સપનાનાં વાવેતર પ્રકરણ 37
નીતાબેને ધીરુભાઈ શેઠ સાથે એટલી બધી નિખાલસતાથી વાતચીત કરી કે જેની કલ્પના ધીરુભાઈને નહોતી. એ ઘણી બધી ચર્ચા કરવાના મૂડમાં હતા પરંતુ નીતાબેન કોઈપણ જાતની કન્ડીશન વગર અને કોઈપણ જાતના અંગત સ્વાર્થ વગર અનિકેતને આ કન્સ્ટ્રક્શન કંપની ચલાવવા માટે આપી રહ્યાં હતાં.
" નીતાબેન તમારી વાત સાંભળ્યા પછી મારે કંઈ પણ બોલવા જેવું રહ્યું નથી. અનિકેતની શક્તિઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે અને તમારી કંપની એ પોતાની કંપની માનીને ખૂબ સારી રીતે ચલાવશે તેમાં મને કોઈ શંકા નથી. આજે વાતચીત કરવા માટે પણ મેં એકાદશીનો દિવસ પસંદ કર્યો છે કારણ કે આ દિવસે હંમેશાં ઈશ્વરની વધુને વધુ કૃપા વરસતી હોય છે. મારા તરફથી સંમતિ મળી ગઈ છે એમ જ સમજો. " ધીરુભાઈ શેઠ બોલ્યા.
" બસ વડીલ મારી પણ એ જ ઈચ્છા હતી અને તમારી સાથે વાત કરીને આજે મને ખૂબ જ સંતોષ થયો છે. અનિકેત મારા દીકરા જેવા જ છે. મારી કંપનીમાં તમામ નિર્ણયો લેવાની એમને સંપૂર્ણ સ્વતંત્રતા છે. અમારા તરફથી એમને કોઈ જ ડખલગીરી નહીં રહે. કંપની ટેકઓવર કરવા માટે ડોક્યુમેન્ટમાં જ્યાં પણ સહી કરવાની આવશે ત્યાં હું કરી દઈશ. " નીતાબેન બોલ્યાં.
" અમારી કંપની તમારી કંપનીને ટેક ઓવર જરૂર કરશે પરંતુ તમારી કંપની સ્વતંત્રપણે સુજાતા બિલ્ડર્સ તરીકે જ કામ કરશે અને તમામ સ્કીમો પણ એ જ બેનર હેઠળ બનશે. અમારી કંપનીનું ક્યાંય નામ નહીં આવે. અમે માત્ર એનું સંચાલન જ કરીશું. જેથી રશ્મિકાંતભાઈએ ઊભી કરેલી આ વિશાળ કંપની વધુને વધુ પ્રતિષ્ઠા જમાવે. " ધીરુભાઈ શેઠ બોલ્યા.
" આ તમારી મહાનતા છે વડીલ. આપણા બંનેના ગુરુજી એક જ છે અને એમના આશીર્વાદથી જ આજે આપણે ભેગાં થયાં છીએ . આજે હું સંપૂર્ણપણે ચિંતા મુક્ત થઈ ગઈ છું. " નીતાબેન બોલ્યાં અને એમની આંખમાં જળજળીયાં આવી ગયાં. સાડીના છેડાથી એમણે આંખો લૂછી નાખી.
" અંકલ તમે ખરેખર મમ્મીની બધી જ ચિંતા દૂર કરી દીધી. આજે તમે આવવાના હતા એટલે હું સવારથી જ ખૂબ ટેન્શનમાં હતી. " અત્યાર સુધી ચૂપ બેઠેલી અંજલી છેવટે બોલી.
"બેટા એમને અંકલ ના કહેવાય, દાદા કહેવાય. અનિકેતના દાદા એટલે તારા પણ દાદા જેવા જ ગણાય." નીતાબેન બોલ્યાં.
" સોરી દાદા. " અંજલી બોલી.
" કંઈ વાંધો નહીં બેટા. " ધીરુભાઈ શેઠ બોલ્યા.
" સુજાતા બિલ્ડર્સ મારા પપ્પાનું બહુ મોટું સપનું હતું દાદા. અચાનક પપ્પાના ગયા પછી અમે બધા જ મૂંઝાઈ ગયા હતા. છેવટે ગુરુજી અમારી મદદે આવ્યા." અંજલી બોલી.
"તમે સુજાતા બિલ્ડર્સ નામ કઈ રીતે પાડ્યું ? તમારા ફેમિલીમાં કોઈનું નામ સુજાતા હતું ? " ધીરુભાઈ નીતાબેન સામે જોઈને બોલ્યા.
"મારા પપ્પાની એક બહેન હતી. પપ્પા કરતાં બે વર્ષ મોટી હતી. નાનપણથી પપ્પાને એ ખૂબ જ પ્રેમ અને લાડ કરતી હતી. માત્ર ૨૦ વર્ષની યુવાન ઉંમરે ટાઈફોઈડની બીમારીમાં અચાનક જ એણે વિદાય લઈ લીધી. પપ્પાને એ સમયે બહુ જ આઘાત લાગેલો. એનું નામ સુજાતા હતું. " અંજલી બોલી રહી હતી. નીતાબેન આ ચર્ચા દરમિયાન થોડાં ગમગીન બની ગયાં હતાં.
" દાદા પોતે બિલ્ડર હતા અને કોઈની સાથે ભાગીદારીમાં નાની નાની સ્કીમો કરતા હતા. પપ્પા પણ સિવિલ એન્જિનિયર થઈ ગયા એટલે એમણે બહેનની યાદમાં સુજાતા બિલ્ડર્સ નામની પોતાની કંપની ઊભી કરી. એ વખતે પૈસાનો કોઈ જ પ્રોબ્લેમ ન હતો એટલે પપ્પાએ સારી સારી જગ્યાઓ ખરીદવા માંડી અને સુજાતા બિલ્ડર્સનું એક મોટું નામ બનાવી દીધું. " અંજલી બોલી.
" હમ્... તમે લોકો ગુરુજીના સંપર્કમાં કેવી રીતે આવ્યા ? " દાદાજીએ બીજો સવાલ કર્યો.
" પપ્પાએ બાંદ્રામાં ૧૨ વર્ષ પહેલાં એક પ્લોટ જોયેલો. પ્લોટ રોડ ટચ હતો અને ખૂબ મોકાનો હતો. પાછો સસ્તામાં મળતો હતો. પપ્પાએ પ્લોટ ખરીદી લીધો અને ત્યાં સ્કીમની જાહેરાત મૂકી. પરંતુ એ પછી પપ્પાને ધંધામાં એકદમ તકલીફો પડવા માંડી. ખૂબ ડરામણાં સપનાં પણ આવવા લાગ્યાં. પ્લોટની બાજુમાં જ કબ્રસ્તાન હતું. ઘણીવાર પપ્પાને પોતાની ઓફિસમાં કોઈ પ્રેતાત્માની હાજરી હોય એવું પણ લાગતું. " અંજલી બોલી રહી હતી.
" કોઈએ એમને કહ્યું કે આ તો ભૂતિયા જગ્યા છે. જેમણે પણ ભૂતકાળમાં આ પ્લોટ ખરીદયો એ બરબાદ થઈ ગયા અને એમણે તરત જ પ્લોટ વેચી નાખવો પડ્યો. હવે કોઈ આ પ્લોટ લઈ શકતું નથી. અહીં ભૂતોનો વાસ છે. પપ્પા ટેન્શનમાં આવી ગયા. એ સમયે કોઈએ એમને રાજકોટમાં દીવાકર ગુરુજીનું નામ આપ્યું અને એમને મળવાનું કહ્યું. " અંજલી બોલી રહી હતી.
" પપ્પા રાજકોટ ગયા. ત્યાં દીવાકર ગુરુજીને મળ્યા. બધી પરિસ્થિતિ એમને કહી. ગુરુજી પોતે એમની સાથે મુંબઈ આવ્યા અને પ્લોટ ઉપર જઈને ત્રણ ચાર કલાકની કોઈ વિધિ કરી. એ પછી ઈશાન ખૂણામાં મોટો ખાડો કરીને ત્યાં પાણી ભરાવી દીધું અને ત્યાં બેસીને એમણે કેટલાક મંત્રો કર્યા. એમણે કહ્યું કે પહેલાં અહીં પણ કબ્રસ્તાન જ હતું ! અહીં પ્રેતાત્માઓ નો વાસ છે. " અંજલી બોલી.
" સસ્તામાં મળતી જગ્યાઓ બરાબર તપાસ કર્યા પછી જ લેવી જોઈએ. " ધીરુભાઈ શેઠ બોલ્યા.
" હા દાદા પપ્પાથી એ મોટી ભૂલ થઈ ગઈ. પરંતુ ગુરુજીએ એ પ્રોબ્લેમ કાયમ માટે દૂર કરી દીધો અને તમામ પ્રેતાત્માઓને બોલાવીને તથા એમને વિનંતી કરીને હનુમાનજીની દિવ્ય શક્તિથી દૂર કરી દીધા. તેમણે પપ્પાને દર મંગળવારે સુંદરકાંડ કરવાની સલાહ આપી. અને હનુમાનજીની મંત્ર દીક્ષા પણ આપી. " અંજલી બોલી રહી હતી.
"એ પછી વર્ષોથી અમે દર મંગળવારે સુંદરકાંડ કરીએ છીએ. પપ્પા કરોડો રૂપિયા એ જ પ્લોટમાંથી કમાયા અને એ પછી બાંદ્રામાં એમનું બહુ મોટું નામ થઈ ગયું. મમ્મીને તો સુંદરકાંડ હવે લગભગ મોઢે થઈ ગયો છે. " અંજલી બોલી.
" ગુરુજીની તો વાત જ કરવા જેવી નથી. એમના આશીર્વાદ મળે પછી તો સમૃદ્ધિ પાછળને પાછળ જ આવે છે. અને હનુમાનજીના તો એ પરમ ઉપાસક છે. જ્યારે મેં દીક્ષા લીધી ત્યારે એમણે ૧૦૮ સુંદરકાંડના પાઠ કરવાનું મને કહ્યું હતું. દર મંગળવારે અને શનિવારે હું કરતો. પૂરા બે કલાક થતા. લગભગ ૧૩ મહિના સુધી મેં કર્યા. એ પછી મને પણ ઘણો બધો ફાયદો થયો. આખો સુંદરકાંડ આમ જોવા જઈએ તો હનુમાનજીના પરાક્રમનો જ મહિમા છે. " ધીરુભાઈ શેઠ બોલ્યા.
" હા દાદા. હનુમાનજીની અમારા ઉપર બહુ જ કૃપા છે. હવે બોલો દાદા તમે શું લેશો ? આજે બપોરે જ ગુલાબજાંબુ બનાવ્યાં છે. આજના દિવસે મીઠું મ્હોં તો કરવું જ પડે." અંજલી બોલી.
" ડાયાબિટીસ છે એટલે ગળ્યું તો હું કંઈ ખાતો નથી બેટા. તારી ઈચ્છા હોય તો ગોળની કાંકરી ખાઈ લઈશ. બાકી અનિકેતને જે પણ ઈચ્છા હોય મને કોઈ જ વાંધો નથી. " ધીરુભાઈ શેઠ બોલ્યા.
"ના ના કંઈ પણ ના કરશો. આઈસ્ક્રીમ પણ ખાઈ લીધો છે અને તમારા હાથના ટેસ્ટી મેથીના ગોટા પણ ચાખી લીધા છે. અને હવે તો મારે આવતા જતા રહેવાનું જ છે. આજે બસ ગોળ થી સંતોષ માનીશું. " અનિકેત અંજલીની સામે જોઈને બોલ્યો.
" તમારે કંઈ ડાયાબિટીસ નથી. તમારે તો ગુલાબજાંબુ ખાવા જ પડશે. " અંજલી બોલી.
" તો પછી મને માત્ર એક કે બે પીસ જ આપો. બાઉલ ભરીને ના લાવશો. " અનિકેતે વિનંતી કરી.
અંજલી અંદર ગઈ. ધીરુભાઈ શેઠ નીતાબેન સાથે બીજી વાતો કરવા લાગ્યા એ દરમિયાન અનિકેતને રશ્મિકાંતભાઈનો અવાજ સંભળાયો.
" ધીરુભાઈ શેઠનું આયુષ્ય હવે દોઢ વર્ષ બાકી છે. એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. કન્સ્ટ્રક્શન લાઈનનું બને એટલું જ્ઞાન એમની પાસેથી મેળવી લો. એક વિદ્યાર્થીની માફક દરેક સંજોગો વિશેના પ્રશ્નો પૂછીને એમની પાસેથી માર્ગદર્શન મેળવો." રશ્મિકાંત બોલી રહ્યા હતા.
" કેવા પ્લોટ લેવા, એ લેતી વખતે શું ધ્યાન રાખવું, સોદો કેવી રીતે કરવો, સ્કીમ ક્યારે મૂકવી વગેરે ઘણી બાબતો એવી છે કે જેમાં તમારી પોતાની કોઠાસૂઝ જોઈએ. ધીરુભાઈને વર્ષોનો અનુભવ છે અને એમનામાં ઘણી દુરંદેશીતા છે. અત્યારે લાંબી વાત થઈ શકે એમ નથી. તમે જ્યારે ઓફિસમાં આવશો ત્યારે લાંબી વાતચીત થઈ શકશે. " રશ્મિકાંતભાઈ બોલ્યા અને અવાજ બંધ થઈ ગયો.
થોડી મિનિટોમાં જ અંજલી બાઉલમાં ગરમ ગરમ ત્રણ ગુલાબજાંબુ લઈને આવી. અનિકેતે એને ન્યાય આપ્યો.
"ચાલો હવે અમે રજા લઈએ અંજલી. અમારો રીયલ એસ્ટેટનું જ કામ કરતો મોટો એડવોકેટ છે. તમે બધા જ ડોક્યુમેન્ટની એક ફાઈલ બનાવીને ઓફિસે તૈયાર રાખજો અને મને ફોન કરી દેજો. મારો ડ્રાઈવર આવીને કલેક્ટ કરી લેશે. એણે હવે ઓફિસ જોઈ છે." અનિકેત ઊભા થતાં બોલ્યો. જતાં જતાં નીતાબેનના ચરણસ્પર્શ કરીને પગે લાગ્યો.
" આ સંસ્કારિતા અમે હજુ પણ જાળવી રાખી છે. " ધીરુભાઈ શેઠ બોલ્યા.
" એ તો અમે અનિકેતને પહેલીવાર જોયા ત્યારથી જ ખ્યાલ આવી ગયો હતો. સંસ્કારિતા છાની રહેતી નથી. " નીતાબેન હસીને બોલ્યાં.
ધીરુભાઈ શેઠ અને અનિકેત ગાડીમાં બેસી ગયા એટલે દેવજીએ ગાડી સ્ટાર્ટ કરી.
" તું ખરેખર ખૂબ જ નસીબદાર છે અનિકેત. પરિવાર ખૂબ જ સરસ છે. તને તમામ પ્રકારની આઝાદી આપી છે. હવે તારા ઉપર જ બધો આધાર છે કે તું આ નવી કંપનીને કેટલી ડેવલપ કરે છે. તારે કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો હું બેઠો છું. " રસ્તામાં ધીરુભાઈ શેઠ બોલ્યા.
" તમારા માર્ગદર્શનની તો મને ડગલેને પગલે જરૂર પડશે દાદા. અને સતત હું તમારું ગાઇડન્સ જ લેવાનો છું. ઘણું મોટું કામ મળ્યું છે એટલે તમારી સલાહ વગર હું આગળ ના વધી શકું. મારે તમારી પાસેથી ઘણું બધું શીખવું છે અને તમારે મને શીખવાડવાનું પણ છે. " અનિકેત બોલ્યો.
" બેટા તું તો મારો વારસદાર છે. તને નહિ શીખવાડું તો કોને શીખવાડીશ ? મારી અત્યારે તને એક જ સલાહ છે કે તારી મુલુંડની સ્કીમ પૂરી થઈ જાય પછી વિરાણી બિલ્ડર્સની હમણાં એક પણ નવી સ્કીમ ના મૂકતો. અત્યારે સંપૂર્ણ ધ્યાન સુજાતા બિલ્ડર્સની સ્કીમો ઉપર ફોકસ કર. એમાં તને જે કમાવા મળશે તે આપણા એરિયામાં નહીં મળે. " દાદા બોલ્યા.
" હા દાદા એ તો મેં પણ નક્કી કરેલું જ છે. વહેલી તકે બાંદ્રાની ઓફીસ જોઈન કરીને એમની ચાલુ તમામ સ્કીમોનો સ્ટડી મારે કરવો છે. એ વહેલી તકે મારે પૂરી કરવી છે. એ પછી જ નવા પ્લોટ કે જમીન લેવા માટે હું વિચાર કરીશ. અને એ માટે પણ મારે તમારી સલાહ જોઈશે કે પ્લોટ ક્યારે લેવા જોઈએ, કેવા પ્લોટ લેવા જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ વગેરે ઘણા સવાલો છે. " અનિકેત દાદા સામે જોઈને બોલ્યો.
" ઠીક છે એની બધી ચર્ચા આપણે શાંતિથી ઘરે કરીશું. તું ચિંતા ના કર. મનીષની પણ એક સ્કીમ અત્યારે પૂરી થવા આવી છે. તારે જરૂર હોય તો તારી ઓફિસમાં મનીષને પણ બેસાડજે. એ પણ ઘણું બધું જાણે છે અને મેચ્યોર્ડ છે. મોટા કામમાં એક થી બે ભલા. એકાઉન્ટ્સ નું પણ એને સારું એવું નોલેજ છે " દાદા બોલ્યા.
" ચોક્કસ દાદા. અંકલ હશે તો મને પણ ઠીક રહેશે. મને કોઈ જ વાંધો નથી. " અનિકેત બોલ્યો.
વાતો કરતાં કરતાં દોઢ કલાક કપાઈ ગયો અને ગાડી ઘરે પહોંચી ગઈ.
રાત્રે જમતી વખતે ધીરુભાઈ શેઠે પોતાના બંને દીકરાઓને સુજાતા બિલ્ડર્સ વિશે બધી વિગતવાર વાત કરી અને જરૂર પડે તો મનીષને સુજાતા બિલ્ડર્સની ઓફિસ સંભાળી લેવાની સૂચના પણ આપી.
"મને કોઈ જ વાંધો નથી પપ્પા. જો કે અનિકેત પોતે જ હોશિયાર છે અને એણે જે રીતે આકૃતિ ટાવરની સ્કીમ બનાવી એ જોઈને મને પણ આશ્ચર્ય થયું છે. છતાં એના સપોર્ટ તરીકે થોડો સમય મારે એને આપવો પડે તો મારી પૂરી તૈયારી છે. " મનીષ બોલ્યો.
અંજલીએ તમામ ડોક્યુમેન્ટની ફાઈલ અનિકેતને મોકલી આપી હતી અને વકીલ દ્વારા પેપર વર્ક કરીને કાયદેસર રીતે અનિકેત હવે સુજાતા બિલ્ડર્સનો માલિક બની ગયો હતો. સુજાતા બિલ્ડર્સ એણે ટેકઓવર કરી હતી અને વિરાણી બિલ્ડર્સ એની સિસ્ટર કંપની તરીકે રજીસ્ટર કરી હતી.
કાયદાકીય બધી વિધિ પતી ગયા પછી બીજા દિવસે મુંબઈનાં ન્યુઝ પેપરમાં પણ 'સુજાતા બિલ્ડર્સ' ટેક ઓવર કર્યાની જાહેર નોટિસ આપી હતી અને સમાચાર તરીકે પણ જાહેરાત કરી હતી. રશ્મિકાંતભાઈના અવસાન પછી સુજાતા બિલ્ડર્સની ચાલુ તમામ સ્કીમોના ગ્રાહકો થોડા ટેન્શનમાં આવી ગયા હતા અને ઇન્કવાયરીઓ પણ આવતી હતી. એ બધું ટેન્શન પણ એણે આ રીતે દૂર કર્યું હતું.
એ પછીની એકાદશીના દિવસે અનિકેતે સુજાતા બિલ્ડર્સની ઓફિસ નો ચાર્જ સંભાળ્યો. અંજલીએ પોતાના તમામ સ્ટાફને સવારથી જ ઓફિસે બોલાવી લીધો હતો. તમામ એન્જિનિયરો, તમામ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવી લીધા હતા જેથી કંપનીના નવા બૉસ અનિકેતનો પરિચય કરાવી શકાય. એ અત્યારે આ કંપનીનો સર્વેસર્વા સી.ઈ.ઓ હતો.
અનિકેતનું અંજલિએ ગુલાબનાં ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું . તમામ કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયર સ્ટાફે પણ અનિકેતનું ભાવભીનું સ્વાગત કર્યું અને બાકીના બધા સ્ટાફે પણ હાથ મિલાવ્યા. નીતાબેન પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
અનિકેતે ચાર્જ લઈને તમામ પેપર્સ ઉપર પોતાની સાઈન કરી દીધી. કંપનીનો જે એકાઉન્ટન્ટ હતો એણે અનિકેતની ચેમ્બરમાં આવીને બેંકના તમામ એકાઉન્ટ્સમાં અનિકેતનું નામ દાખલ કરવા માટે જરૂરી ફોર્મ ભરાવી દીધાં અને અનિકેતની સાઈન પણ લઈ લીધી.
એ પછી ઓફિસના બહારના મોટા હોલમાં આવીને અનિકેતે પ્રસંગ રૂપ નાનકડું પ્રવચન આપ્યું.
" આજે સુજાતા બિલ્ડર્સના અધિકૃત માલિક તરીકે ચાર્જ સંભાળતાં મને ખૂબ જ આનંદ થાય છે. કંપની અમે ટેક ઓવર કરી હોવા છતાં પણ સુજાતા બિલ્ડર્સ નામ ચાલુ રાખ્યું છે. તમારા બધાના સહકારથી જ આ કંપની આટલી આગળ આવી છે. અને સુજાતા બિલ્ડર્સની આ કંપની તમારા બધાના ઉત્સાહ અને મહેનતથી વધુને વધુ ડેવલપ થાય એના માટે તમારો પૂરો સહકાર મારે જોઈએ છે. " અનિકેત બોલી રહ્યો હતો.
" તમારું કોઇપણ સૂચન હશે તો એ આવકાર્ય છે અને તમારે કોઈપણ પ્રકારની અડધી રાત્રે પણ મદદની જરૂર હોય તો મને ફોન કરી શકો છો. માલિક અને સ્ટાફ વચ્ચે અંતર રાખવાની કોઈ જ જરૂર નથી. આ તમારી પોતાની જ કંપની છે. અને સાથે મળીને જ આપણે આ કંપનીનું નામ આગળ ઉપર ઉજ્જવળ કરવાનું છે. આજે પ્રથમ દિવસે આનાથી વધારે મારે કંઈ જ કહેવાનું નથી. ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે નીતા આન્ટીએ અને અંજલી મેડમે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એને હું દીપાવું " અનિકેતે પોતાનું બે હાથ જોડીને વક્તવ્ય પૂરું કર્યું.
બધાએ તાળીઓના ગડગડાટથી અનિકેતને વધાવી લીધો. દરેકના માનસ ઉપર અનિકેતે એક નિખાલસ અને માયાળુ વ્યક્તિત્વની છાપ છોડી.
સુજાતા બિલ્ડર્સ વિશેના તમામ સમાચાર અને જાહેર નોટિસ અંજલી ના પિતરાઈ ભાઈ સંજય ભાટિયાએ વાંચી હતી. અને ત્યારથી જ એના પેટમાં તેલ રેડાયું હતું. એની પોતાની ઈચ્છા આ કરોડો રૂપિયાની કંપનીને સંભાળવાની હતી અને છેલ્લા બે મહિનાથી સામ દામ દંડ ભેદ એ તમામ રીતો એ અપનાવી ચૂક્યો હતો પરંતુ એનાં નીતાકાકીએ કોઈ રિસ્પોન્સ એને આપ્યો ન હતો.
વિરાણી બિલ્ડર્સનું નામ બહુ જ મોટું હતું અને એના વિશે સંજય જાણતો જ હતો એટલે સીધી રીતે તો એ અનિકેત સામે બાથ ભીડી શકે તેમ ન હતો. અને બધું કાયદેસર રીતે થયું હોવાથી એ કોર્ટમાં પણ જઈ શકે તેમ ન હતો.
કંઇક તો કરવું જ પડશે. આટલી મોટી કરોડોની કંપની આમ સાવ હાથમાંથી તો ના જ જવા દેવાય ! - સંજય ભાટિયા વિચારી રહ્યો અને એ રાત્રે એણે ખૂબ જ દારૂ પીધો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)