"એક હતા વકીલ"( ભાગ -૨)
રમાબેન ખાલી ખાલી રિસાઈ ગયા.
વકીલ ચંદ્રકાંત બોલ્યા:-' સારું વિનોદને આરામ કરવા દે.પછી ચર્ચા કરીશ. પણ મને ચા પીવાની તલપ લાગી છે.'
બોલીને વકીલને કંઈક યાદ આવતા હસી પડ્યા.
રમાબેન:-' તમે કેમ હસ્યા? દાળમાં કાળું લાગે છે. ને વિનોદને સવારથી જોયો નથી. ચાલો પહેલા તમારા માટે ચા બનાવી લાવું. નહિતર તમારું માથું દુઃખવા લાગશે. સાંભળ્યું છે કે બહુ ચા પીવાથી ડાયાબિટીસ થાય છે. આ ડાયાબિટીસ એટલે શું?'
વકીલ:-' ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ.. જો આપણે મીઠી ચા પીતા નથી.ને ડોક્ટર ને પણ ખબર પડતી નથી કે એનો ઈલાજ કેવી રીતે થાય. આપણે દર અઠવાડિયે કારેલા જેવા શાકભાજી ખાઈએ છીએ. ને થવાનો હોય તો થાય.એના માટે ચા બંધ થોડી કરાય?'
રમાબેન:-' તમને કોઈ પહોંચી શકે નહીં.'
----------
વકીલ કમ ડિટેક્ટિવ ચંદ્રકાંતને ચા પીવાના શોખીન હતા.
એમાં વહેલાં ઉઠીને ચા પહેલા જોઈએ પછી જ દૈનિક પેપર વાંચતા હતા.
ગુજરાત સમાચાર એમનું ફેવરિટ પેપર હતું.
વહેલી સવાર પડી ગઈ હતી.
વકીલ ચંદ્રકાંત વહેલા જાગી ગયા હતા.
ન્હાઈ ધોઈને ચા ની રાહ જોઈ રહ્યા હતા.
વકીલ ચંદ્રકાંત:-' રમા...ઓ રમા..ચા તૈયાર કરી કે નહીં? થોડું આદુ નાંખજે. કડક ચા બનાવજે. હમણાં નવી નવી શરૂ કરેલી વાઘ બકરી ચા લાવ્યો છું એ ચા બનાવજે. બીજી ચા ના નાખતી.'
રમા બહેન:-' સારું થયું તમે કહ્યું. હું તો એ પહેલા માણેક ચોકમાંથી લાવેલી ચા વાપરવાની હતી. પણ આ વાઘ બકરી ચા મળે છે ક્યાં? આપણે તો કાયમ માણેકચોકમાંથી લાવીએ છીએ. ચા તૈયાર થવા આવી છે.તમે થોડી રાહ જુવો.'
ચંદ્રકાંત વકીલ:-' હાં પણ આ વખતે વાઘ બકરી લાવ્યો છું. આપણી દેખતા તોલીને આપે છે.અલગ અલગ પ્રકારની ચા રાખે છે. ચા લેવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે પણ મારો એક અસીલ આગળ લાઈનમાં હતો એટલે જલ્દી લેવાઈ હતી. આ વખતે કેવી લહેજતદાર બને છે એ જોવાનું છે.'
રમા બહેન:-' તમે ગમે તે બ્રાન્ડ લાવો તો પણ મારા હાથની ચા બધાને ગમશે એમાં તો મારા વ્હાલા દિયર ઉફ..એને તો હું મારો દિકરો માનું છું.પણ એને સવારથી જોયો નથી એ રાત્રે તો ઘરે હતો તમે બંને ગુસપુસ કરતા હતા એટલે મને શક હતો જ કે તમે સવારે એને બહાર દોડાવ્યો હશે. અરર..મારો વિનોદ આજે ચા વગરનો રહ્યો છે.એ આવે એટલે એના માટે સ્પેશિયલ ચા બનાવીશ.એકલા દૂધની જ.'
ચંદ્રકાંત વકીલ:-' અરે તને વાત કરવાની રહી હતી. એને સવાર સવારમાં થોડો બહાર આંટો મારવા મોકલ્યો છે.કેટલાય દિવસથી એ સવારે બહાર લટાર મારવા ગયો નથી એટલે મને થયું કે આ હેલ્થી શરીરમાં આળસ આવી જશે એટલે એને બહાર મોકલ્યો છે.'
રમા બહેન ચિંતામાં પડી ગયા.
માન ના માન બંને ભાઈઓ ખીચડી પકાવી રહ્યા છે.ચોક્કસ કોઈ કેસ માટે જ બહાર મોકલ્યો હશે. મારો ફૂલ જેવો દિકરો ચા નાસ્તો કર્યા વગર ગયો છે.એને જોયા વગર મારો દિવસ સારો જતો નથી.
ચાલને પુંછું કે ક્યાં લટાર મારવા ગયો છે?
રમા બહેન:-' ચાલો તમે સારું કર્યું પણ એને જોયા વગર મન બેચેન થઇ જાય છે. કેટલે સુધી ગયો છે? લાલ દરવાજા સુધી કે કાંકરિયા?'
ચંદ્રકાંત વકીલ હસી પડ્યા.
મનમાં બબડ્યા.
જ્યાં સુધી વિનોદનો ફોન ના આવે ત્યાં સુધી રમાને કહેવું નથી.
એને જોખમી કામ માટે મોકલ્યો છે. પણ થોડું સાચું કહેવું પડશે.
ચંદ્રકાંત વકીલે એમના દેશી ફોન સામે જોયું જાણે હમણાં જ વિનોદનો ફોન આવશે.
રમા બહેન ચતુર હતા.એ સમજી ગયા કે ચોક્કસ કોઈ કેસ માટે સવારે ગયો છે એના ફોનની જ રાહ જોતા હશે.
(મિત્રો તમને મારી કાલ્પનિક રચના ગમી હોય તો પ્રતિભાવ આપવા વિનંતી છે. )
- કૌશિક દવે