રાજર્ષિ કુમારપાલ - 36 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 36

૩૬

સોમનાથનો શિલ્પી!

ભાવ બૃહસ્પતિ ને વાગ્ભટ્ટ બંને સોમનાથ મંદિરની ભવ્ય રચનાને ઉતાવળે આગળ ધપાવી રહ્યા હતા. લોકમાં તો એ ઘોષને અજબ પ્રોત્સાહન આણ્યું હતું. ભારતભરમાંથી રાજવંશી પુરુષો, ભેટ લઇ-લઇને ધરવા માટે આવી રહ્યા!

હૈહયની તો રાજકુમારી પોતે જ સોનાનાં કમળ લઈને આવી હતી. શિવચિત્ત પરમર્દીએ છેક ગોપકપટ્ટનથી ચંદન મોકલ્યું હતું. સોમનાથ તરફ જનારા માણસોનો એક અવિચ્છીન પ્રવાહ શરુ થયો હતો. મહારાજ કુમારપાલનો વિજયઘોષ ગવાઈ રહ્યો. પાટણમાં અજબની શાંતિ થઇ ગઈ. ગુરુ હેમચંદ્રાચાર્યનો આત્મા પ્રસન્ન-પ્રસન્ન થઇ ગયો. હરેક પ્રકારનું ઘર્ષણ એમના મનથી એમણે ટાળી દીધું હતું. હવે તો કેવળ અજયપાલનું ધ્યાન રાખવામાં આવે તો પાટણનો ઉત્કર્ષ હજી પણ થવાનો હતો. હજી એ નવું શૃંગ નિહાળે એવી શક્યતા હતી!

પણ પાટણનગરીની સંસ્કારિતા અદ્ભુત હતી. સોમનાથમાં કામ શરુ થઇ ગયું હતું. વહાણો ભરાઈ-ભરાઈને પથ્થર આવવા માંડ્યા હતા. ધારાવર્ષદેવે મોકલાવેલો દૂધિયો આરસ જોઇને તો સૌ છક થઇ ગયા હતા. પણ આ – આ તો પાટણનગરી! એક જ સવાલ પૂછે: ‘સોમનાથનો શિલ્પી કોણ? શિલ્પી વિના શિવમંદિર કેવું?’ નગરીમાં એ સંસ્કાર હતો – મહાન યોજના કરતાં મહાન વ્યક્તિને બહુ મહત્વનો ગણવાનો. એટલે એ પ્રશ્ન પૂછાતો જ રહ્યો હતો: ‘કોઈ શિલ્પી આવ્યો? સોમનાથનો શિલ્પી આવ્યો?’

અને બધા પ્રશ્નોનો પ્રશ્ન એ થઇ પડ્યો. મહારાજની ઘોષણાના પ્રત્યુત્તરમાં કોઈ શિલ્પી આવ્યો કે નહિ?

પાટણમાં તો શિલ્પી હીરાધરની પરંપરા જાગ્રત હતી. મહારાજે તપાસ કરાવરાવી, પણ હીરાધરની ખડકીએ સ્તંભતીર્થનું તાળું હતું! રુદ્રમાળના એકબે વૃદ્ધ શિલ્પી હતા, પણ તેઓ હવે એટલા અશક્ત થઇ ગયા હતા કે એમને મુસાફરી કરાવવામાં પણ જોખમ જેવું હતું!

કોઈ મહાન શિલ્પી હજી આગળ આવતો નથી એ જોઇને નગરીમાં જરાક નિરાશા છવાવા માંડી.

સાધન-સામગ્રીઓનો જે અવિચ્છીન પ્રવાહ તમામ ઠેકાણેથી આવી રહ્યો હતો એ જોવા લોકોનાં ટોળાં ભેગાં થતાં હતાં. પણ મહાન ગજરાજ ઉપર બેસીને સોમનાથનિર્માણનું સ્વપ્ન લઈને આવેલો કોઈ મહાન શિલ્પી – કલાકાર હજી ત્યાં દેખાતો ન હતો. કલાકાર સૌથી પ્રથમ અને પછી બીજું બધું, એ સંસ્કારિતા પટ્ટણીઓમાં ઘર કરી રહી હતી. એટલે તેઓ માનતા રહ્યા કે કલાકાર વિના મહાન શિલ્પ હોય જ નહિ!

વાગ્ભટ્ટે પણ ઠેકાણે-ઠેકાણે માણસો મોકલીને કોઈ મહાન શિલ્પીની શોધ કરવા માંડી હતી; પણ જાણે કે મહાન પુરુષોનો જમાનો પૂરો થયો હોય તેમ ક્યાંયથી કોઈ આવતો દેખાયો નહિ. સમુદ્રના નિત્યતરંગોની વજ્જર-થપાટને વજ્ર-હ્રદયથી ઝીલી શકે અને છતાં જેની અવર્ણીય સુંદરતા અખંડ રહે એવી મંદિરરચનાના કલાકૌશલ્યનો સ્વામી હજી નજરે ચડ્યો નહિ. મહાન શિલ્પી વિના મહાન શિલ્પ થાય એ વાતને પટ્ટણીઓએ તો હસી જ કાઢી!

ચંદ્રાવતી, શાકંભરી, ચેદિ, કચ્છ, કોંકણ, સ્તંભતીર્થ, આનંદપુર, ગોપકપટ્ટન – ખબર તો બધે કઢાવ્યા, પણ સમુદ્રના ભયંકર તરંગોને વશ કરી દે એવી સિદ્ધિનો કોઈ સ્વામી ક્યાંય ન હતો. શિલ્પીઓ હતા, મૂર્તિકારો હતા, મંદિર રચનારાઓ હતા, પણ મહાન જલનિધિ, મંદિરની શોભાને નિહાળવા આવેલો એક નાનકડો સાગરમાત્ર હોય અને મંદિર જ ભવ્યતાની અવધિ બતાવે એવી રચના ત્યાં કરવી એ કાંઈ જેવી-તેવી વાત ન હતી. અનેક આવ્યા, પણ જે એકની રાહ જોવાતી હતી તે એક હજી આવ્યો ન હતો. સમય વહેવા માંડ્યો. રુદ્રમાળની અનુપમ સ્તંભાવલિમાં જેણે દીપબાલાઓને મૂકીને પથ્થરની મૂર્તિઓમાંથી તાલબદ્ધ નૃત્ય ઊભું કર્યું હતું એ મહાન શિલ્પી સારંગધરનો કોઈ વારસ હોય તો એની તપાસ કરી. કોઈ ન હતો.

પણ પછી એક દિવસ અચાનક સમાચાર આવ્યા. નાયિકાદેવી અને યુવરાજ અજયપાલ એ બંને આવી રહ્યાં છે. એમની સાથે એક મહાન શિલ્પી પણ આવે છે. ભગવાન સોમનાથના અભિનવ મંદિરની વાત સાંભળીને હવે તેઓ આવી રહ્યાં હતાં.

અજયપાલ શાંત બની રહે એ તો મહારાજની ઈચ્છા હતી જ, પણ અજયપાલના અંતરમાં તો શંકા જ હતી. સોમનાથભક્તિથી પ્રેરાઈ અને લોકમાં પણ વાત ન થાય કે સોમનાથ-મહોત્સવ-પ્રસંગે પોતે દેખાયો નહિ, એટલા માટે એ આવી રહ્યો હતો અને એની સાથે મહાન શિલ્પી આવતો હતો. 

એણે સત્કાર કરવા નગર બહાર નાનીસરખી મંડળી રાહ જોતી ઊભી રહી ગઈ હતી. 

ગજરાજ દેખાયો ને ભગવાન સોમનાથની વિજયઘોષણાએ આકાશ ગજવી મૂક્યું. ગુરુજી, મહારાજ પોતે, રાણી ભોપલદે, પ્રતાપમલ્લ, સોમેશ્વર, દુર્ગપતિ ત્રિલોચન, અર્ણોરાજ – બધા અજયપાલને આવતો જોઈ રહ્યા. એમના મનથી પાટણનું વાતાવરણ વધારે સ્વચ્છ બનતું હતું. 

એમનો ગજરાજ આવીને ઊભો રહ્યો. ઉપરથી નાયિકાદેવી પોતે પહેલાં ઉતરી. અજયપાલ આવ્યો. એની સાથે પેલો શિલ્પી જણાતો હતો. મહારાજને બંને નમી રહ્યાં. પણ સૌની દ્રષ્ટિ એમની સાથેના પેલાં રૂપાળા જુવાન શિલ્પી ઉપર સ્થિર થઇ ગઈ હતી. જાણે કોઈ કંડારેલી મૂર્તિ હોય એવો એ રૂપભર્યો જુવાન કોણ હોઈ શકે એ વિશે બધાએ અનુમાન કરવાં શરુ કર્યા. એની આંખમાં અજબની મોહકતા બેઠી હતી. એ એના સ્વપ્નની છાયા હતી કે એના વ્યક્તિત્વનું તેજ હતું એ એકદમ કહી ન શકાય તેવો કોયડો હતો. પરંતુ ગમે તેમ, હજારો માણસોમાંથી એ એક જુદો તરી આવતો હતો. 

ત્યાં નાયિકાદેવીએ જ કહ્યું: ‘અર્ણોરાજજી! મહારાજને આ જુવાન શિલ્પી મળવા માગે છે. એની પાસે એક મનોહર સ્વપ્ન છે. જલધિજલના તરંગો ભલે રાતદિવસ અફળાયા કરે, પણ કાંકરી એક ન ખરે ને રૂપ જોઇને તો દેવગણ પણ મોહી પડે એવું ભવ્ય મંદિર એના હ્રદયમાં બેઠું છે. ભગવાન સોમનાથનું મંદિર ઊભું થાય છે એ સાંભળીને તેઓ રહી ન શક્યા એટલે દોડતા આવ્યા છે!’

‘પણ એ છે કોણ? એનું નામ શું?’

'એનું નામ વિંધ્યદેવ!’

‘ક્યાંના છે?’ મહારાજે પૂછ્યું. 

નાયિકાદેવી એક પણ બોલતાં પહેલાં થંભી ગઈ. તે બોલવું કે ન બોલવું એ વિચારમાં પડી ગઈ: પછી તેણે ધીમેથી કહ્યું: ‘કાકાજી! શિલ્પી હીરાધરની પરંપરા જાળવનાર આ જુવાનને પિતાજીએ પોતે દક્ષિણ સમુદ્રને કિનારેથી આંહીં વહાણમાં એકદમ મોકલ્યા હતા. તેઓ ત્યાં આવ્યા. એમની પાસે શિલ્પી હીરાધરની અસલી પરંપરા છે!’

અંત:કરણ ઉપર ભાર પડ્યો હોય તેમ બે પળ વાતાવરણ ગંભીર થઇ ગયું. હીરાધર શિલ્પીની પરંપરાને ગુજરાતની બહારથી શોધીને આંહીં લાવવી પડી એ વસ્તુ આવતાં મહારાજનું માથું નીચું નમી ગયું. મહારાજે પોતે વિંધ્યદેવને બે હાથ જોડીને નમન કર્યું: ‘વિંધ્યદેવજી! અમે તમને જ શોધી રહ્યા હતા. અમે  તપાસ ઘણી કરી, પણ તમારે ઘેર સ્તંભતીર્થનું તાળું લટકતું હતું!’

વિંધ્યદેવ નીચું જોઈ રહ્યો. કાંઈ બોલ્યો નહિ. એના મનમાં કેટલો ભાર હશે એ વિચાર આવતાં એક પળભર વાતાવરણ ગંભીર થઇ ગયું. ગુરુ હેમચંદ્રાચાર્ય પોતે એકબે ડગલાં આગળ વધ્યા. તેમણે વિંધ્યદેવના ખભા ઉપર પ્રેમભર્યો હાથ મૂક્યો: ‘શિલ્પીજી! આજ ગુર્જરદેશ તમારી પાસે માંગે છે અને ગુજરાત તરફથી હું ભગવાન સોમનાથ માટે પોતે યાચના કરું છું: બધું વીસરી જઈને, એક અદ્ભુત વીરગાથા ત્યાં ભગવાનના મંદિરમાં, શિલ્પીજી! ઊભી કરો! જુગજુગ જાય, પણ એને નામે પ્રજા ફરી-ફરીને બેઠી થાય એવી અનુપમ વીરવાણી તમે ત્યાં મૂકો. મંદિર હશે, તો વિંધ્યદેવ! દેશની અખૂટ શ્રદ્ધા હશે! હજારો આવશે ને જશે, પણ મંદિર હશે તો પ્રજાની રાખમાંથી પ્રજા ઊભી થાશે! તમે એવું મંદિર ઊભું કરી દો, શિલ્પીજી! કે જેને જોતા જલધિજલ થાકે નહિ, માણસો થાકે નહિ, દેવગણ થાકે નહિ!’

વિંધ્યદેવે પહેલી વખત ઊંચું જોયું. એના મનમાં જે સ્વપ્ન હતું તેની આંખમાં બેઠેલું જોઈ આચાર્યનો કવિઆત્મા ડોલી ગયો. કોઈ અદ્ભુત માણસ હાથ આવી ગયો હતો એની એમને ખાતરી થઇ ગઈ. તેમણે મહારાજના કાનમાં ધીમેથી કહ્યું: ‘મહારાજ! આને તમે મૂલવશો શી રીતે?’

‘સુવર્ણરજથી...’ મહારાજે ધીમેથી કહ્યું.

તેમની વચ્ચેની વાત પામી ગયો હોય તેમ વિંધ્યદેવ પહેલી જ વખત બોલ્યો. તેનો અવાજ શાંત, સ્પષ્ટ, અત્યંત વિનમ્ર પણ કરુણ ઘનતાભર્યો હતો: ‘પ્રભુ! હું તો એમ આવ્યો છું કે મંદિર ભગવાન સોમનાથનું ગુર્જરદેશ ઊભું કરે ને હીરાધર શિલ્પીની કોઈ પરંપરા ત્યાં હાજર ન હોય તો એ લાંછન વંશપરંપરા ચાલ્યું આવે. હું એટલે દોડતો આવ્યો છું. ગોપકપટ્ટન મહારાજ શિવચિત્તની સોમનાથભક્તિએ મને ત્યાંથી આંહીં, દોડતા આવવાની સગવડ કરી દીધી. યુવરાજ્ઞીબાને મારી વાત મેં કહી છે, પ્રભુ!’

મહારાજ સચિંત થઇ ગયા. શિલ્પી એવું મૂલ્યાંકન મૂકે કે એવી કોઈ વાતનો ઉદ્દેશ કરે કે જે ભારે પડી જાય. તો હાથ આવેલું રત્ન ચાલ્યું જાય. મહારાજે ઉતાવળે પૂછ્યું: ‘શિલ્પીજી! તમે જ કહો ને, અમારે તમારું મૂલ્યાંકન શી રીતે કરવાનું છે? વિમલ મંત્રીરાજે સુવર્ણરજથી મૂલ્યાંકન કરવાની પરંપરા બાંધી છે. અમે એને વળગી રહીશું, શિલ્પીજી!’

વિંધ્યદેવના મોં ઉપર જલરેખા જેવું એક સ્મિત આવીને ચાલ્યું ગયું. તેણે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! અમારે માટે એ પથ્થર પણ નથી! પથ્થર કરતાં એ વધે નહિ, એટલે એનું કાંઈ મહત્વ નથી!’ 

‘આહા! ત્યારે તો ચોક્કસ આ કોઈ એવી વાતનો નિર્દેશ હવે મૂકશે, જે મૂકવાનું આપણાથી બને જ નહિ.’ મહારાજના મનમાં વ્યગ્રતા ઊભી થઇ ગઈ. અને સાથેસાથે અજયપાલનું આ પણ એક કુનેહભરેલું પગલું લાગ્યું. તેમણે ગુરુજી સામે જોયું. ગુરુજીને તો આ શિલ્પી પાસે વિમલાચલના મંદિરો ઊભાં કરાવવા જેવું લાગ્યું હતું. એમણે શિલ્પીને ફરીને નીરખ્યો. એટલામાં શિલ્પી જ બોલ્યો: ‘પ્રભુ! આ ભગવાન સોમનાથનું મંદિર એવું બંધાશે, જેની એક કાંકરી સમુદ્રજળથી જુગજુગ જાય પણ નહિ ખરે. પણ હું શિલ્પી હીરાધરની પરંપરાને જાળવનારો રંક માણસ છું. તમારી સુવર્ણરજને હું ક્યાં સંઘરું? હું તો એક નાનકડી માગણી કરું છું. ત્યાં મંદિરમાં દેવો હશે, યક્ષો હશે, કિન્નરો હશે, ગંધર્વો હશે, અપ્સરાઓ હશે, પણ ત્યાં પૃથ્વીનો કોઈ જીવંત માણસ નહિ હોય. મંદિરમાં મૂકવા જેવી અમરતા કોઈક જ માનવીને ભાગ્યે આવે છે! એવો કોઈ માનવી મારા સ્વપ્નમાં આવ્યો નથી. એટલે હું કોને મૂકું? માત્ર એક જ માનવીને આ યક્ષો વચ્ચે, કિન્નરો વચ્ચે ગંધર્વો વચ્ચે, દેવતાઓ વચ્ચે હું મૂકીશ અને તે...’

મહારાજ અદ્ધર જીવે સાંભળી રહ્યા. એમને ડર લાગ્યો: મહારાણી ચૌલાદેવીને ત્યાં મૂકવાનું ક્યાંક આ કહી નાખે નહિ! ક્યાંક સતી રાણકનું નામ આપે નહિ! વખતે ખેંગારને લાવશે! સિદ્ધરાજ મહારાજની એવી અવગણના તો લોક તરત પકડી લે. આચાર્ય હેમચંદ્રને પણ એ જ લાગ્યું.

વિધ્યદેવ બોલતો સંભળાયો: ‘પ્રભુ! સોમનાથના પૂજારીના જે જુવાન છોકરાએ પોતાની જાત અર્પણ કરી, ધગધગતી સિંધરેતીમાં જીવતી સમાધિ લીધી, પણ ગર્જનકોને એક વખત તો વૈરની ભીષણતા બતાવી – પાણીપાણી પોકારતા સેંકડોને હણાવી નાંખ્યા – પૂજારીનો એ જુવાન છોકરો નીલકંઠ – એની એકની પ્રતિમા મારા ટાંકણામાંથી ત્યાં મૂકાશે, બીજા કોઈની નહિ. એ એક પ્રતિમા ત્યાં રહેશે – યક્ષો સાથે, કિન્નરો સાથે, દેવતાઓ સાથે. માનવીની એ એક જ પ્રતિકૃતિ ત્યાં મંદિરમાં હશે – મંદિરના અહોનિશના દ્વારપાલ તરીકે; બીજો કોઈ જ જીવંત કે જીવી ગયેલો માનવી મારું ટાંકણું ત્યાં નહિ આપે, મહારાજ! જીવતી સમાધિ એટલે શું એ હું જાણું છું!’ બોલીને વિંધ્યદેવ ગંભીર થઇ ગયો. તે કાંઈક સંભારતો હોય તેમ પૃથ્વી ભણી નિહાળી રહ્યો. ધીમો, શાંત, ધરતીના પેટાળમાંથી આવતો હોય તેવો અવાજ આવ્યો: ‘જીવતી સમાધિ કરતાં વધારે કરુણ કાંઈ નથી, મહારાજ! હું એ જાણું છું. હું ભગવાન સોમનાથના મંદિરનું નિર્માણ કરું. મહારાજને રુચે તો મને આજ્ઞા આપે. ન રુચે તો અનેક મંદિરો મારી રાહ જુએ છે! હું જાઉં!’

‘શિલ્પીની વાત બરાબર છે, કાકાજી!’ નાયિકાદેવીએ ઉતાવળે જ કહ્યું: ‘આપણે એકલા ભગવાન શંકરને જાણીશું ને રુદ્રને તો ઓળખીશું પણ નહિ ત્યારે તો આવ્યા હતા એવા ગર્જનકો આપણને પીંખી નાખશે. આટલો સંદેશો દેવા માટે પણ વિંધ્યદેવજીનો નીલકંઠ ભલે ત્યાં રાતદિવસ સોમનાથ સમુદ્રને નિહાળતો ઊભો!’

મહારાજ અંતરમાં ઊંડા ઊતરી ગયા. એટલામાં હેમચંદ્રાચાર્ય બોલ્યા: ‘શિલ્પીજી! ભગવાન સોમનાથનો જય હો!’

‘સોમનાથ ભગવાનનો જય હો!’ પાસે ઊભેલી મેદનીએ ઘોષણા ઉપાડી લીધી.

મહારાજે ગુરુદેવ સામે જોયું. તેઓ હતા તેટલા જ શાંત, સ્વસ્થ પ્રસન્ન હતા. 

પછી એક દિવસ આખી પાટણનગરી મહાન શિલ્પી વિંધ્યદેવની સોમનાથ પ્રતિ જતી ગજસવારી જોવા ઊમટી!

શિલ્પીને લઇ જતી ગજસવારીમાં કોણ સાથે જાય એ પણ નક્કી થયું. સોમેશ્વર ચૌહાણ જવાનો હતો. એની સાથે કંચનબા જવાનાં હતાં. સાથે વિંધ્યદેવ હતો. કાકભટ્ટને મહારાજે આજ્ઞા કરી હતી, એટલે એમની જોડે એ પણ જઈ રહ્યો હતો.