Sapnana Vavetar - 43 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 43

સપનાનાં વાવેતર પ્રકરણ 43

સવારે છ વાગ્યે જ પોલીસની વાન સાયરન વગાડતી આવી એટલે સુનિલ રહેતો હતો એ આખી સોસાયટીના લોકો જાગી ગયા અને ગેલેરીમાં આવીને કે વિન્ડો પાસે ઊભા રહીને નીચે જોવા લાગ્યા કે પોલીસ કોના ઘરે આવી છે !

આ બધા દ્રષ્ટાઓમાં અશોક બારોટ પણ હતો જે ડ્રગ્સના ધંધા સાથે સીધો જોડાયેલો હતો. આવા લોકો પૈસા ગમે એટલા કમાતા હોય છતાં હમેશાં ભયમાં જ જીવતા હોય છે. પોલીસ કોના ઘરે આવી હશે ? એ ટેન્શનમાં આવી ગયો.

એણે જોયું કે જે ફ્લેટમાં સુનિલ શાહ રહેતો હતો એ જ બ્લોકમાં પોલીસ ઉપર ચડી રહી હતી. હવે અશોકને ગભરામણ થવા લાગી. જો સુનીલના ઘરે જ દરોડો પડશે અને મેં એને આપેલું ડ્રગ્સ પકડાઈ જશે તો માર ખાઈ ખાઈને સુનીલ મારું નામ દીધા વગર રહેશે નહીં. એને પોતાને પરસેવો વળી ગયો. હવે અહીં રહેવામાં જોખમ છે !

થોડીવાર પછી એણે જોયું કે એ લોકો સુનિલને જ પકડવા માટે આવ્યા હતા અને એવું સાંભળ્યું કે ડ્રગ્સ પણ પકડાઈ ગયું ! માર્યાં ઠાર ! મને ક્યાં કુમતિ સૂઝી કે સુનિલને મેં ડ્રગ્સ આપ્યું !

એણે તરત જ કલ્પનાને જગાડી અને બધી વાત એને કરી દીધી.

" તારા કહેવાથી મેં પેલા સુનિલને એક કરોડનો માલ આપ્યો. એ માલ પકડાઈ ગયો. એક કરોડ ડૂબી ગયા અને હવે મારે પણ જેલમાં જવાનો વારો આવશે. આપણે અત્યારે જ ઘર છોડીને ભાગી જવું પડશે કારણ કે સુનિલ પોપટની જેમ બધું બોલી જશે અને તરત જ પોલીસ અહીં દોડી આવશે." અશોક બોલ્યો. એ બહુ જ ગભરાયેલો હતો.

ઘરમાં જે પણ રોકડા રૂપિયા, સોનાના દાગીના અને ડ્રગ્સનાં બે પેકેટ હતાં એ બધું લઈને પોણા કલાકમાં જ અશોક, એની પત્ની અને કલ્પના એ ત્રણેય જણાં ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયાં. ક્યાં જવું એ કંઈ જ નક્કી ન હતું પણ તાત્કાલિક તો ભાગી જવું જરૂરી હતું. હાલમાં તો વિરાર બાજુની કોઈ હોટલમાં રોકાવાનો વિચાર કર્યો હતો.

સુનિલ શાહ ઉપર એફ.આર.આઈ થઈ અને એને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ માગ્યા. ત્રણ દિવસ માગ્યા હતા પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરનો એક તમાચો પડતાં જ સુનિલ શાહને તમ્મર આવી ગયા. ડ્રગ્સનો એ કોઇ રીઢો ગુનેગાર તો ન હતો. એની આંખમાં પાણી આવી ગયાં. આજ સુધી ક્યારેય પણ એણે કોઈ માર ખાધો ન હતો.

" સાહેબ હું સાચું કહું છું. આ મારો બિઝનેસ નથી. સાઈડમાં ઇન્કમ કરવા માટે મારી પડોશમાં રહેતા અશોકભાઈ બારોટ પાસેથી આ ડ્રગ્સ હું લઈ આવેલો છું. હજુ સુધી મેં કોઈ જ સોદો કર્યો નથી. પહેલી જ વાર મને આવી લાલચ જાગી છે. હું તો નોકરી કરું છું સાહેબ અને મને પગાર પણ સારો મળે છે. " સુનિલ શાહ બે હાથ જોડીને કરગરતો હતો. મારના કારણે અશોક બારોટનું નામ એનાથી લેવાઈ ગયું.

પોલીસ ઇન્સ્પેક્ટરે ફરી એને બીજો તમાચો માર્યો. સુનિલ રડી પડ્યો.

"સાહેબ મને મારો નહીં. હું શ્રીનાથજી બાવાના સોગન ખાઈને કહું છું કે મેં જે કહ્યું તે બધું સાચું છે. આ પહેલી જ વાર ડ્રગ્સ મારા હાથમાં આવ્યું છે. પેકેટ ખોલીને મેં હજુ જોયું પણ નથી. તમે અશોકભાઈ બારોટને પૂછી શકો છો." ફરી બે હાથ જોડીને એ બોલ્યો.

ઇન્સ્પેક્ટરને લાગ્યું કે આ માણસ સાચું જ બોલી રહ્યો છે એટલે એણે વધારે ટોર્ચર કર્યું નહીં. એણે એનું સ્ટેટમેન્ટ લઈ લીધું અને સુનિલને કસ્ટડીમાં રાખીને એની પાસેથી અશોક બારોટનું એડ્રેસ લઈ લીધું. નાર્કોટિક્સના ઇન્સ્પેક્ટરને સાથે રાખીને ફરી બીજા બે પોલીસોને લઈ એ સુનિલની સોસાયટીમાં જવા નીકળી ગયો.

પરંતુ ચાલાક અશોક બારોટ એના પરિવાર સાથે ફરાર હતો. આજુબાજુ પડોશમાં પોલીસે પૂછપરછ કરી પરંતુ કોઈને કંઈ જ ખબર ન હતી !

બીજા દિવસે સવારના પહોરમાં પહેલા જ પાને મુંબઈનાં તમામ સમાચાર પત્રોમાં સુનિલ શાહનું નામ ચમક્યું. સુનિલ શાહના ફોટા સાથે સમાચાર હતા. એક કરોડનું ડ્રગ્સ એના ઘરેથી પકડાયું હતું. એનો સાથીદાર અશોક બારોટ ફરાર હતો એ સમાચાર પણ હતા !

ઘડીના છઠ્ઠા ભાગમાં સુનિલ શાહની આબરૂ ધૂળધાણી થઈ ગઈ હતી !! માલિકના કરોડો રૂપિયા પચાવી પાડવાની એની લાલચે એને ખૂબ જ કઠોર સજા આપી હતી !!

દરેક વર્તમાન પત્રોમાં પહેલા જ પાને આવેલા આ સમાચાર અનિકેતના પરિવારે પણ વાંચ્યા હતા તો સાથે સાથે નીતા આન્ટી અને અંજલીએ પણ વાંચ્યા હતા.

સુજાતા બિલ્ડર્સનો આખો સ્ટાફ તો આ સમાચાર વાંચીને સ્તબ્ધ થઈ ગયો હતો. આટલા વર્ષોથી સાથે કામ કરતા હતા છતાં સુનિલભાઈના આવા ધંધાની કોઈને ગંધ પણ ના આવી એનું આશ્ચર્ય વધારે હતું.

સૌથી વધારે આશ્ચર્ય તો સંજય ભાટીયાને થયું હતું. હજુ ગઈકાલે જ અનિકેત સાથે એની વાતચીત થઈ હતી. સંજયે તો સુનિલ શાહની પ્રશંસા કરી હતી. અનિકેતે એને જાણ કરી હતી કે સુનિલ ડ્રગ્સના ધંધામાં પણ સંકળાયેલો છે ત્યારે સંજયે એના વિશે ક્લીન ચિટ આપી હતી કે આ માહિતી સાચી ના હોઈ શકે ! પરંતુ અનિકેતની વાત એકદમ સાચી નીકળી. ખબર નહીં કેમ અનિકેતને બધા વિશે આટલી બધી ખબર કેવી રીતે પડતી હશે !!

સવારે નવ વાગે જ અંજલીનો ફોન અનિકેત ઉપર આવ્યો.

" અનિકેત તમે છાપામાં સમાચાર વાંચ્યા ? " અંજલી બોલી.

" આટલા મોટા સમાચાર છાના રહી શકે ખરા ? માત્ર મેં જ નહીં આખા મુંબઈએ વાંચ્યા. " અનિકેત બોલ્યો.

" આજે ટાઈમ મળે તો જરા ઘરે આવી જશો ? મમ્મીને વાત કરવી છે." અંજલી બોલી.

" તમે કહો અને હું ના આવું એવું બને ખરું ? હું સાડા બાર વાગે સીધો તમારા ઘરે જ આવીશ અને પછી ત્યાંથી ઓફિસ જઈશ. " અનિકેત બોલ્યો.

" ઓકે હું રાહ જોઈશ." અંજલી બોલી અને ફોન કટ થઈ ગયો.

ઘરેથી ટિફિન લઈને ૧૧ વાગે અનિકેત ઓફિસ જવા નીકળી ગયો. દેવજીને એણે ગાડી જોય રેસીડેન્સી ખાર લઈ લેવાની સૂચના આપી.

" આવો આવો. હું તમારી જ રાહ જોતી હતી. " દરવાજો ખોલતાં જ અંજલી બોલી.

અનિકેત સોફામાં જઈને બેઠો એટલે કામવાળી બાઈ ગ્લાસમાં પાણી લઈને આવી. એ પણ હવે અનિકેતને નવા શેઠ તરીકે ઓળખી ગઈ હતી. એ કોઈ સારા ઘરની છોકરી લાગતી હતી.

" બોલો આન્ટી મને કેમ યાદ કર્યો હતો ? " અનિકેતે નીતા આન્ટી સામે જોઈને સવાલ કર્યો.

" આ સુનિલના સમાચાર વાંચીને મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા અને થોડું ટેન્શન પણ થયું એટલે તમને બોલાવ્યા." નીતા આન્ટી બોલ્યાં.

" આન્ટી તમે ખુલ્લા દિલથી મને બધી જ વાત કરી શકો છો તમારા મનમાં ઊભા થયેલા પ્રશ્નો અને તમારું ટેન્શન બધું જ મને જણાવો." અનિકેત બોલ્યો.

" મને સુનિલના આજના સમાચારથી આશ્ચર્ય તો થયું જ છે પણ આઘાત પણ લાગ્યો છે. શેઠનો એ ખૂબ જ વિશ્વાસપાત્ર માણસ હતો. અમારા ઘરે પણ ઘણીવાર આવતો. મેં એને મારા હાથે જમાડેલો પણ છે. આ માણસ આવા કાળા ધંધામાં જોડાયેલો હશે એની તો હું કલ્પના જ કરી શકતી નથી અનિકેત. " નીતા આન્ટી બોલ્યાં.

" હવે ટેન્શન કઈ વાતનું છે એ પણ જણાવો. " અનિકેત બોલ્યો.

" શેઠના બધા જ બે નંબરના વ્યવહારો આ સુનિલ કરતો હતો. તમે તો જાણો જ છો કે આ બિલ્ડર્સના ધંધામાં જમીન કે પ્લોટ લેવા રોકડા રૂપિયાની ઘણીવાર જરૂર પડતી હોય છે. અને ફ્લેટોના વેચાણમાં પણ અમુક ટકા રોકડા જ આવતા હોય છે. પચીસ કરોડના ફ્લેટમાં દસ્તાવેજ ક્યારેક માત્ર પંદર કરોડનો બનતો હોય અને દસ કરોડ રોકડાનો વ્યવહાર ચાલતો હોય." આન્ટી બોલ્યાં.

"હું બધું જ જાણું છું આન્ટી." અનિકેત બોલ્યો. જોકે એ સમજી જ ગયો હતો કે નીતા આન્ટી શું કહેવા માગે છે !

" શેઠના બધા જ બે નંબરના કરોડો રૂપિયાનો હિસાબ આ સુનિલ પાસે છે. રોકડા રૂપિયા રાખવા માટે સુનિલે અહીં ખારમાં કોઈ ફ્લેટ રાખેલો છે એવું એ કહેતા હતા. પરંતુ મેં એ ફ્લેટ જોયો પણ નથી. એની ચાવી પણ સુનિલ પાસે છે. " નીતા આન્ટી બોલી રહ્યાં હતાં.

" શેઠને ગયાને બે મહિના થઈ ગયા છતાં પણ આજ સુધી સુનિલ મને મળવા આવ્યો નથી. મને એના ઉપર વિશ્વાસ હતો એટલે મને એમ કે એક દિવસ શાંતિથી હું એને ઘરે બોલાવી લઈશ. પરંતુ અચાનક એ તો પકડાઈ ગયો. હવે પેલા ફ્લેટની માહિતી કોણ આપશે ? એમાં બહુ મોટી રકમ છે અનિકેત." નીતા આન્ટી બોલ્યાં.

"હવે તમે મારી વાત સાંભળો. તમારો આ સુનિલ ઠગ છે એની મને પહેલા દિવસથી જ ખબર પડી ગયેલી. એના પેટમાં ચોરી હતી એટલા માટે એ તમને મળવા આવ્યો ન હતો. કરોડોની રકમ હજમ કરવાની એની દાનત હતી. તમે જે ફ્લેટની વાત કરો છો એ ફ્લેટની ચાવી મારી પાસે આવી ગઈ છે. ફ્લેટ ઉપર હું પોતે પણ જઈ આવ્યો છું માટે બિલકુલ ટેન્શન ના કરો. ત્યાં તમારા ૯૦ કરોડ રૂપિયા સલામત છે. " અનિકેત બોલી રહ્યો હતો.

" આ ઉપરાંત બેંક ઓફ બરોડા બાંદ્રા બ્રાન્ચમાં ત્રણ લોકરમાં લગભગ ૨૦ કરોડ રૂપિયાની લગડીઓ પડેલી છે એની ચાવીઓ પણ એની પાસે હતી. લોકરો વિશે તમને કંઈ જ ખબર નથી પરંતુ એ બધી ચાવીઓ પણ મારી પાસે આવી ગઈ છે. અને હું એક બે દિવસમાં બેંકમાં પણ જવાનો છું." અનિકેત બોલ્યો.

" એક જ અઠવાડિયામાં તમે સુનિલ શાહનો આટલો બધો પરિચય લઈ લીધો ? આઈ કાન્ટ બિલિવ ! ફ્લેટનું એડ્રેસ પણ તમારી પાસે આવી ગયું ! લોકરની ચાવીઓ પણ તમારી પાસે આવી ગઈ ! આ બધું કેવી રીતે બન્યું અનિકેત ? " અનિકેતની વાતો સાંભળીને અંજલી બોલી.

" બસ ગુરુજીની કૃપા અંજલી. મેં તમને તે દિવસે જે પાંચ કરોડ રોકડા આપ્યા એ પણ સુનિલે ફ્લેટમાં રાખેલા ૯૦ કરોડ માંથી ચોરેલા હતા. મોટા શેઠનો એણે બહુ જ ગેરલાભ લીધો. તમારા ભત્રીજા સંજયને ચડાવનારો પણ સુનીલ જ હતો. " અનિકેત બોલ્યો.

"શું વાત કરો છો તમે અનિકેત ? તમે સંજયને મળ્યા ? " નીતા આન્ટી બોલ્યાં.

" મળ્યો એટલું જ નહીં એને સીધો દોર પણ કરી દીધો આજ પછી એ કદી સુજાતા બિલ્ડર્સ તરફ આંખ ઉઠાવીને પણ નહીં જુએ. સાવ ગરીબ ગાય થઈ ગયો છે. આ દુનિયામાં ચમત્કાર વગર નમસ્કાર નથી !" અનિકેત હસીને બોલ્યો.

"વાઉ !!! અનિકેત અમે માની જ શકતાં નથી કે તમે સુજાતા બિલ્ડર્સ સંભાળીને આટલા મોટા ચમત્કાર કરશો ! તમે અમારું કેટલું બધું ટેન્શન ઓછું કરી દીધું ! ૯૦ કરોડ જેવી રકમ તમારા હાથમાં આવી છતાં તમે બધી જ માહિતી અમને આપી દીધી. તમારી પ્રમાણિકતા માટે શું કહેવું અમારે !!!" અંજલી બોલી એની આંખો ભીની થઈ ગઈ.

" તમે આટલો બધો વિશ્વાસ મારા ઉપર મૂક્યો. આટલું મોટું એમ્પાયર મને સોંપી દીધું. સુજાતા બિલ્ડર્સનો સર્વેસર્વા બનાવ્યો તો મારી તો એ ફરજ બને છે ને ! તમારું છે અને તમને આપ્યું છે. અને સુનિલ જેવા માણસો આપણી કંપનીમાં જોઈએ જ નહીં. એના આવા ધંધા હવે એને જેલ ભેગો કરી દેશે. " અનિકેત બોલ્યો.

" ગુરુજીએ અમારા ઉપર ખૂબ જ કૃપા કરી છે કે જેમણે તમારા જેવા પ્રમાણિક વ્યક્તિને શોધી આપ્યા." નીતા આન્ટી બોલ્યાં.

" આધ્યાત્મિક માર્ગે વળી ગયા પછી પ્રમાણિકતા આપોઆપ પેદા થતી હોય છે. સ્વાર્થ વૃત્તિ નિર્મૂળ થતી જાય છે." અનિકેત હસીને બોલ્યો.

" હવે તમે આવ્યા છો તો જમીને જ જાઓ. જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. " અંજલી બોલી.

" હું રોજ ટિફિન લઈને જ આવું છું. હવે ઓફિસ જઈને જમી લઈશ. એ પછી આજે કુલકર્ણીને લઈને જૂહુ વરસોવા રોડની બેલે વ્યુ સ્કીમ અને ખારની સ્કીમ પણ જોવાની ઈચ્છા છે. બાંદ્રાની બંને સ્કીમો તો મેં ગઈકાલે જોઈ લીધી છે. " અનિકેત બોલ્યો.

" મારું માનો તો તમે બાંદ્રાની ઓશન વ્યુ સ્કીમમાં જ એક ફ્લેટ લઈ લો. કારણ કે લોકેશન બહુ જ પોશ છે અને આપણી ઓફિસથી પણ એ ફ્લેટ નજીક પડશે. મને પોતાને પણ એ સ્કીમ બહુ જ ગમે છે." અંજલી બોલી.

"હું પણ લગભગ એવું જ વિચારું છું. મને પણ રીબેલો રોડનું એ લોકેશન બહુ જ ગમ્યું છે. વહેલી તકે નિર્ણય લઈ લઈશ " અનિકેત બોલ્યો અને ઉભો થયો.

અંજલીના ઘરેથી નીકળીને અનિકેત સુજાતા બિલ્ડર્સની ઓફિસે પહોંચી ગયો.

"કુલકર્ણી તમે તૈયાર રહેજો. હું જમી લઉં પછી આપણે ખાર અને જૂહુની સ્કીમ પણ આજે જોઈ લઈએ." કહીને અનિકેત પોતાની ચેમ્બરમાં ગયો.

ચેમ્બરમાં દાખલ થઈને એણે પોતાનું ટિફિન બહાર કાઢ્યું અને શાંતિથી જમી લીધું.

એ પછી એણે પટાવાળાને બેલ મારીને કુલકર્ણીને અંદર મોકલવાનું કહ્યું.

" જી સર હું રેડી છું. સર તમે આજે પેપરમાં સમાચાર વાંચ્યા ? " કુલકર્ણી બોલ્યા.

" હા સુનિલભાઈના ને ! મેં સવારમાં જ વાંચ્યા. તમે તો વર્ષોથી એમની સાથે જોબ કરો છો. તમને તો એના આવા ધંધાની ખબર હશે જ ને ! " અનિકેત બોલ્યો.

" સર આજે પેપર વાંચીને જ ખબર પડી. સુનિલભાઈ ડ્રગ્સના ધંધામાં સંકળાયેલા હશે એવી તો અમને કલ્પના પણ ન હતી. સ્ટાફમાં કોઈપણ જાણતું ન હતું. વાંચીને ખૂબ જ દુઃખ થયું. સુનિલભાઈ મોટા શેઠનો બધો જ બે નંબરનો વહીવટ પણ સંભાળતા હતા. લોકરની ચાવીઓ પણ એમની પાસે રહેતી. " કુલકર્ણી ચિંતાથી બોલ્યા.

" તમે એની બિલકુલ ચિંતા ના કરશો. લોકરની ચાવીઓ મારી પાસે આવી ગઈ છે અને બે નંબરના પૈસા જે જગ્યાએ રાખવામાં આવે છે એ ફ્લેટની ચાવી પણ મારી પાસે આવી ગઈ છે. મેં ચાર્જ લીધો એ જ દિવસે મેં એમને બધી ચાવીઓ મને સોંપી દેવાનું કહી દીધેલું. એટલે બીજા જ દિવસે એમણે બધું આપી દીધેલું. હું માણસને જોઈને જ ઓળખી જાઉં છું. " અનિકેત હસીને બોલ્યો.

કુલકર્ણીને અનિકેતની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું. એનું અનિકેત તરફ માન પણ વધી ગયું. ધાર્યા કરતાં આ નવા શેઠ ઘણા હોશિયાર છે !

એ પછી અનિકેત કુલકર્ણીને સાથે લઈને સૌથી પહેલાં ખારમાં હિન્દુજા હોસ્પિટલ પાસે બની રહેલી વેદાંતા ટાવર ની સ્કીમ જોવા માટે ગયો. અહીં ચાર બેડરૂમના લક્ઝુરિયસ ફ્લેટની એક જ ટાવરની સ્કીમ બની રહી હતી. સ્કીમ લગભગ પૂરી થવા આવી હતી. અહીં પણ એ એન્જિનિયરને મળ્યો અને આખી સ્કીમ સમજી લીધી. એણે એક વસ્તુ ખાસ માર્ક કરી કે સુજાતાની તમામ સ્કીમોમાં વર્કમેનશીપ ઘણી સારી હતી !

એ પછી એ લોકો જૂહુ બેલે વ્યુ સ્કીમ ઉપર ગયા. ખાર અને જૂહુની સ્કીમનો એન્જિનિયર એક જ હતો એટલે એને પણ સાથે આવવાનું કુલકર્ણીએ કહી દીધું.

નટરાજ હોટલની બાજુમાં બની રહેલી આ સ્કીમ બહારથી બહુ જ આકર્ષક દેખાતી હતી. લોકેશન પણ બહુ જ સરસ હતું. દરેક ફ્લેટ ૨૦ કરોડમાં વેચાતા હતા. અહીં પણ અનિકેતે એન્જિનિયર સાથે વાત કરી અને ફ્લેટ પણ અંદરથી જોઈ લીધો.

રહેવા માટે તો બંને સ્કીમો સરસ હતી. બાંદ્રાનો એરિયા પણ સરસ હતો તો આ જૂહુનો એરિયા પણ એટલો જ સરસ હતો. બાંદ્રામાં ગુજરાતીઓની વસ્તી પ્રમાણમાં ઓછી હતી. જ્યારે અહીં ગુજરાતીઓની વસ્તી ધરાવતું પાર્લા બાજુમાં જ હતું !

કૃતિને આ બેમાંથી કયો એરિયા વધારે પસંદ આવશે એનો નિર્ણય કૃતિ પોતે લે તો જ સારું. અનિકેતે બીજા દિવસે કૃતિને બંને ફ્લેટ બતાવી દેવાનો નિર્ણય લીધો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED