Savai Mata - 56 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 56

તા. ૧૨-૦૩-૨૪

રમીલા મા ને રીક્ષામાં બેસાડી ઉપર આવી અને સૂવાની તૈયારી કરવા લાગી. લગભગ વીસેક મિનિટ વીતી હશે અને તેનાં મોબાઈલ ફોન રણક્યો. ઉપાડીને જોતાં તે વીણાબહેનનાં કેન્દ્રનો નંબર હતો.

રમીલા: હેલ્લો!
સવલી: રમુ, મા બોલું. ઉં પોંચી ગઈ.
રમીલા : હા મા. હવે સવલી માસીને થોડી સાંત્વના આપજો. બધુંય સારું થઈ રહેશે.
સવલી: આ દીકરા. હવ તુંય હૂઈ જા. હવાર તારા બાપુ તમારું ભાતું બનાઈ દેહે.
રમીલા: હા, હા, મા. સૂઈ જ જાઉં છું. અને ચિંતા ન કરતી. અમે ભેગાં મળીને જમવાનું બનાવી લઈશું. કાલે થોડાં વહેલાં ઊઠીશું બધાં. ચાલ, હવે તું ય આરામ કર.

બેય તરફ બધાં પોઢી ગયાં. સવારે એલાર્મ વાગે તે પહેલાં પિતા-પુત્રી ઊઠી ગયાં. ચા-દૂધ તૈયાર કર્યાં, સમુ અને મનુને ઊઠાડ્યાં. નાસ્તો તો સવલી બનાવીને જ ગઈ હતી. નાસ્તો કરીને ચોળી-રીંગણ-બટાટાનું શાક બનાવી રમીલાએ બધાંનાં ટિફીનમાં ભર્યું. ત્યાં સુધીમાં તેનાં પિતાએ મઝાનાં બાજરીનાં રોટલા ઘડી, તેનાં સરખાં ટુકડા કરી ટિફીનમાં ભર્યાં. સમુ અને મનુ ટિખળ કરી ઊઠ્યા.

સમુ: "મા ઘેર હોય તો આપણે કામ કરવું પડે. રમુ દી અને પિતાજી તો ટાંકણે જ ઊઠે. આજે એ નથી તો આપણને જલસા જ છે."

મનુ: "ખાઈ- પી ને મોજ કરો."

ત્યાં સાંભળી રહેલી રમીલા બોલી, "તમારાં દફ્તર તપાસી લીધાં? એ તો જાતે જ કરવું પડશે. અને ઓય સમુ, ખાવાનું પૂરું કરીને જલ્દી આવ. હજી તારાં વાળ ઓળવાનાં છે."

છેલ્લી મઠરી મોંમાં લગભગ ખોસીને સમુ ઊભી થઈ, વાસણ સિંકમાં મૂક્યાં અને અંદરનાં ઓરડેથી કાંસકો અને રિબીન લઈએ રમીલા પાસે આવી ગઈ. રમીલાએ ચીવટથી તેનાં વાળ ઓળ્યાં અને મનુની નજીક જઈ તેનું શર્ટ સરખું કરી રહી. બેયનાં કપડાં તેણે વહેલી સવારે જ ઈસ્ત્રી કરી દીધાં હતાં.

સામાન્ય રીતે સવલી સાંજે આ કામ કરી લેતી પણ ગઈકાલે તેને સમય જ રહ્યો ન હતો.

મનુ બોલ્યો: રમુ દી, આ શનિ-રવિની રજામાં મને ઈસ્ત્રી કરતાં શીખવી દેજે. પછી તમારે કોઈને ચિંતા નહીં કરવાની. હું રોજ અમારાં બંનેનાં ગણવેશને ઈસ્ત્રી કરી દઈશ.

પિતા પોતાનાં ઠરીઠામ થઈ રહેલ દીકરાને ભાવ નીતરતી આંખે જોઈ રહ્યો. તેની ડાબી આંખનાં ખૂણે એક હૂંફાયેલું ટીપું આવીને અટકી ગયું. રમીલા પિતાની નજીક ગઈ અને હળવેથી એ ભીનાશ લૂછી રહી.

તે બોલી, "તમને મનુ ભણતો થઈ ગયો તેની ખુશી છે પણ ભાઈ મેવો કામકાજ નથી કરતો એનું દુઃખ પણ છે એની મને જાણ છે. બસ, થોડાં દિવસોની રાહ જુઓ. તેને પણ સારું કામ અપાવી દઈશું."

પિતાએ રમીલા તરફ સંતોષની નજરે જોયું અને બોલ્યા, "આ, ઈ તો તું કરીશ જ. મનં ભરોહો સ ઈન. તું ભણી નં અમન બધ્ધાંને ઉજાળ્યાં."

રમીલાએ હળવું સ્મિત આપ્યું ત્યાં મનુ બૂમ પાડી ઊઠ્યો," ચાલો, આજે અમને નીચે મૂકવા કોણ આવશે?"

પિતા સ્વસ્થતા ધારણ કરતાં બોલ્યા, "રમુને તિયાર થવા દઈએ. ઉં જ આવું સું. જરા પૂસૂં તો રિકસાવળા ભઈને, આ માર દીકરો સરખો રે' છ કે બધાંનં કનડે સ?"

સમુને મઝા પડી ગઈ. તે બોલી, "હા, હા. ચાલો તમે જ. આ મનિયો તો બીજાં છોકરાંઓને બેસવાની જગ્યા પણ નથી આપતો."

દફ્તર ભેરવી બેય ઘરબહાર નીકળ્યાં. પિતા તેમની પાછળ દોરાયો. રમીલાએ તેમને ઘરની ચાવી આપી અને જાતે ખોલીને અંદર આવી જવા કહ્યું જેથી તે તૈયાર થઈ શકે.

બેય ભાઈ-બહેન લિફ્ટમાં પણ મીઠો ઝઘડો કરતાં રહ્યાં. રિક્ષાવાળાને કોઈ પૂછપરછ ન કરતાં પિતાએ પોતાનાં બાળકોને સાચવીને લાવવા - લઈ જવાની વાત કરી. પિતા ઉપર આવી પોતાનાં ઓરડામાં ગયાં અને દુકાન જવા તૈયાર થયાં. આજે તેઓ થોડાં મોડાં જવાનાં હોઈ, રમીલા ઓફિસ જવા નીકળી ગઈ. ઓફિસ જતાં-જતાં રસ્તામાં આજનાં કામકાજની રૂપરેખાને છેલ્લો ઓપ આપતી રહી. પાર્કિંગમાં ગાડી મૂકીને લિફ્ટમાં પ્રવેશી. તેની સાથે લિફ્ટમાં ભૈરવી અને યોગિની પણ પ્રવેશ્યાં. આજે બે મહિને આ યોગાનુયોગ બન્યું.

બેય યુવતીઓ ખુશખુશાલ થઈ રમીલાનું અભિવાદન કરી રહી, "મેડમ, આપને મળીને આજે દિવસ ખરેખર ખૂબ જ સારો જશે. આપની કુશળતાની ઈશ્વરને પ્રાર્થના કરીશું."

રમીલાએ તેમનું અભિવાદન ઝીલતાં કહ્યું, "ખૂબ ખૂબ આભાર તમારાં બંનેનો. તમારો દિવસ પણ ખૂબ સુંદર રીતે પસાર થાય એવી ઈચ્છા રાખું છું."

તેમનો ફ્લોર આવી જતાં બધાં બહાર નીકળ્યાં. આજનો દિવસ બધાં માટે અનોખો હતો. ટ્રેઈનિંગ પૂર્ણ થતી હતી અને દરેક આવતીકાલથી પોતપોતાનાં પાર્લર અને સલૂનમાં નવી જ ઢબે, પ્રતિષ્ઠિત કંપનીના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સૌંદર્ય પ્રસાધનોથી પોતાનાં કાર્યને અલગ જ આયામ આપવાનાં હતાં. મિટીંગમાં સૂરજ સર, પલાણ સર અને બીજાં બે ડિરેકટર્સ પણ હાજર રહેવાનાં હતાં.

અડધો કલાક શરૂઆતનાં આયોજનમાં લાગ્યો. પછી બધાં જ ટ્રેઈની રાબેતા મુજબના વિશાળ ઓરડામાં પોતપોતાનાં સ્થાને ગોઠવાઈ ગયાં. મૈથિલી બીજાં ચાર કર્મચારીઓ સાથે ટ્રેઈનીને ભેટ આપવાનાં સૌંદર્ય પ્રસાધનોનાં પેકિંગ લઈને આવી. ટ્રેઈનીઝની સંખ્યા મોટી હોવાં છતાં મૈથિલીએ પોતાની નવી ટીમ સાથે મળીને બધી જ વ્યવસ્થા સુપેરે કરી લીધી હતી. બધાંનાં બ્રેકફાસ્ટ, લંચ અને સાંજના સ્નેક્સ તેમજ ચા-કોફીનાં ઓર્ડર કંપનીની કેન્ટિનમાં અપાઈ ગયાં હતાં.

મિટીંગ માટે કોમન હોલમાં બેઠકો તો કાયમી જ હતી એટલે તેમાં કાંઈ અન્ય વ્યવસ્થાની જરૂર ન હતી. આજે ડિરેકટર્સ પ્રથમ વખત કોમન હોલની આવી માસ મિટિંગ માટે પ્રત્યક્ષ હાજરી આપવાનાં હતાં એ આજની સૌથી મોટી નવી વાત હતી. આ પહેલાં આ કોમન હોલમાં કર્મચારીઓ સાથે મિટિંગ જે તે ડિપાર્ટમેન્ટ હેડ જ કરતાં. તેમાં જરૂર લાગે તો જ કોઈ ડિરેક્ટર ઓનલાઈન સંબોધન કરતાં. બાકી, મોટા ભાગે તેઓ મિટિંગનાં રિકોર્ડિંગ જોઈ લેતાં અને કાંઈ જરૂર લાગે તો સૂચન કરતાં.

મૈથિલી પોતાનાં મદદનીશ કર્મચારીઓની સાથે કોમન હોલમાં પહોંચી અને જેઓને બે મહિનામાં નિયમિતતાની આદત પડી ગઈ હતી એ બધાં ટ્રેઈની સમયસર આવી ત્યાં ગોઠવાઈ ગયાં. થોડાં તો સલૂકાઈથી મૈથિલીની મદદે પણ આવ્યા. આમ તો મૈથિલી પાસે પૂરતો સ્ટાફ હતો પણ તેણે તેમની મદદને અવગણી નહીં. તેઓએ બધાં જ ટ્રેઈની માટેનાં મઢેલાં પ્રમાણપત્રો, ગિફ્ટ બૉક્સીસ, પાણી, બ્રેકફાસ્ટનાં પેકેટ ગોઠવવામાં મદદ કરી. હવે, મૈથિલી પાસે એક મોટું કાર્ટન જ બચ્યું હતું જેમાં શું છે એની તેને અને રમીલાને જ જાણ હતી. અલબત, સૂરજ સર અને ડિરેકટર્સ તો જાણતાં જ હતાં આ કાર્ટનની અંદરની વસ્તુઓ વિશે.

બસ, હવે રાહ જોવાતી હતી રમીલા, સૂરજ સર અને ડિરેકટર્સની. સૂરજ સરનાં મોં ઉપર ચોખ્ખી નારાજગી વર્તાતી હતી.

તેઓએ રમીલાને કહ્યું, "તમને લાગે છે કે તેની વૃત્તિમાં કોઈ ફેરફાર થશે કે તેની વર્તણૂંકમાં કોઈ સકારાત્મકતા આવશે? હજીય મારું માનો અને આવો પ્રયોગ પડતો મૂકો."

આ તરફ રમીલાની સૂરજ સર સાથે એક મહત્ત્વની સંતલસ પૂરી થઈ. અને તેની કેબિનનું બારણું ખૂલ્યું અને બંનેને "ગુડ મોર્નિંગ, સર. ગુડ મોર્નિંગ, મેડમ", કહેતો મનન પ્રવેશ્યો. મનનને આમ સમયસર આવેલો જોઈ સૂરજ સરને નવાઈ લાગી.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED