Rajashri Kumarpal - 38 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 38

૩૮

સોમનાથની જાત્રા

સોમનાથનું મંદિર તૈયાર થવા આવ્યું. સમયને જતાં શી વાર લાગે છે? પણ એ તૈયાર થયાના સમાચાર આવ્યા ત્યારે એ મહોત્સવપ્રસંગે હાજર રહેવા માટે જનારાઓની સંખ્યા સેંકડોથી નહિ, હજારોથી ગણાવા માંડી. આખી પાટણનગરીમાં જાણે કોઈ ઘેર જ રહેવા માગતું ન હતું!

મહારાજને પણ ચિંતા થઇ: કોને હા કહેવી ને કોને ના કહેવી? કેટલાક ચુસ્ત જૈનોમાં મંદ ઉત્સાહ હતો, એટલે એમના ઉપર પાટણનો ભાર સોંપીને જવાની તૈયારીઓ થવા માંડી. આમ્રભટ્ટ શકુનિકાવિહાર બંધાવી રહ્યો હતો, એટલે એ ભૃગુકચ્છમાં હતો. એણે પાટણનો રક્ષણભાર સોંપાયો.

પણ કર્ણોપકર્ણ વાત ચાલી: ‘ગુરુજી હેમચંદ્રાચાર્ય સોમનાથ પાટણ જાય છે ખરા? કે નથી જતા?’ સામાન્યોમાં એ કુતૂહલનો વિષય થઇ પડ્યો. વિશેષજ્ઞો માટે એ રસનો વિષય થઇ પડ્યો.

સર્વદેવ પંડિતે જ એને મોટું રૂપ આપ્યું: ‘ન જાય એ જ યોગ્ય છે. એમને પાછો જૈનોમાં પોતાનો મોભો જાળવવાનો છે!’

‘જવું જોઈએ. રાજાના ગુરુ છે. સોમનાથ તો રાજાના ઇષ્ટદેવ છે. ન જાય તો સમજવું કે રાજાના ઇષ્ટદેવને ગુરુ કાંઈ જ ગણતા નથી!’

જવાનું હેમચંદ્રાચાર્યને, પણ એમણે જવું કે ન જવું એનો નિર્ણય લોકો આપસઆપસમાં આપવા માંડ્યા! કેટલીક વખત મહાન થવાનું મૂલ્યાંકન ચૂકવવું પડે છે! એમાં કોઈનું ન ચાલે! જોકે ગુરુને તો આ સમન્વયની પળ જ સૌથી વધારે મૂલ્યવાન હતી.

અજયપાલે આ તક પકડી. સોમનાથ મહોત્સવમાં પોતે ન જાય એમ તો ન બને; પણ જો કોઈ બહાનું મળી જાય ને આંહીં રહી જવાય તો આ પ્રસંગ એને પાટણમાં રહેવા જેવો લાગ્યો હતો. બાલચંદ્રે એને વાત પહોંચાડી દીધી હતી. એને એમ હતું કે મહારાજ પાટણનો ભાર એણે જ સોંપશે ને જાશે. એમ થાય તો બસ. પણ મહારાજ બધું સમજતા હતા. એમને હવે એ કરવું ન હતું. અજયપાલ એ કળી ગયો. અજયપાલે પોતાની વાત બીજી રીતે શરુ કરી: ‘આમ્રભટ્ટ પાટણને સાચવે, એમ? શાકંભરીથી વિગ્રહરાજ આવે તો એ ઊભો રહે, એમ? પાટણને મહારાજની ગેરહાજરીમાં બીજો કોઈ સાચવે તો-તો મારું માથું જ કપાઈ જાય! હું આંહીં દેથળીમાં બેઠો છું. સૌ સોમનાથ જઈ આવો, પછી હું જઈશ! પણ મહારાજ કુમારપાલે એ વાતને તરત ડામી દીધી. એમણે અજયપાલને સોમનાથ આવવાની જાહેર વિજ્ઞપ્તિ કરવા સામંતો, શ્રેષ્ઠીઓ અને નગરજનોને ત્યાં – દેથળી મોકલ્યા. ‘પાટણને પાટણ સાચવશે’ મહારાજે કહેવરાવ્યું.

હવે જો એ ન આવે તો-તો ભગવાન સોમનાથનું અપમાન થતું હતું. અજયપાલ આવ્યો. પણ વિજ્જલદેવે જ એને કાનમાં ફૂંક મારી. વિષહર છીપના પ્રસંગ પછી એ વિશ્વાસુ થયો હતો. ‘એમ જ કહો ને – પહેલાં ગુરુ આવે તો હું આવું!’

‘પણ ગુરુ તો ન આવે... તેઓ તો જૈન છે. માણસો એમ કહે નાં? અજયપાલે કહ્યું.

‘તો થઇ રહ્યું! આ ગુરુને ગુરુ માનનારો રાજા ભગવાન સોમનાથને ઇષ્ટદેવ ગણે એ કેવળ ઢોંગ! લોકોને મોંએ કોણ ગળણું બાંધવા જાશે? લોકો વાત આમ ઉપાડશે. અને આપણે એ જ જોઈએ છીએ.’ વાત વિજ્જલની તદ્દન સાચી હતી. ઘણી વખત સામાન્ય માણસોની સમજ એ જ મોટું વિધાયક બળ થઇ રહે છે! વિશીષ્ટોને તો એવે વખતે સામાન્યો દોરતા હોય છે! લોકવાણીનું એ જ મોટામાં મોટું સામર્થ્ય છે અને એ જ મોટી કરુણતા પણ છે. પણ હેમચંદ્રના દિલમાં કોઈ ધર્મનું ખાબોચિયું ન હતું; ત્યાં તો ધર્મનો સાગર રેલાતો હતો. પોતાના જીવનભરના પ્રયત્નને એમણે તો સોમનાથ મંદિરમાં સફળ થતો જોયો હતો. ધર્મસમન્વય દ્વારા જ પ્રજા ટકી શકે નહિતર એ ન જ ટકે – એ જીવનસત્ય ગુરુના અંત:કરણમાં તો અગ્રસ્થાને હતું. 

એટલે એક પ્રભાતે હેમચંદ્રાચાર્ય પાસે મહારાજ પોતે ગયા. જઈને પ્રણામ કર્યા અને ગુરુએ જ પૂછ્યું:

‘કેમ, મહારાજ! સોમનાથ ક્યારે જવું છે? અજયપાલજીએ પછી શો નિશ્ચય કર્યો? આવે છે નાં?

‘અજયપાલજીનો નિશ્ચય-અનિશ્ચય તો ઠીક, પ્રભુ! એક બીજી વાત પૂછવાની છે!’

‘શી?’

‘મોટામાં મોટો દેવ કોણ?’ 

હેમચંદ્રાચાર્ય બે પળ રાજાની સામે જોઈ રહ્યા. તે સમજી ગયા. રાજાને સોમનાથ વિશે કાંઈક કહેવાનું હતું. શાંત અવાજે ગુરુ બોલ્યા: ‘મહારાજ! આ દુનિયામાં માણસ પોતાના આત્મા સિવાય કોઈ દેવ ક્યાંય રહેતો નથી!’

‘ભગવાન મહાવીર?’

‘કાં એ માણસના આત્મામાં છે અથવા તો એ ક્યાંય નથી!’

‘ભગવાન સોમનાથ?’

‘દેવ-તમામ, મહારાજ! માણસના આત્મામાં રહેનારા સામાન્ય પ્રજાજનો છે. રાજા તો એ જ છે – આત્મા!’

‘પણ એ આત્મા શું છે?’

‘એ સમજવા માટે, મહારાજ! આપણે દેવતાઓને સર્જ્યા છે. જ્યારે માણસ, એમની મારફત એને નથી મેળવતો ત્યારે એના જેવો મિથ્યાદ્રષ્ટિ કોઈ જ નથી!’

ધર્મસમન્વય વિશેની ગુરુની અગાધ સમજણને રાજાએ અંતરમાં ઉતારી. પળભર એ પોતે પણ એ-મય થઇ ગયો! તેનાથી બે હાથ જોડીને બોલી દેવાયું: ‘પ્રભુ, વાગ્ભટ્ટે એક વિહાર શરુ કર્યો હતો. એનું અલૌકિક રૂપ જોઇને મેં એને એક દિવસ તેડાવ્યો. એની શિલ્પપ્રશંસા કરતાં-કરતાંમાં તો એ “કુમારવિહાર” કહેવાયો! એમ કહીને એણે એ મને આપી દીધો. ચંદ્રકાંતમય એકવીશ અંગુલપ્રમાણ જિનબિંબ નેપાળ દેશથી આવેલ છે. એ ત્યાં પધરાવવાનું છે.’

હેમચંદ્રાચાર્ય રાજાની સામે જોઈ રહ્યા. ‘રાજન્, મને તો એમાં  ભવિષ્યવાણીના પડઘા સંભળાય છે. આ બે જ્યાં સુધી હશે – કુમારવિહાર ને સોમનાથ મંદિર – ત્યાં સુધી આ ગુર્જરદેશ સોનાનો હશે. એ છૂટાં પડશે ત્યારે એ કથીરનો થઇ જશે. એ નિંદ્રામાં પડશે કે નિંદામાં પડશે ત્યારે દેશ હતો-ન-હતો થઇ જશે. રામચંદ્ર!’

રામચંદ્ર બે હાથ જોડીને આવ્યો: ‘તમે જ તે દિવસે કુમારવિહારની વાત કરતા હતા નાં? મહારાજ એ પ્રસંગ માટે હવે કાવ્યો માગે છે!’

‘ત્યારે, છેવટે, પ્રભુ!...’

આચાર્ય રામચંદ્ર સામે જોઈ રહ્યા. તેમણે પોતાનું પાસે પડેલું રજોહરણ સંભાળ્યું. પુસ્તકો જરા ઠીક કરીને એક બાજુ ઉપર મૂક્યાં. ‘રાજન્!’ હેમચંદ્રાચાર્ય બેઠા જ થઇ ગયા હતા. રામચંદ્રને પણ નવાઈ લાગી. ‘રામચંદ્ર!’ તેમણે અચાનક કહ્યું: ‘આ બધું તમે હવે સંભાળજો. ચાલો, મારી સાથે કોણ આવે છે?’

‘પ્રભુ! ક્યાં, કુમાર...’

હેમચંદ્રાચાર્યે રામચંદ્રને એક દ્રષ્ટિ વડે નીચેથી ઉપર સુધી જોઈ લીધો: ‘રામચંદ્ર! હું સોમનાથ ભગવાનની જાત્રાએ ઊપડું છું.’ ગુરુએ પ્રેમભર્યો ઉપાલંભ આપતા હોય તેમ કહ્યું: ‘તમને ખબર છે? મહારાજ કુમારપાલ એ કહેવા માટે અત્યારે આવ્યા હતા. આપણે સાધુને તો જાત્રા એ જીવન-મહોત્સવ છે. મહારાજ! તમે સિધાવો. અમારી મંડલી વિમલાચલ થઈને ત્યાં સોમનાથ આવી પહોંચશે, તમારી સાથોસાથ.’

કુમારપાલ છક થઇ ગયો, પણ રામચંદ્ર તો આશ્ચર્યથી સ્તબ્ધ થઇ ગયો. એના મનમાં એક વિચાર આવી ગયો: ‘મારાં આ બધાં પુસ્તકો અને ગુરુનું એક જ નાનું જીવનકાર્ય – બંનેમાંથી કોણ વધે? એમનું નાનું જીવનકાર્ય! ઓહો! આટલી બધી ધર્મસમન્વયની અગાધતા! એ આવી ક્યાંથી?’

‘પ્રભુ!’ કુમારપાલે બે હાથ જોડ્યા: ‘હું પ્રભુને ભગવાન સોમનાથની જાત્રાનું કહેવા જ આવ્યો હતો. પણ સુખાસન વિના એવા વિકટ પંથે આ ઉંમરે પ્રભુ જાય...’

‘એટલા માટે તમે બોલતા ન હતા. સમજ્યો! પણ, રાજન્! વય ત્યારે લાગે, જ્યારે રસ ખૂટે. હજી મારો જાત્રાનો જીવનરસ ખૂટ્યો નથી. અમારે સાધુને તો – સાધુજન ચાલતા ભલા. યાત્રા એ પણ જીવન છે. હવે તમે સુખેથી સિધાવો. રામચંદ્ર! જેઓ આવવાના હોય તે મારી સાથે હમણાં જ ચાલો! હું પોતે આ ચાલ્યો!’

ગુરુ હેમચંદ્રાચાર્યે ધીમી, શાંત સ્વસ્થતાથી રજોહરણ ઠીક કર્યું. તેમણે એક ડગલું આગળ ભર્યું.

તમામના મસ્તક, હરપળે તૈયાર આ મહાન યાત્રાળુને નમી રહ્યાં હતાં!

હેમચંદ્રાચાર્યનું દરેક ડગલું જાણે રામચંદ્રને કહી રહ્યું હતું: ‘જીવનમાંથી મૃત્યુ તરફ પણ આટલી ઉત્સુકતાથી જવું ઘટે, રામચંદ્ર!’

વિધ્યુદ્વેગે આખા પાટણમાં સમાચાર ફેલાઈ ગયા: ગુરુ હેમચંદ્રાચાર્ય પોતે સોમનાથ પાટણ જઈ રહ્યા છે. લોકઉત્સાહનો પાર ન હતો. મહારાજ કુમારપાલની સવારી પણ બીજે દિવસે નીકળી, ત્યારે જાણે આખી નગરી રાજાની સાથે ચાલી રહી હોય એવો દેખાવ થયો. રાજા-પ્રજાની વચ્ચે આટલી અગાધ પ્રીતિ એક રઘુવંશમાં દેખાણી હતી, બીજી આજ ચૌલુક્યવંશમાં દેખાણી.

સેંકડો ઘોડાં, સુખાસન, ગાડાં, ગાડી, પાલખી, માંડવી, ઊંટ, હાથી રાજાની સાથે ચાલી રહ્યાં હતાં. રાજા પોતે અત્યારે પગપાળો ચાલી રહ્યો હતો. એની સાથે મંત્રીઓ, સામંતો, મંડળીકો, મંડળેશ્વરો, ઉપરાજાઓ – જાણે એક મોટી સેના ચાલતી હતી. ‘જય સોમનાથ!’ના ધ્વનિથી આકાશ ગાજી રહ્યું હતું. ઠેરઠેર અબીલ-ગુલાલ ઊડતા હતા. મહાલયની ભવ્ય ચંદ્રશાળાઓમાંથી ફૂલોનો વરસાદ વરસતો હતો. સેંકડો નારીઓનાં કંઠમાંથી જયમંગલધ્વનિનાં ગીતો ઊપડ્યાં  હતાં. શંખનાદ થતા હતા. મંગલ વાજિંત્રો વાગતાં હતાં. પ્રશસ્તિના કાવ્યો આવી રહ્યાં હતાં. ભગવાન સોમનાથ મહાદેવના નામનો આકાશપર્યંત પહોંચતો મહાઘોષ ઊપડ્યો હતો. ઉત્સાહની નદીઓ વહેતી હતી. ઉલ્લાસનો સમુદ્ર છલકાતો હતો. એ વખતે કોઈને ખબર ન હતી, ચૌલુક્યવંશની પરમ ઉન્નતિની આ પરમ શિખા હતી. કેવળ એક વિધિ એ જાણતી હતી. બીજી ખબર ગુરુ હેમચંદ્રાચાર્યને હતી. એમને ધર્મસમન્વયી યત્નની એટલા માટે આ મહાપ્રયાણમાં ટોચ આણી દીધી હતી. 

આજે ત્યાં પ્રતાપમલ્લ ને અજયપાલ સાથે ચાલતા હતા. મહારાજનો ભાણેજ ભોજ મહાબલ પોતાના પિતા કૃષ્ણદેવનો વધ ભૂલીને આજે પહેલવહેલો આમાં ભળ્યો હતો. પ્રેમલ હતી. દેવલ હતી. નાયિકાદેવી હતી. ભોપલદે મહારાણી હતાં. મહારાજની પુત્રી લીલૂ હતી. અર્ણોરાજ હતો. ત્રિલોચન પણ આવતો હતો. કાકને તો મહારાજે પહેલેથી મોકલી દીધો હતો. પાટણનો રક્ષણભાર આમ્રભટ્ટને સોંપાયો. બીજા પણ કેટલાંક મંત્રીઓ, ભાંડારિક કપર્દિક વગેરે પાછળથી સંભાળ લેવા રહ્યા હતા. સાંભરનો વિગ્રહરાજ ઘા કરી ન જાય એની બરાબર સંભાળ રાખવાની હતી. રજેરજની માહિતી મેળવીને સોમનાથ  પાટણને રસ્તે રોજની રોજ પહોંચતી રહે એવી ગોઠવણ કરીને જ મહારાજ નીકળ્યા હતા. પાટણની સોમનાથ તરફ હંમેશાં સાંઢણીસવાર આવવાનો હતો. ભગવાન સોમનાથની જાત્રાનો પ્રસંગ હતો, એટલે આવું અકાર્ય બનતાં સુધી વિગ્રહરાજ ન કરે, પણ સંભાળ મહારાજે બરાબર રખાવી હતી, કારણ કે આંહીં વિગ્રહરાજ પછીનો ગાદીવરસ સોમેશ્વર ચૌહાણ પાટણને આશ્રયે બેઠો હતો. વિગ્રહરાજને તો એ ક્યારનું ખૂંચતું જ હતું, પણ મહારાજ કુમારપાલના અતુલ બળને એ જાણતો હતો. 

વળી હૈયરાજકુમારી કર્પૂરદેવી પણ ચિંતાનું કારણ થઇ પડે તેમ લાગતું હતું. કાંચનબાને એ ગમી ગઈ હતી. સોમેશ્વર પ્રત્યે રાજકુમારી પ્રથમ દ્રષ્ટિએ જ પ્રેમમાં પડી ગઈ હતી. આ સમાચાર ફેલાય તો-તો વિગ્રહરાજ એણે પાટણ ચેદિનો, પોતાની સામે રચાયેલો વ્યૂહ જ ગણી કાઢે. એ સમાચાર કાકે મહારાજને પહોંચાડ્યા હતા, એટલે મહારાજ વધુ સાવધ રહ્યા હતા. 

મહારાજ કુમારપાલની સવારી વર્ધમાનપુરને રસ્તે થઈને આગળ વધી. રસ્તામાં ઠેકાણે-ઠેકાણે મહારાજે ભગવાન સોમનાથના નામનો જયઘોષ થતો સાંભળ્યો.

મહારાજે એ જયઘોષને સાર્થક કરાવતો મદ્યમાંસનિષેધનો, અમારિનો, દયાધર્મનો ઠેકાણે-ઠેકાણે સંસ્કારઘોષ કરાવ્યો. 

આમ મહારાજની સવારી જેમજેમ આગળ વધતી ગઈ તેમતેમ એમાં સંખ્યાતીત માનવો જોડાવા માંડ્યા. ઘડીભર તો એમ લાગ્યું કે સોમનાથતટે આ બધા સમાશે ક્યાં? 

સોમનાથથી થોડે દૂર જ્યારે એ માનવમહેરામણ પહોંચ્યો ત્યારે જલસાગરનો ઘોષ અને માનવસાગરનો ઘોષ સામસામે જાણે પ્રતિસ્પર્ધામાં પડ્યા. 

મહારાજ કુમારપાલનો સત્કાર કરવા મહંત ગંડશ્રી ભાવ બૃહસ્પતિ પોતે મહારાજની સવારી સામે આવ્યો હતો. એની એક બાજુ કવિ વિશ્વેશ્વર હતો. બીજી બાજુ મહાશિલ્પી વિંધ્યદેવ ચાલતો હતો. સોરઠનો રા’ હતો. આભીરોનો રાણો હતો. ‘જય સોમનાથ!’ની ગગનગામી ઘોષને ઘડીભર સમુદ્રતરંગોને પણ છાના કરી દીધા!

રાજા કુમારપાલે પોતે પગપાળો સોમનાથ મંદિર તરફ ચાલવા માંડ્યું. કુમારપાલ મહારાજની દ્રષ્ટિએ સોમનાથ મંદિરની ધ્વજા પડી અને એમની આંખમાંથી પ્રેમભક્તિનાં અશ્રુની ધારા છૂટી! 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED