પંદર મિનિટ બાદ રસીલાની રાહનો અંત આવ્યો. હાંફતા હાંફતા શિવાભાઈ મેડિકલ સ્ટોર પહોંચ્યા અને બિલની રકમ ચૂકવી દવા હાથમાં લઈ લીધી.
" આ પૈસાનું બંદોબસ્ત ક્યાંથી કર્યું?" રસીલા બેને આતુરતાઈથી કહ્યું.
" એ બઘું પછી કહીશ અત્યારે ચાલ..." રસિલાનો હાથ પકડીને શિવાભાઈ હોસ્પિટલ પહોંચ્યા. ડોકટરે દવા લઈને કેશવને જરૂરી ઇન્જેક્શન આપ્યું અને બાટલો ચડાવ્યો.
કેશવના શરીરમાંથી તાવ ધીમે ધીમે ઘટી રહ્યો હતો. કેશવની આંખ ખોલતા જ રસીલાની આંખો ભરાઈ આવી. આખો દિવસ હોસ્પિટલમાં વિતાવીને રાતે બધા ઘરે પહોંચ્યા.
કેશવને ચાદર ઓઢાડીને સુવડાવી દીધો અને પછી શાંતિથી બેસીને રસીલા એ ફરી પૈસાની વાત ઉખેળી.
" હવે તો કહો આ પૈસા ક્યાંથી લાવ્યા?"
શિવાભાઈ પહેલેથી જ રસીલા સાથે બધી વાત શેર કરતા. આજ સુધી એક પણ વાત તેમણે પોતાની પત્નીથી છુપાવી નહોતી અને એટલે જ તેણે જે હકીકત હતી એ જણાવી દીધી.
" તમે બલરાજ સિંહ પાસેથી પૈસા લીધા!" આશ્ચર્ય સાથે રસીલા ઊભી થઈ.
" હા રસીલા... મારી પાસે આ સિવાય બીજો કોઈ ઉપાય ન હતો...મને ત્યારે જે સૂઝ્યું મેં કર્યું...." શિવાભાઈ પણ ઉભા થઇ ગયા.
" પૈસાની રકમ ચૂકવવા તમે દારૂના અડ્ડાઓમાં કામ કરશો??"
" તને ખબર જ છે મને આવા અનૈતિક કામથી સખ્ત નફરત છે...પણ હું શું કરું? મારી મજબૂરી છે..પણ તું ચિંતા ન કરતી જેમ હું એની ઉધારી ચૂકવી દઈશ એટલે લાત મારીને એ કામને છોડીને આવી જઈશ... ચલ હવે આપણે પણ સૂઈ જઈએ કાલ સવારે મારે વહેલા કામ પર જવાનું છે..."
નજર મિલાવ્યા વિના શિવાભાઈ એ એકસાથે બધી વાત કહી દીધી. શિવાભાઈ એકબાજુ પડખું ફરીને સૂઈ ગયા પરંતુ પથારીમાં બેઠી રસીલા સારી રીતે જાણતી હતી કે શિવાભાઈ એ જરૂરી વાત એમનાથી છૂપાવી રાખી છે.
અડધી રાતે શિવાભાઈને બસ એક જ વાત મનમાં ફરતી હતી. જે પૈસા આપતા પહેલા બલરાજ સિંહે એમને કહી હતી.
" પૈસા જોઈએ છે ને તને, ચલ તને આપ્યા...પણ એક શરતે..."
" કેવી શરત?"
" આજથી તું બસ એ જ કરીશ જે હું તને કહીશ...તારે જીવનભર મારો નોકર બનીને રહેવું પડશે....મારા ઇશારે તારે કામ કરવા પડશે...જેમ કૂતરો પોતાના માલિકની વફાદારી કરે છે ને! બસ એ જ રીતે.... તારા મોંમાંથી ના શબ્દ ક્યારેય પણ નીકળવો ન જોઈએ અને જો ક્યારેય પણ તારા મોંમાંથી ના શબ્દ સાંભળ્યો તો સમજજે તારા પરિવારને અગ્નિસંસ્કાર માટે તારું શરીર પણ નસીબ નહિ થાય...બોલ મંજૂર છે??"
જરા પણ વિચાર કર્યા વિના તેણે શરત સ્વીકાર કરી દીધી.
આખી રાત જાગ્યા બાદ વહેલી સવારે શિવાભાઈ ઉઠી ગયા અને પોતાના હાથે જ નાસ્તો પણ તૈયાર કરી નાખ્યો. આંખ ચોળતી રસીલા ઊભી થઈ અને આસપાસ જોવા લાગી. કેશવ પાસે બેઠેલા શિવાભાઈને જોતા કહ્યું.
" આટલી વહેલી સવારે ઉઠી ગયા? શું થયું કેશવને? એની તબિયત ઠીક તો છે ને?" પથારીમાં ઉઠતી રસીલા એ કહ્યું.
" અરે તું ત્યાં જ બેસ...કેશવને કંઈ નથી થયું..." શિવાભાઈ કેશવ પાસેથી ઉભા થઈને રસીલા પાસે આવીને બેસ્યા.
રસીલાના હાથમાં પંદર હજાર રૂપિયા સોંપ્યા અને કહ્યું.
" ચૂપ..કોઈ સવાલ નહિ, હું જે કહું છું બસ એ સાંભળ...જો રસીલા હું એક મહિના માટે બલરાજ સાથે કામ કરવા જાઉં છું....શું કામ કરવાનું છે, મને એ પણ નથી ખબર, પણ જે કામ હશે એ હું કરી લઈશ... બસ હું આવું ત્યાં સુધી તારે કેશવને સાચવવાનો છે...ઠીક છે...અને હા કેશવને સાચવવામાંને સાચવવામાં ખુદને કમજોર ન કરી નાખતી...હું આવું એટલે તારા આ બન્ને ગાલ મને મોટાં જોઈએ, જે લગ્નની પહેલી રાતે હતા એવા જ ઓકે?"
" શું તમે પણ....." શિવાભાઈની સાથે રસીલા પણ હસવા લાગી.
" તો ચલ હું નીકળું છું...." ઉભા થઈને શિવાભાઈ ચાલતા થયા ત્યારે પાછળથી રસીલા હગ કરીને રડવા લાગી.
" મને વચન આપો તમે એક મહિના પછી મને મળવા આવશો જ..."
વચન શબ્દ સાંભળતા જ શિવાભાઈના પગ ધ્રુજી ઉઠ્યા.
" આપો વચન ચાલો..." રસીલા ફરી બોલી.
આંખોમાંથી નીકળતા આંસુઓને બળપૂર્વક રોકતા કહ્યું. " હું વચન આપુ છું..કે એક મહિના બાદ તને મળવા હું અવશ્ય આવીશ..."
વચન સાથે ન જાણે કેમ શિવાભાઈ એ ભવિષ્યમાં ખુદનો અંત થયા જોયો.
ક્રમશઃ