સપનાનાં વાવેતર - 41 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 41

સપનાનાં વાવેતર પ્રકરણ 41

ઓફિસેથી નીકળીને સુનિલ શાહ ઓટો કરીને સીધો સ્ટેશન ગયો અને અંધેરી જતી ફાસ્ટ પકડી. ઘરેથી ચાવી લઈને ઝડપથી પાછું ખાર પહોંચવું હતું. એની પાસે હોન્ડા સીટી ગાડી પણ હતી પરંતુ ટ્રાફિક અને પાર્કિંગના પ્રોબ્લેમના કારણે ઓફિસે તો એ ટ્રેનમાં જ આવતો.

અંધેરી સ્ટેશન પહોંચીને ફરી એણે મરોલ જવા માટે રીક્ષા કરી લીધી. ઘરે જઈને થોડો ફ્રેશ થયો. એ પછી એણે પોતાના બેડરૂમમાં જઈને કબાટ ખોલ્યું. જે ડ્રોવરમાં એ ચાવીઓ મૂકતો હતો એ ડ્રોવર ખોલ્યું પરંતુ ચાવીઓ ત્યાં ન હતી. અત્યારે તો એ ફ્લેટની ચાવી લેવા માટે ઘરે આવ્યો હતો પરંતુ એ ચાવી પણ દેખાતી ન હતી. એણે બીજું ડ્રોવર પણ ચેક કર્યું પરંતુ આખા કબાટમાં ક્યાંય પણ ચાવીનો જૂડો કે છૂટી ચાવી ન હતી.

એણે એની પત્ની રમાને મોટેથી બૂમ પાડી. રમા દોડતી આવી.

" અરે મારી ચાવીઓ તેં લીધી છે ? આ ડ્રોવરમાં જ કાયમ મારી ચાવીઓ રહે છે. " સુનિલ લગભગ બરાડ્યો.

" તમારી ચાવીઓને હું શું કામ અડું ? હું તમારું આ કબાટ ખોલતી જ નથી. અને કબાટને તો તમે લોક કરીને જાઓ છો ! " રમા બોલી.

" અરે પણ તો ચાવીઓ જાય ક્યાં ? કાયમ આ કબાટમાં જ પડી રહે છે. બહારથી ચોર આવીને ચોરી ગયો ? આમ ધોળા દિવસે ચાવીઓ ગુમ કઈ રીતે થઈ જાય ? કોઈ આવ્યું હતું આજે ? " સુનિલ બોલ્યો.

" અહીં કોઈ આવ્યું નથી. તમે ગયા ત્યારનો બેડરૂમ પણ બંધ જ છે. " રમા બોલી.

સુનિલ શાહને ખબર નહોતી પડતી કે આવું કેવી રીતે બની શકે ? હજુ બે દિવસ પહેલાં જ રાત્રે કલ્પનાને લઈને ખારના ફ્લેટમાં ગયો હતો અને સવારે આવીને ચાવી આ ડ્રોવરમાં જ મૂકી હતી. એ ચાવી તો ઠીક પણ લોકરની ચાવીઓનો જૂડો પણ ગુમ હતો.

સુનિલ બેબાકળો બની ગયો. એને અચાનક પાંચ કરોડની કેશ યાદ આવી એટલે ફરી પાછું કબાટ ખોલ્યું અને નીચે બેસીને સૌથી નીચેનું ખાનું જોયું. પણ આ શું ! આખું ખાનું ખાલી હતું. આ જ ખાનામાં એણે પાંચ કરોડ રોકડા મૂકેલા હતા !

સુનિલે માથે હાથ મૂકી દીધા. "બધું જ લૂંટાઈ ગયું રમા. ઘરમાં ચોરી થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં જ આ બન્યું છે." સુનિલ બોલ્યો.

" અરે પણ એમ ચાવીઓની ચોરી કઈ રીતે થાય ? કબાટ બંધ છે. તમે એને લોક કરેલું છે. એ કબાટની ચાવી પણ તમારી પાસે રાખો છો. તમે જ એ ચાવીઓનો જૂડો બીજે ક્યાંક મૂક્યો હશે." રમા બોલી.

" અરે ચાવીઓની ક્યાં માંડે છે ! આ નીચેના ખાનામાં પાંચ કરોડ રૂપિયા રોકડા રાખેલા હતા એ પણ ચોરાઈ ગયા છે." સુનિલ બોલ્યો.

" હાય હાય આટલા બધા રૂપિયા તમે કબાટમાં મુકેલા હતા ? બેંકમાં ના મૂકી દેવાય ? " રમા બોલી.

"અક્કલની ઓથમીર તું અહીંથી જા. બુદ્ધિનો છાંટો પણ નથી તારામાં. મારું મગજ ખરાબ ના કર. " સુનીલ તાડુક્યો.

પતિનો મિજાજ પારખીને રમા ત્યાંથી બહાર નીકળી ગઈ.

સુનિલને ખબર નહોતી પડતી કે આવું કઈ રીતે બની શકે ! બધી જ ચાવીઓ ગુમ અને રોકડા પાંચ કરોડ પણ ગાયબ. કોઈ ચોરે ચોરી કરી હોય તો કબાટ ખુલ્લું હોય. જ્યારે અહીં તો કબાટ પણ લોક કરેલું હતું ! ફરિયાદ કરવી હોય તોય કોને કરવી !

હવે તો ચાવી વગર વિજય દીપ સોસાયટીના ફ્લેટમાં જવાનો પણ કોઈ મતલબ નથી અને ચાવીઓ વગર કાલે સવારે બેંકમાં જઈને લોકર પણ કેવી રીતે ખોલવાં !

અચાનક એને ડ્રગ્સનુ મોટું પેકેટ યાદ આવ્યું. લગભગ એક કરોડ રૂપિયાનો માલ હતો અને અશોક બારોટને પૈસા ચૂકવવાના હજુ બાકી હતા. એ ઉભો થઈને લગભગ દોડ્યો અને સીધો કિચનમાં ગયો. સ્ટૂલ ઉપર ચઢીને એણે માળીયાનું કબાટ ખોલ્યું. પેકેટ તો સલામત હતું. એને થોડો હાશકારો થયો.

રશ્મિકાંતભાઈએ અનિકેતને ડ્રગ્સ વિશે જે સમાચાર આપ્યા એ સાંભળીને અનિકેત એકદમ ખુશ થઈ ગયો. હવે સુનિલ શાહનો ડર રાખવાની કોઈ જ જરૂર નથી. એના કર્મનું ફળ એને હવે મળી જશે. જે પેઢીનું અન્ન ખાધું એ જ પેઢી સાથે એણે મોટો વિશ્વાસઘાત કર્યો અને કરોડો રૂપિયા ચાંઉ કરી લેવાની દાનત રાખી.

અનિકેતે એના પપ્પા પ્રશાંતભાઈનો સંપર્ક કર્યો અને એમના ખાસ કોલેજ મિત્ર સાવંત સાહેબનો નંબર માગ્યો.

" અરે પણ તારે એમનો નંબર શા માટે જોઈએ છે ? કોઈ પ્રોબ્લેમ થયો હોય તો મને કહે ને ! " પ્રશાંતભાઈ ચિંતાથી બોલ્યા.

" અરે પપ્પા મને પોતાને કોઈ જ પ્રોબ્લેમ થયો નથી. તમે જરા પણ ચિંતા ના કરો. ડ્રગ્સનું એક રેકેટ પકડાયું છે. સાવંત અંકલને પણ ક્રેડિટ મળશે." અનિકેત બોલ્યો.

" ઠીક છે. ઠીક છે. " પ્રશાંતભાઈ બોલ્યા અને એમણે અનિકેતના મોબાઇલમાં પીઆઇ યશવંત સાવંતનો નંબર ફોરવર્ડ કર્યો. અનિકેતે તરત જ સાવંત અંકલને ફોન જોડ્યો.

" સાવંત અંકલ હું અનિકેત વિરાણી બોલું. પ્રશાંતભાઈનો દીકરો." અનિકેત બોલ્યો.

" અરે હું તને ઓળખું છું દીકરા. તેં ખાલી અનિકેત કહ્યું હોત તો પણ હું ઓળખી જાત. બોલ શું હતું ? " સાવંત સાહેબ બોલ્યા.

" એક ઇન્ફોર્મેશન આપવાની હતી. હું તમને સુનિલ શાહ નામના એક વ્યક્તિનો ફોટો અને એના મરોલના ફલેટનું એડ્રેસ મોકલી આપું છું. એ ફ્લેટમાં કાલે વહેલી સવારે જ તમારે રેડ પાડવાની છે. એના કિચનમાં માળિયામાં કબાટ બનાવેલું છે ત્યાંથી તમને ડ્રગ્સનો જથ્થો મળી આવશે. કોન્ટીટી કેટલી છે એ મને ખબર નથી. પરંતુ સારા પ્રમાણમાં હશે. તમે અત્યારે કયા પોલીસ સ્ટેશનમાં છો ? તમે મરોલમાં રેડ પાડી શકશો ? " અનિકેત બોલ્યો.

" હું અંધેરી પોલીસ સ્ટેશનમાં જ છું. અને કોઈપણ પોલીસ સ્ટેશનમાં હોઉં તો પણ હું ડ્રગ્સ માટે રેડ પડાવી શકું છું એટલે એની ચિંતા તું ના કર. પણ તારી આ ઇન્ફર્મેશન પાક્કી છે ? " સાવંત બોલ્યા.

" એકદમ પાક્કી. અને એક બીજી વાત અંકલ. સુનિલ શાહ નામનો એ માણસ મારા સ્ટાફનો છે અને સુજાતા બિલ્ડર્સ કંપની સાથેની એની ગદ્દારીના કારણે હું એને કાલથી છૂટો કરવાનો છું. મારી કંપનીને એના આ ડ્રગ્સના ધંધા સાથે કોઈ લેવાદેવા નથી. ખાલી ખાલી સુજાતા બિલ્ડર્સનું નામ ક્યાંય છાપે ના ચડે એનું તમે ધ્યાન રાખજો." અનિકેત બોલ્યો.

" પરંતુ તારી કંપની તો વિરાણી બિલ્ડર્સ છે ને ? " સાવંતે પૂછ્યું.

"અંકલ વિરાણી બિલ્ડર્સ અને સુજાતા બિલ્ડર્સ એકબીજામાં મર્જ થઈ ગઈ છે. અમે એ કંપનીને ટેક ઓવર કરી છે. અત્યારે બાંદ્રાની સુજાતા બિલ્ડર્સ હું જ સંભાળું છું. મેં હમણાં જ ચાર્જ લીધો અને આ માણસનાં પરાક્રમ જાણ્યાં. " અનિકેત બોલ્યો.

" સમજી ગયો. તું ચિંતા ના કર. સુજાતા બિલ્ડર્સનું નામ ક્યાંય પણ નહીં આવે. અને તેં જે માહિતી આપી એ બદલ થેન્ક્સ. " સાવંત સાહેબ બોલ્યા.

" અંકલ બીજી પણ એક રિક્વેસ્ટ હતી જો તમે ફેવર કરી શકો તો. " અનિકેત બોલ્યો.

" હા બોલ ને ! " સાવંત બોલ્યા.

" અંકલ ખારમાં લિંકિંગ રોડ દસમા રસ્તા ઉપર વિજય દીપ સોસાયટી છે. એના ડી બ્લોકમાં ત્રીજા માળે ૩૦૧ નંબરના ફ્લેટ ઉપર આજની રાત નજર રાખવાની છે. મને ડાઉટ છે કે આજે એ સુનિલ શાહ ત્યાં જશે. તમે અત્યારથી જ તમારા સ્ટાફમાંથી એકાદ પોલીસની વોચ ગોઠવી દો. એ બસ ડી બ્લોક પાસે બાઈક પાર્ક કરીને ત્યાં જ ઉભો રહે. એણે બીજું કંઈ જ કરવાનું નથી. એની હાજરી જ પૂરતી છે. " અનિકેત બોલ્યો.

" તારો એ સુનિલ શાહ એ ફ્લેટમાં કેમ જવાનો છે ? " સાવંત અંકલ બોલ્યા.

" મારી કંપનીની કેશ એ ફ્લેટમાં પડેલી છે. એની ચાવી એની પાસે છે. હું એને આવતી કાલથી નોકરીમાંથી કાઢી મૂકવાનો છું એ એને ખબર છે એટલે બની શકે કે ત્યાં પડેલી કેશ એ ચોરી કરવા ફલેટમાં જઈ શકે. પોલીસની હાજરી હશે તો એ હિંમત નહીં કરે. " અનિકેતે કહ્યું. તાળું બદલી નાખ્યું છે એ વાત સાવંત અંકલને કરવાની કોઈ જરૂર ન હતી.

" ઠીક છે. તારું કામ થઈ જશે. હું મારા ડી સ્ટાફના પઠાણને કહી દઉં છું. એ સાત વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જશે. " સાવંત અંકલ બોલ્યા.

" થેન્ક્યુ અંકલ. સુનિલ શાહનો ફોટો પણ તમારા એ પઠાણને મોકલાવી દેજો એટલે એ પણ ઓળખી જશે. બસ એના ઉપર વોચ રાખવાની છે." અનિકેત બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

સુનિલ શાહના ચક્કરમાં આજે સંજય ભાટિયાને બોલાવીને દસ લાખ રૂપિયા આપવાનું રહી ગયું હતું. અનિકેતે જેવું યાદ આવ્યું કે તરત જ સંજયને ફોન કર્યો.

" સંજયભાઈ અનિકેત બોલું. તમારા દસ લાખ રૂપિયા મારી પાસે આવી ગયા છે. આજે તો હવે મોડું થઈ ગયું છે પરંતુ કાલે સવારે આવીને તમે લઈ જજો. " અનિકેત બોલ્યો.

" જી અનિકેતભાઈ થેન્ક્યુ. હું કાલે બપોરે બાર વાગ્યા આસપાસ આવી જઈશ. " સંજય બોલ્યો એટલે અનિકેતે ફોન કટ કર્યો.

સુનિલ શાહને વિજયદીપ સોસાયટીના ફ્લેટની ચાવી મળી ન હતી છતાં કોઈ પણ હિસાબે ફ્લેટમાં મૂકેલા આઠ કોથળામાંથી ૧૧ ૧૨ કરોડનો એક કોથળો એ ચોરી લેવા માગતો હતો. ઘરમાં સંતાડેલા ૫ કરોડ તો ગાયબ થઈ ગયા હતા એટલે હવે એની નજર એ ફ્લેટ ઉપર પડેલા કરોડો રૂપિયા ઉપર હતી.

' કાલે અનિકેત એ ફ્લેટ ઉપર જાય એ પહેલાં કોઈ પણ હિસાબે તાળું તોડીને એકાદ કોથળો તો કાઢી લેવો જ પડશે. કોથળો વજનદાર હશે એટલે એકલાથી તો ત્રીજા માળેથી નીચે નહીં ઉતારી શકાય. કલ્પનાને સાથે લઈ જવી પડશે. એને લઈને ઘણીવાર ગયેલો છું એટલે એ સાથે હશે તો વાંધો નહીં આવે. આજુબાજુથી કોઈ પૂછશે તો કહી દેવાનું કે ચાવી ખોવાઈ ગઈ છે એટલે તાળું તોડવું પડે છે.'

અનિકેતે કલ્પનાને ફોન કરીને દસ પંદર મિનિટમાં તૈયાર થઈ જવાનું કહ્યું. એ પછી એણે ઘરમાંથી હથોડી અને એક નાની છીણી સાથે લઈ લીધી.

સુનિલે પોતાની હોન્ડા સિટી બહાર કાઢી અને સોસાયટીની બહારથી કલ્પનાને બેસાડી ખાર જવા માટે નીકળી ગયો. સાંજના સાડા સાત વાગી ગયા હતા. આમ તો પોણા કલાકનો રસ્તો હતો છતાં ટ્રાફિકના કારણે એક કલાક થયો.

સુનિલે ગાડી સીધી ડી બ્લોક પાસે ઊભી રાખી. કલ્પનાને લઈને એ નીચે ઉતર્યો. ડી બ્લોકની બરાબર સામે જ પઠાણ પોતાની બાઈક લઈને ઉભો હતો. એની બાજ નજર સુનિલ શાહ ઉપર પડી. મોબાઇલમાં એણે ફરી ફોટો જોઈ લીધો. એ સુનિલ શાહ જ લાગે છે.

સુનિલ શાહની નજર પણ ગાડીમાંથી નીચે ઉતરતાં જ આ પોલીસ ઉપર પડી. એણે એ પણ જોયું કે આ પોલીસવાળો એની સામે જ જોઈ રહ્યો હતો. આ પોલીસવાળો અહીં કેમ ઉભો હશે ! સુનિલના મગજમાં ઘમસાણ મચી ગયું.

હવે મારે ત્રીજા માળે જવું કે નહીં ? પોલીસવાળો પોતાના ઉપર વોચ રાખતો હશે કે બીજા કોઈ કામે આવ્યો હશે ? સુનિલ શાહ બે મિનિટ માટે તો મૂંઝાઈ જ ગયો. પોલીસની હાજરીમાં તાળું તોડવું કે નહીં એ એને સમજાતું ન હતું. અને માનો કે તાળું તોડી પણ નાખ્યું તો પછી પોલીસની હાજરીમાં ૧૨ કરોડ ભરેલો કોથળો પોતે નીચે કેવી રીતે ઉતારે ? પોલીસ ચેકિંગ કરે જ.

છતાં હિંમત ભેગી કરીને એ લિફ્ટ પાસે ગયો અને કલ્પનાને લઈને ત્રીજા માળે પહોંચી ગયો. પોલીસને જોઈને હથોડી એણે શર્ટની અંદર છુપાવી દીધી હતી. ૩૦૧ નંબરના ફ્લેટ પાસે આવીને એણે જોયું તો અહીં તો ગોદરેજનું મોટું તાળું લટકતું હતું અને એ હથોડી મારવાથી પણ ખુલી શકે તેમ ન હતું. એને હવે ચક્કર આવી ગયા.

સુનિલને ખ્યાલ આવી ગયો કે આ કામ અનિકેતનું જ છે. ધાર્યો હતો એના કરતાં એ માણસ ઘણો ચાલાક નીકળ્યો. ઓફિસમાં કેવા કેવા સવાલો પૂછતો હતો. નક્કી આ પોલીસવાળો પણ એણે જ મોકલેલો છે. આજનો દિવસ બહુ જ ખરાબ નીકળ્યો. હવે અહીં વધુ વાર ઊભા રહેવામાં સાર નથી. કદાચ અનિકેત પોતે પણ પાછળ ને પાછળ આવતો હોય !

સુનિલ કલ્પનાને લઈને સડસડાટ સીડી ઉતરી ગયો. લિફ્ટ સુધી પહોંચવાની તસ્દી પણ એણે લીધી નહીં. એણે પોલીસવાળાને પણ નજર અંદાજ કર્યો અને ગાડી બહાર ગેટ તરફ ભગાવી.

" સર વો સુનિલ કીસી લડકી કો લેકર અપની ગાડીમેં આયા થા લેકિન મુજે વહાં દેખકર શાયદ ડર ગયા થા. વો ૩૦૧ નંબર કે ફલેટમેં ગયા થા લેકિન ઉસકો બીના ખોલે હી તુરંત નીચે ઉતર ગયા ઔર ભાગ ગયા. " સુનિલના ગયા પછી પઠાણે સાવંત સરને ફોન કર્યો.

"ઠીક હૈ. અબ તુ નીકલ જા. " સાવંત બોલ્યા.

પઠાણનો ફોન કટ કરીને સાવંત અંકલે અનિકેતને ફોન કરી રિપોર્ટ આપી દીધો.

" તારો પેલો સુનિલ શાહ કોઈ છોકરીને લઈને આવ્યો હતો પરંતુ નીચે પોલીસને જોઈ ફલેટના દરવાજેથી જ પાછો વળી ગયો છે. " સાવંત બોલ્યા.

" મને ખાતરી જ હતી કે એ આવશે. સમયસર તમે બંદોબસ્ત ગોઠવી દીધો એટલે એ ફ્લેટમાં ચોરી થતી અટકી ગઈ. હવે સવારે તમે એને ડ્રગ્સ સાથે એરેસ્ટ કરી દેજો." અનિકેત બોલ્યો.

" તું એની ચિંતા ના કર. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી દીધી છે. ટીમ તૈયાર જ છે. " સાવંત અંકલ બોલ્યા.

" થેન્ક યુ અંકલ. " અનિકેત બોલ્યો અને ફોન કટ થઈ ગયો.

" તમે કેમ આજે આટલા બધા ટેન્શનમાં છો સુનિલ ? અને તમે તાળું કેમ બદલી નાખ્યું છે ? તમે તો ફ્લેટ પણ ના ખોલ્યો અને સીધા નીચે ઉતરી ગયા. " સુનિલની બાજુમાં બેઠેલી કલ્પના બોલી.

" અત્યારે મારું મગજ ઠેકાણે નથી. તું એક પણ સવાલ મને પૂછીશ નહીં. આજનો દિવસ જ મારા માટે ખરાબ ઊગ્યો છે. મારા ઘરમાં પણ ચોરી થઈ ગઈ. મારો પેલો નવો શેઠ આવ્યો છે એણે આ ફ્લેટનું તાળું પણ બદલી નાખ્યું. એ મારી પાછળ પડી ગયો છે." અનિકેત બોલ્યો.

" તમારા ઘરમાં ચોરી થઈ ? ક્યારે ? " કલ્પના બોલી.

" એ બધી વાત જવા દે. એ તો સારું છે કે તેં આપેલો પેલો માલ એકદમ સલામત છે. હવે એ મારે ઊંચા ભાવે જ વેચવો પડશે. " સુનિલ બોલ્યો.

એ પછી ટ્રાફિક વધુ હોવાથી ઘર સુધી બીજી કોઈ વાત ના થઈ. કલ્પનાને સોસાયટીની બહાર જ ઉતારી સુનિલ પોતાના ફ્લેટ ઉપર ગયો.

સુનિલ શાહ ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. એની બધી જ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. અનિકેત સાથેની મુલાકાત પછી એક પછી એક ઝાટકા એને લાગ્યા હતા. પાંચ કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. લોકર ની ચાવીઓ ગુમ થઈ ગઈ હતી. જે ફ્લેટમાં ૯૦ કરોડ રૂપિયા પડ્યા હતા એનું તાળું બદલાઈ ગયું હતું. એને પોતાને સમજાતું જ ન હતું કે એક જ દિવસમાં આટલી બધી ઘટનાઓ કેવી રીતે બને ?

છેલ્લો રસ્તો હવે સવારે બેંકમાં જઈને ચાવીઓ ખોવાઈ ગયાની એપ્લિકેશન આપવાનો હતો. પરંતુ એમાં પણ એને હવે ડર લાગી રહ્યો હતો. અનિકેત પોતે જ જો સવારમાં બેંકમાં પહોંચી જાય અને પોતાને પણ જોઈ જાય તો એને બધી જ ખબર પડી જાય અને મને પોલીસના હવાલે જ કરી દે !

પરંતુ પોલીસના હવાલે થવાનું એના નસીબમાં લખેલું જ હતું. મોડે સુધી એને ઊંઘ ના આવી. સવારે એ ઘસઘસાટ ઊંઘતો હતો ત્યાં જ ડોરબેલ વાગી. એની પત્ની રમાએ જઈને દરવાજો ખોલ્યો.

રમા કંઈ સમજે તે પહેલાં જ પોલીસનું આખું ધાડું સીધું એના કિચનમાં ઘૂસી ગયું . એક પોલીસ કિચનના પ્લેટફોર્મ ઉપર ચડી ગયો અને માળિયાનાં કબાટ એક પછી એક ખોલવા લાગ્યો.

છેવટે એક કબાટમાંથી એક મોટું ડ્રગ્સ નું પેકેટ મળી આવ્યું. ઇન્ફોર્મેશન એકદમ સાચી મળી હતી એટલે રેડ પાડનાર ઇન્સ્પેક્ટર ખુશ થઈ ગયો. એણે બાજુમાં ઉભેલા સાવંત સરનો આભાર માન્યો અને તરત જ બેડરૂમમાં ધસી જઈ નિરાંતે ઊંઘી રહેલા સુનિલને ઢંઢોળ્યો.

ભર ઊંઘમાંથી સફાળો જાગી ગયેલો સુનિલ સામે પોલીસોને જોઈને હક્કા બક્કા થઈ ગયો. એની બધી ઊંઘ ઊડી ગઈ.

" ચલ ખડા હો જા ઔર કપડે બદલ લે. ડ્રગ્સકા કારોબાર કરને કે અપરાધ મેં હમ તુઝે એરેસ્ટ કરને આયે હૈં." પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યો.

સુનિલ શાહને એ.સી માં પણ પરસેવો વળી ગયો. એને સમજાતું જ ન હતું કે કિચનના માળિયામાં છૂપાવેલા આ ડ્રગ્સના પેકેટની ખબર પોલીસને કેવી રીતે પડી ગઈ ?

કંપનીના કરોડો રૂપિયા પચાવી પાડવાની મેલી દાનત એને બહુ જ ભારે પડી ગઈ !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)