Rajashri Kumarpal - 15 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 15

૧૫

દધિસ્થળીમાં

જાણીતો રસ્તો છોડી દીધો, એટલે ઉદયન, આમ્રભટ્ટ અને ત્રિલોચન ત્રણે દેથળીના કિલ્લા પાસે તો કોઈની પણ જાણ વિના આવી પહોંચ્યા, પણ મુશ્કેલી હવે જ હતી. કોણકોણ આંહીં છે એ વાત હજી અંધારામાં હતી. કોઈ એમને જાણી ન જાય એવી બધી તૈયારી એમણે રાખી હતી અને ત્રણે જણા રાયકા બની ગયા હતા. કોઈ આવનાર સામંતોની પોતે સાંઢણી હાંકી આવ્યા હશે એમ ધારીને બહુ પૃચ્છા ન થાય એ એમનો હેતુ હતો.

દ્વારપાલ દરવાજો બંધ કરે ને કિલ્લા ઉપરથી ચઢવું પડે તે પહેલાં અંધારાનો લાભ લઈને ત્રણે દેથળીમાં પ્રવેશી ગયા. 

ત્રિભુવનપાલનો દરબાર ઉદયનને શોધવો પડે તેમ ન હતો. આંહીં તો એનાં અનેક મીઠાં સંસ્મરણો સંઘરાયા હતાં. અંધારનો, ઝાડનો, ભીંતનો, જણો મળે તેનો આધાર લેતા ત્રણે જણા ત્યાં દરબારગઢની એક ભીંત પાસે ગાઢ અંધારામાં કેટલીક અપ્રતિષ્ઠીત ખંડિત પથ્થરની મૂર્તિઓ પડી હતી તેમાં તેઓ ગુપચુપ બેસી ગયા. એમનાં હ્રદય ધડકતાં હતાં. એમને આંહીં કોઈ શોધી કાઢે તો જીવનભરનું ભોયરું મળી જવાની જ વાત હતી. 

તેઓ એક પથ્થરમાં પથ્થર સમા થઈને બેસી ગયા. એમનાથી થોડે દૂર ગાદી ને જાજમ પથરાઈ રહ્યા હતા. એક તરફ એક ઝાંખી દીવી બળતી હતી. વધુ પ્રકાશ ન થવા દેવાની સાવચેતી આ ત્રણ જણને ઉપકારક નીવડી, કારણ કે એ થોડાથોડા પ્રકાશમાં કાંઈક કળી શકતા હતા, જ્યારે તેઓ પોતે તો અંધારામાં હતા. 

થોડી વાર થઇ ત્યાં સૌ આવવા માંડ્યા. એમાં ઉદયને કેટલાંક અસંતુષ્ટ સામંતો જોયા. મહારાજથી વિરોધ રાખતા કૃષ્ણદેવના એકબે સંબંધીઓ પણ હતા. નડૂલના આલ્હણ-કેલ્હણ દેખાયા. ભવાનીરાશિ ત્યાં આવ્યો હતો. બીજા બેચાર મંદિરના મહંતો પણ હતા. એટલામાં ભયંકર એવો બર્બરક ત્યાં ઊભેલો ઉદયને જોયો. એના હંમેશના નિયમ પ્રમાણે દંડ ઉપર માથું ઢાળીને એ એક છેડે ઊભો હતો. સદભાગ્યે આમના તરફ એની પીઠ હતી. 

પળ-બે-પળ વીતી ત્યાં અજયપાલ પોતે દેખાયો. તેની સાથે જ એક અસામાન્ય નારી આવી રહી હતી. ઉદયને દીવાના આછા તેજમાં એને તરત ઓળખી કાઢી. નાયિકાદેવીનો ગૌરવશીલ, ભવ્ય અને મોહક ચહેરો ત્યાં દેખાયો. એની ચાલમાં સત્તાશીલ મહારાણીનું તેજ દેખાતું હતું. આંખમાં અજબ શાંતિ બેઠી હતી. મુદ્રામાં રણરાજ્ઞીનો ઉત્સાહ દેખાતો. અજયપાલને વશમાં રાખવાની એની શક્તિ અદ્ભુત જણાતી હતી. ઉદયનને પળ-બે-પળ મહારાણી મીનલદેવી સાંભરી આવ્યા. આ પણ ત્યાંની જ હતી નાં? એ રાજરાજ્ઞી ખરા અર્થમાં રહેવા ઉત્સુક હતી. એની આંગળીએ એક બે-ત્રણ વર્ષનો સુંદર બાળક પણ અવી રહ્યો હતો. ઉદયન એની સામે જોઈ રહ્યો. એનામાં એના પિતાની રણઘેલછા અત્યારે પણ દેખાઈ આવતી હતી. આ બાળક એક દિવસ પાટણપતિ હશે એ વિચારે એને પળભર સ્વપ્નાં ચીતરતો કરી મૂક્યો. 

થોડી વાર થઇ ને સોમનાથી મહંત ભાવ બૃહસ્પતિ દેખાયા. બધા ઊભા થઈને એમને બે હાથ જોડી નમી રહ્યા હતા. નાયિકાદેવીએ ભીમદેવને બે હાથ જોડાવી એની પાસે ઊભો રાખ્યો. મહંતે એના માથા ઉપર પ્રેમથી હાથ મૂક્યો: ‘અભિનવ સિદ્ધરાજ હો, રાજકુમાર! ખૂબ જુદ્ધ ખેલો! ખૂબ દેશ મેળવો!’

‘અરે, પ્રભુ! એ તો રણઘેલડા જેવો છે. એને જુદ્ધ ખેલવાનું હોય તો વા સાથે પણ વઢે તેવો છે!’

‘ક્ષત્રિ જુદ્ધ નહિ ખેલેંગે’ મહંત બોલ્યા: ‘તમ ખેલેંગે કૌન? ખુબ જુદ્ધ ખેલો, રાજકુમાર! ઔર તુરુષ્કોંકો માર હઠાઓ! સોમનાથ ભગવાન કી રક્ષા કે લિયે પાટણ સિંહાસન કી મહિમા બઢાઓ!’

ભાવ બૃહસ્પતિ આવી ગયા એટલે તરત હવે શું કરવું એની વિચારણા શરુ થતી લાગી. ઉદયન આ સાંભળવા એકકાન થઇ ગયો. નડૂલનો યુવરાજ કેલ્હણ એમાં અગ્રણી જણાયો. મહારાજે એના નડૂલ ઉપર વૈજલદેવને દંડનાયક નીમ્યો હતો. એને એ ખૂંચી રહ્યું હતું. 

ડોસો આલ્હણ શાંત હતો, પણ યુવરાજ એનું માનતો લાગ્યો નહિ. તે સૌથી પહેલો ઊભો થઇ ગયો હતો. તેણે જુસ્સાભેર કહ્યું:

‘આજે તમે નક્કી કરજો: તમારે ક્ષત્રિયપરંપરા રાખવી છે કે લોપવી છે? જો લોપવાની હોય તો બોલી દો, અમે ઘરભેગા થઇ જઈએ!’

‘રાખવી છે, ભા! રાખવી છે, રજપૂતી તો રાખવી છે; પણ એ રહેશે, જો તમે સૌ આગળ ચાલશો તો. એ તો મહારાજને કાન પકડીને કહેવું પડે આમ રાજપૂતી ધર્મ નહિ લોપાય. આ રાશિજી પણ એ જ કહે છે.’ એક સામંતે કહ્યું. ઉદયને એની સામે જોયું. એ કૃષ્ણદેવનો સગો લાગ્યો.

રાશિ બોલ્યો: ‘પણ આ ધીરજ તમારી કઈ જાતની? મહારાજે ક્ષત્રિયપરંપરા લોપી, કોઈ કંઈ ન બોલ્યું. કુલપરંપરા લોપી કોઈ ન બોલ્યું. હવે તેઓ ભગવાન સોમનાથની પરંપરા લોપી રહ્યા છે! આ પણ ચાલવા દેવું છે, એમ? તુરુષ્કો તો મ્લેચ્છ હતા, એટલે ભગવાન સોમનાથને અવગણી ગયા. આપણે આ મ્લેચ્છના પણ મ્લેચ્છ નહિ. જો મહારાજ સોમનાથને અવગણે ને આપણે એ જોયા કરીએ તો? હું તમને આ પૂછું છું, મહારાજને કોઢ છે. લૂતારોગ એનું જ રૂપ છે. ચૌલુક્ય સિંહાસન ઉપર એ પણ ચલાવી લેવું છે? જો ચલાવવું હોય તો કોઈ કાંઈ બોલો મા, નહિતર તૈયાર થાઓ. મહારાજ કુમારપાલને આપણું કહેવું સાંભળવું જ પડે એવું કરો.’

‘પણ, ભા! તમારામાંથી બાકરી બાંધવા કોઈ બેઠો થાય છે એ તો મને જોવા દો! મહારાજની પાસે તો એક જ વાત છે, કૃષ્ણદેવવાળી! એનું શું? બળૂકો કોણ છે એ મને પહેલા જાણવા તો દો!’ આલ્હણે ઠંડુ પાણી રેડવા માંડ્યું હતું. સવાલ તલવાર ઉપર આવીને ઊભો રહ્યો એટલે કોઈ કાંઈ બોલતું લાગ્યું નહિ. કોઈ કાંઈ બોલતું નથી એ જોઇને ભાવ બૃહસ્પતિ પોતે ઊભા થતાં જણાયા:

‘વાત જુદ્ધની નથી, આલ્હણદેવજી!’ એમણે કહ્યું: ‘વાત મંત્રણાની છે; પણ મહારાજની એક પણ પરંપરા ન લોપી શકે એ ભૂમિકા બાંધીને વાત શરુ કરવાની છે. આપણે સૌએ એક થઈને સંભળાવવું પડશે!’

‘કોને સંભળાવવું પડશે? કોને સંભળાવશો?’ અજયપાલે પ્રશ્ન કર્યો.

‘કેમ કોને? મહારાજ ગુર્જરેશ્વરને!’

‘આંહીં હવે કોઈ ગુર્જરેશ્વર જેવું રહ્યું નથી. ભાવ બૃહસ્પતિજી! આંહીં તો મૂંડકાનાં ટોળાં છે પાટણમાં ને એ મૂંડકા પાસેથી મંત્રેલ પાણી લઈને કોઢ મટાડવા જ ગુર્જરપતિ જાય છે! એમને પૂછો તો ખરા, મલ્લિકાર્જુન સામે તેઓ જવાનાં છે? ના. કારણ? વખતે જીવને અસુખ થાય. સોરઠમાં જાશે? ના. કારણ? જીવને અસુખ થાય. આંહીં તો આવતી કાલે તમે જોશો કે કીડી-મંકોડી માટે ગુજરાતદેશની હરરાજી બોલી જાશે! રાજાને કોઈકે કહેવું ઘટે છે: તેઓ હવે પૌષધશાળામાં બેસી જાય ને દેશની પાયમાલી કરવાનો આ ધંધો શરુ કર્યો છે એમાંથી નિવૃત્તિ લે. તેઓ નિવૃત્તિ ન લે તો આપણે નિવૃત્તિ અપાવો. બાકી આમ તો આ સંઘ કાશીભેગો નહિ થાય!’

‘પણ, ભા!’ ડોસો આલ્હણ ધીમેથી વિવેક-વેણે દાંતો હોય તેમ બોલ્યો: ‘તમે બોલી રહ્યા? કહેનારા બધુંય કહી રહ્યા? તો હું તમને હવે પૂછું છું: તમારામાંથી કોણ મહારાજ સામે બાકરી બાંધવા જવાનાં છો? કહો તો!’

‘કોઈ નહિ જાય તો હું – હું જવાનો છું!’ કેલ્હણે પિતાને પડકાર ફેંક્યો.

‘અરે દીકરા! તેં તો રાજ ખોયું. રાજ તો  હજી મહારાજ પાસે છે, તારું નડૂલનું. ત્યાં દંડનાયક બેઠો છે ને તું આંહીં રખડે છે. એ તો પહેલું લે, પછી પાટણનું કરજે!’

‘કેલ્હણજી બરાબર કહે છે. હું તૈયાર છું. ચાલો, કોણકોણ આવવા માગે છે? કાલે પ્રભાતે જ મહારાજને કર્ણમેરુપ્રાસાદના મેદાનમાં ઊભા રાખીને કહી દેવાનું: કાં આ ખોટીખોટી ઘોષણાઓ છોડો અથવા રાજ છોડો!” અજયપાલ બોલ્યો.

‘પછી? તમે કહી દીધું એટલે મહારાજે રાજ છોડી દીધું, એમ? ત્રણ પાડાને એક તીરે વીંધનારો ધારાવર્ષદેવ ત્યાં બેઠો છે તેનું શું? સોમેશ્વરનું શું? આમ્રભટ્ટ ક્યાં ગાંજ્યો જાય તેમ છે? અને મહારાજ પોતે? તમે કોણ સામે ઊભા રહેશો એ તો બોલો, ભા? કંઈક થાય તેવી વાત કરો ને!’

અજયપાલ ઊભો થઇ ગયો. તેના હાથમાં સમશેર ચમકી ઊઠી: ‘આલ્હણજી!...’

પણ બરાબર એ જ વખતે એક શાંત પણ તેજસ્વી અવાજ આવ્યો. એના મૃદુમોહક રણકાથી હવામાં જાણે મોહિની ઊભી થઇ ગઈ: ‘મહારાજ! મારી પણ એક વાત ત્યારે સાંભળો.’ નાયિકાદેવી પોતે જ આગળ આવી ગઈ હતી. તેનું રૂપ અત્યારે જાણે સોળે કાલે ખીલી ઊઠયું લાગ્યું. મોહક તેજસ્વિતા ને મક્કમતા એની શાંત વાણીને એક અનોખા પ્રકારનું ગૌરવ આપી રહી હતી: ‘મહારાજ!’ તે દ્રઢ અવાજે પણ અત્યંત મૃદુતાથી બોલી: ‘જે દુર્ઘટના આંહીં ચૌલુક્ય સિંહાસન ઉપર કોઈ દિવસ બની નથી, તે મહારાજ પણ નહિ બનાવી શકે. કુમારપાલ મહારાજ સામે ઘર્ષણ ઊભું કરવાનો વિચાર એ તો આ ચૌલુક્ય સિંહાસનની હંમેશ માટેની પવિત્રતા લોપવા જેવો વિચાર છે. આજે સિંહાસન સામે તમે જે કરશો તે કાલે તમારી સામે સિંહાસન સામે એ ઊભું હશે! મહારાજ ભૂલી જાય છે એક વાત: આવતી કાલે આ સિંહાસન ઉપર મહારાજને પોતાને આવવાનું છે. એટલે કોઈ ઘર્ષણ આંહીં ન બને એમાં પોતાનું જ હિત છે.

‘હા, એક વાત બનશે – બનશે શું?, બનવી જ જોઈએ. ભગવાન સોમનાથની ધ્વજા એ માત્ર ગુર્જરદેશની ધ્વજા નહિ. ભારતભરનાં માનવી ત્યાં આવે છે. એ તમામની એ ધ્વજા છે. મહારાજ કુમારપાલને એ ધ્વજા અવગણવાનો કોઈ અધિકાર નથી. એની પરંપરા જળવાવી જ જોઈએ. એ જો નહિ જળવાય અને ભગવાન સોમનાથની અવગણના થશે તો-તો, ભાવ બૃહસ્પતિજી! ભગવાન સોમનાથને નામે હું શપથ લઉં છું – હું તો સ્ત્રીજાત છું, પણ સમશેર લઈને રણમાં ઊતરવું પડશે તો તે વખતે હું ઊતરીશ! ભગવાન સોમનાથ માટે! બોલો, આ કબૂલ છે, મહારાજ?’

અજયપાલના હાથમાં તલવાર ચમકી ઊઠી: તેણે વીરવાણીમાં કહ્યું: ‘સોમનાથની અવહેલના જેને હાથે થાય એનો શિરચ્છેદ કરવાના હું શપથ લઉં છું!’

‘અને હું પણ...’ કેલ્હણ બોલ્યો.

‘અને હું પણ...’ ડોસો આલ્હણ પણ સોમનાથ ના નામે વીરરંગે રંગાઈ ગયો. 

‘અને હું પણ...’ એક પછી એક સામંત ઊભા થવા માંડ્યા. 

ઉદયન નાયિકાદેવીની શાંત હિંમત જોઈ રહ્યો. એણે સૌને ખોટા ઘર્ષણમાંથી બચાવવા બીજે રસ્તે જ વાતને વાળી દીધી હતી. પણ મહારાજ કુમારપાલ ભગવાન સોમનાથની ભક્તિપરંપરા તરત દર્શાવે, એમાં એણે રજની સ્થિરતાનાં બીજ દીઠાં. તેણે મનમાં ગાંઠ વાળી દીધી. 

‘ભાવ બૃહસ્પતિજી! ભગવાન્! આપ ગુર્જરેશ્વરની પાસે સોમનાથની પરંપરાની વાત મૂકો. મહારાજ ગુર્જરેશ્વર શું કહે છે તે જુઓ. ખોટું ઘર્ષણ જુદ્ધ-સમે ઊભું કરવા જતા કાંઈનું કાંઈ ફળ આવશે, પ્રભુ!’

‘અને રાજાનો લૂતારોગ એ ચલાવી લેવો, એમ?’ ભવાનીરાશિ બોલ્યો.

‘જુઓ, રાશિજી! જયદેવ મહારાજ તમારી કરતાં બળવાન હતા. પેલો બર્બરક ઊભો ત્યાં – એ ઓછો બળવાન ન હતો. ભગવાન સોમનાથે જે આપ્યું છે તે ભગવાન સોમનાથ જ ઉથાપી શકશે – તમે પણ નહિ અને બીજું પણ કોઈ નહિ. અત્યારે એ વાત ઉખેળવાનો કંઈ જ અર્થ નથી. આંતર ઘર્ષણ અમારે ઊભું કરવું નથી. અમારે તો ભગવાન સોમનાથનો મહિમા ઘટવા દેવો નથી. એ મહિમા ઘટશે, તો દેશ ઉપર આફત ઊતરશે.’

નાયિકાદેવીએ ઊભું કરેલું સોમનાથનું વાતાવરણ વધારે બળવાન હતું. રાશિની વાતને બહુ હોંકારો હવે ન મળ્યો. એટલામાં તો ભાવ બૃહસ્પતિએ પછી વાત ઉપાડી લીધી હતી: ‘યુવરાજ્ઞીજી! ભગવાન સોમનાથનું મંદિર એ ભારતવર્ષનું છે. એની જો મહારાજ કુમારપાલ અવજ્ઞા કરશે તો હું ભારતભરનો પ્રવાસ કરીને, તમામને આંહીં ગુજરાતનાં આંગણે રણમેદાનમાં ખડાં કરી દઈશ! બાકી મારા જીવતાં કોઈ પણ સોમનાથનો મહિમા ઘટાડી જાય એ વાત કદાપિ બનવાની નથી. એવે વખતે દેહ અર્પણ કરી દેવાનો મારો જાહેર કોલ છે.’

‘જય સોમનાથ!’ એક ઘોષણા ત્યાં ઊઠી. વાતને જુક્તિ વડે આંતર ઘર્ષણમાંથી નાયિકાદેવીએ અત્યારે તો વાળી લીધી હતી. ઉદયનને માટે હવે આંહીં દેથળીમાં બેઠેલા અજયપાલની જાગ્રત ચોકી રાખવાની રહેતી હતી. 

પણ ઉદયનને સાંભર્યું કે હવે એણે તરત નીકળી જવું જોઈએ. અજયપાલને હમણાં આંહીં શાંત રાખવાની જુક્તિનો અમલ અર્ણોરાજે નાયિકાદેવી મારફત કર્યો હતો એ સ્પષ્ટ હતું. તાત્કાલિક આંતર ઘર્ષણ ટળતું હતું. ક્ષત્રિયોની ઉપેક્ષાવૃત્તિનો અને ભાવ બૃહસ્પતિના સોમનાથ – મહિમાનો એમ બે જ પ્રશ્ન રહ્યા હતા. એ હવે અત્યારના સવાલ ન હતા. એણે ધીમેથી ત્રિલોચનના કાનમાં કહ્યું: ‘ત્રિલોચન! આપણે નીકળી જઈશું?’

‘પણ આ બર્બરક?’

‘એને સંભાળવા જતાં જાત પ્રગટ થઇ જાશે. આંબડ આંહીં રહી જાશે એની હિલચાલ જોવા. પણ એ બહાર નીકળ્યા પછી.’

તરત સૌ ચોરપગલે અંધારઘેરી ભીંતોના આધારે સરકવા માંડ્યા. હવે તો પાછો કિલ્લાને ચડવાનો પ્રશ્ન એમને મૂંઝવી રહ્યો હતો. એટલામાં એમણે બર્બરકને ત્યાંથી નીકળતો જોયો. એ એક પણ શબ્દ આંહીં બોલ્યો ન હતો. પણ એક વાત સ્પષ્ટ હતી. એણે તો આ કોઈ વાત રુચિ નહિ હોય. એના મનની વાત તો એના મનમાં જ હતી. 

બર્બરકને નીકળતો જોઈ એની ગોઠવણનો લાભ લેવાનો વિચાર નક્કી થયો. એની પાછળ-પાછળ સૌ ચાલવા માંડ્યા. બર્બરક મુખ્ય દ્વાર તરફ જતો હોય તેમ ન લાગ્યું. એણે પોતાની કોઈ ખાસ ગોઠવણ કરી હોવી જોઈએ. એ કિલ્લાની ભીંતને આધારે અંધારામાં જ આગળ વધતો હતો. 

એક જગ્યાએ એ અટકી ગયો લાગ્યો. આંહીં એની કોઈ વિશિષ્ટ ગોઠવણ હોવાનું જણાતું હતું. એને ત્યાં ઊભો રહી ગયેલો જોઇને ઉદયન, ત્રિલોચન ને આમ્રભટ્ટ ભીંતસરસા થઇ ગયા. 

બર્બરક હજી ત્યાં ઊભો હતો. એ કાંઈક જોતો હોય તેમ લાગ્યું. ઉદયનને તરત યાદ આવ્યું કે આ ભૂતડો આવતા-જતા ભાગ્યે જ મુખ્ય દ્વારનો ઉપયોગ કરે છે. સીધો મારગ પણ એ લેતો નથી. આંહીં એણે પોતાની આવવા-જવાની કોઈ ગોઠવણ રચેલી હોવી જોઈએ. 

થોડી વાર એને ત્યાં ઊભેલો ત્રણે જણા જોઈ રહ્યા. પણ પળ-બે-પળ એમ ગઈ અને પછી ત્યાં કોઈ હતું જ નહિ! એમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. બર્બરકનું પથ્થર-કૌશલ્ય અદ્બુત હતું. ઉદયનને એ ખબર હતી. એણે બહાર જવાનું કોઈ ભોંયરું આંહીં તૈયાર કરેલું હોવું જોઈએ, બર્બરકને અદ્રશ્ય થયેલો જોતા ત્રણે જણા એ તરફ ગયા સાવચેતી ખૂબ રાખવાની હતી. જઈને એમને જોયું તો ત્યાં માત્ર એક મહાન શલ્યા હતી! બર્બરક અહીંથી અદ્રશ્ય થઇ ગયો એ સ્પષ્ટ હતું. પણ એક વસ્તુ ત્યાં જોઇને નવાઈ લાગી. દોરડાની નિસરણી ત્યાં લટકી રહી હતી. દેખીતી રીતે બર્બરકે આવવામાં તેનો ઉપયોગ કર્યો હોવો જોઈએ.  

અત્યારે તો એમને માટે જાણે આ એણે જ તૈયારી રાખી હતી!

પણ બર્બરકનો કોઈ માણસ આંહીં હોય એ ભય માથે ઊભો હતો. અને એટલામાં તો કોઈક દૂરથી આવતો દેખાયો પણ ખરો! ઉદયન અને આમ્રભટ્ટ અંધારામાં ફરી ભીંતસરસા થઇ જાય એ પહેલાં એની દ્રષ્ટિએ તેઓ પડ્યા જણાયા. એણે બૂમ પાડી: ‘અલ્યા કોણ એ મૂઓ છે?’

પણ એનો અવાજ ગળામાં જ રૂંધાઇ જતો જણાયો. કોઈકે એના ઉપર પડખેથી કૂદીને એને દાબી દીધો હતો. એ કોણ છે એ જોવાનો પણ હવે વખત ન હતો. એમને બંનેએ તરત ઉપર ચડવા માંડ્યું. ઉપર જઈને નિસરણી ખેંચી લેવા જોયું તો કોઈ આવતું દીઠું નહિ! બંને સ્તબ્ધ થઇ ગયા.

‘ત્રિલોચન ક્યાં? બર્બરકે ઉપાડી લીધો કે શું?’ ઉદયનના મનમાં ધ્રાસકો પડી ગયો. પણ ત્યાં તો ત્રિલોચનનો જ અવાજ આવ્યો. 

‘હજી કોળાને કળ વળે તેમ નથી, પ્રભુ! આપણે ઉતાવળ કરો. હું આ આવ્યો!’

એણે ક્યારે એને જોયો, ક્યારે એ સરકી ગયો અને ક્યારે એને દબાવી દીધો એ એમને માટે આશ્ચર્યનો વિષય હતો. ત્રિલોચન પર ઉદયનને શ્રદ્ધા હતી. આજ હવે એ સહસ્ત્રગણી થઇ પડી. ભવિષ્યમાં પાટણનો આવો દુર્ગપાલ હોય તો રાજલક્ષ્મીનું એ રક્ષણ કરે. તેણે તેને ખભે હાથ મૂક્યો: ‘દુર્ગપાલજી! આ તમે ક્યારે શીખ્યા?’

આમ્રભટ્ટના મોંમાંથી પણ ધન્યવાદનો ઉદગાર નીકળ્યો: 

‘ત્રિલોચનપાલજી! આ દાવ ક્યાં શીખી આવ્યા? આવો દાવ’

‘એનો શિખવાડનાર ઉપર બેઠો છે, આંબડ! એ શીખ્યો શિખાતો નથી. પણ આપણે ઉતાવળ રાખો.’

‘ત્રિલોચનપાલજી! આંહીં નો એક શબ્દ પાટણમાં પ્રગટ ન થાય – એટલું ત્યારે હવે સંભાળજો.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED