Sapnana Vavetar - 52 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 52

સપનાનાં વાવેતર પ્રકરણ 52

ઘરે લગ્ન પ્રસંગ હોવાથી અનિકેતનું ઘર અત્યારે ભર્યું ભર્યું હતું. સવારે ૮ વાગે ચાનો ટાઈમ થયો એટલે ઘર પરિવારના લોકો અને રાજકોટનો પરિવાર બધા જ ચા નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા હતા. જૂના મહારાજ અને શંકર મહારાજે ભેગા થઈને ગરમાગરમ બટેટાપૌંઆ અને ચા બનાવી હતી.

ગઈકાલ રાતનો ઉજાગરો હોવા છતાં પણ અનિકેત અને શ્રુતિ પણ નાહી ધોઈને ટેબલ ઉપર આવી ગયાં હતાં.

" અનિકેત બેટા તમારે હનીમુન માટે ક્યાંય હિલ સ્ટેશન જવું હોય તો આજે જ ટિકિટ બુક કરાવી દો. કારણ કે વેકેશન હોવાથી અત્યારે રિઝર્વેશન જલ્દી નહીં મળે. " પપ્પા પ્રશાંતભાઈ બોલ્યા.

"ના પપ્પા મારે રાત્રે શ્રુતિ સાથે આ બાબતે વાતચીત થઈ ગઈ છે. અત્યારે હાલ તો ક્યાંય પણ જવાની ઈચ્છા નથી." અનિકેત બોલ્યો. સામે જ શ્રુતિ બેઠી હતી.

"તો પછી ક્યાંક વિદેશ ફરી આવો. તું અમેરિકા રહ્યો છે પણ શ્રુતિને તો એકવાર વિદેશ લઈ જા. બસ આ જ એક પ્રસંગ છે કે તમે થોડા દિવસ હરી ફરી શકો. પછી ધંધામાં બીઝી થઈ ગયા પછી સમય જ નહીં મળે. બીજે ક્યાંય ના જવું હોય તો પછી થોડા દિવસ અભિષેકના ઘરે કેનેડા વાનકુંવર જાઓ. ધારા પણ ત્યાં જ છે." મનીષ અંકલ બોલ્યા.

" હા હા ચોક્કસ જઈશું અંકલ પણ હમણાં તો ક્યાંય જવાનો વિચાર નથી." અનિકેત બોલ્યો.

એ પછી પાંચ દસ મિનિટ સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. થોડી વાર પછી હરસુખભાઈ અનિકેત સામે જોઈને બોલ્યા.

" અનિકેત કુમાર એકાદ અઠવાડિયા પછી રિવાજ પ્રમાણે લગન પછી પગફેરા માટે શ્રુતિને તમારે રાજકોટ મૂકી જવી પડશે. ભલે પછી તે બે ચાર દિવસ રહે કે મહિનો રહે. "

" હા દાદા અઠવાડિયા પછી ગમે ત્યારે હું શ્રુતિને લઈને આવી જઈશ. એની ઈચ્છા હશે એ પ્રમાણે રહેશે. " અનિકેત બોલ્યો.

એ પછી ચા પાણી પીવાઈ ગયાં એટલે આ બધી ચર્ચા પણ પૂરી થઈ ગઈ. એ જ સવારે ૧૧ વાગે રાજકોટના પરિવારનું ફ્લાઈટ હતું એટલે એ લોકો ન્હાઈ ધોઈને રાજકોટ જવા માટે નીકળી ગયા. અનિકેત અને દેવજી બે ગાડીઓ લઈને એમને એરપોર્ટ સુધી મૂકી આવ્યા.

એ પછીના ત્રીજા દિવસે ધીરુભાઈ શેઠ, પ્રશાંતભાઈ અને હંસા ત્રણે જણાં રસોઈયા સાથે થાણા જવા માટે નીકળી ગયાં. મનીષભાઈ સુજાતા બિલ્ડર્સની કંપની સંભાળતા હોવાથી ફ્લેટમાં જ રોકાઈ ગયા.

લગ્ન પછી હનીમુનના ઉન્માદમાં અઠવાડિયાનો સમય ક્યાં પૂરો થઈ ગયો એ અનિકેત અને શ્રુતિને ખબર જ ના રહી. શ્રુતિને રાજકોટ મૂકી આવવાની હતી એટલે અનિકેતે બીજા દિવસની ફ્લાઈટની બે ટિકિટ બુક કરાવી દીધી અને બપોરે ૧૨:૩૦ વાગે રાજકોટ એરપોર્ટ પણ પહોંચી ગયાં. રઘુ એમને લેવા માટે આવી ગયો હતો.

" આવો આવો કુમાર." ગુફામાં બેઠેલા મનોજભાઈએ ઊભા થઈને જમાઈનું સ્વાગત કર્યું.

અનિકેત સામે સોફામાં જઈને દાદા હરસુખભાઇ પાસે બેઠો. પોતાની પણ પોતાની બેઠક લીધી.

" એક વાગી ગયો છે હવે તમે બંને જણાં હાથ પગ ધોઈને જમવા બેસી જાઓ. ગરમા ગરમ રસોઈ તૈયાર જ છે." દાદા બોલ્યા.

" તમે લોકો પણ જમ્યા નથી એટલે તમે પણ અમારી સાથે જ બેસી જાઓ દાદા " અનિકેત બોલ્યો અને ઉભો થયો.

આખો પરિવાર એક સાથે જ જમવા બેસી ગયો. શ્રુતિએ મમ્મીને પણ જમવા માટે બેસાડી દીધી અને પોતે પીરસવા લાગી. ઉનાળાની સીઝન હતી એટલે આજે કેસર કેરીનો રસ રોટલી અને ભરેલાં કારેલાંનું શાક હતું. અનિકેતને જમવાની બહુ જ મજા આવી.

જમ્યા પછી શ્રુતિ અનિકેતને ઉપર બેડરૂમમાં આરામ કરવા લઈ ગઈ અને પોતે જમવાનું બાકી હોવાથી નીચે પાછી આવી.

સાંજે સાડા ચાર વાગે ચા પાણી પીને અનિકેત અને શ્રુતિ ગાડી લઈને રાજકોટમાં ફરવા માટે નીકળ્યાં. સૌ પ્રથમ નજીકના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યાં અને પછી રેસકોર્સ બાજુ ગાડી લઈ લીધી.

રાજકોટમાં સાંજના સમયે રેસકોર્સ એ ફરવાનું સ્થળ છે. સાંજના સમયે ઘણા બધા યુવક યુવતીઓ અને પરિવારો અહીં ફરતાં જોવા મળે છે.

અનિકેત અને શ્રુતિ સૌ પ્રથમ ફૂડકોર્ટ ગયાં અને થોડું જંકફૂડ ખાઈ લીધું. એ પછી મનગમતા આઇસક્રીમની પણ મજા માણી.

એ પછી જ્યાં ખાસ ભીડ ન હતી એવી એક શાંત જગ્યાએ પાણીપુરી ની લારીવાળો ઉભો હતો. શ્રુતિની ખાસ ઈચ્છા પાણીપૂરી ખાવાની હતી એટલે બંને જણાં ત્યાં પાણીપૂરી ખાવા માટે ઊભાં રહ્યાં.

પાણીપૂરી ખાતાં ખાતાં અનિકેતે જોયું કે એમનાથી લગભગ ૨૦ ૨૫ ફૂટ દૂર કોઈ પૈસાદાર નબીરો બે છોકરીઓને પજવી રહ્યો હતો. યુવાનની ક્રેટા ગાડી થોડેક દૂર ઊભી હતી અને એના બે મિત્રો અથવા સાગરીતો પણ ગાડીની બાજુમાં ઊભા હતા અને આ બધું જોઈ રહ્યા હતા.

એ બે ખૂબસૂરત દેખાતી છોકરીઓ એકટીવા ઉપર જતી હતી એમને રોકી હતી. યુવાને એમનું એકટીવા બંધ કરી દીધું હતું અને કંઈક જીભાજોડી ચાલતી હતી. પેલી છોકરીઓમાં પાછળ બેઠેલી છોકરી નીચે ઉતરી હતી અને પેલાને બે હાથ જોડી રહી હતી. યુવાન એની નજીક ને નજીક ગયો અને એણે પેલી છોકરીના ખભા ઉપર હાથ મૂક્યો.

હવે અનિકેતને રહેવાયું નહીં. એ પાણી પૂરી ખાવાનું છોડી લગભગ દોડતો જ પેલી છોકરીઓ પાસે જઈને ઉભો રહ્યો અને બોલ્યો.

" તમે જરા પણ આનાથી ડરો નહીં. અને તું કેમ આ છોકરીઓની પાછળ પડ્યો છે ? પૈસાનો રુઆબ બતાવે છે ? શરમ નથી આવતી તને આ રીતે છોકરીઓની છેડતી કરતાં ? " અનિકેત સહેજ ગુસ્સાથી બોલ્યો.

" એ તું હાલતીનો થા ને ! અમારી વચ્ચે પડીશ તો નકામું તારું ઢીમ ઢળાઈ જશે. તું હજી મને ઓળખતો નથી. " પેલો ૨૨ ૨૩ વર્ષનો દેખાતો નબીરો ગુસ્સાથી અનિકેત સાથે તું તારી થી વાત કરવા લાગ્યો.

" તમે બંને આને ઓળખો છો ? કોણ છે આ ?" હવે છોકરીઓ સામે જોઈને અનિકેતે સવાલ કર્યો.

" હા. એ અમારી જ કોલેજમાં ભણે છે સર. લાસ્ટ યરમાં ભણતો સિનિયર સ્ટુડન્ટ છે. બધી રૂપાળી છોકરીઓને આ રીતે હેરાન કરે છે. પોતાની સાથે સંબંધ રાખવા માટે અમને દબાણ કરે છે. એના સગા કાકા અહીં રાજકોટના કોઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે એટલે એના વિશે કોઈ ફરિયાદ નથી કરી શકતું. " પેલી છોકરી બોલી.

"હમ્ ... બોલ ભાઈ હવે તારે શું કરવું છે ? તારી મનમાની તો હું નહીં જ થવા દઉં. હવે તું હાલતીનો થઈ જા. " અનિકેત એની જ ભાષામાં બોલ્યો.

પેલી છોકરીઓની સામે યુવાન આ અપમાન સહન કરી શક્યો નહીં. આજે પહેલી વાર કોઈએ એને લલકાર્યો હતો. એ ભયંકર ગુસ્સે થયો. એણે અનિકેતને મારવા માટે પોતાનો ડાબો હાથ ઉગામ્યો.

પણ આ શું !! ઉગામેલો હાથ લકવા પડી ગયો હોય એમ નીચે લટકી ગયો. પેલો યુવાન હાથની દશા સમજે તે પહેલાં એણે અનિકેતને લાત મારવા માટે પોતાનો ડાબો પગ પણ જોરથી ઊંચો કર્યો. અને એનો એ પગ પણ પેરાલીસીસનો જોરદાર એટેક આવ્યો હોય એમ એકદમ ખોટો પડી ગયો. અને એ ધડામ કરતો નીચે પછડાયો.

યુવાનનું મોઢું વંકાઈ ગયું હતું. એ બોલી શકતો પણ ન હતો. એના મોઢામાંથી લાળ દદડવા માંડી. એને કંઈ સમજાયું જ નહીં કે આ બધું શું થઈ ગયું !

" નાલાયક તને કાયમ માટે લકવા મારી ગયો છે. દુનિયાનો કોઈ ડોક્ટર તને સારો નહીં કરી શકે. બસ આખી જિંદગી હવે આવી જ હાલતમાં પથારીમાં પડ્યો રહેજે. " અનિકેત યુવાનની સામે જોઈને બોલ્યો. પેલો સાંભળી રહ્યો હતો.

પેલી બંને છોકરીઓ પણ અનિકેતની આ તાકાત જોઈને અવાક થઈ ગઈ હતી.

" તમે લોકો હવે નીકળી જાઓ. હવે તમારે કોઈ ભય રાખવાની જરૂર નથી. આ હરામી હવે ક્યારે પણ તમારી સામે નહીં જુએ. " અનિકેત બોલ્યો અને એણે તરત જ ત્યાંથી ચાલવા માંડ્યું.

" અરે તમે ત્યાં કેમ ગયા હતા ? અને પેલો પડી કેમ ગયો ? " શ્રુતિ બોલી.

" એ પડી ગયો એ યુવાન છોકરીઓની છેડતી કરતો હતો. એના પાપનો ઘડો ભરાઈ ગયો એટલે એ પડી ગયો. ચાલો આપણે હવે અહીંથી ઝડપથી નીકળી જઈએ. થોડીવારમાં અહીં બધા ભેગા થઈ જશે. " અનિકેત બોલ્યો અને પાણીપૂરીના પૈસા ચૂકવી શ્રુતિ સાથે ઝડપથી પોતાની ગાડી પાસે જતો રહ્યો. ગાડી લઈને એ નીકળી ગયો.

એ યુવાનનું નામ હતું રણવીર. કોલેજના છેલ્લા વર્ષમાં એ ભણતો હતો અને આવારાગર્દી જ કરતો હતો. એના કાકા પ્રભાતસિંહ રાજકોટના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા. સગો ભત્રીજો હતો એટલે એ કોઈ અપરાધ કરે તો પણ એને બચાવી લેતા હતા.

રણવીર પડી ગયો એટલે એના બંને દોસ્તો પણ નજીક આવ્યા પરંતુ રણવીરની હાલત જોઈને એ પણ ચમકી ગયા. પેલો યુવાન કોણ હતો અને રણવીર કેમ પડી ગયો એ વિશે આ બંને કંઈ જાણતા ન હતા. રણવીર પોતે પણ કંઈ બોલી શકતો ન હતો.

એમણે રણવીરને ઊંચકીને એની ગાડીમાં બેસાડ્યો. જે મિત્રને ગાડી ચલાવતાં આવડતી હતી એ એને નજીકની સિવિલ હોસ્પિટલમાં જ લઈ ગયો.

ઇમરજન્સીના ડોક્ટરે જોઈ લીધું કે રણવીરને પેરાલીસીસનો સિવિયર એટેક આવેલો છે. રણવીરને સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવ્યો અને તાત્કાલિક આલટેપ્લેઝનું ઇન્જેક્શન બાટલો ચડાવીને આપવામાં આવ્યું.

રણવીરના મિત્રોએ એના ઘરે અને પ્રભાતસિંહ અંકલને પણ ફોન કર્યો. થોડીવારમાં જ બધા હોસ્પિટલ આવી ગયા. પ્રભાતસિંહ એના મિત્રોને બધું પૂછ્યું.

" ના અંકલ કોઈ અજાણ્યો યુવાન રણવીર સાથે વાત કરી રહ્યો હતો અને અચાનક રણવીર નીચે પછડાઈ ગયો. પેલો યુવાન કદાચ ડરીને જ ભાગી ગયો. અમે લોકો દૂર ઊભા હતા એટલે એની ગાડીનો નંબર પણ જોઈ શક્યા નથી. બંને વચ્ચેની કોઈ વાતચીત પણ સાંભળી નથી. " રણવીરનો ફ્રેન્ડ બોલ્યો. એણે પેલી છોકરીઓવાળી વાત છૂપાવી દીધી.

રણવીરને દાખલ થયે ત્રણ દિવસ થઈ ગયા છતાં દવાની કોઈ જ અસર દેખાતી ન હતી. એક ટકાનો પણ સુધારો ન હતો. એ બોલી શકતો ન હતો. મોઢામાંથી લાળ ટપકતી હતી અને જમવા માટે પણ નળી દ્વારા માત્ર પ્રવાહી આપવામાં આવતું હતું.

ડોક્ટરે એનો એમઆરઆઈ કાઢ્યો અને ન્યૂરો ફિઝિશિયનને બતાવ્યો. પરંતુ કોઈ સ્ટ્રોકના લક્ષણો પણ ન હતાં. બ્રેઈન એકદમ નોર્મલ હતું. ડોક્ટરોને પોતાને પણ સમજાતું ન હતું.

અનિકેત અને શ્રુતિ સાંજે ઘરે પહોંચી ગયાં. બપોરે ભારે જમણ જમ્યા હતા એટલે અત્યારે સાંજે શ્રુતિએ અનિકેત માટે ભાખરી ફ્લાવર બટેટાનું શાક ખીચડી અને છાશ બનાવ્યાં હતાં. અનિકેતની શ્રુતિનું આ મેનુ ગમ્યું. વહેલી સવારે અનિકેત મુંબઈ જવા માટે નીકળી ગયો. શ્રુતિ પોતેજ એને એરપોર્ટ સુધી મૂકી આવી.

બીજા દિવસથી અનિકેત પોતાના કામે લાગી ગયો. હમણાં જ મનીષ અંકલે જૂહુ સ્કીમના જે પ્લોટનો સોદો કર્યો હતો ત્યાં જે ટાવરો બનાવવાનાં હતાં એની ડિઝાઇન એણે ચાર દિવસની મહેનત પછી બનાવી. એ પોતે અમેરિકા જઈને આર્કિટેક્ચરનું ભણી આવ્યો હતો.

એ પછી બે દિવસ માટે એ થાણા પણ રહી આવ્યો અને મુલુંડની ઓફિસમાં બેસીને લગભગ પૂરી થઈ ગયેલી આકૃતિ ટાવરની સ્કીમ વિશે પોતાના સ્ટાફ પાસેથી ફીડબેક મેળવ્યો અને જરૂરી સૂચનો પણ કર્યાં.

અઠવાડિયું થઈ ગયું એટલે એને રાજકોટ શ્રુતિને લેવા જવાનો વિચાર આવ્યો. કૃતિ અને શ્રુતિના સ્વભાવમાં ઘણો ફરક હતો. શ્રુતિ એકદમ નિઃસ્વાર્થી અને પરોપકારી હતી. એનામાં સેવાની ભાવના હતી અને અનિકેતનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. એને શ્રુતિની બહુ જ યાદ આવવા લાગી.

" દાદા અઠવાડિયાનો સમય થઈ ગયો છે. શ્રુતિને તેડવા જવી છે. તમે કહેતા હતા કે કોઈ સારા મુહૂર્તમાં જ એને તેડી લાવવાની છે તો પછી ક્યારે તેડવા જાઉં ? " સવારે ચા પીતી વખતે અનિકેત દાદાની સામે જોઈને બોલ્યો.

" મને ૧૫ મિનિટનો સમય આપ. હું આપણા શાસ્ત્રીજીને પૂછી લઉં છું પછી તને કહું છું. " દાદા બોલ્યા અને એમણે એમના શાસ્ત્રીજીને ફોન લગાવ્યો.

" વહુને લગન પછી પહેલી વાર ઘરે તેડી લાવવી છે તો નજીકમાં કોઈ સારો દિવસ હોય તો પંચાંગ જોઈને મને ફોન કરો ને ? "

અને દસેક મિનિટમાં જ શાસ્ત્રીજીનો ફોન ધીરુભાઈ શેઠ ઉપર આવી ગયો. એમણે દાદાજીને મુહૂર્ત કાઢી આપ્યું.

" બેટા તું આવતી કાલે જ રાજકોટ જવા માટે નીકળી જા. પરમ દિવસે એકાદશીનો દિવસ સારો છે. તો તમે બંને સાથે પરમ દિવસે જ મુંબઈ આવી જાઓ. " દાદા અનિકેત સામે જોઈને બોલ્યા.

અનિકેતે બીજા દિવસની પોતાની સિંગલ અને એ પછીના દિવસની બે રિટર્ન ટિકિટ બુક કરાવી દીધી. બપોરે સાડા બાર વાગે અનિકેત રાજકોટ પહોંચી ગયો પરંતુ આ વખતે એણે ભાભાના બદલે હોટલ ગ્રાન્ડ ઠાકર પસંદ કરી.

એક તો એને સાસરીયામાં બહુ સંકોચની સ્થિતિમાં રહેવું પડતું હતું અને બીજું ગ્રાન્ડ ઠાકરની બાજુમાં જ આવેલી સિવિલ હોસ્પિટલમાં પેલા રણવીરને જોવા પણ જવું હતું. એને પૂરતી સજા આપી દીધી હતી અને એને ખાતરી હતી કે બીજી વાર હવે છોકરીઓને રંજાડવાનું કોઈ સાહસ એ નહીં કરે. એની પોતાની શક્તિથી એને ખ્યાલ આવી ગયો હતો કે રણવીર સિવિલ હોસ્પિટલમાં છે.

હોટલમાં થોડોક આરામ કરીને અનિકેત ચાલતો ચાલતો જ સિવિલ હોસ્પિટલ ગયો. કોઈ એને ગાઈડ કરી રહ્યું હોય એમ એ સીધો રણવીરના ન્યુરો વોર્ડમાં જ ગયો. એણે પોતાની શક્તિઓથી રણવીરનું નામ પણ જાણી લીધું હતું.

અનિકેત સીધો રણવીરના બેડ ઉપર જ ગયો. એની હાલત ખૂબ જ દયાજનક અને લાચાર હતી. બાજુમાં એની મમ્મી બેઠી હતી. ખોરાક લેવા માટે નાકમાં નળી ભરાવેલી હતી. એની આંખો બંધ હતી.

" ઓળખાણ પડી બાપુ ? " અનિકેત બોલ્યો.

અવાજ સાંભળીને રણવીરે આંખો ખોલી અને અનિકેતની સામે જોયું. એ તરત જ એને ઓળખી ગયો. એને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય માણસ નથી. જતી વખતે એ કહીને જ ગયો હતો કે દુનિયાનો કોઈ જ ડૉક્ટર તને સારો નહીં કરી શકે.

એણે પોતાના બે હાથ જોડવા માટે કોશિશ કરી પરંતુ એક હાથ તો કામ કરતો જ ન હતો. એણે માત્ર જમણો હાથ ઊંચો કર્યો અને કંઈક બોલવા માટે કોશિશ કરી પણ બોલી જ ના શક્યો.

અનિકેતને દયા આવી અને એણે એના માથા ઉપર હાથ ફેરવ્યો. એના હાથ ઉપર હાથ ફેરવ્યો અને છેલ્લે એના પગ ઉપર પણ હાથ ફેરવ્યો. અને એ સાથે જ રણવીર એકદમ નોર્મલ થઈ ગયો. ડાબા હાથે જ રણવીરે પોતાના નાકમાંથી નળી કાઢી નાખી અને સટાક કરીને બેઠો થઈ ગયો.

હવે એણે પોતાના બે હાથ જોડ્યા. એની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં.

" હવે કોઈ છોકરીને હેરાન કરીશ ? મને જવાબ આપ. અત્યારે તને નોર્મલ કર્યો છે પરંતુ મારી નજર તારી ઉપર જ રહેશે. " અનિકેત બોલ્યો.

" ના સર મને માફ કરો. આજ પછી તમને મારી કોઈ જ ફરિયાદ નહીં મળે. હું મારી આ માના સોગંદ ખાઈને કહું છું. " રણવીર સાચા દિલથી બોલી રહ્યો હતો.

રણવીર એકદમ સારો થઈ ગયો એટલે એની માએ પણ અનિકેત સામે બે હાથ જોડ્યા.

" ભાઈ હું તમને ઓળખતી નથી પરંતુ તમે અત્યારે ભગવાન થઈને આવ્યા છો. તમે મારા દીકરાને માફ કરી દો. " રણવીરની મા બોલી.

" માસી તમે મને હાથ ના જોડો. હું પણ તમારા દીકરા જેવો જ છું. બસ એ સુધરી જાય તો મારે કંઈ કરવું જ નથી. " અનિકેત બોલ્યો.

"મેં મારી માના સોગંદ ખાધા છે સર." રણવીર ફરી બોલ્યો.

અનિકેત તરત જ ત્યાંથી નીકળી ગયો. જ્યાં સુધી એ ગેટની બહાર ગયો ત્યાં સુધી રણવીર એને એકી નજરે જોતો જ રહ્યો. કોણ હશે આ શક્તિશાળી યુવાન !!

હોટલ ઉપર આવીને અનિકેતે પેટ ભરીને જમી લીધું. ગ્રાન્ડ ઠાકરની રસોઈ ખરેખર ઘણી સારી હતી. એ પછી થોડો આરામ કરીને એણે શ્રુતિને ફોન લગાવ્યો કે પોતે એને લેવા માટે રાજકોટ આવી ગયો છે અને આવતી કાલે સવારે આપણે નીકળવાનું છે. એણે એ પણ કહ્યું કે પોતે હોટેલ ગ્રાન્ડ ઠાકરમાં ઉતરેલો છે.

"અરે પણ સીધા ઘરે ના અવાય ? હું ઘરે હતી તો ખરી પછી હોટલમાં ઉતરવાની ક્યાં જરૂર ? " શ્રુતિ મીઠા ઠપકાથી બોલી.

" તારી બધી વાત સાચી શ્રુતિ. પરંતુ મને સાસરામાં થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે છે. " અનિકેત નિખાલસતાથી બોલ્યો.

" કંઈ વાંધો નહીં પરંતુ સાંજે તો જમવા માટે તમારે અહીં જ આવવું પડશે. હું રાત્રે ૮ વાગે તમને લેવા આવીશ. " શ્રુતિ બોલી અને એણે ફોન કટ કર્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો