૩૯
વિધિની એક રાત્રિ
બીજે દિવસે પ્રભાતે ભગવાન સોમનાથનાં દર્શન કરવા માટે પરમ પાશુપાતાચાર્ય ભાવ બૃહસ્પતિ પોતે મહારાજ કુમારપાલની સાથે જવાના હતા. મહારાજે ભાવ બૃહસ્પતિને સાધારણ પૃચ્છા કરી, તો ખબર મળ્યા કે ગુરુ હેમચંદ્રાચાર્ય હજી આવ્યા નહોતા. રાજાને પણ ચિંતા થઇ: ગુરુ મહારાજ આવશે કે નહિ આવે? નહિ આવે તો? પણ તેઓ ગુરુને ઓળખતા હતા. ગુરુ આવ્યા વિના નહિ રહે. કેટલાકે એટલી વાતમાંથી રજનું ગજ કરવા માંડ્યું! ‘ગુરુ હેમચંદ્ર નીકળ્યા ખરા, પણ આવ્યા નહિ! શું કરે, ભાઈ! રસ્તામાં માંદા પડી ગયા!’ બીજાએ કહ્યું. ‘ભૈ! એ તો મંદવાડ – પણ એમનો!’ જેને જેમ ઠીક પડે તેમ ચર્ચા થતી રહી.
તે રાત્રિએ સોમનાથી સમુદ્રે જે ગાન ગાયાં તેની નોંધ કોઈ ઈતિહાસકાર લઇ શક્યો નથી. કોઈ ફિલસૂફની આગાહીમાં પણ એ આવ્યાં નથી. કોઈ કવિએ એ ગાન અમર કર્યા નથી. મહારાજ કુમારપાલના કોઈ અંતેવાસીએ એની નોંધ લીધી નથી. પણ તે રાત્રિ વિધિની હતી, સમુદ્રગાનની હતી, પ્રજાજીવનના પલટાની હતી, નવયુગની એંધાણની હતી.
તે રાત્રિએ તો રાજાની સાથે આવેલો બધો સમૂહ ત્યાં સુમુદ્રકિનારે મુકામ નાખીને પડી રહ્યો. ઠેરઠેર વસ્ત્રકુટિઓ ઊભી થઇ ગઈ. વસ્ત્રઘર નખાઇ ગયાં. પ્રતિહારો ગોઠવાઈ ગયા. દીપાવલીઓ પ્રગટી. ચારે તરફ સૈનિકોનો મુકામ થઇ ગયો. ખુદ સોમનાથમાં જ્યાં હૈયેહૈયું દળાતું હતું, ત્યાં આ સાગર સમી છાવણી સમય એટલી જગ્યા જ હવે રહી ન હોય. સાવચેતીનાં તમામ પગલાં લઈને મહારાજે રાત્રે ત્યાં સમુદ્રકિનારે જ મુકામ કર્યો. સોમનાથની મંગલ ધ્વજાને ત્યાંથી સૌ ગદગદ કાંઠે નમી રહ્યા. ભગવાન સોમનાથની ધ્વજા અનંત સમય સુધી આ સમુદ્રકિનારે ફરકતી જ રહે ને સેંકડો, હજારો ને લાખો પ્રજાજનોને પવિત્રતા અને પ્રાણ આપતી રહે! દરેકના અંતરમાં આ મંગલમય ભાવના ઊભી થઇ ગઈ!
પણ જ્યારે મહારાજ કુમારપાલ સોમનાથના ભવ્ય મંદિરની મનમાંને મનમાં કલ્પના કરી, શાંત નિંદ્રાને ખોલે ઝૂલી રહ્યા હતા, બરાબર તે જ સમયે યુગયુગના રેતીમાં પગલાં માંડવા-ભૂંસવાની રમત કરનાર વિધિને ક્યાંય આરામ ન હતો! એણે પોતાનાં મહોરાં આમ-તેમ ગોઠવવા માંડ્યાં હતાં! ફિલસૂફના પણ ફિલસૂફને થકવી દે તેવું આ એક અતિવિષમ ચક્ર છે – માણસ બાળક વિધીનો છે અને છતાં વિધિ સર્જન માણસનું છે!
અરધી રાત માંડ ભાંગી હશે એટલામાં એક ઉતાવળો સાંઢણીસવાર મહારાજને પોતાની શિબિર શોધતો ત્યાં આવ્યો. એ કોણ હશે એની પૃચ્છા થાય તે પહેલાં તો એ મહારાજના વસ્ત્રઘર પાસે અટકી પડ્યો.
તે બહાર ઊભેલા પ્રતિહાર પાસે ગયો. પ્રતિહારે એને રોકી દીધો.
તેણે ધીમેથી પૂછ્યું: ‘અર્ણોરાજજી છે?’
‘અર્ણોરાજજી? હા, પણ તેઓ તો અંદર મહારાજ પાસેના ખંડમાં ખડી ચોકી ઉપર હશે. કેમ? તમે ક્યાંથી આવો છો?’
‘ધવલક્કથી.’
‘શું કામ છે અર્ણોરાજનું?’
‘મારે મળવું છે!’
‘અત્યારે?’
‘સવારે મળવાનું હોત તો સવારે જ ન આવત? મળીને પાછું મારે ભાગવાનું છે!’
પ્રતિહાર અંદર ગયો. અર્ણોરાજને સાન કરીને બોલાવ્યો. અર્ણોરાજ બહાર આવ્યો. સાંઢણીસવાર આવ્યો. તેણે પોતાની પાસેથી કાઢીને એક વસ્ત્રલેખ અર્ણોરાજના હાથમાં આપ્યો. પાસેની દીપકજ્યોતિમાં એણે એ વાંચ્યો. વાંચતા-વાંચતા એનો હાથ એના શરીર ઉપર ફરી રહ્યો હતો. એક મહામૂલ્યવાન મૌક્તિમાળા માત્ર ત્યાં એના કંઠમાં હતી. એને કોઈક કનક આભૂષણનો ખપ હતો. તેણે હાથ ઉપર નજર કરી. પણ આજે એ મુદ્રિકા પહેરવી ભૂલી ગયો હતો. કાંડે કડું પણ ન હતું. પગમાં જોયું તો સોનેરી તોડો એ ભૂલીને આવ્યો હતો.
તેણે વધુ કાંઈ વિચાર ન કરતાં પોતાની માળા હાથમાં લીધી: ‘જુગોજી! તેણે ધીમેથી કહ્યું: ‘આ લ્યો!’
જુગોજીએ બે હાથનો ખોભો ધરીને માથું નમાવી માળા ગ્રહણ કરી. અર્ણોરાજે તેના હાથમાં મોતીની માળા મૂકી દીધી. જુગોજી બે હાથ જોડીને નમી રહ્યો.
‘સૌને કહેજો, સંભાળીને રહે. સારા કામના સો દુશ્મન. મહારાજની રજા લઇ હું પણ આંહીંથી એક આંટો આવી જઈશ.
જુગોજી આવ્યો હતો તેવો જ સાંઢણી તરફ ચાલ્યો. પ્રતિહારને નવાઈ લાગી: વાત એવી શી હતી? તેણે પૂછ્યું: ‘શું છે, પ્રભુ? તમે માળા કેમ આપી? એવા કાંઈ સમાચાર છે?’
‘પ્રતિહારજી! દેવને પણ દુર્લભ શું?’
‘દીકરા!’
‘ત્યારે?’ મહારાજ કુમારપાલનું આવડું – પૃથ્વી જેવડું રાજ છે – ભોગવનાર કોણ? છે કોઈ? આ વધામણી લાવ્યો – દીકરાના જન્મની...’
આનક બોલતાં અટકી ગયો. મહારાજ કુમારપાલ પોતે ત્યાં આવીને ઊભા રહી ગયા હતા!
એ સ્તબ્ધ થઇ ગયો. ચેહ્લ્લું વાક્ય મહારાજે સાંભળ્યું તો નહિ હોય નાં – એની એને ચિંતા થઇ પડી. પ્રતિહાર એક તરફ નમીને આઘો ખસી ગયો.
‘આનક! કોણ હતું? કોને તને બોલાવ્યો! ગુરુજી આવ્યા છે?’ એટલામાં કાંઈક કહેવા માટે જુગોજી પાછો આવી રહ્યો હતો, તે મહારાજને દેખીને અચકાઈ ત્યાં ઊભો રહી ગયો.
‘કોણ છે, આનક? શું છે?’
જુગોજી આગળ આવ્યો. બે હાથ જોડ્યા: ‘એ તો મારે સમાચાર આપવાના રહી જતા હતા!’
‘શું? શા છે સમાચાર?’
‘હેમચંદ્રાચાર્ય ગુરુ – એક મુકામ આઘે પડ્યા છે. મારી સાંઢણી આંહીં આવી રહી હતી એટલે આનકરાજજીને કહેવા માટે એક શ્રેષ્ઠીએ મને સમાચાર આપ્યા. કહેવાનું રહી ગયું એટલે હું પાછો આવ્યો.’
‘એમ?’
‘કાલે પ્રભાતે કોઈ રીતે પોતે પહોંચી જવાનાં એમ એમણે કહેવરાવ્યું છે, મહારાજ!’ જુગોજી નમીને ગયો. પ્રસન્નતાથી રાજા આનક તરફ જોઈ રહ્યા. ‘આ સમાચાર હતા, આનક?’
‘આ સમાચાર હમણાં આપ્યા. બીજા પણ હતા.’
રાજાએ સમુદ્રના અફાટ જલ તરફ ને આકાશ તરફ મીટ માંડી. ચારે તરફ પરમ શાંતિ છવાઈ ગઈ હતી. જુગોજીને જતો રાજા જોઈ રહ્યો.
‘તારો વિસ્વ્હાસુ માણસ લાગે છે!’
‘હા, પ્રભુ!’
‘શા સમાચાર ઘેરથી લાવ્યો?...’
‘એ તો, પ્રભુ! મારે ત્યાં ભગવાને કૃપા કરી છે. દીકરાનો જન્મ થયો છે. આ સમાચાર દેવા આવ્યો હતો!’
રાજા સાંભળી રહ્યો. થોડી વાર વિચારમાં પડી ગયો. એણે ફરીને પૂછ્યું. ‘આ આપણા વસ્ત્રઘરમાં એ માણસે આવીને સમાચાર આપ્યા?’
‘ના, પ્રભુ! એવો અવિવેક કાંઈ હું સહું?’ મને બહાર બોલાવ્યો હતો!’
રાજાએ એકબે વખત આંટા માર્યા, પછી સમુદ્ર તરફ જોયું. દૂર-દૂરની સોમનાથની દીપમાલા ઉપર એણે એક દ્રષ્ટિ કરી ને આવીને અચાનક આનક પાસે ઊભો રહી ગયો: ‘આનક!’
આનકને બીક લાગી પોતે જે બોલ્યો હતો તે રાજાએ સાંભળ્યું હોય તો એ માટેનો ઠપકો હમણાં આપશે એમ ધારીને એ જરાક ક્ષોભ પામીને બે ડગલાં પાછો હટી ગયો: ‘મને ખબર પડતી નથી, પણ કોણ જાણે કેમ, આ તેં કહ્યું ત્યારથી મારા અંતરમાં એક વાત આવી છે!’
‘મહારાજ! મારી ભૂ..લ...’ આનક બે હાથ જોડીને ક્ષમા માગતાં ઉતાવળે બોલી ગયો.
‘ભૂલ-બૂલની વાત નથી. પણ, સંભાળ! આ તો મને મનમાં જાણે ઊગી નીકળ્યું છે. કેમ અને ક્યાંથી અને શા માટે એ તું પૂછતો નહિ; પૂછે તો હું જાણતો પણ નથી, પણ મને મનમાં ઊગે છે કે જાણે આ તારો પુત્ર છે તે ભવિષ્યમાં પાટણનું રાજસિંહાસન – પણ પાટણનું તો નહિ... તું બહાર આવ્યો હતો સમાચાર સાંભળવા, કાં?’
‘હા, પ્રભુ!’
‘તો એ પાટણનું રાજસિંહાસન નહિ મેળવે, બહાર કોઈક સ્થળે પાટણ જેવું જ રાજ મેળવશે. પણ આનક! તારો વંશવેલો ભવિષ્યમાં પાટણનું રાજ મેળવશે એવું મારા મનમાં અત્યારે ઊગી રહ્યું છે! આજની આ રાત મને કાંઇક એવી વાત જાણે કહી રહી છે. સમજાતું કાંઈ નથી. પણ આ તો મને આમ લાગે છે, પણ ત્યાં કોણ આવી રહ્યું છે? જો તો, - પેલા દીપના પ્રકાશમાં બે પડછાયા કોના દેખાય છે?
(આનકનો નવો જન્મેલો પુત્ર એટલે લવણપ્રસાદ, તેનો પુત્ર વીરધવલ અને એનો પુત્ર વિશળદેવ એ પાટણમાં રાજા થયો. એ કહેવાયો વાઘેલાવંશનો પણ હતો ચૌલુક્ય.)
આનક તો રાજાની વાણી સાંભળીને સ્તબ્ધ જ થઇ ગયો હતો. પહેલાં તો ક્યાં પાટણનું રાજ, ક્યાં પોતે? – એ કાંઈ સમજી શક્યો જ નહિ. રાજાએ એને કહ્યું એટલે કોણ છે એ જોવા માટે તે દોડ્યો ગયો. પરંતુ તે વખતે પણ એની નજર સમક્ષ તો મહારાજ કુમારપાલની ભવિષ્યની આગાહી કરતાં નેત્ર ઊગી નીકળ્યાં હતાં! શું એમાં તેજ હતું ને શી આત્મશ્રદ્ધા હતી! પોતાના આશ્ચર્યમાંથી મુક્ત થવા માગતો હતો, તોપણ આનક હજી એ અનુભવી રહ્યો હતો!
પણ આજે તો જાણે પોતાની શેતરંજનાં તમામ મહોરાં ગોઠવી કાઢવાં હોય એવી ઝડપી કુનેહથી વિધિએ પોતાની બાજી માંડી હતી! આનકરાજને થોડુંક જ ચાલવું પડ્યું. આગળ મશાલ લઈને આવતો માણસ તેની નજરે પડ્યો. આનકના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. કાંચનબા પોતે આવી રહ્યાં હતાં. તેમની સાથે એક કોઈક બ્રાહ્મણ જેવો હતો. પાછળ સોળસત્તર વરસની પણ જાણે મંદારપુષ્પની સજીવ માળા હોય તેવી, અનુપમ લાવણ્યવતી એક નાજુક રાજકુમારિકા આવી રહી હતી. આનકે તરત એને ઓળખી કાઢી: ‘અરે! આ તો પેલી હૈયરાજકુમારી!’
કર્પૂરદેવીને લઈને કાંચનદેવી આવી રહેલાં હતાં ને સાથે હૈહૈયનો રાજપુરોહિત જણાતો હતો. આનકને કાને વાત આવી હતી, એટલે એ તરત જ સમજી ગયો. પણ અત્યારે આવે વખતે મહારાજને મળવાની તક કાંચનબાએ લખી એ એને જરાક નવાઈ જેવું લાગ્યું.
અર્ણોરાજને જોતાં જ કાંચનદેવીએ કહ્યું: ‘આનકજી! મહારાજ મળશે ખરા અત્યારે?’
‘અત્યારે, બા?’ આનકે બે હાથ જોડ્યા ને નવાઈ પામતો હોય તેમ તેની સામે જોઈ રહ્યો.
‘એ તો હું સમજું છું. પણ આને કોણ સમજાવે?’ તેણે કર્પૂરદેવી સામે હસીને જોયું.
કર્પૂરદેવીની અલૌકિક રમણીયતામાં એક પ્રકારની અજબ જેવી, પોતાનું તમામ અર્પણ કરી દેવાની તમન્નાભરેલી ખુમારી બેઠી હતી કે તે ધીમું શાંત હસી. તે મોહક હાસ્ય આનકના હ્રદયમાં ઘર કરી ગયું. એવું મધુર હાસ્ય એણે જીવનમાં ક્યારેય અનુભવ્યું ન હતું. જળલહરીને અનિલ રમાડે એવી મોહકતા એમાં હતી! આનક વિચારમાં પડી ગયો: આ તે કેવા પ્રકારની આ નારી હતી, જેના એક નાના, સુંદર, સ્વચ્છ, મધુર હાસ્યમાં જ ત્રિલોક ડોલાવનારી જાણે કે મોહિની બેઠી હતી. આનક તો એ હાસ્ય જ સંભારી રહ્યો. સોમેશ્વર ચૌહાણની ભાગ્યરેખા એને અદ્ભુત લાગી.
‘પણ શું હતું, બા? મહારાજને કેમ મળવું હતું?’
‘એ તો એવું છે, આનકજી!’ રાજપુરોહિતે આગળ આવીને ધીમેથી કહ્યું? ‘વાત મહારાજને કાને અમારે પહેલી નાખવી જોઈએ. વિગ્રહરાજને ખબર પડે તો તેઓ અમારા કારણ વિનાના દુશ્મન થાય. આ અમારાં કર્પૂરદેવીબાની ઈચ્છા ઈચ્છાવર વરવાની આંહીં આવતાં થઇ. અને મહારાજ સોમેશ્વરદેવજીની પણ એમાં હા છે. પણ મહારાજનો આધાર મળ્યા વિના એ વાત અમે કરી બેસીએ, તો મોટું જોખમ ખેડવા જેવું થાય... હૈહૈરાજની તો હા અમે લીધી છે. પણ મહારાજ કુમારપાલની હા લેવી જોઈએ. કાલે પ્રભાતથી તો મહારાજ સોમનાથપૂજામાં પડી જવાના. અને પછી તો એક ક્ષણ પણ એકલા નિરાંતે ન મળે. એટલે કીધું અત્યારે મોડું તો છે, પણ આજ તો સૌ જાગતા હોય એમ ધારી, અમે આવ્યાં હતાં... વળી દિવસે આવતાં વાત-ચર્ચા થવાનો સંભવ, એ ચર્ચા હમણાં અટકાવવાની પણ હતી.’
એટલામાં તો કુમારપાલ મહારાજનો જ અવાજ આવ્યો: ‘આનક! કોણ છે?’
મહારાજ પોતે જ આ તરફ આવી રહ્યા હતા. કર્પૂરદેવી જરાક સંકોચાઈને એક તરફ ઊભી રહી ગઈ. કાંચનબા એ જોઇને મીઠું હસી પડી. ‘તું પણ અજબ છે, દીકરી! હિંમતનો પાર નથી, સંકોચની પણ કોઈ સીમા નથી!’ મહારાજ કુમારપાલ સામે આવી ચડ્યા. કાંચનદેવીને આંહીં અત્યારે જોઇને તેઓ પણ નવાઈ પામ્યા. પણ હૈહયરાજકુમારીને સાથે જોતાં જ વાત સમજી ગયા. કાકે માહિતી તો મોકલી જ હતી.
‘હૈયરાજકુમારી! તમે પણ અત્યારે આવ્યાં છો?’ મહારાજે જરાક વિનોદમાં પૂછ્યું.
‘મહારાજ! અમારે આપની આજ્ઞા લેવાની હતી.’ રાજપુરોહિત આગળ આવ્યો.
‘શું? શા વિશેની વાત છે, રાજપુરોહિતજી?’
‘કર્પૂરદેવીબાને પાટણની મોહિની લાગી ગઈ છે, મહારાજ! રાજકુમારીએ સોમેશ્વરજીને દિલ આપ્યું છે. કાંચનબાને એ રુચ્યું છે, કાં, બા?’
‘હા, ભાઈ! મને તો ગમ્યું છે. માત્ર તમને પૂછવાનું હતું. શાકંભરી સાથે આપનો સંબંધ તો એમાંથી નહિ બગડે નાં?’
‘શું કરવા?’
‘પછી શાકંભરી શંકામાં પડે, એક તરફ પાટણ આવ્યું, એક બાજુ ચેદિ આવ્યું, વચ્ચે એ આવ્યું! અમારે લીધે પાછો વિગ્રહ ઊભો ન થાય. તમે સોમેશ્વરને પોતાનો કરીને રાખ્યો છે. એટલે પૂછવું એ અમારો ધર્મ પણ છે.’
મહારાજ વિચાર કરી રહ્યા. તેમણે કર્પૂરદેવી તરફ જોયું. નાજુક ફૂલસરાપંખિણી જેવી એ પ્રેમભરી આશા કોઈ મૂક સંગીત પોતાના અંતરમાં જાણે ઝીલી રહી હોય તેમ મહારાજને લાગ્યું. એણે એક વખત પ્રેમભીનાં નેણે મહારાજ તરફ જોયું પણ ખરું.
મહારાજે કહ્યું: ‘રાજપુરોહિતજી! અમે સોમેશ્વરજીને આંહીં રાખ્યા છે એ તો તેઓ પોતે અમારા છે એટલે. મારે કોઈ સામે વિગ્રહ કરવો નથી. શાકંભરી પોતાની શંકામાં પોતે હેરાન થાય, એનો તો કોઈ ઉપાય ન હોય. ભગવાન સોમનાથની આ યુગલ ઉપર કૃપાદ્રષ્ટિ હો! કાંચનબા! તમને આ વિશે કોઈ મંત્રી કાંઈ નહિ કહી શકે! પણ વાત હમણાં તો તમારી પાસે જ રાખજો હો! પ્રગટ ન કરતાં, એટલું જ!’
‘એટલે તો અમે અત્યારે આવ્યાં, મહારાજ!’ થોડી વાર પછી કર્પૂરદેવી અને કાંચનબા ગયાં. રાજપુરોહિત જરાક મહારાજને કાને વાત નાખવા ઊભા રહ્યા.
રાજપુરોહિતે વિદાય લીધી. વસ્ત્રઘર તરફ પાછો પગ માંડે છે, ત્યાં કોઈ નહિ ને મહારાજે પોતાની પુત્રી લીલૂને જ આવતી દીઠી. ‘અરે! આજે આ સમુદ્રતટે સૌની નિંદ્રા ઊડી ગઈ છે કે શું?’ એમના મનમાં વિચાર આવી ગયો.’ શું છે, આનકજી! જુઓ તો! લીલૂ જેવું કોણ છે?’
પણ એટલામાં લીલૂ પોતે જ આ તરફ આવતી દેખાઈ.
‘બાપુ!’ તેણે આવતાંવેંત જ લાડમાં કહ્યું: ‘તમે કાંઈ પ્રતાપને કહ્યું છે?’
‘મેં? ના, કેમ?’
‘ત્યારે એ હઠ લઈને બેઠો છે!’
‘શેની?’
‘તમે કાંઈ જવાબદારીની વાત કરેલી?’
‘અરે! હા-હા, કેમ? પ્રતાપને માથે મહાન જવાબદારી આવવાની છે, લીલૂ! એનું શું છે?’
‘એણે તો આજ મને જંપવા જ દીધી નથી. પોતે કહે છે, “હું તો સેનાપતિ જ રહેવા માંગુ છું. રાજ જેનું એને જ લેવા દેવાનો! અને એ રાજને હું સાચવવાનો!”’
મહારાજ બે પળ વિચારમાં પડી ગયા. પોતાની સીધી પરંપરામાં જાણે મહારાજ ક્ષેમરાજનું અદ્ભુત રાજસંન્યસ્તી સ્વપ્ન આ લોહીમાં જાણે ધબકી રહેલું એમણે જોયું. એમને વિચાર પણ આવી ગયો: આ અદ્ભુત વસ્તુ જ બરાબર ન હતી?’ તેમણે એક પળમાં નિર્ણય લઇ લીધો: ‘લીલૂ! પ્રતાપને કહે, તારી ઈચ્છા પ્રમાણે જ થશે, બસ?’
‘એ તો છે જ એવો, બાપુ! અન્યાયનો એક દ્રમ્મ લેતાં જાણે એના દિલમાં હજારો શૂળ ભોંકાય છે! એ તો એવીએવી વાતો કરે છે: રાજ ઉપર મારો હક્ક ગણાતો હોય તો સોમેશ્વરજીનો કેમ નહિ? તેઓ તો મહારાજ સિદ્ધરાજના દૌહિત્ર છે ને?’
‘ત્યાં સુધી જ ત્યારે, લીલૂ! ચૌલુક્યવંશ છે, જ્યાં સુધી એને ત્યાં આવા તરુણો આવે છે. ભગવાન સોમનાથ એ પવિત્રતા અખંડ રાખો! એ સેનાપતિ હશે તો પાટણનો અભ્યુદય થશે. એની ઈચ્છા પ્રમાણે જ થશે. હું તો સોમનાથ મહોત્સવમાં જ વાત જાહેર કરવાનો હતો. હવે એણે જે કહ્યું એ જ બરાબર લાગે છે.’
સૌ વસ્ત્રઘર તરફ ચાલ્યાં. પણ રાજા છેલ્લી બે પળના બનાવો ઉપર વિચાર કરી રહ્યો.
અને ખરેખર વીધીએ જાણે આજ રાતે જ પોતાની ભાવિ શેતરંજનાં તમામ મહોરાં ગોઠવી લીધાં હતાં! હવે એ નિશ્ચિંત મને કોઈ એક ટેકરી ઉપર બેસી જવાની.
લીલાંછમ હરિયાળાં મેદાનોને ખંડેરમાં ફેરવાતાં જોઇને એ પોતાનું નિરવધિઉલ્લાસભર્યું હાસ્ય હસ્યા કરશે! ને વિશ્વનાં અનેક ખંડેરોને મહાન મહાલયોમાં ફેરવાતાં જોઇને પણ એ હસ્યા કરશે! એને મન બંને રમત છે અને બંને સરખી આનંદદાયક છે – સર્જનની ને વિનાશની!