તારી સંગાથે - ભાગ 16 Mallika Mukherjee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી સંગાથે - ભાગ 16

ભાગ 16

 

08 ઓગસ્ટ 2018, બુધવાર રાતના 9.30 

--------------------------------------------------

- સવાર પડી, બાબુમોશાય.

- એમ કે? મને તો ખબર જ નહોતી, પણ મારા ઘરે ‘એલ.એ. ટાઇમ્સ' આવે છે, તેમાં લખ્યું છે, 'સવાર થઈ ગઈ.'

- અશ્વિન ...તેં 'પગલા કહીં કા' ફિલ્મ જોઈ છે?

- જોઈ હતી વર્ષો પહેલાં, પગલી! શમ્મી કપૂરની હતી. ગીતો સારાં હતાં, વાર્તા યાદ નથી. તું કહે.

- હશે તારા જેવો કોઈ પાગલ, મેં નથી જોઈ.

- ઓહ પરી, તું તો સવાર-સવારમાં નારાજ થઈ ગઈ! તે સમયે જો તું સાથે હોત તો હું ફિલ્મ ક્યાંથી જોઈ શક્યો હોત?

- એટલે જ નહોતી, મારા દુશ્મન.

- વાહ, કોઈ દુશ્મનને પ્રેમ કરે? તે પણ પાગલ દુશ્મનને?

- ખબર નથી.

- હું પાગલ છું અને રહીશ. શું કરું? ખુદાએ આવો જ બનાવ્યો છે. ઉપરથી તું મળી, મસ્તીની ટોકરી! હું હમણાં પાર્કમાં ચાલવા આવ્યો છું, ખૂબ જ ગરમી છે. બેંચ પર બેઠો છું, થોડો આરામ કરી પાછો ઘર તરફ વળીશ. 

- કાલે રાત્રે ઊંઘ સારી આવી લાગે છે. કોઈ સારી વાત રેકોર્ડ કરીને મોકલ. મારે કિચનમાં કામ છે.'

- કંઈ યાદ નથી આવતું, શું રેકોર્ડ કરું? મારો તો શબ્દોનો ખજાનો જ ખાલી થઈ રહ્યો છે, મેડમ!

- આટલું બધું બોલ બોલ કરે તો આવું જ થાય, બકા. કોઈ નાટકનો ડાયલોગ બોલ અથવા મૌનને રેકોર્ડ કર, હું આવું છું થોડી વારમાં.

- આપણી વાર્તા ક્યાં સુધી પહોંચી?

- અરે, એ જ વાત કરવી હતી પણ તું બધી ગડબડ કરી દે છે. થોડો સમય આપ, હું જમી લઉં પછી વાત કરીશ . 

- ઓ કે, હું પાર્કમાં જ રાહ જોઉં છું. એક ગીત યાદ આવ્યું છે.

આજ જાનેકી જીદ ના કરો,

યૂં હી પહલૂ મેં બૈઠે રહો.... 

એક વધુ ગીત યાદ આવ્યું –

તુમ જો મિલ ગએ હો, તો યે લગતા હૈ કિ જહાઁ મિલ ગયા,

એક ભટકે હુએ રાહી કો કારવાં મિલ ગયા....

કબીરનો એક દોહો છે -

લકડી જલ કોયલા ભઇ, કોયલા જલ ભઇ રાખ,

મૈં બૈરન ઐસા જલી, કોયલા ભઇ ન રાખ.

 

એક બીજું ગીત છે -

મૈં રહું યા ના રહું,

તુમ મુઝમેં કહીં બાકી રહના,

મુઝે નીંદ આયે જો આખિરી,

તુમ ખ્વાબોં મેં આતે રહના,

બસ ઇતના હૈ તુમસે કહના... 

-  ----------------------------

-  ઓહ માય ગૉડ! શું શું લખી નાખ્યું?

-  અમસ્તું જ, તારા આવવાની રાહ જોતાં, મનમાં જે કાંઈ આવ્યું તે લખ્યું, ગીતો જ છે ને.

-  તું નહીં સુધરે અશ્વિન.

-  જ્યારે સુધરેલો હતો ત્યારેય ક્યાં કંઈ થઈ શક્યું?

-  બધા ગીતો શું મને જ સંભળાવીશ?

- એક તું જ તો છે ડિયર, જે મારા પાગલપનને સહન કરે છે અને મારી બક-બક સાંભળે છે. નહિ તો 'ઇસ ભરી દુનિયા મેં કોઈ ભી હમારા ન રહા.' આ બીજું ગીત યાદ આવી ગયું, શોધ્યા કર હવે ગૂગલ પર. મને લાગે છે કે હું જરા વધારે પડતી બક-બક કરું છું. કંટ્રોલ અશ્વિન, કંટ્રોલ! મને ખબર છે કે તું ખૂબ બીઝી રહે છે, દરરોજ લખીને તને હેરાન નહિ કરું, ઓકે? બાય.

- આટલું જલદી બાય ! ક્યાંક જવું છે કે શું ?

- જી ના. અહીં ગરમીની મોસમ છે, ખૂબ ગરમી લાગી રહી છે. પાર્કમાં બેઠો હતો, હવે ઘર તરફ વળ્યો છું. સાંજ સુધી ક્યાંય નથી જવાનું. સ્મૃતિના મોટા ભાઈ બીમાર છે, તેથી બે અઠવાડિયા સુધી સ્મૃતિ દીકરી પ્રિયા સાથે એટલાન્ટા જઈ રહી છે. દીકરી હીરવા ફ્રાઈડે જશે.

- એટલાન્ટામાં રહે છે તેઓ સ્મૃતિના એકમાત્ર ભાઈ છે?

- બે ભાઈઓ છે. તેઓ બંને જ્યોર્જિયાના એટલાન્ટા શહેરમાં રહે છે.

- હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે સ્મૃતિના ભાઈ જલદી સાજા થઈ જાય.

- થૅન્ક યુ, અચ્છા તો હમ ચલતે હૈં.

- આજે મૂડ કેમ ખરાબ છે, દોસ્ત?

- ઘરે પહોંચીને વાત કરું છું.

- ઓકે.

- ------------------------

- આવી ગયો જી. કહો, શું કહેતા હતા?

- મને તારા ગીતો પોસ્ટ કરવા સામે વાંધો નથી, ઐશ. પણ આવું ગીત? મળવાનું વચન આપે છે ને પછી આવું ગીત શા માટે લખે છે, 'મૈં રહું યા ના રહું ...' જ્યારે મેં આખું ગીત સાંભળ્યું, ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા.

- અચ્છા, તો એમ વાત છે? મારા ગીતમાં શબ્દોનો અર્થ સમજ ડિયર, 'મૈં યહાં રહું યા ના રહું' એટલે કે હું અમેરિકામાં રહું કે લંડનમાં રહું, તારી યાદો મારી સાથે રહેશે. 'કિસી સે કહું યા ના કહું' નો અર્થ એ કે જો હું આ ધરતી પર ન પણ રહ્યો, તો સીધો ગૉડના દરબારમાં જઈ ને તારી ડિમાન્ડ કરીશ. તેઓ તો પ્રેમના દેવતા છે, ના નહિ પાડે. રાહ જોવી પડશે તો પિસ્તાળીસ વર્ષ સુધી પણ રાહ જોઇશ. તું સેન્ચ્યુરી કરીને જ આવજે. પછી આપણે લખવાની જરૂર નહીં પડે. સામસામે બેસીને વાતો કરીશું.

- વાત બદલવાનું તો કોઈ તારી પાસેથી શીખે. અશ્વિન, તારી પર આજે મને ખૂબ ગુસ્સો આવે છે. કેટલો નિષ્ઠુર મિત્ર છે તું!

- મારી શું ભૂલ થઈ? પાય લાગું દેવી, તારી સાથે નિષ્ઠુર થઈને હું ક્યાં જઈશ? 

- આજે મારી દરેક વાતને તેં આમ જ ઉડાવી દીધી. એક નો પણ સાચો જવાબ ન આપ્યો.

- કઈ વાત રહી ગઈ? તું તો ઓડિટ ઓફિસરની જેમ મારો બધો હિસાબ ચેક કરવા લાગી. આટલી સ્માર્ટ કાળજી લેનાર મળી તો મારી તો મુશ્કેલી વધી ગઈ ને? 

- વારંવાર તેં એ જ લખ્યું કે હું ખૂબ બિઝી રહું છું. મેં ક્યારેય એવું કહ્યું?

- આટલો બધો ગુસ્સો સારો નહિ, મલ્લિકા. મેં તો અમસ્તું જ લખ્યું હતું કે તારે ઘણું કામ હોય છે, ઘરનાં પણ અને બહારના પણ. પાછી તું લેખક છે, તો બીઝી તો હોય જ ને?

- ગમે તેટલી બિઝી હોઉં, તારે માટે હંમેશાં સમય કાઢું છું, ઐશ. ઉપરથી તારો આટલો ઇમોશનલ અત્યાચાર!

- અરે, ના રે બાબા! મારા કહેવાનો અર્થ એ હતો કે હું વચ્ચે-વચ્ચે લખીને તારો સમય બગાડું છું. વળી અહીંયા દિવસ હોય છે, ત્યારે ત્યાં રાત હોય છે. તારો ઊંઘવાનો સમય પણ હોય ને? હું બહુ માસૂમ છું. મને તમારું બાળક ગણીને તમારી કૃપામાં રાખો જી.

- આટલી માસૂમિયત સારી નહિ, મારા બચ્ચા. કંઈપણ કહેવાના બહાને, કોઈ પણ વાતને આમ હવામાં ઉડાવી દેવાની.

- રાત ઘણી વીતી. તબિયતનું ધ્યાન રાખ. હવે નીંદરને વહાલી કરો, ડાર્લિંગ મા. ગુડ નાઇટ.

- ગુડ નાઇટ, મારા બચ્ચા.

 

 

 

 

 

 

09 ઓગસ્ટ 2018, ગુરુવાર સવારના 9.30

----------------------------------------------------

 

- સુપ્રભાત મહાશય. ગઈકાલે રાત્રે અહીં મેઘરાજાની મહેર થઈ. મારા શબ્દો વાદળોમાં ભળી તારા સ્મરણો બની વરસ્યા. વાતાવરણ આહલાદ્ક બન્યું. 

- તારી શુભ સવાર. અહીંયા રાતના નવ વાગ્યા છે. તારે ત્યાં સરવરિયાની હેલી અને અહીં ઉનાળાનો તાપ. થોડો વરસાદ અહીં પણ મોકલી આપ ને.

-  વરસાદ મોકલી શકાતો નથી, હું વાદળોને વિનંતી કરી શકું કે ઊડીને જાય તારે દેશ. તું શું કરે છે?

-  જમવા બેઠો છું માતાજી, બસ હમણાં પતી જશે.

- એકવાર કહ્યું હતું કે આજથી હું તે છેલછબીલો યુવાન બની જાઉં છું અને તું સોળ વર્ષની નાની પરી બની જા. આજે માતાજી બનાવી દીધી?

- ------------------

- તો પછી જમી લે. હવે હું તને પિતાજી કહીશ. કેમ ચૂપ થઈ ગયો?

- --------------------------

- જમી લીધું પરી, હવે કહે.

- ------------------

- હવે બરાબર. આપણા પુસ્તકની ભૂમિકા વિશે વિચારું છું. હું ઈચ્છું છું કે આપણે પિસ્તાળીસ વર્ષનો ઇતિહાસ, પિસ્તાળીસ દિવસની ચેટમાં સમાપ્ત કરીએ. 

- આવું રિસ્ટ્રિક્શન શા માટે?

- ક્યાંક તો કોઈ સમય મર્યાદા રાખવી પડશે ને ? નહિતર, રામાયણ-મહાભારતની જેમ અતિ બૃહદગ્રંથ બનવા માંડશે.

- એ વાત પણ સાચી. તું જે કરી રહી છે તે તો ઉત્તમ જ હશે. આ પુસ્તક તારું જ હશે, તારી ઇચ્છા પ્રમાણે સજાવી શકે છે. 

- મારું નહીં, આ પુસ્તક આપણા બંનેનું હશે, સમજ્યો?

- હમ્મ... સમજી ગયો. બાઇબલ સ્ટડીના ક્લાસમાંથી હમણાં જ પાછો ફર્યો છું. દર બુધવારે સાંજે સાતથી નવ ક્લાસિસ હોય છે. હું વહેલો સૂઈ જઈશ. મારે કાલે વહેલા ઊઠવાનું છે. એક અંકલને હેલ્પ કરવા જવાનું છે. બસ, બે મિનિટ પ્રેમથી વાત કરી લે, જેથી મને સારી ઊંઘ આવી જાય.

- વાહ, હું આપણા સંવાદોને પુસ્તકનું સ્વરૂપ આપતી રહું અને તને સારી ઊંઘ જોઈએ છે? નો વે!

- ઓકે, જે તું કહે તે મને મંજૂર છે. બોલ શું હુકમ છે?

- તેં જે કહ્યું તે. ચાલ, પ્રેમ વિશે વાત કરીએ.

- વરસાદમાં ભીંજાવાની?

- વાહ! કેટલા સુંદર દિવસોની યાદ અપાવી. ઐશ. કાશ, તારો સાથ નાનપણમાં પણ મળ્યો હોત!

- નાનપણમાં હું તને મળ્યો હોત તો આપણે વરસાદમાં પણ સંતાકૂકડી રમ્યા હોત! 

- કેમ?

- તું તો મને જોઈને ભાગતી જ હોત ને, જેમ કૉલેજમાં મને જોઈને છુપાઈ જતી હતી?

- ક્યાંથી ક્યાં પહોંચી જાય છે તું!

- જો, હૃદયથી તો હું હજી પણ બાળક છું. તું સાથ આપે તો હજી પણ વરસાદમાં સાથે ભીંજાઈ શકીએ! હું કૉલેજથી એકલો જ લાલ દરવાજા બસ સ્ટેન્ડ સુધી ભીંજાતા ચાલતો જતો. ક્યાં હતી તું એ દિવસોમાં ?

- એકવાર તો ભગવાને તક આપી હતી, નાદાન! મૌકા ભી થા, દસ્તૂર ભી. વરસાદ પણ હતો, હાથમાં ગુલાલ પણ હતો, યાદ કર.

- હું તારી પાસેથી આવા પ્રેમાળ શબ્દો સાંભળવા માંગુ છું, ડિયર. તેં શું જાદુ કર્યું છે કે તારી સાથે વાત કરવાનું ખૂબ ગમે છે.

- ચલ જૂઠ્ઠા! તે દિવસે મારો હાથ પકડ્યો હોત, તો બંને કૉલેજથી લાલ દરવાજા બસ સ્ટેન્ડ સુધી દરરોજ સાથે ન ચાલ્યા હોત!

- શરૂઆત તો મેં કરી હતી, તું શરમાઈ ગઈ. ન હાથ આપ્યો, ન સાથ. નહિ તો ગુલાલથી તને પૂરેપૂરી ન રંગી દીધી હોત! પછી વરસાદમાં સાથે ભીંજાતા ચાલતાં જાત લાલ દરવાજા તરફ! 

- મારે જ તારો હાથ થામી લેવો જોઈતો હતો. તને યાદ છે? એકવાર ચોમાસાની ઋતુમાં અમદાવાદમાં કરા પડ્યા હતા. વર્ષ યાદ નથી આવતું. તે દિવસે હું મારી કેટલીક સખીઓની સાથે કૉલેજથી ચાલીને લાલ દરવાજા બસ સ્ટેન્ડ તરફ જઈ રહી હતી. થોડે દૂર જતાં, હળવા ઝાપટાં શરૂ થયાં. અમે થોડી ઝડપથી ચાલવાનું શરૂ કર્યું, પછી અચાનક કરા પડવા માંડ્યા. કરાથી બચવા માટે, અમે બધા કામા હોટલની સામે બસ સ્ટેન્ડની છત નીચે રોકાઈ ગયા.

- કરા એટલે સ્નોફ્લેક્સ?

- જી હા, શીતકાલીન વરસાદમાં પડે તે, બરફના નાના ટુકડાઓ.

- મને યાદ નથી આવતું, પરંતુ ઘણી વાર એવું બનતું કે ચોમાસાની ઋતુમાં આ રીતે ક્યાંક છુપાવું પડતું. આપણી કૉલેજના અડધાથી વધુ વિદ્યાર્થીઓ લાલ દરવાજા બસ સ્ટેન્ડ પર પોત-પોતાના રુટની બસ પકડવા જતા. વરસાદમાં ભીંજાતી જતી છોકરીઓને જોવાની તક પણ મળતી. સારું મને કહે, હું તારી સાથે કામા હોટલની સામે બસ સ્ટેન્ડની છત નીચે હતો? 

- બુધ્ધુ, તું ત્યારે પણ ન હતો. ક્યાંક નાટકના રિહર્સલ કે ટેલીફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોઈશ. આખા રસ્તા પર જાણે સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. અમે થોડી વાર તો રોકાયાં, પછી ભીંજાવાનો ડર છોડીને છત નીચેથી બહાર આવી ગયાં. ભીંજાતાં ભીંજાતાં અમે 'અપના ઘર' વાળી બહુમાળી ઈમારતની પાછળ આવેલ 'સરદાર બાગ' માં પહોંચી ગયા. પુસ્તકો પોલિથીન બેગમાં લપેટેલી હતી એટલે પલળવાનો કોઈ ડર નહોતો.

- તો હું ક્યાં હતો?

- તું? વરસાદમાં ભીંજાતી જતી છોકરીઓને જોવા માટે, કોઈ ઝાડ નીચે ઊભો રહી ગયો હશે!

- તું પણ ગજબ છે યાર !

- મેં મારી રીતે જવાબ આપ્યો, તારી વાત તું જાણે. સરદાર બાગની લૉન પણ સફેદ થઈ ગઈ હતી. ત્યાંથી મેં કેટલાક કરાના ટુકડા લઈને ચાખ્યા પણ ખરા. અહા, શું દિવસ હતો એ!

- જાલિમ! એકલા-એકલા કરાની મજા માણી. જો હું ત્યાં હોત, તો કરાના ટુકડા ઉઠાવીને તને ફટકારત અને પછી ખૂબ હસ્યો હોત!

- તે દિવસે પણ મારી આંખો તને શોધી રહી હતી, મજનુ ! ક્યાંકથી આવીને કહ્યું હોત, 'મે આઇ હેલ્પ યૂ?'

- પછી તું શું કહેત? એ જ કે, 'મારો હાથ પકડ.'

- જા ભાઈ જા, હું હાથ લંબાવીને કહેત, ‘મારી ચોપડીઓ પકડ અને સાથે ચાલ, મારે વરસાદમાં ભીંજાવું છે.’ 

- તો તો પુસ્તકો લેવાના બહાને હું તારો હાથ પકડી લેત.

- આવ્યો મોટો!

- માત્ર કલ્પના કરવામાં કેટલી મજા આવે છે! તું ભીની-ભીની અપ્સરા બનીને ચાલતી હોત અને હું તારી ચોપડીઓ ઊંચકીને તારી પાછળ-પાછળ ચાલતો હોત!

- ક્લાસમાં મારી આગળ વાળી બેન્ચ પર બેસતો હતો અને અહીંયાં મારી પાછળ-પાછળ ચાલત?

- ઠીક છે બાબા, તારી આગળ ચાલત, બસ?

- અશ્વિન, એક હું જ છું જે આવી રીતે ખોવાયેલ સમયને શોધી શકું છું. એક ગુજરાતી કહેવત છે, 'જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ!' વરસાદના મામલામાં હું આજે પણ બાળક છું. આજે પણ વર્ષા ઋતુમાં હું અને મારી વહુ આકાંક્ષા અગાશી પર જઈને વરસાદમાં ભીંજાઈએ છીએ. પછી સોહમ, વિવાન, પાર્થો, આખો પરિવાર અમારી સાથે જોડાય છે.

- વાહ! હું વિઝ્યુઅલાઇજ કરી શકું છું.

- શું આને કહેવાય બે મિનિટ? આવજે, શુભ રાત્રિ.

- યાદ કર. તેં જ કહ્યું હતું કે તું મને આજે ઊંઘવા નહીં દે.

- વાતોમાં ગૂંચવી નાખી તેં.

- તું છે જ વાતોડિયણ, તારી મીઠી વાતોમાં કેટલો સમય વીતી ગયો તે ખબર જ ન પડી.

- બે મિનિટથી ઘણો વધુ! હવે ઊંઘી જા. મારી રસોડામાં ડ્યુટી છે, શુભ રાત્રિ.

- ઓકે, જો તુમકો હો પસંદ, વહી બાત કરેંગે..

 

 

 

 

10 ઓગસ્ટ 2018, શુક્રવાર સવારના 10.35

-----------------------------------------------------

 

- ગુડ ઇવનિંગ ઐશ. કેવો રહયો તારો દિવસ?

- ..................

- લાગે છે કે તારા સૂવાનો સમય થઈ ગયો. સૂઈ ગયો કે શું?

- ના જી, હું સૂવાનો પ્રયત્ન કરું છું. તમારી નીંદર કેવી રહી? 

- મારી નીંદર તારી પાસે ચાલી ગઈ છે, છોકરા.

- અહીં જયારે સવાર થશે અને ત્યાં રાત, ત્યારે પ્રેમથી પાછી આપી દઈશ, બસ?

- આમ તો મારું દિલ પણ પિસ્તાળીસ વર્ષથી તારી પાસે છે.

- જ્યારે તેં મને આટલા પ્રેમથી તારું દિલ આપ્યું છે છોકરી, ત્યારે બદલામાં મેં ભલે મોડેથી પણ મારું દિલ અને દિમાગ બંને તારે હવાલે કર્યાં છે.

- સ્મૃતિને પૂછ્યું છે? તે તારી રુક્મણિ છે.

- તો પછી તું રાધા, પણ હું કૃષ્ણ ક્યાં બની શક્યો?

- હવે તો બન્યો ને ?

- ચાલ, માની લઉ છું.

- આભાર, આજે સવારની ચા પીતાં પીતાં રાધા વિષે વાંચ્યું. કેટલીક રસપ્રદ વાતો મળી. એવું કહેવાય છે કે રાધા અને કૃષ્ણના પ્રેમની શરૂઆત બાળપણથી જ થઈ ગઈ હતી. કૃષ્ણ નંદગાંવમાં રહેતા હતા અને રાધા બરસાનામાં.

- મેં પણ વાંચ્યું છે. નંદગાંવ અને બરસાનાથી મથુરા આશરે બેતાળીસથી પિસ્તાળીસ કિ.મી. દૂર છે.

- જોયું? પિસ્તાળીસ કિ.મી. હોય કે પિસ્તાળીસ વર્ષ હોય, તે રાધા જ હોઈ શકે જે કૃષ્ણને પ્રેમ કરી શકે, સાચુકલો!

- ચાલ, હું રાધા અને તું કૃષ્ણ. શું ફેર પડે છે? પ્રેમમાં જેન્ડરનો કોઈ મતલબ હોતો નથી.

- જા...જા...રાધા બનવાની ક્રેડિટ હું તને શા માટે આપું?

- તારું ભાષાનું જ્ઞાન ઉત્તમ છે, જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે. મારે તારી સાથે સાચવીને વાત કરવી પડશે, ગામડાની ગોરી.

- જોયું? હવે વિષય બદલી નાખ્યો. જો રાધા બનવાનો શોખ હોય તો કંઈક મીઠી વાત કર. તારો પ્રેમ, રાધાની જુબાની. હું પણ સાંભળું તો ખરી.

- આજે આટલું જ રાખ. તારી સાથે સપનામાં વાત કરીશ.

- આ તો ઘોર અન્યાય થયો. પોતાનો વારો આવ્યો એટલે ‘આજે આટલું જ રાખ.’ મેં તને પહેલા જ કહ્યું હતું કે રાધા બનવું એ બચ્ચાઓનો ખેલ નથી.

- તદ્દન સાચી વાત. એટલે તો કૃષ્ણ પહેલાં રાધાનું નામ લેવામાં આવે છે. રામ પહેલાં સીતાનું નામ લેવામાં આવે છે. એ જ રીતે સીતાના પતિવ્રતા ધર્મની મિસાલ નથી. રામની સાથે તેમણે પણ ચૌદ વર્ષનો વનવાસ સહ્યો. શ્રીરામે એક ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ કર્યો, પરંતુ સીતાએ તેમની ઉદારતાનો ત્યાગ કર્યો નહીં, કે પોતાના પતિને દોષી ઠેરવ્યા નહીં. ભગવાન બુદ્ધે પણ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે તેમની પત્ની અને બાળકનો ત્યાગ કર્યો હતો. બસ યાદ આવ્યું એટલે કહ્યું.

- આ એક કઠોર સત્ય છે તમામ યુગમાં, સ્ત્રીઓએ જ વધુ પીડા સહન કરી છે. 

- હું પણ એ જ કહેવા માંગુ છું. જ્યારે હું ધર્મ વિશે આ પ્રકારની ચર્ચા કરું છું ત્યારે લોકો ગુસ્સે થાય છે. આશા છે કે તું ગુસ્સે નહીં થાય. ચાલ, પહેલેથી જ સૉરી કહી દઉં છું.

- ગુસ્સો કેમ કરવાનો, અશ્વિન? ધર્મ વિશે આપણાં મનમાં જે પણ સંશય હોય તેના વિશે ચર્ચા થવી જોઈએ. મને રાધા વિશે હજી કંઈક યાદ આવ્યું.

- કહે.

- રાધા અને કૃષ્ણ ફરી એક વખત કુરુક્ષેત્રમાં મળ્યા હોવાનું કહેવાય છે, જ્યાં સૂર્યગ્રહણ સમયે કૃષ્ણ દ્વારિકાથી અને રાધા વૃંદાવનથી નંદની સાથે કૃષ્ણને મળવા આવ્યાં હતાં. પુરાણોમાં તેનો ઉલ્લેખ છે. 

- મલ્લિકા, જ્યાં સુધી મને ખબર છે, કૃષ્ણ સાથે રીલેટેડ શાસ્ત્રોમાં રાધાનું નામ નથી.

- મહાભારત કે ભાગવત પુરાણમાં 'રાધા' નામનો ઉલ્લેખ નથી, પણ રાધાનો ઉલ્લેખ પદ્મ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે. પદ્મ પુરાણ અનુસાર રાધા વૃષભાનુ નામના ગોપની પુત્રી હતી. વૃષભાનુ વૈશ્ય હતા. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, રાધા કૃષ્ણની મિત્ર હતી અને કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણની માતા, યશોદાના ભાઈ રાયણ સાથે રાધાના લગ્ન થયાં હતાં. એ રીતે જોઈએ તો રાધા શ્રીકૃષ્ણનાં મામી હતાં.

- આખરે તેં રાધા વિશે જાણી લીધું. કૃષ્ણના જીવનમાં રાધાનું નામ મધ્યયુગીન કવિઓની કલ્પના પણ હોઈ શકે છે.

- ઐશ, જો રાધાનું નામ મધ્યયુગીન કવિઓની કલ્પના હોય તો તો મને વધુ ક્રેડિટ મળવી જોઈએ. એક તો મેં કવિઓની કલ્પનાને સાકાર કરી દીધી! બીજું, કવિઓની કાલ્પનિક રાધાના પ્રેમ વિશે કૃષ્ણને ખબર હતી, જ્યારે મારા પ્રેમ વિશે તને કશી જ ખબર નહોતી; છતાં મેં તને ખરેખર રાધાની જેમ જ ચાહ્યો! 

- મંજૂર છે, મંજૂર છે, મંજૂર છે. રાધાના પ્રેમની બરોબરી હું ન કરી શકું. તું જ રાધા બનવા માટે યોગ્ય વ્યક્તિ છે.

- રાધા અને કૃષ્ણ કુરુક્ષેત્રમાં મળ્યા, તે જ રીતે હું તને આ જીવનમાં એકવાર મળવા માંગું છું.

- તથાસ્તુ. ભગવાન તારી મનોકામના પૂરી કરે. 

- જા, હવે તું શાંતિથી સૂઈ શકે છે.

- છોકરી, તેં ઊંઘને પૂરેપૂરી મોકલી નથી.

- અરે! સૂઈ જા તારા હિસ્સાની ઊંઘ લઈને.

- તું શું કરીશ?

- તેં કિશોરવયનો મારો એક ફોટો મોકલવા માટે કહ્યું હતું ને? આજે બધા આલ્બમ્સ જોઈ લીધાં. એ ઉંમરનો એક પણ ફોટો ન મળ્યો. ફેસબુક પર એક બ્લેક એન વ્હાઈટ ફોટાનું આલ્બમ મૂકીશ, જોજે.

- ઓકે. એજ જોઈ લઈશ.

- હજી પણ મને વિશ્વાસ નથી આવતો ઐશ, હું કેવી રીતે સંસારનાં તમામ બંધનોને પાર કરી તારા સુધી પહોંચી! તારી મિત્ર બનીને હું તારા જીવનમાં શીતળ પવનની લહેરખી બનવા માંગું છું. મીઠી વાતોથી તારા ઘાની બળતરા ઘટાડવા માંગુ છું.

- મૂવીઝમાં, ફ્લેશબેક બતાવે છે તેમ, તારી સાથે વાત કરતી વખતે, હું ફરીથી મારા દેશમાં વીતેલા સુંદર અતીત સુધી પહોંચું છું. 

- અશ્વિન, જે વીતી ગયું છે તે ફરીથી મેળવી શકાતું નથી. હવે તે સમયને યાદ કરીને વર્તમાનને સાચવી લે. ભગવાનની ઇચ્છા વિના, મારા માટે એ શક્ય જ નહોતું કે હું તને મારા દિલની વાત કહી શકત. મેં તને મારી પૂર્ણતાથી ચાહ્યો, આ લાગણી કોણ સમજશે?

- જેણે કોઈને પ્રેમ કર્યો હશે, તે જ સમજી શકશે,

- તારી સાથે વાત કરતાં મેં ફેસબુક પર આલ્બમ મૂકી દીધું. સવારે જોઈ લેજે. આજે સાંજે હક્કા નૂડલ્સ બનાવવાના છે એટલે અત્યારથી તૈયારી કરવી પડશે.

- મને પણ થોડા હક્કા નૂડલ્સ ખવડાવી દે ને.

- જો તું અહીં હોત તો ચોક્કસ ખવડાવત. આટલે દૂર સાત સમુદ્ર પાર કેમ ચાલ્યો ગયો?

- જો તેં મને સમયસર શોધી કાઢ્યો હોત, તો હું તારો પાલવ પકડીને બેસી રહ્યો હોત!

- કૉલેજમાં શોધતી તો હતી તને દરેક પળે! નજીક આવીને પણ પાછો ચાલ્યો ગયો.

- હું મારી ભૂલ સ્વીકારું છું, ગાંવ કી ગોરી.

-  આ વખતે પણ મેં જ તને શોધ્યો છે. આજે લાગે છે –

 

જેટલું અસંભવ છે 

સૂરજનું પશ્ચિમમાં ઊગવું,

તેટલું જ અસંભવ હતું

તારી ભાળ મેળવવી.

તું મળ્યો,

રિક્ત હૃદયના 

અંધારિયા માર્ગ પર 

સેંકડો દીપ પ્રગટ્યા.

ઝળહળી ઊઠ્યું 

મારું અસ્તિત્વ. 

કહેવું જ પડ્યું મારે, 

સૂરજ આજે પશ્ચિમમાં ઉગ્યો!

                

- તારી દરેક કવિતા મારા હૃદયમાં સમાઈ જાય છે. તું ખુશ રહે, સલામત રહે. હવે સૂવાની તૈયારી કરવી પડશે. વિશ કરી દે, મને સારી ઊંઘ આવી જાય.

- તારા દેશની મીઠી યાદો તારી સાથે છે, ડિયર. ગુડ નાઈટ,