સપનાનાં વાવેતર - 46 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 46

સપનાનાં વાવેતર પ્રકરણ 46

સવારે કૃતિ જાગી ત્યારે ખૂબ જ ફ્રેશ હતી. શરીરની નબળાઈ ઘણી ઓછી થઈ ગઈ હતી અને થોડી સ્ફૂર્તિ પણ આવી હતી. પોતાનામાં થયેલો આ ફેરફાર એને ગમ્યો અને થોડી આશા પણ જન્મી.

" બ્લડ રિપોર્ટ લેવા માટે તમારી સાથે હું આવું ? મને અત્યારે ઘણું સારું લાગી રહ્યું છે. " અનિકેત ઓફિસ જવા નીકળ્યો ત્યારે કૃતિ બોલી.

"ના ના કૃતિ તું આરામ કર. આજે રિપોર્ટ ચોક્કસ કલેક્ટ કરી લઈશ અને ડોક્ટરને પણ બતાવી દઈશ." અનિકેત બોલ્યો અને બહાર નીકળી ગયો.

આજે સ્વામીજી સાથે વાત કરીને એને ઘણી રાહત થઈ હતી. કૃતિની માનસિક સ્થિતિ જો મજબૂત થઈ જાય અને એની પીડા પણ ઓછી થઈ જાય તો પછી ચિંતાનું કોઈ કારણ નથી. જો કે કૃતિને ગુમાવવાનું દુઃખ એને ઘણું મોટું હતું.

બ્લડ રિપોર્ટ તો એની પાસે ગઈકાલનો આવી ગયેલો જ હતો એટલે એ સીધો ઓફિસ જ ગયો અને આખો દિવસ ઓફિસમાં જ પસાર કર્યો.

મનીષ અંકલ એમની વાશીની છેલ્લી સ્કીમ પૂરી થવા આવી હતી એટલે બધું વાઈન્ડ અપ કરવા છેલ્લા પંદર વીસ દિવસથી થાણા રહેતા હતા. એટલે એમને કૃતિની ગંભીર માંદગીની કોઈ ખબર ન હતી.

સાંજે છ વાગ્યે અનિકેત ઘરે પહોંચી ગયો અને એણે હૃદયને થોડુંક કઠણ બનાવીને કૃતિને પાસે બેસાડી ચર્ચા શરૂ કરી.

" કૃતિ બ્લડ રિપોર્ટ આવી ગયો છે અને ડોક્ટર સાથે પણ મારે ચર્ચા થઈ ગઈ. આપણે લીલાવતી હોસ્પિટલ જવું પડશે અને ત્યાં ઓંકોલોજીસ્ટ ડૉ. શ્રોફને મળવું પડશે. રિપોર્ટ એટલો બધો સારો આવ્યો નથી એટલે એમણે લીલાવતી હોસ્પિટલમાં કેસ રીફર કર્યો છે. " અનિકેત બોલી ગયો.

" તમે ગોળ ગોળ વાત કરો છો એનો મતલબ કે મને કેન્સર પણ હોઈ શકે છે. " કૃતિ બોલી.

" હા કૃતિ. ડૉ. અન્સારીને કેન્સરની શંકા છે. અને એમણે એમ પણ કહ્યું કે કેન્સર હોય તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તો લેટેસ્ટ દવાઓ પણ એવી આવે છે કે ૮૦ ટકા પેશન્ટ સારા થઈ જાય છે. " અનિકેત બોલ્યો.

" હમ્ ... તો આપણે લીલાવતી હોસ્પિટલ ક્યારે જવું છે ? " કૃતિ બોલી.

" કાલે જ જઈ આવીએ. હવે આપણે વિલંબ કરવો જોઈએ નહીં. " અનિકેત બોલ્યો. એના ચહેરા ઉપર ચિંતાનાં વાદળો કૃતિને સ્પષ્ટ દેખાતાં હતાં.

"ઠીક છે. જો ખરેખર કેન્સર હોય તો ટ્રીટમેન્ટ પણ ચાલુ કરાવી દઈએ. એમાં તમારે આટલા બધા ડરી જવાની જરૂર નથી. મારા કરતાં તો તમે વધારે ઢીલા પડી ગયા છો. " કૃતિ બોલી.

અનિકેતને ખ્યાલ આવી ગયો કે સ્વામીજીએ કૃતિનું માનસ બદલી નાખ્યું છે. અને એમની કૃપાથી જ કૃતિમાં આટલી બધી હિંમત આવી ગઈ છે અને આવી રીતે વાત કરી રહી છે ! કેન્સર જેવા રોગનું નામ સાંભળ્યા પછી પણ કૃતિ જે રીતે વાત કરી રહી હતી એ એક ચમત્કાર જ હતો !

બીજા દિવસે સવારે અનિકેતે ડૉ. શ્રોફનો સંપર્ક કર્યો અને એમની એપોઇન્ટમેન્ટ લઈ લીધી. કૃતિને લઈને સવારે ૧૧ વાગે એ લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયો.

એણે ડૉ. શ્રોફને બ્લડ રિપોર્ટ આપ્યો અને સાથે ડોક્ટર અન્સારીની ચિઠ્ઠી પણ આપી.

" તમને શું શું થાય છે ? " ડૉ. શ્રોફ બોલ્યા.

કૃતિએ પોતાને થતી બધી તકલીફની વિગતવાર માહિતી ડોક્ટરને આપી.

" ડૉ. અન્સારીનું અનુમાન સાચું છે. એમને કેન્સર હોય એવી શક્યતા ઘણી વધારે છે. કૃતિબેનને બોનમેરોની બાયોપ્સી કરાવવી પડશે. એ પછી જ આપણે ફાઇનલ નિદાન કરી શકીએ. હોસ્પિટલમાં જ એ માટે વ્યવસ્થા છે. અત્યારે આવ્યા જ છો તો બાયોપ્સી કરાવી લો. રિપોર્ટ તમને કાલે મળી જશે અને પરમ દિવસે મને બતાવી દેજો. " ડૉ. શ્રોફ બોલ્યા.

" ઠીક છે ડોક્ટર." અનિકેત બોલ્યો અને ઉભો થયો.

અનિકેત અને કૃતિ લેબોરેટરીમાં ગયાં અને ડૉ.શ્રોફની ચીઠ્ઠી બતાવી.

ટેકનીશિયને કૃતિને ટેબલ ઉપર ઊંધા સૂઈ જવાનું કહ્યું અને પછી કમરના ઉપરના ભાગે થાપાના હાડકામાં નીડલ નાખી થોડું પાણી અને એક નાનો ટીસ્યુ ખેંચી લીધો અને બીજા દિવસે બપોર પછી આવીને રિપોર્ટ લઈ જવાનું કહ્યું.

બીજા દિવસે સાંજે ચાર વાગ્યે અનિકેત પોતે લીલાવતી હોસ્પિટલ ગયો અને બાયોપ્સીનો રિપોર્ટ કલેક્ટ કર્યો. ધાર્યા પ્રમાણે રિપોર્ટ પોઝિટિવ જ હતો !

એ પછીના દિવસે સવારે ૧૧:૩૦ વાગે અનિકેત કૃતિને લઈને ફરી ડૉ. શ્રોફ પાસે ગયો.

"રિપોર્ટ પોઝિટિવ છે. એમને એક્યૂટ લિમ્ફોસાઈટીક લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર છે. એમને કેમોથેરપી ચાલુ કરવી પડશે. હું ડોઝ વગેરે લખી આપું છું. તમે લેબોરેટરીમાં આ ચિઠ્ઠી બતાવી દો. એ તમને ટાઈમ આપે એ પ્રમાણે કૃતિબેનને આવવું પડશે. મને તમે ૧૫ દિવસ પછી ફરી બ્લડ રિપોર્ટ કઢાવીને બતાવી જજો. હવે પહેલાંની જેમ કેન્સર અસાધ્ય નથી માટે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી." ડૉ. શ્રોફ બોલ્યા અને એમણે દવાઓનું એક પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. એમાં ૧૫ દિવસ પછી કયા બ્લડ રિપોર્ટ કાઢવાના છે એ પણ નોંધ કરી.

અનિકેત અને કૃતિ ઘરે જવા નીકળી ગયાં. કૃતિને આવી બિમાર હાલતમાં સોસાયટીના નાકે ઉતારવાના બદલે છેક ઘરે મૂકીને પછી એ ઓફિસ ગયો.

હજુ સુધી શ્રુતિને આ બાબતે કોઈ વાત કરી ન હતી. આવા ગંભીર રોગને લાંબા સમય સુધી પરિવારથી છૂપાવી શકાય નહીં એટલે અનિકેતે સૌથી પહેલાં શ્રુતિને વાત કરવાનો નિર્ણય કર્યો.

ઘરે કૃતિની હાજરીમાં શ્રુતિની સાથે ચર્ચા કરવાની મજા નહીં આવે એમ વિચારીને અનિકેતે સાંજે પાંચ વાગ્યે શ્રુતિને ફોન કર્યો.

" શ્રુતિ હું સાંજે છ વાગે તારા શોરૂમ ઉપર આવું છું. થોડીક અંગત વાત કરવી છે પરંતુ શો રૂમમાં વાત કરવાની મજા નહીં આવે. તું મારી ગાડીમાં આવી જજે. ગાડીમાં જ આપણે વાત કરી લઈશું. છ વાગે તૈયાર રહેજે." અનિકેત બોલ્યો.

" ભલે જીજુ. " શ્રુતિ બોલી. એને આશ્ચર્ય થયું કે એવી તે કેવી વાત હશે કે જીજુ આ રીતે ગાડીમાં બેસીને ચર્ચા કરવાની વાત કરે છે !

સાંજે છ વાગે અનિકેતની ગાડી શ્રુતિના શોરૂમ આગળ આવી અને સાઈડમાં ઊભી રહી. અનિકેત એને ફોન કરે એ પહેલાં જ શ્રુતિ બહાર આવી અને ગાડીમાં બેસી ગઈ. અનિકેતે દેવજીને દસ મિનિટ માટે ગાડીમાંથી બહાર જવાનું કહ્યું.

" શું વાત છે જીજુ ! એવી તે કેવી અંગત ચર્ચા તમારે મારી સાથે કરવી છે ! " શ્રુતિ બોલી.

" વાત થોડી ગંભીર છે એટલા માટે જ તને ગાડીમાં બોલાવી છે. ઘરે કૃતિની હાજરીમાં વાત થઈ શકે એમ નથી. " અનિકેત બોલ્યો.

" મારી દીદીની હાજરીમાં કહી શકાય એમ નથી તો એવી વળી કઈ વાત હોઈ શકે !! " શ્રુતિ આશ્ચર્યથી બોલી. એને થોડી ચિંતા પણ થઈ.

" વાત ગંભીર છે શ્રુતિ. તારી દીદીને બ્લડ કેન્સર છે ! આજે સવારે જ અમે લીલાવતી હોસ્પિટલ જઈ આવ્યાં. બધા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. કૃતિને પોતાને પણ ખબર પડી ગઈ છે પરંતુ એણે મન મક્કમ રાખ્યું છે. " અનિકેત બોલ્યો.

અચાનક આવા આઘાતજનક સમાચાર સાંભળીને શ્રુતિ ભાંગી પડી. શું બોલવું એની એને કંઈ સમજણ જ ના પડી. એનું મગજ બહેર મારી ગયું. એ એકદમ રડી પડી !

" હિંમત રાખ શ્રુતિ. જો મેં હિંમત રાખી જ છે ને ? તું પોતે આટલી બધી ભાંગી પડીશ તો તારી દીદીને કોણ સંભાળશે ? એને પોતાને કેન્સર થયું છે છતાં પણ એ આ આઘાત પચાવી ગઈ છે. તું રડ નહીં. કાલથી કેમોથેરપી પણ ચાલુ થઈ જશે." અનિકેત બોલ્યો.

" આ આઘાત સહન કરવાની મારામાં હિંમત નથી જીજુ. મારી વહાલી દીદીને કેન્સર શા માટે થયું ? અને આ ૨૭ વર્ષની ઉંમર કંઈ કેન્સર થવાની છે ? હું દીદીને આવી હાલતમાં નહીં જોઈ શકું જીજુ." શ્રુતિ બોલી રહી હતી.

" દીદીના શરીરમાં નબળાઈ તો છેલ્લા ૧૫ દિવસથી આવી છે અને ખોરાક પણ ઓછો થયો છે. મેં તો બે દિવસ પહેલાં દીદીને હવાફેર માટે રાજકોટ જવાની પણ વાત કરી હતી. મને શું ખબર કે એને કેન્સર હશે ! " શ્રુતિ રડમસ અવાજે બોલી.

" શ્રુતિ જે પરિસ્થિતિ આવી પડી છે એનો આપણે સામનો કરવો જ પડશે. તારે તો કૃતિને હિંમત આપવાની છે. તું આટલી બધી ઢીલી ના પડ. " અનિકેત બોલ્યો.

" અરે જીજુ એ મારી સગી મોટી બહેન છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. કેન્સર શબ્દ સાંભળીને જ હું ડરી ગઈ છું. એમાં બચી પણ જવાય છે પરંતુ બચવાની કોઈ ગેરંટી નથી હોતી. એની પીડા પણ ભયંકર હોય છે. આ સમાચારથી અંદરથી હું હચમચી ગઈ છું જીજુ. " શ્રુતિ બોલી.

"હું તારી પીડા સમજી શકું છું. પરંતુ જે વાસ્તવિકતા છે એને સ્વીકારવી જ પડશે શ્રુતિ. થોડા દિવસ તારે હવે ઘરે ધ્યાન આપવું પડશે. શોરૂમ તારી બે આસિસ્ટન્ટ ને સોંપી દેવો પડશે. હવે કૃતિને એકલી ઘરે ના મૂકાય. અથવા તો મારે એને થાણા લઈ જવી પડે. મારે મારી ફેમિલીને પણ વાત કરવી પડશે પરંતુ કેવી રીતે કરું એ સમજાતું નથી." અનિકેત બોલ્યો.

" હમણાં તો દીદીને અહીં જ રહેવા દો જીજુ. લીલાવતી હોસ્પિટલમાં કેમોથેરપી ચાલુ કરવાની છે તો પછી અહીંથી નજીક પડે. એવું હોય તો પછી તમારાં મમ્મીને અહીં બોલાવી લેવાનાં. " શ્રુતિ બોલી.

"ઠીક છે વિચારું છું. તને આ સમાચાર આપવા માટે જ હું અહીં આવ્યો હતો. હવે તું શોરૂમમાં જઈ શકે છે." અનિકેત બોલ્યો અને ચિંતમગ્ન શ્રુતિ ગાડીમાંથી નીચે ઉતરી. શોરૂમ રાત્રે ૮:૩૦ વાગે બંધ થતો હતો.

અનિકેતે દેવજીને અંદર બોલાવી લીધો અને ગાડી ઘર તરફ લીધી.

ઘરે પહોંચ્યો ત્યારે કૃતિ બેડરૂમમાં આરામ કરતી હતી.

" કેમ છે તને હવે ? જો હું આજે વહેલો ઘરે આવી ગયો. " કૃતિની બાજુમાં બેસીને અનિકેત બોલ્યો અને એના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યો.

" નબળાઈ સિવાય મને બીજી કોઈ ખાસ તકલીફ નથી. અને ખબર નહીં પણ પહેલા કરતાં મારામાં થોડી સ્ફૂર્તિ આવી છે. થાક પણ ઓછો લાગે છે. તમે ચિંતા ના કરો. " કૃતિ બોલી.

" મેં આજે શ્રુતિને પણ તારી વાત કરી છે. એ તો બિચારી રડવા લાગી. " અનિકેત બોલ્યો.

" અરે એ તો બહુ જ પોચી છે. તમે એને શું કામ વાત કરી ? મારા કરતાં તો એ ટેન્શન વધારે કરશે. " કૃતિ બોલી.

" વાત તો કરવી પડે ને કૃતિ ! અને એને ખબર પડ્યા વગર રહે ખરી ? હવે તારું ધ્યાન પણ રાખવું પડશે ને ! એ થોડા દિવસ હવે ઘરે રહેશે જેથી તારી સંભાળ લઈ શકે. " અનિકેત બોલ્યો.

સાંજે શ્રુતિ જ્યારે ઘરે આવી ત્યારે એ સીધી કૃતિને વળગી પડી અને ઘણી હિંમત રાખી હોવા છતાં પણ એ રડી જ પડી. કૃતિએ એને માંડ માંડ શાંત કરી.

" અરે તું રડ નહીં. હવે તો કેન્સર પણ મટી જાય છે. મને કંઈ થવાનું નથી. જો કાલથી કેમોથેરપી પણ ચાલુ કરવાની છે. અને મને પોતાને અત્યારે સારું લાગે છે. " કૃતિ બોલી.

કૃતિને પોતાને ખબર ન હતી કે આ બધો ચમત્કાર સ્વામીજીની કૃપાનો છે. સ્વામીજીએ એનો તમામ ડર દૂર કરી દીધો હતો અને એની પીડા પણ ઘણી ઓછી કરી નાખી હતી.

શ્રુતિએ બીજા દિવસે પોતાના સ્ટાફને બધી જવાબદારી સોંપી દીધી અને કૃતિની સંભાળ માટે પોતે ઘરે જ રોકાઈ.

બપોરના સમયે અનિકેત શ્રુતિને લીલાવતી હોસ્પિટલ લઈ ગયો અને ત્યાં એને કેમોથેરપી આપી. અત્યારે ડોક્ટરે ટોટલ છ ડોઝ નક્કી કર્યા હતા જે થોડા થોડા દિવસના અંતરે લેવાના હતા. એ પછી ટેસ્ટ કરાવીને બાકીના ડોઝ નક્કી કરવાના હતા.

" તારે તારો બિઝનેસ છોડીને ઘરે બેસવાની કોઈ જરૂર નથી. હું એક બે દિવસમાં જ થાણાથી મમ્મીને અહીં લઈ આવું છું. કૃતિ પથારીવશ નથી. એણે માત્ર આરામ કરવાનો છે બીજી કોઈ તકલીફ નથી એટલે એની સંભાળ માટે બે વ્યક્તિઓની કોઈ જરૂર નથી. " રાત્રે ઘરે આવ્યા પછી અનિકેતે શ્રુતિને કહ્યું.

પરંતુ બે દિવસ પછી કૃતિને ખૂબ જ વોમિટ થઈ અને એમાં થોડું લોહી પણ પડ્યું. માથું પણ થોડું થોડું દુખવા લાગ્યું. શરીરે ઠંડી ચઢી અને તાવ શરૂ થયો. શ્રુતિએ એને ગરમ ધાબળો ઓઢાડીને સૂવાડી દીધી. જો કે સ્વામીજીની કૃપાથી કૃતિનું મનોબળ મજબૂત હતું.

બીજા બે ત્રણ દિવસ થયા પરંતુ તાવ ચાલુ જ રહ્યો. રોજ એક વાર વોમિટ થતી હતી. શરીર ઉપર ઝીણા ઝીણા દાણા નીકળ્યા હોય એ રીતે ચકામાં દેખાતાં હતાં.

હવે તો થાણા જઈને પરિવારને વાત કરવી જ પડશે કારણ કે તબિયત એની વધુને વધુ બગડતી જાય છે. પરિવારથી આવી વાત છાની ના રખાય અને રાજકોટ પણ વાત કરવી પડશે.

બીજા દિવસે વહેલી સવારે અનિકેતે એના દાદાને ફોન કર્યો અને પરિવારના બધાને ઘરે હાજર રહેવાની સૂચના આપી.

" અરે બેટા એવી તે કઈ વાત છે કે બધાને તું હાજર રહેવાનું કહે છે ?" દાદા ધીરુભાઈ બોલ્યા.

" હું આવીને બધી જ વાત કરું છું દાદા. હું ૧૧ વાગ્યા સુધીમાં પહોંચી જઈશ." કહીને અનિકેતે ફોન કટ કર્યો.

અનિકેત કૃતિ અને શ્રુતિ સાથે વાત કરીને ૯:૩૦ વાગે ઘરેથી નીકળી ગયો અને ટ્રાફિક હોવાથી ૧૧ વાગ્યા સુધીમાં થાણા પહોંચી ગયો.

" દાદા પપ્પા કાકા મમ્મી શ્વેતા બધા જ અહીં ડ્રોઈંગ રૂમમાં આવી જાઓ." ઘરમાં પ્રવેશ કરીને અનિકેત મોટેથી બધાને સંભળાય એ રીતે બોલ્યો.

"અરે એવી તે કઈ વાત છે કે તું બધાને ભેગા કરે છે ?" દાદા ડ્રોઈંગ રૂમમાં પ્રવેશતાં બોલ્યા.

" કહું છું દાદા. પહેલાં બધાને આવવા તો દો. " અનિકેત બોલ્યો.

ઘરના તમામ સભ્યો ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા ઉપર બેઠા. બધાને આશ્ચર્ય થતું હતું કે આજે અનિકેત અચાનક થાણા આવીને બધાને હાજર રહેવાનું કેમ કહે છે ! આવું તો અનિકેતે આજ સુધી ક્યારેય પણ કર્યું નથી !

" મમ્મી પપ્પા દાદા દાદી અંકલ મારે તમને એક ગંભીર સમાચાર આપવાના છે. કૃતિને બ્લડ કેન્સર થયું છે અને ગઈ કાલથી લીલાવતી હોસ્પિટલમાં કેમોથેરપી પણ ચાલુ કરી છે. શ્રુતિ અત્યારે ઘરે રહીને એની સંભાળ રાખી રહી છે. પરંતુ તાવ ચાલુ થઈ ગયો છે અને ક્યારેક લોહીવાળી ઉલ્ટી પણ થતી હોવાથી હવે એને હોસ્પિટલમાં એડમિટ કરવી જ પડશે. લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવાની હોવાથી એને હું અહીં થાણા લાવી શકું એમ નથી. બસ મમ્મીને લેવા માટે જ હું અહીં આવ્યો છું. " અનિકેત એકી શ્વાસે બોલી ગયો.

અનિકેતની વાત સાંભળીને ઘરમાં સોપો પડી ગયો. ટાંકણી પડે તો એનો પણ અવાજ સંભળાય એટલી શાંતિ બે મિનિટ માટે છવાઈ ગઈ. બધા જ સભ્યો આઘાતથી સ્તબ્ધ હતા. કૃતિને આ ઉંમરે બ્લડ કેન્સર !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)