૩૧
બીજ વવાયું
વેડફાઈ ગયેલી મહત્વાકાંક્ષામાં મહાફણાધરનું વિષ રહે છે. નીલમણિને એક વખત સ્વપ્ન હતું ગુજરાતની મહારાણી બનવાનું. પણ કૃષ્ણદેવનું પતન થયું એ એટલું વિધ્યુદ્વેગી, ભયંકર ને માનહાનિ નીપજાવનારુ હતું કે નીલમણિ પછી તો જાણે તરત અદ્રશ્ય જ થઇ ગઈ. એણે જોયું કે કુમારપાલની સામે ઊભો રહી શકે એવો શક્તિમાન કોઈ છે જ નહિ. એ પોતે ડાહપણભરેલી રીતે એકાંતવાસી થઇ ગઈ. એ વાત ઉપર વર્ષોનો અંધારપછેડો પડી ગયો.
હમણાં એણે કર્ણોપકર્ણ ચર્ચા થતી સાંભળી: મહારાજ કુમારપાલનો એક સમર્થ પ્રતિસ્પર્ધી જાગ્યો છે – અજયપાલ! એ તો એટલે સુધી માનતો કે ખરી રીતે અત્યારે જ રાજ ઉપર મહારાજ કુમારપાલને બદલે એ હોવો જોઈએ. મહીપાલના કુદરતી હકને લોપવાનું કામ કેવળ કૃષ્ણદેવની જુક્તિથી શક્ય બન્યું હતું. નીલમણિએ આ સાંભળ્યું. એની સૂતેલી વૈરવૃત્તિ જાગી. એને એક વખત ફરીથી કાંઈ ન બને તોપણ કૃષ્ણદેવનું વૈર લેવાનું મન થઇ આવ્યું. તે સચેત થઇ. આમ્રભટ્ટનો સત્કાર થતો જોયો. એણે આણેલી સમૃદ્ધિની કાલ્પનિક વાતો સાંભળી. શૃંગારકોટિ સદી જોવા પાટણની નારીઓમાં થતી ચર્ચા એને કાને આવી. એની કૂતુહલવૃત્તિ જાગૃત થઇ. રાજનર્તિકા તરીકે એની પ્રતિષ્ઠા હજી વીસરાઈ ગઈ ન હતી. તે બહાર નીકળી. હિંમતભેર રાજદ્વારે ગઈ. દ્વારપાલ વિજ્જ્લદેવ પાસેથી એણે માર્ગ કરી લીધો.
એને ત્યાં જોઇને પહેલાં તો સૌને આશ્ચર્ય થયું હતું. પણ શૃંગારકોટિ સાડીની વાત કુદરતી લાગવાથી એ શમી ગયું. પણ નીલમણિ પાછી ફરી ત્યારે એના કાને વિષહર છીપની જરાક વાત પડી ગઈ હતી. એ એના મનમાં એક મોટી વિષવૃક્ષ ઉછેરી રહી હતી. એને થતું હતું: આ વિષહર છીપ ઉપાડી લીધી હોય ને રાજાને ઝેર આપ્યું હોય!
એના મનનો વૈરાગ્નિ સતેજ થઈને આટલાં બધાં વર્ષોની પોતાની નિંદ્રાને હવે ધિક્કારી રહ્યો હતો!
હવે એને ઉતાવળ કરવી હતી. હવે એને બધાં વર્ષોનું વેર એક જ દિવસમાં લેવું હતું. એ પછી ફરી ત્યારે જરાક વધારે રસિકતાથી ચાલી રહી હતી. ‘હં-હં, વિજ્જ્લદેવજી! તમે છો, કાં? મેં કીધું, શોભનદેવ ઊભા છે!’
‘અમે શું ખોટા છીએ! જવા તો અમે દીધાં હતાં!’ વિજ્જ્લદેવ બોલ્યો. એને નીલમણિની વાણીમાં જરાક આશા જેવું જણાતું હતું.
‘ખોટા-સાચાનું ક્યાં? પણ લ્યો, જુઓ આ આવ્યા.. મુનિજી!’
બાલચંદ્ર કાંઈક કામે બહાર જઈ રહ્યો હતો. તેણે નીલમણિને દીઠી. પણ એની સામે નજર નાખ્યા વિના એ આગળ ચાલ્યો.
‘મુનિ મહારાજજી!’ નીલમણિએ જ એને બોલાવ્યો: ‘અપરાધ ક્ષમા કરજો, પણ આ સાડી પહેરે કોણ – એક કોટિની? રાણી ભોપલદેને તો હવે ન શોભે! ને રાજરાજ્ઞી – બીજું તો કોણ છે?’
‘એ માનવી માટે છે નહિ’ બાલચંદ્રે ઉપેક્ષાથી આપતો હોય તેમ પ્રત્યુત્તર આપ્યો ને તે ચાલતો થયો.
પણ નીલમણિએ હજારો મોં નિહાળ્યાં હતાં, તેમ પગ પણ જોયા હતા. બાલચંદ્રના ધીમા પડતા પગ – એના મગજની વાત કહી જતા હતા.
તે ઉતાવળે એની પાછળ જ ચાલી: ‘મુનિ મહારાજજી!’ તેણે થોડે આઘે જતા જ બાલચંદ્રને પકડી પાડ્યો: ‘અમને સ્ત્રીજાતને ભગવાને બહુ જ અધીરી કૌતુકપ્રિયતા આપી છે. આ બધું હવે તો સાચવવું ભારે પડશે!’
‘સંગ્રહ તમામ દુઃખ આપે!’ બાલચંદ્રે પોથીનું ગોખેલું એક વાક્ય કહ્યું.
‘સોનું, રૂપું, રત્ન, માણેક જળવાય, મહારાજજી! પણ આ – આ તો અમૂલખ ચીજ – વિષહર છીપ... એ તો તમે જોઈ પણ નહિ... તમે જોઈ?’
બાલચંદ્ર કુતૂહલથી એની સામે જોઈ રહ્યો. તે ધીમેથી બોલ્યો: ‘એ તો દપટાઈ પણ ગઈ!’
‘મહારાજના જ શયનખંડમાં, કાં? એટલે કોઈકને હાથ ન પડે...’
‘ત્યાંથી પણ એ પગ કરી જાશે. કપર્દિકજી એ સંભાળી લેવાના – ભાંડારિકજી. ત્યારે એ સચવાશે...’
‘હા...’
પણ નીલમણિ પોતાના તાનમાં ચડી ગઈ હતી. બાલચંદ્ર ક્યારે પાસેથી સરી ગયો તેનું તેને ધ્યાન રહ્યું નહિ. તે પોતાની વિચારનિંદ્રામાંથી જાગી ત્યારે બાલચંદ્ર ત્યાં હતો નહિ. એણે એને દૂરદૂર જતો જોયો. પણ એ તો પ્રતિહાર કરી રહી હતી: ‘એણે કહ્યું “ભાંડારિકજી”, કાં? ત્યારે તો પ્રતિહાર વિજ્જ્લદેવને સાધવો રહ્યો. મારી પાસે શૃંગારકોટિ સદી તો નથી... પણ... એક છે... લક્ષ દ્રમ્મનું એનું મૂલ્ય છે. ભલે બિચારો પ્રતિહાર એ જોતો...’
નીલમણિના હ્રદયનો વિષધર હવે પૂરેપૂરો જાગી ગયો હતો. તેણે નિશ્ચય કર્યો હતો: કૃષ્ણદેવનું વૈર હવે લેવું જોઈએ. એને બર્બરકની વાત સાંભરી આવી. એણે રાજાને શસ્ત્રથી નહિ, વિષથી હણી નાખવાનો નિશ્ચય કરી લીધો. વિષહર છીપ ઉઠાવી લેવી, અજયપાલને જ સોંપાવી દેવી અને પછી...?
તેણે અચાનક પાછા ફરીને જોયું. એના વિચાર એને એટલા તાદ્રશ ને મૂર્તિમંત જણાતાં હતા કે કોઈક જાણે એનાં સ્વરૂપોને નિહાળી રહ્યું હોય એવો એને ભાસ થયો.
પાછળ જોતાં જ એ આશ્ચર્યથી થંભી ગઈ: ભાંડારિક અને અર્ણોરાજ કી વિશ્રમ્ભવાર્તા કરતાં આવી રહ્યા હતા.