એક હતા વકીલ - ભાગ 7 Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતા વકીલ - ભાગ 7

"એક હતા વકીલ"( ભાગ-૭)

રમા બહેન પર નડિયાદથી એમની સખીનો ફોન આવે છે.
જેના પરથી વિનોદે કરેલા પરાક્રમ અને કાર્યવાહી વિશે ખબર પડે છે..
હવે આગળ..

વકીલ ચંદ્રકાંત:-' ઓહ... એટલે આપણો વિનોદ ફેમસ થઈ ગયો.હવે એને જલ્દી છોકરી મળી જશે.હાશ મારી ચિંતા દૂર થઈ.કેટલાય દિવસથી એના માટે વિચાર કરતો હતો કે એના માટે કોઈ સારી છોકરી મળી જાય તો સારું.પણ તને કયા સમાચાર મળ્યા?'

રમા બહેને સ્મિત કર્યું.
બોલ્યા:-' હવે બેઠા બેઠા કાલા ના થાવ. તમને બધું ખબર હોય છે ને મારાથી બધું છાનું રાખો છો.તમારી આ ટેવના કારણે જ..'

બોલતા બોલતા રમા બહેન અટકી ગયા.

વકીલ ચંદ્રકાંત:-' એટલે તો ફેમસ બન્યો છું.વિનોદ મારા પથ પર ચાલી રહ્યો છે.. ધીરે ધીરે બધું શીખી જશે પછી નિવૃત્તિ લેવાનો છું બસ એ પહેલા એના હાથ પીળા કરું. સારી છોકરીઓ ઘણી છે પણ એને માફક આવે એવી જોવી છે. જ્ઞાતિ બાધ નથી. વૈષ્ણવ નહીં હોય તો પણ ચાલશે. તારા ધ્યાનમાં છે કોઈ?પણ તારી સખીને આ વાત કેવી રીતે ખબર પડી?'

રમા બહેન:-' એજ તો અમારી ખૂબી છે પણ તમે પુરુષો માનતા નથી. તમે ગમે તે જાસૂસી કરો પણ ઘણી વાતો અમને વહેલી ખબર પડે છે.અમે લેડિઝ તમારા કરતાં વધુ સુપર જાસૂસ છીએ.'

વકીલ ચંદ્રકાંત:-' એ હું માની ગયો પણ મુદ્દા પર આવ.'

રમા બહેન:-' હવે મુદ્દાની વાત કરું છું. મારી સખી આનંદીની નણંદ હમણાં હમણાં એક એડવોકેટના ત્યાં જોબ કરે છે. એની નણંદે કહ્યું હતું.ને આનંદીનો ભાઈ પોલીસ સ્ટેશનમાં જોબ કરે છે.એટલે બધી વાતો સરળતાથી મળતી રહે છે.'

વકીલ ચંદ્રકાંત:-' ઓહ એટલે તારી સખી પહોંચેલી માયા છે. એની નણંદનું નામ શું છે? એ પરણેલી છે કે તારી સખી સાથે રહે છે. ક્યા એડવોકેટના ત્યાં જોબ કરે છે? કદાચ એ એડવોકેટને હું ઓળખતો પણ હોઈશ.'


રમા બહેન:-' હવે સીધી લાઇનમાં આવ્યા. આ હું સારી છું એટલે પેટ છૂટી વાત કરું છું. તમારાથી ખાનગી વાતો રાખતી નથી પણ તમે મને પોતાના માનતા નથી એટલે વિનોદની ગતિવિધિ કહેતા નથી.મને વિનોદની ચિંતા થાય છે.'

વકીલ ચંદ્રકાંત:-'એ જ વાત કરું છું. વિનોદની ચિંતા છે એટલે જ કહું છું કે એના માટે સારી છોકરી શોધી કાઢ. કહી કહીને થાકી ગયો. પણ તારી સખીની નણંદનું નામ શું છે. ને એડવોકેટ કોણ છે? નડિયાદના ઘણા એડવોકેટને ઓળખું છું.'

રમા બહેન:-' ધીરજ રાખો એજ વાત કરવા માગું છું. સખી આનંદીની નણંદને જોઈ છે. સુંદર અને નાજુક છે. વિનોદ સાથે એની જોડી જામી જશે. આનંદીને પણ એના માટે યોગ્ય છોકરો શોધે છે. નણંદનું નામ દિપિકા છે. એડવોકેટ રમાકાંત છે. પ્રખ્યાત છે.મારી ઈચ્છા તો આનંદીને વાત કરવાની હતી પણ વિનોદની ચિંતામાં ભૂલી ગઈ. કાલે જ એની સાથે વાત કરીશ. આવતા રવિવારે ડાકોર જવાની છું ત્યારે એના ઘરે જઈને વાત કરીશ. સાથે સાથે દિપિકાને પણ જોઈ આવીશ.'

વકીલ ચંદ્રકાંત:-' આ સારી વાત કરી છે. એડવોકેટ રમાકાંતને મળ્યો છું. ઓળખું પણ છું. પણ આવતા રવિવારે હું ફ્રી નથી તું વિનોદ સાથે જજે એટલે એ પણ જોઈ લેશે.પણ વિનોદના પરાક્રમ કહે.'

રમા બહેન:-' અરે નડિયાદ પોલીસ સ્ટેશને વિનોદનો અને કોઈ ઈન્સ્પેકટર ગોહિલનો ફોન આવ્યો હતો એ આધારે નડિયાદ અને આજુબાજુ વિસ્તારમાં દરોડા પાડી ને ચાર પાંચ અસામાજિક અને ભાંગફોડિયાની ધરપકડ કરી હતી.તેમજ ખેડા ચેક પોસ્ટ પાસે પણ અમદાવાદથી ભાગીને આવતા બે જણાની ધરપકડ કરી હતી. એમાં એક પાકિસ્તાની હતો. પોલીસે પુરતો બંદોબસ્ત કરેલો છે.એટલે કદાચ વિનોદ અને ઇન્સ્પેક્ટર ગોહિલ નડિયાદ ગયા જ હશે.વિનોદ જલ્દી આવી જાય તો સારું.'
( ક્રમશઃ)
- કૌશિક દવે