઈ જ્યોતિષીને મારો હાથ બતાવવાનું ગમ્યું નથી. પણ આ સજ્જન વ્યક્તિએ તો મારી હથેળી પરની રેખાઓ વાંચી લીધી હતી! 'ડૉક્ટર સાહેબ સારા એસ્ટ્રોલોજર પણ છે.' બેબીએ હળવેથી કહ્યું.
- તેં શું કહ્યું ?
- મને મનમાં ખૂબ ગુસ્સો આવ્યો કારણ કે હું આ કામ માટે આવી જ નહોતી. મેં કહ્યું, 'ના, મારો એક જ પુત્ર છે.'
- તો પછી તેમણે શું કહ્યું?
- તેમનો બીજો પ્રશ્ન હતો, ‘શું તમે ક્યારેય એબોર્શન કરાવ્યું છે?’ આ સવાલ મારી કલ્પનાથી બહારનો હતો. સાંભળીને મારું હૃદય થડકી ગયું, મેં કહ્યું, 'ના.'
- સચ્ચાઈ શું હતી?
- હું એક વખત એબોર્શન કરાવી ચૂકી હતી.
- શું વાત કરે છે?
- આ સાચું છે. તેઓ મારી આંખોમાં આંખો પરોવીને બોલ્યાં, 'એવું કેવી રીતે બની શકે? તમારા ભાગ્યમાં ત્રણ બાળકો તો છે જ.’ હું દંગ રહી ગઈ! પાર્થો સિવાય એબોર્શનવાળી વાત કોઈને ખબર નહોતી. મેં કોઈ જવાબ આપ્યો નહીં. તેમની સામે જૂઠું બોલવાનું ખૂબ દુઃખ થયું, પણ હું તેમને આ વિશે કંઈ કહેવા માંગતી નહોતી.
- કેટલીકવાર તારી વાતો ઘણી રહસ્યમય લાગે છે, મલ્લિકા! તું એમ કહી શકી હોત કે મિસકૈરેજ થઈ ગયું હતું.
- કેવી રીતે કહેત, ઐશ? તે પણ જૂઠું જ હોત!
- એબોર્શન કરાવવાનું કારણ શું હતું?
- મારા પિતાના અવસાન પછી, મારી માતા અને ભાઈ-બહેન લગભગ દોઢ વર્ષ અમારી સાથે રહ્યાં. આર્થિક બોજ ઘણો વધી ગયો હતો. મને હેલ્થની સમસ્યા પણ હતી, આવામાં હું બીજા બાળક વિશે વિચારી પણ શકતી નહોતી. મજબૂરીની પરાકાષ્ઠા હતી. સ્ત્રી જીવનનું પ્રતીક છે, તે જાણતી હોવા છતાં મારે એબોર્શનનો નિર્ણય લેવો પડ્યો હતો.
- ઓહ માય ગૉડ! કેવા કેવા વળાંક આવ્યા તારા જીવનમાં !
- ત્રિભેટા વાળા! પરત ફરતી વખતે આખે રસ્તે હું એ આયુર્વેદિક ડૉક્ટરે કહેલી વાત વિશે વિચારતી રહી અને જાણે ચમત્કાર થયો.
- શું?
- તેમણે મને પરોક્ષ રીતે મારી સમસ્યાનો ઉકેલ કહી જ દીધો હતો. તમારા ભાગ્યમાં ત્રણ બાળકો છે, એવું ડૉક્ટરે કહ્યું હતું ને? તેનો અર્થ એ કે હું વધુ એક બાળકને જન્મ આપી શકું એમ હતી.
- હું પણ એ જ કહેવા માંગતો હતો, મલ્લિકા.
- ડૉક્ટર પ્રત્યેનો મારો ગુસ્સો પળભરમાં ગાયબ થઈ ગયો. દ્વિધાનાં વાદળો વિખેરાઈ ગયાં અને મેં નક્કી કર્યું કે મારી બહેનને ખાતર હું મારા બીજા બાળકને જન્મ આપીશ.
- ચલો, આ વાતથી તને હિંમત આવી ગઈ.
- આજે બસ આટલું જ. બીજા બાળકને જન્મ આપવાની વાર્તા પછી ક્યારેક કહીશ, ગુડ નાઈટ ડિયર.
- ઓકે ડાર્લિંગ મમ્મી, મારા ડિનરનો સમય પણ થઈ ગયો છે. આવજો.
- આવજો મારા ડાર્લિંગ દીકરા.