Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 42 - છેલ્લો ભાગ

૪૨

પાટણમાં મહોત્સવ

જે દિવસે પાટણમાં સમાચાર આવ્યા કે મહારાજ જયસિંહદેવ માલવવિજય – સવારી લઈને સરસ્વતીતીરે આજે આવી પહોંચવાના છે, તે દિવસે પાટણમાં ઉત્સાહનો સાગર રેલાયો. મહારાજે સાંજે નગર બહાર મુકામ નાખ્યો છે અને પ્રભાતમાં એમનો વિજય પ્રવેશ થવાનો છે એ ઘોષણા થઇ અને આખી રાત પાટણમાં કોઈએ નિંદ્રા કરી નહિ. સેંકડો હજારો ને લાખો દીપીકાઓથી ઝળાંહળાં બનેલું નગર જાણે ત્યારે જ સ્વર્ગમાંથી આવ્યું હોય એવું અદ્ભુત દેખાવા માંડ્યું. નગરસુંદરીઓએ ગીતોની સ્પર્ધા માંડી. છોકરાઓએ ‘જય સોમનાથ!’ની રણહાક પોળેપોળે ગજાવવા માંડી. એમણે નિંદ્રા લીધી નહિ ને કોઈને લેવા દીધી નહિ. ઠેકાણે-ઠેકાણે અક્ષતના, કંકુના, કેસરના, કુસુમના સાથિયા પુરાવા માંડ્યા. શતકોટીધજ શ્રેષ્ઠીઓને આંગણે સાચા મોતીનાં તોરણ લટકવા માંડ્યાં. રાજદ્વારે ગજમોતીનો મહાસ્વસ્તિક રચાયો તેના ઉપર સોનેરી જલકુંભ મુકાયો. પુષ્પોની કેસરી જલની, ચંદનની ને સુગંધની રેલમછેલથી નગર આખું મઘમઘી ઊઠયું. આજ જાણે પાટણમાં કોઈ અકિંચન ન હતું, કોઈ દુઃખી ન હતું, કોઈ દુર્બળ કે નિરાશ ન હતું, કોઈ નાનું ન હતું, કોઈ દુઃખી ન હતું, ઠેકાણે ઠેકાણે અવંતીવિજયના પડધા પડ્યા હતા. ગુજરાતીઓ તો સાત-સાત પેઢીના વૈભવ ઘરમાંથી આણી આણીને ચોક, ચૌટા, અવશી, છજા, ઝરૂખા, માલ, માળિયાં, ગોખ, એમને એવાં તો શણગારવાં માંડ્યાં કે આકાશી અપ્સરાઓને ઉપરથી જોતા સ્વર્ગ આંહીં ઊતર્યું હોય તેમ લાગ્યું – અને સ્વર્ગમાં ઉપર દ્રષ્ટિ કરતાં ત્યાં જાણે નરી ધરતી દેખાણી!’

સવાર પડ્યું. કુકડાએ નેકી પોકારી.પક્ષીઓ બોલ્યાં. આકાશે રંગોળી માંડી. સરસ્વતીના તીરપ્રદેશ ઉપર નગરજનોની દ્રષ્ટિ પડી, અને આકાશના આકાશ ભેદી નાંખે તેવો ‘જય સોમનાથ’નો વીર રણહાકી નાદ અનેક ઠેકાણેથી ઊઠ્યો. સોનેરી કુંભો લઈને ઊભેલી નગરની બાલિકાઓએ વિજયમંગલગીતાવલિના પ્રત્યુત્તરથી એ હેલીને વધાવી લીધી – અને એમાં શંખ, મૃદંગ, ભેરી, પખવાજ, ઘંટ, તાલ બધાં મળી જતાં એક એવો તુમુલ નાદ ઊઠ્યો કે ઘડીભર જાણે માનવકુળનો તમામ ઉત્સાહસાગર આજે આંહીં જ ઠલવાઈ જશે કે શું એમ લાગવા માંડ્યું!

મૂલરાજ સોલંકીના જમાનાથી ચાલતા પાટણ – માલવ – યુદ્ધનો આજ મહારાજ સિદ્ધરાજે અંત આણ્યો હતો. એણે યશોવર્માના હાથમાં ખુલ્લી તલવાર આપીને એને ગજરાજ ઉપર પોતાની પાછળ બેસાર્યો હતો. અને આજે જાણે ગુજરાતને એક મહાન સંદેશો આપ્યો હતો કે, અરિમાત્રની તલવાર બુઠ્ઠી છે – જો આપણામાં પાણી હોય તો!

જાણનારા જાણતાં હતા કે રાતોરાત મુંજાલ મહેતાનો માણસ હોડીમાં આવ્યો હતો. ત્રિલોચન કોટપાલને કહી દરવાજો ઉઘડાવ્યો હતો અને શ્રીકંઠ પાસે રાતોરાત બેસીને શર્કરાની એવી તો સોનેરી મૂઠવાળી અદ્ભુત તલવાર ઘડાવી હતી કે જોનારો ભલેને ગમે તેટલો નિષ્ણાત હોય, એ તલવારના એક અંશને પણ જાણી ન શકે! અત્યારે એ તલવાર યશોવર્માના હાથમાં હતી. 

નગરપ્રવેશ થતાં પહેલવહેલ ગજસેના દેખાણી. ગજરાજોની સવારી આવતી ગઈ તેમ લોકમેદનીનો ઉત્સાહ વધતો ગયો. ‘આ કોણ? દંડદાદાકજી?’ ‘પેલા ઉદયન મહેતા!’ ‘એ રહ્યા મુંજાલ મહેતા!’ ‘ત્યાં ઊભો પેલો કાકભટ્ટ!’ ‘અરે આ આવે એ જ ત્યાગભટ્ટ!’ ‘મહારાજનો પુત્ર કહેવાય છે!’ ‘અરે! જા, જા, હોય નહિ!’ એવા અનેક પ્રકારના ધ્વનિથી વાતાવરણ ઊભરાઈ ગયું. લોકો પોતપોતાના લાડીલા વીરપુરુષને જોવા લાગ્યા ને બીજાને દેખાડવા લાગ્યા. ગજસેનાની મોખરે સૌથી પહેલાં શણગારેલો એક મહાન ગજરાજ આવ્યો. એના ઉપર ત્યાગભટ્ટ પોતે ઊભો હતો. એની કીર્તિ અત્યાર અગાઉ પાટણમાં પહોંચી ગયેલી જણાઈ. લોકોએ એને જોયો અને એનો જય પોકાર્યો. માલવયુદ્ધમાં યશ:પટહ દ્વારા એણે કરેલી રણસેવાની વાતો હવામાં ફરતી થઇ ગઈ. એણે બે હાથ જોડીને વિનમ્રતાથી પટ્ટણીઓને પ્રણામ કર્યા. એના ભયંકર ગજસૈન્યનો ખ્યાલ આપતાં સો જેટલા રણવિશારદ હસ્તીઓની પંક્તિમાલા એની પાછળ જ આવી રહી હતી. એમાંના કેટલાકની સૂંઢમાં ખુલ્લી તલવારો હતી, કેટલાકે ગદાઓ લીધી હતી. હવામાં આમ તેમ હાલતી એમની સૂંઢોએ લોકોને બાજુ ઉપર સીધી લીટીમાં રાખી દીધા. ત્યાગભટ્ટ એમનો પ્રિય યુદ્ધવીર થઇ રહ્યો. ફરી એનો જય પોકારાયો. ગજસેનાની તરત પછવાડે એકસો જેટલી સ્ત્રીસૈનિકો સમશેરપટ્ટાના ખેલ દેખાડતી આવી રહી હતી. એમના છૂટા કેશમાં પરોવેલી સોનેરી ઘૂઘરીઓનો ઝંકાર હવામાં સંભળાતો હતો. એમનાં મોહક અંગઉપાંગ સાથે તલવારનો એવો તો રણનેત્રી સંબંધ જડાઈ જતો હતો કે લોકોની આંખો એ દ્રશ્ય ઉપર જાણે ચોંટી ગઈ હતી. એમણે રેશમી કીમતી પોશાક પહેર્યો હતો. હાથપગમાં સોનાચાંદીના રણકાર કરતાં કડાં હતાં. રાજના દેહરક્ષણનો છેલ્લામાં છેલ્લો ભાર – રાજગઢના દ્વારથી માંડીને રણવાસ સુધીનો... પોતાના ઉપર છે. એવા જવાબદારી ભરેલા ગૌરવથી એમના રણનૃત્યમાં એક પ્રકારની મોહક છટા દેખાતી હતી. પ્રેક્ષકો નૃત્ય જુએ છે એવા ભાનથી નહિ, પણ પાટણની સ્ત્રીશક્તિ જુએ છે એવા ભાનથી ત્યાં ધરતી સાથે જડાઈ ગયા હતા!

એમની તરત પછવાડે ડંકા, નિશાન, રણઘોષી મૃદંગ અને હવામાં લેરખી લેતો આકાશ સુધી પહોંચતો, ગુર્જરોનો ગૌરવી મહાન કુકુટધ્વજ દેખાયો. સેંકડો ઘોડેસવાર સૈનિકોથી વીંટળાયેલો કૃષ્ણદેવ એનું રક્ષણ કરતો આવી રહ્યો હતો. એ રણધ્વજમાં જનતાને ગુજરાતના ગૌરવનું દર્શન થતું હતું. એને જોતાં જ માણસોના કંઠમાંથી ‘જય સોમનાથ’ની રણઘેલી ઘોષણા જાગી ઊઠી. એની તરત પાછળ આવી રહેલ મહારાજનો ગજરાજ શ્રીકલશ નજરે પડતાં તો એ રણઘોષણામાં સોગણો ઉત્સાહ આવી ગયો! ઠેકાણે ઠેકાણેથી પુષ્પવૃષ્ટિ વરસી રહી. 

‘આ પેલો માલવરાજ!’ ‘પેલો યશોવર્મા!’ ‘આ જયવર્મા!’ લોકમાંથી સંભળાય તેવાં શબ્દો થવા માંડ્યા. માલવરાજની સમશેરનું પાણી મપાય ગયું હોય તેમ એના હાથમાં ખુલ્લી સમશેર ચમકી રહી હતી. 

લાખો માણસના મસ્તક મહારાજ જયસિંહદેવને જોતાં નમી પડ્યાં. સ્ત્રીઓએ પુષ્પમાળાઓનો, ફૂલોનો, મોતીઓનો જાણે વરસાદ વરસાવા માંડ્યો. નગરજનોએ મહારાજના દર્શને ઘેલા બનીને સોનાંરુપાં ઉછાળવા માંડ્યાં. આજ ગુજરાતની પ્રજાનો ક્યાંક ઉત્સાહ માતો ન હતો. જે કોઈએ ન કર્યું તે મહારાજ જયદેવે સિદ્ધ કર્યું હતું. એમણે આખા ગુજરાતને એક સામ્રાજ્ય, એક ધ્વજ, એક રણહાક, એક વીરની ભાવના આપી હતી. એમણે સઘળે એકતા આણી હતી. એમણે પોતે નાનામાં નાનાં પ્રજાજનને મળીને એને ખાતરી કરાવી દીધી હતી કે ગુજરાતમાં કોઈ નાથ છે!

મહારાજની સવારી આગળ વધતી જતી હતી અને રત્ન હીરા – ઝવેરાતના વેપારીઓએ, જાણે આકાશને નીચે ઉતારવાની સ્પર્ધા માંડી હોય તેમ હીરા, માણેક, મોતી, સાચાં રત્નોનાં તોરણ લટકાવ્યાં હતાં. દુકાનોમાં પંક્તિ ઉપર પંક્તિમાં એમને એવી રીતે ગોઠવ્યાં હતાં કે એમના ચમક ચમક થતા પ્રકાશથી ઘડીભર માણસની આંખ ઝાંખી પડી જાય! 

ત્યાં ચારે તરફની ઊંચી ઓટલાવાળી દુકાનોમાં સાધુઓ, સંન્યાસીઓ, મુનિઓ, કવિજનો, પંડિતો ઊભા રહી ગયા હતા. છજા, ઝરૂખા, ગોખ, અગાશી, અટારીમાંથી પાટણની સુંદરીઓએ પુષ્પોના ઢગલેઢગલા સતત વેરવા માંડ્યા મહારાજનો ગજ ત્યાં આવીને ઊભો ને ચારેતરફ મેદનીમાં હર્ષ વ્યાપી ગયો.

ઘડીભર ત્યાં શાંતિ ફેલાઈ ગઈ. એક જગ્યાએ ઊભેલા કવિવર શ્રીપાલની વાણી હવામાંથી સંભળાણી. શ્રીપાલ મહારાજની સ્તુતિ ગાઈ રહ્યો હતો. 

કવિનો અવાજ બંધ થયો ન થયો ને બીજી તરફથી વાગ્ભટ્ટની કવિવાણી આવી ગઈ. એ પુરી થઇ ન થઇ કે આકાશે ચડીને આવતી કોઈ લોકકવિની માત્ર બે –ત્રણ પંક્તિઓ સાંભળતાં જનતા ઘેલી થઇ ગઈ. ધીમેધીમે વાતાવરણમાં મહારાજની પ્રશંસવાણી અને કવિવાણીની જાણેકે હેલી ઉપડી.

કવિપંક્તિઓમાં એક પછી એક વધુ ને વધુ ઉલ્લાસમય વીરત્વની છોળ આવવા માંડી. જનસમૂહ એમાં નાહી રહ્યો હતો. આજે ઉત્સાહસ્તંભના ઉપર ફરકતા કુકુટધ્વજને પાટણની મહત્તાનું ગાન સાંભરીને આકાશ સુધી ઊડવાનું જાણે મન થયું લાગતું હતું. ત્યાં એ જ ઉત્સાહનો પડઘો પાડતો, શુદ્ધ કાંચનના રણકા જેવો શબ્દ કાને પડ્યો. 

કોણ બોલે છે એ સાંભળતાં સૌની દ્રષ્ટિ શબ્દની દિશા તરફ વળી તો ત્યાં એક ઊંચા ગવાક્ષમાં ઊભેલી પ્રતાપદેવી દેખાણી.

એની તેજસ્વી મુખમુદ્રા અને નારીત્વની સંસ્કારી શૂરવીરતાએ ઘણાને આકર્ષી લીધા. એના શબ્દો સ્પષ્ટ હતા. એનો રણકો તેજધાર જેવો સ્વચ્છ હતો. એના અભિનયમાં ગૌરવ હતું. 

એને સાંભળતાં જ ઉદયન ચમકી ગયો, જાણે ભવિષ્યના કોઈ મહાન સંઘર્ષણ માટે જ આ તેજસ્વી નારી આંહીં પાટણમાં આવી વસી છે, એનો એ વિચાર કરતો હતો, એટલામાં સમુદ્રના ઘોષ સમી ગંભીર વાણી એને કાને આવી. સાધુ હેમચંદ્રાચાર્યની કાવ્યપંક્તિ આવી રહી હતી. સમુદ્ર, ચંદ્ર, દિગ્ગજો, કલ્પતરુ, તમામને આ મહોત્સવમાં ભાગ લેવાની એમાં કલ્પના હતી. તેઓ પોતાનો આશીર્વાદ આપતો એક હાથ ઊંચો રાખીને બોલી રહ્યા હતા.

***