Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય મંજન - 11 - હટવાડાની મઝા મઝેદાર હોય છે

 

            

હટવાડાની મઝા મઝેદાર હોય છે..!

                              

                            લેખની શરૂઆત તો તોફાની મસ્તીથી કરવી છે, પણ તે પહેલાં, અંદરથી ઉછાળા મારતો એક વિદ્યાર્થીનો ટૂચકો  યાદ આવી ગયો. શિક્ષકે ચંપુને પૂછ્યું કે, ‘દુનિયા કેવી છે ? ગોળ છે કે ચોરસ.?’ ચંપુ કહે,’ ગોળ પણ નથી ને ચોરસ પણ નથી, ૪૨૦ છે..! આ વાત સાલી હસવામાં કાઢવા જેવી તો નહિ, એટલા માટે કે, જેને જેવી દુનિયા દેખાય, તેવી એ વ્યક્ત કરે. પેલી  હાથીવાળી વાર્તાની તો તમને ખબર હશે. અંધારામાં જેના હાથમાં હાથીનું જે અંગ આવ્યું, તેને તેવો હાથી દેખાયો. પૂંછડી હાથમાં આવી તો એને પાતળો દેખાયો. પગ હાથમાં આવ્યા, તો હાથી  જાડો દેખાયો, કાન હાથમાં આવ્યા, તો હાથી સૂપડાં જેવો દેખાયેલો..! અંધારામાં તો અનુમાન જ કરાય ને..? પોતપોતાની નજરિયા ઉપર આધાર છે.
                              એના કપાળમાં કાંદા ફોડું, ચમનીયાને દુનિયા એક હટવાડો લાગે છે બોલ્લો..!  એવો હટવાડો કે, જ્યાં અનેક જિંદગીઓ પોતાનો લેવાલ શોધે છે. જિંદગીને એક તમન્ના છે કે, કોઈ આવે ને મારી  જિંદગીને પ્રેમ કરે, સ્નેહ-સંબંધ અને સગપણ સાંધે, પોતીકો બનાવી મને  ગળે વળગાડે..!  જિંદગીનો આ એક એવો હટવાડો છે કે, જે પોતાની જિંદગીને વેચવા નહિ પણ વહેંચવા બેઠાં છે.  સારો લેવાલ મળે એ આશાએ અમુક વેચવાલે, તો  દયાવાન, ઉપકારી-પરોપકારી-અને તેજસ્વીતા જેવું ફેસિયલ પણ કરાવ્યું હોય. સૌને હું સૌથી મનોહર લાગું એવી સૌને હોડ છે. તો કોઈ વળી, જેવી છે તેવી જિંદગીનો પથારો કરીને હટવાડામાં બેઠો છે. એને વિશ્વાસ છે કે, જેને અંતરના ઊંડાણમાં ડોકાવવાની આદત છે, એવાં જિંદગીના ઝવેરી પણ હટવાડામાં આવશે. એને ટાપટીપ કે આડંબરમાં JUCE નથી. એને તો ઈચ્છા છે, પ્રાકૃતિક સૃષ્ટિમાં મનોવિહાર કરવાની. રમૂજી-ગમ્મતી-વિનોદી-મજાકી-ટીખ્ખળીયો-સાદો-સરળ-સમજુ ને વિવેકી રહી મુકત વિહાર કરવાની. હટવાડાનો જે અઠંગ ખેલાડી છે, એ કલાપારખું  ભાવ તાલ કરવાનો નથી. ‘એન્ટીક’ પીસ શોધવા જ તો એ  હટવાડામાં ફરે..! નહીં તો બ્રાન્ડેડ મોલમાં નહીં જાય..?  હટવાડામાં આવનાર સૌનો ટેસ્ટ અલગ છે. હટવાડાની તો  ભાત જ અનોખી. કોઈ જોઇને રાજી થાય. ચકાસતા જાય, ભાવ તાલ કરતાં જાય, વિશ્વાસ આપતાં જાય,  વિશ્વાસ ગુમાવતા  જાય..! એવું પણ બને કે, સંબંધોનો હાંડવો બનાવ્યા પછી, ભૂલી પણ જાય કે, હું ક્યાં તમને ઓળખું છું..! પણ દુનિયાનો હટવાડો સાવ પોકળ નથી. ઘટમાં ઘોડા થનગને ને માંહ્યલો વીંઝે આંખ (પાંખ નહિ )..!  હટવાડામાં આવ્યા પછી ફાયદા અને ગેરફાયદાના લેખાં-જોખાં તો રહેવાના..! જે ચિંતામુકત છે, એ જ જિંદગીના હટવાડામાં સફળ બને. હટવાડો એટલે ‘એન્ટીક’ પીસનું બજાર..! ગમતું મળી જાય તો આનંદ લુંટવાનો, ને ભેરવાય જવાય તો માફ કરી દેવાનો, બીજી કોઈ વાત નહિ..!  ખરીદીની જરૂર નહીં હોવા છતાં, કંઈક ખરીદવાની તાલાવેલી થાય, એનું નામ હટવાડો..!  માત્ર વસ્તુ કે પદાર્થ જ એન્ટીક હોતાં નથી, અમુકની તો જિંદગી પણ એન્ટીક હોય. કોઈની જૂની-દબાયેલી-કચડાયેલી-ખીલેલી-પાકટ-કુમળી જિંદગી જો નસીબના ઊંધા ચકરડા ફરવાને કારણે પડતર હોય ને, તેને ખરીદવાથી પોતાની રોનક વધતી હોય તો, હટવાડાનો આંટો ફોગટ જતો નથી. સત્યાનંદનો એકાદ આનંદ એમાંથી મળી જાય, લેવાલનું કામ થઇ જાય એવી આકાશી ભાવના..!  
                      હટવાડો લઈને આવનાર આશાવાદી હોય. એને ખબર નથી કે, કયો અને કેટલો માલ ખપવાનો છે. એ પણ ખબર નથી કે, હટવાડામાં હટાણું કરવા કોણ આવશે.? જે ગમે તે તમારું ને ન ગમે તે મારું એવાં જોખમ સાથે જ વેચવાલ જિંદગીને માથે ચઢાવીને હટવાડામાં બેઠો હોય. હાસ અને પરિહાસનો માલ એક કિલોની કોથળીમાં બે કિલો જેટલો ભરવાની હોંશ છે, કોથળી ક્યાંકથી ફાટી જશે, એની ચિંતા પણ છે. પણ આ તો વેચવાલનો હોંશલો છે મામૂ..!  હટવાડો એટલે, ચરણ થાકીને જ્યાં થોભ્યાં, તેને તીર્થ માનવાનો વિશ્રામ..! એટલું જ શીખવાનું કે, જિંદગીને સમજવી હોય તો પાછળ નહિ જોવાનું,  અને જીવવી હોય તો આગળ જોવાનું..! કારમાં પાછળ જોવાનો કાચ નાનો હોય ને આગળ જોવાનો કાચ મોટો હોય એનું કારણ પણ એ જ..!  
                          નેરોગેજની લાઈન ઉપર  બ્રોડગેજ લાઈનનાં ડબ્બા કેટલાં દોડાવવા પડે એ તો જેણે દોડાવ્યા હોય એને જ ખબર પડે. અમુકે તો માંડ માંડ દોડાવ્યા હશે..! શરીરના સંપૂર્ણ પાર્ટ્સ સાથે વેન્ટીલેટર વગર જિંદગીને ઠીચ્ચુક- ઠીચ્ચુક ઘસડી પણ હશે. એ વિના વર્ષાંતના ડીસેમ્બર મહિના સુધી નહિ અવાય. કેવાં આવી ગયાં..? રોકટોકને ગણકારે છે કોણ..? અહીં તો એ ખુમારી છે કે, વર્ષ દરમ્યાન છેલ્લી કોટિનો માણસ ભટકાય કે નહિ ભટકાય, પણ સાલનો છેલ્લો મહિનો તો જરૂર ભટકાય..! કેલેન્ડરના છેલ્લા મહિનાની આ જ તો ઈજ્જત છે મામૂ..? અધિક માસ જેવાં ફ્લેગ સ્ટેશન ગણતરીમાં નહિ લઈએ તો આ ‘લાઈફ-ટ્રેન’ દરેક વર્ષમાં ૧૨ સ્ટેશન કરવાની. જેવો ડીસેમ્બર બેસે એટલે ૧૨ મહિનાનો હિસાબ પૂરો. એ બાર મહિનામાં કોણ કેટલાં ભીનેવાન થયાં, તાલેવાન થયાં. કોણે હોસ્પિટલના ખાટલાં તોડયા, કોણ સ્વર્ગસ્થ થયું, કોણ પૃથ્વીસ્થ થયું, કોણે કેટલા લીટર પરસેવો પાડ્યો ને કોણે કોને ઉબડા પાડ્યાં, એના તાળા મેળવવાના સમય માટે ડીસેમ્બર મહિનો આવતો નથી. ડીસેમ્બર કાઢો એટલે, બે હજારને ચોવીસમાં પ્રવેશ કરવાનો વિઝા આપોઆપ હાજર..! વિદાય થયેલા મહિનાઓ ફરી પાછાં પ્રગટ થશે. ફરી ટાઈઢ પડવાની, બફારો થવાનો, ઝરમર ઝાપટાં પડવાના, છત્રીઓ કાગડો થવાની..!  આ જિંદગી ચગડોળ જેવી છે દાદૂ..! નવી સાલ ઉખડે એટલે નવા વર્ષ માટે શુભકામના આપવાની. નહિ તો, વ્હોટશેપ યુનીવર્સીટી  ચલાવશે કોણ..? શુભેચ્છા આપવાને બ્હાને, લોકો  કેવાં કેવાં સાબુના ગોટા ફેરવશે એ જોવાનો પણ એક આનંદ છે ને મામૂ..!
 

                                          નુતન વર્ષની શુભકામના લગન વખતે મળેલા આર્શીવાદ અને વ્હોટશેપમાં મળેલી શુભેચ્છાઓ આમ તો ફટાકડાના સુરસુરિયા જેવી જ હોય. બધી શુભેચ્છાઓ જો ફળતી જ હોયતો, મુકેશભાઈ અંબાણીની બાજુમાં આપણો પણ એક બંગલો હોત..! ઉપરવાળાએ ઠેકાણે જ રાખ્યા છે બોસ..! માટે માંકડા મનને બહુ ‘ડેન્સ’ નહિ કરવા દેવાનો..! શૈલીને પણ ઘણી ઈચ્છા થાય કે, નીતાબેન અંબાણી એક વાટકી ખાંડ આપણાં ઘરે લેવા કે, પોતાના કામ માટે મારી કામવાળી ઉછીની લેવા આવે એવાં દિવસો ક્યારે આવશે..? હે દયાનંદ, પ્રેમાનંદ, સત્યાનંદ હે પ્રભુ, ગયા વર્ષની સૌની શુભેચ્છાઓ હજી અકબંધ છે, માટે ૨૦૨૪ ના વર્ષની શુભેચ્છાઓ પાઠવવા એમનો કીમતી સમય નહિ બગાડતા. આ વરસે હું ઉપયોગમાં લઇ લઈશ. લોકોને સદબુદ્ધિ આપજો પ્રભુ, કે સમય બચે તો પોતાના ઘરના પંખા સાફ કરે..!
                                        લાસ્ટ ધ બોલ

          પ્રત્યેક જાન્યુઆરી આગલા વર્ષનો હત્યારો હોવાં છતાં, નવા વર્ષનું ખાતમૂહર્ત પણ જાન્યુઆરી જ કરે છે..!