રાજર્ષિ કુમારપાલ - 37 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 37

૩૭

વિધિના રમકડાં!

મહારાજ કુમારપાલના આ શાંત વર્ષોની શાંત પળોમાં એક વિચિત્ર વ્યક્તિએ એક વિચિત્ર ઉદ્યોગ આરંભ્યો હતો. એ  હતો બાલચંદ્ર, બાલચંદ્ર કવિ હતો. એ પોતાને રામચંદ્રથી અધિક માનતો હતો, પણ લોકો એમ માનતા ન હતા. એ એમનાથી જુદો પડ્યો. પરિણામે રામચંદ્રના કાવ્ય-નાટકો પાટણની પોળેપોળમાં ભજવાતાં એ જોવા માટે ધમાલ થવા માંડી. એનું ત્રણ વરસનું શિશુ પણ જાણતું થયું, જ્યારે બાલચંદ્રના નામે એક ચકલું પણ ક્યાંય ફરકતું નહિ! લોકોની ગાંડી રસવૃત્તિને બાલચંદ્રે પહેલાં તો ખૂબ ઝાડી, પણ તેમતેમ એ વૃત્તિ વધતી જ ગઈ. રામચંદ્રના નાટક-કાવ્યોની સંખ્યા ગણવા માટે બે આંગળીના વેઢા ઓછા પડવા માંડ્યા!

‘રામચંદ્રે ઠીક સંખ્યા વધારી!’ એવા ટાઢા ડામ બાલચંદ્રે આપવા શરુ કર્યા. ‘સંખ્યા’ ઉપર બોલતાં એવો ભાર મૂકે કે ઢોર જેવો હોય એ પણ એમાં રહેલો કાંટો કળી જાય. કળવા માટે તો એ એમ  બોલ્યો હોય! છતાં જો એ કાંટો ન વાગે તો બાલચંદ્ર વધારે સ્પષ્ટ બોલીને પણ રામચંદ્રનો ઉપહાસ કરે ત્યારે જ શાંતિ પામે!

પોતાના સ્વભાવની શાંતિ માટે રામચંદ્રનો ઉપહાસ આવશ્યક ઔષધ જેવો થઇ પડ્યો. વિદ્વાનોનાં મહાન દિલમાં તેજોદ્વેષનો એક નાનકડો અગ્નિકુંડ નિત્ય જળતો હોય છે. પણ બાલચંદ્ર તો આ અગ્નિકુંડમાં અગ્નિહોત્રીની ઢબે હંમેશાં પાંચપચીસ સુવાક્યોની પુષ્પાંજલિ રામચંદ્રને નામે ચડાવતો રહેતો!

પણ કાંઈ ન હોય તેમ રામચંદ્ર પ્રબંધ ઉપર પ્રબંધ આપવા મંડ્યો.

લોકોએ એનાં નાટકોને ઉત્સાહથી સત્કાર્યા, પ્રબંધોને પ્રેમથી વાંચ્યા. બહુ ચોવટિયા નહિ એવા વિદ્વાનોને રામચંદ્રની સર્જનશક્તિ અદ્ભુત લાગી, પણ બાલચંદ્ર એનો ઉપહાસ કરતો જ રહ્યો: ‘સંખ્યા વધતી જ ચાલી છે!’        

ઉપહાસની ઉપેક્ષા કરનારો પોતે વિજય પામે છે, પણ એ ઉપહાસ કરનારની દશા કફોડી કરી મૂકે છે. એ એની નિંદ્રા જ હરી લે છે. અનિંદ્રા ભયંકર કાવતરાની ને ભયંકર રોગની જન્મદાત્રી છે. બાલચંદ્રને પણ એણે કાવતરા તરફ વાળ્યો. 

વિદ્વેષીઓનો ઉપહાસ વાગતો ન હોય તોપણ વાગે છે એવો ઢોંગ વિદ્વાનોએ કરતાં રહેવું જોઈએ.

રામચંદ્રે એવો ઢોંગ ન કર્યો, એમાંથી ગુજરાતપતનની શરુઆત થઇ. છેવટે તો દુનિયાભરના ઇતિહાસો એ જ કહે છે નાં? બે વ્યક્તિઓને મતભેદ થયો. તેમાંથી ઘર્ષણ થયું. તેમાંથી પતન આવ્યું! રામચંદ્ર અને બાલચંદ્રના વિધાદ્વેષે પણ એ જ પરિણામ આણ્યું. શસ્ત્રના જુદ્ધ કરતાં વિદ્યાના જુદ્ધ કાંઈ ઓછા ભયંકર હોતાં નથી. 

રામચંદ્રે આચાર્યને આ વાત કરી હતી. મંત્રીશ્વર ઉદયને પણ ધ્યાન ખેંચ્યું હતું. રામચંદ્રના જેટલી કે લગભગ એટલી પ્રસિદ્ધિ મળતાં આ તેજોદ્વેષ એની મેળે બુઝાઈ જાશે એ સામાન્ય સત્ય ઉપર નિર્ભર રહીને હેમચંદ્રાચાર્યે બાલચંદ્રને વધારે વિદ્યા આપવા માંડી. એની કૃતિઓમાં રસ લેવો શરુ કર્યો. રામચંદ્રને પણ એ જ કહ્યું, પણ બાલચંદ્રનો તેજોદ્વેષ ધીમેધીમે વધુ ને વધુ પ્રજ્વલિત જ થતો ગયો. 

એવામાં એના મગજમાં એક વિચાર આવ્યો. ગુરુ હેમચંદ્રાચાર્યને જે માન મળે છે એ માન ભવિષ્યમાં રામચંદ્ર પામશે. પ્રતાપમલ્લની અત્યારની વૃત્તિ એ પ્રકારની હતી. પ્રતાપમલ્લની રાજવારસ તરીકેની આગાહી હતી. 

જો એમ થાય, તો ગુરુ રામચંદ્ર! બાલચંદ્રની હવે તો નિંદ્રા જ ઊડી ગઈ! એને રાતદિવસ એ જ વિચાર આવતા હતા: શી રીતે રામચંદ્ર ગુરુ જેટલું માન ન પામે! પોતે પામે એમ નહિ, શી રીતે રામચંદ્ર ન પામે!

જ્યારે આ તરફ એ ફાટી આંખે જોઈ રહ્યો હતો કે પ્રતાપમલ્લ ઉપર મહારાજનો ભાવ વધી ગયો હતો. હેમચંદ્રાચાર્યને પણ એ જ યોગ્ય જણાતો હતો. સોમનાથ મહોત્સવ પ્રસંગે જ એને રાજગાદીનો વારસ જાહેર કરી દઈ ઘર્ષણની શક્યતા પોતાના સમયમાં જ નિર્બળ કરી નાખવાની મહારાજની ઈચ્છા જણાતી હતી. વાત તો ત્યાં સુધીની હતી. તો-તો રામચંદ્ર વહેલોવહેલો વધારે માન પામે!

એક દિવસ ચાંદની રાત હતી. વિશ્રમ્ભકથા થઇ રહી હતી. ગુરુદેવ ત્યાં હતા. કુમારપાલ મહારાજ હતા. આભડ શ્રેષ્ઠી આવ્યા હતા. બહુ જ ધીમે અવાજે ત્રણે જણા શાંત ગોષ્ઠિ કરી રહ્યા હતા. એમની વચ્ચે આવી ગોષ્ઠિ સામાન્ય હતી. 

પોતાના નિયમ પ્રમાણે ભીંતસરસો જડ પથ્થર સમો ઊભો રહીને બાલચંદ્ર એ ગોષ્ઠિ સાંભળી રહ્યો હતો. રામચંદ્ર પોતાનું જ કોઈ નાટક સંપૂર્ણ કરવામાં તલ્લીન હતો. આભડ શ્રેષ્ઠીનો અવાજ પકડ્યો. શ્રેષ્ઠી કહી રહ્યા હતા: ‘રાજલક્ષ્મી, મહારાજ! નિજકુલ વિના પાંગરતી નથી. પછી તો પ્રભુને જે રુચે તે!’

બાલચંદ્ર એકકાન થઇ ગયો. રાજવારસની જ કોઈ વાત ચાલી રહી હોય તેમ લાગ્યું. 

‘નિજકુલ-પરકુલ એ વસ્તુ જવા દો, શ્રેષ્ઠીજી! રાજલક્ષ્મી પહેલું તો માંગે સ્વસ્થ મન. એ કોની પાસે છે? અજયપાલ પાસે? ના, પ્રતાપમલ્લ પાસે એ છે. અને સ્વસ્થ મન એ કાંઈ જેવુંતેવું વીરત્વ નથી!’

‘હા! રામચંદ્રને ગુરુપદે સ્થાપવાની ડોસાની આ તૈયારી! વિદ્યા મળી છે. પણ મારું-તારું ગયું છે?’ બાલચંદ્રના દિલમાં પ્રત્યાઘાત ઊઠ્યો. એટલામાં મહારાજ પોતે બોલ્યા: ‘પણ પ્રતાપમલ્લને હું ઓળખું છું, પ્રભુ! એના જેવો શાંત, સ્વસ્થ અને સમર્થ કોઈ જ નથી એ ખરું, પણ એ ઘર્ષણથી આઘો જ ભાગશે! ઘર્ષણના સંભવમાં એ આગળ પગ જ નહિ માંડે ને! એને જરાક સનસા આવે કે આ વાત ઘર્ષણ કરી જાશે તો એ રાજગાદી તરફ પગ નહિ માંડે. મહારાજ ક્ષેમરાજનો વારસો એની પાસે આવ્યો છે!’ 

‘ક્ષેમરાજનો વારસો તમે કહ્યો?’

‘હા, પ્રભુ! એણે એક વખત તો મને એ બતાવી પણ દીધો છે!’

‘શી રીતે?’

‘ગદગદ કંઠે એક વખત એણે કહ્યું: ‘નાના! હું તમારી પ્રીતિ જાણું છું, પણ મને કોઈ પાટણનો સેનાપતિ બનાવે, દુર્ગપાલ બનાવે, પાટણનો રક્ષણભાર વહેતાં હું જાતસમર્પણ કરી શકું એટલો અધિકાર આપે, એવું કાંઈક મારે માટે કરતાં જજો. બસ, એથી વિશેષ કાંઈ મારે ન જોઈએ! ઘર્ષણ ઊભું થાય એવી હવા તો મને તરત ગૂંગળાવી દે, નાના!’

આચાર્ય શાંતિથી સાંભળી રહ્યા, પછી ધીમેથી બોલ્યા: ‘મહારાજ! ત્યારે તો પાટણનો વૈભવ ને ધર્મસમાનતા એ બંને રહેશે – જો આ પ્રતાપમલ્લ રાજગાદી ઉપર આવશે તો. આ સાંભળ્યા પછી તો એ આવે એ જ યોગ્ય છે. અજયપાલ એક તરફ ધસી જશે. એનું પરિણામ પાટણની પડતીમાં આવશે. મને તો આમ લાગે છે. મહારાજને ગમે તે પસંદ કરે!’

‘તો-તો પ્રતાપમલ્લને રાજગાદી સોંપાય: બીજાને નહિ!’

‘હું તો એમ માનું છું. શ્રેષ્ઠીજી! તમે?’

‘મેં તો કહ્યું તે કહ્યું, પ્રભુ! મારો અનુભવ મેં કહ્યો. નિજકુલ વિના લક્ષ્મી રહે નહિ. વ્યવહાર પણ એ જ છે. લોક પણ એમ જ રુચિ બતાવવાનાં.’

‘પણ આ વાત હમણાં તો આંહીં જ દાટો. સોમનાથ-મહોત્સવ-પ્રસંગે આ વાત જાહેર કરી દેવી, એટલે લોકનાં મન ભવિષ્યના રાજાનો, સત્કાર કરવા તૈયાર જ થઇ જાય... આમ મારો વિચાર છે!’

‘પણ ત્યાં અજયપાલ આવ્યા નહિ હોય?’

‘આવ્યો હશે તો જોઈ લેવાશે! આવ્યો હોય તો વધારે સારું. એની મૂંગી અનુમતિ મળી છે એમ ગણાશે!’

કોઈક આવતું લાગ્યું, વાત તરત અટકી ગઈ. રામચંદ્ર ગુરુજીને શોધતો આવી રહ્યો હતો. બાલચંદ્ર ધીમેથી સરકવાની તૈયારી કરી રહ્યો, પણ રામચંદ્રનો બોલ પકડવા થોભી ગયો. 

‘મહારાજ! અર્ણોરાજજી આવ્યા છે.કાંચનદેવીબા અને સોમેશ્વર સોમનાથ જવા ઊપડે છે. મહારાજની રજા માગવા તેમણે ગજરાજને ત્યાં થંભાવ્યો છે.’

સૌને ઊભા થતાં જોયા ને બાલચંદ્ર સરકી ગયો. કોઈએ કાંઈ જાણ્યું નહિ, પણ વિધિની અખંડ રમતનો એક મહત્વનો દાવ રમાઈ ગયો હતો.