સપનાનાં વાવેતર - 48 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 48

સપનાનાં વાવેતર પ્રકરણ 48

સમય સંધ્યાકાળનો લગભગ સાત વાગ્યાનો હતો. કૃતિએ અનિકેતનો હાથ પકડીને પ્રાણ ત્યાગ કરી દીધો હતો. મૃત્યુ પહેલાં એણે અનિકેતને કહ્યું હતું કે મોટા દાદા મારી સામે જ ઊભા છે મતલબ કે સ્વામીજીની કૃપાથી મોટા દાદા પોતે જ એને લેવા માટે આવ્યા હતા !

કૃતિની આમ અચાનક વિદાય અનિકેત સહન કરી શક્યો નહીં. કૃતિને એ ખૂબ જ પ્રેમ કરતો હતો અને એની દરેક ઈચ્છા એણે પૂરી કરી હતી. એની જ ઈચ્છા પ્રમાણે એ ઓશન વ્યૂ ફ્લેટમાં શિફ્ટ થયો હતો. એને ખુશ જોવા માટે એ પોતાની સાળી શ્રુતિને પણ મુંબઈ લઈ આવ્યો હતો અને એને બિઝનેસ સેટ કરી આપ્યો હતો !

આમ અધવચ્ચે શ્રુતિ કેમ ચાલી ગઈ ! રાજકોટવાળા ગુરુજીએ અને સ્વામી વ્યોમાનંદજીએ કૃતિના મૃત્યુની આગાહી કરી જ દીધી હતી. છતાં પણ જ્યારે કૃતિ એના જીવનમાંથી ખરેખર ચાલી ગઈ ત્યારે એ કપરી વિદાય સહન ના કરી શક્યો. એ કૃતિને વળગીને નાના બાળકની જેમ રડી પડ્યો.

આઈસીયુમાં ડ્યુટી બજાવતી નર્સ દોડતી આવી અને એણે અનિકેતના હાથમાંથી કૃતિનો હાથ છોડાવી લીધો અને એને અનિકેતથી અલગ કરીને સીધી સૂવાડી. એણે તરત જ કોલ કરીને ડોક્ટરને બોલાવી લીધા.

અનિકેતના મોટેથી રડવાનો અવાજ બહાર બેઠેલાં હંસાબેન અને કૃતિનાં મમ્મી આશાબેને સાંભળ્યો. આશાબેન મુંબઈ આવ્યાં ત્યારથી હોસ્પિટલમાં જ રોકાવાની જીદ પકડીને બેઠાં હતાં એટલે પછી શ્રુતિ ઘરે જ રોકાતી હતી.

અનિકેતના રુદનનો અવાજ સાંભળીને આશાબેન અને હંસાબેન બંને આઈસીયુમાં ધસી ગયાં પરંતુ નર્સે એમને અંદર જવા ના દીધાં.

" માસી અંદર ડોક્ટર આવ્યા છે. તમે અત્યારે અંદર નહીં જઈ શકો. અંદર બીજા પેશન્ટો પણ હોય એટલે તમે હમણાં બહાર જ રોકાઈ જાઓ. થોડી વાર પછી બોડી તમને સોંપી દેવામાં આવશે. " નર્સ બોલી. કૃતિ એના માટે હવે ડેડબોડી બની ગઈ હતી. એના માટે તો આ બધું રોજનું હતું ! મૃત્યુની સાથે નામ પણ ભૂતકાળ બની જાય છે !!

થોડીવાર પછી અનિકેત પણ બહાર આવ્યો. મમ્મી અને સાસુની પાસે જઈને એને ફરી રડવું આવી ગયું. છતાં મન કઠણ કરીને એણે રુદનને રોકી લીધું. આશાબેન કોઈપણ હિસાબે પોતાનું રુદન રોકી શકતાં ન હતા. એ ઘેરા આઘાતમાં સરી ગયાં હતાં. ગમે તેમ તો પણ એ દીકરીની મા હતાં !

હવે હોસ્પિટલના ડિસ્ચાર્જની બધી ફોર્માલિટી કરવાની હતી. અનિકેતે પોતાના દાદાને ફોન કરીને ભારે હૈયે કૃતિના મૃત્યુના સમાચાર આપી દીધા. પોતે થોડીવારમાં જ શબવાહિનીમાં કૃતિના દેહને લઈને ઘરે આવી રહ્યો છે એવી વાત પણ કરી.

લગભગ અડધા કલાકની હોસ્પિટલ વિધિ પછી કૃતિના દેહને પ્લાસ્ટિકમાં વીંટીને શબવાહિનીમાં મૂકી દેવામાં આવ્યો. અનિકેત કૃતિની સાથે જ બેઠો જ્યારે હંસાબેન અને આશાબેન અનિકેતની ગાડીમાં બેસી ગયાં. દેવજી શબવાહીનીની પાછળ ને પાછળ ઓશન વ્યુ ફ્લેટ તરફ આગળ વધ્યો.

ઘરના બધા જ સભ્યો નીચે જ રાહ જોઈને ઉભા હતા. કૃતિનો મૃતદેહ ઝોળી કરીને લિફ્ટમાં પાંચમાં માળે લઈ જવામાં આવ્યો. ઘરમાં પ્રવેશ કર્યા પછી ભારે રોકકળ ચાલુ થઈ ગઈ. દ્રશ્ય બહુ જ ગમગીન હતું. કૃતિ હવે અખંડ સૌભાગ્યવતી બનીને આ દુનિયાને છોડી ગઈ હતી. સૌથી વધુ રુદન આશાબેન અને શ્રુતિનું હતું.

રાતનો સમય હતો અને અખંડ સૌભાગ્યવતી સ્ત્રીના દેહને રાત્રે વિદાય ન અપાય એટલે આખી રાત કૃતિના દેહને ફ્લેટમાં જ રાખવામાં આવ્યો. બધા લગભગ જાગતા જ રહ્યા. રાત્રે તમામ મિત્રો તથા સ્વજનોને ફોનથી જાણ કરવામાં આવી.

કેનેડામાં રહેતા અભિષેક સાથે પણ મનીષભાઈએ રાત્રે જ વાત કરી અને આ દુઃખદ સમાચાર આપ્યા. કેનેડામાં જો કે એ સમયે દિવસ હોય !

" શું વાત કરો છો પપ્પા ? કૃતિને અચાનક બ્લડ કેન્સર થયું હતું ? " અભિષેક આઘાત અને આશ્ચર્યથી બોલ્યો.

" હા બેટા. માત્ર બે વર્ષના લગ્ન પછી અચાનક એણે વિદાય લઈ લીધી. " મનીષભાઈ બોલ્યા.

" હું આવી જાઉં પપ્પા ? મમ્મી અહીં છે એટલે વાંધો નહીં આવે. તમે કહેતા હો તો આજે રાત્રે જ અહીંથી નીકળી જાઉં." અભિષેક બોલ્યો.

"એક મિનીટ અભિ...." કહીને મનિષે તરત જ મોટાભાઈ પ્રશાંતભાઈ તથા દાદા ધીરુભાઈ સાથે ચાલુ ફોને વાત કરી.

" ના ના અભિષેકને છેક કેનેડાથી અહીં આવવાની કોઈ જરૂર નથી. જે બનવાનું હતું તે બની ગયું. હવે કૃતિ કંઈ પાછી આવવાની નથી. " દાદા બોલ્યા.

" ના અભિષેક તારે આવવાની કોઈ જરૂર નથી. તારા દાદા અને મોટા પપ્પા પણ ના પાડે છે. સવારે અનિકેત સાથે વાત કરી લેજે. અત્યારે તો એ ભયંકર આઘાતમાં છે. " મનીષભાઈ બોલ્યા અને ફોન કાપી નાખ્યો.

વહેલી સવારે આઠ વાગે જ મિત્રો અને સ્વજનો આવવાના શરૂ થઈ ગયા. અનિકેતના ખાસ મિત્રો જૈમિન, અનાર, ભાર્ગવ, કિરણ વગેરે આવી ગયા. બધાને કૃતિના મૃત્યુનો આઘાત લાગ્યો હતો અને બધાની આંખમાં આંસુ હતાં. આટલી ખૂબસૂરત પત્ની માત્ર બે જ વર્ષમાં વિદાય થઈ ગઈ એ ઘટના જ આઘાતજનક હતી !

થોડીવાર પછી નીતાબેન, અંજલી, સંજય ભાટીયા અને અનિકેતનો બધો ઓફિસ સ્ટાફ પણ આવી ગયો. અનિકેત અત્યારે એક તરફ સૂનમૂન થઈને બેઠો હતો. એના ઉપર તો જાણે આભ તૂટી પડ્યું હતું.

આધ્યાત્મિકતાનું લેવલ ભલે ઊંચું હોય પણ સ્વજનની વિદાય ભલભલાને રડાવી દે છે ! ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે "... મમ માયા દુરત્યયા ।"

એ પછી કૃતિના દેહને બેડરૂમમાં લઈ જઈને સ્ત્રી વર્ગે સ્પંજ કરી પવિત્ર કર્યો અને અખંડ સૌભાગ્યવતી હોવાથી એને ઘરચોળું પહેરાવ્યું. કપાળમાં ચંદનનો લેપ કર્યો. એ પછી એના દેહને ફરીથી મુખ્ય ખંડમાં લાવવામાં આવ્યો અને ગંગાજળ છાંટીને એને નીચે સૂવડાવવામાં આવ્યો.

એ દરમિયાન દેવજીને મોકલીને નનામી મંગાવી લીધી હતી. કૃતિના દેહને નનામી ઉપર સૂવડાવી એનું માથું ઊંચું કરી એને ગુલાબનો હાર પહેરાવ્યો. એ પછી દેહને બાંધી દેવામાં આવ્યો. ત્યાર પછી પ્રદક્ષિણા ફરીને બધા સભ્યોએ ગુલાબનાં ફૂલ ચડાવ્યાં.

સ્મશાન જતાં પહેલાં અનિકેત ઉભો થયો અને ત્યાં આવેલા તમામ મિત્રો અને સ્વજનો સામે બે હાથ જોડીને આવા પ્રસંગે હાજરી આપવા માટે બધાનો આભાર માન્યો.

"આપ સૌ મારા આ દુઃખમાં સહભાગી થવા માટે અહીં સુધી આવ્યા એ બદલ આપ સૌનો આભાર માનું છું. કૃતિને અચાનક બ્લડ કેન્સરનું નિદાન થયું અને માત્ર ૨૦ ૨૫ દિવસની માંદગીમાં જ એણે દેહ છોડી દીધો. કોઈને પણ જાણ કરવાનો અમને સમય જ ના મળ્યો. અત્યારે અમે બાંદ્રા ઈસ્ટમાં નવપાડા રોડ ઉપર મોક્ષધામ સ્મશાન ગૃહમાં કૃતિના દેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવાના છીએ. જેમને ત્યાં આવવાની ઈચ્છા હોય તેઓ ત્યાં સીધા આવી શકશે. બાકીના સહુને હું અહીંથી જ વિદાય આપું છું. કૃતિનું બેસણું પરમ દિવસે રવિવારે સાંજે ૪ થી ૬ રાખવાનું નક્કી કર્યું છે. સ્થળ અમે ફોન ઉપર કહી દઈશું અને પેપરમાં જાહેરાત પણ હશે. " અનિકેત બોલ્યો.

એ પછી કૃતિની ઘરમાંથી વિદાયની પળ બધા માટે ખૂબ જ આકરી હતી. મારી વહાલી દીદી કૃતિનો ચહેરો હવે ફરી ક્યારે પણ જોવા નહીં મળે એ વિચાર માત્રથી શ્રુતિ પોક મૂકીને એવી તો રડી પડી કે પપ્પા મનોજભાઈએ એને પકડીને છાતીએ વળગાડી દીધી. મમ્મી આશાબેનનું રુદન પણ સૌને હચમચાવી ગયું !!

નનામીને લઈને બધા સીડી દ્વારા નીચે ઉતર્યા. શબવાહિની બોલાવી રાખી હતી એટલે એમાં નનામી ગોઠવી. મૃતદેહની સાથે અનિકેત અને પપ્પા પ્રશાંતભાઈ ગોઠવાયા જ્યારે બાકીના બધા ગાડીઓમાં મોક્ષધામ સ્મશાન ગૃહ તરફ આગળ વધ્યા.

છેવટે કૃતિનો દેહ સ્મશાનભૂમિમાં પંચમહાભૂતમાં ભળી ગયો. અહીં અસ્થિ તરત જ આપવાની પ્રથા હતી એટલે અગ્નિ શાંત થઈ ગયા પછી ત્યાંના રખેવાળે થોડાં અસ્થિ ભેગાં કરી પાણીથી ધોઈ માટીના એક નાના કુંભમાં ભરી દીધાં. હરસુખભાઈએ ભારે હૈયે પોતાની વ્હાલી પૌત્રીનો એ અસ્થિકુંભ પોતાના હાથમાં લઈ લીધો.

કૃતિને કાયમી વિદાય આપીને બધા ઘરે પાછા આવી ગયા. ઘરમાં શોકનું વાતાવરણ હતું પરંતુ જે વાસ્તવિકતા હતી એ સ્વીકારવી જ રહી. કોઈને પણ કલ્પના ન હતી કે કૃતિ આટલી વહેલી જતી રહેશે. એને તો એનાં મહત્વાકાંક્ષી સપનાનાં વાવેતર કરવાનાં હતાં પણ કુદરતે સાથ ના આપ્યો.

બે દિવસ પછી રવિવારે સાંજે ચાર વાગે બાંદ્રામાં આવેલા વિઠ્ઠલ રુકમણી મંદિરના હોલમાં કૃતિનું બેસણું ગોઠવ્યું હતું. તમામ સગા સંબંધી અને મિત્રોને આ સ્થળની જાણ કરવામાં આવી અને એ જ રીતે રવિવારે છેલ્લા પાને અનિકેતે બેસણાની જાહેરાત પણ મૂકાવી.

થાણાના એક બિલ્ડર તરીકે ધીરુભાઈ વિરાણીનું નામ બહુ જ મોટું હતું અને એ જ પ્રમાણે સુજાતા બિલ્ડર્સનું પણ નામ બાંદ્રા વિસ્તારમાં ઘણું મોટું હતું એટલે આ બેસણામાં અનેક નામાંકિત લોકો આવ્યા અને પોતાની હાજરી પુરાવી. અનિકેતના તમામ મિત્રો અને સ્ટાફ પણ આવીને હાજરી પુરાવી ગયા.

અનિકેતના જીવનનો એક અધ્યાય પૂરો થઈ ગયો. હરસુખભાઈ સાથેના અતૂટ સંબંધોમાં પણ બ્રેક લાગી ગઈ. જો કે શ્રુતિના કારણે હરસુખભાઈ અનિકેતના ખૂબ જ ઋણી હતા. એટલે એમની લાગણી તો અનિકેત તરફ એની એ જ રહી.

રવિવારે રાત્રે જ રાજકોટનો પરિવાર સૌરાષ્ટ્ર મેલમાં રાજકોટ જવા માટે રવાના થઈ ગયો. રાજકોટમાં પણ બેસણું ગોઠવવાનું હોવાથી શ્રુતિ પણ તેમની સાથે ગઈ.

"અનિકેત બેટા હવે થોડા દિવસ માટે તું થાણા આવી જા. અમે લોકો હવે અહીં વધુ રોકાઈ શકીએ તેમ નથી અને તને હવે થોડા દિવસ એકલો મૂકાય તેમ પણ નથી. વેવાઈ સાચું જ કહેતા હતા કે એમના જ્યોતિષીએ ચોખ્ખી ના પાડી હતી કે કોઈપણ સંજોગોમાં આ લગ્ન ના કરશો. પરંતુ બનવા કાળ બનીને જ રહ્યું. " દાદા ધીરુભાઈ બોલ્યા.

અનિકેત કંઈ બોલ્યો નહીં. એક રીતે જોવા જઈએ તો દાદાની વાત સાચી જ હતી. એણે અત્યારે હાલ પૂરતું થાણા જવાનો નિશ્ચય કર્યો અને સોમવારે સવારે જ ઘરના તમામ સભ્યો થાણા જવા માટે રવાના થઈ ગયા.

કૃતિ વિના અનિકેતનો બેડરૂમ પણ સૂનો સૂનો થઈ ગયો હતો. લગ્ન પછીનો મોટાભાગનો સમય ગાળો તો આ બેડરૂમમાં જ પસાર કર્યો હતો. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની... જેવી એની હાલત હતી.

" દાદા મારે હવે કૃતિનાં અસ્થિ પધરાવવા માટે ઋષિકેશ જવાનું છે. એણે મારી પાસેથી વચન લીધું છે. " સવારે ચા પીતી વખતે અનિકેત બોલ્યો.

"કૃતિએ આવું વચન લીધું છે તારી પાસેથી ? " દાદા આશ્ચર્યથી બોલ્યા.

"હા દાદા. મૃત્યુના બે ત્રણ દિવસ અગાઉ જ એને ખબર પડી ગઈ હતી કે મૃત્યુ નજીક છે. ઘરના બધા જ સભ્યોને પાસે બોલાવી વારાફરતી એણે માફી પણ માગી હતી. એ તો તમને પણ યાદ હશે જ. મૃત્યુ સમયે એણે મારી પાસેથી અસ્થિ ઋષિકેશ ગંગા નદીમાં પધરાવવાનું વચન લીધું હતું. મૃત્યુ સમયે તો એણે એમ પણ કહ્યું હતું કે મોટા દાદા મારી સામે જ ઊભા છે. " અનિકેત બોલ્યો.

"બહુ હિંમતવાળી છોકરી ગણાય. અને તારા મોટા દાદા જો એને લેવા આવ્યા હોય તો તો એ નસીબદાર પણ ગણાય. " ધીરુભાઈ ઉત્સાહથી બોલ્યા.

" હા દાદા એટલે મારે હવે ઋષિકેશ જઈને એનાં અસ્થિ પધરાવવાનાં છે." અનિકેત બોલ્યો.

"તો પછી તારા પપ્પાને અથવા અંકલ ને સાથે લેતો જા. ઋષિકેશ જાય છે તો પછી ત્યાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે પિંડદાન પણ કરાવી દેજે જેથી એના આત્માને શાંતિ મળે. " દાદા બોલ્યા.

" હું જ અનિકેતની સાથે ઋષિકેશ જઈશ પપ્પા. પિંડદાન જેવી બાબતોમાં અનિકેતને કંઈ ખબર નહીં પડે." પ્રશાંતભાઈ બોલ્યા.

અને ત્રણ દિવસ પછીની સાંજની ફ્લાઈટમાં પ્રશાંતભાઈ અને અનિકેત દહેરાદુન પહોંચી ગયા. ત્યાં હોટેલમાં રાત રોકાઈને બીજા દિવસે વહેલી સવારે ટેક્સી પકડીને ૯:૩૦ વાગે ઋષિકેશ પણ પહોંચી ગયા.

અચાનક અનિકેતને સરદારજીની યાદ આવી ગઈ એટલે એણે ટેક્સી સીધી કિરપાલસિંગની હોટલ શિવ ઈન તરફ લેવડાવી.

રિસેપ્શનિસ્ટ મનોજ અનિકેતને જોઈને ખુશ થઈ ગયો. ગયા વખતે અનિકેતે મનોજને સારી એવી બક્ષિશ આપી હતી.

" આઈએ આઈએ સર. ઋષિકેશ મેં આપકા સ્વાગત કરતા હું. " મનોજ બોલ્યો.

" થેન્ક્યુ. બસ એક બઢીયા સા રૂમ દે દો. " અનિકેત બોલ્યો.

અને મનોજે પહેલા માળે જ એક સરસ રૂમ અનિકેત માટે ખોલી આપ્યો. સાથે સાથે બે ચા પણ એણે મોકલી આપી.

" ગયા વખતે તું આ હોટલમાં ઉતર્યો હતો ? " પપ્પા બોલ્યા.

" હા પપ્પા. સરદારજીની હોટલ છે અને ગયા વખતે એમણે મને વીઆઇપી ટ્રીટમેન્ટ આપી હતી. " અનિકેત બોલ્યો.

" હા એ તો તારી સાથે જે રીતે પેલા રિસેપ્શનિસ્ટે વાત કરી એટલે મને ખ્યાલ આવી જ ગયો. " પ્રશાંતભાઈ બોલ્યા.

" પપ્પા સવારનો સમય છે એટલે સૌથી પહેલાં આપણે આ અસ્થિ પધરાવી આવીએ. આમ તો સવારે દહેરાદૂનની હોટલમાં આપણે નાહી લીધું છે પરંતુ અસ્થિ પધરાવી દીધા પછી અહીં ગંગાસ્નાન પણ કરી જ લઈશું. " અનિકેત બોલ્યો.

" હા છેક ઋષિકેશ સુધી આવ્યા છીએ તો ગંગાસ્નાન તો કરવું જ પડે ને ! " પપ્પા હસીને બોલ્યા.

એ પછી પ્રશાંતભાઈ અને અનિકેત કૃતિનો અસ્થિકુંભ લઈને હોટલમાંથી નીકળી ગયા અને બહાર આવી રીક્ષા કરીને તેઓ ત્રિવેણી સંગમ પહોંચી ગયા.

અનિકેત ઉપર ગુરુજીની અને સ્વામીજીની કૃપા હતી એટલે જેવા એ લોકો ત્રિવેણી સંગમ પહોંચ્યા કે ત્યાં એક પ્રૌઢ ઉંમરનો તેજસ્વી પંડિત તૈયાર જ ઉભો હતો. જાણે કે એમની જ રાહ જોતો હતો !

"આઈએ આઈએ જજમાન. અસ્થિ વિસર્જન કે લિયે આયે હો તો ફિર પિંડદાન ભી કર હી દીજિયે." પંડિત બોલ્યો.

પંડિતજીને જોઈને અનિકેતને લાગ્યું કે આ બધી વ્યવસ્થા સ્વામીજીએ જ કરી લાગે છે. આ એ જ જગ્યા છે જ્યાં સ્વામીજીની મુલાકાત થઈ હતી અને તેઓ મને અહીંથી કુટીરમાં લઈ ગયા હતા.

"ઠીક હે પંડિતજી.. બોલો કહાં બૈઠના હૈ ? " અનિકેત બોલ્યો.

" જજમાન અગર પિંડદાન કરના હૈ તો મુંડન ભી તો કરના હી પડેગા. વહાં સામને નાઈ બેઠા હૈ . જરા મુંડન કરવા લીજીએ. " પંડિતજી બોલ્યા અને અનિકેતે મુંડન કરાવી દીધું.

"બસ અબ યહાં હી બેઠ જાતે હૈં. " કહીને પંડિતજીએ પોતાના થેલામાંથી ત્રણ આસન કાઢ્યાં અને પાથરી દીધાં.

" પિંડદાન કરને સે પહેલે અસ્થિ કા વિસર્જન કરના પડેગા તો આપ દોનોં ગંગા કે પાસ આ જઈએ." પંડિતજી બોલ્યા.

અનિકેત અસ્થિકુંભ લઈને ગંગા નદીમાં થોડોક આગળ વધ્યો. પંડિતજી મંત્રોચ્ચાર કરતા ગયા અને પવિત્ર વાતાવરણમાં અનિકેતે અસ્થિનું વિસર્જન કર્યું.

એ પછી પંડિતજીએ થેલામાંથી એક સ્ટીલનું ડોલચુ કાઢ્યું જેમાં તૈયાર ભાત હતા. એમણે ફટાફટ એમાંથી પિંડ બનાવી દીધા અને એક પત્રાળીમાં ગોઠવી દીધા. કૃતિના પતિ તરીકે અનિકેતને સામેના આસન ઉપર બેસાડ્યો અને મંત્રોચ્ચાર ચાલુ કરી દીધા.

પિંડદાન દરમિયાન અનિકેતને બે વાર ગંગામાં સ્નાન કરાવ્યું અને પછી છેલ્લા પિંડને વહેરીને કૃતિના આત્માને આગળ ગતિ અપાવી.

"પિંડદાન સમાપ્ત હો ગયા હૈ. આત્મા કો મોક્ષ દે દિયા હૈ. અબ આપ તીસરી બાર શુદ્ધિ સ્નાન કરકે જા સકતે હો " પંડિતજી બોલ્યા.

એ પછી પ્રશાંતભાઈ અને અનિકેત બંનેએ ગંગા નદીમાં ભાવપૂર્વક સ્નાન કર્યું. અનિકેતે કૃતિની પાછળ દાન તરીકે આ વિદ્વાન બ્રાહ્મણને ૫૦૦૦ દક્ષિણા આપી. આટલી બધી રકમ જોઈને પંડિતજી એકદમ ભાવવિભોર થઈ ગયા અને અનિકેતના માથે હાથ મૂકીને એમણે દિલથી આશીર્વાદ આપ્યા. હૃદયથી આપેલા આશીર્વાદથી અનિકેતને એક અદ્ભુત શાંતિનો અનુભવ થયો.

બ્રાહ્મણ ગમે તેવો હોય, ગાયત્રી કરતો હોય કે ના કરતો હોય, ગમે તેવાં કર્મ કરતો હોય તો પણ એના આશીર્વાદ માં એક તાકાત હોય છે. આશીર્વાદને બ્રાહ્મણના કર્મો સાથે કોઈ લેવા દેવા નથી હોતી. બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાથી આ અધિકાર એને મળી જાય છે. શાસ્ત્રોમાં એટલે જ બ્રાહ્મણ અને ગાયનું બહુ જ મહત્વ બતાવ્યું છે !

સ્નાનકર્મ પતાવી અનિકેત અને પપ્પા પ્રશાંતભાઈ ચાલતા જ હોટલ તરફ ગયા. અનિકેતની ઈચ્છા તો પેલી જંગલમાં આવેલી કુટિયા જોવાની હતી. પરંતુ સ્વામીજી એની આંખો બંધ કરાવીને કુટિયામાં લઈ ગયા હતા. એટલે ખરેખર એ ક્યાં આવેલી છે અને કેટલી દૂર છે એની એને કોઈ જ ખબર ન હતી. એટલે પછી એ વિચાર માંડી વાળ્યો.

બપોરે અનિકેત અને પપ્પા હોટેલમાં નીચે રેસ્ટોરન્ટમાં જમવા ગયા ત્યારે સરદારજી આવી ગયેલા હતા. એ અનિકેતને જોઈને ખૂબ જ ખુશ થયા પરંતુ માથે મુંડન જોઈને થોડા ગંભીર પણ થયા.

"અરે સરજી આપ કબ આયે ? ઔર આપ કે સરમેં યે મુંડન કયું ?" સરદારજી બંને હાથ જોડીને બોલ્યા.

" જી પાજી. મેરી ધર્મ પત્નીકા સ્વર્ગવાસ હો ગયા. કેન્સર થા. યે મેરે પિતાજી હૈં. " અનિકેતે પપ્પાની ઓળખાણ કરાવી.

" પૈરી પોના જી." કહીને સરદારજીએ નીચા નમીને પ્રશાંતભાઈના ચરણસ્પર્શ કર્યા. " સર જી યે તો બહોત બુરા હુઆ આપકે સાથ." સરદારજી બોલ્યા.

" ઈશ્વરકી મરજીકે આગે કિસીકી નહી ચલતી પાજી. નસીબમેં જો લીખા હૈ ઉસકો કૌન મીટા સકતા હૈ ?" અનિકેત બોલ્યો.

ઋષિકેશ જેવા અજાણ્યા શહેરમાં કોઈ હોટલનો માલિક આટલા બધા વિવેકથી ચરણસ્પર્શ કરે એ વાત જ પ્રશાંતભાઈ માટે બહુ મોટું આશ્ચર્ય હતું. અનિકેતે એના ઉપર એવો તો કયો જાદુ ચલાવ્યો હતો કે સરદારજી આટલું બધું માન આપી રહ્યા છે !!

" સર જી આપકો ખાને કા કોઈ પૈસા દેને કા નહીં હૈ. રહેને કા ભી નહી દેને કા હૈ. યે આપકી હી હોટલ હૈ. જબ તક રહેના ચાહતે હો રહ સકતે હો. " સરદારજી બોલ્યા. ફરી પ્રશાંતભાઈ માટે બીજુ આશ્ચર્ય !!

" જી શુક્રિયા પાજી. લેકિન હમ સુબહ મેં ચલે જાયેંગે. આપકા બેટા કૈસા હૈ?" અનિકેતે પૂછ્યું.

" જી આપકે આશીર્વાદ સે એકદમ ચંગા હૈ. સમય હો તો ઘર પે પધારીએ." સરદારજીએ વિવેક કર્યો.

" જી ધન્યવાદ. લેકિન ફિર કભી ભગવાનને ચાહા તો જરૂર આઉંગા." અનિકેત બોલ્યો અને પછી બંને રેસ્ટોરન્ટમાં દાખલ થયા.

" અરે અનિકેત આ હોટલવાળો તને આટલું બધું માન કેમ આપે છે ? હોટલમાં રહેવા જમવાનો ચાર્જ પણ નથી લેતો. તારા આશીર્વાદની પણ વાત કરે છે ! " પપ્પાએ જમતી વખતે પૂછ્યું.

" કંઈ નહીં પપ્પા. આ બધી ગુરુજીની અને સ્વામીજીની કૃપા છે. ગયા વખતે હું આવ્યો ત્યારે સરદારજીનો દીકરો પતંગ ઉડાડતાં ધાબા ઉપરથી નીચે પડી ગયો હતો અને એકદમ સીરિયસ હતો. એની પાંસળીઓ પણ તૂટી ગઈ હતી. મેં સ્વામીજીને પ્રાર્થના કરી હતી એટલે એ એકદમ ચમત્કારિક રીતે પાંચ મિનિટમાં જ સારો થઈ ગયો હતો. એટલા માટે જ એ મને આટલું માન આપી રહ્યો છે." અનિકેત બોલ્યો.

" તું આટલું બધું કરી શકે છે એ તો મને આજે ખબર પડી !" પપ્પા બોલ્યા.

"પપ્પા હું કંઈ પણ કરતો નથી. જે પણ થાય છે તે મારા સ્વામીજી અને ગુરુજીના આશીર્વાદથી. અને મને જે પણ સિદ્ધિ મળી છે એનો ક્યારે પણ હું ઉપયોગ કરતો નથી. " અનિકેત નમ્રતાથી બોલ્યો.

" તારી આ નમ્રતા જ તને આટલો બધો યશ અપાવે છે અનિકેત. આઈ એમ પ્રાઉડ ઓફ યુ !! " પ્રશાંતભાઈ ગર્વથી બોલ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)