રાજર્ષિ કુમારપાલ - 30 Dhumketu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજર્ષિ કુમારપાલ - 30

૩૦

વિષહર છીપ!

હૈહય રાજકુમારી કર્પૂરદેવી પરબારી સોમનાથને પંથે ભાવ બૃહસ્પતિને મળવા ઊપડી ગઈ હતી. એ સંદેશો થોડી વાર પછી આવ્યો. આમ્રભટ્ટ કોંકણવિજય કરીને આવી રહ્યો હતો, એ વખતે ચેદિની રાજકુમારીની આંહીંની હાજરી રાજદ્વારી પુરુષોને આંખમાં કણાની પેઠે ખટકવાનો પણ સંભવ હતો. આ સમાચાર આવતાં સૌએ છુટકારાનો દમ લીધો. 

આમ્રભટ્ટનો કોંકણવિજય એ ગુજરાત માટે જેવોતેવો મહત્વનો પ્રશ્ન ન હતો. હંમેશને માટે એ તરફથી ચડાઈનો ભય રહેતો, પણ મલ્લિકાર્જુનને આમ્રભટ્ટે હણી નાખ્યો, એટલે એ વાત તાત્કાલિક શાંત થઇ ગઈ. 

આમ્રભટ્ટ આવ્યો. ધારાવર્ષદેવના પરાક્રમની મહારાજને એણે જાણ કરી. સોમેશ્વર ચૌહાણે મહારાજ જયસિંહદેવના દૌહિત્રનું નામ યશસ્વી કર્યું હતું. મહારાજ કુમારપાલે એ ત્રણેનું બહુમાન કર્યું.

પછી કોંકણથી આવેલી અમૂલખ ચીજો રાજમહાલયમાં દેખાડવાનો ઉત્સવ યોજાયો. 

એક ચીજ જોઓએ ને બીજી ભૂલે – એવી અમૂલ્ય ચીજો ત્યાં આવવા માંડી. 

મહારાજ કુમારપાલ, મંત્રીઓ, ગુરુ હેમચંદ્ર, બાલચંદ્ર, રામચંદ્ર, સામંતો, રાજરાણીઓ – સૌ ત્યાં બેઠાં હતાં.

આમ્રભટ્ટ ત્યાં આવ્યો. એણે મહારાજને પ્રણામ કર્યા. સુવર્ણના બત્રીશ કુંભ ત્યાં મુકાયા.

સૌ ચકિત થઈને જોઈ રહ્યા હતા. આમ્રભટ્ટ એક પછી એક નવી-નવી વસ્તુઓ પ્રગટ કરી રહ્યો હતો. 

‘બહુ પ્રાચીન સમયના લાગે છે, આમ્રભટ્ટ!’ રાજાએ કહ્યું, ‘ભગવાન સોમનાથના બત્રીશ કળશ આવી ગયા એમ સમજવું!’

‘અને એક આ છે, મહારાજ!’ આમ્રભટ્ટે શ્રીપુંજ નામનો હીરાનો હાર કાઢ્યો. પૃથ્વી ઉપર એ મુકાયો ને એટલી ધરતી પ્રકાશમય થઇ ગઈ. રાજાએ નગરના ઝવેરીઓને બોલાવવા તરત માણસ મોકલ્યા.

એટલામાં આભડ શ્રેષ્ઠી જ આવ્યો. મહારાજે એને શ્રીપુંજનું મૂલ્યાંકન કરવાનું કહ્યું. 

શ્રેષ્ઠીએ હાર હાથમાં લીધો. કેટલીયે વાર સુધી તેની સામે જોઈ રહ્યો. શ્રેષ્ઠીનો શબ્દ સાંભળવા સૌ એકકાન થઇ ગયા હતા. એટલામાં શ્રેષ્ઠીએ કહ્યું: ‘મહારાજ! આનું મૂલ્યાંકન...ગુરુજીના એક શબ્દ જેટલું!’

સૌ નવાઈ પામ્યા. હાર રૂપાળો દેખાતો હતો! ને ખોટો હતો કે શું?

હેમચંદ્રાચાર્યે આભડ શ્રેષ્ઠી સામે જોયું: ‘શ્રેષ્ઠીજી! મહારાજે તમને દ્રમ્મમાં મૂલ્યાંકન પૂછ્યું છે. કહો... નહિતર પછી હું કહું!’ 

આશ્ચર્યનું આશ્ચર્ય આ હતું, ગુરુ હેમચંદ્ર રત્નો વિશે પણ જાણતાં હતા કે શું? મહારાજ કુમારપાલ તેમની સામે જોઈ રહ્યા.

આભડ શ્રેષ્ઠી બોલ્યો: ‘મહારાજ! આ હારનું મૂલ્યાંકન ગુરુદેવ હેમચંદ્રાચાર્યના એક શબ્દ જેટલું. મેં એટલા માટે કહ્યું કે આના હીરા એ હીરા નથી!...’

‘હેં! ખરેખર? ત્યારે?’ આમ્રભટ્ટે ઉતાવળે પૂછ્યું. 

આભડ હસી પડ્યો: ‘એમ નથી, આમ્રભટ્ટજી! આ હાર શ્રીપુંજ એ સાક્ષાત રાજલક્ષ્મીનું પ્રતિક છે. એને ધારણ કરનારો કોઈ દુર્ભાગ્ય ન પામે, તેમ લક્ષ્મીનિવાસની એક મહાન ભૂમિકા ગણાય છે – પુણ્યસંચય – તેનાથી વંચિત ન રહે! મૂલ્યાંકન રત્નો જુદાં, આ જુદાં. એટલે મેં કહ્યું કે આનું મૂલ્યાંકન નથી. પણ જેમ કલિકાલસર્વજ્ઞ ગુરુજીના શબ્દો દુર્ભાગ્યને દૂર રાખે છે – એ આ જ હારની વિશેષતા છે. જુઓ,’ આભડ શ્રેષ્ઠીએ વચ્ચેનો એક નીલમણિ બતાવ્યો. ‘આમાં જુઓ, મહારાજ! એમાં જુગજુગની વનકુંજો દેખાશે!’

કુમારપાલ મહારાજે નીલમણિને એકદ્રષ્ટિ થઈને નિહાળ્યો. એમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. વર્ષોજૂની – કોણ જાણે કયા વખતની હરિયાળી વનકુંજો નીલમણિના અંતરમાં જાણે કે બેસી ગઈ હતી! કેટલું આશ્ચર્ય!

એવી ખૂબી આમાંના દરેક હિરાની છે. દરેકની જુદી જ સૃષ્ટિ છે!’

આમ્રભટ્ટે એક મહામૂલ્યવાન વસ્ત્ર કાઢ્યું – શૃંગારકોટી સાડી. પણ જેવું એ વસ્ત્ર તેણે ત્યાં મૂક્યું કે જાણે કોટાનકોટી મંદારપુષ્પોનો પરિમલ મહેકી રહ્યો હોય તેમ રાજમહાલય આખો સુગંધ-સુગંધ થઇ ગયો! મહાલયના પથ્થરોને પણ જાણે આ સુગંધ લેવાનું મન થઇ આવ્યું! રાજરાણીઓના અંતરમાં અનોખી ઊર્મિઓ ઊભી થઇ! આ વસ્ત્રને પહેરનાર કોણ હશે – એ પ્રશ્ન સૌના મનમાં આવી ગયો.

‘આ વસ્ત્ર કેવળ જલસુંદરી કોઈ હોય એ જ પહેરે! તે એને માટે છે. બીજાનું સુગંધીથી મૃત્યુ થાય! પણ એની સુગંધ લેનારો અમૃત પામે.’ 

સૌના નેત્ર, કાન અને અવયવ તમામ એક પ્રકારની અમૃતધારામાં નાહી રહ્યાં હોય તેમ પ્રસન્ન થઇ રહ્યાં હતાં!

‘અને એક આ વસ્તુ છે, મહારાજ!...’ આમ્રભટ્ટ પોતાના હાથમાં એક મહા મૂલ્યવાન સુંદર સૂક્તિ (છીપ) બતાવી રહ્યો: ‘આ!’

‘એ શું છે, આમ્રભટ્ટ?’

‘પ્રભુ...’ આમ્રભટ્ટે ચારે તરફ દ્રષ્ટિ કરી, તેણે બાલચંદ્રને ત્યાં જોયો. પિતાને તેના વિશે કહેલી વાત તેને યાદ આવી ગઈ. તે મહારાજ પાસે સર્યો: અત્યંત ધીમેથી તેણે કહ્યું: ‘મહારાજ! આ વિષહર છીપ છે. ગમે તેવું ઝેર હોય – એનામાં એ લઇ લેવાની શક્તિ છે! મહારાજ પોતે એને સાચવી લે!...’

મહારાજે અર્ણોરાજને શોધ્યો. તે પાછળથી ઊઠીને પાસે આવ્યો: મહારાજે તેના બંને હાથ પકડીને કોઈ ગુપ્ત ચીજ આપતા હોય તેમ પેલી છીપ એના હાથમાં આપી. 

અર્ણોરાજ તરત જ એ લઈને પોતાના સ્થાને જવાને બદલે પાછળના શયનખંડમાં ચાલ્યો ગયો. બાલચંદ્રે એક તીક્ષ્ણ દ્રષ્ટિથી અવલોકન કર્યા કર્યું. 

‘ગુરુજી! આમ્રભટ્ટને આપ બિરુદ આપો!...’

‘આમ્રભટ્ટજી તો “રાજસંહાર” છે. કોંકણનરેશનું શીર્ષ પણ લાવ્યા છે!’

આમ્રભટ્ટે સુવર્ણપતરામાં મઢેલું રાજા મલ્લિકાર્જુનનું શીર્ષ ત્યાં મૂક્યું. 

બે પળ વાતાવરણ ગંભીર થઇ ગયું.

“રાજસંહાર.” આમ્રભટ્ટને લાટના દંડનાયકની સ્થાયી પદવીનો લેખ આપો કાપર્દિકજી!’ મહારાજે કહ્યું: ‘મલ્લિકાર્જુનના શીર્ષને માનપૂર્વક અગ્નિદાહ અપાવો, રાજસંહારજી!’

મહારાજ કુમારપાલના શયનગૃહમાં છીપ મૂકીને પાછો ફરેલો અર્ણોરાજ બોલી ઊઠ્યો: ‘રાજસંહારજીનો વિજય હો!’

પણ એના શબ્દો એના મોંમાં જ રહી ગયા. એક અનુપમ લાવણ્યવતી વારાંગના ત્યાં સામે ઊભી હતી તે તરત પાસે આવી. તેણે આવીને મહારાજને અભિવાદન કર્યું. સૌ નવાઈ પામ્યા... પાટણમાંથી લુપ્ત થઇ ગયેલી રાજનર્તિકા નીલમણિનું અત્યારે આગમન એ જેટલું નવાઈભરેલું હતું તેટલું જ શંકાભરેલું હતું.

‘કેમ? શું છે?’ અર્ણોરાજે જ પ્રશ્ન કર્યો.

‘મહારાજ! મારે શૃંગારકોટિ સદી જોવાની એક જ ઈચ્છા છે!’

એક વખતની વિખ્યાત નર્તિકાને કોઈ ના પાડી શક્યું નહિ. મહારાજે આંખથી હા સૂચવી.

શૃંગારકોટિના પરિમલથી હવા પોતે જાણે ડોલી ઊઠી હતી!