તારી સંગાથે - ભાગ 19 Mallika Mukherjee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી સંગાથે - ભાગ 19

ભાગ 19

       

15 ઓગસ્ટ 2018, બુધવાર સવારના 11.15

 -----------------------------------------------------

- આજે, 15 ઓગસ્ટ, હમણાં જ મોદીજીનું ભાષણ સાંભળ્યું.

- તને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ શુભ છે આખો દેશ ખુશીની ઉજવણી કરી રહ્યો છે. મેં પણ અહીં મોદીજીનું ભાષણ સાંભળ્યું. 

- તને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજની સવાર દેશને નામ. વ્યક્તિગત રૂપે, હું મોદીજીના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છું.

- હું પણ.

- ઐશ, હું જેમ જેમ પુસ્તકનું કામ થતું જશે તેમ તેમ તને મેલ કરતી રહીશ.

- મારું ઈમેલ એકાઉન્ટ ઓલરેડી તારી પાસે છે.

- મને ખબર છે. 

- રાના અકબરાબાદીનો આ શેર યાદ આવી ગયો –

સુનતે હૈં કિ મિલ જાતી હૈ હર ચીજ દુઆ સે,

ઇક રોજ તુમ્હેં માંગ કે દેખેંગે ખુદા સે.

- માની ગઈ અશ્વિન, દુઆઓમાં અસર હોય છે, શરત એ છે કે સાચા દિલથી કરવામાં આવે અને જીવનના અંત સુધી રાહ જોવાની ધીરજ હોય.

- તે ધીરજ તારામાં હતી.

- આજે આપણે બંને કેટલી વાતો કરી રહ્યા છીએ. તે સમયે કેમ કંઈ બોલી શક્યા નહીં? કોનું માથું ફોડું?

- ચાલ, બંને એકબીજાનાં માથાં ફોડીએ!

- આજે પિસ્તાળીસ વર્ષ પછી, ફેસબુક પર થયેલી આપણી મુલાકાતના પિસ્તાળીસ દિવસ પૂરા થશે. યાદ છે? મેં પિસ્તાળીસ દિવસમાં પિસ્તાળીસ વર્ષની વાત લખવા માટે કહી હતી.

- હું તો પિસ્તાળીસ વર્ષમાં પણ નહિ લખી શકું.

- શું વાત કરે છે અશ્વિન? મને જે એક પંક્તિ કહેવામાં પિસ્તાળીસ વર્ષ લાગ્યાં, તેને તેં થોડા દિવસની ચેટમાં લખી નાંખી!

- કઈ પંક્તિ ?

- 'આમિ તોમાકે ભાલોબાસિ.'

- શાબાશ ગામડાની ગોરી! તારી હિંમતની પ્રશંસા કરું છું. થોડું એક્સ્ટેંશન આપવાની વાત પણ તેં કહી હતી, મળશે ને? 

- જરૂર મળશે.

- તેં એમ પણ કહ્યું હતું કે મને તારી આ એક પંક્તિ કહેવાના તારા છેલ્લા પ્રયાસ વિશે કહીશ. 

- હમ્મ ... મેં અગાઉની કોઈ એક ચેટમાં ટેલેન્ટ ઇવનિંગની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, યાદ છે?

- હા, પણ તેં કશું કહ્યું ન હતું.

- આજે કહી જ દઉં છું. 'તું મને ખૂબ ગમે છે' એવું તને કહેવાનો મારો છેલ્લો પ્રયાસ હતો અને કદાચ મને એક તક આપવાનો તારો પણ છેલ્લો પ્રયાસ હતો. આજે પણ મને લાગે છે, એક વાર તો મેં તને કહ્યું હોત! જો 'હા' થઈ હોત, તો પ્રેમની લડાઇ જીતી લીધી હોત અને 'ના' થઈ હોત તો પિસ્તાળીસ વર્ષ સુધી, મારે મારા વણકહ્યા પ્રેમની પીડાને, સતત દૂઝતા ઘા ની જેમ દિલમાં છુપાવીને જીવવું ન પડત!

- તને ખોટું લાગે છે, પરંતુ તેથી જ હું તને વારંવાર કહું છું કે એક વાર તો કહ્યું હોત!

- આજે હું તને એ વિશે જ વાત કરીશ. તે દિવસે, આપણી કૉલેજનો ટેલન્ટ ઇવનિંગનો પ્રોગ્રામ હતો, તારીખ યાદ નથી. જે પ્રોગ્રામમાં તેં પાર્ટિસિપેટ કર્યું હોય, તે દરેક પ્રોગ્રામ હું અટેન્ડ કરતી હતી. આપણી કલાસમેટ અને મારી સહેલી અંશુમાલિની, સ્ટેટેસ્ટિક ગ્રુપની વિદ્યાર્થીની હતી. મેં તેને કહ્યું કે હું બારેજડીથી આવીશ. જો પ્રોગ્રામ મોડી રાત્રે સમાપ્ત થાય તો હું તારે ઘરે રોકાઈશ. તેણે હા પાડી. આશ્રમ રોડ પર આવેલ દિનેશ હૉલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મને સમય યાદ નથી. કાર્યક્રમ કદાચ સાડા આઠ કે નવ વાગ્યે શરૂ થયો હતો.

- પછી? 

- હું અને અંશુમાલિની બે ભાગમાં વહેંચાયેલ સીટિંગ અરેન્જમેન્ટ વાળા તે હૉલમાં આઠ-દસ લાઇન પછી સેન્ટરથી શરૂ થતી પહેલી અને બીજી સીટ પર બેઠા હતા. ગીત-સંગીતથી કાર્યક્રમ શરૂ થયો. સ્ટુડન્ટ્સ ખૂબ ઘોંઘાટ કરી રહ્યા હતા. સમય વીતી રહ્યો હતો. રાતના અગિયાર વાગી ગયા હતા. અંશુમાલિનીનો ભાઈ તેને લેવા આવી ગયો. તેણીએ કહ્યું, ‘હવે આપણે જવું પડશે, ભાઈ લેવા આવ્યો છે.’ મેં થોડું વિચાર્યું પછી તેને કહ્યું, ‘તું જા. મારે આખો પ્રોગ્રામ જોવો છે. હું બીજી કોઈ સહેલી સાથે વાત કરી લઈશ. તે ‘બાય’ કહીને ચાલી ગઈ.

- તેં કોઈ બીજી સહેલી સાથે વાત કરી?

- ના રે. તારો અભિનય જોવાનો બાકી હતો. કાર્યક્રમ પૂરો થયા પછી હું શું કરીશ તેની મને ખબર નહોતી. મનમાં એક વિચાર પાકો થતો જતો હતો કે આજે મોકો છે, કાર્યક્રમ પૂરો થયા પછી, હું તને મળીશ અને કહીશ, ‘મને અમદાવાદ રેલ્વે સ્ટેશન સુધી મૂકી જાવ.’ એ બહાને હું તારી સાથે વાત કરી શકીશ.

- પછી?

- અચાનક તું સ્ટેજ પાસેના પગથિયાં ઊતરીને હૉલમાં આગળ વધતો દેખાયો. મારા હૃદયના ધબકારા વધી ગયા. તું મારી તરફ જ આવી રહ્યો હતો. મેં નજર ઝુકાવી દીધી. તું મારી સામે આવીને રોકાઈ ગયો, આશ્ચર્ય! મેં માંડ માંડ ઉપર જોયું. તેં પૂછ્યું, ‘પ્રોગ્રામ કેવો છે?’ હું એટલું જ કહી શકી, ‘સારો છે.’ ઓહ! આજે પણ હું એ પળોની મારી વિવશતાને અનુભવી શકું છું! ત્યારે જ મારે તને કહેવું જોઈતું હતું, 'મારી ફ્રેન્ડ અંશુ ઘરે જતી રહી છે. પ્લીઝ, કાર્યક્રમ પૂરો થયા પછી તમે મને અમદાવાદ રેલ્વે સ્ટેશન મુકવા આવશો?' અશ્વિન, એક સોનેરી તક મળી હતી, પણ મારો અવાજ જાણે રૂંધાતો ચાલ્યો. 

- પ્રોગ્રામ પૂરો થયો ત્યાં સુધી રોકાઈ હતી તું?

- તારા નાટકની સાથે, મેં પ્રોગ્રામ અંત સુધી જોયો, રાતનો લગભગ એક વાગવા આવ્યો હતો. ધીરે ધીરે હૉલ ખાલી થવા લાગ્યો.

- તું સ્ટેજ પર આવીને મને કહી શકી હોત ને?

- સ્ટેજ સુધી પહોંચવાની હિંમત ક્યાંથી ભેગી કરત, આશુ? થોડી વાર ઊભા રહ્યા પછી મારા પગ આપોઆપ હૉલની બહાર તરફ વળી ગયા. આપણી કૉલેજના મોટાભાગના વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારમાં રહેવાવાળા જ હતા. બધા ત્રણ-ચાર ગ્રુપમાં મસ્તી કરતાં કરતાં ધીમે ધીમે ચાલી રહ્યા હતા. હું પણ ધીમે ધીમે તેમની સાથે ચુપચાપ ચાલવા લાગી. ચાલતા ચાલતા તેઓ બધા ગાંધી બ્રિજ પાસે આવી ગયા.

- પછી? 

- બ્રિજ ક્રોસ કરતાં જ શંકર ભુવન બસ સ્ટોપ આવ્યું, ત્યાં કેટલાક છોકરા-છોકરીઓ આસપાસની શેરીઓમાં વળી ગયાં. શાહપુર દરવાજાની પાસે કેટલાક વધુ વિદ્યાર્થીઓ શેરીઓમાં પોતપોતાનાં ઘરો તરફ વળ્યા. દિલ્હી દરવાજા સુધી પહોંચતાં, હું એકલી જ રહી ગઈ. મારો તો માત્ર અડધો રસ્તો જ કપાયો હતો. મેં રિસ્ટ વોચ જોઈ, રાતના લગભગ અઢી વાગ્યા હતા.

- ઓહ માય ગૉડ!

- રસ્તાની બંને બાજુ ક્યાંક કૂતરાઓ સૂતા હતા. ચારે બાજુ એક મૌન પથરાયેલું હતું. વાતાવરણ ડરામણું હતું. હું એટલી ડરી ગઈ હતી કે મગજ કંઈપણ વિચારી શકતું ન હતું. પગ જાણે ઊપડતા જ ન હતા. ભગવાનની અસીમ કૃપા હતી કે મારી સાથે કોઈ દુર્ઘટના ન ઘટી. 

- ------------------------

- દિનેશ હૉલથી કાલુપુર સ્ટેશન સુધી લગભગ સાત કિ.મી.નું અંતર મેં ઢસડાતા પગે કાપ્યું. સવારના સાડા ચાર વાગ્યા હતા. હું અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ફર્સ્ટ ક્લાસના મુસાફરો માટેના વેઇટિંગ રૂમમાં પહોંચી અને એક સોફા પર ફસડાઈ પડી. અમદાવાદથી સવારે સવા સાત વાગે ઊપડતી ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ’ જ મળી શકે તેમ હતી.

- આ શું કહે છે તું? હું મારા આંસુ રોકી શકતો નથી. ક્રેઝી ગર્લ, તને કંઈ થઈ જાત તો? 

- જાણે છે, મેં શું કર્યું?

- શું કર્યું?

- જ્યારે કોઈ કેસમાં ન્યાયાધીશ ફાંસીની સજા લખે છે, ત્યારે તે તેની કલમની નિબને તોડી નાખે છે. તે જ રીતે, મેં વેઇટિંગ રૂમના સોફા પર બેસીને મારા પ્રેમને મૃત્યુદંડની સજા ફરમાવી. મારા દિલની કલમની નિબને તોડી નાખી, પણ ઈશ્વરના દરબારમાં મારો નિર્ણય સ્વીકારાયો નહિ. તારા પ્રત્યેનો મારો પ્રેમ આજીવન કેદની સજામાં ફેરવાઈ ગયો. 

- બસ કર, હવે હું વધારે નહિ સાંભળી શકું. મને પણ યાદ આવી રહ્યું છે કે હું તને હૉલમાં આવીને મળ્યો, પણ વધુ કંઈ બોલ્યા વિના પાછલી હરોળમાં બેઠેલા મિત્રો પાસે પહોંચી ગયો અને થોડીજ વારમાં સ્ટેજ પર પાછો જતો રહ્યો. કાશ! હું તારો ચહેરો વાંચી શક્યો હોત, થોડીક વાર તારી બાજુની ખાલી સીટ પર બેસી શક્યો હોત! મારી આંખો ભરાઈ આવી છે. આજ પછી હું તને ક્યારેય નહિ કહું, 'એક વાર તો કહ્યું હોત!'

- મારા તરફથી મેં દરેક શક્ય પ્રયાસ કર્યો હતો, ડિયર. 

- કહેવાય છે કે જ્યારે દિલ તૂટે છે ત્યારે વ્યક્તિ વધુ શક્તિશાળી બનીને બહાર આવે છે. આજે તું એક સફળ સ્ત્રી છે. તને પાર્થો જેવો પતિ મળ્યો છે, તારો એક સુંદર પરિવાર છે. હું તને સલામ કરું છું. ફરીથી તારા પ્રેમાળ હૃદયને નમું છું. મને કહે કે તું કઈ માટીથી બની છે? 

- તું મને શરમમાં નાખી રહ્યો છે.

- ભૂલ મારી હતી. તું સગીર હતી, પરંતુ હું તો ત્રેવીસ વર્ષનો હતો! તારા આ બદમાશને માફ કરી દે, જે સજા આપવી હોય તે આપ.

- અંતિમ નિષ્કર્ષ એ નીકળે છે જનાબ કે આ સમગ્ર મામલામાં તમે નિર્દોષ હતા. જીવનમાં કેટલીક વાર એવું બને છે કે આપણે જે ગુના કર્યા નથી તેની સજા ભોગવવી પડે છે. ભૂલ તો મારી પણ કહેવાય ને? હું પણ તારો ચહેરો વાંચી શકી હોત ને! 

- આ તું મારું મન રાખવા માટે કહે છે.

- હું સાચું કહું છું. આટલા વર્ષોથી હું મા દુર્ગા પર આરોપ લગાવતી રહી, મારા પ્રેમને નિષ્ફળ બનાવવા બદલ, કેટલું સહન કરી શકે? અંતે, માએ તને મળવાની અને સંવાદ દ્વારા સત્ય શોધવાની મને તક આપી. આ શોધમાં મેં મારી જાતને જ દોષી ઠેરવી છે, ઐશ.

- જો છોકરી, તેં તો દરેક પરિસ્થિતિમાં તારા પ્રેમને જીવી બતાવ્યો છે, તેથી જ તું આજે આટલી સહેલાઇથી કહી શકે છે. હું તારા જેવો નથી બની શકતો મારું હૃદય ચિરાઈ રહ્યું છે. વિચાર કરી-કરીને મારું મગજ દુઃખવા લાગ્યું છે. હવે આ વાતને અહીં જ પૂરી કરું છું, મારે આરામની સખત જરૂર છે.

- હું દિલથી તારી માફી માંગુ છું, ડિયર. આજે તું આરામ કર, આવતીકાલે વાત કરીશું, બાય.

- બાય.

 

 

 

16 ઓગસ્ટ 2018, ગુરુવાર સવારના 8.30 

----------------------------------------------------

- મારી રાત, તારી સવાર છે. ગમે તે હોય, આજે મારો રડવાનો દિવસ છે. મેં તારી કહાની ફરીથી વાંચી. મારા આંસુ રોકાતાં નથી. ક્યારેક મને મારી જાત ઉપર ગુસ્સો આવે છે તો ક્યારેક તારી ઉપર. કૉલેજમાં થોડા દિવસો પછી તેં મને આ ઘટના વિશે કહ્યું હોત તો પણ હું તારી પર ગુસ્સે થઈ ગયો હોત, કદાચ પોતાના ગાલ પર જ એકાદ તમાચો માર્યો હોત. તે રાત્રે તને કંઈ થઈ જાત તો? તું સાચે જ પાગલ છો. મોડી રાત્રે આશ્રમ રોડથી અમદાવાદ રેલ્વે સ્ટેશન સુધી સાત કિ.મી.નું અંતર, એક સોળ વર્ષની કિશોરીએ એકલા જ કાપ્યું! શું તું સ્ટેજ પર આવીને એક વાર મને ન કહી શકી હોત? કૈંક વ્યવસ્થા કરી આપત, હું તને એકલી ક્યારેય ન જવા દેત. 

 તેં મારા પર વિશ્વાસ ન મૂકીને મારું દિલ તોડ્યું છે. આ તે કેવો પ્રેમ? જો તારાં માતા-પિતા મને ઓળખતા હોત, તો હું તેમને શું જવાબ આપત? તારી દરેક વાત મારા હૃદયમાં તીરની જેમ ભોંકાય છે. પ્રેમમાં આવું પાગલપન હોઈ શકે, તેની મને ખબર નહોતી.

 તારે તો મને મળવાનું જ હતું તારા પ્રેમની અનુભૂતિ કરાવવા માટે અને મને આ બધું કહેવા માટે! આજે આંખો છલકાઈ રહી છે. મારા હૃદય પરના ઘાને કેવી રીતે સીવું, તે તારે કહેવું પડશે. જો આજે હું તને દોષી ઠેરવું તો મને માફ કરજે. તેં તો લખી દીધું કે આરામ કર. મને કહે કે આરામ કેવી રીતે કરું? મારું માથું ફાટી રહ્યું છે. હજી મને વધુ રડાવ, જા, મેં તને આ અધિકાર આપ્યો.

 તેં આટલા વર્ષો સુધી આ ઘટનાને તારા હૃદયમાં સંઘરી રાખી? તું કમાલની છોકરી છે! 

 

--------------------------------

- મારી સવાર, તારી રાત! હમણાં જ ચા-નાસ્તો પૂરો કર્યો. આટલું બધું લખી નાખ્યું! હવે રડીશ નહીં. આ લખતી વખતે મેં પણ ઘણી વાર આંખો લૂછી. હવે હું આજીવન કેદમાંથી મુક્ત છું. જેણે મને કેદ કરી હતી તેણે જ મને મુક્ત કરી દીધી. એટલું જ નહીં, તેણે મને એક એવી દુનિયા સાથે પરિચય કરાવ્યો જ્યાં પ્રેમ સિવાય બીજું કંઈ નથી.

- ગઈકાલે આખી રાત સૂઈ ન શક્યો. આજે વેડનસડે છે, હું ચર્ચમાં ગયો હતો. ત્યાં એક પ્રેયર ગ્રુપ છે, જેમાં બધા ફિલિપિયન્સ છે. હું એકમાત્ર ઇન્ડિયન છું. હું રવિવારે કામ કરું છું તેથી ચર્ચમાં જઈ શકતો નથી. આ ગ્રુપ સાથે જાઉં છું, ત્યાં પ્રેયરમાં જોડાઉં છું તો મનને સારું લાગે છે. આજે મેં આપણા બંને માટે પ્રેયર કરી. હવે કંઈક સારું લાગે છે. આંખો હજી બળી રહી છે. તું ખુશ રહે, તેથી વધુ મારે બીજું કંઈ ન જોઈએ. 

- --------------------------------

- અશ્વિન, મેં પ્રેમ લખ્યો, પ્રેમ વાંચ્યો, પ્રેમને જ જીવ્યો. તું મારી સાથે આવું જ પ્રેમાળ વર્તન રાખજે. આજે મને પણ ખૂબ થાક લાગી રહ્યો છે. પીડાને લખવા માટે ફરીથી તે પીડાનો અનુભવ કરવો પડે છે ને? પિસ્તાળીસ વર્ષ પછી પણ તને કહેવા માટે મારી પાસે આ એક જ પંક્તિ છે, 'તું મને ખૂબ જ ગમે છે.'

- તારા પ્રેમની હું બરાબરી કરી શકું નહીં. 'નારી તું નારાયણી', હવે માની ગયો.

- આટલું મીઠું બોલીશ, તો હજમ નહિ થાય.

- મીઠડી તો તું છે જ, જાલિમ!

- એક રીતે સારું છે કે તું અમદાવાદમાં નથી.

- અમદાવાદમાં હતો ત્યારે પણ તેં શું કરી લીધું ? આવું મીઠું બોલીને ફૂલો બિછાવ્યાં હોત, તો આજે તેના ગજરા બનાવીને પોતાનાં વાળમાં ગૂંથી શકી હોત! 

- ઉફ્ફ! રસિકતા કોઈ તારી પાસેથી શીખે, અશ્વિન! તારા સ્વભાવને જો ત્યારે જાણી શકી હોત તો ફૂલ બનીને તારા ચરણોમાં બિછાઈ ગઈ હોત!

- હું તને ચરણોમાં થોડી બિછાવા દેત? 

- થેન્ક ગૉડ, મનકા મૌસમ બદલા. તારા ડિનરનો સમય થઈ ગયો છે, ગુડ નાઈટ.

- ઓકે, કાલે વાત કરીશું.

 

 

 

 

16 ઓગસ્ટ 2018, ગુરુવાર સાંજના 7.35 

--------------------------------------------------

- હેલો ડિયર, કેવો રહ્યો દિવસ?

- ----------------------

- શું થયું ?

- જનાબ, આપે પૂછેલા સવાલનો જવાબ આ શેરમાં છે, જે મેં હમણાં જ વાંચ્યો- 

ઐસે માહૌલ મેં દવા ક્યા હૈ, દુઆ ક્યા હૈ?

જહાં કાતિલ હી ખુદ પૂછે, હુઆ ક્યા હૈ?

બાય દ વે, તું શું કરી રહ્યો છે ?

- હું ફરી એકવાર ચા પી રહ્યો છું, પછી વાત કરીશું.

- પછી એટલે ક્યારે? શરૂઆત જ તેં કરી.

- પણ માતાજી, પછી યાદ આવ્યું કે એક કામ પૂરું કરવાનું છે. આ કાર્ય દર ગુરુવારે કરવાનું હોય છે. 

- દર ગુરુવારે એટલે?

- આજે અહીં ગુરુવારની સવાર છે ને. હું નવ વાગ્યે એક કલાક માટે એક સજ્જનની મદદ કરવા જાઉં છું. તેમને તૈયાર કરીને 'સ્ટારબક્સ' સુધી મુકવા જાઉં છું. ત્યાં સુધી તું ડિનર કરી લેજે, આવીને પછી તારા ચરણોમાં બેસીશ, ત્યારે બઘી વાત જણાવીશ.

- તથાસ્તુ વત્સ. હું પણ અત્યારે ચા પી રહી છું. જમવાને હજી થોડી વાર છે. તું પાછો આવ પછી હું પણ તારા ચરણોમાં બેસીશ.

- તારા જવાબનો જવાબ નથી! તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો. તુમ્હી હો બંધુ, સખી તુમ્હી હો...છેલ્લી વાળી વધારે છો. હા..હા...

- સખી નહીં, કરેક્ટ વર્ડ 'સખા' છે. ગીત-સંગીત જાણવાવાળા ખોટા શબ્દો ન લખે.

- તારે માટે શબ્દ બદલવો પડ્યો, સમજ જરા. શું પ્રેમ એ માનવ જીવનનો મુખ્ય હેતુ નથી? પ્રેમ પોતે જ એક પ્રાર્થના છે.

- આ તેં સાચી વાત કહી, ઐશ. પ્રેમ જ પરમાત્મા સુધી લઈ જાય છે. પ્રેમ વિશેના ઓશોના વિચારો મને પ્રભાવિત કરે છે.

- હું તે પણ જાણવા માંગુ છું.

- ઓશો કહે છે, ‘પ્રેમ જયારે તેના શુદ્ધતમ સ્વરૂપમાં, બિનશરતી રીતે પ્રગટ થાય છે ત્યારે મંદિર બની જાય છે. મંદિરનો અર્થ છે જે તમને તમારાથી આગળ લઈ જાય. ભલે તમે કોઈના પણ પ્રેમમાં પડ્યા હો અને શરૂઆત અશુદ્ધ રહી હોય, પણ જેમ-જેમ પ્રેમ ગાઢ થવા માંડે તેમ-તેમ શુદ્ધતા વધતી જાય. પ્રેમ એ શરીરનું આકર્ષણ હોઈ શકે, પરંતુ પ્રેમની સફર શરૂ થતાંની સાથે જ તે શરીરનું આકર્ષણ ન રહે અને બે મન વચ્ચેનું આકર્ષણ બની જાય. પ્રવાસના અંત સુધીમાં, મનનું ખેંચાણ પણ ન રહે, તે બે આત્માઓનું મિલન બની જાય. પ્રેમ એ મંદિર છે, જેમાં છેવટે તમને ભગવાનનાં દર્શન થાય.’ 

- તેં ઓશોને ખૂબ સારી રીતે વાંચ્યા છે, પ્રેમદીવાની! બે મન વચ્ચેનું આકર્ષણ!

- જાઓ જનાબ, તમારું કામ પૂરું કરો, જો તમે જલ્દી પાછા આવશો તો વાત થશે, નહીં તો આવતી કાલે, બાય.

- બાય, ડિયર.