Rajashri Kumarpal - 14 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 14

૧૪

અર્ણોરાજને વાત કરી!

કંટેશ્વરીમાં તે દિવસે અગ્નિ પ્રગટ્યો નહિ. પણ એટલે તો મહાઅમાત્યની ચિંતા વધી ગઈ હતી. હવે એ ભારેલો અગ્નિ થઇ ગયો હતો. ગમે તે પળે એમાંથી ભડકો થાય એવો સંભવ હતો. પોતે સૌરાષ્ટ્ર તરફ જાય એની રાહ જોવાતી હોય એમ પણ બને. એમાં મહારાજને કોંકણ તરફ જવું પડે તો-તો શું થાય?

અને એટલામાં કર્ણાટરાજને વળાવીને પાછા વળેલા કાકે જે સમાચાર અપાય તે વધારે ચિંતાજનક હતા. મલ્લિકાર્જુનનો ગર્વ સકારણ હતો. તે કલ્યાણના ચૌલુક્યરાજ તૈલપ ત્રીજાની ધૂંસરીમાંથી મુક્ત થયો હતો. ગોપકપટ્ટનનો ‘શિવચિત્ત’ પરમર્દી એના ઉપર પાછળથી આવે તેમ ન હતું, કોલ્હાપુર સાથે એણે મેળ રાખ્યો હતો. એણે યેન કેન પ્રકારેણ ગુર્જરદેશમાંથી નવસારિકા સુધીનો કકડો પડાવી જ લેવો હતો. એનામાં કોંકણી નામનું વિષ હતું. એનો ઘટાટોપ ભયંકર હતો. કાકે પત્તો મેળવ્યો કે એ પ્રબળ સૈન્ય તૈયાર કરી રહ્યો છે. ઉદયને તે જ રાત્રે હવે કાકને જ ગુપચુપ સોરઠ તરફ મોકલી દેવાનો વિચાર કર્યો. કાક આંહીં રહે તો ઠીક એવો પહેલાંનો નિર્ણય તેણે ફેરવી નાખ્યો. સોરઠજુદ્ધ ત્વરિત ગતિથી પૂરું કરી આંહીં આવી જવું એ વધારે ઠીક હતું. પોતે થોડા વખત પછી નીકળે તોપણ સમરસ રાણા ઉપર કાબૂ રહે. એટલે એણે વર્ધમાનપુરમાં (આજનું વઢવાણ) સૈન્ય ભેગું કરવાનું નક્કી કર્યું વર્ધમાનપુરમાં કાકને ઉદયનની રાહ જોવાની હતી. 

કાક ગયા પછી ઉદયને આંહીંની હવા સૂંઘવા માંડી. એને આશ્ચર્ય થયું. કોઈ જગ્યાએ જાણે કાંઈ હિલચાલ જણાતી ન હતી. જાણે કે મહારાજના પરંપરા-ભંગને સૌએ સહી લીધો હોય. પણ ઉદયનને એ માનવામાં આવ્યું નહિ. એણે એક દિવસ આનકને બોલાવ્યો. આનકરાજ એને ઉપયોગી જણાયો હતો. એની રાજભક્તિ અનુપમ હતી, તો બીજી તરફ અજયપાલને પણ એના ઉપર વિશ્વાસ હતો. 

આનકની આ વિચક્ષણ રાજનીતિમાંથી ઉદયને પોતાનો રસ્તો શોધવા માંડ્યો. અજયપાલ દેહસ્થલી (આજનું દેથલી) ભાગી જાય અને એ ન છોડવામાં પોતાની સલામતી જુએ એવું કંઈક થવું જોઈએ. એને શસ્ત્રભય બતાવવો નિરર્થક હતો. સૈન્ય-આખું હોય તોપણ તેનાથી ડરવાનું એના સ્વભાવમાં જ ન હતું. એટલે કોઈ બહુ જ વિશ્વાસપાત્ર અંગત રહસ્ય જેવી વાત આનકરાજ એને કરે ને તેવી કોઈ વાત અજયપાલને કહેવા ભવિષ્યના લોભે એ પ્રેરાય – અને એ રીતે અજયપાલ દેહસ્થલી જઈને વસે તો વસે! આ એક જ ઉપાય હતો.   

આનક એક દિવસ અચાનક આવ્યો. મહાઅમાત્ય પાસે એ વખત દુર્ગપાલ ત્રિલોચન બેઠો હતો. આનકના ઉપર મહારાજની અંગરક્ષાનો ભાર હતો. એના સમયનું કોઈ ઠેકાણું નહિ. અત્યારે એ આવી ચડ્યો તે કવખતનું જ હતું. ત્રિલોચનને એનો ભેટો થાય તે પણ બરાબર ન હતું. ઉદયને ત્રિલોચનને પાસેનું એક બારણું બતાવ્યું. ત્રિલોચન એમાં અદ્રશ્ય થઇ ગયો. એટલામાં આનક આવ્યો.

ઉદયને એને પ્રેમથી આવકાર આપ્યો: ‘આવો-આવો, આનકરાજ! આજ જાતો વખત મળ્યો?’

‘શું કરું, પ્રભુ? હમણાં હવા જ એવી છે – મહારાજને એકલા મૂકવામાં હજાર જોખમ છે!’ 

“ભૈ! એ તો મારાથી ક્યાં અજાણ્યું છે? તમ જેવા ભક્ત-સામંતો હોય નહિ ને મહારાજ આમ, પરંપરાવિરુદ્ધ જવાની બાથ ભીડે પણ નહિ. પણ હમણાં તો હવે બધું શાંત લાગે છે. એમ તો પાટણ છે, આનકરાજ! સૌ સમજે છે કે પહેલાં બહારની વાત પતાવી લઈએ, પછી આપણને લડવાની કોણ ના પડે છે?’

‘પ્રભુ પાસે મારા કરતાં વધારે સાચી માહિતી હોય!’

‘કેમ એમ બોલ્યા? અંગત રક્ષાનો ભાર તમે ઉપાડો છો. તમે તો તણખલાને પણ ધ્યાનમાં લ્યો! પણ આનકજી! તમે મહારાજના સાંનિધ્યમાં છો, અંગત હકીકત તમે જાણો એટલી કોઈ ન જાણે. વાત ઊપડી છે કર્ણોપકર્ણ – તેમાં કેટલું સાચું?’

આનકરાજ ઉદયન સામે જોઈ રહ્યો. વાત ઊપડી છે કર્ણોપકર્ણ, પણ કઈ વાત એ મંત્રીશ્વરે કહ્યું જ ન હતું. આનક પણ સો ગળણે ગાળીને પાણી પીએ તેવો હતો. તે બે હાથ જોડીને બેઠો જ રહ્યો. 

ઉદયન સમજી ગયો: ‘કંટેશ્વરીના મહંતની તે દિવસની વાણી તમે તો સાંભળી હશે નાં?’

‘હા, પ્રભુ!’

‘એમાં તથ્ય કેટલું?’

અર્ણોરાજ વિચારી રહ્યો. આણે ફેરવી તોળીને એની એ વાત કહી હતી – લૂતારોગની.

‘વાત તો, પ્રભુ! વા લઇ જાય છે. મોતની વાતને પવન પણ વધુ ફેલાવે!’

‘આનકરાજજી! મેં તમને બોલાવ્યા છે એટલા માટે. આવા અસાધ્ય મહારોગને પણ સાધ્ય કરવાનું અમારા શાસ્ત્રમાં પ્રમાણ છે!’

‘છે? શું છે?’ આનકે આતુરતાથી પૂછ્યું.

‘ભોગ માગે તેવી વાત છે!’

‘કોના ભોગ?’

‘આ રોગ મહારાજનો નથી, રાજગાદીનો છે. સિંહાસન ઉપર જાય છે. એના ઉપર કોઈ બેસે – રાજગાદી લઇ લે – રોગ એને મળે તો મહારાજ મુક્ત થાય! છે તમારી જાણમાં એવો કોઈ રાજભક્ત? તો મહારાજ મુક્ત થાય!’

આનકરાજ બે પળ બોલ્યો નહિ. પછી તેણે હાથ જોડ્યા: ‘મહાઅમાત્યજી! મારા દેહનો ખપ હોય તો હું તૈયાર છું. વહેલેમોડે પડવાની તો છે. પાટણના સિંહાસનને શાપમુક્ત કરતાં એ પડે તો પવિતર થાશે!’

‘અર્ણોરાજજી! તમારી રાજભક્તિ કોઈનાથી હવે અજાણી ન હોય. તમે તમારી જાતને ચૌલુક્યસિંહાસન માટે જાનન્યોછાવરીથી રંગી દીધી છે, એ હવે જાણવાનું ન હોય. પણ આપનો અર્થ સરે નહિ, અને ભોગ અફળ જાય તો? આ વાત તો પ્રચીન સમયની શાસ્ત્રપ્રમાણની રહી. એનો શબ્દેશબ્દ પાળો તો કામનો એકાદ શબ્દ ખોટો સમજાણો તો થઇ રહ્યું. મહારાજની રાજગાદી ઉપર આવનારો વારસ જ આ ઉપાડી લે તો આ રોગ જાય – હું એમ માનું છું. કાં પ્રતાપમલ્લજી, કાં અજયપાલજી. પ્રતાપમલ્લજીને હું વાત કરી જોઉં. તમે અજયપાલજીને નાણી જુઓ. તમને જે રાજભક્તિ વરી છે એ એમના દિલમાં બેઠી હોય તો તેમ, નહિતર આપણી વાત ભલે આપણી પાસે રહી, બીજું શું? પછી તો રાજની લાલચે બીજી રીતે એમને આગળ લાવીને આપણે મહારાજને શી રીતે બચાવવા એ વિચાર આપણે કરવો રહ્યો. સોરઠ જતા પહેલાં આટલું કરી લેવું છે. વખતે દેહ હોય કે ન હોય તોપણ મારે માથે પછી કોઈ ઋણનો બોજો ન હોય! આ વાત આપણી બેની વચ્ચે છે, એમાં ત્રીજાનું કોઈનું કામ નથી. ત્રીજો કોઈ સમજે તેમ પણ નથી. તમે મહારાજનું સાંનિધ્ય સેવ્યું છે ને રાજભક્તિ માણી છે. મારે તો મારો ધર્મ એ પ્રાણરૂપ છે. એમાં જે કથ્યું છે તે આજ બની રહ્યું છે. આમ્રભટ્ટનો ભોગ આપવાથી કામ થાતું હોય તો હું તમને પણ ન બોલાવું! મહારાજ પ્રત્યે એવી મને એક ધર્મપ્રીતિ થઇ ગઈ છે. તમારાથી એ ક્યાં અજાણી છે? બોલો, હવે શું કરવું છે?

ઉદયન બોલીને અર્ણોરાજ સામે જોઈ રહ્યો અર્ણોરાજની રાજભક્તિ પ્રસિદ્ધ હતી, પણ એ અજયપાલને સાચવવામાં પણ એટલો જ તત્પર હતો. અજયપાલ ઉપર લટકતી તલવાર દેખી એ એને ચેતવી દે ને દેહસ્થળી જવા સલાહ આપે એટલે પાટણનું ક્ષેત્ર સ્વચ્છ થતું હતું. દેહસ્થળીમાં અજયને પૂરી રાખવાનું પછી અઘરું ન હતું. એક વખત એ પાંજરે પડ્યો પછી દેખી લેવાય. 

અર્ણોરાજ વિચારી રહ્યો હતો: ‘આ લૂતારોગ મહારાજને શાપરૂપે આવ્યો છે?’

‘એમાં હવે શંકા શી છે? પરંપરા સૌ જાણે છે. લાખા ફૂલાણીના જુદ્ધમાં એની સતી માએ શાપ આપ્યો: ‘જા, તારી સાતમી પેઢીએ કોઢથી નાશ થશે. આ સાતમી પેઢી છે. આ કોઢ પણ આવ્યો છે. વંશવરસ મહારાજનો કોઈ છે નહિ. રાશિ પણ એ પરંપરાને આધારે જ આ જાણી શક્યો હશે. એ ભલેને જે હોય તે, પણ આપણે બેને શું કરવું છે? હું એંશીએ પહોંચ્યો છું. તમે પણ ઠીક ઉંમર કાઢી છે. આપણે બેય, લો ને મહારાજ માટે થઈને શાપ માથે લઈએ, પણ એમ કાંઈ આપણને મળે? ન મળે એ તો કોઈ ગાદી ગ્રહણ કરીને શાપ નિવારવો પડશે; નહિતર મહારાજનો ભોગ લઈને જ આ શાપ જાશે! બોલો, તમે લો છો માથા ઉપર અજયપાલજીને સમજાવવાનું? તો મહારાજને સમજાવવાનું હું માથે લઉં! જીવતાં આવા રાજ્યાભિષેકો થયા પણ છે. કર્ણદેવ મહારાજે જ મહારાજ સિદ્ધરાજને સિંહાસન ઉપર બેસાર્યા હતા!’

અર્ણોરાજે જવાબ વળ્યો: ‘ભલે હું અજયપાલજીને નાણી જોઉં!’

‘નાણી જોવામાં બીજો વાંધો નથી. એ વાત આપણી જાણી જાશે!’

‘ના-ના, જાણે તો શું?’

‘નાયિકાદેવીને જરા જેટલી ગંધ આવશે કે રાજ લેવા જતાં પહેલો કપાળે કોઢ ચોટે તેમ છે, તો એ એક પળ આંહીં નહિ રહે! એ તરત દેથળી ભેગી. આપણી વાત પ્રગટ થઇ જાશે એ નફામાં. ને મહારાજ ઉપર ભય તો ઊભો જ રહેશે!’

‘હું એને ચેતવી નહિ દઉં!’

‘મારે બીજું કાંઈ નથી, વિક્રમરાય પછી આ મહારાજ કુમારપાલ ગાથા પ્રમાણે ધર્મચક્રનો વરસો ધરાવે છે. રુદતીવિત્ત ગયું તે તમે જોયું. મદ્ય-માંસ પણ એમ જ જાવાનાં. અમારિ પણ આવશે. ધર્મમંદિરનો પાયો મહારાજ નાખી રહ્યા છે. એ કામ અધૂરું રહી જાય તો મારું જીવ્યું ન-જીવ્યું થઇ જાય છે! તમને બોલાવ્યા હતા આટલાં માટે. જે જવાબ આપો તે વિચારીને આપજો. મહારાજ પ્રત્યે તમારી નિ:સીમ ભક્તિ રહી એટલે તમને યાદ કર્યા. ન રુચે વાત તો આંહીં જ દાટવાની છે હો કે!’   

‘પ્રભુ! મેં મહારાજ કુમારપાલનું પડખું વર્ષોથી સેવ્યું છે. રાન-રાન ને પાનપાન અમે સાથે રખડ્યા છીએ!’

‘હું ક્યાં નથી જાણતો? એટલે તો મેં તમને યાદ કર્યા!’

‘પ્રભુને હું પછી મળું...’

‘ભલે. પણ જો-જો હો... વાત ફેલાય નહિ. આપણે તો એમની પાસે ભક્તિ હોય તો એમની ભક્તિનો લાભ લેવો છે. ન હોય તો આપણો રસ્તો આપણે કરી લેશું. પણ રહો, તમે આમાં સંમત છો કે નહિ એ તો જાણવું જ રહી ગયું. સંમત ન હો, અર્ણોરાજજી! તો કાંઈ નહિ. એક પ્રભાતે આખું પાટણ જોશે કે મહારાજનો રોગ ગયો છે ને રાજ્યાભિષેકી નવો રાજા ચાર દિનો વૈભવ માનીને પાછો હતો તેવો ખાલીખમ બેસી ગયો છે! એ બધું થઇ રહેશે. એ કર્યા વિના તમારે જવાનું પણ નથી; પણ તમે નાણી જુઓ અજયપાલજીને, હું નાણી જોઉં પ્રતાપમલ્લજીને. ખરી રીતે પ્રતાપમલ્લજીની વાત પણ મને તો નકામી લાગે છે. એક તો તેઓ સીધા વરસ નથી. બીજું. બત્રીશલક્ષણાનો જે ભોગ આવા શાપિત વરસમાં આપવાની વાત થાય છે, એ બત્રીશ લક્ષણની વાત પણ એમને લાગુ પડે તેમ નથી. એ તો સાધુ જેવો સીધોસાદો જુવાન છે. ક્યાં અજયપાલજીનું વીરત્વ અને ક્યાં પ્રતાપમલ્લજીની શાંતિ! એટલે ખરું કામ તો તમારું જ છે. સિંહ જો છે શિયાળ તે આવીને કહેશો ત્યારે ખબર પડશે. પણ જોજો હો, મહારાજ પ્રત્યેની તમારી નિ:સીમ ભક્તિથી પ્રેરાઈને જ આ વાત મેં તમને કહી છે. ન બને તો બીજો ઉપાય થઇ રહેશે, પણ વાત ફેલાવી ન જોઈએ.’

‘ફેલાશે નહિ, પ્રભુ!’

‘ને તેઓ ચેતી ન જવા જોઈએ!’

‘એ પણ નહિ થાય!’

‘થયું ત્યારે, શુભ કરો.’

‘અર્ણોરાજ થોડી વાર પછી ગયો કે તરત ઉદયને ત્રિલોચનપાલને બોલાવ્યો: ‘ત્રિલોચનપાલજી! જરા જોતા રહેજો આ અર્ણોરાજને! એને મહારાજ પ્રત્યે ભક્તિ છે, પણ અજયપાલ પ્રત્યે આકર્ષણ છે. એ અજયપાલને ચેત્વશે જ. દધિસ્થળીમાં અજયપાલ બેસી જાય એટલે ખબર કરજો!’

અર્ણોરાજને કહેલી વાતનું પરિણામ ઉદયન થોડા વખતમાં જોઈ રહ્યો. ધીમેધીમે પાટણમાંથી થોડેથોડે અંતરે દેથળી તરફનો વ્યવહાર વધતો જતો એણે જોયો. એણે ધાર્યું હતું તેમ જ હતું. અર્ણોરાજને મહારાજ પ્રત્યે નિ:સીમ ભક્તિ હતી, છતાં આટલી ત્વરાથી થઇ રહેલું રાજધર્મનું પરિવર્તન, એને પણ ઘણાની પેઠે રુચ્યું ન હતું. તે વિવેકી, ડાહ્યો ને વ્યવહારુ હતો. વળી એના અંતરમાં એણે એક ગાંઠ વાળી હતી. પાટણના સિંહાસનને એ પોતાની જાત સમર્પી ચૂક્યો હતો. એ સિંહાસનનો અભ્યુદય એ એની ભક્તિનો વિષય હતો. રાજાની ભક્તિ કરતાં પણ વધુ એને મન રાજલક્ષ્મીની ભક્તિ વસી રહી હતી. 

અને મહારાજની આ નીતિમાં તો એ પાટણના વળતાં પાણી જોઈ રહ્યો હતો. ભવિષ્યમાં તુરુષ્કોના આક્રમણ સામે એણે ઠેરઠેર બૈરાંછોકરાં, માલમિલકત, મંદિરો લૂંટતા દીઠાં.

એ વિચાર કરી રહ્યો. અજયપાલને વાત કરતાં તાત્કાલિક ઘર્ષણનો ભય એને લાગ્યો. એના વીરત્વની મોહિની એને આકર્ષી ગઈ હતી. આ નીતિ પ્રમાણે તો રાજા કુમારપાલ ધર્મચક્ર ચલાવવા લાંબુ આયુષ ભોગવે તે માટે આ અજયપાલનો ભોગ લેવાનો હતો. એક પ્રભાતે એ રાજા થઇ રહે, બીજા પ્રભાતે કામ સરી જતાં અદ્રશ્ય પણ થઇ જાય!

એણે એમાંથી વ્યવહારુ માર્ગ કાઢ્યો. અજયપાલ દેથળી જઈને શાંત બેસી રહે તો ફાયદો હતો. મહારાજને બીજો વારસ તો હશે નહિ. ખુલ્લું કોઈ ઘર્ષણ ન થાય એમાં જ અજયપાલનું પણ શ્રેય હતું. 

એણે નાયિકાદેવીને વિશ્વાસમાં લીધી. અને એનું ઉદયને ધાર્યું હતું તેવું જ ફળ થયું. દેથળીના સ્થળમાં ચાલ્યા જવાનો ને ત્યાં જઈને જે કાંઈ થાય તે છાની રીતે કરવાનો નિર્ણય લેવાઈ ગયો. 

અર્ણોરાજે ધાર્યું કે ઘર્ષણ ટળ્યું છે. અજયપાલે અચાનક પાટણ છોડી દીધું. બીજે દિવસે નાયિકાદેવી પણ ગઈ. એ પોતાના મંડળમાં જાય એમાં કોઈને શંકા થવાપણું હતું નહિ.

પણ એ તરફ હિલચાલ વધતી ત્રિલોચને દીઠી હતી. એ જાગ્રત જ હતો. એને ખબર મળ્યા કે સૌ ભેગા છે. મહારાજની રાજનીતિ સામે વિરોધ કરવાનો નિર્ણય ત્યારે થશે. 

એક સાંજે એણે અચાનક આવીને મહાઅમાત્યને વાત કરી. આ પ્રમાણે થશે એ તો ગણતરીમાં હતું. ઉદયન શાંતિથી એને સાંભળી રહ્યો. 

‘પણ કોણકોણ હશે, ત્રિલોચનપાલજી! કોઈ પત્તો?’

‘બધા હશે, પ્રભુ! વધુ તો ત્યાં ગયે ખબર પડે! આપણે જવું તો પડશે જ જાણવું હોય તો – ને તે પણ તાત્કાલિક.’

થોડી વાર થઇ એટલામાં આમ્રભટ્ટ પણ દેખાયો. એને ત્રિલોચન કહેતો આવ્યો હતો.

‘આંબડ!’ ઉદયને કહ્યું: ‘જો, ત્યાં સાવધ રહેવાનું છે. આપણને કોઈ ઓળખી જાય નહિ એ પહેલું ધ્યાનમાં લેવાનું છે, તેમ આપણે બીજું કોઈ કામ નથી. અજયપાલ ત્યાં બેઠો રહે એટલે બસ. બીજું બધું ત્રિલોચનપાલજી સંભાળી લેશે. એ ત્યાંથી હવે હમણાં બહાર નીકળી રહ્યો. ફક્ત હાથ આવે તો બર્બરકને પકડવાનો છે!’

‘કેલ્હણ-આલ્હણ ભળ્યા છે, પ્રભુ! બંને ત્યાં હોવા જોઈએ!’

‘ડોસો તો ઠીક – છોકરા પાછળ હેરાન થાય છે. એમને જોઈ લેવાશે! પણ ધારાવર્ષજી છે?’

‘ના.’

‘અને ચૌહાણ?’

‘સોમેશ્વરજી? ના. તેઓ તો ખુલ્લા ઊઠવાની વિરુદ્ધ છે!’

‘થયું ત્યારે. આપણે ત્રણે રાયકા થઇ જઈએ અને રણભદ્રી ઉપર જ ઊપડીએ. વાગજીને ખબર કરતાં જઈએ.

થોડી વાર પછી દેથળીને રસ્તે અંધારામાં એક ઝડપી સાંઢણી ત્રણ જણને લઈને ઊપડી ગઈ. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED