તારી સંગાથે - ભાગ 15 Mallika Mukherjee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી સંગાથે - ભાગ 15

ભાગ 15

 

07 ઓગસ્ટ 2018, મંગળવાર સવારના 10.30

---------------------------------------------------------

 

- કહેવું પડે દોસ્ત! તારી આ વાર્તા વાંચીને હું દંગ રહી ગઈ! શું તને ખબર હતી કે ક્યારેક હું તને મારી વાર્તા લખવાનું કહીશ? શું 'પૂર્વાભાસ' જેવા કોઈ શબ્દથી તું વાકેફ છે? એક સમયે પરીક્ષામાં મારી આન્સર શીટમાંથી કૉપી કરતો તું, આજે પ્રશ્નપત્ર મેળવતાં પહેલાં જવાબ કેવી રીતે લખી નાખ્યો? મેં વર્ષો પહેલાં લખેલી આ કવિતા વિશે તને કેવી રીતે ખબર પડી ?

મેરી કહાની 

ગહરે ઘાવ બદન પર ઇતને, મરહમ કૈસે લગાઓગે?

અંતર્મન મેં પીડા ઇતની, કહ દો કૈસે મિટાઓગે?

 

સ્વર્ગ સરીખા મુગ્ધ લડકપન, સુંદર શૈશવ એક કહાની,

ઘોર અકેલેપન મેં યૌવન બીત ગયા, ચાહત ન જાની. 

દૂર હુઇ કૈસે મૈં ખુદ સે, કહ દો કૈસે બતાઓગે?

 

કટ ગઈ કિતની રાતેં મેરી, મધુર પ્રાતઃ કી ચાહત મેં,

બીત ગએ દિન અનજાને સે, સૂનેપન કી સંગત મેં.

બંદી અંતર્મન દહકે હૈ, કહ દો કૈસે બુઝાઓગે?

 

અરમાન સભી ચંચલ હિરની-સે, કદમ પટકતે રહ ગયે,

ઉમ્મીદોં કે ઉપવન મેં મેરે નયન ભટકતે રહ ગયે.

મેરી કહાની જુબાં તુમ્હારી, કહ દો કૈસે સુનાઓગે?

  

- ઉફ્ફ! મલ્લિકા, તારી કવિતા વાંચીને હું ખુદ સ્તબ્ધ છું! મને સવાલ પૂછતી આ કવિતા તેં વર્ષો પહેલાં લખી હતી? મેં એ કવિતા વાંચ્યા વિના તેનો જવાબ આપ્યો? 

- આજે તારા ચહેરા પરની કરચલીઓને પંપાળવાનું મન થાય છે, મારા દોસ્ત.

- ઇરાદાપૂર્વક કે અજાણતાં, ભૂલ તો ભૂલ જ કહેવાય. હું ઈશ્વર પાસે પણ માફી માંગું છું.

- તેં એવું તે શું કર્યું કે પોતાને દોષી માને છે? આમાં કોઈનો દોષ નહોતો, અશ્વિન. બહુ વિચારી લીધું. ચાલ, આજે એકબીજાને માફ કરી દઈએ.

- મને ગિલ્ટી ફીલ થવા માટેનાં બીજાં કારણો પણ છે. 

- એ પણ કહી દે, મનનો ભાર હળવો થશે.

- ઘણા સમય પહેલાં એક ટેલીફિલ્મના શૂટિંગ દરમિયાન, તે જ ફિલ્મમાં પાત્ર ભજવતી, એક મુસ્લિમ છોકરી મારા તરફ આકર્ષાઈ હતી, પરંતુ હું તેને ફક્ત મિત્ર માનતો હતો.

- તેં આ વાતનો ખુલાસો તેની સાથે કર્યો જ હશે.

- મેં તો કર્યો હતો, પરંતુ તે પણ આ જ રીતે રડી હશે ને?

- મનને કોઈ મજબૂર ન કરી શકે. આમાં તું ક્યાં દોષી થયો, ઐશ? 

- પછી એસ.એસ.સી.ના ટ્યુશન ક્લાસમાં એક છોકરી હતી જે તારાથી બિલકુલ ઓપોજિટ સ્વભાવની હતી. બહુ બોલતી હતી. અમારા ગ્રુપમાં ચાર છોકરીઓ હતી. હું દરેકને મિત્ર માનતો હતો, પરંતુ આ છોકરી મને પ્રેમ કરવા લાગી હતી. તે સીડી ચડતા મારો રસ્તો રોકીને ઊભી રહેતી અને મને શરમાતો જોઈને સ્મિત કરતી.

- તારી પ્રતિક્રિયા શું હતી?

- ત્યારે પ્રેમનો કૉન્સેપ્ટ મારા મનમાં આવ્યો જ ન હતો. એકવાર તે પોતાની સખીઓને લઈને મારા ઘરે પણ આવી હતી, પણ હું હજી પણ તેને મિત્ર માનતો હતો. જયારે સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. મેં શોધવાનો પ્રયત્ન કર્યો, દોસ્તોને પણ પૂછ્યું, પણ તેણી ન મળી. તે પણ તારી જેમ રડી હશે.

- તેણીને પણ તારા વર્તનથી જવાબ તો મળી જ ગયો હતો, તું ક્યાંથી દોષી બન્યો ?

- આજ સુધી હું તેને ભૂલી શક્યો નથી.

- તારો પશ્ચાતાપ જ તારી ક્ષમા છે, અશ્વિન. તું હતો જ એટલો સ્માર્ટ અને આકર્ષક કે કોઈ પણ છોકરી તારી દીવાની બની શકે. તું બધાને ક્યાંથી અપનાવી શકે?

- તારી વાર્તા વાંચીને હું ખૂબ રડ્યો છું. જે પણ સજા મળે તે સ્વીકાર્ય છે, મારે બસ એ જ કહેવું છે. હવે તું મારી સાથે કોઈ સંબંધ ન રાખે તો પણ હું માઠું નહીં લગાડું. મારી આંખો છલકાઈ રહી છે, હવે વધુ નહીં લખી શકાય, ડિયર.

- આંસુ લૂછી નાખો, જનાબ. તારા અને મારા તરુણાવસ્થાના પ્રેમમાં એક મોટો તફાવત છે. જે છોકરીઓની તું વાત કરે છે, તેઓએ પોતાના વર્તન અથવા વાતો દ્વારા તારી સામે પ્રેમનો એકરાર કર્યો હતો. તારા તરફથી પણ તેમને, ભલે તારી અણસમજને કારણે, નકારમાં જવાબ મળી ગયો હતો. પરંતુ હું તને પ્રેમ કરું છું, એ વિશે તને જરાય ખબર નહોતી. જો હું તને કહી શકી હોત અને તેં ધ્યાન ન આપ્યું હોત તો વાત પેલી છોકરીઓ જેવી બનત.

- ઈશ્વરે કદાચ એટલે જ તને મારી પાસે મોકલી. નહિંતર, એકતાળીસ વર્ષ પછી આપણું મળવું અને મારી દરેક વાત તારી સાથે શેયર કરવી!

- તારે તો ખુશ થવું જોઈએ કે આટલાં વર્ષો પછી પણ, મારા જેવું કોઈ છે જે તને યાદ કરે છે.

- તું મારી લાગણીઓને સમજી શકી. તું કવિ છે. તારી પાસે એ સંવેદનશીલતા છે, જે શરીરની આરપાર જોઈ શકે છે. મારું દિલ પણ અડધું છોકરીનું છે. હું ઘરથી, પરિવારથી, દુનિયાથી વિખૂટો પડી ગયો હતો. બિલકુલ એકલો ચાલી રહ્યો હતો. તું મળી તો મને કેટલી ખુશી થઈ એ શબ્દોમાં વ્યક્ત થઈ શકે તેમ નથી.

- તું એક અભિનેતા છે અને સંગીત સાથે નાતો રાખે છે, તેથી જ આટલો સંવેદનશીલ છે. આપણે બંને એક બીજાનાં હૃદય વાંચી શકીએ છીએ. હું ઓશોની વાત સાથે સંપૂર્ણ સંમત છું કે દરેક પુરુષ એક સ્ત્રી પણ છે.

તે બે સ્રોતમાંથી આવે છે, તેના પિતા અને તેની માતા. બંનેએ તેના હૃદયની રચનામાં ફાળો આપ્યો છે અને દરેક સ્ત્રી એક પુરુષ પણ છે. આપણે બંનેનો નાશ કર્યો. સ્ત્રીએ સાહસ, હિંમત, તર્ક, યુક્તિ, બધું જ ગુમાવી દીધુ કારણ કે તેને પૌરુષનાં ગુણો માનવામાં આવે છે અને પુરુષે નમ્રતા, સંવેદનશીલતા, કરુણા, દયા ગુમાવી દીધી. બંને અડધા થઈ ગયાં. 

- સાચી વાત છે, મલ્લિકા, આજે તારી સાથે વાત કરીને મારું હૃદય હળવું થઈ ગયું. જે વાતો મેં તને કહી, તે સ્મૃતિને પણ કદી કહી શક્યો નથી. હું આશા રાખું છું કે મારા જીવનમાં જે છોકરીઓ આવી, તે મને ભૂલી ગઈ હશે.

- તેં કોઈ છોકરીને છેતરી નથી, અશ્વિન. તું સ્મૃતિ સાથે પ્રેમ સંબંધમાં બંધાયો અને જીવનભર તે સંબંધ સાથે જોડાયેલો રહ્યો અને આગળ ઉપર પણ રહીશ. બીજી બધી છોકરીઓ તને ભૂલી ગઈ હશે કારણ કે તેઓએ તારી આગળ પ્રેમ વ્યક્ત કર્યો હતો અને અજાણતાં પણ તેમને સાચો જવાબ મળી ગયો હતો. તારા પ્રત્યેનો મારો પ્રેમ અભિવ્યક્ત કરવામાં મેં પિસ્તાળીસ વર્ષનો સમય લીધો. તું કૃષ્ણ હતો, હું તો આમેય એ હરોળમાં ખૂબ દૂર હતી. 

- વાહ! કેટલી સરળ ભાષામાં તેં પ્રેમનો અર્થ સમજાવ્યો, ગામડાની ગોરી! તારા આ શબ્દોએ મલમનું કામ કર્યું. ઋણી છું તારો. તારી વાર્તા વાંચ્યા પછી, હું વધુ ગિલ્ટી ફીલ કરવા લાગ્યો હતો. કૉલેજના કેટલા બધા પ્રસંગો ધીરે ધીરે તેં મને યાદ કરાવ્યા! મને ખબર નથી કે હું યોગ્ય વિચારી રહ્યો છું કે નહિ, પરંતુ આજે તેં મારા હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે.

- યે હુઈ ન બાત! આજે એક બીજી વાત પણ તને કહેવા માંગુ છું. તારી એક ઝલક મેળવવા માટે હું ભવન્સથી લાલ દરવાજા બસ સ્ટેન્ડ સુધી ચાલતી જતી, કારણકે એકવાર મેં તને મિત્રોની સાથે તે રસ્તે જતા જોયો હતો. ફરી ક્યારેય તું દેખાયો નહિ, પણ મેં તે માર્ગે જવાનું ચાલુ જ રાખ્યું, એટલે આ જીવનમાં તારે મને મળવાનું તો નક્કી જ હતું. 

- મને આજદિન સુધી આવી પાગલ છોકરી મળી નથી! જે દિવસે સાયકલ અવેલેબલ ન થતી, તે દિવસે હું બસમાં જતો હતો. ક્યારેક એકલો ચાલતાં લાલ દરવાજા બસ સ્ટેન્ડ સુધી જતો. ત્યારે મારો હાથ થામી લેવો હતો કે મને એક ચિઠ્ઠી આપી દેવી હતી! તેં પોતાની એક ચંપલ ઉતારીને મને મારી હોત, તોય મને કંઈ સમજણ પડત. હું હંમેશાં મારી ધૂનમાં રહેતો હતો, તે વખતે મને ખરેખર તારા જેવી પ્રેમાળ છોકરીની બહુ જ જરૂર હતી.

- આ શું ઓછું છે, જ્યારે સૌથી વધારે જરૂર હતી ત્યારે મળી ગઈ?

- તું મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાવાળી, ખુશમિજાજ વ્યક્તિ છે. તું છે જ એવી મીઠડી, તેથી હું મારા દિલની બધી વાતો તારી સાથે શેયર કરી શક્યો.

- અહા! ગુજરાતીનો મીઠો શબ્દ, 'મીઠડી'! માફ કરજે દોસ્ત, મને આવા મીઠાં સંબોધનો નથી આવડતાં. મારી ખુશકિસ્મતી કે આ જીવનમાં તું મારા ખૂબસૂરત દિલ સુધી પહોંચી શક્યો!

 

- આ દુનિયામાં કોઈ છે જે મારી ખબરઅંતર પૂછે છે, એ એહસાસ જ મારા દિલને ખૂબ શીતળતા બક્ષે છે.

- આભાર જનાબ કે હું તારા દિલની શીતળતાનું કારણ બની શકી.

- મારા અસ્તિત્વને બચાવવા માટેની લડતમાં, હું પ્રેમનો અર્થ જ ભૂલી ગયો હતો. તેં મારા હૃદયમાં પ્રેમના ભાવો જગાડ્યા, જાણે મને જીવવાનો સહારો મળ્યો.

- ઐશ, કોઈના માટે જીવવાનો સહારો બનવું એ જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. હાર્યા પછી પણ મારો પ્રેમ જીતી ગયો! 

- ભલે તું પ્રેમમાં હારી મલ્લિકા, પણ તને પાર્થો જેવો કેરિંગ પતિ મળ્યો. તારું વિવાહિત જીવન સુખી છે. જો તેમ ન હોત, તો તેનો દોષ હું મારા માથે લઈ લેત અને મારા માટે જીવવું મુશ્કેલ થઈ જાત.

- એક અદ્રશ્ય શક્તિ હંમેશાં મારી સાથે રહે છે, જે દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં મને બચાવે છે.

- તું ખૂબ સરસ લખે છે. હવે તને વધારે બોર નહિ કરું. તારી જેમ મીઠું-મીઠું તો લખી પણ શકતો નથી ને? ધીમે ધીમે શીખીશ. મારી વાતોથી તને હેરાન પણ કરતો રહીશ.

- આરામથી સૂઈ જાઓ, જનાબ. 

- ગુડ નાઇટ. તારો દિવસ શુભ હો.

 

 

 

08 ઓગસ્ટ 2018, બુધવાર સવારના 10.15

 ------------------------------------------------------

- તારું કામ પૂરું થઈ ગયું, ગૃહિણી?

- હા, પણ આજે હું થોડા સમય માટે જ વાત કરી શકીશ. વિવાનને હિન્દી શીખવવી પડશે. તેની પરીક્ષા ચાલી રહી છે. તે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે, એક વિષય હિન્દીનો પણ છે, તેથી મારી વહાલી પુત્રવધૂ આકાંક્ષાએ મને આ જવાબદારી સોંપી છે.

- હું જાણું છું કે તું દાદીમા છે. મારી પણ દાદી બની જા ને!

- મને વાંધો નથી. હું તારી ખુશી માટે કંઈપણ બનવા તૈયાર છું. આજે તેં મોકલેલી તારી દીકરી પ્રિયાની તસવીર જોઈ, તે ખૂબ જ સુંદર છે.

- હા, મેં મારા નવા સ્માર્ટફોનમાંથી તેનો ફોટો લીધો.

- સારું કર્યું. હવે દીકરીને કહેજે કે તારો પણ સરસ પોઝમાં એક ફોટો લે. તેં મોકલેલી તારી સેલ્ફી બરાબર નથી. જો કે, મને તેથી કોઈ ફેર પડતો નથી. આજે પણ મારે મન તું તે જ આકર્ષક યુવક છે, જેને દૂરથી જોઈને જ હું છુપાઈ જતી હતી.

- તારી નજરનો જાદુ છે છોકરી, દુનિયાની દરેક વસ્તુમાં તું સુંદરતા શોધી લે છે.

- આભાર જનાબ. મેં તને કરાચી લિટરેચર ફેસ્ટિવલનો એક વીડિયો મોકલ્યો છે. જોયો ?

- હા, જોયો અને સાંભળ્યો પણ ખરો. ડો.આરીફા સઇદા ઝેહરા ખૂબ જ ‘ડાઉન ટુ અર્થ’ મહિલા છે. જે સાચું લાગે તે જ કહે છે. કેટલાક ઉર્દૂ શબ્દો સમજવામાં તકલીફ પડી, પરંતુ વીડિયો ગમ્યો. ઉર્દૂ ખૂબ જ મીઠી ભાષા છે, પરંતુ મારું જ્ઞાન ગઝલ સુધીજ મર્યાદિત છે. 

- આ ફેસ્ટિવલમાં તેઓ આમંત્રિત હતા ગુફ્તગૂ માટે. હું તો ડૉ. આરિફાની દીવાની બની ગઈ.

- તેમનો પરિચય?

- તેઓ પાકિસ્તાની શિક્ષણવિદ્ અને ઉર્દૂ ભાષાના નિષ્ણાત છે. ઉર્દૂ ભાષા ઉપરના વર્ચસ્વ અને ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં તેમની નિપુણતાને કારણે તેમની એક અલગ ઓળખ છે. તેઓ ચાલીસ વર્ષથી અધ્યાપન ક્ષેત્રે છે. લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કૉલેજમાં ઇતિહાસના પ્રોફેસર રહી ચૂક્યા છે.

- વાહ, તેમના વિશે જાણવું ખૂબ જ ઈંટરેસ્ટિંગ લાગી રહ્યું છે, વધુ કહે.

- ઐશ, કરાચીના લગભગ દરેક લિટરેચર ફેસ્ટિવલમાં તેઓ હોય છે. તેઓ માને છે કે ઇતિહાસમાં, નામ અને તારીખો સિવાયની મોટાભાગની બાબતો સાચી નથી હોતી, જ્યારે સાહિત્યમાં, લગભગ દર વખતે, નામો અને તારીખો સિવાયની બધી બાબતો સાચી હોય છે. તેથી, સત્યને સમજવા માટે ઇતિહાસ અને સાહિત્ય વચ્ચે સંતુલન હોવું આવશ્યક છે.

- તેઓએ બહુ મોટી વાત કહી. આ વીડિયોમાં પુસ્તકો વિશે જે કહ્યું તે ગમ્યું, 'જિંદગી કા હવાલા કિતાબ કે બગૈર, લિખે હુએ હર્ફ કે બગૈર નહીં હૈ.'

- તેમણે એમ પણ તો કહ્યું, 'આજકલ હમ ઇસલિયે નહીં લિખતે કિ જાને ક્યા લિખેં, જાને ક્યા સમઝા જાએ, જાને ક્યા કહા જાએ, ઔર જાને ક્યા હો જાએ!'

- તું તો લખી રહી છે, મિત્ર !

- ચોક્કસ લખી રહી છું, તે પણ તને ! આરિફાએ જેમ કહ્યું , ' કભી-કભી હમેં હમારા ચેહરા ભી દેખ લેના ચાહિયે. હમ સે હમારે ચેહરે હમેશા ઝૂઠ બોલતે હૈં. હમને અભી તક ખુદફરેબી સે અપને આપકો મુક્ત નહિ કિયા. કિતાબેં વો આઇના હૈ જો દિખા દેતી હૈ - જો થા, જો હૈ ઔર જો હોગા.' આપણું આ પુસ્તક પણ સમાજ માટે એક અરીસો હશે, જેમાં દરેક વ્યક્તિ વધતે-ઓછે અંશે પોતાનો ચહેરો જોઈ શકશે- જે હતું, જે છે અને જે હશે!

- તારી એ વાત સાચી કે આપણે સાથે મળીને સંવાદ દ્વારા સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 

- લિટરેચર ફેસ્ટિવલ નો તેમનો બીજો એક સરસ વીડિયો છે, હું ઇચ્છું છું કે તું એ પણ જુએ. વિષય છે 'ઉર્દુ કા સિતમ યા ઉર્દૂ પે સિતમ'.

- મોકલજો મોહતરમા, તમારી પસંદ એ મારી પસંદ. સામસામે મુલાકાત થશે ત્યારે હું બધું કહીશ.

- મારી સાથે કે આરિફા સાથે?

- આરિફાને તો હું ક્યાંથી મળી શકવાનો? હવે તો તું જ એક આશાની કિરણ છે!

- આભાર, તેં માન્યું અને કહ્યું એ બદલ.

- તું મને લિટરેચરમાં એક્સપર્ટ બનાવી દઈશ. કવિ સાથે દોસ્તી થઈ છે.

- કવિ સાથેની મિત્રતા સારી લાગે છે ને? 

- તેં મને નવું જીવન આપ્યું છે મલ્લિકા. આ બીજા વીડિયોમાં ઉર્દૂ વિશે શું ચર્ચા છે?

- ડો. આરિફાએ કહ્યું કે, 'ઉર્દૂ કોઈની ભાષા નહોતી. મોગલ કાળમાં ભારતીય અને ઇસ્લામિક સંસ્કૃતિઓના મિશ્રણના પરિણામે, ઉર્દૂ ભાષા વિકસિત થઈ અને વિવિધ સમુદાયો વચ્ચે વાતચીતની ભાષા બની.'

- એક્દમ સાચી વાત. સમયની માંગ હતી, સ્થાનીય જરૂરિયાત હતી. 

- અશ્વિન, આ વીડિયોમાં હિન્દી અને ઉર્દૂને કારણે થયેલા રાજકારણની પણ ચર્ચા કરવામાં આવી છે.

- ચર્ચા શું છે?

- એક વાત હવે સમજાઈ મારા દુશ્મન! વીડિયો તારે જોવાનો છે અને પછી આપણે તેની ચર્ચા કરવાની છે.

- તું જ્યારે ટીચરની જેમ વાત કરે છે, ત્યારે હું આજ્ઞાકારી વિદ્યાર્થી બની જાઉં છું. ગુસ્સો થૂંકી નાખો મૈમ. વીડિયો જોઈશ, પછી વાત કરીશું, બસ? 

- હમ્મ ...મારે હવે વિવાનને હિન્દી શીખવવાની છે. બાકીની વાતો કાલે થશે, ગુડ નાઇટ.

- તારો દિવસ ખુશનુમા વીતે.