તારી સંગાથે - ભાગ 22 Mallika Mukherjee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી સંગાથે - ભાગ 22

ભાગ 22

 

19 ઓગસ્ટ 2018, રવિવાર રાતના 8.10

--------------------------------------------------

- ગ્રીન સિગ્નલ દેખાઈ રહ્યો છે, તારે ત્યાં સવાર થઈ ગઈ કે શું?

- સવાર થઈ ગઈ. આમ તો હું છ વાગ્યે ઉઠી જાઉં છું, પહેલાં મારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરી અને પછી બીજા વૃદ્ધને જગાડું છું. તેં ડિનર લીધું?

- ના, હું ઈન્ડિયન આઇડલ જોઈ રહી છું, હમણાં જ ‘સોની’ પર શરૂ થયું. તું પણ તારું કામ પૂરું કરી લે.

- તમને લોકોને મજા છે હોં! ભારતના લોકોની મને ઈર્ષ્યા થાય છે. પછી સરસ ગીત ગાજો બહેન, ઓકે?

- હા ભાઈ હા, થોડી વાર માટે એક પ્રોગ્રામ તો જોઉં! પછી વાત કરીએ. આખો દિવસ ટાઈપ કર્યું છે.

- સૉરી યાર, મજાક કરું છું.

- તારી મજાક પર મને ગુસ્સો આવે છે ક્યારેક.

- અને મને તારા ગુસ્સા પર પ્રેમ!

- મને ખબર છે કે તું પ્રેમનો અવતાર છે. હમણાં બિઝી છે કે શું?

- ના, તારા મોઢે કેટલાક મીઠા શબ્દો સાંભળવા માંગુ છું.

- સ્માર્ટફોનના આવવાથી તકલીફો વધી ગઈ છે. તું કંઈક લખ. મારી તો આંગળીઓ દુઃખે છે, આખો દિવસ ટાઇપ કરીને.

- ક્યા કહું કુછ કહા નહીં જાયે, બિન કહે ભી રહા નહીં જાયે....

- આ તો ગીત છે, અશ્વિન. કંઈક મૌલિક લખ, કોઈનું લખેલું નહીં. 

- શું લખું?

- મને ખબર છે, તું મને ઈન્ડિયન આઇડલ જોવા નહીં દે. લખ જે લખવું હોય તે.

- આપણે સાથે ગીત ગાઈ શક્યાં હોત, પણ ત્યારે તારી જીભ નહોતી ચાલતી, હવે મારી નથી ચાલતી.

- તારી જીભ તો કાતરની જેમ ચાલે છે! મારા હૃદયને બંને બાજુથી કાપે છે, સમજ્યો?

- મલ્લિકા, તેં મારા હૃદયને કાપીને ટુકડે- ટુકડા કરી નાંખ્યા છે, તેનું શું?

- ટુકડાઓ સાચવીને રાખજે. ઇન્ડિયા આવે ત્યારે લઈને આવજે, હું જોડી આપીશ.

- અચ્છા, આ વાત યાદ રાખજે. તારે જ આ કામ કરવું પડશે. જે તોડે છે, તે જ સારી રીતે જોડી શકે છે. તેટલો ટાઈમ હશે તારી પાસે ?

- ઉફ્ફ, અશ્વિન! તને અલ્ફાઝથી જીતવો ફક્ત મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે! જો તે સમયે મેં આ બધું સાંભળ્યું હોત, તો શરમની મારી ધરતીમાં સમાઈ ન ગઈ હોત!

- જો મને થોડી પણ હિન્ટ્સ મળી હોત, તો તને ઉઠાવીને ન લઈ જાત? પછી તારા હાથ મહેંદીવાળા અથવા પીળા કરી દેત. ધત! તે સમયે તો હું ‘ઉલ્લુ કા ગધા’ હતો. આવું બધું ક્યાંથી બોલી શક્યો હોત?

- મુહાવરો સરખો કર પહેલાં. ‘ઉલ્લુ કા ગધા’ નહીં, ‘ઉલ્લુ કા પઠ્ઠા’. તારા પ્રેમમાં હાથ તો પીળા થઈ જ ગયા હતા. બાપ રે, આ બધું હું પણ ક્યાંથી બોલી શકી હોત!

- બોલી શકી નહીં, છતાં હવે બધું યાદ કરાવીને લખવા બદલ તારો આભાર માનું છું.

- કેવા ટોણા મારે છે? જા, મારે તારી સાથે વાત નથી કરવી.

- મજાક કરું છું દોસ્ત, ખોટું ન લગાડ. મારા જીવનમાં તારું આવવું એ જ સૌથી મોટો ચમત્કાર છે. અરે હા, યાદ આવ્યું. થોડી વાર પહેલા તેં લખ્યું હતું કે ટાઇપ કરીને આંગળીઓ દુઃખી રહી છે. તારી આંગળીઓને મસાજ કરતી રહે અને સમયસર આરામ લીધા કર.

- જોયું? હું તો ભૂલી જ ગઈ કે મારી આંગળીઓ દુઃખે છે.

- શું જોઉં? મારા જાદુનો કમાલ છે. દૂરથી પણ કામ કરે છે. જો તું મારા નામની માળા જપીશ, તો જલદી ઠીક થઈ જઈશ.

- માળા જપી-જપીને પિસ્તાળીસ વર્ષ થયાં, સંગદિલ!

- તેથી જ તારી આટલી પ્રગતિ થઈ. મને જે મળવાનું હતું, તે બધું તને મળ્યું અને પછી તું મને મળી.

- અશ્વિન… અશ્વિન… ગળું દબાવી દેવાનું મન થાય છે.

- કોનું?

- તારું, બીજા કોનું ? તું ક્યારેય મારી મજાક ઊડાવતા થાકતો નથી. 

- આંગળીઓને વધારે તકલીફ ન આપ, ડિયર. હવે આરામ કર.

- જયારે તું આટલી મીઠી વાત કરે છે ત્યારે તારા માટે ખૂબ જ પ્રેમની અનુભૂતિ થાય છે.

- હું કન્ફ્યુઝ થઈ જાઉં છું, ક્યારેક ગળું દબાવવાની વાત કરે છે, ક્યારેક પ્રેમની. અજીબ દોસ્ત છે, યાર!

- કન્ફ્યુઝન વાળી દોસ્તી જ ક્યારેય તૂટતી નથી, સમજ્યો દુશ્મન?

- સમજી ગયો, હવે મારે એ નક્કી કરવું પડશે કે તું દોસ્ત છે કે દુશ્મન.

- હે ઈશ્વર!

- બાનુ, તારા ડિનરનો સમય થઈ ગયો છે, પાર્થોને જમાડ, તું પણ જમી લે. સવારે વાત કરીશું, ઓકે? બાય. 

- તારો દિવસ શુભ રહે. 

 

 

 

20 ઓગસ્ટ 2018, સોમવાર સવારના 6.30

 ------------------------------------------------------

- આખો દિવસ બિઝી રહ્યો. અંકલને લઈને બહાર ગયો હતો, સન્ડે હોવાથી તેમણે મિત્રો સાથે હોટલમાં ડિનરનો પ્રોગ્રામ રાખ્યો હતો. પાછા ફરવામાં મોડું થઈ ગયું. સૂતી વખતે મને એક વાત યાદ આવી છે. લખ્યા વિના રહી શકતો નથી. સ્ત્રીઓ આટલો ગાઢ પ્રેમ કેવી રીતે કરી શકે છે? અમે પુરુષો પ્રેમની બાબતમાં ઘણા મૂર્ખ છીએ, અમને કશું આવડતું નથી. હું સવારે જવાબ વાંચીશ, બાય.

- ------------------------

- અહા! સવાર-સવારમાં આ શું વાંચી રહી છું? તારા સવાલના જવાબમાં, સ્ત્રીના પ્રેમ વિશેના ઓશોના વિચારો જ પૂરતા થશે, જેની સાથે હું સંપૂર્ણ સંમત છું. 

'પ્રેમ માટેની સ્ત્રી અને પુરુષની ભાષા જુદી છે, યાત્રા જુદી છે. બંનેની વિચારસરણી, અસ્તિત્વ અલગ છે. સ્ત્રીનો પ્રેમ ગહન હોય છે, તે આખા શરીરથી છે, રોમ-રોમનો છે. તે જેનિટલ નથી હોતો, ટોટલ હોય છે. સ્ત્રી કામવાસનાની માંગણી કર્યા વિના વર્ષો સુધી પ્રેમ કરી શકે છે. સ્ત્રી પ્રેમ પ્રત્યે આકર્ષાય છે, પુરુષ ફક્ત કામ પ્રત્યે આકર્ષાય છે. પ્રેમની ક્ષણે સ્ત્રી તેની આંખો બંધ કરે છે પરંતુ પુરુષ તેની આંખો ખુલ્લી રાખીને પ્રેમ કરવા માંગે છે જેથી તે સ્ત્રીના શરીરને યોગ્ય રીતે જોઈ શકે. પુરુષોની રુચિ અંદર ઓછી, બહાર વધારે હોય છે.

સ્ત્રી પાસે શરીરની બહાર જોવાની સુવિધા છે. તેની પાસે એક ઝરૂખો છે, જ્યાંથી તે શરીરને ભૂલી જાય છે અને પરમાત્માને જુએ છે. સ્ત્રી જ્યારે પણ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેને પરમાત્મા માને છે. સ્ત્રીના પ્રેમનો સંબંધ વિશ્રાંતિ સાથે છે, પીગળવા સાથે છે, સંપૂર્ણપણે મટી જવા સાથે છે. તેથી સ્ત્રીનો પ્રેમ ગાઢ હોય છે. સ્ત્રી પ્રેમ આપવા માંગે છે અને પ્રેમ આપવો એ ખૂબ જ સુંદર અનુભવ છે.’ 

ઓશોની વાત અહીં સમાપ્ત થઈ. પરંતુ, પરંતુ...કેટલાક પુરુષો પણ છે જે સ્ત્રીની જેમ ગહન પ્રેમ કરી શકે છે. તેમની અંદર પ્રેમની ધારા વહે છે, જેનાથી તેઓ અજાણ હોય છે. તું ક્યારેય તારા મહત્વને ઓછું ન આંકીશ, અશ્વિન. તેં સ્મૃતિને એટલો જ ગહન પ્રેમ કર્યો છે. પાર્થોનો મારા પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ ગહન છે.

અત્યારે એક અનોખી પ્રેમ કહાની યાદ આવી રહી છે. 'ભારત રત્ન' થી સન્માનિત ડૉ. વિધાનચંદ્ર રાય 1948 થી 1962 સુધી, ચૌદ વર્ષ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન હતા. માત્ર મુખ્યમંત્રી પદ માટે જ નહિ, પરંતુ ડોક્ટરીમાં પણ તેમનું નામ સીમાચિહ્ન રૂપ છે. યુવાનીમાં, તેઓ પશ્ચિમ બંગાળના એક પ્રખ્યાત ડોક્ટરની ખૂબ જ સુંદર પુત્રીના પ્રેમમાં પડી ગયા અને લગ્નનો પ્રસ્તાવ લઈ યુવતીના પિતા પાસે ગયા. પિતા બીજા કોઈ નહીં પણ ડૉ. નીલ રતન સરકાર હતા. પિતાએ એમ કહીને પ્રસ્તાવ ઠુકરાવ્યો કે તેમની પુત્રી એક દિવસમાં પોતાના સૌંદર્ય પ્રસાધનો પાછળ જેટલો ખર્ચ કરે છે, તેટલી તેમની મહિનાભરની કમાણી પણ નથી. ડૉ. રાયને એટલો આઘાત લાગ્યો કે તેઓ આજીવન અપરિણીત રહ્યા. તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન કોલકાતાથી ચાલીસ કિ.મી. દૂર પોતાની પ્રેયસી કલ્યાણી સરકારના નામે 'કલ્યાણી' શહેરની સ્થાપના કરી. 

દરેકને જીવનમાં ઇચ્છિત પ્રેમ નથી મળતો, અશ્વિન. તેં મને પ્રેમથી પરિચિત થવાની અદ્ભુત તક આપી. આજીવન હું તારી ઋણી રહીશ. બસ એટલી જ પ્રાર્થના કે આપણી મિત્રતા હંમેશા સલામત રહે.

 

 

 

 

20 ઓગસ્ટ 2018, સોમવાર રાતના 10.00

-----------------------------------------------------

 

- વાહ! ઓશોએ સુંદર લખ્યું છે અને તેં પણ. વિધાનચંદ્ર રાયની લવ સ્ટોરીએ મારું હૃદય હચમચાવી નાખ્યું! પ્રાણી માત્રને પ્રેમની તલાશ હોય છે. ખૂબ જ સંઘર્ષમય જીવનને કારણે હું મારા પરિવારથી દૂર થતો ગયો, પણ અંદરથી પ્રેમની ઝંખના કરતો રહ્યો. સમય સાથે મારો રસ્તો ફંટાઈ ગયો. ધર્મ સાથે જોડાઈ ગયો તો અશાંત મનને એક પ્રકારની શાંતિ મળી. 

- જીવનમાં સુખની સાથે શાંતિ પણ એટલી જ મહત્વની છે, અશ્વિન.

- તારી સાથે વાત કરતાં, હું જૂના દિવસોને યાદ કરીને ખુશ થાઉં છું, જાણે ઉજ્જડ તપતા રણમાં ચાલતો હતો અને કોઈએ મને એક ગ્લાસ ઠંડુ પાણી આપ્યું. ક્યારેક હું બાળક બની જાઉં છું, ક્યારેક યુવાન; પણ વાસ્તવિકતા એ છે કે હવે જીવનનો કોઈ ભરોસો નથી.

- એવું ન કહે અશ્વિન. ચાલ બીજી કોઈ વાત કરીએ.

- હું થોડી વાર પહેલાં જ કામેથી પાછો ફર્યો છું, થોડો આરામ કરી રહ્યો છું. તારી પાસે તો વાતોનો ખજાનો છે. તું કહે.

- યાદ છે? મેં તને કહ્યું હતું કે હું તને એક વધુ પ્રેમ કહાની કહીશ?

- સારું યાદ અપાવ્યું, કહે.

- આ એક એવી પ્રેમ કહાની છે જેમાં યુવકે યુવતીને ખૂબ પ્રેમ કર્યો.

- મારી ઉત્સુકતા વધી રહી છે.

- ઐશ, આવો પ્રેમ હોવો ખરેખર દુર્લભ છે. આ મારી પ્રિય સખી સાલિમા લાઝરના નાના દીકરા જેફી અને એની પત્ની સ્ટેફીની પ્રેમ કહાની છે. કેરળના આ ક્રિશ્ચિયન પરિવારના દીકરા જેફી અને ગુજરાતની ક્રિશ્ચિયન પરિવારની પુત્રી સ્ટેફી મૈક વચ્ચે ત્રણ વર્ષથી ગાઢ મિત્રતા હતી. ઓક્ટોબર 2013 માં, ચોવીસ વર્ષની ઉંમરે સ્ટેફીને એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા, એટલે કે હાઇ રિસ્ક બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું. 

- ઉફ્ફ!

- જીવન પ્રત્યે સકારાત્મક ઊર્જાથી ભરેલી આ બહાદુર છોકરી, કેન્સર સામે લડવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ. તે સમયે યુગાન્ડાની એક બેંકમાં કાર્યરત તેના પિતા, તેમના એકમાત્ર સંતાન સ્ટેફીની માંદગી વિશે જાણ્યા બાદ નોકરી છોડીને ભારત આવી ગયા.

- તું તો જાણે છે મલ્લિકા, પુત્રી હંમેશા પિતા માટે સ્નેહનો સાગર હોય છે. ક્યારેક પિતા તેમની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા.

- ખૂબ સાચી વાત, આપણે તેમની વર્તણૂંક દ્વારા જ સમજવાની દ્રષ્ટિ કેળવવી પડે. મારા પિતા પણ મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હતા. સ્ટેફીએ તેના બોયફ્રેન્ડ જેફી ને પોતાની માંદગી વિશે જણાવીને તેની સાથેનો

સંબંધ તોડવાની વાત કરી, કારણકે તે જેફીનું જીવન બરબાદ કરવા નહોતી ઈચ્છતી. 

- જેફીએ શું કહ્યું?

- જેફીએ સંબંધ તોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેણે ટુંકમાં જવાબ આપ્યો, 'હું પુરુષ છું, કાયર નથી !'

- યે હુઈ ન બાત!

- દરરોજ સાંજે તે સ્ટેફીના ઘરે જતો, તેની સાથે સમય વિતાવતો અને તેના પરિવારને દિલાસો આપતો.

- આ તો અદ્ભૂત ઘટના છે.

- કીમોથેરાપીનો કોર્સ પત્યા પછી, સ્ટેફીને સંપૂર્ણપણે સાજા થવા માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. પરિવારમાં કોઈ ન મળ્યું એટલે હોસ્પિટલે ભારતભરમાં ડોનરની શોધ કરી, પરંતુ મેચ શોધવામાં તેઓ અસફળ રહ્યા. હવે એના ડૉકટરોએ યુરોપિયન રજિસ્ટ્રીમાં શોધવાનો પ્રયત્ન કર્યો અને તેમને આઇલીન નામની મહિલાનું નામ મળ્યું.

- વાહ! આ તો ખરેખર ચમત્કાર થયો.

- ખરેખર ચમત્કાર જ કહેવાય ઐશ. આઇલીન અમદાવાદથી હજારો કિ.મી. દૂર જર્મનીમાં રહેતી હતી. બંને મહિલાઓના બોનમેરોમાંથી દસમાંથી નવ પેરામીટર મળી રહ્યા હતા.

- ઓપરેશન સક્સેસફુલ થયું ?

- સંપૂર્ણપણે થયું. ઓપરેશન પહેલાં, સ્ટેફીની ઇમ્યુન સિસ્ટમને ડાઉન કરી દેવામાં આવી જેથી તેનું શરીર અન્ય વ્યક્તિના બોનમેરોને સ્વીકારે. બંધ રૂમમાં તેનું કાઉન્સિલિંગ થતું. અસહ્ય પીડા સહેવા છતાંય તેણીએ હિંમત ગુમાવી નહીં. કેન્સર પર સંશોધન કરતાં તેણીએ પોતાના વિશે લખવાનું શરૂ કર્યું. 

- લેખન વ્યક્તિને નેગેટિવ માહોલ સામે લડવાની શક્તિ આપે છે.

- અને માનસિક શક્તિ પણ. તેનું વેઇટ સાઠ કિ.ગ્રા. થી ઘટીને અડતાળીસ કિ.ગ્રા થઈ ગયું. સ્ટેફી કહે છે કે તે સ્કિન અને બોન્સની થેલી બનીને રહી ગઈ! તેને માટે ઊભા રહેવું પણ મુશ્કેલ હતું. તે જાણતી હતી કે એક યુવતી માટે સુંદરતા કેટલી મહત્વની છે. તેણીએ પોતાના રૂમના અરીસાને પડદાથી ઢાંકી દીધો જેથી તે પોતાનો ચહેરો ન જોઈ શકે.

- ઓહ માય ગૉડ!

- આવી સ્થિતિમાં પણ, જેફી તેને દિલાસો આપતો રહ્યો. સ્ટેફીની માર્ચ 2014 માં સર્જરી કરાઈ.

- હું જેફીને, તેના પ્રેમને સલામ કરું છું.

- અશ્વિન, હું એ જ કહેવા માંગુ છું કે આ દુનિયામાં એવા પુરુષ પણ છે કે જે સ્ત્રીને આટલો ગહન પ્રેમ કરી શકે છે, પછી ભલે તેમની સંખ્યા ઓછી હોય. જેફીએ માત્ર તેના શરીરને નહીં પણ તેના મન અને આત્માને પણ પ્રેમ કર્યો.

- હું નિઃશબ્દ છું.

- બે વર્ષમાં તેણી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ અને પોતાની અધૂરી પી.એચ.ડી. પૂર્ણ કરી.

- પછી?

- જૂન 2016 માં, તેણી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં, અંગ્રેજી વિભાગમાં ફેકલ્ટી તરીકે જોડાઈ. 

- સરસ. શું સ્ટેફીએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેને નવું જીવન આપનાર જર્મન મહિલા કોણ છે? 

- હા, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના સંચાલનના નિયમો અનુસાર, ઓપરેશન પછી ઓછામાં ઓછા બે વર્ષ સુધી દાતા અને રીસીવર એક બીજાનો સંપર્ક કરી શકતા નથી. સ્ટેફીએ બે વર્ષ રાહ જોઈ.

- આઇલીન સાથે તેનો સંપર્ક થઈ શક્યો ?

- હા, બે વર્ષ પછી તેણીએ દાતાની વિગતો મેળવી. તે આઇલીનને મળવા માટે જર્મની ગઈ. આઇલીન તેના આખા પરિવાર સાથે સ્ટેફીને રિસીવ કરવા એરપોર્ટ પર આવી. બંને ખૂબ ભાવુક થઈને એકબીજાને મળ્યા. સ્ટેફી તેમના પરિવાર સાથે દસ દિવસ રહી.

- વાહ, ઇન્ટરેસ્ટિંગ!

- જેફી હજી પણ સ્ટેફીને સાથ આપી રહ્યો હતો. વર્ષ 2017 માં, તેણે સ્ટેફી સમક્ષ લગ્નની ઇચ્છા દર્શાવી. જેફીના માતાપિતાએ પણ આ લગ્ન માટે મંજૂરી આપી અને અને જાન્યુઆરી 2018 માં તેમનાં લગ્ન થઈ ગયા. આઇલીનને તેમના લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું. તે ખુશ હતી અને લગ્નમાં હાજરી આપવા ભારત આવી.

- સાચે જ આ પરિવાર અને તેમનો પ્રેમ ધન્ય છે.

- સ્ટેફી હવે સ્વસ્થ છે. હાલ તે હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરેપી લઈ રહી છે. વ્યાયામ, પ્રાણાયામ કરે છે. સાતથી આઠ કલાક સૂઈ જાય છે. જેફી અને તેનો પરિવાર દરેક ક્ષણે સ્ટેફીની સંભાળ રાખે છે.

- સ્ટેફીના શરીર પર આ ટ્રાન્સપ્લાન્ટની બીજી કોઈ અસર થઈ?

- થઈ. આઇલીનની બોનમેરોની કોશિકાઓએ સ્ટેફીના શરીરમાં ઘણો ફેરફાર કર્યો. નવા કોષોને લીધે, તેનું શરીર હવે ચાર વર્ષના બાળક જેવું છે, જે ધીમે ધીમે તેની મૂળ સ્થિતિમાં પાછું આવશે. તેની ત્વચા અતિસંવેદનશીલ બની ગઈ છે. તેના વાળ જે પહેલાં સીધા હતા, તે હવે વાંકડિયા છે. તેની ત્વચાનો ટોન પણ બદલાઈ રહ્યો છે. જ્યારે પણ તે અન્ય વાનગીઓનો સ્વાદ ચાખવા માંગતી હોય, ત્યારે તેણીએ આઇલીનને પૂછવું પડે છે કે શું તેને આ ખોરાકની કોઈ એલર્જી છે?

- અદ્ભુત! મને ખબર નહોતી કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પછી ડોનરના શારીરિક ગુણો રિસીવરના શરીરમાં દેખાવા માંડે છે.

- અશ્વિન, મેડિકલ સાયન્સમાં આ અદ્ભુત પ્રગતિ છે. સ્ટેફી કહે છે, ‘હવે મારા શરીરમાં બે આત્માઓ છે. એક મારો અને બીજો મારી જીવનદાતા આઇલીનનો.’ સ્ટેફીએ કેન્સરના દર્દીઓના પ્રિયજનોની સહાય માટે ‘કેન વી નૉટ’ નામની યૂટ્યૂબ ચેનલ શરૂ કરી છે. તેણીએ તેની ટ્રીટમેન્ટ જર્ની પર એક પુસ્તક પણ લખ્યું છે, ‘ધેટ ગર્લ ઇન દ બ્લેક હૈટ.’ 

- વાહ! આ પુસ્તક આવા દર્દીઓ માટે તો ખૂબ ઉપયોગી સાબિત થશે.

- જરૂર થશે. પ્રેમ હોય તો આવો. આ પરિવારને સલામ છે. સ્ટેફી જેવી બહાદુર છોકરી માટે મારા દિલમાં અસીમ પ્રેમ છે. 

- ખરેખર, આ પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્ટેફીને પણ સલામ, એક યોદ્ધાની જેમ લડીને તેણીએ તેના રોગને માત આપી.

- હવે વધુ નહિ લખાય, ઐશ.

- મને લાગે છે કે આટલું લખ્યા પછી તું ચોક્કસ ઇમોશનલ થઈ ગઈ છે અને વાંચતી વખતે હું પણ. તારે હવે થોડા દિવસ આરામ કરવો જોઈએ. આપણે થોડા દિવસ વાત નહીં કરીએ, ઓકે? 

- ગુડ નાઇટ, તારો દિવસ સારો વીતે.

- ગુડ નાઇટ.