૧૬
આલ્હણ-કેલ્હણની જોડી
ઉદયનનાં અંતરમાં કોણ જાણે ક્યાંથી એક સ્ફુરણ આવી રહ્યું હતું. જાણે હવે એ પાટણને ફરીને નિહાળવાનો નથી. એને બોલનારા કરતાં મૂંગા રહેતા માણસો ભયંકર લાગતા હતા. દેથળીના દરબારગઢમાં બર્બરકને એકે શબ્દ બોલતો સાંભળ્યો ન હતો. અને છતાં આહીંથી પણ એ પોતેને ભોં ગળી જાય એવી રીતે અદ્રશ્ય થઇ ગયો હતો. એ પાટણમાં હોય તોપણ એ ક્યાં રહેતો હશે એ કળવું મુશ્કેલ હતું અને એ ક્યાં નહિ હોય એ જાણવું વળી એથી વધુ મુશ્કેલ હતું.
દેથળીના દરબારગઢમાં એ બોલ્યો એક શબ્દ ન હતો, પણ પાટણની અત્યારની રાજતંત્રની નીતિનો સૌથી વધારેમાં વધારે ભયંકર દુશ્મન કોઈ હોય તો એ. એની સોમનાથભક્તિ વળી કોઈને નમતું આપે તેવી ન હતી. એના મનમાં મહારાજ સિદ્ધરાજનું વેણ હજી બેઠું હતું. એણે છેલ્લી ઘડીએ પરાજય લીધો તે એને હ્રદયમાં ડાઘ જેમ બેઠો હતો. ભૂલવાનું એના સ્વભાવમાં જ ન હતું, એટલે હવે એ સોરઠ તરફ ઊપડ્યો હોય તો કાકની વર્ધમાનપુરમાં પડેલી છાવણી ભયમાં હતી. ઉદયને પહેલાં તો એક જણાને સંદેશો લઈને કાક તરફ રવાના કરી દીધો. પછી એ પોતાની સોરઠસવારીની તૈયારીમાં પડ્યો. મહારાજની ધર્મનીતિની સ્થિરતા કર્યા પછી જ એ ખસવા માગતો હતો.
એણે પહેલી દ્રષ્ટિ આલ્હણ-કેલ્હણની જોડી તરફ નાખી. કેલ્હણ એકલો ઘૃષ્ટતાભર્યું સાહસ કરી બેસે તેવો હતો. ડોસા સાથે તે ઓછો ઘૃષ્ટ દેખાતો હતો, પણ અજયપાલ ને એ બે ભેગા હોય તો એમની ઘૃષ્ટતા ભયંકર પરિણામ લાવતાં પાછું વાળી ન જુએ. એણે પોતે એ દેથળીમાં જોયું હતું. અત્યારે અજયપાલ દેથળીમાં બેસી ગયો હતો, પણ એ બેને આંહીં પાસેપાસે રાખવામાં જોખમ હતું. કેલ્હણને સોરઠમાં ઉપાડવાનો એણે નિશ્ચય કર્યો. પણ કહેવા ગયે બાપ-દીકરો એકે મને તેવા ન હતા. નડૂલનું એમનું રાજ અત્યારે દંડનાયક વૈજલદેવની દેખરેખ નીચે મહારાજે રાખ્યું હતું. આબુપતિ વિક્રમ સાથે મેળ રાખ્યાનું એ પરિણામ હતું એટલે એ વાત ઉપર ડોસાને લાવીને એને સોરઠ લઇ જવાય.
પણ નડૂલ પાછું સોંપવાની માત્ર મોંની વાતને ડોસો ન પણ મને. એ જમાનાનો ખાધેલ હતો.
એટલે હવે આ બંનેને પાટણમાંથી કઈ કામગીરી ઉપર કાઢવા એ મોટો સવાલ થઇ પડ્યો. સોરઠની કામગીરી સીધી એમને સોંપે તો એમાં સો ટકાનું જોખમ હતું. વળી ડોસો મહા વ્યવહારુ પણ હતો. એ તરત કહેશે: ‘ભા! મહારાજની વાત આંખમાથા ઉપર, પણ આ મારા કેલ્હણને જરા નડૂલ સંભાળી લેવા દેજો, પછી તમે કહો તો ઠેઠ હિમાળો ગાળવા હું ભેગો આવું!’
ઉદયને વિચાર્યું કે ભય વિના આ પ્રીતિ બંધાવાની નથી.
એણે આલ્હણને બોલાવ્યો. મહા ગર્વભેર એ આવ્યો, અટંકી રાજપૂતની પેઠે. એ નમવામાં સમજતો ન હતો. અને છતાં કેલ્હણ જેવું ઘૃષ્ટ સાહસ પણ કરે તેમ ન હતો. પણ બહાર પાટણનું જરાક વાંકું પડે ને આંહીં કાંઈ ઘર્ષણ થાય તો કામ કાઢી લેવાની પ્રતીક્ષા એ કરી રહ્યો હતો ખરો.
‘આલ્હણજી! આવો-આવો.’ ઉદયને એને ભાવભીનો આવકાર આપ્યો: ‘મેં કહ્યું, ઘણાં જુદ્ધ આલ્હણજી સાથે કર્યા છે, તો હવે આલ્હણજી વિના એકલું જાવું ગમતું નથી, એટલે બોલાવીને બે ઘડી વાત તો કરી લઈએ! બોલો, હવે નડૂલ ક્યારે જવું છે? મહારાજે તો નિશ્ચય કરી લીધો છે!’
‘શેનો?’ આલ્હણને આશ્ચર્ય થયું. એણે કોઈ નિશ્ચય વિશે જાણ્યું ન હતું.
‘એ કાંઈ તમારાથી થોડુક અજાણ્યું હશે?’
‘મને ક્યાંથી ખબર પડે, પ્રભુ! મારે આંહીં કોઈ હેતુમિત્ર હોય તો તમે એકલા. બીજું આંહીં અમારું કોણ?’
‘કેમ એમ બોલ્યા? ધારાવર્ષદેવજી છે, આનકજી છે, સોમેશ્વરજી છે, તમને સૌ ઓળખે છે!’ આલ્હણને છેલ્લા વાક્યે ચમકાવી દીધો. આ વાણીમાંથી હજાર અર્થ નીકળે!’
‘જુઓ, પ્રભુ! હું તો સીધોસાદો રજપૂત છું. ખેડૂતને પ્રીતિ જમીન સાથે, પણ રજપૂતને ગરાસ સાથેની રાજપૂતની પ્રીતિ આજકાલની નથી. મહારાજ એ જાણે છે. તમે જાણો છો. મહારાજે જો નિશ્ચય કર્યો હોય અમારા ઉપરનો અન્યાય ઉપાડી લેવાનો, તો મહારાજનું એ ઋણ ભૂલ્યું નહિ ભૂલાય. બીજું તો અમારી પાસે ગુર્જરેશ્વરની તુલનામાં શું છે? આ દેહ માગશે મહારાજ, ત્યારે આડો ધરી દેશું!’
‘મહારાજને તમારી રાજભક્તિ ક્યાં અજાણી છે, આલ્હણજી? એટલે તો મને પોતે કહ્યું કે તારે સોરઠ-જુદ્ધ જીતવું છે? જીતવું હોય તો આ પિતાપુત્રની જોડીને સાથે! હારવું કોઈને ગમતું નથી એ તમે જાણો છો!’
આલ્હણ વિચારમાં પડી ગયો. પોતાની આંહીંની હાજરી કોઈને રુચતી ન હોય એ એ સમજી શક્યો હતો. નડૂલનો અંગૂઠો પાછળથી બતાવે ને માથાં જાતાં સોરઠમાં કપાવે – સોમનાથરક્ષા માટે વધેરાતાં હોય તો-તો ઠીક – આ તો પેલું ભૂતભડકામણું બાબરું! એની સામે! તેણે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! સોરઠની ભોંમાં દેહ ત્યારે પાડવો છે. જ્યારે ભગવાન સોમનાથ બોલાવે ત્યારે. એટલો એક નીમ જળવાઈ જાય તો જીવ્યું લેખે લાગે. પછી તો ધણીનો કોઈ છે? મહારાજ આજ્ઞા આપશે તો ગલઢો-ગલઢો પણ ચાલી નીકળીશ. કેલ્હણજી ભલે નડૂલ જાતા. તેઓ ત્યાંનું સંભાળશે. મેં ઘણા દી સંભાળ્યું!’
ઉદયન પામી ગયો કે કોઈ ચોખ્ખી વાત કઢાવ્યા વિના ડગલું ભરે એવો ભોળો આ ન હતો! એણે ફેરવી તોળ્યું; એને બીજી રીતે માપવાનું કર્યું.
‘જુઓ આલ્હણજી! મેં તમને કહ્યું નો’તું તમને ધ્રાસકો પડી જાય માટે; બાકી દેથળીમાં જે બન્યું તે મહારાજે મને કહ્યું અને હું તો સડક થઇ ગયો. અજયપાલે પણ ભારે માથાભારે વાત ઉપાડી છે! મહારાજની પ્રીતિ ખોવાના એ બધા ધંધા! તમારે માટે થઈને તો હું ઘણું આમ બોલું, પણ મહારાજ કહે, તું ત્યાં હતો? હું તો ત્યાં હતો. મહારાજ ત્યાં હતા, આલ્હણજી?’
આલ્હણદેવ ઊંચે જોયા વિના બે પળ જમીન તરફ જ જોઈ રહ્યો. ઉદયને એને વધુ પાછો ન પાડવામાં સાર જોયો: ‘મેં કીધું આલ્હણદેવજીએ દુનિયા જોઈ છે. એમને વાત કરીશું. મહારાજનો આ મનકાંટો કાઢવા માટેનો, આલ્હણદેવજી! વખત છે!’
‘બરાબર, પ્રભુ! મારું નડૂલ...’
‘નડૂલ, આલ્હણદેવજી! મને પણ આંહીં બેઠું છે!’ ઉદયને છાતીએ હાથ મૂક્યો: ‘એ તમને કહેવું પડશે?’
આલ્હણદેવ વિચારમાં પડી ગયો. વાણિયો ત્રણ અર્થ નીકળતાં હોય તો બે અર્થવાળું બોલે તેવો નથી. આંહીં છાતીએ બેઠું છે એટલે? શું સમજવું? વાગે છે કે ખટકે છે?
તેણે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! મહારાજ ત્યાં દેથળીમાં પ્રત્યક્ષ હશે તો-તો અમારું કલ્યાણ જ છે. અમે તો ત્યાં પણ રાજભક્તિ બતાવી હતી! અજયપાલજીને પણ સાચો શાંતિમાર્ગ દેખાડ્યો હતો!’
‘કેલ્હણજી પણ એમાં ખરા કે?’
‘એ તો છોકરું છે, પ્રભુ!’
‘એટલે તો તમે બંને નડૂલ સાથે જાઓ એમ મહારાજ ઈચ્છે છે. મહારાજને આ ગમતું નથી.’
‘શું?’ આલ્હણે આશ્ચર્યમાં પૂછ્યું.
‘આ તમારું એક-એકનું જુદાપણું. તમે સાથે હો તો હમણાં એમને દોરો. ત્યાં એમને પણ તલવાર ને તુરંગ સાથે તર્કનો મેળ મેળવતાં આવડી જાશે. હમણાં તો ગમે તેમ કૂદે! હું મહારાજને કહું છું ત્યારે આજે.’
‘શું? શું કહો છો?’ આલ્હણે ઉતાવળે પોછ્યું.
‘તમે કહો તે. પણ તમારે વખતે કેલ્હણજીને પૂછવું હશે!’
‘એમ તો નહિ, પ્રભુ... પણ...’
‘જુઓ, આલ્હણદેવજી! આ તક છે ને અત્યારે છે. કાલે કે બે દિવસ પછી એ નહિ હોય. સોરઠનું સૈન્ય ચાલી નીકળ્યું પછી થઇ રહ્યું. અત્યારે જ કાકભટ્ટતો વર્ધમાનપુરમાં બેઠો છે. મહારાજ કહેતા હતા, બર્બરક પણ ત્યાં દેખાયો હતો એ સાચું?’
આલ્હણદેવને હવે સોએ સો ટકા ખાતરી થઇ ગઈ: કાં આ વાણિયો ત્યાં પહોંચ્યો હોય, કાં મહારાજ આવેલ હોય. બંનેનું પરિણામ એક જ હતું. આ માહિતી એ બતાવે છે. કેલ્હણની ઘૃષ્ટતા આનાથી કાંઈ છાની રહી શકી નહી હોય. પણ એનું નડૂલ એને કંઠે હતું. એ વાત જતી કરવા એ તૈયાર ન હતો: ‘પ્રભુ! મારું નડૂલ, એ મને જીવતાં પાછું મળવું જોઈએ.’
‘પાછું મળે, આલ્હણદેવજી! મારા વેણમાં શ્રદ્ધા હોય તો...’
‘શ્રદ્ધા છે, પ્રભુ!
‘તો આટલો મનકાંટો મહારાજનો કાઢી નાખો. તમારી રાજભક્તિની પ્રતીતિ થાય તેની બીજી પળે નડૂલ તમારું જ છે. અમારે શું કરવું છે? તમે મને વિચારીને જવાબ વાળજો ને! હજી થોડો વખત છે. પણ હવે વખત થોડો છે, ને વખત જાળવવા જેવો છે. મારું માનો તો વખત સમજવા જેવો છે – સમજી જવા જેવો છે!’
આલ્હણ ઉદયનના વાક્યેવાક્યમાંથી અનેક અર્થ ઊઠતા જોઈ રહ્યો હતો. તે ઊઠ્યો ત્યારે અરધીપરધી સોરઠસવારીની વાત થઇ ગઈ છે એમ ઉદયનને લાગ્યું. છતાં હવે એ પૂરું કર્યે જ છૂટકો હતો. તે સાંજે જ મહારાજ પાસે પહોંચી ગયો હતો.