તારી સંગાથે - ભાગ 13 Mallika Mukherjee દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી સંગાથે - ભાગ 13

ભાગ 13

 

6 ઓગસ્ટ 2018, સોમવાર સવારના 9.30

----------------------------------------------------

 

- કિયાં ખોવાઈ ગયો!

- લ્યો, તમારી સવાર પડી ગઈ ?

- સવાર થઈ ગઈ, બેટા.

- પાય લાગું માતાજી. અહીંયા રવિવારની રાત છે, ડ્યૂટી પર છું.

- જાણું છું, શું તારા પેશન્ટ અંકલ ઊંઘી ગયા?

- હમણાં જ સૂઈ ગયા, ફ્રી થયો છું. સવાર-સવારમાં તારી સાથે વાત કરતા બીક લાગે છે. પહેલા ચા-નાસ્તો કરી લે. રાત્રે કેમ આટલું જાગે છે મારી મા?

- નવલકથા લખવી એટલું સરળ નથી, દીકરા. ખૂબ મહેનત માંગી લે છે. આજે શું કહીશ?

- હજી ઘણું કહેવાનું બાકી છે. સાચું કહું તો, મેં ક્યારેય કોઈ સાથે ખુલ્લા દિલથી વાત નથી કરી, લખવાનો તો સવાલ જ નહોતો. હા, શરૂઆતમાં હું સ્મૃતિને પત્ર લખતો હતો.

- વાહ! એકાદ નમૂનો મોકલ.

- હવે તો ક્યાંથી અવેલેબલ હોય? પત્ર લેખનની પણ મજેદાર વાત છે.

- મારે સાંભળવી છે. 

- લાલ દરવાજા બસ સ્ટેન્ડ નજીક 'પારેખ્સ' સ્ટોર્સ હતો, યાદ છે તને?

- હા, યાદ છે.

- ત્યાં પ્રેમ વિશેના સરસ ક્વૉટેશન્સ સાથે નાના નોટપેડ્સ મળતા. તે ખરીદીને પછી તેમાંથી કૉપી કરીને હું સ્મૃતિને પત્ર લખતો હતો.

- વાહ! પ્રેમ-પત્રમાં પણ કૉપી? હદ કહેવાય યાર!

- શું કરત? ભણવા-ગણવાથી તો આમેય દૂર હતો! વળી પત્ર લખવાની શરૂઆત સ્મૃતિએ કરી હતી.

- તું ગજબનો માણસ છે, ઐશ. જો કોઈ શરૂ કરે, તો જ વાત બને!

- તેમાં તો મેં તને અને તેં મને ગુમાવ્યો!

- જોયું? મને ચીડવવાની એક પણ તક તું જવા દેતો નથી!

- ઓહહો! તું તો સાચે ચિડાઈ ગઈ. ચલ મારી વાત કહું છું. સ્મૃતિ મારા કરતાં ઘણી વધારે સ્માર્ટ હતી, હજી પણ છે. હું બધેજ તેની પ્રશંસા કરું છું. તેને બધું યાદ રહે છે. દરેકનો ફોન નંબર પણ તેને બાય હાર્ટ હોય છે. મને કશું યાદ નથી રહેતું.

- આમ ભૂલકણો પણ આમ ઘણું યાદ છે તને! સ્મૃતિને મારી સલામ કહેજે. તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તેણીએ તને સાચા દિલથી પ્રેમ કર્યો છે, અશ્વિન. પોતાના પરિવારની ખુશી માટે ખૂબ જ દુઃખ અને તકલીફો વેઠી છે.

- સાચું કહ્યું તેં, મલ્લિકા. માતા-પિતા અને પાંચ ભાઈ-બહેન અને ભાભી મળીને આઠ જણનું અમારું કુટુંબ હતું. લગ્ન પછી સ્મૃતિ અમારે ઘેર આવી. અહીંનુ વાતાવરણ તેના ઘરથી ખૂબ જ અલગ હતું.

- અલગ રહેણી-કરણી અને ધાર્મિક વિભિન્નતાઓની વચ્ચે શરૂઆતમાં એડજસ્ટમેન્ટ કરવું મુશ્કેલ હોય છે.

- પપ્પાની નોકરીને કારણે અમે વી.એસ. હોસ્પિટલનાં સ્ટાફ ક્વાર્ટર રહેતા હતાં, જે ખૂબ જ નાનું હતું. મા ના કહેવાથી અમે જીવરાજ પાર્ક ખાતેના અમારા હાઉસમાં રહેવા ગયા, જે ખાલી હતું.

- થોડા જ દિવસોમાં મને ઇસરોમાં જૉબ મળી ગઈ. સ્મૃતિને પણ બી.એમ. ઇન્સ્ટિટ્યૂટમાં રિસેપ્શનિસ્ટની જૉબ મળી ગઈ. સાથે સાથે તે દૂરદર્શનમાં ન્યૂઝ રીડરનું કામ પણ કરવા લાગી, એટલે થોડી રાહત થઈ. 

- એટલે કે સંસારની ગાડી પાટા પર આવી રહી હતી.

- એટલું આસાન નહોતું મલ્લિકા, પહેલી પ્રેગ્નન્સીમાં સ્મૃતિને ત્રીજા મહિનામાં મિસકેરેજ થઈ ગયું. 1979 માં પુત્રી હીરવા નો જન્મ થયો. આ દરમ્યાન પપ્પા રિટાયર થયા અને આખો પરિવાર આ હાઉસમાં શિફ્ટ થયો.

- એટલે કે ફરીથી નવું એડજસ્ટમેન્ટ. આપણી સંસ્કૃતિમાં લગ્ન પછી દીકરી જ પોતાનું ઘર છોડીને સાસરે જાય છે, એટલે એડજસ્ટમેન્ટ પણ તેના ભાગે જ આવે છે.

- હું હંમેશાં તેનો પક્ષ લેતો, પરંતુ નાટકના રિહર્સલ્સના કારણે મારે મોડી રાત સુધી બહાર રહેવું પડતું. મોડેથી ઘરે આવું તો તે રડવા લાગતી. જો ઘરના કોઈ કાંઈ કહે કે હું કંઈ કહું તો પણ તે રડવા લાગતી. હું એક દીવાલ બનીને તેનો બચાવ કરતો, છતાં પણ તે વાત-વાતમાં રડતી રહેતી. હું મૂંઝાતો અને ગુસ્સો પણ કરતો.

- દરેક સ્ત્રી આવી જ ઇમોશનલ હોય છે. હું સ્મૃતિના સ્થાને હોત અને આ રીતે જો તું મોડી રાત સુધી બહાર રહેતો હોત તો હું પણ રડતી હોત, યાર! એ કોઈ નાની વાત નથી કે સ્મૃતિએ અભિનયને કારકિર્દી ન બનાવી, ફક્ત ઘર અને પરિવારને જ મહત્વ આપ્યું! 

- સાચી વાત. દીકરીના જન્મ પછી તેણીએ એના ઉછેર તરફ જ ધ્યાન આપ્યું. બીજું, તે એક અલગ માહોલમાંથી આવી હતી, મોટા ઘરની દીકરી હતી. કદાચ તે મારા પરિવારના સભ્યો સાથે એડજસ્ટ નહોતી થઈ શકતી. 

- શરૂઆતમાં આવું બનવું બહુજ સ્વાભાવિક છે, અશ્વિન. કોઈ પણ દીકરી પોતાનું ઘર, પરિવાર, મિત્રો, બધું જ છોડીને એક નવા માહોલમાં આવે ત્યારે તેને એડજસ્ટ થવામાં પરિવારના બધા સભ્યોએ સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ.

- હું તારી સાથે સંમત છું મલ્લિકા. મારી પાસે સ્કૂટર પણ નહોતું, કોઈકવાર અમે સાંજના સમયે સાયકલ પર દીકરીને સાથે લઈને, અમારા મિત્રોને મળવા જતા અને જો પાછા ફરવામાં મોડું થાય તો મા ને ખૂબ ચિંતા થતી. એક તો અમારી સોસાયટી રિમોટ એરિયામાં હતી, રસ્તાઓ પણ સારા નહોતા. 

- મા ની ચિંતા પણ સ્વાભાવિક હતી.

- થોડા જ સમયમાં, મારા સસરાજીએ સ્મૃતિને અમેરિકા લઈ જવાની બધી તૈયારીઓ કરી લીધી.

- તેં શું કર્યું? 

- પહેલા તો મેં સ્મૃતિને રોકી, પછી મને થયું કે તેણીએ બાળપણમાં જ પોતાની માતા ગુમાવી છે, તે પોતાના પિતા અને ભાઈઓને મળવા ઈચ્છે છે તો મારે તેને રોકવી ન જોઈએ. તેને પણ અહીં આવવું હતું.

- પછી?

- જે દિવસે ન્યૂયોર્ક જવા માટે સ્મૃતિને મૂકવા હું બોમ્બે જઈ રહ્યો હતો ત્યારે ટ્રેનમાં લિટરલી હું રડતો રહ્યો અને તેને ન જવા માટે મનાવતો રહ્યો. તેની સાથે અમારી સવા વર્ષની પુત્રી હીરવા પણ જઈ રહી હતી.

- પછી?

- પછી તે માની પણ ગઈ.

- અશ્વિન, હું સમજી શકું છું, તેના મનમાં પણ કેવું દ્વંદ્વ ચાલી રહ્યું હશે. 

- તે વિઝિટિંગ વિઝા પર જઈ રહી હતી, તેથી મેં વિચાર્યું કે વધુમાં વધુ છ મહિનાની તો વાત છે. તેણીને તેના પિતા અને ભાઈઓને મળવાની તક મળશે અને પાછી પણ આવી જશે. મને જરા પણ શંકા ન આવી કે તે પાછી નહીં આવી શકે! 

- તેને પણ નહીં આવી હોય, ઐશ. સમયે તમારા બંને સાથે દગો કર્યો અને સંજોગો તમારી ફેવરમાં ન રહ્યા.

- છ મહિના તો હું રાહ જોતો રહ્યો કે તે પાછી આવી જશે. જ્યારે હકીકતની જાણ થઈ, ત્યારે મારી પાસે ત્યાં પહોંચ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. કશમકશમાં જ લગભગ ત્રણ વર્ષ વીતી ગયા. મેં વિઝા માટે પ્રયત્ન શરૂ કર્યા. 

- વિચાર કર, તે સમય સ્મૃતિ માટે પણ કેટલો પીડાદાયક રહ્યો હશે?

- ખરેખર, તેણીએ મારા કરતા ઘણું વધારે સહન કર્યું. લગભગ ત્રણ વર્ષ તે તેના પિતા અને ભાઈઓ સાથે ન્યૂયોર્ક રહી, ત્યારબાદ દીકરીને સાથે લઈને એલ.એ. માં મારા ભાઈ-ભાભી પાસે ચાલી આવી.

- ઓહ માય ગૉડ! શું કહે છે અશ્વિન? કદાચ તેને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે તું ન્યૂયોર્ક એના પિતા કે ભાઈઓ પાસે જવાનું પસંદ નહિ કરે.

- શક્ય છે. તે સમયે ફક્ત પત્રોથી જ વાતચીત થઈ શકતી હતી. ભાઈ-ભાભી 1981 માં અહીં આવ્યા હતા. તેમનાં બંને બાળકો અમદાવાદમાં મારા પેરેન્ટ્સ સાથે રહેતા હતા.

- પછી?

- બાળકો 1983 માં એલ.એ. આવ્યા. હવે ભાઈનું ઘર પણ નાનું જ હતું. તેમણે થોડા સમય પછી સ્મૃતિ માટે એક મોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. મોટેલ જાણે છે ને?

- સાંભળ્યું છે, લાંબા અંતરના પ્રવાસીઓ માટે રાતે રહેવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. મોટાભાગની મોટલો રોડની બાજુમાં હોય છે, જ્યાં રૂમની સાથે ઓપન પાર્કિંગ સ્પેસ પણ હોય છે.

- સાચું સાંભળ્યું છે. અહીંની લગભગ એંશી ટકા મોટેલ ઇન્ડસ્ટ્રી ગુજરાતના પટેલો પાસે છે.

-  હમ્મ....અહીં સ્મૃતિએ શું કરવાનું હતું ?

- મોટેલનાં માલિક એક વૃદ્ધ પટેલ અંકલ હતા. તેઓ અંગ્રેજી નહોતા જાણતા. તેમને એવી વ્યક્તિની જરૂર હતી જેને અંગ્રેજી આવડતું હોય. સ્મૃતિએ અંગ્રેજી ઓનર્સ સાથે બી.એ. કર્યું હતું. તેણી અંકલને પેપરવર્કમાં મદદ કરતી હતી. લગભગ ચાર વર્ષ પછી હું મારા પરિવારને મળ્યો ત્યારે દીકરી પાંચ વર્ષની થઈ ગઈ હતી!

- હું તે સમયની તારી લાગણીઓને અનુભવી શકું છું, આશુ.

- ઇન્ડિયામાં જનરલી એ જ વિચાર પ્રવર્તે છે કે અમેરિકા એક સ્વપ્ન ની દુનિયા છે. સત્ય એ છે કે ભલભલાના સ્વપ્ના અહીં આવીને ચકનાચૂર થઈ જાય છે.

- મારી ઓફિસના સહ-કર્મચારી નવીન બેંકર જેઓ પોતાના પરિવાર સાથે ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં સ્થાયી થયા છે, તેઓ અમેરિકામાં વસતા ભારતીયોના જીવનની અંધારી બાજુ વિશે તેમના બ્લોગ પર લખે છે.

- લખવું જ જોઈએ જેથી આપણા દેશના લોકો વાસ્તવિકતા જાણી શકે. 

- મોટેલ પર પહોંચીને કેવું લાગ્યું ?

- વીસ રૂમ્સની મોટેલ હતી. અમારે રહેવા માટે એક નાનકડો રૂમ હતો. એમાં જ બેડ, કિચન બધું. સ્મૃતિને એક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં શેફનું કામ પણ મળ્યું હતું અને મારી પાસે તો કામનો કોઈ વિકલ્પ જ નહોતો.

- ત્યાં જઈને તારા નસીબમાં સંઘર્ષ જ આવ્યો.

- અમે બંને સતત સંઘર્ષ કરી રહ્યા હતા. પછીથી મને નર્સિંગ આસિસ્ટન્ટની જૉબ મળી, તેની વાર્તા પછી કહીશ. હીરવાના જન્મનાં લગભગ બાર વર્ષ પછી ડિસેમ્બર 1991 માં નાની દીકરી પ્રિયાનો જન્મ થયો. દીકરીના ઉછેર માટે સ્મૃતિએ જોબ છોડી દીધી. લગભગ અગિયાર વર્ષ સુધી સ્મૃતિ એ જોબ ન કરી. હજી પણ જોબ ન કરે તો સોશ્યિલ સિક્યોરિટીનો બેનિફિટ ન મળે. તેને કામ કરવું હતું પણ એક ઉમર પછી ફિજિકલ વર્ક થકવી નાખતું હોય છે. એક તો આપણે આવા કામથી ટેવાયેલા હોતા નથી.

- સ્મૃતિએ શું કર્યું?

- મેં તેને કોઈ અન્ય કામ પસંદ કરવાનું કહ્યું. વર્ષ 2004 માં તેણે ટીચર્સ એઇડનો કોર્સ કર્યો અને તેને શાળામાં ટીચર આસિસ્ટન્ટની જૉબ મળી ગઈ.

- એટલું સારું હતું કે ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ તારી દીકરીઓએ સારું શિક્ષણ મેળવ્યું છે અને સારી જૉબ પણ કરી રહી છે.

- તેના માટે હું સ્મૃતિનો ખાસ આભારી છું. તેણીએ પોતાનું તમામ ધ્યાન દીકરીઓના ઉછેર પર કેન્દ્રિત કર્યું કારણ કે અહીં આવ્યા પછી શરૂઆતના વર્ષોમાં મારે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. બાર કલાકની શિફ્ટમાં કામ કરવાને કારણે હું મારા પરિવારને સમય આપી શક્યો નહીં.

- તને એ બાબતનો ખૂબ અફસોસ પણ છે કે તું પત્ની અને દીકરીઓને સમય આપી શક્યો નહિ.

- વિધિની વિડંબના જ કહીશ મલ્લિકા, આજે પણ જ્યારે દીકરીઓ અને સ્મૃતિ સવારે કામ પર જાય છે, ત્યારે

હું આખો દિવસ ઘરે એકલો જ હોઉં છું અને જ્યારે હું વીકએન્ડ પર કામ પર જાઉં છું, ત્યારે તેઓ ઘરે હોય છે. હું વીકએન્ડ પાર્ટી મિસ કરું છું.

- તમારો પતિ-પત્નીનો પ્રેમ સંઘર્ષની વેદી પર બલિ ચઢી ગયો, અશ્વિન!

- છતાં આપણી સંસ્કૃતિ હજી જીવંત રહી છે, મલ્લિકા. મારા કોલોન કેન્સરની સર્જરી વખતે સ્મૃતિ અને દીકરીઓએ મારી ખૂબ કાળજી લીધી. સ્મૃતિ દિવસ-રાત મારી સાથે હોસ્પિટલમાં રહી. દીકરીઓ મારી સાથે પ્રેમથી વાત કરે ત્યારે મને બહુ ગમે છે.

- તું પણ તારી દીકરીઓને એટલો જ પ્રેમ કરે છે.

- શરૂઆતમાં જ્યારે મારી પાસે કોઈ કામ નહોતું ત્યારે હું મોટી દીકરી હીરવા સાથે સમય વિતાવતો હતો. તેને તૈયાર કરીને સ્કૂલે મૂકવા જતો, સ્કૂલે લેવા જતો. એપાર્ટમેન્ટમાં તેની ઉંમરનું કોઈ બાળક પણ નહોતું કે જેની સાથે તે રમી શકે, તેથી હું જ તેની સાથે રમતો.

- અહીં એક પિતાનો નિઃસ્પૃહ સ્નેહ દેખાઈ રહ્યો છે.

- તે મારો મેકઅપ કરતી. મારા હોઠ પર લિપસ્ટિક લગાવતી. મારા વાળને સજાવીને ચોટલો વાળવાનો પ્રયત્ન કરતી. હું શાંતિથી તેને સહયોગ આપતો.

- કેટલી મીઠી યાદોને તેં તારા દિલમાં સાચવી રાખી છે, અશ્વિન!

- એકવાર તો તેણે મને હાથથી ચલાવવાનો પ્રયાસ કર્યો, મારા પગને સોફા પર પકડીને ઉભી રહી અને મને આગળ વધવાનું કહ્યું. જેવો હું થોડો આગળ વધ્યો કે તેના નાજુક હાથોમાંથી મારા પગ છૂટી ગયા અને જોરથી મારા અંગૂઠા જમીન સાથે અથડાયા!

- આટલી નાની છોકરી તારું વજન કેવી રીતે ઝીલી શકે ?

- જીદ તેની હતી તેથી હું તેને નારાજ કરવા માંગતો નહોતો.

- એ પણ સાચું. તું મારા પપ્પા જેવો છે, અશ્વિન.

- હું હીરવા સાથે બાસ્કેટબોલ પણ રમ્યો છું. આજે પણ મને એ વાતનું ઘણું દુઃખ છે કે હું મારી દીકરીઓને જોઈએ તેટલો સમય આપી શક્યો નથી.

- તેઓ પણ તારી આ પીડા અનુભવતાં હોવાં જોઈએ, ઐશ. 

- ચોક્કસ, પરંતુ અહીંની દિનચર્યા ખૂબ વ્યસ્ત હોય છે. ઓપરેશન પછી ઘરે આવીને પણ હું એકલતા સાથે ઝઝૂમી રહ્યો હતો અને ઈશ્વરે મને તારી સાથે મુલાકાત કરાવી આપી. તારા સિવાય મારા દિલની વાતો કોણ સાંભળત, મલ્લિકા?

- આજે ભલે હું તારી સાથે પ્રેમ ભરી વાતો કરીને તારા ઘા પર મલમ લગાડવાનો પ્રયત્ન કરું છું, પણ જ્યારે હું સ્મૃતિ વિશે વિચારું છું, ત્યારે મારા તન-મનમાંથી એક કંપારી પસાર થઈ જાય છે. સામાજિક સંકુચિતતાએ કેટલી ક્રૂરતાથી એક નિર્દોષ પુત્રીનાં સપનાંને કચડી નાખ્યાં. અશ્વિન, પ્રેમને અપરાધ કોણે ગણાવ્યો?

- વિભિન્ન જાતિ કે ધર્મનાં યુવક યુવતી જયારે લગ્ન કરે છે, ત્યારે તેમની સામે દર્શાવવામાં આવતો વિરોધ જ પ્રેમને અપરાધ ગણાવે છે અને દબાણ પણ લાવે છે કે આપણે આવા લગ્ન વિશે વિચારવું ન જોઈએ.

- મારો સોળમાં વર્ષનો ડર તારા જીવનમાં હકીકત બનીને આવ્યો. આજે પણ, તારા અવચેતન મનમાં એક અસીમ દર્દ કણસી રહ્યું છે. શું હિન્દુ, શું ખ્રિસ્તી! પ્રેમ વિશે આપણાં શાસ્ત્રોમાં શું લખાયું છે, દોસ્ત?

- આજ સુધી એ વાત મને સમજાઈ નથી કે એવી કઈ તાકાતો છે જે ધર્મના નામે પ્રેમનું ગળું ઘોંટી દે છે?

- પરિવારનો સપોર્ટ હોય તો સમાજનો ટેકો આપમેળે મળે છે. જો તને બંને પરિવારોનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો હોત, તો તારે આટલું સુંદર સંગીતમય જીવન છોડીને વિદેશની ભૂમિ પર આટલું સંઘર્ષમય જીવન વિતાવવું ન પડ્યું હોત! નિયમો અનુસાર જો વિદેશ ગયો હોત તો આટલી તકલીફો કદાચ સહન કરવી ન પડી હોત.

- 'લોકો શું કહેશે?' આ એક લાઈન જ આખી સિસ્ટમ પર ભારે પડે છે, મલ્લિકા. મારા અનુભવો તે દરેક યુવાન માટે માર્ગદર્શક બની શકે છે જે ઉતાવળમાં વિદેશ જવા માંગે છે. હાઈલી ક્વોલિફાઇડ લોકો, જેમની પાસે કોઈ ફિલ્ડની વિશેષ લાયકાતો હોય, તેમને સારી તક મળે છે, પરંતુ આપણા જેવા સામાન્ય લોકોના નસીબમાં ભયંકર સંઘર્ષ જ આવે છે. 

- જેઓ ત્યાં ગેરકાયદેસર રીતે રોકાઈ જાય છે, તેમની સ્થિતિ વધુ પીડાદાયક હોય છે ને? 

- હા, અમેરિકા જનાર દરેક વ્યક્તિ ડોલર કમાવાનું સપનું લઈને જાય છે અને તેની કિંમત રૂપિયામાં ગણે છે, પરંતુ એવું નથી વિચારતા કે ત્યાં રહેનાર વ્યક્તિએ ખર્ચ પણ ડોલરમાં જ કરવો પડે છે..

- સાચી વાત છે.

- જે લોકો ઇન્ડિયામાં સુખી જીવન જીવી રહ્યા હોય છે, તેઓ પણ આ ઝાંસામાં આવી જાય છે. અમેરિકા આવ્યા પછી તેમનું પ્રેમભર્યું જીવન બરબાદ થયું હોવા છતાં, તેઓ તેમના સંઘર્ષનું સત્ય દેશમાં રહેતા તેમના મિત્ર અથવા સંબંધીઓને કહી શકતા નથી. ફરીથી તેમનું જ કોઈ નીકળી પડે છે આ દેશ તરફ, પોતાનું સુખી જીવન બરબાદ કરવા માટે.

- આ ઉંમરે પણ તારે કામ કરવું પડે છે, એ જાણીને મારું હૃદય દ્રવી જાય છે, ઐશ. હમણાં તું જે જોબ કરી રહ્યો છે, એ તને કેવી રીતે મળી ?

- પહેલાં જે અંકલને ત્યાં મેં પાંચ વર્ષ કામ કર્યું હતું, તેઓ અહીંની એક ફેમસ ક્લબના મેમ્બર હતા. તેમની સાથે અવારનવાર ત્યાં જવાનું થતું હતું, તો ક્લબના મેનેજર સાથે મિત્રતા થઈ ગઈ હતી. આ જેન્ટલમેન પણ આ જ ક્લબના સભ્ય છે. તેમણે આ મેનેજરને પોતાની સંભાળ લેવા માટે, કોઈકની જરૂરિયાત વિશે વાત કરી અને તેણે મારું નામ સજેસ્ટ કર્યું.

- અને તેં હા કહી દીધી.

- મલ્લિકા, મારે હવે કામ કરવું નહોતું, પણ તું તો જાણે છે કે અહીંયા દરેકને કામ કરવું પડે છે. સ્મૃતિ અને દીકરીઓ સવારે જ તેમની જોબ પર જતાં રહે છે. હું ઘરે એકલો ખૂબ બોર થતો હતો. મારી સર્જરી પછી હું ઊંડી હતાશામાં ડૂબી ગયો હતો. વાત કરવા માટે કોઈ ન હતું. મેં વિચાર્યું કે આખા વીકનું કામ કરી શકીશ નહિ, પરંતુ જો વીકએન્ડ પૂરતું આ કામ લઈશ, તો સમય પસાર થશે.

- તારી સ્પષ્ટતા કાબિલ-એ-તારીફ છે, બન્ધુ. હવે તારો સૂવાનો સમય થઈ ગયો છે. ગુડ નાઇટ.

- ગુડ નાઇટ, ડિયર. તારો દિવસ શુભ હો.