પીડા એટલે શું ? કોઈ કૃષ્ણને પૂછો. Asha Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પીડા એટલે શું ? કોઈ કૃષ્ણને પૂછો.

⭐ નામ તેનું "કૃષ્ણ". દુનિયાની કોઈ પણ એવી વ્યક્તિ નહિં હોય જેને કૃષ્ણ વિશે કોઈ માહિતી ના હોય. આમ તો કૃષ્ણ વિશે ઘણું બધું લખાયું છે. એવો કોઈ એન્ગ્લ નથી જે કૃષ્ણ વિશે લખાયો ના હોય. પરંતુ હું આજે લખી રહી છું એક એવા ઈશ્વર વિશે જે મનુષ્ય અવતારમાં જન્મ્યો. શ્રાવણ મહિનાની આઠમે ભરરાતે ધોધમાર વરસાદમાં એક બાળક જન્મે છે. આપણે સૌ આજકાલ ગર્ભસંસ્કાર માં બહુ પડી ગયા છીએ. પેટમાંથી જ ઇન્ટેલિજન્સ બનાવી દો. લોકો અભિમન્યુના દાખલા આપે. સાત કોઠા નું યુદ્ધ પેટમાં શીખ્યો તો. પણ મારે એક પ્રશ્ન પૂછવો છે કે, કૃષ્ણ જ્યારે જન્મ્યા ત્યારે કેવું વાતાવરણ હશે. જે માતાના સાત બાળક ગુજરી ચૂક્યા છે એ માં ને તો કેટલો ભય હશે કે મારૂં બાળક જન્મશે ને એને મારી નાખશે, અને આવા ભયાનક ભયના ઓથાર નીચે જન્મેલો માણસ જે રથાંગ પાણી થઈ જાય અને પોતાનું ઉપવસ્ત્ર પણ ફાડી નાખે, જે વજ્ર નું કામ કરે. જે કહે કે ભલે મારી નાખે પણ હું મારૂ કર્મ કર્યા વગર તો નહીં રહું.


⭐ પીડા તો એને કહેવાય કે જન્મતા વેંત પોતાના સગા માં - બાપ ને છોડવા પડે. ને ગોકુળમાં જઈને નંદબાબા અને માતા જશોદાના પુત્ર બનીને અલૌકિક સુખ આપ્યું છે. નંદ ઘેર પુત્ર આવ્યો છે સાંભળીને સૌ ગોપ-ગોપીઓ, પશુ, પક્ષી, ગાયો, ભેંસો સૌ કોઈ કૃષ્ણ જન્મ નિમિત્તે આનંદ - ઉત્સવ મનાવી રહ્યા છે. બાળ સ્વરૂપે કૃષ્ણ એ અનેક લીલાઓ કરી છે જે આપણે સૌ જાણીએ છીએ.


⭐ દરેક પુરુષ પોતાની જીંદગીમાં ત્રણ સ્ત્રીઓ જાતે પસંદ કરે છે. માં, કાકી, મામી, ફોઈ આ તમે જાતે પસંદ નથી કરતા એ તમને મળે છે. પણ પુરુષને ત્રણ સ્ત્રીઓ જાતે પસંદ કરવાનો અધિકાર છે. એમાંની એક છે પ્રેમિકા, બીજી છે દોસ્ત, ત્રીજી છે પત્ની. કૃષ્ણની પ્રેમિકા છે રાધા. જેના વિશે આપણે સૌ જાણીએ છીએ. બરસાના ના વ્રજભાનુની પુત્રી છે રાધા. કૃષ્ણનો ઉલ્લેખ હોય ત્યાં રાધા વગર કૃષ્ણ કથા પૂર્ણ નથી. રાધા કૃષ્ણ ના પ્રેમ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ૧૩ વર્ષની ઉંમરે કૃષ્ણને માં યશોદા, પિતા નંદબાબા, રાધા, ગોપ-ગોપીઓ સૌને છોડવા પડે છે. માતા દેવકી અને પિતા વાસુદેવને છોડાવવા માટે મામા કંસ સાથે યુદ્ધ કરે છે અને જીતે છે. આ બધુ જોવા જઈએ તો સમજાય કે કૃષ્ણ એ જન્મથી લઈને મૃત્યુ સુધી સતત પ્રવાસ જ કર્યો છે. કૃષ્ણ જેને ચાહતા ત્યાં એની પાસે એ રહ્યા નથી પરંતુ જે લોકો એ કૃષ્ણને ચાહ્યા ત્યાં તે તરત જઈને ઊભા રહ્યા છે.


⭐ કંસને હરાવીને પોતાના માતા પિતાને છોડાવી ઉગ્રસેનને રાજગાદી એ બેસાડે છે. ૧૩ વર્ષની ઉંમરે કોઈ પણ છોકરો રાજા બનવાનું જ પસંદ કરે એની જગ્યાએ કૃષ્ણ એ કહ્યું હું હજુ ભણવા જઈશ આ રાજ્યની ધુરા સંભાળવાની હજી મારી હેસિયત નથી. કૃષ્ણ જાય છે સાંદિપની ઋષિના આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કરવા તેઓ ત્યાં ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરે છે. વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ વિદાય સમયે ગુરુને હાથ જોડીને કહે છે કે ગુરુદક્ષિણા રૂપે હું તમને શું આપું, ત્યારે તે કહે તેમને એક દિકરો છે સંદિપ્ત જેને પંચજન્ય રાક્ષસ ઉપાડી ગયો છે. તેમને છોડાવી લાવો. કૃષ્ણ પંચજન્ય રાક્ષસ પાસે જાય છે પરંતુ એને તો સંદિપ્ત ને યમરાજા ને આપી દીધો છે, કૃષ્ણ પંચજન્યને લઈને યમના દ્વારે જાય છે અને સંદિપ્તને છોડાવે છે. દિકરાને જોઈને ગુરુપત્નિ ખૂબ ખુશ થાય છે અને કૃષ્ણને કહે છે કે તમને મારા તમામ તપોબળથી કંઈક આપવા માગું છું આ એવી ક્ષણ હતી કે તે કંઈ પણ માંગી શક્યો હોત પરંતુ તે શું માંગે છે, "मातृ हस्तैन भोजनम्" એટલે મને આખી જિંદગી મને માંના હાથનું ભોજન મળી રહે માટે આજે પણ આ વરદાન હાજરાહજૂર છે. એક જ ઈશ્વર એવો જેનું બાળ સ્વરૂપ પૂજાય છે ને આજે પણ જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે છે. ત્યારબાદ તક્ષક સાથે યુદ્ધ થાય છે, એને જીવતો છોડી દે છે ત્યારે તક્ષક ખુશ થઈને કહે છે કે માંગ, મારા જીવના બદલામાં હું શું આપું? ત્યારે કૃષ્ણ કહે છે, "प्रिती पार्थेन् शाश्वत" આ પાર્થ એટલે કોણ, અર્જુન.. નહીં પાર્થ એટલે પૃથાનુપુત્ર (માણસજાત) માણસ પ્રત્યે મારો પ્રેમ અમર રહે એવું વરદાન આપો. માટે આજે પણ આ ૨ વરદાન હજી પણ હાજરાહજૂર છે. માણસ માત્ર કૃષ્ણને ચાહે છે. જગતમાં એવું કોઈ પણ નહિ હોય જેને કૃષ્ણ માટે પ્રેમ નહી હોય.



⭐ ત્રણ સ્ત્રીઓ એક દ્રૌપદી, એક રાધા અને એક રુકમણી. કૃષ્ણની પત્ની અને સહકર્મચારીણી તો રુકમણી. અને એના તો વિવાહ નક્કી થયા છે ચેદીના શિશુપાલ સાથે. ભાઈ અને પિતા સાથે વિવાદ થાય છે કે તે તો માત્ર કૃષ્ણ ને જ પરણશે. રુકમણી પત્ર લખે છે કૃષ્ણ માટે અને સદૈવ નામના બ્રાહ્મણ સાથે મોકલાવે છે. કહેવાય છે કે આ જગતનો પહેલો પ્રેમ પત્ર છે. પત્રમાં લખે છે કે તમે મને આવીને નહિ લઈ જાઓ તો હું આપઘાત કરીશ અને તમારે માથે સ્ત્રી હત્યાનું પાપ લાગશે. કૃષ્ણની જગ્યાએ કોઈ હોત તો એમ કહેત કે હું કઈ નવરો નથી પણ એની જગ્યાએ કૃષ્ણ જવાનું નક્કી કરે છે. ભાઈ બલરામ સાથે વિવાદ થાય છે કે એ કોઈની વાગ્દત્તા છે એમ ઉઠાવી ના લવાય. ત્યારે કૃષ્ણ કહે છે શરીરથી પરણે એ દેહ લગ્ન અને મનથી પરણે એ સ્નેહ લગ્ન. હું દેહ લગ્નમાં માનતો નથી હું તો સ્નેહ લગ્નમાં માનું છું અને એ મનથી મને પરણી ચૂકી છે તો એના પતિ તરીકે મારી જવાબદારી છે એને લઈ આવવી.



⭐ રુકમણી નું હરણ કરવા તે ગૌરી મંદિરે જાય છે અને અદભૂત વર્ણન છે કે ખૂબ પવન, વાવાઝોડું, ધૂળ હોય છે. રુકમણી કૃષ્ણને જોઈ નથી શકતી ચાલુ રથે એક હાથ દેખાય અને એ હાથમાં પોતાનો હાથ આપે છે કૃષ્ણ રુકમણીને ચાલુ રથમાં ખેંચી લે છે. અને ત્યારે મને એવું સમજાય કે કૃષ્ણને જોવાય નહિ એનો હાથ દેખાય તો પકડી લેવાય. એ નરસિંહ હોય તો પણ, એ મીરાં હોય તો પણ, એ રસખાન હોય તો પણ. રસખાન સરસ કવિતાઓ કરે છે જંગલમાં જાય છે રોજ એક છોકરો મળે છે જે મોરપીંછ પહેરે છે, જે માખણ ખાય છે, જે મસ્તી કરે છે. એ ગામના લોકોને કહે છે કે મને રોજ આવો છોકરો મળે છે. ગામના કહે એ કૃષ્ણ છે અમને દર્શન કરાવો. રસખાન જાય છે ત્યાં મોરપીંછ છે, માખણની મટુકી છે પણ કૃષ્ણ નથી. એટલે જ્યારે જ્યારે એમ લાગે આ સાક્ષાત્કાર છે આ ઈશ્વર છે તો એ પોતાના ભીતર રાખવી. એ બધાને મળવાનું પસંદ નથી કરતો.



⭐ કૃષ્ણ જ્યારે સવારે સ્નાન કરવા જાય ત્યારે કોઈને પણ ત્યાં જવાની એમને મળવાની છૂટ નથી. પત્નીને પણ જવાની છૂટ નથી. એકમાત્ર દોસ્તને જ ત્યાં જવાની છૂટ છે અને આ દોસ્ત છે દ્રોપદી. એકમાત્ર દ્રોપદીના જ નસીબમાં કૃષ્ણના સવારના પહોરના દર્શન લભ્ય હતા. કેમ કે બાકીનાએ તો રાજા જ જોયો. તૈયાર થયેલો, મોર, મુકુટ, પિતાંબર પહેરેલો. આવા સાદા કૃષ્ણને જોવાનું તો માત્ર દ્રૌપદીના જ નસીબમાં હતું. દ્રૌપદી જાય છે અને હાથ જોડીને કહે છે, "त्वदिय वस्तु गोविन्दम् तुभ्यमेव समर्पियते" ... કૃષ્ણ કહે છે, શું કહેવા માંગે છે હું સમજ્યો નહિ કઈ. ત્યારે દ્રૌપદી કહે છે કે તારૂ આપેલું સુખ, તારૂ આપેલું દુઃખ, તે કરેલા ઉપકારો, તે નહિ કરેલા ઉપકારો, તે વણસાવેલી પરિસ્થિતિઓ, તે સંભાળેલી પરિસ્થિતિઓ, તે આપેલી સમસ્યાઓ, તે આપેલા ઉપાયો આ બધું જ તને અર્પણ કરું છું. અને આ બધું જો તમે અર્પણ કરો તો સામેવાળા પાસે છૂટકો જ નથી કંઈ સારુ આપવા સિવાય. માટે દ્રૌપદી કહે છે કે તારૂ આપેલું તમામ તને જ અર્પણ કરું છું. કૃષ્ણ હવે વૃષ્ટિ કરવા જવાના છે. માટે દ્રૌપદી આવીને પૂછે છે કે તું ભૂલી ગયો એ લોકોએ મારી સાથે કેવો વ્યવહાર કર્યો, ભરી સભામાં મને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો અને તું હવે વૃષ્ટિ કરવા જાય છે પાંચ ગામ માંગવા. ત્યારે કૃષ્ણ કહે છે કે જેણે તને રડાવી એ પણ રડશે. મારા વચન ખોટા નહિ જાય. પણ હું વૃષ્ટિ કરવા જઈશ. વિફળ પ્રયાસ કરવા જઈશ. મને ખબર છે કે આ વૃષ્ટિ નિષ્ફળ જ જવાની છે. પરંતુ હું જઈશ કેમ કે આવનારા સમયમાં કોઈ એમ ના કહે કે આ યુદ્ધ અટકાવી શકયો હોત પરંતુ તેને પ્રયત્ન પણ ના કર્યો. માટે કૃષ્ણ જાય છે એ વિફળ પ્રયાસ કરવા.



⭐ યુદ્ધ થવાનું છે એ તો હવે નક્કી જ છે. જ્યાં યુદ્ધની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અને સવારના યુદ્ધની શરૂઆત થવાની છે ત્યારે અર્જુન કહે હે માધવ, આ રથ રણની વચ્ચે લઈને જાઓ મારે જોવું છે કે મારે કોની સામે લડવાનું છે. ત્યારે સામે પોતાના જ ભાઈઓ, પિતામહ ભીષ્મ, પોતાના ગુરુ દ્રોણાચાર્ય, પોતાના જ સગાઓને જોઈને ડઘાઈ જાય છે અને એ કહે છે કે મારાથી નહિ લડાય. જ્યાં આખા યુધ્ધનો મદાર અર્જુનનાં ખભે છે એ હવે એમ કહે છે કે મારાથી નહિ લડાય. કૃષ્ણની જગ્યાએ કોઈ બીજુ હોય તો એક તમાચો મારે કે આ બધી બુદ્ધિ ગઈકાલે રાત્રે નહોતી. પરંતુ એ ક્યાંય વચ્ચે કઈ બોલતા નથી કે અર્જુનને રોકતા પણ નથી એને બોલી લેવા દે છે. માટે ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. કૃષ્ણ રણની વચ્ચોવચ આખી ગીતા એને સંભળાવે છે.


⭐ કે તારું કર્મ તો તારે કરવું જ પડશે. કૃષ્ણ એ કહ્યું હતું કે હું શસ્ત્ર નહીં ઉઠાવું. "नास्ति शस्त्रै अयुध्यमानम्" હૂં યુદ્ધ નહીં લડુ. પરંતુ એવા સમયે ભિષ્મ ખૂબ ઘોર યુદ્ધ કરે છે. અને દાદાની સામે અર્જુનથી લડાતુ નથી. કૃષ્ણ એક વાર, બે વાર, ઘણી વાર સમજાવે છે કે તું નહીં લડે તો હારી જઈશ. પણ અર્જુન સમજતો નથી ત્યારે કૃષ્ણ પોતે પોતાના શબ્દો પાછા લે છે અને રથનું પૈડું હાથમાં લે છે ને યુદ્ધ કરે છે. અને કહે છે કઈ પણ થઈ જાય પણ હું મારું કર્મ કર્યા વગર તો નહિ રહું. આમ કુરુક્ષેત્રના મેદાનમાં આ યુદ્ધ પૂરું થાય ને તમામ કૌરવો મૃત્યુ પામે છે ને ત્યારે ક્રોધે ભરાયેલી ગાંધારી શ્રાપ આપે છે કૃષ્ણને કે પશુના મોતે મરીશ અને તારા યાદવ કુળનો નાશ થશે. કૃષ્ણની જગ્યાએ કોઈ બીજુ હોય તો આ શ્રાપ મિથ્યા કરી દે પરંતુ એ કંઈ પણ કર્યા વગર મોઢા પર સ્મિત સાથે હાથ જોડીને કહે છે કે એવું જ થાય.


⭐ અને હવે ત્યારથી એક આખો પ્રવાસ શરૂ થાય છે પશુના મોતે મરવાનો. કૃષ્ણ અને તેમની પત્ની જાંબવતીનો દીકરો છે સાંભ. જે સંપૂર્ણપણે શરાબી થઈ ગયો અને બગડી ગયો છે. અને હવે તે પોતાના મિત્રો અને બાકીના યાદવોને પણ બગાડી રહ્યો છે. એવામાં ત્યાં મહેલમાં દુર્વાસા ઋષિ આવે છે. સાંભ અને તેના મિત્રો સ્ત્રીનો વેશ ધારણ કરીને પેટે તગારુ બાંધીને દુર્વસા ઋષિ પાસે જાય છે અને કહે છે કે આ પ્રેગ્નેટ છે તેને શું જન્મશે. દુર્વાસા ખૂબ જ ક્રોધિત થાય છે અને શ્રાપ આપે છે કે એના પેટથી મૂશળ અવતરશે અને એનાથી યાદવોનો નાશ થશે. સાંભ ઘબરાઈ જાય છે કરે શું હવે પિતાને તો કહેવાય નહીં થોડીવારમાં એ તગારુ છોડે છે ને એમાંથી એક મૂશળ નીકળે છે. તેઓ એ મૂશળ ને વાટીને ભૂક્કો કરીને દરિયામાં વહાવી દે છે ત્યાં એક ઘાસ ઉગે છે જે ચિપીયા જેવું હોય છે જે વાગે શરીરને ને ત્યાં યાદવોનો નાશ થાય છે. આજે પણ પ્રભાસ પાટણમાં આ ઘાસ ઉગે છે જેને એરકો કહેવાય છે.


⭐ હવે કૃષ્ણ એ રુકમણીને કહ્યું કે બધા કામ પત્યા હવે મારો જવાનો સમય થયો. ત્યારે રુકમણી કહે કે મને પણ સાથે લઈ જાઓ આમ એકલા જશો. કૃષ્ણએ કહ્યું આ પ્રવાસ તો એકલા જ કરવાનો હોય તમારો પણ સમય આવશે. ત્યારે દુર્વાસા આવે છે અને રુકમણી ને કહે છે કે એના આખા શરીરે માખણ લગાડીને મારી પાસે મોકલજે હું ચાટીશ અને એનું શરીર વજ્ર નું થઈ જશે. રુકમણી કૃષ્ણના આખા શરીરે માખણ લગાડે છે પણ એ પગની પાનીએ લગાડવાનું ના પાડે છે. કહે છે કે ચાલીને જઈશ તો ચોંટશે બધુ એને ખબર છે કે કોઈ એક જગ્યા તો બાકી રાખવી પડશે. નહિ તો જઈશ કઈ રીતે. કૃષ્ણ જાય છે જ્યાં ત્રણ જુદી નદીઓ એકસાથે મળે છે, હિરણ્ય, સરસ્વતી, કપિલા. આજે પણ આ જુદી નદીઓ એકસાથે ભેગી થાય છે. તો ત્યાં પીપળાના ઝાડ નીચે કૃષ્ણ આડા પડ્યા છે. ને પોતાના સારથી દારુક ને કહે છે કે હવે અર્જુનને જઈને કહેજો કે અંત ઘડી આવી પહોંચી છે. અંધારામાં આકાર હરણ જેવો લાગે છે અને જરા તીર મારે છે ને જમણા પગની પાનીએ વાગે છે. ને અહીં હવે કૃષ્ણને યાદ આવે છે છેલ્લે જોયેલી પોતાની રાધાની...! કોણ કહેશે એને દૂર ગોકુળ જઈને કે આ તો હવે મરવા પડ્યો..!



⭐ રાધા આવે છે પણ કૃષ્ણની તંદ્રામાં આવે છે અને કોઈએ ના પૂછ્યું તે એ આવીને પૂછે છે કે તે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું શું એ બધું જ સાચું..? શું આ બધું જ કરવા યોગ્ય હતું ..? ત્યારે કૃષ્ણ કહે છે કે મે મારા માટે કશું જ નથી કર્યું. હૂં એટલી ખાતરી આપી શકુ કે મેં જે કંઈ પણ કર્યું એ ધર્મની સ્થાપના માટે, આ આર્યવતની સુરક્ષા માટે કર્યું છે. રાધા કહે કે આ બધું કરતાં તને ક્યાંય જરા પણ થાક ના લાગ્યો. ત્યારે કૃષ્ણ કહે છે કે તારી આ બે આંખોના સહારે હું આખું જીવન જીવી ગયો. તારી આ બે આંખોએ મને ક્યારેય થાકવા દીધો જ નથી. અને કૃષ્ણ રાધા સાથેની તંદ્રામાં પોતાની આંખો મીંચે છે ને પોતાના દેહનો ત્યાગ કરે છે...!!



નોંધ :- કૃષ્ણ માટે અતૂટ પ્રેમ અને કૃષ્ણભક્તિ થી જોડાઈને તેમના જીવનના અમૂક ચેપ્ટરો મેં આપની સમક્ષ રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે આપ સૌને તે પસંદ આવશે.