" લીલા ક્યા છે??" ગુસ્સામાં બલરાજે કહ્યું.
" બોસ, લાગે છે એ ગામ છોડીને ચાલી ગઈ છે, અમે આખા ગામમાં શોધખોળ કરી પણ એનો કોઈ અતોપતો નથી મળ્યો..."
હરપ્રીતના ખૂન પાછળ બલરાજને લીલા પર શક ગયો હતો.
" એક કામ કરો, આસપાસના બધા ગામમાં લીલાને શોધી કાઢો, મારે એની લાશ જોઈએ છે એ કોઈ પણ સંજોગે સમજ્યા...?"
" ઓકે બોસ..."
બલરાજના આદમીઓ આસપાસના બધા ગામોમાં લીલાને શોધવા નીકળી પડ્યા.
******
" અંશ બેટા....ક્યાં રહી ગયો હતો? તારી મનપસંદ ખીર બનાવી છે, ચલ આવીને જમી લે..." અંશને આવતા જોઈને કાચા મકાનમાં રહેતી લક્ષ્મીબેને કહ્યું. લક્ષ્મીબેન ચૂલામાં રોટલી શેકવા લાગ્યા. અંશ હાથ મોં ધોઈને મમ્મીની પાસે આવીને બેસી ગયો. અંશને ખાતા જોઈને લક્ષ્મી બેને કહ્યું.
" આ તારા ગોઠણ એ શું થયું?.."
" આ... એ તો બસ હું સાઈકલથી પડી ગયો હતો એટલે.."
" ધ્યાન રાખજે હો બેટા, આજ સવારે જ તારા મોટા અંકલના ખાસ મિત્રનું ખૂન થઈ ગયું, બલરાજ ભાઈની તો હાલત ખરાબ થઇ છે, અજાણ્યા વ્યક્તિથી ખાસ ધ્યાન રાખજે હો દીકરા..."
" મમ્મી, તું મારી ચિંતા ન કર..અને આ બલરાજ અંકલને ભાઈ કહીને બોલાવાની કોઈ જરૂર નથી...મને તો એ અંકલ બિલકુલ પસંદ નથી..."
" એ તારા પપ્પાના મોટા ભાઈ છે, એ આપણા ઘરના સૌથી મોટા વડીલ કહેવાય, એનું સન્માન તો આપણે કરવું જ જોઈએ ને..."
" અને તારા સન્માનનું શું? આખા ગામ વચ્ચે તને બેઇજત કરી હતી એ તું શું ભૂલી ગઈ મમ્મી?"
" દીકરા એ બઘું યાદ ન રાખવાનું હોય, તું એ બઘું છોડ અને આ લે ગરમા ગરમ રોટલી.."
" આ ગરમ રોટલી મારા મમ્મી માટે, મને ખબર છે તે મારા વિના નહિ જમ્યું હોય.." અંશે ગરમ રોટલીનો એક ટુકડો કરી, ખીરમાં બોળીને મમ્મીને ખવડાવ્યો. સતર વર્ષના દીકરામાં આવી સમજણ જોઈને માના હદયમાં એક ટાઢક મહેસૂસ થઇ.
સાંજના છ વાગ્યે બલરાજ હરપ્રીતના અંતિમસંસ્કારે પહોચ્યો. ખૂની કોણ છે ? એની તલાશ હજુ પણ શરૂ જ હતી. અંતિમસંસ્કારની વિધિ પૂર્ણ કર્યા બાદ ગામના સૌ લોકો પોતાના ઘરે જતા રહ્યા. બધાના ગયા પછી સળગતી ચિતા પાસે એક વ્યક્તિ આવીને ઊભો રહી ગયો.
" હરપ્રીત સિંહ, તારા કર્મોનું ફળ તને આ જન્મમાં મળે એ જરૂરી હતું, હવે તું એક નવું શરીર ધારણ કરીને પોતાની નવી જિંદગી શરૂ કરી શકીશ, જેમાં તારે આ જન્મના પાપોનું ફળ નહિ ભોગવવું પડે..ભગવાન તારી આત્માને સદ્બુદ્ધિ આપે..." સફેદ કપડાં પહેરેલાં એ વ્યક્તિ એ પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢી અને સળગતી ચિતાથી પોતાની સિગારેટ સળગાવી.
" બલરાજ તારા અંતની શરૂઆત આજથી થઈ ચૂકી છે...."
********
હરપ્રીતના ખૂન સમયે
" આખી બોડી દર્દ કરે છે...કોઈ પોતાનાં મુલાયમ હાથોથી માલિશ કરી દે તો મઝા પડી જાય.." હરપ્રીત રાતના બાર વાગ્યે લીલાના ઘર પાસે ઊભો રહીને બોલ્યો. ત્યાં જ એની નજર લીલા પર ગઈ. જે પોતાના પતિનો અગ્નિસંસ્કાર કરીને રડતી રડતી પોતાના ઘરે જતી હતી.
લીલાને એકલી જોઈને હરપ્રીતનું મન લલચાયું. મોંમાંથી લાળ પડવા લાગી. આસપાસ નજર કરી તો કોઈ ન દેખાયું અને મોકો મળતાં જ એ લીલાના ઘરમાં ઘૂસી ગયો.
લીલા ઓરડામાં બેસી રડી રહી હતી.
" લીલા...તું ચિંતા ન કર, હવેથી તારી દેખરેખ હું રાખીશ અને પેલા બલરાજને તો તારી નજીક હું ફરકવા પણ નહિ દવ, બસ તું મારી સાથે લગ્ન કરી લે, હું તને રાણીની જેમ સાચવીશ ગોડ પ્રોમિસ..."
" મારા ઘરેથી અત્યારે જ નીકળ...હું તારું મોઢું પણ જોવા નથી માંગતી...હું કહું છું નીકળ..." ઉંચા અવાજે લીલા એ કહ્યું. પરંતુ હરપ્રીત પાછળ હટવાને બદલે એમણે પોતાના કદમ લીલા તરફ આગળ વધાર્યા.
" મારી પાસે નહિ આવતો...." ડરના મારે લીલા આસપાસ પડેલા વાસણો ફેંકવા લાગી. પરંતુ હરપ્રીત પોતાની વાસના પૂરી કરવા તત્પર થઈ રહ્યો હતો. પોતાના શર્ટના બટન ખોલતા ખોલતા એ લીલાની નજીક જવા લાગ્યો.
" લીલા આજ તો તારી સાથે લીલા કરવામાં ખૂબ મઝા આવશે..." એક શિકારીની માફક હરપ્રીત લીલા પર તૂટી પડ્યો. લીલા પોતાનો બચાવ કરવાની ભરપુર કોશિશ કરવા લાગી પરંતુ હરપ્રીત એ બધી કોશિશો નિષ્ફળ કરીને લીલાને પોતાની બાહોમાં દબોચી લીધી.
ક્રમશઃ