"એક હતા વકીલ"( ભાગ-૮)
વકીલ ચંદ્રકાંતનો નાનો ભાઈ વિનોદ એક અગત્યના કામે સવારે બહાર ગયો હતો.
રમા બહેન પોતાના દિયર માટે ચિંતા કરતા હતા અને વકીલ ચંદ્રકાંતની પાસે પૂછપરછ કરતા હતા ત્યારે નડિયાદથી રમા બહેનની સખીનો ફોન આવે છે.દિયર વિનોદની ગતિવિધિના કારણે તોફાની તત્વો તેમજ દેશદ્રોહી પકડાયા છે એ વાત રમા બહેન જાણે છે અને વકીલને આ માહિતી આપે છે..
હવે આગળ..
વકીલ ચંદ્રકાંત:-' એટલે વિનોદે કામ પૂરું કર્યું છે એનાથી મને આનંદ થયો. સારું થયું રમા કે તેં મને આ માહિતી આપી હતી.મને પણ વિનોદની ચિંતા હતી.એને એક ખાનગી કામ જે દેશ હિત માટે હતી એટલે મોકલ્યો હતો.એટલે તને કહ્યું નહોતું.કદાચ ફોન કરવાનો સમય મળ્યો નહીં હોય.ચાલો સારું થયું કે એ ષડયંત્ર કરનાર પાકિસ્તાની પકડાઈ ગયો.હવે વિનોદનો ફોન આવવો જોઈએ. અને કદાચ ઇન્સ્પેક્ટર ગોહિલનો ફોન પણ આવે.'
રમા બહેન:-' એટલે તમને બધી ખબર હતી અને મને કશું કહ્યું નહીં. આવી કેટલી વાતો ખાનગી રાખો છો? વિનોદની ચિંતા રહેતી નથી. હું પરણીને આવી ત્યારે વિનોદ નાનકડો હતો.પરણીને આવી એના બે વર્ષ પછી માતાશ્રી ધામમાં ગયા હતા. એ પછી વિનોદ મારી પાસે જ મોટો થયો છે.એ નાનપણથી મને ભાભી નહોતો કહેતો.એને મારામાં માતાશ્રી જ દેખાતા હતા એટલે મને નાનપણથી બા બા જ કહેતો હતો.આજે પણ આટલો મોટો થયો પણ કદી ભાભી કહ્યું નથી અને મેં ભાભી જેવી વર્તણૂક કરી નથી.એક માતા તરીકે જ એને પ્રેમ આપ્યો છે.હજુ પણ મને બા જ કહીને સંબોધે છે.આપણે કોઈ સંતાન નથી છતાં પણ મને સંતાન સુખ મળી ગયું છે.તમને લાગણીઓ શું છે એ ખબર પડવાની નથી. એક માતાને પોતાના સંતાનની કેટલી બધી ચિંતાઓ રહે છે એ ખબર પડતી નથી.'
આટલું બોલીને રમાબહેન લાગણીશીલ બની ગયા.
એમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી.
વકીલ ચંદ્રકાંતને લાગ્યું કે રમાની લાગણીને ઠેસ પહોંચી છે.
વકીલ ચંદ્રકાંત:-' આમ આંસુ ના સાર.વાત જ એવી હતી કે કહી શકાય એમ નહોતું. બાકી મોટેભાગે કહું જ છું કે એ ક્યાં જવાનો છે અને એની સાથે કોણ છે.'
આટલું બોલીને વકીલ ચંદ્રકાંતે દેવાનંદની સ્ટાઈલમાં ગીત ગાવા લાગ્યા.
ગાતા રહે મેરા દિલ
તું હી મેરી જિંદગી..
રમાબહેનના મુખ પર સ્મિત આવી ગયું.
બોલ્યા:-' હવે રહેવા દો.એમ કંઈ તમે દેવાનંદ નથી અને હું વહીદા રહેમાન નથી. ગાઈડ જોવા લઈ જવાના હતા પણ ટિકીટ મળતી નથી એમ કહીને છટકી જાવ છો. ગાઈડ ફિલ્મના ઓપનિંગ વખતે દેવાનંદ આવ્યો હતો છતાં પણ મને જોવા લઈ ગયા નહોતા. હવે બહાના બતાવશો. હું વિનોદને જ કહીશ કે તું મારી સાથે ચાલુ દિવસે જ જોવા આવજે. તમ તમારે એકલા કોર્ટમાં જજો. એ દિવસે વિનોદ નહીં આવે. ને આવતા રવિવારે તો ડાકોર એને લઈને જ જવો છે.પાછા વળતા પેલી દિપિકાને પણ જોઈ આવીશું.એક બીજી છોકરી પણ છે. દેવી નામ છે.મારી સખીની સગી છે. એ પણ યોગ્ય છોકરો શોધે છે.આ વર્ષે જ લો નું ભણી લીધું છે. તમે એકલા એકલા આનંદ કરજો. અમે તો પાકું કરીને આવીશું.'
વકીલ ચંદ્રકાંત:-' સારું સારું.. વિનોદ સાથે જજે.મારે અગત્યના કામે બહારગામ પણ જવાનું થશે. તને કહીને જવાનો છું.એટલે તને ચિંતા નહીં રહે. ફોન પણ કરીશ તો ફોન ઉપાડજે.તારી સખી સાથે બહુ વાર્તાલાપ કરતી નહીં.'
આટલું બોલે છે ત્યાં વકીલનો ફોન રણક્યો.
રમા બહેન ઉપાડવા જાય એ પહેલાં જ વકીલ ચંદ્રકાંતે ફોન ઉપાડી લીધો.
વકીલ ચંદ્રકાંત:-' હેલ્લો..કોણ?' ઓકે.. તું વિનોદ... સારું થયું કે તેં ફોન કર્યો.મને અને તારી બા ને ચિંતા થતી હતી.'
ત્યાં જ રમા બહેન બોલ્યા:-' મને ફોન આપો.મારે વિનોદ સાથે વાત કરવી છે.'
( ક્રમશઃ)
- કૌશિક દવે