એક હતા વકીલ - ભાગ 9 Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતા વકીલ - ભાગ 9

"એક હતા વકીલ"( ભાગ-૯)

વકીલ ચંદ્રકાંતનો નાનો ભાઈ વિનોદ એક અગત્યના મિશન પર જાય છે જેથી દેશદ્રોહી તત્વોની ધરપકડ થાય છે.
વિનોદ પોતાના મોટાભાઈ પર ફોન કરે છે.

હવે આગળ...


વકીલ ચંદ્રકાંત:-' હેલ્લો..કોણ?' ઓકે.. તું વિનોદ... સારું થયું કે તેં ફોન કર્યો.મને અને તારી બા ને ચિંતા થતી હતી.'

ત્યાં જ રમા બહેન બોલ્યા:-' મને ફોન આપો.મારે વિનોદ સાથે વાત કરવી છે.'

વકીલ ચંદ્રકાંત ફોન પર વિનોદને કહે છે:-' તારી બા ને તારી ચિંતા છે એટલે તારી સાથે વાત કરવા માંગે છે.પણ એ પહેલા તને પુંછું છું કે મિશન સફળ થયું કે નહીં? વધુ કાર્યવાહી ચાલુ જ હશે.'

વિનોદ:-' હાં..મોટાભાઈ..મારે પણ બા સાથે વાતચીત કરવી છે.એ મારી ચિંતા કરતા હશે. બહુ જોખમી મિશન હતું. એટલું સારું હતું કે પી.એસ.આઈ.ગોહિલ સાહેબ સાથે હતા એમની ગાડીમાં બેસીને જ છાપા માર્યા હતા. ત્રણ ચાર જણા ચંડોળા તળાવ એરિયા પાસેથી પકડાઈ ગયા હતા.પણ પાકિસ્તાની સાથે બીજા હતા એ ખેડા તરફ ભાગી ગયા હતા એટલે અમે પીછો કર્યો હતો. ખેડા ડી.એસ.પી.ઓફિસે આ બાબતે માહિતી આપી હતી.એટલે પાકિસ્તાની અને બીજો દેશદ્રોહી ખેડા ચેકપોસ્ટ પર જ પકડાઈ ગયા હતા.નડિયાદની આજુબાજુ વિસ્તારમાં દરોડા ચાલુ છે.અને આખા ખેડા જિલ્લામાં એલર્ટ કરી દીધું છે. મહદ્ અંશે સફળતા છે. હું ખેડાથી ફોન કરી રહ્યો છું.હવે હું અને ગોહિલ સાહેબ પાછા આવી રહ્યા છીએ. વિશેષ વાતચીત હું આવીશ ત્યારે કહીશ. હવે બા સાથે વાતચીત કરીશ.'

વકીલ ચંદ્રકાંતે ફોન રમા બહેન ને આપતા બોલ્યા:-' તારો લાડલો તારી સાથે વાતચીત કરવા માંગે છે.'

રમા બહેને હસતા હસતા ફોન હાથમાં લીધો.
બોલ્યા:-' બેટા, તને સારું છે ને! મને તારી ચિંતા થતી હતી. તારા પરાક્રમો મારી સખીએ કહી હતી.'

વિનોદ:-' સોરી...બા.. વાત ખાનગી રાખવાની હતી એટલે તમને કહ્યા વગર ગયો હતો. દિલધડક ઓપરેશન હતું એટલે કામ પુરુ થાય ત્યાં સુધી કોઈને ફોન કરવાનો નહોતો. મને માફ કરજો. હવે પછી તમને કહીને જ જવાનો છું. હું હેમખેમ છું. મારી સાથે પોલીસ ખાતાના માણસો પણ હતા. પણ તમને ખબર કેવી રીતે પડી? તમારી સખી એટલે કયા માસી?'


રમા બહેન:-' હાશ... તું હેમખેમ છે એટલે મારી ચિંતા દૂર થઈ. પણ આવા જોખમી કામ કરવા નહીં. પોલીસ ખાતાને એનું કામ કરવા દેવાનું.આપણે દેશના સામાન્ય નાગરિક છીએ. આપણે મદદ કરી શકીએ પણ આવા જોખમી ઓપરેશન કરી શકાય નહીં. મારી સખી નડિયાદ રહે છે એનું આનંદી છે.કદાચ તું ઓળખે છે.એનો નડિયાદથી ફોન આવ્યો હતો.એની નણંદ એક પ્રખ્યાત એડવોકેટના ત્યાં જોબ કરે છે.એ પણ એડવોકેટ છે તારી જેમ જ. મારી ઈચ્છા છે કે તમે બંને એકબીજાને મળો. તારા લગ્ન થાય એટલે ગંગા નાહ્યા. મારી સાસુને આપેલું વચન પુરું થાય.પછી મારે તો તીર્થ યાત્રા પર જવું છે.તારા મોટાભાઈ આવે કે ના આવે હું કોઈ સંઘ સાથે જવાની.'

વિનોદ:-' હું આનંદી માસીને ઓળખું છું. સારું થયું કે તમને જાણ થઈ. બા હવે મોડું થાય છે. પી.એસ.આઈ. ગોહિલ સાહેબ મારી રાહ જુવે છે. હમણાં કોન્સ્ટેબલ આવીને મને ઈશારો કરી ગયો છે. તમે કહ્યું એ વિશે વધુ વાત રૂબરૂ કરીશું. બા.. મારા માટે ફર્સ્ટ ક્લાસ દાળ ઢોકળી બનાવજો અને તીખા થેપલા. દાળ ઢોકળી માં ગવાર અચૂક નાખજો. તમારા હાથની દાળ ઢોકળી બહુ ભાવે છે. સારું બા હવે હું નીકળું છું. લગભગ બે કલાક થશે આવતા.'
આટલું બોલીને વિનોદે ફોન કટ કર્યો.


વિનોદનો ફોન કટ થતા રમા બહેન બોલ્યા:-' અરર મારો છોકરો ભૂખ્યો રહ્યો હશે.એણે કહ્યું પણ નહીં કે એણે શું ખાધું હતું. હવે એ આવે પછી જ હું જમવાની છું.તમારે જમવું હોય તો બનાવું છું.મને હજુ પણ એના માટે ફીકર છે.'

વકીલ ચંદ્રકાંત:-' તું નાહકની ચિંતા કરે છે.એણે નાસ્તો કરી લીધો છે.ગોહિલ સાહેબને ઓળખું છું.જમવાના શોખીન છે.એ વિનોદને ભૂખ્યો રાખે જ નહીં. મને તો કકડીને ભૂખ લાગી છે. તું પણ મારી સાથે જમી લેજે. જમ્યા વગર તને ચક્કર આવશે.'

રમાબહેન:-' ના હું જમવાની નથી.મારી ભૂખ મરી ગઈ છે. તમારા માટે જમવાનું બનાવુ છું.વિનોદ કેટલા વાગે આવશે? હવે એના વેળાસર લગ્ન કરાવી દેવાના છે. એટલે વહેલો ઘર આવે.'

વકીલ ચંદ્રકાંત:-' તો પછી હું પણ હમણાં નહીં જમું. તું જમવાનું બનાવતી નહીં. કદાચ એને આવતા સાંજ થશે. તું ભૂખી રહી શકીશ? એમ કર તું ફરીથી ફાઈન ચા બનાવી દે અને થોડો નાસ્તો આપી દે. મારી તો ફીકર જ નથી. હવે તને વિનોદની ચિંતા રહે છે.ટાઈમસર જમવાનું પણ નહીં મળે. ભૂખ લાગશે તો બહાર હોટલમાં જઈને પુરી શાક ખાઈ લઈશ.'

રમાબહેન:-' હાં.‌હા.‌તમને બહારનું જમવાના અભરખા છે એમ કહો ને!પુરી શાક તો બસ અડધો કલાકમાં બનાવી દઈશ.'

વકીલ ચંદ્રકાંત:-' ના..ના‌. ખાલી મજાક કરતો હતો.વિનોદને આવતા બે કલાક થશે. એમ કર તું ફક્ત ચા બનાવીને લાવ. પછી મારે થોડું કામ છે એ પતાવીને એક કલાકમાં આવું છું.'

રમાબહેન:-' તમે તો આખો દિવસ ચા પીને ચલાવી શકો છો પણ વિનોદને એવી ટેવ ના પાડતા. નહિંતર એની આવનારી વહુ હેરાન થશે. આ હું સારી છું કે તમને સહન કરું છું. એ હમણાં ચા બનાવીને લાવું છું.'

વકીલ ચંદ્રકાંત કંઈ બોલ્યા નહીં પણ થોડું હસી પડ્યા.

થોડીવારમાં વકીલ ચંદ્રકાંત ચા પીને બહાર ગયા.
----------
એક કલાકમાં વકીલ ચંદ્રકાંત ઘરમાં આવ્યા.
બોલ્યા:-' મજા આવી ગઈ. તારો વિનોદ આવતો જ હશે. મને ખબર પડી ગઈ હતી. હવે તું જાણે અને વિનોદ જાણે. હું તો કાયદાના પુસ્તકો વાંચવા રૂમમાં જાઉં છું.'


અડધો કલાકમાં વિનોદ ઘરમાં આવી ગયો.
એટલે રમાબહેને એની નજર ઉતારી દીધી.
રમાબહેન:-' તું હાથ પગ ધોઈને આવ.'

વિનોદ:-' બા... મારાથી તમારી સાથે ડાકોર અવાશે નહીં. મારે એક અગત્યના કામે નડિયાદ જવાનું છે.ને તમને પસંદ હોય એ છોકરી માટે મારી હા છે કદાચ મારી જોયેલી જ હશે. રમાકાંત વકીલ સાથે છે એ છોકરી ને! હું ઓળખું છું. મારી હા છે.કદાચ તમને બધી વાત એણે જ કહી હશે.'

રમાબેન:-' સારું ત્યારે.. તો હું મારી રીતે હા પાડીશ.પછી બોલ બોલ ના કરતો.'

વિનોદ:-' મેં કદી તમને ના પાડી નથી. મારી હા છે જ.'
*મિત્રો આ ધારાવાહિક અહી પુરી થઈ જાય છે.
કેવી લાગી એ પ્રતિભાવ આપીને જણાવવા વિનંતી છે.
- કૌશિક દવે