I Need you Papa...! Asha Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

I Need you Papa...!

🌟 આપણા ઘરમાં એ જ માણસ સૌથી વધારે ઈગ્નોર થતો હોય છે.આમ પણ એ થોડો વિચિત્ર છે.જલ્દીથી સમજાતો નથી. એ નાકનો ઉપયોગ ત્રણ કામ માટે કરે. શ્વાસ લેવા, ગુસ્સો ટેકવવા અને ચશ્મા ટેકવવા. આંખનો ઉપયોગ બે કામ માટે કરે. જોવા અને ધમકાવવા. પગનો ઉપયોગ ચાલવા અને સોફાની સામે મૂકેલા ટેબલ પર ટેકવવા કરે.

🌟 એને બે હાથ, છતાં જાતે કશું કરે નહિ. ખુરશી પરથી હલે પણ નહિં. આ માણસના કાન અવાજને જોઈ શકે અને દ્રશ્યોને સાંભળી શકે. આ માણસની છાતી આપણા ત્રણ - ચાર - પાંચ હજાર સ્ક્વેર ફૂટના ઘર કરતાં પણ મોટી હોય છે. એની મોટી છાતીમાં ઘરની જેમ જ ઓરડાઓ પણ હોય છે. તમે એને સ્ટોર રૂમ પણ કહી શકો છો. આ સ્ટોર રૂમમાં જોવાના બાકી રહી ગયેલા સપનાંઓ, પૂરી ન કરી શકાયેલી ઈચ્છાઓ, આંખોના રસ્તેથી પાછાં વાળી દેવાયેલા આંસુઓ, કોઈને કહેવાનું મન હોય અને છતાં કહી ન શકાય એવા રહસ્યો સાચવી રાખ્યા હોય છે.

🌟 એની છાતી 'ભૂકંપપ્રૂફ' હોય છે. આઘાતો ખમી શકે છે. તમારું જૂઠ એ તરત જ પકડી પાડે છે. તમારું સત્ય તમારા કરતાં પહેલાં એની પાસે પહોંચે છે. આ માણસના ગજવેથી ક્યારેય પતંગિયાઓ મળી આવતાં નથી. એના ગજવેથી પૈસા અને ચોળાયેલો મેલો થઈ ગયેલો સફેદ રંગનો રૂમાલ મળી આવે છે. એના છાતીના સફેદ થઈ રહેલા વાળમાં એ પોતાના સત્યોને સંતાડી રાખે છે. એને ખોટો પાડવાની આપણને મજા પડે છે. અને આપણે સાચા પડીએ એ માટે એ પોતાની આખી જીંદગીને ચંપલની જેમ ઘસી નાખે છે.

🌟 આપણે થોડા થોડા એમનાં જેવા જ હોઈએ છીએ. એમની જેમ જ કપાળ પર હાથ રાખીને સૂવાની આપણને આદત હોય છે. વસિયતમાં નહીં લખાયેલું ઘણું એમની પાસેથી આપણને મળતું હોય છે. એમનો ગુસ્સો, નાની - નાની વાતોમાં અકળાઈ જવાની એમની આદત, એસિડિટીનો કોઠો, એમની જીદ... આ બધું જ આપણી જાણ બહાર એમણે આપણને વારસામાં દીધું હોય છે. આપણો ચહેરો એમનાં ચહેરાથી મળતો આવે છે. એમનાં ચશ્માંની તો વાત જ જવા દો. આખી જીંદગી આપણે જે દુનિયા જોતાં હોઈએ એનાં કરતાં ચશ્માંમાંથી એમને દેખાતી દુનિયા અલગ જ હોય છે. આપણે જે જોઈ રહ્યા હોઈએ એ બધું જ એમણે એમનાં ચશ્માંમાંથી થોડું વહેલું જોઈ લીધું હોય છે. આપણા દ્રશ્યો અને એમના દ્રશ્યો વચ્ચે ભાગ્યે જ સામ્યતા જોવા મળે.

🌟 આ માણસને આપણે ઘરમાં "પપ્પા" કહીને બોલાવતા હોઈએ છીએ. એમનું નામ આપણા નામની પાછળ લખાય. એમની અંદર રહેલા પુરુષપણા પર એમનું પપ્પાપણું સતત હાવી થતું રહે. એમનું લોહી આપણા શરીરમાં વહે એ તો બરાબર પણ એમનાં ધબકારા પણ આપણાં હૃદય સાથે જોડાયેલા હોય છે. આપણે નાનાં હોઈએ ત્યારે પપ્પાના બુટમાં પગ નાખીને આખા ઘરમાં ફરીએ. થોડા મોટા થઈએ પછી એમણે કરેલી ભૂલો ન કરવા માટે સજાગ થઈ જઈએ અને પછી મોટા ભાગે એ આપણને ખોટા જ લાગે. એમણે કરેલાં ઇન્વેસ્ટમેન્ટો અર્થહીન લાગે. આપણને આપણાં જ પપ્પા થોડા ડરપોક અને ભીરૂ લાગવા માંડે. વીસ વર્ષ પહેલાં જમીન લઈ લીધી હોત તો આજે આપણે કરોડપતિ હોત. ત્રીસેક વર્ષ પહેલાં રિલાયન્સમાં મહિનાનાં સો - સો રૂપિયા પણ નાખ્યા હોત તો આજે તરી ગયા હોત.

🌟 એ તો પપ્પા ઢીલા પડ્યા બાકી એમની જગ્યાએ હું હોત તો આપણું નામ હોત. આવી બધી હવાઈઓ મારતાં - મારતાં છેક આપણે બાપ બનીએ ત્યારે સમજાય કે પપ્પાએ એમનું બધું ઇન્વેસ્ટમેન્ટ આપણામાં જ કરેલું. આપણને સ્કૂલે જવા - આવવામાં ઓછો સમય લાગે એ માટે ૪૫ મિનિટ ટ્રાવેલ કરીને ઓફિસ જવાનું સ્વીકારી લેતાં પપ્પા સુધી ઘરનાં એક ઓરડા જેટલું ડિસ્ટન્સ પણ આપણે કાપી શકતા નથી. પપ્પા ક્યારેય પણ શબ્દોથી વ્યક્ત નથી થતા હોતાં. પોતાની તકલીફો વિશે ખુલીને બોલતા પણ નથી હોતા. લોનના હપ્તાઓ, મેડિક્લેમની તારીખો વચ્ચે વહેચાતા રહે છે. આપણાં સપનાંઓ માટે એ ખર્ચાતા રહે છે.

🌟 આમ તો પિતા બનવા માટે પુરુષોએ ૯ મહિના ગર્ભ રાખવાની જરૂર નથી હોતી. પિતા બનતાં પહેલાં એમણે મોર્નિગ સિકનેસ, લેટ નાઈટ ક્રેવિન્ગસ વચ્ચેથી પણ પસાર નથી થવાનું હોતું. પિતા બન્યા પછી આખી જિંદગી સંચામાં થોડું થોડું છોલાતા રહેવાનું હોય છે. પપ્પાના નસીબમાં દિલ ઓછા અને બિલ વધારે લખાયાં હોય છે. પપ્પા હાઈસિક્યોરિટી વોલ્ટ જેવાં હોય છે. આજે મારે દુનિયાનાં એ તમામ પિતાને વંદન કરવાં છે જેણે પોતાની છાતીમાં એક ચોરખાનું બનાવ્યું છે અને એ ચોરખાનામા અવ્યક્ત રહી ગયેલી લાગણીઓ, બહું બધી ચિંતાઓ, થોડી ઘણી કડકાઈ, દરિયાનાં પથ્થરો પાસેથી ઉછીનું લીધેલું પથ્થરપણુ અને એક નાની અમથી ઉગવાની બાકી રહી ગયેલી કૂંપળને સાચવી રાખે છે. પિતાની છાતીમાં બાકી રહી ગયેલી કૂંપળ જ એમને આખી જિંદગી લીલોછમ રાખે છે.

🌟 પપ્પા ઘણી વાર ગુસ્સામાં એવું કહેતાં હોય કે 'હું નહીં હોઉં ત્યારે તને સમજાસે...' ઘણીવાર બધાનાં પપ્પા આવું કહેતાં હશે. પપ્પાની આ વાતને ગંભીરતાથી લેજો કારણ કે પપ્પા ઈશ્વરે આપણાં હિસ્સામાં મૂકી આપેલી એક ફ્કિસ ડિપોઝિટ જેવાં છે. જે દિવસે ઈશ્વર કહ્યાં - મૂક્યાં વિના આ ફ્કિસ ડિપોઝિટ વિડ્રો કરી લે છે છેક ત્યારે આપણને સમજાય છે કે અત્યાર સુધી જે કંઈ પણ ખાધું એ તો વ્યાજ હતું. ઓરિજ્નલ મૂડી સુધી તો આપણે પહોંચ્યા જ નહીં ! બાકી, પપ્પા હોય ત્યારે અંધારું ડરાવી શકતું નથી , સન્નાટો હલાવી શકતો નથી. ભેજવાળી દિવાલો પરથી ઉખડતા પોપડાની માફક આંખોમાંથી દ્રશ્યો ઉખડતા રહે અને તમે ઈચ્છો તો પણ ટાંકણી વડે આંખોને ફોડી શકો નહીં !

🌟 આપણે બધા ફાધર્સ ડે ઉજવીએ, પપ્પાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મૂકી ઘણું બધું લખીએ. પપ્પાને 'I love you' નહિ કહેશો તો ચાલશે, એમને 'Thank you' કહેવાની પણ જરૂર નથી.... ખાલી પપ્પાના ખંભે હાથ મૂકીને એટલું જ કહેજો કે પપ્પા, I Need You Always...!

લિ
આશા મોદી