સુખી દામ્પત્યજીવન. Asha Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખી દામ્પત્યજીવન.

⭐ અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં એક સવાલ થાય કે આપણે ત્યાં લગ્નપ્રસંગ પર જેટલું ફોકસ હોય છે એટલું ફોકસ લગ્ન પર હોતું નથી. કરોડો રૂપિયાનો ખર્ચો, આંખ આંજી નાખે તેવી ચમક - ભમક આજનો ટ્રેન્ડ બની ગયો છે. થોડા સ્વજનો કે મિત્રો વચ્ચે ઓછા ખર્ચે કરાયેલ લગ્ન કોઈને પસંદ નથી. એવામાં એક પ્રશ્ન થાય કે બે વ્યક્તિ જેણે ચોરીના ચાર ફેરા ફરી એકબીજા સાથે જીંદગી વિતાવવાની અને એ બે જણ વચ્ચે પ્રેમ જળવાઈ રહે તેના માટે આટલો બધો દેખાવ જરૂરી છે શું ..? આજના સમયમાં જોવા જઈએ તો લગ્નજીવનને પૈસા, દેખાદેખી, મોભો પડવો જોઈએ એ બાબત સાથે ગોઠવી દેવામાં આવ્યું છે. ખરેખર તો લગ્ન એ છે કે બે જણ એકબીજાના તફાવતો અને મતભેદોમાં પોતાની ખુશીઓ શોધી લે. સુખી દામ્પત્યજીવન કોને કહેવાય ? તમારા મત મુજબ તમે કોને સુખી લગ્નજીવન કહેશો ?


⭐ મારા મત અનુસાર ચાર પાયા પર લગ્નજીવન રચાયેલું છે અને એ ચાર પાયા પર જ ટકે છે. એમાં સૌથી પહેલો પાયો છે સમજણનો. તમે એકબીજાને સમજો છો. વગર બોલ્યે એકબીજાની વાત સમજાય છે. એ તમારી સામે જુએ અને તમને સમજાય છે કે એ શું કહેવા માંગે છે. આપણે બધા Unsaid word (ન કહી શકનાર શબ્દો) નથી સમજી શકતા. I love you કહેવાય તો જ પ્રેમ એવું માનીને ચાલીએ છીએ. પરંતુ પ્રેમને બતાવવાનો ના હોય. પ્રેમને તો જતાવવાનો હોય. જ્યાં એકબીજા પ્રત્યે સમજણ હોય છે ત્યાં તે બંને વચ્ચે આદર અને સન્માન આપોઆપ આવે છે.


⭐ બીજો પાયો છે ક્ષમા. માફ કરી દો. યાદ નહિ રાખો. કોઈ પણ પતિ-પત્નીને ઝઘડો થાય તો આજથી દશ વર્ષ પહેલાં મારી સાથે આમ તેમ થયું ત્યાંથી વાત શરૂ કરે. ક્યારેક આપણને એ પણ યાદ નથી હોતું કે આપણે કઈ વાતે લડીએ છીએ. માફ કરી દો. મુદ્દા પ્રસ્થાપિત કરવા એ દામ્પત્યજીવન નથી. ગમે તેવી મોટી ભૂલ હોય માફ કરતા શીખો. અહિયા મને એક વાત કહેવાનું મન થાય કે મમ્મીઓ છે ને દરેક મમ્મી એવું માનીને ચાલે છે કે દિકરો મારો અને વહુ નકામી. એટલે મમ્મી સામાન્ય રીતે ફરિયાદ કરે કે તારી વહુ આમ કરે તારી વહુ તેમ કરે અને આવી ફરિયાદ પત્ની પણ પોતાના પતિને કર્યા કરે. પુરુષ માટે બહુ કઠિન છે. કોઈ તમને એમ કહે કે તારે ડાબું ફેફસું જોઈએ છે કે જમણું. તો તમે કઈ રીતે મેનેજ કરો. તમે કોઈને પૂછો કે તારે ડાબી આંખ જોઈએ કે જમણી ગમે તે એક રાખવાની છે. શું કરે પુરુષ ? અને આવો સવાલ પત્ની અને માં બંને પુરુષને સમયે-સમયાંતરે પૂછે છે. ઘરનો કમાતો પુરુષ સાંજે જ્યારે ઘરે આવે ત્યારે આનંદદાયક અને કિલ્લોલતું વાતાવરણ હોવું જોઈએ. એ લક્ષ્મી લઈને આવે છે, ધન નહિ. જે ઘરોમાં સાંજ સરસ હોય ત્યાં ધન લક્ષ્મી બને છે અને બાકીના ઘરોમાં ધન, ધન જ રહી જાય છે. ક્ષમા કરો એટલે પતિ-પત્ની એકબીજાને કરો એમ નહિં પરંતુ ક્ષમા એ દરેક વ્યક્તિને કરો જેને તમારા જીવનસાથી ચાહે છે. જ્યાં પ્રેમ છે ને ત્યાં ક્ષમા આપોઆપ આવે છે. નાની-નાની ભૂલોને માફ કરવાની આપણી તૈયારી જીવનને વધુ રસપ્રદ અને સુંદર છે
બનાવે છે.


⭐ ત્રીજો પાયો છે, સ્નેહ. આપણે ઘરમાં હિંચકો કિચૂડ-કિચૂડ થતો હોય તો શું કરો તમે ? મિજાગરા કિચૂડ-કિચૂડ થાય તો શું કરો ? તેલ પૂરો ને. ગ્રિસ લગાવો. આ તેલ અને ગ્રિસ છે ને એ સ્નેહ છે, સ્નિગ્ધતા. જીવનમાં પ્રેમ છે ને એ સ્નિગ્ધતા છે. બે જણનાં સંબંધ જ્યારે કિચૂડ-કિચૂડ થવા લાગે ત્યારે પ્રેમ કરવો ખૂબ. મને એવું સમજાય છે કે સામેની વ્યક્તિ આપણને કેટલો પ્રેમ કરે છે તે જોઈને જ્યારે પ્રેમ કરવામાં આવે ત્યારે તો એ બાલ્ટર થઈ ગયું. તમને પ્રેમ છે તો છે એને નથી તો નથી. ઘણીવાર કહેવાય છે કે I love you કહેવાય ત્યાં સુધી તો વાંધો જ નથી, પરંતુ જે ઘડીએ તમે સામે પૂછો કે Do you love me ? સમસ્યા ત્યાંથી શરૂ થાય છે. આપણે બધા દામ્પત્યજીવનને એક ડબ્બામાં પૂરેલા બે જણ માનીને જીવીએ છીએ. પરંતુ દામ્પત્યજીવનની બારીઓ ખુલ્લી કરવાની જરૂર છે. મુક્તિની જરૂર છે, સ્પેસની જરૂર છે.


⭐ અને ચોથો જે સૌથી મહત્ત્વનો પાયો છે એ છે સમય. એ સમય બહુ મહત્વનો છે જે પતિ - પત્ની એકબીજા સાથે વિતાવે છે. એકબીજાને ખૂબ સમય આપો. જે મજા જે સમયે કરવાની છે એ ત્યારે કરી જ લ્યો. પતિ - પત્ની પ્લાનિંગ કરે કે યુરોપ જવું છે અને જ્યારે જાય ત્યારે રોમની ગલીઓમાં ફરી ના શકે અને પત્ની કહે તમે થતા આવો. રોમની ગલીઓમાં હાથ પકડીને સાથે ચાલવાની મજા છે હાથ કરચલીઓ વાળો છે સુંદર નથી એની મજા જ નથી. માટે જે સમયે મજા કરવાની આવે કરી લો કેમ કે સમય પાછો આવતો નથી. બે જણ એકબીજા સાથે જીવનનાં સફરમાં ઘણા ઉતાર ચઢાવ આવે. થોડા સમય ઘણું આકર્ષક હોય પછી એ ધીમે ધીમે સમય સાથે ઓછું થવા લાગે. ત્યારે એવું સમજાય કે જીવનના આટલા વર્ષો જેની સાથે કાઢવાના હોય ત્યાં એકબીજાને સમજીને સ્નેહથી પૂરતો સમય આપી આનંદથી રહેવું. જીવનના આ સફરમાં છેલ્લા સુધી માત્ર પતિ - પત્ની સાથે હોય માટે છેલ્લા શ્વાસ સુધી જેની સાથે રહેવાનું હોય ત્યાં ખૂબ જ ખુશીથી એકબીજા સાથે જીવન પસાર કરવું.